VACATIONMA KARVA JEVA KARY- ENJOY VACATION in Gujarati Motivational Stories by Mohammed Saeed Shaikh books and stories PDF | વેકેશનમાં કરવા જેવા કાર્ય

Featured Books
Categories
Share

વેકેશનમાં કરવા જેવા કાર્ય

સામાન્ય રીતે વેકેશનનો સમય વિદ્યાર્થીઓ સગા સંબધીઓના ઘરે કે પોતાના જ ઘરે વિતાવી દેતા હોય છે. અહીં કેટલાક એવા કાર્યો તરફ નિર્દેશ કરવામાં આવ્યો છ કે જેથી વેકેશનનો સદ્‌ઉપયોગ થઇ શકે.

રઘુવીર ચૌધરીએ લખ્યું હતું કે

માણસે ત્રણ બાબતો ક્યારેય ન ભૂલવી જોઈએ- ધર્મ, ઇતિહાસ અને પ્રવાસ.

ઉપર જણાવ્યું તેમ ત્રણે બાબતો ખૂબ મહત્તવની છે. આપણા જીવનનો હેતુ શું છે? આપણે શા માટે ધરતી ઉપર મોકલવામાં આવ્યા? જીવન માત્ર શું મોજમજામાં જ વ્યતિત કરવાનું નામ છે? જે બાબતોથી ,જે દુષ્કૃત્યો કે શેતાની કામોથી રોકવામાં આવ્યા છે એની તરફ મન કેમ વધારે ખેંચાય છે? વોટ્‌સ એપ ઉપર ધર્મની સારી સારી વાતો ફોરવર્ડ કરી દેવાથી જ પુણ્ય મળશે? ના, અસલ પુણ્ય તો એની ઉપર આચરણ કરવાથી મળશે. તો એના માટે કેટલી તૈયારી કરી? આ કેટલાક એવા સવાલો છે જેને જોણવા જરૂરી છે. ઇસ્લામ ધર્મમાં ધર્મ અને દુન્યાવી એમ બંને શિક્ષણ હાંસલ કરવું દરેક સ્ત્રી-પુરુષ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આપણે જાતે જ પ્રશ્ન પૂછવાના છે કે જો દીનનું કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું? શરીઅતે બતાવેલ માર્ગદર્શન મુજબ મારૂં જીવન હું જીવી રહ્યો છું? શું મને કુઆર્નમજીદ અરબીમાં વાંચતા આવડે છે? શું મેં ગીતા, રામાયણ કે મહાભારત વાંચી છે? મને એ સમજાય છે? શું મેં ક્યારેય એનો અનુવાદ વાંચી એને સમજવાનો પ્રયત્ન કર્યો છે? અને સમજી લીધા પછી એના પર આચરણ કરવાની કોશિશ કરી છે?

આ જ બાબતો બીજા ધર્મના લોકો પોતાના ધર્મ ગ્રંથો વિષે વિચારી શકે છે.

ધર્મ ખૂબ વિશાળ ક્ષેત્ર છે. પરંતુ સાચું અને સારૂં જીવન જીવવું હોય તો એનો આદેશ અનુસાર જીવવું આવશ્યક છે. ધર્મ એક એવી બાબત છે જે માણસને માણસ બનાવે છે, નહીંતર ધર્મના આદેશોને ફગાવીને જીવવું હોય તો જંગલી પ્રાણીઓની જેમ જીવવામાં પછી ફરક ક્યાં છે? શેતાની જીવન જીવવું સરળ છે કારણ કે એમાં કોઈ બંધન નથી, કોઈ નિયમો નથી, કોઈ આદેશો નથી, કોઈ મર્યાદા નથી. પાપ-પુણ્યમાં કોઈ ભેદ જ નથી, અનીતિ, ભ્રષ્ટતા, વ્યભિચાર, શરાબખોરી ઉપર કોઈ રોકટોક નથી. પરંતુ એવું જીવન શું ખરેખર જીવન છે? વિચારવાની વાત છે. મર્યાદાઓ અને બંધન વિનાશથી બચવા માટે હોય છે. ધર્મના આદેશો માણસને વિનાશથી બચાવવા માગે છે. એને મર્યાદામાં રાખી સારી રીતે જીવન કેવી રીતે જીવવું જોઈએ એની આજ્ઞા આપે છે. શેતાની જીવન માણસને પશુથી બદતર બનાવી શકે છે પરંતુ ધર્મ પશુ જેવા માણસને માણસાઈની ઉચ્ચતા બક્ષી શકે છે. એથી ઇશ્વરના આદેશો અનુસાર જીવન જીવવું હોય તો ધર્મની આવશ્યકતા છે. પરંતુ જેને એ પ્રમાણે નથી જીવવું પોતાની મનમરજીથી જીવવું હોય એના માટે ધર્મની કોઈ જરૂર નથી. એટલે ધર્મને મજબૂતીથી પકડી રાખવું જોઈએ. સાથે સાથે ધાર્મિક જીવન જીવવા માટેના જે આદેશો આપવામાં આવ્યા છે એમને પણ જાણવા જોઈએ. એ માટે વાંચવુ-સાંભળવું- જોવું આવશ્યક છે. ધાર્મિક પુસ્તકોનું વાંચન ખૂબ આવશ્યક છે. એનાથી વધીને બીજા કોઈ ગ્રંથ હોઈ શકે નહીં.સાથે સાથે વિજ્ઞાનના પુસ્તકો પણ વાંચવા જોઈએ.ધાર્મિક પુસ્તકો તમને શ્રદ્ધાળુ બનાવશે અને વૈજ્ઞાનિક પુસ્તકો તાર્કિક. થોડા દિવસ પહેલાં જ વોટ્‌સએપ ઉપર એક સરસ શોર્ટ ફિલ્મ આવી હતી. હૈદરાબાદમાં ઉત્તરભારતથી આવેલ એક મુસ્લિમ યુવાનને તેલુગુ છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે પરંતુ કેટલાક દિવસથી બંને વચ્ચે મુલાકાતો કોઇ કારણથી બંધ થઇ ગઇ છે. ફોન છે નહીં. એ યુવાન પોતાના મિત્રોને એ છોકરી વિશે જણાવે છે અને ક્યારેક તો એ પત્ર લખે એવી આશા વ્યક્ત કરે છે. બેચેનીમાં દિવસો પસાર કર્યા પછી એક દિવસ પત્ર આવે છે. પરંતુ એ તેલુગુ ભાષામાં લખાયેલું છે અને એ તો એને આવડતી નથી. એમાં શું લખ્યું છે એને શું ખબર પડે. મિત્રોને એ પત્ર વંચાવે છે પરંતુ એના મિત્રોને પણ આ ભાષા આવડતી નથી. ગલીમાં ઘણા લોકોને એ લોકો પૂછે છે પણ કોઈને એ ભાષા આવડતી નથી. પછી એક જાણકાર પાસે જાય છે, જેમને ઘણી ભાષાઓનું જ્ઞાન છે. એ વાંચીને એને સાદી ભાષામાં સમજાવે છે. એનાથી એ યુવાનને સંતોષ થતો નથી ઉલ્ટું એને વહેમ પડે છે કે એ કાકાએ કંઇક ઊંધું જ સમજાવી દીધું લાગે છે એટલે ફરીથી કોઈ જોણકારની શોધખોળ કરવા બધા મિત્રો લાગી જાય છે. એક જણ એમને બતાવે છે કે આજે એ જગ્યાએ મળવા બોલાવ્યો છે. દોડતા હાંફતા થાકતા બધા મિત્રો એ જગ્યાએ પહોંચે છે તો કોઈ છોકરી નથી. એમાંથી એક મિત્ર યુવાનને કહે છે કે એ પત્ર છોકરી તરફથી નથી આવ્યો પણ એણે જ લખ્યો હતો. યુવાન ગુસ્સે થઇ એને ધોલ મારી બેસે છે અને પુછે કે આવી મજાક શા માટે કરી? મિત્ર જવાબ આપે છે કે બીજી ભાષામાં લખાયેલ પ્રેમપત્ર વાંચવા માટે આપણે દોડધામ કરીએ છીએ કે એમાં શું લખ્યું છે એ સમજી શકીએ પરંતુ અલ્લાહે આપણને કુઆર્નમજીદ આપ્યું છે એને વાંચીને સમજવા માટે આપણે મહેનત કેમ નથી કરતા? માફ કરજે દોસ્ત, મેં તેને આટલી સાદી વાત સમજાવવા માટે જ આ પત્ર તને લખ્યો.પ્રેમિકા આપણને શું કહેવા માગે છે એના માટે આટલી મહેનત, દોડધામ, ઉધામા કરીએ છીએ પણ અલ્લાહ શું કહે છે એને સાંભળવા અને સમજવાનો પ્રયત્ન કર્યો છે? જ્યાં સુધી એ અરબી ભાષા આપણે શીખીશું નહીં ત્યાં સુધી અલ્લાહ આપણને શું કહેવા માગે છે એ પણ સમજીશું નહીં, અને સમજીશું નહીં તો એના ઉપર આચરણ કેવી રીતે કરીશું? યુવાનને મિત્રની વાત સમજાઈ જાય છે અને તરત તેલુગુની સાથે અરબી શીખવાનું પણ નક્કી કરી લે છે.

આજે સંસ્કૃત ભાષા પણ આપણા દેશમાંથી નામશેષ થઇ રહી છે.કેમકે સંસ્કૃત ભણવા વાળા તો ઠીક ભણાવનારા જ નથી રહ્યા.આપણા દેશના મહાન પૌરાણિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે.

ટૂંકમાં કહેવાનો અર્થ એ છે વેકેશનમાં કોઈ નવી ભાષા શીખો - જે લોકો જેટલી વધારે ભાષાઓ શીખે છે તેઓ વધારે જ્ઞાન મેળવે છે. વાંચનની ટેવ હશે તો જ્ઞાન પ્રાપ્તિ થઇ શકશે.

આ ઉપરાંત ઇતિહાસ પણ યાદ રાખવું જોઈએ. આપણા દેશનો, રાજ્યનો અને શહેરનો ઇતિહાસ વાંચો. આપણો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ વાંચો. આપણી સંસ્કૃતિ, આચાર, વિચાર અને પરમ્પરાઓ શું હતા એ ઇતિહાસના વાંચનથી જાણવા મળશે. આપણો ભૂતકાળ કેવો ભવ્ય હતો, આપણો વર્તમાન આટલું મુશ્કેલ કેમ છે અને આપણો ભવિષ્ય શું હોઈ શકે એની સમજ ઇતિહાસના પૃષ્ઠો ઉપર ફેલાયેલા છે. જરા એને સમજવાની તસ્દી લેવાની છે.

ધર્મ, ઇતિહાસ અને હવે પ્રવાસની વાત. પ્રવાસ કરવાથી ઘણા લાભ થાય છે. નવી નવી વસ્તુઓ જોવાથી અને એમનો ઇતિહાસ જાણવાથી આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. કોઈપણ સંસ્કૃતિની ભવ્યતા, એમની રહેણી-કરણી, એમનો સંઘર્ષ એમનું ઉત્થાન અને પતન કેવી રીતે થયું, આવું ઘણું બધુ ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને ઇતિહાસથી જાણવા મળે છે. પ્રવાસ કરવાથી નવા નવા લોકો, નવી નવી ભાષાઓ, બોલીઓ, સભ્યતા-સંસ્કૃતિ, રીતિરિવાજો, ખાવા-પીવા-પહેરવાની વિવિધતાના દર્શન થાય છે. પ્રવાસથી સહિષ્ણુતા અને જ્ઞાનમાં વધારો થવાની સાથે માણસની ઇશ્વર સાથેની શ્રદ્ધામાં વધારો થાય છે. પોતાની પાસે શું છે અને શું નથી તેની અનુભૂતિ માણસને થાય છે. જો તમે હિન્દી વાળો ‘સફર’(યાત્રા) કરો તો અંગ્રેજી વાળા “સફર” (મુશ્કેલી સહન કરવી) કરશો.પરંતુ એનાથી તમને નવું બળ મળશે. ગાડીમાં, ટ્રેનમાં જગ્યા પૂરતી ન હોય તોય લોકો એડજસ્ટ કરી લે. ઊભા રહેવું પડે અને પગ દુખે તો પણ સહન કરે છે. બાજુમાં બેઠેલા સહપ્રવાસી ગંદકી કરે કે એના શરીરની અસહ્ય દુર્ગંધ આવતી હોય તોય અજાણ બનીને નિભાવી લે છે. નાના બાળકો ગરમીને લીધે રોકકળ મચાવતા હોય અને એમની ઝીણી ચીસો સહન ન થતી હોય તો પણ આપણે એમને મારતા નથી કે એમને ગુસ્સામાં આવીને બહાર ફેંકી દેતા નથી. ધીરજ, સહિષ્ણુંતા અને એડજસ્ટ કરવાના સદ્‌ગુણો આપણને પ્રવાસ કરવાથી શીખવા મળે છે. ક્યારેય સેકન્ડ કલાસ એસીમાં આરામદાયક મુસાફરીનો લહાવો મળે છે તો ક્યારેક રીઝર્વેશન ન હોવાને લીધે જનરલ ડબ્બામાં વેઠવી પડતી હાડમારીઓ પણ સહન કરવી પડે છે. મુસાફરી કે પ્રવાસ એ જીવનને સૌથી શ્રેષ્ઠ પાઠ શીખવાડે છે કે ભઇલા જીવનમાં તો આવું થાય, સુખદુખ આવ્યા કરે, તકલીફો પણ આવે, લડાઈ ઝઘડા પણ થાય પણ અંતે તો મંઝિલ આવેને આપણે હરખાતા હરખાતા ત્યાં પહોંચી જઇએ. એના આનંદમાં આખી મુસાફરીના બધા જ કડવા દુખો, તકલીફો અને હાડમારીઓને ભૂલી જઈએ છીએ.

મનોવિજ્ઞાનીઓ કહે છે માનસિક શાંતિ માટે પણ વેકેશન માણવો જોઈએ. મન અને મગજ તાજા થઈ જાય છે. જીવનમાં નવી ઊર્જા આપે છે. ફરીથી કામધંધે લાગવા માટે નવું જોમ પૂરૂં પાડે છે.

વેકેશનમાં કરવા જેવી બીજી પ્રવૃત્તિઓ છે - સારૂં વાંચન, કવિતા, નવલકથા કે કોઈ મહાપુરૂષોની આત્મકથા વાંચો.સારી પ્રેરણાદાયક ફિલ્મો જુઓ.મિત્રોને રૂબરૂ મળો.સગા સંબંધીઓને મળો.અજાણ્યા લોકોને મિત્રો બનાવો.કશું ક નવું શીખો.કશુંક લખો.તમારી ક્રિએટીવીટી તો વધશેજ પણ સાથે કશુંક નવું શીખવાનો નો આનંદ પણ મળશે.