સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 2
બહાર ધર્મશાળાના વિશાળ ચોગાનમાં ચોમાસાની નમતી બપોરનો આછકલો તડકો પછડાતો હતો. પીપરના ઝાડ ફરતાં ચણેલાં ઓટલા પર ઊભડક બેસેલા યાત્રાળુઓ અને ઘૂમટા તાણેલી ઓરતો કુંડાળુ વળીને સમૂહમાં કોઈક ધૂન ગાઈ રહ્યા હતા. હારબંધ ઓરડાઓ પૈકી કેટલાંકમાં ચહલપહલ વર્તાતી હતી. લાંબી પરસાળની વળગણી પર ટૂવાલ, ધોતિયાં-ખમીસ સૂકાતાં હતાં.
'હમ્મ્મ... માહોલ બરાબર જામી ચૂક્યો છે...' એક જ નજરમાં આસપાસનું વાતાવરણ પામીને તે મનોમન બબડયો. પ્લાનિંગનો તબક્કો અહીં પૂરો થતો હતો અને હવે એક્શનનો વારો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો. તેના હોઠ દૃઢતાથી બિડાયા અને જડબા તંગ થયા. ખભા પર કિટ બાંધીને તેણે માથા પરની પી-કેપ સરખી કરી. ગોગલ્સ ઠીક કર્યા અને ધૂન ગાતી મંડળીની સામે નજર પણ કર્યા વગર દરવાજા ભણી ચાલતો થયો.
આંતરિયાળ વગડામાં આવેલું આ મંદિર ખાસ્સું જૂનું અને બિસ્માર હતું. પૂનમ સિવાયના દિવસોમાં રોજના ચાલીસ-પચાસ યાત્રાળુઓ માંડ આવે પણ પૂનમ આસપાસના દિવસોમાં અહીં ખાસ્સો ધસારો રહેતો. આડા દિવસે ધર્મશાળાનો બુઢ્ઢો ચોકીદાર, અન્નક્ષેત્રના બે રસોઈયા અને મંદિરની નાનકડી ખેતીવાડી, ગૌશાળાનો વહીવટ સંભાળતા મહેતાજી સિવાય ખાસ કોઈ અવરજવર રહેતી નહિ પણ પૂનમના આગલા-પાછલા દિવસોમાં યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા આઠ-દસ વધારાના માણસો ય સેવા આપવા આવી જતાં.
છપ્પને એક્શન માટે ખાસ પૂનમનો જ દિવસ પસંદ કર્યો હતો. દર વખતની જેમ તેનું હોમવર્ક પાકું હતું. કતની-શાહદોલ હાઈ-વે પર આવેલ સિરોંજ ગામથી બાર કિલોમીટર દૂર ડિંડોરી તરફ જતી કાચી સડક પર આ મંદિર આવેલું હતું. ડિંડોરીથી ટિમ્બર, મલબારી નળિયા લઈ જતાં ટ્રક સિવાય કાચી સડક પર વાહનોની ખાસ અવર-જવર ન હતી. મંદિરના વિશાળ પરિસરને અડીને પસાર થતી સડકની સામેની તરફ ભૂતડાની નાનકડી ખાણ હતી. ત્યાંના મજૂરો, કારીગરો માટે સડકથી સ્હેજ દૂર બંજર જમીન પર લાકડા-પતરાંનું એકઢાળિયું ગોઠવીને બનાવેલું એક દેહાતી ઢાબું હતું.
આ કામને અંજામ આપવા છપ્પને છેક ઉત્તરપ્રદેશના ઉરઈથી બોલેરો ગાડી ઊઠાવી હતી. જે જગ્યાએ કામ પાર પાડવાનું હોય તેનાંથી તદ્દન વિરુદ્ધ દિશાએથી, બની શકે તો બીજા સ્ટેટની ગાડી ઊઠાવવી એ તેની કાયમી પધ્ધતિ હતી. ઉરઈથી એ બાંદા ગયો અને બાંદાથી સતના થઈને મધ્યપ્રદેશની હદમાં પ્રવેશ્યો ત્યારે બોલેરોના રંગરૃપ સદંતર બદલાઈ ગયા હતા. સિરોંજ ગામથી મંદિર તરફ જતી સડક પર તેણે ગાડી વાળી ત્યારે મધ્યપ્રદેશ ખનીજ વિકાસ નિગમનું લાલ રંગનું સરકારી પાટિયું તેની ગાડીની નંબર પ્લેટ પર જડાઈ ગયું હતું અને હવે તે ખાણ-ખનીજના સર્વે માટે આવેલો સરકારી અધિકારી હતો!
સરકારી અધિકારી તરીકે પૂરતો રૃઆબ ઝાડીને તેણે મંદિરના મહેતાજીને અને અન્નક્ષેત્રના માણસોને પહેલાં દિવસથી જ ભોંચક્કા કરી દીધા હતા. મંદિર અને આસપાસની જમીનનો સર્વે કરવાના નામે પહેલાં દિવસે સવારે તેણે ભૂતડાની ખાણમાંથી કેટલાંક મજૂરોને બોલાવીને આડાંઅવળાં માર્કિંગ કરાવ્યા હતા. બપોર સુધી તદ્દન ઠંડા કલેજે કાચી સડક પરનો ટ્રાફિક, યાત્રાળુઓની આવ-જા અને સડકના ઢાબા પરનો માહોલ નિરખ્યા કર્યો હતો. છેક મોડી સાંજે તેણે મંદિરના અંદરના પરિસરમાં પગ મૂક્યો હતો, જ્યાંથી તેણે ચોરી કરવાની હતી.
ખાસ્સા ઊંચા ઓટલાની વચ્ચોવચ ઊભેલા મંદિરના આથમણા દરવાજે મોટું ચોગાન હતું. ખાસ કોઈ સારસંભાળ કે માવજત વગર જ્યાંત્યાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ઘાસથી છવાયેલી ભોંય પર નાની-મોટી ત્રીસ-પાંત્રીસ જેટલી મૂર્તિઓના સ્થાનક હતા. નાનકડી દેરીના ગોખમાં કળીચૂનાનો ચાર આંગળ જાડો થર પાથરીને તેના પર જડેલી આ મૂર્તિઓ ય દેખભાળના અભાવે જર્જરિત થઈ રહી હતી પણ તોય મૂર્તિ માત્રમાં ભગવાનને ભાળતાં યાત્રાળુઓ અહીં નમન કરી જતાં હતાં.
- અને છપ્પન આજે એ ભગવાનને જ ઊઠાવવા આવ્યો હતો.
હંમેશની માફક દુબળીએ આ વખતે પણ તેને ચોક્કસ મૂર્તિની પાકી ઓળખ આપી હતી. અલગ અલગ એંગલથી લીધેલા આઠ-દસ ફોટોગ્રાફ ઉપરાંત જરાક પણ સરતચૂક ન થાય એ માટે એક નોંધમાં તેણે મૂર્તિનું, તેના ગોખલાનું અને આસપાસનું ઝીણવટભર્યું વર્ણન પણ આપ્યું હતું.
'મંદિરના પશ્ચિમ દરવાજેથી ચાર પગથિયા ઉતર્યા પછી વીસેક કદમ દૂર ડાબે-જમણે મૂર્તિઓના હારબંધ ગોખ છે. ડાબી બાજુ કુલ ૧૧ મૂર્તિ છે, જમણી તરફ ૨૪ મૂર્તિ છે. અહીં દરેક ગોખમાં જુદાં-જુદાં ભૌમિતિક આકારોની અંદર મૂર્તિઓ કોતરેલી છે. કેટલીક ચોરસમાં છે, કેટલીક લંબચોરસ છે, કેટલીક ત્રિકોણની અંદર છે. તારે જમણી દિશાએ જોવાની જરૃર નથી. ડાબી બાજુએ છઠ્ઠા નંબરનો ગોખલો એ આપણો ટાર્ગેટ છે. એ ગોખલામાં ચક્રાકારે સાંકળ જેવી કોતરણીથી નાની-નાની દસ મૂર્તિઓ કોરેલી છે. ગોખલાના થાળામાંથી મૂર્તિના ચક્રની એક કાંકરી સુધ્ધાં ન ખરે કે તેના પાયાને જરાક પણ હાનિ ન થાય એ રીતે તારે એ ઊઠાવવાની છે. ગુડ લક બોય !'
અહીં આવ્યાની પહેલી સાંજે આ નોંધના આધારે મૂર્તિઓના આટલા જમેલા વચ્ચે પણ તે આસાનીથી પોતાનો સ્પોટ પારખી ગયો હતો પણ મૂર્તિ જોઈ ત્યારે તેણે મનોમન દુબળીને બેય હાથે સલામ કરી નાંખી હતી. સાલો જબરો ભેજાંબાજ છે... ક્યાં ક્યાંથી પોતના કામની મૂર્તિ કેટલી ચોક્સાઈથી શોધી લાવે છે!
મૂર્તિને જરાક પણ હાનિ ન થાય એ રીતે અત્યંત સિફતપૂર્વક પાયામાંથી કોતરી નાંખવામાં તેની માસ્ટરી હતી. કહો કે, એ માસ્ટરીને લીધે જ દુબળીને તેનો ખપ હતો બાકી તો ગમે તે તીનપાટિયા લલ્લુ-પંજુને એ કામ ન સોંપે? અરે, જો આસાન હોત તો તો આટલી જફામાં પડવાને બદલે એ પોતે જ મૂર્તિઓ ન ઊઠાવતો હોત? છપ્પનને પોતાની કરામત પર ગર્વ હતો અને એ ગર્વ જરાય અકારણ પણ ન હતો.
પગ છૂટો કરવા લટાર મારતો હોય એ રીતે દિવસમાં બે વખત એમ પાંચ-છ વખત અહીં ચક્કર લગાવીને તેણે પાકી ખાતરી કરી લીધી હતી. અત્યારે મંદિરનો પૂજારી દૂરના ચોગાનમાં યાત્રાળુના ટોળાને ધાર્મિક આસ્થાનું કશુંક અષ્ટંપષ્ટં પઢાવીને ખંખેરવાની વેતરણમાં હતો. મંદિરના પગથિયા પાસે કેટલાંક યાત્રાળુઓ ધર્મશાળાના ઓટલાની જેમ ધૂન જમાવી રહ્યા હતા. મૂર્તિ તરફના પરિસરના હવે કોઈ ન હતું. છઠ્ઠા નંબરના ગોખલા પાસે કિટ મૂકીને સાવચેતી ખાતર તેણે આખા પરિસરનો એક આંટો મારી લીધો. મૂર્તિ કોરીને તેણે પચાસેક મીટર દૂરની પડુંપડું થઈ રહેલી જર્જરિત દિવાલ કુદાવીને સડક તરફના ઝાડી-ઝાંખરામાં છૂપાવી દેવાની હતી અને પછી ગાડી લઈને ધર્મશાળા-મંદિરનો ચકરાવો ફરી, અહીં આવીને ઝાંખરામાંથી મૂર્તિ ઊઠાવી મારી મૂકવાની હતી બિલાસપુર તરફ...
દિવાલની બહાર ડોકિયું કરીને મૂર્તિ છૂપાવવા જેવી જગ્યા ફાઈનલ કરી લીધી અને જરાક ઉતાવળી ચાલે એ ગોખલા ભણી પાછો ફર્યો. ગોગલ્સ ઉતારીને શર્ટના પહેલાં ગાજમાં ભેરવ્યા અને ઘડિયાળમાં જોયું. સવા ચાર થવા આવ્યા હતા.
જો કોઈ આ બાજુ ન આવે તો અડધા કલાકમાં કામ પતી જવું જોઈએ. તેણે ઊંડો શ્વાસ લીધો અને દર્દીની નાડ તપાસતા તબીબની એકાગ્રતાથી ચોરસ થાળા પર જડેલી ચક્રાકાર મૂર્તિના દરેક છેડે હળવા હાથે આંગળી ફેરવવા માંડી. બેય હાથની આંગળી વડે ચારેય છેડા આવરી લઈને તે ક્ષણભર સ્થિર નજરે જોતો રહ્યો, પછી કિટના આગળના ખાનામાંથી તેણે લાકડાના ધારદાર પેચિયાનું બંચ અને રબ્બરની હથોડી કાઢ્યા. આંખ ઝિણી કરીને ફરીથી થાળાના પાયામાં આંગળી ફેરવી અને એક ખાંચો પસંદ કર્યો. લાકડાનું સૌથી નાના કદનું પેચિયું એ ખાંચામાં જરાક બળપૂર્વક પેસાડયું અને તેના પર રબ્બરની હથોડી હળવા હાથે ઠોકવા માંડી. હથોડીના ફટકા સાથે એ ઝડપભેર છતાં ય અત્યંત કાળજીપૂર્વક પેચિયાની ધારની દિશા એવી રીતે બદલતો રહ્યો કે થાળાનો પાયો લંબાઈ અને ઊંડાઈ બંનેમાં ખોતરાતો જાય.
તેના નીવડેલા હાથે પેચિયાની સાઈઝ બદલતા રહીને પાંચેક મિનિટમાં જ પાયામાં દોઢ ઈંચ ઊંડું અને ચારેક ઈંચ લાંબુ ભગદાળુ પાડી દીધું હતું. હવે તેણે કિટમાંથી રોટલીના કણક જેવી લાપી, રાખ અને ચૂનાની લૂગદી અને પાણીની બોટલ કાઢી. જરાક સૂકાઈ રહેલી લૂગદીના પીંડા પર થોડુંક પાણી છાંટીને સહેજ વધારે લચપચતી કરી અને તેમાંથી એક લોંદો ઊખાડી પેચિયાએ પાડેલી ખાંચમાં ભરવા માંડયો. દરેક દિશાએ તેણે આવી ખાંચ કરીને તેમાં લૂગદી ભર્યા પછી સૌથી મોટું પેચિયું ઊઠાવ્યું અને જરા વધારે બળપૂર્વક પ્રહારો કરવા માંડયા. બહારથી સંભળાતા ધૂનના અવાજમાં પેચિયાના લાકડાના મથાળા પર ઠોકાતા રબ્બરની બોદી ઠકઠકાટી ક્યાંય દબાઈ જતી હતી.
થાળામાં લૂગદી ભરવાને લીધે પાયા પરથી ઊંચકાતી મૂર્તિ તરત સપોર્ટ ગુમાવીને બટકી પડતી ન હતી અને છતાં ય પેચિયાની ધાર વધુને વધુ કોતરકામ જારી રાખતી હતી. આ કારીગરી જ છપ્પનસિંઘને જરીપૂરાણી અને જર્જરિત મૂર્તિઓને કોઈ જ હાનિ પહોંચાડયા વગર યથાતથ કોરી કાઢનારો અઠંગ, આબાદ અને અફલાતુન મૂર્તિચોર બનાવતી હતી. કપાળ પરનો પરસેવો લૂછીને તેણે ફરીથી ઘડિયાળમાં જોયું. સાડા ચાર થયા હતા. આઠ ઈંચ લાંબુ પેચિયુ મૂર્તિના થાળાની દરેક દિશાએ આખું અંદર પેસી શકતું હતું. મતલબ કે બે ફૂટનો ઘેરાવો ધરાવતું થાળું હવે વચ્ચેના હિસ્સેથી જ કોરાવાનું બાકી હતું.
હવે કસોટીનો સમય હતો. બોટલ મોંઢે માંડીને તેણે એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અને કીટમાંથી બારિક કાચ ચડાવેલા દોરાની દડી કાઢી. અઢી-ત્રણ ફૂટના ચાર-પાંચ કટકા કરીને અરસપરસ દોરડી જેવો વળ ચડાવીને તેણે થાળાના ડાબી તરફના આગળ-પાછળના બેય છેડે પસાર કર્યું અને ઝડપભેર ઘસવા માંડયું. પાંચેક મિનિટ પછી ઘસાયેલા દોરા બદલીને નવા દોરા વડે થાળાના જમણી તરફના છેડા ઘસી કાઢ્યા. એવી રીતે વધુ બે વાર દોરા બદલ્યા ત્યારે આખી મૂર્તિ થાળાથી છૂટી પડી ગઈ હતી અને ત્યારે ઘડિયાળમાં પોણા પાંચ પર પાંચ મિનિટ થઈ હતી.
ખુશહાલ ચહેરે તેણે શર્ટની બાંય વડે પસીનો લૂછ્યો અને કીટમાંથી રાંઢવુ કાઢ્યું. હજુ ય જરાક પણ ગફલત પાલવે તેમ ન હતી. અત્યંત જૂની મૂર્તિને થાળામાંથી ઊંચકવા જવામાં જરાક પણ બેધ્યાન રહેવાય તો ક્ષારથી ખવાઈ રહેલી મૂર્તિ ફસકી જાય. ધ્યાનપૂર્વક હાથ ફેરવીને તેણે મૂર્તિનું તળિયું ચકાસ્યું અને પછી મૂર્તિને દરેક ખૂણેથી આધાર મળે તે રીતે રાંઢવાનો ત્રણ છેડાનો ગાળિયો તેમાં પરોવીને થાળામાંથી આખેઆખી મૂર્તિને ઊંચકી લીધી... બિલકુલ એવી જ તલ્લિનતાથી, જાણે લૌંડિયા સાથે ઈશ્ક કરી રહ્યો હોય !!
***
સાડા છ થવા આવ્યા હતા. આકાશમાં ઘેરાયેલા વાદળો તળે ઢંકાયેલો સુરજ ઉજાસની ઓઢણી ધીમે ધીમે ખેંચી રહ્યો હતો. ધર્મશાળાના ચોગાનમાં ખાટલા ઢાળીને દેહાતી યાત્રાળુઓ બીડીઓ ફૂંકતા ગપાટા મારી રહ્યા હતા. અન્નક્ષેત્રના રસોડામાં બફાતા શાકની સોડમ ચોગાનને ઘેરી વળી હતી. તેણે બેપરવાઈનો ડોળ કરતાં રહીને બોલેરોમાં પોતાનો સામાન મૂક્યો. મહેતાજીના હાથમાં ચાવી થમાવી. ચોકીદારને બક્ષિસ આપી અને ગાડીમાં બેઠો.
દરવાજાની બહાર નીકળીને જમણી તરફ સ્ટિઅરિંગ વાળ્યું. ઉબડખાબડ જમીન પર બોલેરોના જમ્પર કિચૂડાટ કરી રહ્યા હતા એથી તેનું મોં કટાણું થઈ રહ્યું હતું. પરફેક્શનનો આગ્રહી છપ્પન ગાડી પણ ટનાટન રાખવામાં માનતો હતો. એ હંમેશા માનતો કે, ગાડી ઔર બોડી બિલકુલ ફીટ હોના મંગતા... શરીરમાં એક દોરો ય ચરબી ન હોવી જોઈએ અને ગાડીમાં કોઈપણ જાતનું નોકિંગ ન હોવું જોઈએ. બોડી નબળુ પડે કે ગાડી બિસ્માર હોય એટલે પકડાઈ જવાના ચાન્સ વધી જાય. પણ આ ગાડી ક્યાં આપણાં બાપની હતી? બિલાસપુર પહોંચીને ગાડી ક્યાંક છોડી દેવાની હતી અને બિલાસપુરથી કોરબા, બૈકુંઠપુર થઈને સીધા પટણા-મધુબની-સોનેહાર...
ઘરના સ્મરણથી એ આવી તંગ હાલતમાં ય મરકી ઊઠયો... રીઢો ચોર હતો છતાં ય.
ધર્મશાળાની દિવાલ પછી મંદિરની પછીત શરૃ થઈ એટલે તેણે ગાડી ધીમી પાડી. બોરડી અને ગોખરુની ઝાડીમાં તેણે મૂર્તિ મૂકી હતી. ગાડી દિવાલની શક્ય તેટલી નજીક લઈ જઈને લઘુશંકા કરવા ઉતર્યો તેવી રીતે બોરડીના કાંટાથી બચતો દિવાલની નજીક ગોઠવાયો અને પગ ફંફોસીને તેણે મૂર્તિની ભાળ મેળવી. ઝાંખરા વચ્ચે દબાયેલી મૂર્તિને જોઈને ફરી એકવાર તેના ચહેરા પર ફતેહની ખુશહાલી ફરકી ગઈ. મૂર્તિ ઊઠાવવા એ ઢીંચણભેર ઝૂકીને બોરડીના કાંટા તેના ચહેરા પર ન ઘસાય તેની કાળજી રાખતો પાંચ-સાત ડગલાં આગળ ધપ્યો અને ત્વરાભેર તેણે મૂર્તિ ઊઠાવી. બેઉ હાથ વચ્ચે સંભાળપૂર્વક મૂર્તિ દબાવીને એ પાછા પગલે બોરડીના ઘેરાવામાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યાં તેના માથામાં કશુંક અડયું. કાંટાનું ઝૂંડ ગરદન છોલી નાંખશે એવા ડરથી તેણે અધુકડા બેઠેલી હાલતમાં જ ગરદન ઘૂમાવીને પાછળ જોયું એ સાથે તેના રૃંવેરૃંવે ફફડાટનો પલિતો ચંપાઈ ગયો.
આટઆટલા વરસની સફળ કારકિર્દીમાં આજે પહેલી વાર અઠંગ ઉઠાઉગીર છપ્પનસિંઘ વલ્દ ગૂંગાસિંઘ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
તેની બરાબર પાછળ ઊભેલો એક માણસ તેના લમણે ગન તાકીને ભેદી રીતે મરકી રહ્યો હતો. આથમતા સુરજની કેસરી ઝાંય છપ્પનસિંઘના છળી ઊઠેલા ચહેરાને વધુ બિહામણો બનાવતી હતી.
બેઉની જિંદગીમાં વણદેખાતો ઝંઝાવાત ફૂંકાવાની એ પહેલી ક્ષણ હતી.
(ક્રમશઃ)