અંતરનો અરીસો
હિમાંશુ મેકવાન
ભાગ - 5
૪૧.
“બધું કરે?”
આશિક છે કહો કેટલું બધું કરે?
હયાતી આપની મુજને રજૂ કરે!
ડહાપણ ઈચ્છો છો તમે ભાર જુવાનીમાં;
ઘડપણ લઈ સહારો પુરાવા રજૂ કરે!
કવિ છો તો કલ્પનામાં કરો મજા ,
વાસ્તવિકમાં તો મન બસ આરજૂ કરે!
વાહ લઈ દુનિયાની શું મળે કોઈને?
આક્રંદ એકલું જાતે જ કાળજું કરે!
હસતાં રહેવાની પ્રથા કોને પાડી છે?
મકાનની હાલત બયાં છજું કરે!
૪૨.
“પ્રેમના જખમ”
પ્રેમના જખમનો આવીને હિસાબ કર,
થાકી ગયો છું હવે મને માફ કર.
સઘળાં પ્રેમપત્રો ફાડી દે હવે,
પ્રેમના શબ્દને તું હવે સાફ કર.
છે ખુદા તો આવીને હિસાબ માંગશે ,
તું ખુદા બનીને ના હવે ઇન્સાફ કર.
મળી છે જિંદગી તો જીવવા દે મને ,
તારી ફાની દુનિયામાંથી મને આબાદ કર.
છે સમર્પિત સઘળું દુ:ખ,સુખ ને હાર જીત,
આપી દે મારા ભાગનું ને મને બરબાદ કર!
૪૩.
“ખાલી મકાન”
જરૂરિયાત મોટી થઈ સ્વાભિમાન કરતાં ,
આંખો ભીની થઈ ,ખાલી મકાન કરતાં,
શું લઈને નીકળ્યાં ? કપડાં ને બે જોડ જૂતાં?
પાંખોનું થયું વજન વધારે વિમાન કરતાં!
એ સઘળાં આજે મારી સામે ઊભાં છે,
જે બધાં રહેતાં હતાં સલામ કરતાં !
ન્યોછાવર હું થઈ ગયો હવે તો,
સ્મશાને તો લાવ્યાં છો રામ રામ કરતાં!
તું ,હું અને આ દુનિયાદારીની સમાજ,
થાકી જવાય છે હિસાબ તમામ કરતાં!
એક દીવાલ ભીંત કરો ને સૂર્ય મધ્યાહને ,
પડછાયો થાક્યો છે હવે વિરામ કરતાં!
૪૪.
”ના બદનામ કરો”
મદિરાને અમથી ના બદનામ કરો,
પીધા વગર બસ ગઝલને સલામ કરો!
સાવ સરળ ને સીધો ઉપાય કહું?
સ્વજન બધાં બોલાવો,સાકીને ગુલામ કરો!
એક આખા જામમાં બહેકી જવાય છે ,
જમાનાને શું નિસ્બત ,હિસાબ તમામ કરો!
તમે આજ લાગી દિલમાં રહ્યાં છો તો ખરાં;
અજાણ્યા બન્યાં ને હવે ખાલી મુકામ કરો!
હું મારું પોતાનું ફોડી લઈશ આખરે,
તમે જાવ ને હવે તમારું કામ કરો!
વરસી નહીં વાદળી, ગરજી બહુ બધી;
થકી હસે ખાલી એને કહો વિરામ તો કરો !
૪૫.
”બહાર કોણ છે?”
આયનાનો છે સવાલ, બહાર કોણ છે?
તું નથી ત્યાં તો આ આરપાર કોણ છે?
નદીનાળાનું નામ લઈ વહી રહ્યો છે જે ,
એ સમંદર જેવો ધરાર કોણ છે?
મેં તો મારી જાતને બાંધી રાખી હતી,
કરતું એ મુજમાં વિહાર કોણ છે?
ને સ્વની ખોજમાં એટલો બન્યો આતુર,
હુંય પૂછું કે મુજમાં એ ઉધાર કોણ છે?
રૂબરૂમાં હવે આવવું પડશે તમારે,
સમસ્યાનો તમારા વગર ઉધ્ધાર કોણ છે ?
૪૬.
“કે’ હું છું;”
નામ કોઈ પૂછે ધરાર તો કે’ હું છું;
આયનામાં આવે સવાલ તો કે; હું છું!
સતત બહારની દુનિયામાં વ્યસ્ત છો ,
અંદર ઘુસે જે એ વધાર તો કે’ હું છું!
આમ છૂટક લાગણી વેચાતી રહી,
એ પૂછે કેવા છે કે વખાર તો કે’ હું છું!
પ્રેમ તો મે બસ ન્યોછાવર થઈ કર્યો,
ના ધાર ના આધાર બસ કે’ હું છું!
આવો ને હવે વરસો અપરંપાર જરા ,
થાક્યા નયને મેઘમલહાર તો કે’ હું છું!
નામમાં પાગલ એકલો હું નથી પ્રેમમાં ,
સામે આખો જમાનો ને નિરાધાર તો કે’ હું છું!
૪૭.
“આપની હયાતી”
આપના હોવાની ખાતરી એમ થાય છે,
રસ્તા લાંબા ને તોય મંઝિલ દેખાય છે!
ફૂલો મહીં દહેશત ફેલાઇ રહી છે,
આપના ઘરની હવા ત્યાંથી પસાર થાય છે!
ભાર લાગતો હશે ફૂલનો ડાળીને હવે ,
તોય અદબ જુવો એ કેવી ઝૂકી જાય છે!
પ્રેમ લાગણી ને બધું જિંદગી માહીં
એના વગર કહોને કોઈનાથી ક્યાં જીવાય છે?
આપના આવવાનું કારણ ચોક્કસ હશે,
ઘરની મારા ચોખટ કેવી મલકાય છે?
તમારા વગર કોઈ આરો હોઈ પણ શકે?
મોજાંને દરિયાના કિનારા સાથે જ પ્રેમ થાય છે!
૪૮.
“એકલતાની મજા”
એકલતાની મજા કઈંક અલગ છે,
ને દિલના જખમોની દવા કઈંક અલગ છે!
બહુ દિવસે આયનામાં જોયું અને લાગ્યું
આપની યાદોની હવા કઈંક અલગ છે!
હા થાક્યો છું વાત સાચી પ્રેમમાં;
પણ હાર્યો છું એ અફવા કઈંક અલગ છે!
તુંય આવીને જોતો ખરી દશા મારી;
જૂના નથી એ જખમો નવા ને કઈંક અલગ છે!
ઈશ્વરનેય હવે તો દયા આવતી હશે
કારણકે મારી દુઆય તે કઈંક અલગ છે!
આમ ને આમ જીવન પૂરું તો કર્યું પણ,
કબરમાં કફનની મજા જ કઈંક અલગ છે!
૪૯.
“જાત આપી દઉં”
કઈંક કો’ક દિ અજવાળાને જાત આપી દઉં;
દીવો છું હું સળગીને અંધારાને મા’ત આપી દઉં!
તારી અગાશીએ ચાંદ લાગતો હશે સુંદર તને,
એને કહે કે થોડા ઉધાર અંધાર આપી દઉં!
મધ્યાહને હોય સૂરજ ને વાદળ આવી પણ જાય ;
નાની વાદળીયે ચોધાર આંસુ આપી દઉં!
આવો અને આ હાલત તો જુઓ મારી;
હું બિમારનેય હવે બિમારી આપી દઉં!
શું તમેય સાચા વિવેચક ઠર્યા છો હવે?
કે તમનેય વિચારો ઉધાર આપી દઉં?
૫૦.
”પ્રેમ અલગ છે !”
રંગત મીરાં બજારની અલગ છે ;
પ્રેમ કહો છો,એની જાત અલગ છે !
મેં કઈંક કેટલો મઠાર્યો હતો એને,
ને તોયે તે એની તો વાત જ અલગ છે!
આવો, બેસીને હવે હિસાબ કરો તમામ તમે;
મોઘમ બની રહી જોવા ખ્વાબ કઈંક અલગ છે!
હું અને તું આપણે થયાં છીએ એ પછી
આ નોખાં હિસાબ કઈંક અલગ છે!
ધ્યાન દોરવા ખાતર ઘંટડી વગાડી હતી,
બાકી રહેલા અરમાનોની ઘોર કઈંક અલગ છે!
***