Mafat no Rotlo? in Gujarati Moral Stories by Artisoni books and stories PDF | મફતનો રોટલો?

Featured Books
Categories
Share

મફતનો રોટલો?

?આરતીસોની?

?મફતનો રોટલો?

     સાંજે જમી ઘરના કામકાજથી પરવારી નેહા પતિ સંજય સાથે ગપાટા મારવા બેસી ગઈ. દીકરાને વેકેશન શરૂ થવાથી હવે એ થોડું હળવાશ મહેસૂસ કરતી હતી.

     એટલામાં દીકરાએ ફરમાઈશ કરી મોમ બરફ ગોળો ખાવા જઈએ. એતો રેડી જ હતી. સંજયને પુછતાં એણે હા પાડી એટલે એ પાકિટ લેવા રૂમમાં ગઈ, પાકિટ ન મળતા ખૂબ ચિંતામાં આવી ગઈ. એને યાદ આવ્યું કે એક બે દિવસ પહેલા શાક લેવા નિકળી હતી ત્યારે પાકિટ ચોક્કસ શાકની લારી પર ભૂલી ગઈ લાગે છે.

સંજયે સમજાવતાં કહ્યું,

 ”પાકિટ આડા હાથે મૂકાઈ ગયું હશે તું ખોટી ચિંતા ન કર મળી જશે. તારા ચહેરા પર ચિંતાની લકીરો જરા પણ સુટ નથી થતી. પાકિટ મળી જશે, અને નહિં મળે તો શું થયું મારા માટે અગત્યની તું છે. નેહા મેડમ ચાલો જલ્દી આપણે બરફ ગોળો ખાવા જઈએ પાકિટ નવું આવશે..”

”અરે સંજય પાકિટ તો નવું આવશે પણ અંદર રૂપિયા હતા.”

સંજયે વાત કાપતા કહ્યું,

”અરે રૂપિયા થોડા વધારે કમાઈ લઈશું તું ચિંતા ન કર.”

     નેહા પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાઈ રહી હતી, પરંતું સાથે પતિ સંજયનો પ્રેમ જોઈ ગદગદ થઈ ગઈ.

     સંજયે સમજાવ્યાં છતાં બીજા દિવસે સવારથી કોણ જાણે નેહાને પાકિટ ખોવાઈ જવાથી ચિંતિતમાં થોડી બેચેની જેવું લાગતું હતું. કામમાં ચિત્ત ચોટતું નહોતું. થોડું ઘણું પરાણે કામ પતાવ્યું ન પતાવ્યું કરી રસોડું નિપટાવી સોફામાં આડી પડી. છાપું વાંચવાની કોશિશ કરી, પરંતું મન વ્યાકુળ હતું. વિચારોના ધણે માજા મૂકી હતી, ઉંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, થોડીક વાર મોબાઈલમાં વોટ્સએપમાં ગપાટા મારતી પડી રહી. હવે સાંજ પડવા આવી છે એ શાકવાળો આવી જ ગયો હશે. એમ મનોમન બબડતી સાંજ પડ્યાં પહેલાં જ તૈયાર થઈને એક્ટિવાને મારતે ઘોડે ચલાવી પહોંચી શાકની લારીએ. જ્યાંથી રોજ એ શાક લેતી હતી. એ શાકવાળો દરરોજ એક જ જગ્યાએ આવી ઊભો રહેતો હતો. એના મનમાં કંઈ કેટલાયે સવાલો ઊભા થયા, 'શાકવાળાની લારી પર પાકિટ રહી ગયું હોય તો પાછું તો ન જ આપે. શું કામ આપે.. એક સામટી આખા મહિનાની મહેનતના રૂપિયા હાથમાં આવી જાય પછી કોણ આપે..'

   ભ્રમિત વિચારો કરતી નેહા થોડીવારમાં ત્યાં પહોંચી ગઈ, પરંતું શાક વાળો હજુ આવ્યો નહોતો. નેહાએ ત્યાં બીજો કોઈ શાકવાળો ઊભો હતો તેને પુછ્યું કે,

”અહિં રોજ ઊભો રહે છે એ શાકવાળો નથી આવ્યો?”

”ના મેડમ એ બે દિવસથી આવ્યો જ નથી.”

     નેહા આ સાંભળી મનમાં બબડવા લાગી. 'ક્યાંથી આવે હવે આટલો મોટો દલ્લો હાથ લાગ્યો છે.' આવા વિચારો સાથે એણે એક્ટિવા ચાલું કર્યું ને નિકળતી જ હતી ને પેલાં બીજા શાકવાળાએ કહ્યું.

”ઊભા રહો મેડમ..લ્યો આ પરશો આવી ગયો.”

   નેહા એ જોયું પરશો લારી લઈ દોડતો દોડતો આવતો હતો. આવતા વેંત એણે એના ગલ્લામાંથી પાકિટ કાઢી આપતા કહ્યું.

”મેડમ લો આ તમારું પાકિટ બે દિવસ પહેલાં તમે મારી લારી પર જ ભૂલી ગયા હતા, શાકના પૈસા આપ્યા પછી આ શાક ભરવાની ગડમથલમાં.. મેં મારા ગલ્લામાં સાચવીને મૂકી દીધું હતું. એ દિવસે બહું મોડા સુધી તમારી વાટ જોઈ પણ તમે પાછા લેવા આવ્યા જ નહીં. ઘરે ગયોને મારો છોકરો બહું બિમાર પડી ગયો હતો. એની બે દિવસ તબિયત ખરાબ રહી, આજે થોડું સારું થયું એટલે તમારા પાકિટ હારું હું ભાગતો આવ્યો.”

   એકી શ્વાસે પરશાએ બધું બોલી નાખ્યું. નેહાએ પાકિટ ખોલી જોયું, પણ બધું અેમજ હતું. કંઈજ આઘુંપાછું કર્યુ હોય અેવું ન લાગતા બોલી.

”પરશા તને જરાપણ લાલચ ન થઈ પાકિટના રૂપિયા લેવાની.”

”ના મેડમ મારા બાપુએ શીખવ્યું છે મફતનો રોટલો પચે નહીં કદિ.”

”તને ખબર છે આમાં કેટલા રૂપિયા છે.?”

”ના મેડમ મેં તમારું પાકિટ ખોલીને જોયું જ નથી. જોવું તો લાલચ થાય ને?”

”આમાં પુરા બાર હજાર છે, જે હું કરિયાણાનું બિલ ચૂક્તે કરવા લઈ નીકળી હતી. પરંતું કરિયાણાની દુકાન બંધ હોવાથી સીધી શાક લેવા આવી ગઈ હતી.”

    આજે નેહા પ્રભુનો પાઢ માનવા લાગી કે, 'ખરેખર આ દુનિયામાં સારા માણસો પણ છે.' સાથે સાથે એના પતિ સંજય પ્રત્યે પણ માન ઊભરી આવ્યું કે, 'પત્નિની બેદરકારી હતી છતાં પ્રેમથી વાત સંભાળી લીધી..'

   અને એણે પરશાને એની ઈમાનદારીના એક હજાર રૂપિયા બક્ષિસ આપી.. પરશો રૂપિયા લેવાની ના પાડતાં નેહાએ કહ્યું, "લઈ લે ભાઈ હું ખુશ થઈને આપું છું.. તારો દીકરો પણ બિમાર છે, કામ લાગશે.. આ તો તેં પાકિટ પાછું આપ્યું, ન આપ્યું હોત તો કદાચ, હું ખોવાઈ ગયું સમજી લેત.. આ તારી ઈમાનદારીની કમાણી છે. મફતની નહીં."
પરશો આંખમાં ઝળઝળીયા સાથે બોલ્યો, "મેડમ ડૉક્ટરની ફી ચૂકવી દીધી છે, પણ દવાના રૂપિયા બાકી છે, એ હમણાં જ જઈને ચૂકતે કરી દઉં છું. મારી ઘરવાળી ખુશ થઈ જશે."

અને નેહા મનોમન ખુશ થતી બોલી..
"માનવતા મરી નથી પરવારી..
ખરેખર હજી પણ છે જીવતી.."

-અસ્તુ.
        આરતીસોની