64 Summerhill - 3 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 3

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

64 સમરહિલ - 3

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 3

તેની બંધ આંખોની ભીતર ઘેનભર્યો ઓથાર થડકાઈ રહ્યો હતો.

ઘડીકમાં કોઈક મુછ્છડ આદમી તેના લમણે ગન તાકીને ઊભેલો દેખાતો હતો. ઘડીકમાં એ મૂર્તિની રેખાઓમાંથી સજીવન થયેલી ઓરત છુટ્ટા વાળ ઘૂમરાવીને તેની સામે વિકરાળ ચહેરે અટ્ટહાસ્ય રેલાવતી હતી. બાવળ-બોરડીના ઝાડી-ઝાંખરા વચ્ચે છોલાતા શરીરે એ ભાગવા પ્રયાસ કરતો હતો અને કમબખ્ત આખો રસ્તો જ જાણે ભોંયમાં ઉતરી રહ્યો હોય તેમ ઊંડો ને ઊંડો જતો રહેતો હતો. એસ્કેલેટરની માફક સડસડાટ ભાગતા જતા રસ્તા પર કોઈક તેની સાથે અથડાયું. તેણે ગરદન ઘૂમાવીને જોયું. એ દુબળી હતો. તેણે ચોરેલી બધી જ મૂર્તિઓ ગળામાં હારડાની માફક પહેરીને એ સાલો નાચતો હતો. ઉશ્કેરાટ, ભય અને થડકાટ હેઠળ તેનાંથી ચીસ ફાટી ગઈ... દુબળીઈઈઈઈઈ....

'ડોન્ટ બી પેનિક... આમ ચીસાચીસ ન કર...' પાતાળમાં ઉતરતા રસ્તાની ભેદી ગુફાઓના પોલાણમાંથી પડઘાતા અવાજે કોઈક તેને કહી રહ્યું હતું. કોઈક તેને ઢંઢોળી રહ્યું હતું.

કોણ હતું એ? કોણ તેના ગાલ થપથપાવતું હતું? એ તેનો બાપ ગૂંગાસિંહ હતો? ના, એ તો તેની આગળ દોડતો જઈને લીમડાના ઝાડમાં ઓગળી ગયો હતો. તેણે ભોગવેલી બજારૃ સ્ત્રીઓ રસ્તાની બેય તરફ ખિખિયાટા કરતી ઊભી હતી અને એ ભયથી છળી ઊઠેલા ચહેરે સડસડાટ નીચે ઉતરતો જતો હતો.

તેની બેય હથેળીમાંથી ચીભડાંના રસની ધાર વહેતી હતી અને એ ધારમાંથી ખરી પડતી ફિંગર પ્રિન્ટના એક-એક ટપકાં ભોંય પર તેનું નામ છાપતાં જતાં હતાં... છપ્પનસિંઘ... છપ્પનસિંઘ... એ ઊભો રહીને ટપકાં ભૂંસવા મથતો હતો અને રસ્તો ઊંડો ને ઊંડો, આગળ ને આગળ ખસતો જતો હતો.

અચાનક કોઈકે જોશભેર વહેતા પાણીના ધોધ હેઠળ તેને ખડો કરી દીધો હોય તેમ તેના ચહેરા પર પાણીની વેગીલી છાલક વાગતી હતી... રસ્તાની ગુફાનું પોલાણ હવે ઓસરતું હતું અને થોડાં સ્પષ્ટ અવાજે તેને સંભળાતું હતું, 'ઈટ્સ ટુ મચ યાર... આંખો ખોલ... ધીમે ધીમે..'

કાંપતા હૈયે તેણે આંખો ખોલવાનો પ્રયાસ કર્યો પણ પોપચાં જાણે લાપી પૂરીને લિંપાઈ ગયા હોય તેમ સજ્જડ ચોંટી ગયા હતા. અચાનક ઝાટકા સાથે તેની આંખ ખૂલી ગઈ અને સુરજની લગોલગ ખડો થઈ ગયો હોય તેવું ધારદાર અજવાળું તેની આંખમાં ભોંકાયું અને પછી તેની ખુલ્લી રહી ગયેલી આંખો તળે પથરાઈ ગયો કાળોમેંશ અંધકાર...

'આર યુ ઓલરાઈટ...?' આ અવાજ હવે તેને સ્પષ્ટ સંભળાતો હતો. કોઈક તેના પર ઝળુંબીને તેને કહી રહ્યું હતું. તેણે ફરીથી આંખો મિંચવાનો પ્રયાસ કર્યો. ના, હવે સડસડાટ ઊંડો ઉતરતો જતો રસ્તો, મૂર્તિમાંથી પ્રગટીને માથું ધૂણાવતી સ્ત્રી, લીમડાના થડમાં ઓગળી જતો તેનો બાપ, બ્લાઉઝના ઉપલા બટન ખોલીને ખિખિયાટા નાંખતી બજારુ ઓરતો... બધુ જ ક્યાંક અલોપ થઈ ગયું હતું.

તેણે ફરીથી આંખો ખોલી. કીકી અને પોપચા વચ્ચે બાઝી ગયેલી ભીનાશની પર્ત હવે ધીમે ધીમે આછી થતી જતી હતી. આંખ પર ઢળી જતા બોઝિલ પોપચાંને તેણે પ્રયત્નપૂર્વક રોક્યા. અવશપણે ડાબી બાજુ ગરદન જરાક ઢાળી. તેની બિલકુલ લગોલગ કોઈક ઊભું હોવાના અહેસાસથી તેને કંપારી છૂટી ગઈ.

'રિલેક્સ...' કોઈકે અંગૂઠા વડે તેના પોપચાં ખોલીને આંખમાં ટોર્ચનો ઉજાસ ભોંક્યો, 'મેં તો રૃમાલ પર જરાક અમથું જ ઈથર છાંટયું હતું પણ મને ખબર ન હતી કે તું સાત-આઠ કલાક માટે બઠ્ઠો પડી જઈશ... આઈ એમ સોરી...'

ઓસરતા ઘેનની તંદ્રા તળે ય તેને અહેસાસ થઈ ગયો, એ ઝડપાઈ ગયો છે અને કોઈકની કસ્ટડીમાં ફસાયો છે. ઈથરના ઘેનને લીધે સુસ્ત અને પસ્ત થઈ ગયેલા તેના શરીરમાં પગથી માથા સુધી ભયનું લખલખું પસાર થઈ ગયું. તેણે આંખો ભારપૂર્વક દબાવીને ભીનાશ નીતારી દીધી અને માહોલ પારખવાનો પ્રયાસ કર્યો. હવે તે ખાસ્સો સભાન હતો.

લોખંડના પાટીવાળા પલંગ પર એ લેટયો હતો. પલંગની સામે દિવાલ પર જડેલા હોલ્ડરમાં એક ઝાંખો બલ્બ સળગતો હતો. તેણે હળવેથી જમણી બાજુ ગરદન ઘૂમાવી. એ ખૂણામાં તેનો સામાન પડયો હતો. તેની સૂટકેસ પર તેનો હોલ્ડોલ પડયો હતો અને તેમાંનો સરંજામ સૂટકેસ પાસે વિખરાયેલો હતો. અચાનક એ છળી ઊઠયો અને ત્વરાથી પડખું ફેરવીને તેણે ફરીથી સામાન ભણી જોયું...

'એ અહીંયા છે...'

તેણે ઝાટકા સાથે ડાબી તરફ જોયું. પલંગની ધાર પાસે લાકડાની જૂનવાણી ખુરશી પર બેઠો હતો એક માણસ અને તેના ખોળામાં હતી એ મૂર્તિ...

છેલ્લાં અઢી વરસમાં કેરળના અનાઈમૂડીથી માંડીને હરિયાણાના નરવાણા, આસામના જોરહટથી લઈને ગુજરાતના ગીરના જંગલમાંથી કંઈ કેટલીય મૂર્તિઓ આબાદ ઊઠાવી ગયા પછી આ વખતે એ ઝડપાઈ ગયો હતો.

છાતી પર ગરદન ઢાળીને તેણે ઊંડો નિઃશ્વાસ નાંખ્યો અને અવશપણે ડોકું ધૂણાવી દીધું... ખબર નહિ ક્યાં, કેમ, શું ચૂક રહી ગઈ આ વખતે...

****

છપ્પનને હજુ ય ભરોસો પડતો ન હતો કે તે ખરેખર ઝડપાઈ ગયો છે. એ સાલો મહેમાનની માફક તેની ખાતરબરદાસ્ત કરતો હતો. બેહોશીમાંથી બહાર આવ્યા પછી તે ધીમે ધીમે સ્વસ્થ થતો હતો ત્યારે તેણે હાથનો ટેકો દઈને પલંગ પરથી ઊભો કર્યો હતો અને બાથરૃમ સુધી દોરી ગયો હતો.

'આ લોકો ય હરામખોર છે. ગરમ પાણીની ડોલના ય દસ રૂપિયા પડાવે છે'

છપ્પન દિગ્મૂઢભાવે તેને જોઈ રહ્યો. એ પોલીસ સ્ટેશનમાં ન હતો? તેણે ફરીથી ઓરડાનો માહોલ જોયો. દિવાલો પર વાદળી રંગના ડિસ્ટેમ્પરના ધબ્બા બલ્બના પીળા પ્રકાશમાં વધુ વરવા લાગતા હતા. મોઝેક મઢેલી ઠંડી ફર્શ પર જ્યાંત્યાંથી આરસના દાણાં ઉખડીને ખાડા પડી ગયા હતા. પલંગ પર પાથરેલા ઓછાડના લીલા-સફેદ ચોકઠાને એ ઘડીક તાકી રહ્યો. ભૂરા રંગનો સોલાપુરી ચોરસો, લાકડાની ખુરસી, એક પાયામાંથી સ્હેજ ખોડંગાતું નાનકડું ટેબલ, બારીની બહાર ક્ષિતિજ પર હારબંધ દેખાતા સ્ટ્રિટ લાઈટના આછેરા ઉજાસ તળે વળ ખાતું અંધારું અને મેઘલી રાતે દૂર ક્યાંક રેડિયો પર વાગતું ગીત... 'ભૌંરા બડા નાદાન હૈ... બગીયન કા મહેમાન હૈ...કલિયન કી મુસ્કાન હૈ... ફિર ભી જાને ના... જાને ના...'

એ વધુ મૂંઝાયો. આ લોકઅપ તો ન હતું. એ આખરે ક્યાં હતો? તેને ઝબ્બે કરનારો આ માણસ કોણ હતો?

જો આ પોલીસ સ્ટેશન ન હતું તો તેને કોણે ઝડપ્યો હતો? એ પોલીસવાળો હશે? હોઈ શકે? ધણીધોરી વગરની ચોરીના કિસ્સામાં ચોર ઝડપાય એટલે પોલીસ પહેલા તોડ કરે અને ત્યાં સુધી ધરપકડ જાહેર ન કરે એ ખાનદાની ઉઠાઉગીર તરીકે છપ્પનને સમજાતું હતું.

'થેંક ગોડ, એવું જ હોય...' બે-ચાર ઢીકાપાટું ખાઈને દોઢ-બે લાખ રૃપિયા આ ખડ્ડુસના મોંમાં દાબી દેવાથી છૂટી તો શકાશે એવા હાશકારો છપ્પનના ચહેરા પર ફરકી ગયો.

'આંખ પર ગરમ પાણી જરા છાલક મારીને છાંટજે. તેનાંથી ઘેન ઝડપથી ઓછું થશે' બાથરૃમના દરવાજો ખોલી છપ્પનને અંદર હડસેલતા તેણે કહ્યું.

- પણ પોતે પકડાયો છે તેના અહેસાસ માત્રથી છપ્પનસિંઘ જરૃરથી ય વધારે હોશમાં આવી ચૂક્યો હતો. તેણે તાજુબીથી, કંઈક ફફડાટથી થડકતા હૈયે તેની સામે જોયું. એ આદમી તેનાંથી ખાસ્સો ઊંચો હતો. ગોરો, ભરાવદાર ચહેરો, મોટી-ઘેરી આંખો, ટૂંકા ક્રુ-કટ વાળ, આડેધડ વધેલા દાઢી-મૂછ સાફ કરી દેવામાં આવે તો એ વધારે રૃપાળો લાગે. ઘેરા, ખદડ ડેનિમની ઉપર તેણે લાઈટ ગ્રીન પુલઓવર પહેર્યું હતું અને પગમાં લી કૂપર ટ્રેકિંગ શૂઝ...

'હા... આ એ જ માણસ હતો...'

તેના પુલઓવરનો કલર અને ટ્રેકિંગ શૂઝની બઠ્ઠડ હિલ જોઈને, ઈથરની અસરથી બોઝિલ બની ગયેલું છપ્પનસિંઘનું દિમાગ ફરીથી સતર્ક બનવા લાગ્યું અને સાત-આઠ કલાકના ઘેન હેઠળ સુસ્તાઈ ગયેલું સ્મરણ ઝાંખાપાંખા અણસાર સાથે આંખો સમક્ષ આવવા માંડયું.

હા... આ એ જ માણસ હતો. પોતે જ્યારે મૂર્તિ ઊઠાવીને અધૂકડી હાલતમાં પાછા પગલે ખસી રહ્યો હતો ત્યારે આ માણસે જ તેના માથા પાછળ ગન તાકી હતી. પોતે ઘડીક ચકિતપણે તેની સામે જોયા કર્યું હતું. પછી હાથ ઊંચા કરવા જતો હોય તેવી ચેષ્ટા કરીને તેણે તેના હાથ પર હોલ્ડોલ ફંગોળ્યો હતો. હોલ્ડોલના અણધાર્યા ફટકા પછી ય તેના હાથમાંથી ગન તો ન છટકી પણ એ થોડો બેધ્યાન જરૃર બન્યો. મરણિયા બનેલા છપ્પને એટલી વારમાં ત્વરાથી ઊભા થઈને તેના પેઢુમાં જમણા પગની લાત ઝીંકી દીધી હતી. છપ્પને લાત મારવા પગ વાળ્યો એ જ વખતે એ ઝડપભેર ખસી ગયો હતો પણ છપ્પનની લાતનો બળકટ પ્રહાર તેના ડાબા સાથળ પર ઝીંકાતા એ કમર અને ઢીંચણમાંથી બેવડો વળી ગયો.

એ જ વખતે છપ્પન અવઢવમાં મૂકાયો. ગન કાઢું કે ચાકુ ભોંકી દઉં? ગનથી ફાયર કરીશ તો આ માણસથી બચી જવાશે પણ પછી અવાજના કારણે નાસવાનું મુશ્કેલ. તેણે ચંદ સેકન્ડમાં નિર્ણય લઈને ડાબા પડખે બાંધેલા હોલસ્ટરમાંથી છરો ખેંચ્યો. એ આદમીના હાથમાં ગન હતી પણ એ ફાયર કેમ ન્હોતો કરતો? એ પણ પોતાની જેમ ફાયરિંગ કરવાથી ડરતો હતો અને ફક્ત તેને ડારવા પૂરતી જ ગન દેખાડતો હતો?

પોઝિશન લેવાનો સમય ન હતો. વગડાની ઉબડખાબડ ભોંય પર માટીના મસમોટા ઢેફાં પર તેના પગ સમતોલ રહેતા ન હતા એટલે એ જ હાલતમાં તેણે છલાંગ મારી.

- પણ એ જ તેની ભૂલ હતી.

સામેનો આદમી તેના કરતાં કદ-કાઠીમાં મજબૂત અને જોરાવર તો હતો જ, ચબરાક પણ વધુ સાબિત થયો. છપ્પને છલાંગ મારીને છરી હુલાવવા હાથ ઘૂમાવ્યો એટલે બંને વચ્ચેનું અંતર ઘટયું અને એ પેલા માણસના હાથની રેન્જમાં આવી ગયો. એ જ ઘડીએ એ આદમીએ ગનનું બેરલ હથોડાની માફક તેના જડબા પર ઠોક્યું અને પોતે ચપળતાથી બાજુ પર ખસી ગયો. છરીનો બીજો ઘા કરવાના છપ્પનને હોશ આવે એ પહેલાં રાઠોડી પંજાની નાગચૂડમાં તેનો છરી પકડેલો હાથ ભીંસીને તેણે ફરીથી ગનનો વજનદાર કુંદો છપ્પનના લમણે ફટકાર્યો.

મજબૂત હાથના સળંગ બે ફટકા ખાઈને છપ્પનને તમ્મર આવી ગયા. મધપૂડામાં મોં ખોસી દીધું હોય તેમ તેના માથામાંથી સણકારા બોલવા લાગ્યા. એ જરાક પણ સ્વસ્થતા મેળવે એ પહેલાં છરી પકડેલા હાથ પરની ભીંસ વધુ મજબૂત કરીને એ આદમી તેના પર પટકાયો હતો. સંવનન કરી રહેલા યુગલની પેઠે પંદર-વીસ સેકન્ડ સુધી બંને એકમેકને પછાડી દેવા ગોટવાતા રહ્યા અને પછી...

પછી શું થયું એ છપ્પનને સ્પષ્ટપણે યાદ આવતું ન હતું.

ગરમ, હુંફાળા પાણીની છાલક તેણે ચહેરા પર મારી એ સાથે તેના મોંમાંથી સીસકારો નીકળી ગયો. તેણે ચહેરા પર હાથ પસવાર્યો. લમણાં પર ખાસ્સું મોટું ઢીમણું ઉપસી ગયું હતું અને જડબામાંથી હજુ ય લવકારા નીકળતા હતા. એ ક્યાં હતો, આ માણસ કોણ હતો, તેની મરમ્મત કર્યા પછી અત્યારે સલુકાઈ દાખવવા પાછળ તેનો શું ઈરાદો હતો એ કશું જ તેને સમજાતું ન હતું પણ તેને એ બરાબર સમજાઈ ગયું હતું કે એ ભેરવાઈ ચૂક્યો હતો... બહુ જ ખરાબ રીતે ભેરવાઈ ચૂક્યો હતો...

(ક્રમશઃ)