ruh sathe ishk - 36 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 36 છેલ્લો ભાગ

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 36 છેલ્લો ભાગ

              રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 36 છેલ્લો ભાગ

શીલા ને બચાવવા નટુની સાથે કબીર ટેકરી પર મોજુદ દેવીનાં મંદિરે પહોંચી જાય છે..ઠાકુર તો કબીરનાં ગોળીનાં વારથી બચી જાય છે પણ કબીર પહેલાં ચમન અને લાલજી અને બાદમાં રાધાની મદદથી વીર ની હત્યા કરી દે છે..બીજી તરફ હવે ઠાકુર શીલા ની ગમે ત્યારે બલી આપી શકવાની તૈયારીમાં હતો.
રાધા સાથે પોતાનું થયેલું આ મિલન શાયદ આખરી છે એવું વિચારી કબીર એને ગળે લગાડીને ઉભો હતો ત્યાં એમનાં કાને નટુ નો અવાજ આવ્યો.
"ઠાકુર..હું તને જીવતો નહીં છોડું.."
નટુ નો અવાજ સાંભળતાં જ કબીર દોડીને શીલા ની જ્યાં બલી આપવાની તૈયારી થઈ રહી હતી એ તરફ ભાગ્યો..હવે કબીર ને શીલાની સાથે નટુ ની પણ ચિંતા થઈ રહી હતી..કેમકે ક્યાં કદાવર દેહનો માલિક ઠાકુર પ્રતાપસિંહ અને ક્યાં સુકલકડી દેહનો ઘણી નટુ..અને વધારામાં નટુ જોડે કોઈ એવું શસ્ત્ર પણ નહોતું જેનો ઉપયોગ કરી એ ઠાકુરને માત આપી શકે.
કબીર જ્યારે ચમન,લાલજી અને પછી વીર ને ખત્મ કરી રહ્યો હતો ત્યારે ઠાકુર પ્રતાપસિંહ તો આજુબાજુની દુનિયાથી મુક્ત ફક્ત પોતાનાં ધ્યાનમાં મગ્ન હતાં.. શીલા ની બલી આપી ઠાકુર હવે સર્વ શક્તિમાન થવાં ની પોતાની મહેચ્છા સિવાય બીજું કંઈપણ નહોતો વિચારી રહ્યો.. મંત્રોચ્ચાર પૂર્ણ થતાં જ ઠાકુરે પોતાની તલવાર ને મ્યાનમાંથી કાઢી અને એ તલવાર ને આકાશ તરફ ઊંચી કરી પોતાનાં ચહેરે લગાવી..આ જોઈ ત્યાં છુપાયેલો નટુ સમજી ગયો કે ઠાકુર એક જ મિનિટમાં શીલાને મારી નાંખશે.
કબીર ત્યાં આવ્યો નહોતો એટલે હવે આ ઘડીએ બીજું કંઈપણ વિચાર્યા વગર જ નટુ જ્યાં છુપાયો હતો ત્યાંથી બહાર આવ્યો અને દોડીને ઠાકુરનાં પેટ પર પોતાનું માથું બળપૂર્વક અથડાવી બોલ્યો..
"ઠાકુર હું તને જીવતો નહીં મુકું.."
નટુ નાં અથડાવવાથી ઠાકુર નો દેહ ચાર ડગલાં પાછો જરૂર હટી ગયો પણ નટુ નાં આ વાર ની એની પર વધુ અસર ના થઈ..ઉલટાનું નટુ ને તમરીયા આવી ગયાં.
"ઓહો..નટુ..તું આવ્યો છે મારો મુકાબલો કરવાં.."નટુ ને જોતાં જ કટાક્ષમાં ઠાકુર બોલ્યો.
"હા,હું અને મોહન મળીને તને ખતમ કરી દઈશું..તારાં સાથીઓ અને દીકરો તો મોહનનાં હાથે લગભગ મરી જ ગયાં હશે.. હવે તારો વારો છે.."નટુ પણ હવે લડી લેવાનાં મૂડમાં હતો એટલે ઠાકુરનાં હાથમાં રહેલી ચમકતી તલવારથી ડર્યા વગર બોલ્યો.
"કોણ મોહન..અને કોને માર્યો મારાં દીકરા વીર ને..?"નટુ ની વાત સાંભળી આશ્ચર્ય અને રોષ સાથે ઠાકુરે કહ્યું.
"ભૂલી ગયો મોહન ને..હું એ મોહનની વાત કરું છું જેની થનારી પત્ની રાધાની હત્યા કરી એને તમે આત્મહત્યા નું સ્વરૂપ આપી દીધું..હું એ મોહનની વાત કરું છું જે પોતાની પત્નીનો બદલો લેવાં આવ્યો ત્યારે તમે એને મોતનાં મુખમાં પહોંચાડવામાં કોઈ કસર રાખી ના હતી..હું એ પણ જાણું છું કે મારી પત્ની તખી ને પણ તે જ મારી છે.."નટુ ગુસ્સામાં બોલ્યો.
"તું કોની વાત કરે છે..અને આ મોહન મોહન શું લગાવ્યું છે..?"ઠાકુર પોતાનાં વિશેની બધી હકીકત મોહનનાં મોંઢે સાંભળીને બોલ્યો.
"એ મોહન બીજું કોઈ નહીં પણ તમારાં વુડહાઉસમાં રહેતો લેખક કબીર જ છે..એને જ રાજુ અને ગિરીશ ની મોત ને પણ અંજામ આપ્યો હતો અને હવે તારી વારી છે.."નટુ ઠાકુર નાં તરફ ગુસ્સેથી જોતાં બોલ્યો.
"એ લેખક ની વાત પછી..પહેલાં તો હું તને ખતમ કરું અને પછી લેખકની આ ગર્ભવતી પત્નીને..એ પછી મને કોઈ નહીં હરાવી શકે.."ચિત્ર-વિચિત્ર હાવભાવ સાથે ઠાકુર બોલ્યો.
આટલું કહી ઠાકુરે ઘડીનો વિલંબ કર્યા વગર પોતાનાં હાથમાં રહેલી તલવાર નટુની તરફ ઉગામી દીધી..હજુ એ તલવાર હવામાં જ હતી ત્યાં એક જોરદાર ધડાકો થયો અને એક ગોળી આવીને સીધી ઠાકુરનાં હાથની આરપાર નીકળી ગઈ..આ સાથે જ એક જોરદાર ચીસ સાથે ઠાકુરનાં હાથમાં રહેલી તલવાર પણ નીચે પડી ગઈ..ઠાકુરે પોતાનાં લોહી નીકળતાં હાથ પર પોતાનો બીજો હાથ મૂકી ગોળી છોડનાર વ્યક્તિ કોણ હતું એ જોવાં નજર એ તરફ કરી.
ઠાકુરનાં આશ્ચર્ય વચ્ચે કબીર એની સમક્ષ આવીને ઉભો રહી ગયો..કબીરનાં ચહેરા પર અત્યારે ગુસ્સો સાફ-સાફ દેખાઈ રહ્યો હતો..ઠાકુરે નટુ તરફ જોયું અને કહ્યું.
"નટુ,જા શીલા ને ભાનમાં લાવ..હું આ નીચ ને એનાં અંજામ સુધી પહોંચાડું છું.."
કબીરની વાત સાંભળી નટુ એ તાત્કાલિક શીલાની જોડે જઈ એને હાથ વડે હલાવી ભાનમાં લાવવાની કોશિશ કરી..છતાં શીલા ઉભી ના થતાં નટુ એ પૂજાની સામગ્રીમાં રહેલાં પાણીનો છંટકાવ શીલાનાં ચહેરા પર કરતાં શીલા એક ઝટકા સાથે ઉભી થઇ ગઇ.આજુબાજુ શું થઈ રહ્યું હતું એ તો શીલા ને પહેલાં ના સમજાયું પણ કબીર ત્યાં ઠાકુર સામે રિવોલ્વર લઈને હાજર હતો એ જોઈ એને થોડી રાહત જરૂર થઈ.
"ઠાકુર,શું થયું..ક્યાં ગયાં તારાં બધાં માણસો અને ક્યાં ગયો તારો બધો પાવર..નટુ સાચું કહી રહ્યો છે કે હું જ મોહન છું..તમે તો મને મારવામાં કોઈ કસર નહોતી છોડી પણ હું બચી ગયો અને કઈ રીતે બચી ગયો એ આ મારી પત્ની શીલા જણાવશે.."શીલા ના ભાનમાં આવતાં જ કબીર ઠાકુરને ઉદ્દેશીને બોલ્યો.
શીલા કબીરની વાત સાંભળી થોડું તો સમજી ગઈ હતી કે આ સામે ઉભેલાં ઠાકુર જોડે કબીરને જૂની દુશ્મની હતી..અને અત્યારે કબીર જે અધૂરી કહાની કહી રહ્યો હતો એનો બીજો છેડો પોતાને ખબર હતી અને વર્ષોથી કબીરથી છુપવેલી આ વાત શીલા ને આજે જણાવવી દેવી ઉચિત લાગતાં એ કબીર ની પાસે ઉભી રહી અને બોલી.
"આજથી આઠેક વર્ષ પહેલાં મારાં કબીર રાજગુરુ જોડે લગ્ન થયાં.હું અને કબીર એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં..અમારી જીંદગી બહુ સારી રીતે પસાર થઈ રહી હતી..કબીર ધીરે-ધીરે લેખનની દુનિયામાં એક મોટું નામ થઈ ચૂક્યો હતો.એક દિવસ એક ઘટનાએ મારી આખી જીંદગી ધરમૂળમાંથી બદલી નાંખી..કબીર ને એક કાર એક્સિન્ડમાં માથામાં ગંભીર ઇજા થઇ અને એ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાવા લાગ્યો..પાંચેક દિવસ સુધી એની ઉપર ટ્રીટમેન્ટ ચાલતી રહી છતાં એની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં.."
"આખરે મને કોઈએ કહ્યું કે નર્મદા નદીને કિનારે આવેલાં અખિલેશ્વર મહાદેવનાં દર્શન કરવાથી બધી માનતા પુરી થાય છે..ડૂબતા ને તો તરણા નો સહારો..હું એકલી જ મારી ગાડી લઈને મહાદેવની શરણમાં પહોંચી ગઈ..પાછાં આવતાં મારી નજર મંદિરની પાછળ જતી નદીનાં કિનારે પડેલી એક વ્યક્તિ પર પડી.હું દોડીને એ તરફ ગઈ અને એ કોણ હતું અને હજુ જીવે છે કે મૃત છે એની ચકાસણી કરવા લાગી"
"ત્યાં જઈને જોયું તો એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો..એની શ્વાસ હજુ પણ ચાલી રહી હતી..એનો ચહેરો એ હદે ઘવાયેલો હતો કે એને ઓળખવો પણ મુશ્કેલ હતો..હું બે લોકોની મદદથી એ વ્યક્તિને મારી કારમાં સુવડાવી એક લોકલ હોસ્પિટલમાં લઈ ગઈ..જ્યાં નાં ડોક્ટરે કીધું કે એનાં માથામાં ગંભીર ઈજા છે અને એની સારવાર મોટી હોસ્પિટલમાં કરવી પડશે.."
"જરૂરી પ્રાથમિક સારવાર બાદ હું એક એમ્બ્યુલન્સમાં એ વ્યક્તિને કબીર જે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યાં લઈ ગઈ..મને એમ હતું કે મારી આ ભલાઈ નાં ફળ સ્વરૂપ કબીર સાજો થઈ જશે પણ થયું ઊલટું..કબીર મારાં ત્યાં પહોંચ્યાંનાં પાંચ-છ કલાકમાં આ દુનિયા છોડી ચાલ્યો ગયો..મારું આ દુનિયામાં એનાં સિવાય કોઈ હતું નહીં.. હું આ દુનિયામાં મારી જાતને નોંધારી મહેસુસ કરી રહી હતી.."
"એટલામાં હું જે વ્યક્તિને લઈને આવી હતી એની સારવાર કરતાં ડોક્ટરે આવીને કહ્યું કે એ વ્યક્તિ ભાનમાં તો આવ્યો હતો પણ કંઈક વિચિત બબડતો બબડતો બેહોશ થઈ ગયો..લાગે છે માથાં પર થયેલી ઇજામાં એ પોતાની યાદશક્તિ ખોઈ બેઠો છે..એનો ચહેરો પણ એ હદે વિકૃત છે કે એની પણ જલ્દી સારવાર કરવી પડશે.."
"ડોકટરની એ વાત સાંભળી મને એક વિચાર સ્ફુર્યો..જે એકરીતે ખોટો જ હતો પણ એ સમયે મને એ યોગ્ય જ લાગ્યો..મેં ડોક્ટરને કહી હું જેને લઈને આવ્યો હતો એની પ્લાસ્ટિક સર્જરી કરી એને કબીર જેવો જ ચહેરો આપવાની વાત કહી..એ વ્યક્તિનું ઓપરેશન થયું અને પ્લાસ્ટિક સર્જરી બાદ એને મળ્યો કબીર રાજગુરુ એટલે કે મારાં સ્વર્ગસ્થ પતિ નો ચહેરો..મેં મારાં પતિ કબીરનાં અંતિમ સંસ્કાર લોકોની નજરોથી છુપાઈને કરી દીધાં અને તને ત્યાંથી આપણાં ઘરે લેતી આવી."
"મોહન એ તું હતો..તારાં બદલાયેલાં ચહેરા પાછળ નું આ સત્ય છે..તું તારી યાદશક્તિ ખોઈ બેઠો હતો એટલે મેં કબીરનાં અને મારાં જુનાં ફોટો બતાવી તારાં મનમાં ઠસાવી દીધું કે તું જ કબીર રાજગુરુ છે..ધીરે-ધીરે તું પણ એ માનવા લાગ્યો કે તું જ કબીર છે અને મને મારો ખોવાયેલો કબીર તારાં સ્વરૂપે પાછો મળી ગયો..મને તારો ભૂતકાળ શું હતો એની ખબર નથી પણ તું જ મારો વર્તમાન છે અને તું જ મારું ભવિષ્ય..i love u so much.. અને આ રહી આપણાં પ્રેમની નિશાની.."
છેવટે કબીરનો હાથ પોતાનાં પેટ પર મૂકીને શીલા બોલી..શીલાનાં શબ્દોમાં એનું દર્દ,એની મજબુરી અને એનો પ્રેમ બધું હતું જે કબીર ને મહેસુસ થતાં એને પોતાની સચ્ચાઈ છુપાવવાની શીલા ની ભૂલને માફ કરી દીધી.
"જોયું ઠાકુર..જેને તું મારવાં માંગતો હતો અને ભગવાન મહાદેવે કઈ રીતે બચાવી લીધો..પણ તને કોઈ બચાવવા નહીં આવે.."આટલું કહી કબીર ઠાકુર પર ગોળી છોડવા જતો હતો ત્યાં રાધા કબીર અને ઠાકુરની વચ્ચે પ્રગટ થતાં બોલી.
"કબીર..તું આ હરામીની હત્યાનું પાપ તારી ઉપર ના લઈશ.. જો સામે..આ ઠાકુરનું મોત આવી રહ્યું છે એનાં પાપનો બદલો લેવાં.."ટેકરીની નીચેની તરફથી આવતી આગની મશાલો તરફ આંગળી કરી રાધા બોલી.
હરગોવન મહારાજે ગામલોકો ને એકઠાં કરી ઠાકુરનું સત્ય કહ્યું ત્યારે એ લોકો એ આવેશમાં આવી ઠાકુર અને એનાં માણસો ને મારી નાંખવાનો ફેંસલોઃ કર્યો અને હરગોવનભાઈ ની આગેવાનીમાં એ લોકો ટેકરી પર આવવા નીકળી પડ્યાં.
"કબીર..આ કોણ છે..?"રાધાની તરફ જોઈ શીલા બોલી.
"શીલા,આ રાધા છે..મારાં આની સાથે જ સાત વર્ષ પૂર્વે લગ્ન થવાનાં હતાં.એની આગળની રાતે જ આ ઠાકુરે આની હત્યા કરાવી દીધી..આની રૂહ વર્ષોથી મારી યાદમાં તડપતી હતી..આ ઠાકુરનાં અંત સાથે  એનો બદલો પૂરો થશે અને વર્ષોથી તડપતી એની રુહને સુકુન મળશે.."શીલાની વાતનો જવાબ આપતાં કબીર બોલ્યો.
"હા..બેન હું એ અભાગી છું જેનો પ્રેમ પૂર્ણ ના થઇ શક્યો..પણ કબીર નાં અહીં આવ્યાં બાદ મારો અધુરો પ્રેમ અને બદલો બંને પૂર્ણ થઈ ગયું..તે મારાં મોહનને બચાવી મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.."શીલા જોડે ઉભાં રહી રાધા બોલી.
"અરે ઉપરથી હું તો મારી જાતને સદભાગી સમજુ છું કે મોહન નાં રૂપે મને મારો કબીર પાછો મળી ગયો..આ જન્મે તો હું મોહનનો એ પ્રેમ મેળવી શકી જેની ખરી હકદાર તું હતી પણ આગળનાં દરેક જન્મમાં એ તને મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.."રાધા ને ગળે લગાડી શીલા બોલી.
અહીં જે કંઈપણ થઈ રહ્યું હતું એ ઠાકુર માટે સમજણ બહારનું હતું..એ તો ફાટી આંખે કુદરતની લીલાને જોઈ રહ્યો હતો..ગામલોકોનાં પગરવનો અવાજ હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો..લોકોને પોતાનાં પગની જુતી સમજનારો ઠાકુર અત્યારે મોત ને સામે જોઇને ધ્રુજી રહ્યો હતો..ડર નાં માર્યાં એને ત્યાંથી દોટ મુકી પણ કબીર સતેજ હતો અને પોતાની રિવોલ્વરમાંથી એક ગોળી ઠાકુરનાં જમણાં પગ પર છોડી દીધી..અને દર્દથી કરાહતો ઠાકુર જમીન પર ફસડાઈ પડ્યો.
એટલામાં ગામલોકોનું ટોળું ત્યાં આવી ચડ્યું અને નટુ નાં પ્રથમ પ્રહાર કરતાં જ બધાં ઠાકુર પ્રતાપસિંહ પર તૂટી પડ્યાં..ઠાકુરને તો ગિરીશ કરતાં પણ ભૂંડું મોત મળ્યું હતું..જે જગ્યાએ એને અત્યાર સુધી આઠ ગર્ભવતી સ્ત્રી અને રાધા ને મોત ને ઘાટ ઉતારી હતી ત્યાં એને પોતાનો છેલ્લો શ્વાસ લીધો.
ઠાકુરની મોત સાથે જ રાધાનો બદલો પૂરો થઈ ગયો અને એનાં જવાનો સમય પણ આવી ગયો..રાધા ની મુક્તિ નો માર્ગ ખુલ્લો થઈ જવાની ખુશી કબીરનાં ચહેરા પર સાફ વર્તાઈ રહી હતી..પણ સાથે એને એ વાતનું દુઃખ પણ હતું કે હવે એ પોતાનાં જીવથી પ્યારી રાધાને પુનઃ મળી નહીં શકે.
રાધા એ જતાં-જતાં કબીરને ગળે લગાવતાં કહ્યું.
"કબીર,હું જાઉં છું..હવે મારાં જવાનો સમય આવી ગયો છે..તું તારી જીંદગીમાં બધી ખુશીઓ અને ઈચ્છિત સફળતા મેળવે એવી પ્રાર્થના.. આવતી જીંદગીમાં ફરીથી મળીશું.."
કબીર કંઈપણ બોલે એ પહેલાં રાધા ત્યાંથી સદાયને માટે આ મતલબી દુનિયાને છોડીને ચાલી ગઈ હતી..જતાં જતાં એની નિશાની રૂપે કબીર જોડે રહી ગયાં હતાં આંસુ.!
                         ***********
બીજાં દિવસે સવારે ગામલોકોએ ઠાકુરની હવેલી ઉપર હુમલો કરીને એનાં બાકીનાં લોકોને પણ મોતને ઘાટ ઉતારી દીધાં અને એમની લાશોને પણ જંગલમાં ફેંકી આવ્યાં.ઘરની શોધખોળ કરાવતાં કબીર ને બેઝમેન્ટમાંથી પેટીઓ મળી આવી..કબીરે ત્યાં પડેલી પેટીઓમાં મોજુદ વિનાશક હથિયાર જોઈ ક્રાઈમ બ્રાન્ચમાં કોલ કરી પોલીસ ને બોલાવી બધાં હથિયારો સુપ્રત કરી દીધાં.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઠાકુર પ્રતાપસિંહ વિશે પુછાયેલાં સવાલનાં ગામલોકોએ ફક્ત મૌન જ ધારણ કર્યું.
ઠાકુર,વીર અને એનાં માણસોની લાશોની જંગલી પશુઓએ જયાફત ઉડાડી..અને એમનાં કરેલાં કર્મોની યોગ્ય સજા પણ એ સાથે એમને મળી રહી.બધું ઠીક થઈ જતાં જીવાકાકા પણ પોતાનાં પરિવાર સમેત ત્યાં આવી પહોંચ્યા હતાં.શિવગઢમાં બધું ઠીક કરીને નટુ તથા હરગોવનભાઈ ની રજા લઈને કબીર રાધાની માં ભગવતી બેનને જઈને મળ્યો અને પોતે જ મોહન છે અને રાધા એને કઈ રીતે મળી એ બધું વૃતાંતમાં કહી સંભળાવ્યું..મોહનને સહી સલામત જોઈ ભગવતીબેનનાં જીવ ને પણ શાતા વળી.
શિવગઢમાંથી નીકળી કબીર સીધો પહોંચ્યો દોલતપુર.. જ્યાં પહેલાં તો ગિરનાર હોટલનાં મેનેજર જોડેથી બાઈક આપી પોતાની કાર લીધી..પછી ગયો ધર્મશાળાએ જ્યાં જશોદાબેન નાં રહેવાની સગવડ એ કરીને આવ્યો હતો.ત્યાં જઈ કબીરે શીલાની હાજરીમાં અત્યાર સુધી બનેલી બધી હકીકત એમને કહી સંભળાવી..એ વૃદ્ધ સ્ત્રી તો પોતાનાં પુત્રને વર્ષો બાદ જીવતો જાગતો જોઈ ચોધાર આંસુએ રડી પડી અને કબીરને છાતી સરસો ચાંપી લીધો.
હવે જશોદાબેન પોતાની સાથે જ રહેશે એમ કહી કબીર એમને પોતાની સાથે જ અમદાવાદ સ્થિત પોતાનાં ઘરે લઈ ગયો..છ મહિના બાદ શીલા અને કબીરનાં ઘરે લક્ષ્મી અવતરી..જેનું નામ રાખવામાં આવ્યું 'રાધા'.
કબીર ની મહત્વકાંક્ષી નવલકથા અમાસ:the revange of soul પણ લખાઈ ચુકી હતી..અને દર વખતની માફક એની હજારો નકલો પબ્લિશ થતાં જ વેંચાઈ ચુકી હતી..પણ કબીર ને જોઈતો હતો બુક લવર ગ્રૂપ દ્વારા અપાતો સર્વશ્રેષ્ઠ સસ્પેન્સ નોવેલનો ખિતાબ..અને બન્યું પણ એવું જ..આ વખતનાં એવોર્ડ સમારંભમાં પોતાની પત્ની,માં અને દીકરી એમ ત્રણ-ત્રણ શક્તિ સ્વરૂપ મહિલાઓ સાથે પહોંચેલ કબીરની બુક અમાસ ને જ આ વર્ષનો બેસ્ટ બુક ઈન સસ્પેન્સ કેટેગરી નો એવોર્ડ મળ્યો.
એવોર્ડ સ્વીકારતાં કબીરે બધાં નો આભાર માની છેલ્લે કહ્યું.
"I dedicate this award to radhaa.."
કબીર નો હાથ નો ઈશારો પોતાની દીકરી તરફ હતો અને નજર જાણે પોતાની રાધાને શોધતાં અનાયાસે જ ઉપર જતી રહી હતી..!!
                            ★★★★★★★
    સમાપ્ત:
આ સાથે જ આ સુપર સસ્પેન્સ હોરર નોવેલનો અહીં અંત જાહેર કરું છું..આજેપણ ઠાકુર પ્રતાપસિંહ ની માફક ઘણાં લોકો ઢોંગી તાંત્રિકો ની વાત માની માસુમોની બલી આપવાનો જઘન્ય અપરાધ કરતાં હોય છે.. જ્યારે એમને ખબર પડે છે કે તાંત્રિક ખોટો હતો ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે..બીજી તરફ ડોકટર ગિરીશ જેવાં લોકો પણ હયાત છે જેઓ ડોકટર નાં વેશમાં શૈતાન ને શરમાવે એવું કૃત્ય કરતાં હોય છે..આવાં લોકો થી તમે ચેતતા રહો એવી વિનંતી.
રૂહ સાથે ઈશ્ક રિટર્ન મારી લખેલી બુકમાં સૌથી વધુ વંચાયેલી બુક સાબિત થઈ..જે બદલ આપ સર્વે વાંચકમિત્રો નો ખુબ ખુબ આભાર.. ભવિષ્યમાં પણ આનાથી વધુ સારું કંઈક આપવાનો પ્રયત્ન કરતી રહીશ.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ,મર્ડર@રિવરફ્રન્ટ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ 
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક 
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
                                   -દિશા.આર.પટેલ