જાહેર જીવન માટે નો એક સુખી પરિવાર.
રમેશ ને રીતુ. બંને વચ્ચે સુખી દામ્પત્ય જીવન.
બન્ને ની મેહનત ને લક્ષ્મી માતા પૂર્ણ આશીર્વાદ બક્ષતા.
અને આ સુખી જીવન માં વધારો કરતો એમનો ૫ વર્ષ નો હર્ષ.
પણ જ્યારથી હર્ષ ને સ્કૂલ માં મોકલવાનું ચાલુ કરેલું ત્યારથી કોઈ પણ પરીક્ષા ના પરિણામ નો દિવસ એમના ઘર માં કંકાસ નો વિષય બની જતો.
બીજા કરતા ઓછા માર્ક્સ આવવાના કારણે હર્ષ ને વઢ પડતી.
માર પડતો.
જમવા ના મળતું.
એની મનપસંદ ગિફ્ટસ એને ના મળતી.
અને આ બાળક...... બહુ જ સરળતાથી માતા પિતાની અપેક્ષાઓ અને નિષ્ફળતાઓ નો બોજ ઉઠાવતો.રડતો રડતો સુઈ જતો.આ દર વખતે થતું.
આમ ને આમ હર્ષ મોટો થતો ગયો.
આજે પણ પરિણામ નો દિવસ હતો.
હર્ષ ઘરે આવ્યો.
પાંચમા ધોરણ માં એને ૭૫% આવ્યા હતા.
શુ થવાનું છે ઘરે પહોંચીને,તે એ જાણતો હતો.છતાં ઘરે ગયો.
રમેશ અને રીતુ તૈયાર જ હતા.ને શરૂ થયું....
"તારા ભાઈબંધ ને ૮૮% આવ્યા ને તે બધું પાણી માં કાઢ્યું."
" આટલી ફી ભરીએ છીએ એ માથે નાખી છે તે."
સટાટાટાટાટાટાટાક......એક લાફો.
"જોઈએ એ વસ્તુ લાવી આપવાની ને તો પણ ભણવામાં જરાય ધ્યાન નહિ."
સટાટાટાટાટાટાટાક......બીજો લાફો.
"આજે કિટ્ટી પાર્ટી માં બધી એમના છોકરાના વખાણ કરશે ત્યારે હું શું કરીશ?"
"ચાર જણ ને કેહતા પણ શરમ આવે છે મને."
"તું ક્યારેય મારુ નામ નહિ ઉજળું કરે."
ને ત્રણ ચાર બીજા લાફા ને ઘણું સંભળાવ્યા પછી એ લોકો શાંત થયા.
પણ આજે હર્ષ રૂમ માં ન ગયો.
ત્યાં જ ઉભો હતો.
થોડી વારે એણે રડતા રડતા એક સવાલ પૂછ્યો.
"પપ્પા, તમારો પગાર કેટલો છે?"
ક્યારેય માર ખાધા પછી ત્યાં ઉભો પણ ના રહેતો એ બાળક, આજે કંઈક બોલ્યો ત્યાં તો એના મમ્મી પપ્પા સ્તબ્ધ થયી ગયા.
"શું....?" રીતુ એ પૂછ્યું.
"પપ્પા, તમારો પગાર કેટલો છે?"હર્ષ ફરીથી બોલ્યો.આ વખતે મક્કમતા વધારે હતી.હજી ડુસકા ચાલુ જ હતા.
રીતુ એ કહ્યું એ બધું તારે જાણવાની જરૂર નથી.તું નાનો છે હજી.
પણ આજે હર્ષ કંઈક બદલાયેલો હતો.એનું રડવાનું આજે વહેલા બંધ થઈ ગયું હતું.
એણે વધારે મોટા અવાજે પણ નમ્રતા સચવાઈ રહે એ રીતે પપ્પા ની પાસે જઈને પૂછ્યું.
"પપ્પા ,કહોને તમારો પગાર કેટલો?"
રમેશ ને લાગ્યું કે બાળક ના મન માં કશુંક તો ચાલી રહ્યું છે.
એણે જે હતો એનાથી બે પાંચ હજાર વધારીને જ કહ્યો.કે,"બેટા ૫૫,૦૦૦."
હું તમને ક્યારેય ટોર્ચર કરું કે "તમે ઓછું કમાઓ છો કેમ કે મારા દોસ્ત ના પપ્પા નો પગાર ૮૦,૦૦૦ છે તો કેવું લાગે?"
રમેશ સમસમી ઉઠ્યો.
"હું ક્યારેક તમને સંભળાવું કે તમે મારી જરૂરિયાત પૂરી ના કરી શક્યા,તો?"
રીતુ વચ્ચે પડી."હર્ષ".
"મમ્મી...વર્કિંગ વુમન તરીકે તું આજે સફળ છે.પણ મેં ક્યારેય તને મારી ફ્રેન્ડ ની મમ્મીઓ ની સફળતા બતાવી છે?"
રીતુ કાઈ બોલી ના શકી.
રમેશ અને રીતુ હર્ષ ને જોતા રહ્યા.અને તે બોલતો રહ્યો.
"પુરુષ ની આવક અને સ્ત્રી ની ઉંમર ના પુછાય.
કેમ?
કેમ કે એમને બીજા કરતા ઓછું હોવાથી જાહેર માં શરમ માં ના મૂકાવું પડે.
તો પછી બાળક ને એના માર્ક્સ માટે જ્યારે જાહેર માં બોલવામાં આવે,સગા સંબંધી ની વચ્ચે એને નીચું જોવડવામાં આવે,આખા ગામ સાથે એની સરખામણી કરવામાં આવે એ કેટલું વ્યાજબી?
જો બાળક એક પિતા ને મોટું થઈને મારે કે તમને વધારે કમાવાની ખબર ના પડે કે જેથી હું ધંધો કરી શકું.?
મારી માટે તમારા પાસે પૈસા નથી તો શું કર્યું આખી જિંદગી?
મારા સપના પુરા ના કરી શકો તો આ જીવન માં તમે મને માથે પડ્યા છો કે બીજું કાંઈ?"
સન્નાટો.....
"તમારા જીવન ની અપેક્ષાઓ પુરી કરવા માટે જન્મેલો હું તમારો જિન નથી,બાળક છું.
તમારું સ્ટેટ્સ સિમ્બોલ બનું સમાજ માં એવી કોઈ ઉપજ નથી,બાળક છું.
કોઈ ની વચ્ચે વખાણ કરવા થાય એવી મમ્મી ની કોઈ વાનગી નહિ પણ બાળક છું હું.
તમારી અપેક્ષાઓ પુરી ના કરી શકું તો એમાં મારો વાંક નથી.
મારી પણ પોતાની એક જિંદગી છે જે મને બીજી વખત નહિ મળે.
આ બાળપણ મને બીજી વાર નહિ મળે.
આ માસૂમિયત,આ જીવન જીવવાની મજા,મન મુકીને રમવાની, હસવાની,રડવાની,જવાબદારી વગર નું મુકત જીવન નહિ મળે ફરીથી.
મને જીવવા દો.
તમે મને એક એવી રેસ માં ના ઉતારો જેનો ક્યારેય અંત જ નથી.
હું જીતુ કે હારું.
પણ એમાંથી બહાર નહિ આવી શકું.
પ્લીઝ,મને બાળક સમજો.બાળપણ નું જે મહત્વ તમે સોશિઅલ મીડિયા માં શેર કરો છો એવુ મારુ બાળપણ હજી ચાલુ છે તો મને જીવવા તો દો."
હર્ષ પાછો રડવા લાગ્યો હતો.ધ્રૂજતો હતો.
૧૧ વર્ષ ના હર્ષ ની આ પુખ્તતા સભર વાતો સાંભળીને રીતુ અને રમેશ બન્ને ની આંખ માં પસ્તાવાના આંસુ હતા.
એમણે નક્કી કર્યું કે આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય.એમણે હર્ષ ને ગળે લગાડી દીધો.ખૂબ વહાલ કર્યું.
એટલા માં ક્યાંક અવાજ આવ્યો.
રિતું ચમકી.એ એનો એલાર્મ હતો.
હા,આ સપનું હતું.
પણ એની આંખો માં આંસુ સાચે જ હતા.એના ઓશીકના કવરની ભીનાશ આ વાત ની સાક્ષી પૂરતું હતું.
એણે રમેશ ને ઉઠાડ્યો.
એના સપના નું વર્ણન કરતા કરતા એ ફરીથી રડી ગયી.રમેશ એને શાંત રાખવાનો પ્રયત્ન કરતો હતો પણ એની આંખ ના ખૂણા પણ ભીના હતા.
ને પછી બન્ને એ બાજુ માં સુતેલા હર્ષ ની સામે જોયું.વહાલ થી એને ચુંબન કરી ઉઠાડ્યો.
પરિણામ આજે આવવાનું છે.આજે ત્રણે તૈયાર થઈને સ્કૂલ ગયા.
આટલા વર્ષો માં પહેલી વાર આવું બન્યું હતું.
હર્ષ ને ૬૫% આવ્યા હતા.એ નિરાશ હતો,જે થયું એ અને હવે ઘરે જઈને જે થવાનું છે એ માટે પણ.
પણ આજે પપ્પા ને એની પીઠ થાબડી.મમ્મી એ વહાલ થી માથે હાથ ફેરવ્યો.અને સીધા એ લોકો ફિલ્મ જોવા ગયા.આનંદ થી ઘરે આવ્યા.સાંજે પિઝા બનાવવામાં આવ્યા.ને સુઈ ગયા બધા.
હર્ષ ની ખુશીનો કોઈ પાર જ નહીં.પણ સાથે અસમંજસ માં હતો એ.
એણે મમ્મી ને ઉઠાડીને પૂછ્યું કે મમ્મી, મને આજે માર નહિ પડે?
રીતુ એ ના પાડી. અને વહાલ થી કહ્યું સુઈ જા બેટા.
પરિણામ નો દિવસ આવો પણ હોઈ શકે એવું હર્ષ એ ક્યારેય વિચાર્યું જ નહોતું.અને કારણ એ જાણતો નહોતો.પણ એના મન નો દરેક ખૂણો ખુશ હતો.બાળસહજ હાસ્ય સાથે એ પણ સુઈ ગયો.
ત્યાર પછી આજ સુધી કોઈ પણ પરીક્ષા ના પરિણામ નો દિવસ આ પરિવાર માં ખુશી નો જ દિવસ રહ્યો છે.
શુ આ સ્વપ્ન દરેક માતા પિતાને આવવું જોઈએ?
તમને શું લાગે છે?તમારો પ્રતિભાવ કે અનુભવ જરૂર લખો.