Bhool - 4 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ભૂલ - 4

Featured Books
Categories
Share

ભૂલ - 4

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 4

બ્લેક કોબ્રા...!

કંચનની હેન્ડબેગ આંચકી જનાર જે બદમાશને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા એનું નામ દિલાવર હતું.

દિલાવર બ્લેક કોબ્રા ગેંગનો એક ખૂબ જ નીડર અને બાહોશ સભ્ય હતો.

ઈચ્છા ન હોવા છતાં ય ભગત ઉર્ફે મધુકરને તેનું ખૂન કરવું પડ્યું હતું.

જી, હા...દિલાવરનું ખૂન એણે જ કર્યું હતું.

દિલાવરે બ્લેક કોબ્રા ગેંગ માટે કેટલાય જોખમી કામો સફળતાપૂર્વક કર્યા હતા અને પોલીસને તેની ગંધ સુદ્ધાં નહોતી આવી.

પરંતુ કોઈકે સાચું જ કહ્યું છે કે મદારીનું મૃત્યુ સાપના ડંખથી જ થાય છે! માણસ જે માધ્યમથી ઊંચો આવે છે, એ જ માધ્યમથી નીચે પડકાય છે! માણસનું મોત એણે દોરેલી સીમા રેખામાં જ થાય છે!

દિલાવરનું ખૂન કરવા બદલ ભગતને ખૂબ જ દુઃખ હતું. દિલાવરે એક વખત પોતાની જાતને જોખમમાં મૂકીને એને મોતના વિકરાળ જડબામાંથી બચાવી લીધો હતો. એ વખતે તે ધારત તો ભગતને પોલીસના સકંજામાં જકડાયેલો જોઈને તેને ગોળી ઝીંકી શકે તેમ હતો. પરંતુ ભગતને બચાવવા ખાતર એણે એક સબઈન્સ્પેક્ટર અને ત્રણ સિપાહીઓ સહિત કુલ ચાર જણને ગોળીથી વીંધી નાખ્યા હતા. એટલું જ નહીં, એણે ઈજાગ્રસ્ત ભગતને સહીસલામત રીતે તેના બંગલે પણ પહોંચાડી દીધો હતો.

પોતે પણ દિલાવરને પકડેલા દિલીપને મારી નાખવો જોઈતો હતો એવું ભગતને લાગતું હતુ.

પરંતુ હવે અફસોસ કરવાથી કંઈ જ વળે તેમ નહોતું.

માત્ર અફસોસ કરવાથી જ જો કોઈ મૃતદેહમાં પ્રાણ પૂરી શકાતો હતો તો આજે કોઈ જ માણસ નામની આગળ સ્વર્ગીય જેવો શબ્દ ન લાગતો હોત! સુંદર નગરવાળા બંગલામાં પ્રવેશી એ સીધો પોતાના ગુપ્ત ખંડમાં ગયો.

ત્યારબાદ એણે કબાટની તિજોરીમાંથી ટ્રાન્સમીટર સેટ કાઢ્યો અને પછી તેનાં બટનો દબાવવા લાગ્યો.

થોડી પળો સુધી પીપૂ...પીપૂ...નો અવાજ ગુંજીને છેવટે બંધ થઈ ગયો.

‘કોડવર્ડ...’ સામેથી એક ખૂબ જ કઠોર અવાજ તેને સંભળાયો.

‘વાઈટ રોઝ...!’

‘ભગત...?’ બરફ જેવો ઠંડો અવાજ આવ્યો.

એ અવાજમાં કોણ જાણે શું હતું કે ભગતના ધબકારા હંમેશા એકદમ વધી જતા હતા.

‘યસ સર...!’ એણે પોતાના ઊખડી ગયેલા શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં કહ્યું.

‘રિપોર્ટ આપ!’

‘એક દુઃખદ સમાચાર છે સર!’

‘દિલાવર ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો છે, એમ જ તું કહેવા માગે છે ખરું ને?’

‘યસ સર...!’

‘કંઈક ને કંઈક ગરબડ જરૂર ઊભી થશે એ હું જાણતો જ હતો. આ કારણસર જ મેં તને હેન્ડબેગ આંચકવા જેવા મામૂલી કામ માટે ભાડૂતી માણસની મદદ લેવાનું કહ્યું હતું....’ સામે છેડેથી આવતો ઠંડો અવાજ એકદમ ભાવહીન હતો. એ અવાજમાં અફસોસ છે કે ક્રોધ તેનું અનુમાન કરવું અશક્ય હતું.’

‘બહુ સરળ કામ હતું સર! પરંતુ આ કેપ્ટન દિલીપને કારણે આખી બાજી ઊઁધી વળી ગઈ. મારે ઈચ્છા ન હોવા છતાં પણ દિલાવરને ગોળી ઝીંકી દેવી પડી!’

‘આ કેપ્ટન દિલીપ તો સી.આઈ.ડી. વિભાગના ઈન્સ્પેક્ટર નાગપાલનો જ સહકારી છે ને?’

‘હા...’

‘પરંતુ વળી ત્યાં શું કરતો હતા?’

‘એનો ઈન્સ્પેક્ટર મિત્ર વામનરાવ ભૈરવ ચોક પોલીસસ્ટેનનો ઈન્ચાર્જ છે એટલે એ તેને મળવા માટે આવ્યો હતો એવું બની શકે છે. દિલીપ ખૂબ જ હોંશિયાર અને ચાલાક છે! એણે દિલાવરને નાસી છૂટવાની કોઈ તક જ ન આપી.’

‘મારે એનાં વખાણ નથી સાંભળવા...!’

‘દિલાવરના મૃત્ય માટે મને ખૂબ જ અફસોસ છે સર!’ ભગત ધીમા અવાજે બોલ્યો, ‘એને મારી યાજના પર કામ કરતાં પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા તેનું મને ખૂબ દુઃખ છે!’

‘ભગત... જે ભૂલ સુધરી શકે તેમ હોય, એનો શોક વ્યક્ત કરવો જોઈએ! ઉપરાંત, તારી ભૂલ પણ શું છે? હા, જો દિલાવ પકડાઈ ગયો હોત તો એ જરૂર તારી ભૂલ ગણાત!’

‘યસ સર...!’

‘દિલાવરને બદલે તું દિલીપ પર ગોળી છોડી શકે તેમ હતો કે નહીં?’

‘ના...’

‘કેમ...?’

‘મેં દિલાવર પર ગોળી છોડી ત્યારે દિલીપ તેના હાથને મજબૂત દોરડા વડે કેરીયર સાથે બાંધી ચૂક્યો હતો. દિલાવરના બચાવની કોઈ આશા નહોતી. સમય બહુ ઓછો હતો.’

‘દિલાવરનું કુટુંબ છે કે પછી તે આ દુનિયામાં એકલો જ જીવ હતો?’

‘એના કુટુંબીજનો પણ છે...’

‘એના કુંટુબમાં કોણ કોણ છે?’

‘બે બહેન અને ત્રીજી માં...!’

‘તેમને દિલાવરના અવસાનના સમાચાર આપી દે! થોડા દિવસો પછી બે લાખ રૂપિયા પણ મોકલી આપજે! આપણા તરફથી આ દિલાવરને છેલ્લી મદદ હશે!’

‘આપને યોગ્ય લાગે તેમ સર!’

‘હવે શું કરવાનું છે?’

‘સર...આખી યે યોજના બની ગઈ છે.’

‘તો પછી હવે શું ઢીલ છે?’

‘હવે માત્ર વિનોદને જ કાબૂમાં લેવાનો છે!’

‘ક્યારે લઈશ?’

‘આજે સાંજે જ હું તેને મળવા જવાનો છું. એ તૈયાર થઈ જશે એવી મને પૂરી આશા છે!’

‘અને જો તૈયાર નહીં થાય તો?’

‘તો સાત નંબરની ફોર્મ્યલાનો ઊપયોગ કરીશ!’

‘એની પત્નીનું અપહરણ કરાવીને બધું કામ કઢાવી લઈશ!’

‘યસ સર...!’

‘એ પોલીસ પાસે ન દોડ્યો જાય એની ખાસ સાવચેતી રાખજે.’

‘યસ સર...!’

‘કામ પતી ગયા પછી એનું શું કરીશ?’

‘ત્રણસો બે નંબરની કલમનો ઉપયોગ કરી નાખીશ!’

‘ખૂન...?’

‘યસ સર...!’ યોજનાબદ્ધ રીતે થયેલું ખૂન...! ખૂનના બધા પૂરાવાઓ તેની પત્નીની વિરુદ્ધમાં કરી નાખવામાં આવશે.’

‘ઓહ... તો એની પત્નીમાંથી પણ તને રસ ઊડી ગયો છે એમ ને? ખેર, તો તો પછી તારે એને પણ સ્વધામ પહોંચાડી જ દેવી જોઈએ!’

‘એના માટે મેં એક બહુ શાનદાર યોજના ઘડી કાઢી છે સર! સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટમાં વિનોદ કે તેની પત્ની કંચને કંઈ ભાગ ભજવ્યો હતો, એવી કોઈને રજ માત્ર શંકા નહીં ઉપજે.’

‘વેરી ગુડ...તારી યોજના હું પછી સાંભળીશ ભગત! વારૂ, તે ઈલેક્ટ્રોનીક એન્જિનીયર સંતોષકુમારનું શું કર્યું?’

‘સંતોષકુમાર વિશે મેં જરૂર જેટલી બધી માહિતી એકઠી કરી લીધી છે સર! આવતા રવિવારે આપણે યોજનાનો અમલ કરીશું.’ રવિવારે જ સંતોષકુમારે પોતાના આસિસ્ટન્ટ એન્જીનીયરોને સવારે સાડા આઠ વાગ્યે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા છે!’

‘સરસ...આગળ બોલ...’

‘સંતોષકુમારના બંગલે ફાટક પર એક ચોકીદાર રહે છે! એને રાત્રે જ કબજે કરી લેવામાં આવશે. એને બેભાન કરવાની રીત મેં વિચારી લીધી છે.’

‘આ મામલામાં કોઈ જાતની ચૂક કે ભૂલ થશે તો હું તને ગોળી ઝીંકતા જરા પણ નહીં અચકાઉં એટલું યાદ રાખજે!’ સામે છેડેથી આવતો ઠંડા અવાજમાં ચેતવણીનો સૂર હતો.

પોતાની મોતની કલ્પના કરતાં જ ભગત સર્વાંગે કંપી ઊઠ્યો.

ભયનું એક ઠંડું લખલખું એના દેહમાં પગથી માથાં સુધી ફરી વળ્યું.

‘કોઈ...કોઈ ભૂલ નહીં થાય સર!’

‘આ આપણું છેલ્લું કામ હશે...ત્યારબાદ આપણે આ ગેંગ વીખેરી નાંખવાની છે!’

‘હું જાણું છું સર!’

‘વારૂ બીજું કંઈ?’

‘ના...’

‘ઓ...કે...’ સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

ભગતે રાહતનો શ્વાસ લીધો

***

બેંકની ફરજ પૂરી કર્યા પછી વિનોદ ઈમારતમાંથી બહાર નીકળીને નજીક આવેલા એક બસસ્ટેન્ડ પર પહોંચ્યો.

એના ચ્હેરા પર થાક અને નિરાશાના હાવભાવ છવાયેલા હતા.

કહેવાની જરૂર નથી કે આઠ હજાર રૂપિયાને કારણે જ તેની આવી હાલત થઈ ગઈ હતી.

સામાન્ય રીતે એ સિગારેટ બહુ ઓછી પીતો, પરંતુ આજે એ લગભગ આખું પેકેટ ખાલી કરી ચૂક્યો હતો.

પેકેટમાંથી છેલ્લી સિગારેટ કાઢીને એણે ખાલી થઈ ગયેલા પેકેટને ફેંકી દીધું. પછી સિગારેટ સળગાવીને વિશાળગઢના પ્રદૂષિત વાતાવરણમાં પ્રદૂષણનો વધારો કરવાના કામે લાગી ગયો.

‘મિસ્ટર વિનોદ...!’ સહસા તેના કાને કોઈકની બૂમ સંભળાઈ.

એણે અવાજની દિશામાં જોયું.

સામે જ સફેદ કલરની એક મારૂતી કાર ઊભી હતી અને તેની બારીમાંથી એક ચ્હેરો બહાર ડોકિયાં કરતો હતો.

વિનોદ ઊંડો શ્વાસ લઈને, પોતાની નજર એના પરથી ખસેડી લીધી. કોઈ મોટરવાળાને વળી એનામાં શું રસ હોય? જરૂર વિનોદ નામનો કોઈક બીજો માનવી આજુબાજુમાં ઊભો હોવો જોઈએ.

‘મિસ્ટર વિનોદ જોશી...!’ ફરીથી અવાજ ગુંજ્યો.

વિનોદ ચમક્યો...! એને જ બોલાવવામાં આવતો હતો.

એણે ફરીથી કાર સામે જોયું.

કારમાં બેઠેલા માણસે તેની સામે જોઈને સ્મિત ફરકાવ્યું.

હવે શંકાને કોઈ સ્થાન નહોતું રહ્યું.

એ ઝડપથી કાર પાસે પહોંચ્યો.

વળતી જ પળે કારની આગલી સીટનો દરવાજો ઉઘાડ્યો.

‘બેસો મિસ્ટર વિનોદ!’ કારમાં બેઠેલા યુવાને કહ્યું, ‘હું તમને તમારે ઘરે ઉતારી દઈશ!’

એના અવાજમાં એટલી નમ્રતા હતી કે વિનોદ ઈન્કાર ન કરી શક્યો.

એ કારમાં બેસી ગયો.

યુવાન તરત જ ગીયર બદલીને કારને દોડાવી મૂકી.

‘મેં તમને ઓળખ્યા નહીં મિસ્ટર...?’

‘મારું નામ મધુકર છે!’ યુવાન, કે જે વાસ્તવમાં મધુકર ઉર્ફે ભગત હતો. એણે સ્મિત ફરકાવતાં કહ્યું.

‘શું આપણે બંને સાથે જ અભ્યાસ કરી ચૂક્યા છીએ?’ વિનોદે પૂછ્યું. એક અજાણ્યો માણસ શા માટે પોતાનામાં આટલો રસ દાખવે છે, જાણવા માટે તે ખૂબ જ આતુર બની ગયો હતો.

‘ના...આ આપણી પહેલી જ મુલાકાત છે! અલબત્ત, હું તમને ઘણા વખતથી ઓળખું છું...’

‘પરંતુ તમે મારામાં શા માટે આટલોબધો રસ દાખવો છે? મારામાં એવું તે શું છે?’ વિનોદ પૂછ્યું.

‘સાચું કહું...?’

‘બીજા લોકોની જેમ મને સચ્ચાઈ પ્રત્યે નફરત નથી.’ વિનોદ ગંભીર અવાજે બોલ્યો, ‘બોલો, હું તમારી શી સેવા કરી શકું તેમ છું?’

‘અરે... આ વાત તો ઊલ્ટું હું તમને કહેવા માંગત હતો.’

‘એટલે...?’

‘મિસ્ટર વિનોદ, હું તમારો શુભેચ્છક છું અને એ નાત તમે પણ તમારા શુભ-લાભની ફિકર કરો એમ ઈચ્છું છું!’ ભગતે ગંભીર અવાજે કહ્યું.

‘મિસ્ટર મધુકર! માણસ પોતે જ પોતાની જાતનો સૌથી વધુ મોટો શુભેચ્છક હોય છે. એટલે એ વાત મને યાદ કરાવવાની જરૂર નથી. ખેર, તમને શુભ કહી શકાય એવું મારું ક્યું કામ કરી શકો તેમ છો?’ વિનોદ ઉત્સુક અવાજે પૂછ્યું.

‘હું તમને તમારા બધાં કરજમાંથી છૂટકારો અપાવી શકું તેમ છું.’

મધુકરની વાત સાંભળીને વિનોદનું દિમાગ ચકરાવે ચડી ગયું.

એક અજાણ્યો માણસ પોતાના વિશે આટલુંબધું કેવી રીતે ને શા માટે જાણે છે, એ તેને નહોતું સમજાતું.

‘કેમ...? ચમકી ગયા ને...?’ ભગત ઉર્ફે મધુકર સ્મિત ફરકાવતા બોલ્યો, ‘મેં તો તમને પહેલાંથી જ કહ્યું હતું કે તમારો શુભેચ્છક છું! શુભેચ્છક હોવાને નાતે હું તમારી મુશ્કેલીઓ જાણતો હોઉં એ તો સ્વાભાવિક જ છે!’

‘પરંતુ આ વાતોની તમને કેવી રીતે ખબર પડી...? આ મારી અંગત વાતો છે એમ હું તો માનતો હતો.’

‘મેં કહ્યું તો ખરું કે શુભેચ્છક બનવા માટે આવી વાતોની ખબર હોવી ખૂબ જ જરૂરી છે.’

‘તો તમે મને કરજ ચૂકવવા માટે પૈસા આપશો એમ ને?’

‘હા...’

‘આ ભલાઈની પાછળ કોઈક બૂરાઈ પણ જરૂર હોવી જોઈએ. મિસ્ટર મધૂકર, આજના યુગમાં કોઈ, કોઈના પર ઉપકાર કરતું હોય, તો તે સ્વાર્થને કારણે જ કરે છે! સ્વાર્થ વગર કોઈ કશું જ નથી કરતું.’ વિનોદે એના ચ્હેરા સામે તાકી રહેતાં કહ્યું.

વિનોદની વાત સાંભળ્યા પછી તે હસીને બોલ્યો, ‘તમે સાચું કહો છો મિસ્ટર વિનોદ! દરેક નેક હેતુના પાયામાં સ્વાર્થરૂપી પથ્થર હોય છે! તમે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં કેશિયર હોવાને કારણે મારું એક કામ કરી શકો છો!’

એની વાત સાંભળીને વિનોદને આંચકો લાગ્યો.

‘વિનોદ...’ મધુકર ઉર્ફે ભગતે તેને એક વચનમાં સંબોધતાં કહ્યું, ‘હું તારી સાથે કોઈ બળજબરી કરવા નથી માંગતો. પરંતુ તું તારી વાત સાંભળી લે એટલું જ હું ઈચ્છુ છું. મેં હજી તને બીજુ કહ્યું પણ શું છે કે જેને કારણે તુ આમ મિજાજ ગુમાવી બેઠો?’

‘હું સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં કેશિયર હોવાને નાતે તમારું એક કામ કરી શકું તેમ છું, એમ જ તમે કહ્યું હતું ને?’ વિનોદે એની સામે ડોળાં તતડાવતાં પૂછ્યું.

‘હા...’ મધુકર નિર્વિકાર ભાવે બોલ્યો, ‘મેં એમ જ કહ્યું હતું.’

‘મદદ...’

‘કઈ જાતની મદદ? સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં તમારો શું સ્વાર્થ સાધી શકાય તેમ છે?’

‘હું એ બેંકમાં લૂંટ ચલાવવા માંગું છું...!’ જાણે ફિલ્મ જોવા જવાની ઈચ્છા વ્યક્ત કરતો હોય એવા અવાજે મધુકર ઊર્ફે ભગત બોલ્યો.

એની વાત સાંભળીને વિનોદ ખળખળાટ હસી પડ્યો.

ભગતે તેને હસતો ન અટકાવ્યો.

છેવટે વિનોદનું હાસ્ટ થંભી ગયું.

‘વિનોદ...તું સ્ટેટ બેંક ઓફ વિશાળગઢને એકદમ સલામત માને છે, એટલા માટે જ હસતો હતો ને?’

‘હા... એને હું એક શુભેચ્છક તરીકે તમને સલાહ આપું છું કે આ બેંકને લૂંટવાનો, આપઘાત કરવા જેવો વિચાર તમે તમારા મગજમાંથી કાઢી નાખો!’

‘થેંક્યૂ...’ મધુકર ઊર્ફે ભગતે માથું નમાવતાં કહ્યું. ‘તારી સલાહ હું ધ્યાનમાં રાખીશ! આ બેંકને કોઈ પણ સંજોગોમાં લૂંટી શકાય તેમ નથી એમ જ તું તો માને છે ને?’

‘હા...’

‘તો તો પછી હું તારી પાસેથી જે વાત જાણવા માગું છું, એ કહેવામાં તને કંઈ જ વાંધો ન હોવો જોઈએ. કારણ કે મારે તારી વાત સાંભવ્યા પછી પણ છેવટે તો નિષ્ફળ જ જવાનું છે! ખેર, મને સફળતા મળે કે નિષ્ફળતા...પરંતુ હું જે કંઈ જાણવા માગું છું એના બદલામાં તને બે લાખ રૂપિયા એન્ડવાન્સમાં જ આપી દઈશ.’ ભગતનો અવાજ પૂરેપૂરો ગંભીર હતો.

બે લાખ આંકડો સાંભળીને જાણે ભગતે ધરતીકંપ થવાની સૂચના આપી હોય એમ વિનોદ ચમકી ગયો

‘તમે...તેમ...માત્ર થોડી માહિતીના બદલામાં મને બે લાખ રૂપિયા આપશે?’ એણે અવિશ્વાસભર્યા અવાજે પૂછ્યું.

‘હા...’

‘તમારે કઈ જાતની માહિતીની જરૂર છે?’ વિનોદે રોમાંચ ભર્યા અવાજે પૂછ્યું. કોઈક દિવસ આ રીતે ધાડપાડુ ભટકાઈ જશે, એની તો એણે કલ્પના પણ નહોતી કરી.

‘બેંકના વૉલ્ટમાં જે લૉકરો છે તેના વિશે!’ ભગત ભાવહીન અવાજે બોલ્યો.

‘ઓહ...મને તો એમ કે તમે બેંકની સલામતિની વ્યવસ્થા વિશે પૂછશો...’ કહીને વિનોદ હસ્યો.

‘આ કંઈ મારા સવાલનો જવાબ નથી.’

‘લૉકર વિશે તમે શું જાણવા માંગો છો?’

‘એ જ કે વિશાળગઢના ધનવાન માણસોના લૉકરો ક્યાં ક્યાં છે!’

‘નકામું છે!’

‘શું?’

‘તમે વોલ્ટના દરવાજા સુધી જ નહીં પહોંચી શકો તો લૉકર વિશે શા માટે પૂછો છો?’ કહીને જાણે ભગતની બુદ્ધિ પર દયા આવતી હોય, એ રીતે વિનોદે તેની સામે જાયું.

‘એ મારા માથાનો દુઃખાવો છે!’

જુઓ મિસ્ટર મધુકર, તમારે આપઘાત જ કરવો હોય તો બીજા ઘણા બધા સહેલા ઉપાયો છે! નાહક જ કૂતરાના મોતે માર્યા જશો અને ધાડપાડુ કહેવાશો તે અલગ! સ્ટેટ બેંક ઓફ વિશાળગઢને પડતી મૂકીને બીજી કોઈક સહકારી બેંકને લૂંટવાનું વિચારો!’ વિનોદે તેને સમજાવતાં કહ્યું.

‘વિનોદ...!’ ભગત રૂક્ષ અવાજે બોલ્યો, ‘મને મારો બિઝનેસ શીખડાવવાનો પ્રયાસ ન કર! હું મારા બિઝનેસ વિશે તારા કરતાં વધુ જાણું છું...!

‘તમારી ઈચ્છા...! તમને સમજાવવાની મારી ફરજ મેં પૂરી કરી છે.’ વિનોદે બેદરકારીપૂર્વક ખભા ઉછાળતાં કહ્યું.

‘વિનોદ, તારે તો માત્ર એટલું જ જણાવવાનું છે કે અમને ક્યા ક્યા લૉકરમાંથી કીમતી ચીજવસ્તુઓ મળી શકે તેમ છે!’

‘ના...મારાથી આ કામ નહીં થાય...!’ અચાન વિનોદ મક્કમ અવાજે બોલ્યો, ‘હું બેંક સાથે વિશ્વાસઘાત કરીને દેશદ્રોહના પાપમાં નહીં પડું!’

‘દેશદ્રોહ...! ભગતે ખડખડાટ હસી પડતાં કહ્યું, ‘આ દેશનું શાસન કરતાં પણ ઘણા લોકો દેશદ્રોહ કરે છે! આ જાતના કેટલાય નેતાઓને હું ઓળખું છું કે જેના ધર્મ, ઈમાન, સર્વસ્વ માત્ર પૈસો જ છે! એવા કેટલાય ઓફિસરોને હું ઓળખું કે જેમને માત્ર પ્રમોશન અને પૈસા પ્રત્યે જ પ્રેમ છે! અને આ દેશની પોલીસની તું વાત જ જવા દે! આપણા દેશમાં એક સજ્જનને આજે જેટલો બદમાશોથી ભય નથી લાગતો, એટલો પોલીસથી લાગે છે! બદમાશની તાકાતનો જવાબ તો હિંમત અને મજબૂત હાથથી આપી શકાય છે. પરંતુ સરકારી વર્દી પહેરેલા આ ગણપતિઓ (પોલીસ)ની બદમાશીથી કોઈ નથી બચી શકતું. તે ભલે ગુનો ન કર્યો હોય પરંતુ પોલીસ મારફત તેને જરૂર સજા કરાવી શકાય તેમ છે. તો ભાઈ વિનોદ, દેશભક્તિની વાત જવા દે! આ દેશનું ભવિષ્ય કદાચ ભાઈ-ભત્રીજાવાદ, લાગવગ અને ભ્રષ્ટાચાર જ રહી ગયું છે. આજે જો તારે રાજકારણમાં પ્રવેશવું હોય તો તું એક નંબરનો ધૂર્ત, ચાલક, મક્કાર અને ચારિત્ર્યહિન હોવો જરૂરી છે!’

‘આવું ભાષણ કરીને તમે નેતા જરૂર બની શકો તેમ છો, પણ મને નહીં તોડી શકો સમજ્યા?’

‘જો વિનોદ, તું કોઈ કાળે બેંકને લૂંટતી નહીં અટકાવી શકે! અલબત્ત, તારા નસીબનું ઉઘડનારું ફાટક બંધ થઈ જશે.’ ભગત ચીડાયેલા અવાજે બોલ્યો.

‘મને મારા હાથ-પગ પર પૂરો ભરોસો છે મિસ્ટર મધુકર! હું બદલવા માટે કોઈ નિર્ણય નથી કરતો!’

‘ઠીક છે...હું તને લાચાર નહીં કરું દોસ્ત! કારણ કે લાચારીથી કે બળજબરીથી કરાવેલા કામમાં કંઈ ભલીવાર નથી હોતો. એની મને ખબર છે. હું તો માત્ર એટલું જ કહેવા માગું છું કે તું તારો પણ વિચાર કર! શું તને તારુ ભવિષ્ય અંધકારમાં ડૂબેલું નથી દેખાતું?’

‘મારું ભવિષ્ય તમારું મોહતાજ છે એમ તમે માનો છો?’

‘કદાચ...’

‘તમે બકો છો...’

‘હું બકતો નથી. જ્યારે તું હપ્તાની રકમ નહીં ચૂકવી શકે ત્યારે મારી ખોટ નહોતી, એ તને સમજાઈ જશે. તારા ઘરની એક એક ચીજવસ્તુઓની હરરાજી થઈ જશે. કદાચ તારે છેતરપીંડીના આરોપસર સજા ભોગવવી પડશે. પછી...? પછી તારી નોકરી પણ જતી રહેશે.’

‘એનાથી મને કોઈ ફર્ક નથી પડતો!’

‘હા... તેને તો કોઈ ફર્ક નથી પડતો. પણ તે તારી પત્ની અને બાળકોનો વિચાર કર્યો છે ખરો...? તારી પત્નીને કોલગર્લ બનવું પડશે અને...’

‘ચૂપ...’ વિનોદ જોરથી બરાડ્યો.

‘હું તો ચૂપ થઈ જઈશ. પરંતુ મારા ચૂપ થઈ જવાથી જે હકીકત છે, તે કંઈ નથી બદલાઈ જવાની! મારે જે કંઈ કહેવું હતું. એ હું કહી ચૂક્યો છું.’ ભગતે કારને બ્રેક મારતાં કહ્યું, ‘તને મારી વાત મંજૂર ન હોય તો તું જઈ શકે છે?’

વિનોદ અવાફ બની ગયો.

ભગત ઉર્ફે મધુકર તેના કુટુંબની બરબાદીનું જે ચિત્રણ કર્યું હતું, એ તેને કોઈક ભયંકર જંતુની માફક ભયભીત કરી ગયું હતું.

પછી એકાએક એના જડબાં સખતાઈથી ભીંસાયાં.

એના ચ્હેરા પર છવાયેલાં માનસિક તાણના હાવભાવ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા હતા.

‘મને તમારી વાત મંજૂર છે મિસ્ટર મધુકર!’ જાણે કોઈક મક્કમ નિર્ણય પર આવ્યો હોય એવા અવાજે એ બોલ્યો.

ભગત ઊર્ફે મધુકરનો ચ્હેરો હજાર વૉલ્ટના બલ્બની માફક ચમકવા લાગ્યો.

‘મેં તારી પાસેથી આવા જ જવાબની આશા રાખી હતી વિનોદ!’ એણે ઉત્સાહભર્યા અવાજે કહ્યું.

‘મિસ્ટર મધુકર...મારી પત્ની જો ઉડાવ ન હોત તો હું તમારી એક કરોડ રૂપિયાની ઓફરને પણ ઠોકર મારી દેત.’ વિનોદ તટસ્થ અવાજે બોલ્યો. ‘મારી લાચારી જ, મારી પાસે આ ગુનો કરાવે છે. અલબત્ત, અમારી બેંકની સલામતિને તોડવાનું અશક્ય છે, એવા વિચારથી પણ હું આ બાબતમાં થોડો બેફિકર છું.’

‘ઈશ્વર તારા ભરોસાનું રક્ષણ કરે! પરંતુ નહીં કરે એની મને ખાતરી છે!’ ભગતે પોતાના ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢતાં કહ્યું, ‘ખેર, લે...સિગારેટ પી...’

બંનેએ એક એક સિગારેટ સળગાવી

ભગતે પેકેટ તથા લાઈટરને પુનઃગજવામાં મૂકી દીધા.

‘મિસ્ટર મધુકર...’ જો સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં તમે સફળતાપૂર્વક લૂંટ કરી શકશો તો એને હું દુનિયાની આઠમી અજાયબી માનીશ!’ વિનોદે સિગારેટનો લાંબો કસ ખેંચીને મોંમાંથી ઢગલો એક ધુમાડો કાઢતાં કહ્યું.

ધુમાડાના આવરણમાં થોડી પળો માટે એનો ચ્હેરો છૂપાઈ ગયો.

‘લૂંટ તો સો ટકા સફળ થશે જ!’

‘બેંકની સલામતિની વ્યવસ્થા કોમ્પ્યુટરાઈઝ્ડ છે, એ તમે જાણો છો?’ વિનોદે પૂછ્યું.

‘હા, જાણું છું...’

‘ઓહ...તો તમે અગાઉથી જ બધી તૈયારીઓ કરી રાખી છે એમ ને?’

‘એમ જ માની લો...! વારૂ, અમને બેંકના ક્યા ક્યા લૉકરમાંથી વધુમાં વધુ માલ મળી શકે તેમ છે, એ જણાવ!’

‘એ હું અત્યારે જણાવી શકું તેમ નથી, પરંતુ પરમ દિવસ સુધીમાં જરૂર જણાવી દઈશ.’

‘ઠીક છે...પરંતુ એક વાત તું ખાસ યાદ રાખજે વિનોદ...!’ સહસા ભગતનો અવાજ એકદમ કઠોર બની ગયો,

‘શું...?’

‘જો તું અમારી સાથે વિશ્વાસઘાત કરીશ તો એનું પરિણામ તારે માટે ખૂબ જ ભયંકર આવશે! તારે લોહીના આંસુ સારવા પડશે એટલું તું યાદ રાખજે...!’

એના અવાજમાં રહેલી ક્રૂરતા પારખીને વિનોદ મનોમન ધ્રુજી ઊઠ્યો.

માંડ માંડ એણે પોતાના મનોભાવ પર કાબૂ મેળવ્યો.

‘તમે બેફિકર રહો...! હું તમારી સાથે વિશ્વાસઘાત નહીં કરું!’

‘તું આ બાબતમાં તારું મોં બંધ રાખે, એ જ વધુ યોગ્ય રહેશે!’ ભગતે કારને ડાબી તરફ વાળીને કહ્યું, ‘તું પરમ દિવસ સુધીમાં કોઈ પણ સંજોગોમાં મને લૉકર વિશે માહિતી આપી દઈશ ને?’

‘હા...’

‘કેવી રીતે આપીશ?’

‘પરમ દિવસે સાંજે હું તારે ઘરે આવીશ. પરંતુ એ વખતે હું મારવાડીના મેકઅપમાં હોઈશ! છતાંય મને ઓળખી શકે એટલા ખાતર હું તને કોડવર્ડ જણાવું છું. સાંભળ, હું તારી પાસે આવીને કહીશ કે ઉગતા સૂરજને સૌ પૂજે છે.’

‘ઉગતા સૂરજને સૌ પૂજે છે.’ વિનોદ સ્વગત બબડ્યો.

‘ભૂલીશ તો નહીં ને?’

‘ના...’

‘હું આવું ત્યારે તું ઘેર એકલો જ હો એમ હું ઈચ્છું છું. હું રકમ લઈને આવીશ! અત્યારે તું આટલા રાખ!’ ભગતે ગજવામાંથી સો રૂપિયાની નોટવાળા બે બંડલ કાઢીને તેની સામે લંબાવતાં કહ્યું, ‘આ વીસ હજાર છે. બાકીના એક લાખ, એંસી હજાર કામ પતી ગયા પછી આપીશ.’

‘પણ મારી પત્ની બીજા રૂમમાં...’

‘ના...’ ભગત વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં બોલ્યો, ‘તારી પત્ની પણ એ વખતે ગેરહાજર ન હોવી જોઈએ. એ આપણી વચ્ચે થતી કોઈ પણ વાત સાંભળે એમ હું નથી ઈચ્છતો. આ સિવાય તારી પત્નીને હાજર ન રાખવામાં તને પણ લાભ છે. તારી ઉડાઉ પત્ની બે લાખ રૂપિયા જોઈને ફરીથી તને કંગાળ બનાવી દેશે. આ રકમ વિશે તું ન જણાવે એ જ વધુ યોગ્ય રહેશે.’

‘ભલે...તમારી સલાહ હું ધ્યાનમાં રાખીશ.’

‘આ તારો અંગત મામલો છે, પરંતુ બે લાખ રૂપિયા મળ્યાની વાત તમે બંને ખાનગી નહીં રાખી શકો તો બેંક લૂંટાયા પછી પોલીસની નજરમાં આવી જશો. આ રકમ ક્યાંથી મળી એમ તમને પોલીસ પૂછશે.’

‘તમારી વાત સાચી છે. આ વાત હું મારી પત્નીને નહીં જણાવું.’

સહસા ભગતે કાર ઊભી રાખી દીધી.

વિનોદ ચમકીને જોયું તો કાર તેની કોલોની પાસે જ ઊભી હતી.

‘હું પરમ દિવસે સાંજે સાડા છ વાગે આવીશ.’

‘ભલે...’ કહીને વિનોદ નીચે ઊતર્યો.

‘ઓ.કે...’

વળતી જ પળે ભગતની કાર આગળ વધી ગઈ.

કાર અદૃશ્ય ન થઈ ત્યાં સુધી વિનોદ તેની ટેલ લાઈટ સામે તાકી રહ્યો.

ત્યારબાદ વિચારવમળમાં ગોથા ખાતો એ પોતાના નિવાસસ્થાન તરફ આગળ વધ્યો.

પરંતુ એક વાતથી તે સાવ અજાણ હતો.

થોડે દૂર ઊભેલો દિલીપ તેના પર નજર રાખતો હતો.

એની આંખો વિચારવશ હાલતમાં ઝીણી થઈ ગઈ.

***