prem agan - 18 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | પ્રેમ અગન 18

Featured Books
Categories
Share

પ્રેમ અગન 18

પ્રેમ-અગન:-18

"સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,

ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,

કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,

શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,

મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!"

શૂન્ય પાલનપુરી સાહેબની આ ગઝલનાં શેર ની જેમ શિવ પણ પોતાની કિસ્મત ની નાવ પર સવાર થઈને પોતાની શ્રી ને એક અજાણ્યાં શહેરમાં પાગલની જેમ શોધી રહ્યો હતો..ત્યાં બીજી તરફ શ્રી સાચેમાં પાગલ બની શિવ ની નજીક હોવાં છતાં પણ એનાંથી દૂર હતી..ઘણી કોશિશો બાદ પણ શ્રી સુધીનું અંતર કાપવામાં શિવ અસમર્થ રહ્યો હતો.

"ઓફિસર,મને ખબર છે કે શ્રી ક્યાં છે.."

શિવનાં આમ બોલતાં જ શેખ અને હમીર અચરજભરી નજરે શિવની તરફ જોઈ રહ્યાં.

"હા હું જાણું છું..કે શ્રી ક્યાં હશે.."વિસ્મયથી પોતાને તકતાં શેખ અને હમીર તરફ જોઈને શિવ બોલ્યો.

"તો ફટાફટ બોલ..હું એ તરફ જીપ લઈ જાઉં.."શિવની વાત સાંભળી શેખ બોલ્યો.

"જાખુ હનુમાન મંદિર.."શિવે શેખ તરફ જોઈને કહ્યું.

"જાખુ હનુમાન મંદિર..?"શેખે સવાલસુચક નજરે શિવ ભણી જોઈને કહ્યું.

"હા.. શિમલાની સૌથી ઊંચી પહાડી પર આવેલાં જાખુ હનુમાન મંદિર તરફ જીપને લઈ જાઓ..મારી શ્રી ત્યાં જ હશે.."મક્કમ સ્વરે શિવ બોલ્યો.

શિવે આવું કેમ કહ્યું હતું એનું અનુમાન ના શેખ લગાવી શક્યો ના હમીર..પણ શિવે કંઈક કહ્યું હશે તો વિચારીને જ કહ્યું હશે એમ માની શેખે જીપનું એક્સીલેટર દબાવ્યું અને જીપને ભગાવી મૂકી જાખુ હનુમાન મંદિર જતાં રોડ ઉપર.આ મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે..જ્યારે રાવણ જોડેનાં યુદ્ધ વખતે લક્ષમણ મૂર્છિત થઈને પડ્યાં હતાં અને એમને બચાવવા જ્યારે હનુમાનજી સંજીવની લેવાં જતાં હતાં ત્યારે અહીં જ વિસામો કરવાં રોકાયાં હતાં એટલે જ અહીં આ મંદિરનું નિર્માણ થયું હતું એવી લોક માન્યતા છે.

આ મંદિર જ્યાં સ્થિત હતું એ જાખુ પહાડી શિમલા શહેરની સૌથી ઊંચી પહાડી હતી જ્યાંથી આખું શહેર જોઈ શકાતું હતું.અડધો કલાકમાં તો શિવ અને હમીરને લઈને શેખ પોતાની જીપ લઈને જાખુ પહાડી જઈ પહોંચ્યો..અહીંના વળાંક વાળાં રસ્તા પર વર્ષોથી ડ્રાઈવિંગ કરતો હોવાથી શેખ સરળતાથી આવાં વાંકા-ચૂકા રસ્તા ઉપર જીપને પાણીનાં રેલાની માફક દોડાવી રહ્યો હતો.

"ભાઈ આ આપણે આવી ગયાં જાખુ પહાડી ઉપર..અને એ રહ્યું હનુમાનજીનું મંદિર.."દૂરથી દેખાતી લાલ રંગની હનુમાનજી ની પ્રતિમા તરફ આંગળી કરતાં બોલ્યો.

શેખે જીપને જેવી બ્રેક કરી એ સાથે જ શિવ જીપમાંથી નીચે ઉતર્યો..શિવે ચારેતરફ નજર ઘુમાવી અને પછી શેખ ની તરફ જોતાં ચિંતિત વદને બોલ્યો.

"શેખ ભાઈ..અહીં વ્યુ પોઈન્ટ ક્યાં આવેલો છે..?

"વ્યુ પોઈન્ટ..મતલબ કે સનસેટ જોવાં લોકો જ્યાં એકઠાં થાય છે એ જ ને..?"શેખે સામો સવાલ કર્યો.

"હા એ જ.."શિવે હકારમાં જવાબ આપતાં કહ્યું.

"ત્યાં..જમણી તરફ..પેલી ટેકરી જોડે.."શેખે પોતાની આંગળી વડે ઈશારો કરતાં કહ્યું.

શેખ નાં આટલું બોલતાં જ શિવ ગાંડા ની માફક એ તરફ ભાગવા લાગ્યો..સાંજનો સમય હોવાથી ઘણાં લોકો ડૂબતા સૂરજનો નજારો માણવા મોટી સંખ્યામાં વ્યુ પોઈન્ટ તરફ જઈ રહ્યાં હતાં.. લોકોની ભીડને ચીરતો શિવ દોડતો દોડતો વ્યુ પોઈન્ટ તરફ વધી રહ્યો હતો.. હમીર અને શેખ પણ શિવની પાછળ પાછળ ભાગી રહ્યાં હતાં..આતો સારું થયું કે શેખ સાદા કપડામાં હતો નહીં તો પોલીસનાં કપડામાં શેખને શિવની પાછળ ભાગતો જોઈ ત્યાં મોજુદ લોકોનું ટોળું ગોથે ચડી જાત.

આખરે શિવ વ્યુ પોઈન્ટ ઉપર આવી પહોંચ્યો..એનું હૃદય અત્યારે ધમણની માફક ચાલી રહ્યું હતું..એનાં શ્વાસ ભારે થઈ ચુક્યાં હતાં..અને ચહેરો પરસેવેથી તરબતર..હાંફતા હાંફતા શિવે ચારેતરફ નજર ઘુમાવી..અચાનક એની નજર લોકોની ભીડની વચ્ચે એક વ્યક્તિ પર સ્થિર થઈ..લોકો ની આટલી બધી સંખ્યા વચ્ચેથી શિવની નજર વ્યુ પોઈન્ટ ની ડાબી તરફ એક પથ્થર પર બેસેલી એક યુવતી તરફ જઈને સ્થિર થઈ.

શિવની નજર જ્યાં આવીને સ્થિર થઈ હતી એ તરફ શેખે અને હમીરે પણ પોતાની નજર કરી..હમીર અને શેખ ત્યાં બેસેલી યુવતીને ઓળખી ગયાં..એ બીજું કોઈ નહીં પણ શ્રી જ હતી..ડૂબતા સૂરજને જોતી શ્રી બધાંથી દૂર એકલી અટુલી બેઠી હતી.

ચાલીસ ચોર નો ખજાનો જોઈ અલીબાબા ને પણ જેટલું સુખદ આશ્ચર્ય નહોતું થયું એનાંથી પણ અનેક ગણું વધારે સુખદ આશ્ચર્ય શિવને અત્યારે થઈ રહ્યું હતું..શિવ નાં શરીરમાં અત્યારે અઢળક ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો..એ પોતાની શ્રી ની તરફ અનાયાસે જ આગળ વધવા લાગ્યો.

શ્રી ને હજુ ખબર જ નહોતી કે એનો શિવ એનાંથી દસેક ડગલાં દૂર આવીને ઉભો હતો..એ તો બસ આસપાસની દુનિયાને ભુલાવી ફક્ત આથમતાં રવિ ને પોતાની નજરમાં સમાવવાની કોશિશમાં હતી..જાણે સમય પાછો અટકી ચુક્યો હતો..બધો કોલાહલ શાંત થઈ ચૂક્યો હતો અને હાલ પૂરતાં તો શિવ અને શ્રી જ ત્યાં હતાં એવું અનુભવતો શિવ શ્રી ની તરફ ડગ માંડતો આગળ વધી રહ્યો હતો ને.

આજે અસ્ત થતો સૂરજ શિવ ની જીંદગીનો પુનઃ સૂર્યોદય કરી રહ્યો હતો..શિવને ખબર હતી કે શ્રી આ સમયે અહીં જ મળશે..કેમકે આ પોતાનું સપનું હતું કે એકવાર શિમલા ની સૌથી ઊંચી જગ્યાએ બેસીને ડૂબતા સૂર્યને જોવો..શિવને મનોમન એવો વિશ્વાસ હતો કે પોતાની શ્રી દુનિયાને ભુલાવી શકે પણ પોતાનાં શિવને અને શિવની વાતોને તો નહીં જ..અને જ્યારે શિવે શ્રી ને અહીં જોઈ ત્યારે એને પોતાનાં પ્રેમ પરની શ્રદ્ધા વધુ પ્રબળ બની ગઈ.

શિવ ચાલતો ચાલતો શ્રી થી ચારેક ડગલાં દૂર જઈને ઉભો રહ્યો..હવે શું થશે એ જાણવાની બેતાબીથી હમીર અને ઇન્સ્પેકટર શેખ પણ ધ્રુજતાં ડગલે શ્રી જ્યાં બેઠી હતી એ તરફ અગ્રેસર થઈ રહ્યાં હતાં.એ શ્રી હતી કે સવાર ની શબનમ કે પછી રેગીસ્તાનનું મૃગજળ એની પૂર્ણ ખાતરી કરવાં શિવ શ્રી ની સાવ નજીક પહોંચી ને પોતાની બધી જ લાગણીઓને કાબુમાં રાખી અવાજમાં આવેલી નરમાશ ને દૂર કરીને બોલ્યો.

"શ્રી..."

શિવનાં આટલું કહેતાં જ શ્રી એ અવાજની દિશામાં પોતાની નજર ઘુમાવી..શ્રી ને શિવનાં મોંઢેથી નીકળેલું પોતાનું નામ પોતાનું જ હોવાની લાગણીએ હચમચાવી મૂકી..શ્રી ડૂબતા સૂરજને જોવાનું પડતું મૂકી પોતાનાં સૂરજ એવાં શિવની તરફ નજર ફેરવીને ઉભી રહી.શિવની તરફ શ્રી ચૂપચાપ ભાવવિહીન ચહેરે નવાઈથી જોઈ રહી હતી..જાણે એ શિવ નો ચહેરો પહેલી વાર જોતી હોય એમ ગરદન નમાવી શિવની તરફ જોઈ રહી હતી.

શિવે શ્રી ને પગથી માથાં સુધી ધારીને જોઈ..ખુલ્લાં પગ,શરીર ઉપર મેલો થઈ ગયેલો ડ્રેસ,માથાનાં ગૂંચ પડી ગઈ હતી..ચહેરો પણ બેનૂર અને ફિક્કો પડી ગયો હતો..શિવને જોતાં-જોતાં એ પોતાનાં હાથનાં નખ ચાવી રહી હતી..ક્યાં એ શ્રી જેને પોતે પ્રથમ વખત જોઈ હતી..અને ક્યાં અત્યારે પોતાની સામે મોજુદ શ્રી..પણ સત્ય એ જ હતું જે પોતાની સામે હતું એમ વિચારી શિવે ફરીવાર શ્રી ની તરફ જોઈને કહ્યું.

"શ્રી..હું છું તારો શિવ.."

"કોણ શિવ..હું શિવને નથી ઓળખતી.."પોતાનું મોં ફુલાવી પાગલની જેમ હરકતો કરતાં શ્રી બોલી.

આ પણ કેવી વિપદા હતી પ્રભુ કે પોતાને જે સર્વસ્વ માનતી હતી એ શ્રી આજે શિવને ઓળખતી પણ નહોતી..શિવનું ગળું તરસથી સુકાઈ રહ્યું હતું..એને શ્રી ની આવી હાલત જોઈ રડવું આવી રહ્યું હતું પણ અત્યારે રડવાનો નહીં પણ પરિસ્થિતિનો મક્કમ મને સામનો કરવાનો વખત છે એમ વિચારી શિવ બોલ્યો.

"શ્રી હું છું..તું નથી ઓળખતી મને..જો આ ફોટો એમાં તું અને હું..અને આ આપણાં દોસ્ત સાગર અને નિધિ.."શ્રી ની નજીક જઈ પોતાનાં જોડે રહેલો ગ્રૂપ ફોટો શ્રી ને બતાવતાં શિવ બોલ્યો..શ્રી ની નજીક જતાં જ શિવને એનાં શરીરમાંથી બદબુ આવવાં લાગી..પણ જેને પ્રેમનો રંગ લાગ્યો હોય એનાં મન આ બદબુ પણ અત્તરથી ઓછી નહોતી.

શ્રી એ આંખો ઝીણી કરી એ ફોટોનો ધારીધારીને જોયો..પણ હવે તો શ્રી ને પોતાનો ચહેરો પણ કેવો હતો એ યાદ નહોતું કેમકે જ્યારથી એ અહીં શિમલા આવી હતી ત્યારથી એને અરીસો પણ નહોતો જોયો..તેમ છતાં મનનાં ખૂણે સ્મૃતિ પટલમાં રહેલી ભૂતકાળની વાતો પર વજન આપતાં શ્રી ને એવું તો લાગ્યું કે પોતે શિવને ક્યાંક જોયેલો હતો.

"તું મારો દોસ્ત છે..?"શિવની તરફ જોઈ શ્રી માથામાં બે હાથથી ખણતાં બોલી.

"હા હું તારો દોસ્ત છું..મારુ નામ શિવ છે અને તું શ્રી છો.."શિવે હવે બધી વાત કાળજીથી આગળ ધપાવતાં કહ્યું.

"હું શ્રી..તું શિવ,તું શિવ હું શ્રી..શ્રી શિવ.. મસ્ત નામ છે.."તાળીઓ પાડતાં શ્રી બોલી.

એની આવી હાલત જોઈ શિવ સમજી ચુક્યો હતો કે એની શ્રી પોતાનો બધો ભૂતકાળ ભૂલી ચુકી છે..એને પહેલાંનું કંઈપણ યાદ નથી..હવે જો શ્રી ને પુનઃ સારી કરવી હોય તો સ્થિતિની ગંભીરતા ને સમજી કામ લેવું પડે એમ હોવાથી શિવે સમજી વિચારીને કહ્યું.

"હા તું શ્રી અને હું શિવ..આપણે બંને દોસ્ત.."આટલું કહી શિવે શ્રી ની તરફ હાથ લંબાવતાં કહ્યું.

"દોસ્ત.. આપણે દોસ્ત..તો તું મારાં માટે એક કામ કરીશ.."ચહેરા પર સ્મિત લાવી શ્રી બોલી.

"હા બોલને.."શિવે કહ્યું.

"મને બહુ ભૂખ લાગી છે..બે દિવસથી કંઈપણ જમી પણ નથી તો થોડું જમવાનું.."પેટ ઉપર હાથ ફેરવી શ્રી બોલી.

"સારું હું તને ભરપેટ જમવા પણ આપીશ..તને સારાં કપડાં પણ લાવી આપીશ અને સાથે-સાથે તને ફરવા પણ લઈ જઈશ મારી જોડે.."શ્રી ની સાવ નજીક જઈને શિવ બોલ્યો.

"એક બીજી વાત કહું..મને પોલીસ સ્ટેશનમાં બહુ બીક લાગે છે..એ લોકો મને બહુ મારશે.."પોતાનાં મનમાં રહેલાં ડરને રજુ કરતાં શ્રી ખચકાતાં ખચકાતાં બોલી.

"તું ચિંતા ના કરીશ..કોઈ તને પોલીસ સ્ટેશન નહીં લઈ જાય..ચલ હવે મારી સાથે હું તને ગમતું બધું કરી આપીશ પણ એ માટે તારે મારી સાથે આવવું પડશે..."શ્રી નો હાથ પોતાનાં હાથમાં લઈ શિવ બોલ્યો.

"પણ આપણે જઈશું ક્યાં..?"શિવનાં આમ બોલતાં જ શ્રી એ નાનો બાળક પૂછે એમ પૂછ્યું.

"તને ભૂખ લાગી છે ને..?"શિવે શ્રી ની એકદમ નજીક,ચહેરાની તરફ જોતાં કહ્યું.

"હા બહુ જ.."શ્રી રાજીનાં રેડ થતાં બોલી.

"તો ચાલ તારે જે જમવું હોય એ જમાડું.."શ્રી નો હાથ પકડી હેતથી શિવ બોલ્યો.

"તું તો બહુ સારો છે દોસ્ત.."આટલું બોલી શ્રી શિવને ભેટી પડી.

શ્રીનાં ગળે વળગતાં જ શિવે પોતાનાં બંને હાથ એની ફરતે રાખી દીધાં.. હમીર અને શેખ ની આંખોમાંથી પણ દ્રશ્ય જોઈ અશ્રુધારા વહેવા લાગી..સનસેટ જોવાં આવેલાં લોકો પણ એક પાગલ જેવી છોકરીને એક જેન્ટલમેન પર્સનાલીટી ધરાવતાં યુવકની બાહોમાં જોઈ સ્તબ્ધ હતાં. શ્રી નાં શરીરમાંથી આવતી બદબુ છતાં શિવ એને હજુપણ પોતાનાં બાહુપાશ માં જકડી રાખે હતો..શિવે દુનિયાની પરવાહ કર્યા વિના શ્રી ને પોતાનામાં સમાવી લીધી હતી..શિવનાં સ્પર્શથી શ્રી પણ પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરી રહી હતી..શિવ જોડે એને વર્ષો જૂનો સંબંધ હોય એવી હૂંફ એ અનુભવી રહી હતી.

શિવે શ્રી ને પોતાનાંથી અળગી કરી અને એનું કપાળ ચુમીને કહ્યું.

"ચાલ હવે.."

શ્રી નો હાથ પકડી શિવ હમીર અને શેખ ની તરફ આગળ વધ્યો..શિવ અત્યારે શાંત હતો પણ એનું હૈયું વલોપાત કરી રહ્યું હતું..એ કોરી આંખે રડી રહ્યો હતો.

"શેખ ભાઈ ચાલો..મારી શ્રી ને બહુ ભૂખ લાગી છે તો કોઈ રેસ્ટોરેન્ટમાં જઈએ.."શેખ ની જોડે આવીને શિવ બોલ્યો.

થોડીવારમાં તો એ લોકો એક રેસ્ટોરેન્ટમાં પહોંચી ગયાં.. શ્રી ની જેવી હાલત હતી એ જોઈ બીજાં રેસ્ટોરેન્ટમાં જમતાં લોકોને ક્ષોભ થાય એમ વિચારી શિવે હમીર જોડે જમવાનું જીપમાં જ મંગાવી લીધું.જમવાનું જેવું આવી ગયું એ સાથે શ્રી બંને હાથથી જમવા ઉપર તૂટી પડી..એનો ચહેરો અને કપડાં પણ ગંદા થઈ રહ્યાં હતાં..એ જે રીતે જમી રહી હતી એ જોઈ બીજું કોઈ હોય તો એને ચિતરી ચડે પણ શિવ તો શ્રી ને પ્રેમની છેલ્લી હદથી પણ વધુ ચાહતો હતો..શ્રી હાલ જે પણ સ્થિતિમાં હોય પણ એ તો શ્રી નો શિવ હતો.

"દોસ્ત,મજા આવી ગઈ..તું બહુ જ સારો છે.."જમ્યાં બાદ જ્યારે શિવ શ્રી નાં હાથ અને મોં ધોવડાવતો હતો ત્યારે શ્રી ખુશ થતાં બોલી.

આ દરમિયાન શેખે આવીને શિવનાં કાનમાં કહ્યું.

"શિવ,ખોટું ના લગાડતો પણ આ તારી શ્રી શિમલા પોલીસ ની અપરાધી છે..એટલે તું આને લઈને સીટી હોસ્પિટલમાં જા અને ડોકટર જોસેફ જોડે આની માનસિક સ્થિતિનાં રિપોર્ટ કઢાવ..એ રિપોર્ટ તું મને આપી જા એટલે હું એની ધરપકડ નહીં કરું અને એને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાની સગવડ કરી આપીશ.."

શેખ ની વાત સાંભળી શિવે પોતાની તરફ હસીને જોઈ રહેલી શ્રી ની તરફ જોયું..શ્રી ની ઉદાસ આંખો જાણે પોતાને કહી રહી હતી કે શિવ મારે તારી જરૂર છે..શિવે આંખો બંધ કરી એ સાથે જ એની નજરો સામે એ દ્રશ્ય ઉભરી આવ્યું જ્યારે એને શ્રી ને પ્રથમ વાર ચુંબન કર્યું હતું.

આ સાથે જ શિવે મનોમન એક નિર્ણય લીધો..એક એવો નિર્ણય જેની ગણતરી ના હમીર ને હતી ના ઇન્સ્પેકટર શેખ ને.

"સ્વપ્ન જે હતું વર્ષોથી એ આજે પૂરું થઈ ગયું..

ઘણું મળી ગયું મને એ છતાં ઘણું બધું રહી ગયું.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવે શું નિર્ણય લીધો હતો..?શિવનાં નિર્ણયની એની બાકી જિંદગી પર શું અસર પડશે..?શ્રી ની સ્થિતિ સુધરશે..?શ્રીની આવી હાલત પાછળનું કારણ શું હતું..?શ્રી અને શિવની મુલાકાત નો અંજામ શું આવશે..?શિવ અને શ્રી ની પ્રેમકહાની કેવાં સંજોગોમાં આગળ વધશે..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)