movie review bharat in Gujarati Film Reviews by Siddharth Chhaya books and stories PDF | મુવી રિવ્યુ - ભારત

Featured Books
Categories
Share

મુવી રિવ્યુ - ભારત

“આપણા ભારત જેવો જ ભારત - થોડો કાચો થોડો પાક્કો!”

ભારત ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ લખનાર સહીત ઘણાને એમાં ‘કવિ સલમાન ખાન’ શું કહેવા માંગે છે એ સમજી શક્યા ન હતા, કદાચ સલમાનના જ ડાયલોગ અનુસાર “મેં દિલમે આતા હું, સમજ મેં નહીં” એ પ્રકારે. પરંતુ ફિલ્મ પણ જો એવી અધકચરી કે ક્ન્ફ્યુઝીંગ નીકળે તો રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા આવેલો દર્શક બિચારો ક્યાં જાય?

ભારત

કલાકારો: સલમાન ખાન, કેટરીના કૈફ, સુનિલ ગ્રોવર, સોનાલી કુલકર્ણી, દિશા પાટની, આસિફ શેખ, કુમુદ મિશ્રા, તબુ અને જેકી શ્રોફ

નિર્માતાઓ: સલમાન ખાન અને ભૂષણ કુમાર

નિર્દેશક: અલી અબ્બાસ ઝફર

રન ટાઈમ: ૧૬૨ મિનીટ

૧૯૪૭ના ભાગલા સમયે થયેલા કત્લેઆમથી બચવા લાહોર પાસે મીરપુર સ્ટેશનના સ્ટેશન માસ્તર (જેકી શ્રોફ) અને તેની પત્ની (સોનાલી કુલકર્ણી) તેમજ દીકરો ભારત (સલમાન ખાન) અને અન્ય ત્રણ સંતાનો સાથે દિલ્હી આવવા માટે ટ્રેનમાં બેસે છે. પરંતુ ભારતથી તેની નાની બહેનનો હાથ છૂટી જતા તેને શોધવા તેના પિતા મિરપુર જ રોકાઈ જાય છે એવું વચન આપીને કે તેની દિલ્હીમાં રહેતી ફઈની રેશનની દુકાને એક દિવસ તેઓ જરૂર આવશે અને જ્યાં સુધી તેઓ પરત નથી આવતા કુટુંબની જવાબદારી ભારતે વહન કરવાની છે.

બસ, બાળપણમાં જ ભારત પર આ મોટી જવાબદારી આવી જાય છે જેને તે ઘણી મુશ્કેલીઓ સાથે નિભાવવાની શરૂઆત કરે છે. તેની આ સફરમાં તેને જીગરજાન મિત્ર મળે છે વિલાયતી (સુનીલ ગ્રોવર) અને બંને એક સાથે જિંદગી સામેનો જંગ લડવાનું શરુ કરે છે. નાનપણમાં આ બંનેને સર્કસમાં નોકરી મળે છે જે તેમની યુવાની સુધી ટકી રહે છે. અહીં ભારતને રાધા (દિશા પાટની) મળે છે, બંને વચ્ચે પ્રેમ થાય છે, પરંતુ એક ખાસ કારણસર બંને છુટા પડી જાય છે.

હવે ભારત અને વિલાયતી બીજી નોકરી શોધવાની શરુ કરે છે. એક દિવસ ખબર પડે છે કે અખાતી દેશોમાં તેલ મળી આવ્યું છે અને આથી ત્યાં અસંખ્ય નોકરીઓ ઉપલબ્ધ છે. નોકરી આપનાર સંસ્થાની ઓફિસર કુમુદને (કેટરીના કૈફ) જોતાની સાથે જ ભારત તેના પ્રેમમાં પડી જાય છે. પછી તો ભારતના મુશ્કેલ જીવનની સફર છેક અખાતી દેશ થઇને મર્ચન્ટ નેવી સુધી ચાલે છે અને ભારતમાં આવીને ખતમ થાય છે.

આ આખી સફરમાં ભારતને કુમુદ અને વિલાયતીનો ભરપુર સાથ અને નક્કર સમર્થન મળે છે. ભારત માત્ર પોતાના કુટુંબ માટે અને પોતાના બાબુજીની રાહમાં જીવન વિતાવે છે અને વૃદ્ધ થાય છે. આ સમયે દિલ્હીની એના ફઇની દુકાનના સમગ્ર વિસ્તાર માટે રીડેવલોપમેન્ટની ઓફર ભારત ઠુકરાવે છે અને આ ઓફર લઇ આવનારા વ્યક્તિ સાથે દુશ્મની વહોરી લે છે.

આમ થવા પાછળ એક ઈમોશનલ કારણ છે જે તમને ફિલ્મ જોવાની સાથે જ ખબર પડશે.

રિવ્યુ

ભારત ફિલ્મનું સહુથી મોટું જમા પાસું એ છે કે ફિલ્મની ગતિ ફાસ્ટ છે એ ક્યાંય રોકાતી નથી. હા, અંત જરા વધારે પડતો ખેંચાયો હોય એવું લાગે ખાસકરીને વાઘા બોર્ડરવાળા દ્રશ્યો હજી પણ ટૂંકા કરાવી શકાયા હોત પરંતુ ઓવરઓલ ફિલ્મ ક્યાંય ધીમી પડતી નથી અને તે બાબત જ ફિલ્મને મનોરંજક બનાવે છે. આ ઉપરાંત ફિલ્મમાં દરેક ભાવનાત્મક દ્રશ્ય પહેલા અને પછી સલમાનના કેટરીના અથવાતો સુનિલ ગ્રોવરના કોમિક સિક્વન્સ વણી લેવાયા છે જે ફિલ્મને સતત હળવી રાખે છે.

ટ્રેલરથી ઉલટ ફિલ્મને સમજવી આખેઆખી સરળ છે અને ક્યાંય કોઈ જ મોટી ફિલોસોફી કે પછી ગૂંચવાડાભર્યા દ્રશ્યો નથી. હા અમુક દ્રશ્યો એટલેકે સોમાલિયાવાળી સિક્વન્સમાં હાસ્ય ઉમેરવા જતા તે હાસ્યાસ્પદ થઇ ગયું છે જેને ટાળી શકાય એમ હતું.

સામાન્યતઃ સલમાન ખાનની ફિલ્મો સલમાન પોતે જ પોતાના ખભા પર લઇ જતો હોય છે પરંતુ આ ફિલ્મમાં થોડો ફેર છે. આ ફિલ્મમાં સલમાન સાથે સુનિલ ગ્રોવર અને કેટરીના કૈફે પણ ફિલ્મને ચલાવવાની જવાબદારી સરખેભાગે વહેંચી લીધી છે. અદાકારીના મામલે કેટરીના કૈફ ખરેખર મેચ્યોર બની છે અને તે ભારતમાં સ્પષ્ટપણે દેખાય છે. સુનિલ ગ્રોવર માટે તો ઘણા વર્ષો પહેલા કહેવાઈ ચૂક્યું છે કે તે ટીવી શોઝમાં નાહક પોતાનો સમય બગાડે છે એ ખરેખર સારો ફિલ્મ કલાકાર છે.

જેકી શ્રોફ ફરીથી ઈમ્પ્રેસ કરે છે, તો સોનાલી કુલકર્ણી એના સ્થાને બરોબર છે. નાની ભૂમિકાઓમાં કુમુદ મિશ્રા, સતીષ કૌશિક, તબુ અને દિશા પાટની બરોબર ચાલી જાય છે. આસિફ શેખનો રોલ નાનો છે પરંતુ તે ‘ભાભીજી ઘર પે હૈ’ ની ઈમેજને અહીં સારી રીતે નિભાવે છે જે તેને માટે એક મોટો પ્લસ છે.

સલમાન ખાન અહીં યુવાન, આધેડ અને વૃદ્ધ એમ ત્રણ ભૂમિકા એક સાથે ભજવે છે. યુવાનીની ભૂમિકા તો તેની ઈમેજને અનુરૂપ છે જ પરંતુ આધેડ અને વૃદ્ધની ભૂમિકાઓમાં એ ક્યાંક કાચો પડતો હોય એવું લાગે છે, કારણકે ગેટઅપ ભલે વૃદ્ધનો હોય પરંતુ તેની ચાલ ઢાલ કે પછી બોલવાની રીતથી એ બિલકુલ પણ વૃદ્ધ નથી લાગતો.

ફિલ્મ ક્યાંક ક્યાંક ગોથાં ખાય છે અને ક્યાંક એવું લાગે કે અહીં થોડું વધુ સારું પરિણામ લાવી શકાયું હોત. ખાસકરીને અંત જે આખી વાર્તાને ન્યાયસંગત હોવો જોઈએ એ નથી બન્યો તે છેલ્લે થોડું નિરાશ કરે છે. બાકી ફિલ્મની ગતિ, સતત હળવાશ, કેટરીનાની સુંદરતા, સુનિલ ગ્રોવરની કોમેડી અને સલમાન ખાનના ચિતપરિચિત અંદાજને લીધે અઢી કલાક અને બીજી સત્તર મિનીટમાં ક્યારેય કંટાળો નથી આવતો.

ફિલ્મ ભલે ઈદને કારણે અઠવાડિયાની મધ્યમાં રિલીઝ થઇ હોય પરંતુ તમને જ્યારે સમય મળે ત્યારે સહપરિવાર તેને જરૂર જોવા જઈ શકો છો કારણકે ભારત સહપરિવાર જોઈ શકાય એવી બની છે.

૦૫.૦૬.૨૦૧૯, બુધવાર (રમઝાન ઈદ)

અમદાવાદ