ટહુકો
અડીખમ મિત્ર વગરનું ઘડપણ એટલે રણદ્વીપ વગરનું રણ
(6/8/2017)
મિત્રના વિયોગે ઝુરવાનું સૌના નસીબમાં નથી હોતું. મૈત્રી જેવી પવિત્ર ઘટના પર મજબૂરીનો સમાં લાદવામાં આવે ત્યારે ' હરિનાં લોચનિયાં ' જરૂર ભીના થયા હશે. મૈત્રી કોને કહે તે સગી આંખે નિરખવાનું મન થાય તો ' ફોરેસ્ટ ગમ્પ ' ફિલ્મ અચૂક જોવી. લોસ એન્જલસમાં એ ફિલ્મ જોયા પછી પાસે બેઠેલા મિત્ર વલ્લભભાઈ ભક્તને મે કહેલું: ' શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંધ માણ્યો હોય એવું લાગે છે. ' પ્લાસ્ટિકના પુષ્પ પર પતંગિયું બેસે ખરું? કદાચ બેસે, તો એ પતંગિયું પણ પ્લાસ્ટિકનું નહિ હોય? માનવીની પ્રાથમિક જરૂરિયાતની યાદી બનાવવામાં આવે, તો એમાં એક જરૂરિયાત આવી હોય: ' મૈત્રી પામવાની જરૂરિયાત. ' મૈત્રી હોય તેમાં પણ કદાચ ખરેખરી મધુરતા ત્યારે જામ, જ્યારે એ વિજાતીય મૈત્રી હોય. સ્ત્રી અને પુરુષ વચ્ચે મધુર મૈત્રી જામે ત્યારે અવકાશ અને સમય ખરી પડે છે. આવી મૈત્રીની નિંદા કરવી, એ તો ખલનાયકનું મનોરંજન ગણાય.
આપણે એવો સમાજ રચી બેઠા છીએ જેમાં દ્વેષ તો છડેચોક થઈ શકે, પરંતુ પ્રેમ તો છાનામાના જ કરવો પડે!મહિમા ગોકુળનો, પરંતુ વાસ્તવિકતા તો કંસની મથુરાની જ! જો આ દેશમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય ન થાય હોત, તો સમગ્ર હિન્દુ સમાજ સાવ અરસિક, શુષ્ક અને બંધિયાર હોત. શ્રીમદ્ વલ્લભાચાર્ય એ ભક્તિને લાલિત્યપૂર્ણ અને રંગદર્શી બનાવી. જે શુષ્ક સ્વભાવનો હોય, તે કદી વૈષ્ણવ ન હોઈ શકે. જે ઘુવડ ગંભીર અને રસહીન હોય તે કદી કૃષ્ણભક્ત ન હોઈ શકે. રાસલીલા મનુષ્યનું શમણું છે અને આતંકવાદી ત્રાસલીલા એની મજબૂરી છે. ડગલે ને પગલે મનગમતી મૈત્રીનું અભિવાદન આપણી અનેક ફિલ્મોમાં થતું રહે છે. અમિતાભ અને રેખા જ્યારે નૃત્ય કરે, ત્યારે મનોજગતમાં રાધા અને કૃષ્ણ નૃત્ય કરે છે. પડદા પર જ્યારે એવો અભિનય જુએ, ત્યારે આમ આદમીનો માંહ્યલો રડી ઉઠે છે:' મેરા જીવન કોરા કાગઝ, કોરા હિ રહ ગયા!'
કૃષ્ણ યોગેશ્વર હતા, તોય એમને અર્જુન, ઉદ્ધવ અને દ્રૌપદીની મૈત્રી વિના નહીં સોરવે!સંતાનો સાથે મૈત્રી ન કેળવે તેવા માતાપિતા, સંતાનોના લગ્ન વખતે ભારે ખર્ચ કરીને મૈત્રીના અભાવમાં બેન્ડવાજા વગડાવે છે. ' શ્રીમદ્ ભાગવત' માં ' ઉદ્ધવગીતા' વાંચવા મળે છે. લોકોમાં એ જોઈએ તેટલી પ્રચલિત નથી. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ' ઉદ્ધવગીતા' ' ભગવદ્દગીતા ' ક્યાંય જરાય ઉતરતી નથી. અર્જુન અને ઉદ્ધવ જેવા બે પ્રિય મિત્રો સમક્ષ કૃષ્ણ ખુલે છે અને ખીલે છે. ઉદ્ધવગીતા કાળક્રમે તો ભગવદ્દગીતા પછીની ઘટના છે. ' ઉદ્ધવગીતા ' કહ્યા પછી કૃષ્ણનો દેહવિલય ટૂંકા સમયગાળામાં થયો હતો. ઉદ્ધવે કૃષ્ણને શ્રીમુખેથી યોગમાર્ગનો ઉપદેશ સાંભળ્યો અને એની આંખોમાં આંસુ ઉભરાયા. એનું ગળું રૂંધાઇ ગયું. કૃષ્ણે ઉદ્ધવને કહ્યું:' હવે તું કૃપા કરીને મારી આજ્ઞાથી બદ્રિકાશ્રમ ચાલ્યો જા. તે મારો જ આશ્રમ છે. ' શુકદેવજી કહે છે:' આજ્ઞા જ થાય ત્યારે ભારે હૈયે ઉદ્ધવે વિદાય લીધી. ' જ્યારે તમે બદ્રીનાથની તીર્થયાત્રાએ જાઓ ત્યારે સાથે ' ઉદ્ધવગીતા ' લેતા જજો. કદાચ ત્યાં તમને ઉદ્ધવજી મળશે.
ગીતા એટલે મૈત્રીનું ઉપનિષદ! બુદ્ધ ભગવાને બ્રહ્મવિહારના પ્રથમ પગથિયે મૈત્રીનો મહિમા કર્યો છે. મૈત્રિવિહીન જીવન એટલે મરુભૂમિ!રવીન્દ્રનાથ મહાન કવિ હતા, પરંતુ એમની મૈત્રીઝંખના સદાય યુવાન રહી!કવિ વર્ડ્ઝવર્થ અને બહેન ડોરોથી સાથે સ્કોટલેન્ડ ગયા. ત્યાં કવિએ ખેતરના એકાંતમાં કામ કરતી અજાણી કિસાન કન્યાને નીરખી. એ કિસાન કન્યા લણણી (હાર્વેસ્ટ) કરી રહી હતી. વર્ડ્ઝવર્થે તેને અવલોકીને કાવ્ય લખ્યું: solitari reaper' (એકલી એકલી લણનારી). કવિતામાં લખ્યું છે: 'એ કન્યાને ખલેલ પહોંચાડશો નહીં'. ' stop here or gently pass. ' (થોભી જાઓ કે ભદ્રતપૂર્વક જતા રહો). બાગનાં બાકડા પર કોઈ વૃદ્ધને અન્ય વૃધ્ધા સાથે રસપૂર્વક, મૈત્રીપૂર્વક અને આત્મીય રીતે વાતો કરતા જુઓ, ત્યારે ભદ્રતાપૂર્વક જતા રહેવું એ એકવીસમી સદીની પવિત્ર સંસ્કારિતા ગણાય. ગંદી ઉત્સુકતા બતાવવી એ મહાપાપ છે.
સદ્દગત મોરારજી દેસાઈ બહારથી ખાસા શુષ્ક લાગે, પરંતુ એમના પરમ મિત્ર કનૈયાલાલ (કાનજીભાઈ) દેસાઈની વાત નીકળે ત્યારે ભીના બની રહેતા. બંધુભાવનો મહિમા ઓછો નથી, પરંતુ વિનોબાજી કહે છે:' બંધુત્વ બંધનસુચક છે, મોચનસુચક નથી. ' આમ મૈત્રીનું સ્થાન બંધુપ્રેમ કરતાંય ઉચેરું છે. તમારો કોઈ અડીખમ મિત્ર છે?જો હોય તો તમે તાતા, બિરલા અને અંબાણી કરતા તો ઘણા વધારે ધનવાન ગણાઓ. આ વાત ગૌરવ લેવા જેવી છે.
વૃધ્ધો જ્યારે મૈત્રીવિહોણા બની જાય ત્યારે વહેલા મૃત્યુ પામતા હોય છે. જે ઘરમાં કોઈ વૃદ્ધ વડીલ હોય તેવા ઘરના સંતાનોને એક જ ફરમાઈશ કરવી છે. એ વડીલને એક મિત્ર શોધી આપો. એકલા પડી ગયેલા કોઈ દાદાને કોઈ એવા માજી શોધી આપો દાદાને મૈત્રી મળે અને તબિયત સુધરી જાય!આવું બને પછી દાદાના પગ નહીં દબાવવા પડે. કદાચ કમરનો દુખાવો લગભગ મતી જશે. અરે!દવાનો ખર્ચ પણ ઘટી જાય એમ બને. એમની વચ્ચે થતી વાતો સાંભળશો નહીં. ભવિષ્યમાં થોડી એવી જાહેરખબરો અખબારોમાં વાચવા મળશે, જે મારી વાતને ટેકો કરનારી હશે. એક જાહેરાતનો કાલ્પનિક નમૂનો પ્રસ્તુત છે:
મનગમતી મૈત્રી પામવા
માટે ઉત્સુક એવાં
સિનિયર સિટઝનનો એક
મેળાવડો ગોઠવાયો છે
એ મિલન સમારંભમાં ભોજનની
વ્યવસ્થા રોટરી કલબ તરફથી
રાખવામાં આવી છે. દરેક વડીલને
વિનંતી કે પોતાનુ નામ સરનામું
અને મોબાઈલ નંબર અમને
આગળથી મોકલી આપો. આ
મિલન સમારંભમાં જે દાદા
પોતાને ગમી ગયેલા દાદીનું
નામ જાહેર કરશે તેને
એક ભેટ આપવામાં આવશે.
વૃદ્ધ વડીલો સંકોચ વિના
આવી પહોંચે એવી વિનંતી છે.
વડીલો પ્રત્યે અમથી દયા બતાવવાની જરૂર નથી. સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય વિના કોઈ સમાજ તંદુરસ્ત ના રહી શકે. પ્રત્યેક મનુષ્યને આ ત્રણ બાબતો ગમે છે. કૃષ્ણ એમાં રાજી રાજી! ઘડપણમાં બે મિત્રો ક્યાં?ટેલિફોન અને ટી. વી. ક્રિકેટની મેચ ટીવી પર જોનારા વડીલનું સુખ નિહાળવા જેવું હોય છે. એ સુખની ક્ષણે એની પુત્રવધૂ વગરમાગ્યે ચાનો કપ લઈને કહે:' પપ્પા ચા પી લો. ' આવી પુત્રવધૂ કેટલી?જવાબ:' ઘણીબધી'. આવી પુત્રવધૂ શું મેળવે છે?ભીના ભીના આશીર્વાદનો ગિરનાર!પ્રત્યેક વડીલે જાહેરમાં એક પ્રતિજ્ઞા લેવી રહી:' હું દુઃખી થવાનો ઇનકાર કરું છું. ' ગરીબ ન હોય તોય અને સંતાનો સારા હોય તોય
કેટલાક વૃધ્ધો દુઃખી રહેતા જોયા છે. અનુભવે કહું છું કે છેક પાછલી અવસ્થામાં પણ પ્રત્યેક ડોસાએ પત્નીની સાથે ફ્લર્ટિંગ કરવું જોઈએ. ખરેખર તો ' પેમ્પરિંગ' વધારે સારો શબ્દ છે. શું ટેલિફોન પર લાંબી લાંબી વાતો કરવાનો ઈજારો માત્ર યુવક યુવતીઓનો જ છે? સમાજને સુખી અને સ્વસ્થ રાખવો હોય તો ત્રણ શબ્દોની પ્રતિષ્ઠા વધારો:' સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય. ' કોઈ વિધુર અને વિધવાનું મિલન થાય, તે તો દુનિયાની સૌથી રળિયામણી ઘટના ગણાય.
°°°°°°°°
પાઘડીનો વળ છેડે
હું જે છું, તે જ તું છે.
તું જે છે, તે જ હું છું.
તે આપણો છે અને
આપણે બંને તેના છીએ.
તેથી આપણે સૌ આપણાં
પડોશી બની રહીએ.
(ગુર્જીએફના પિતાની કબર પર કોતરાયેલા શબ્દો)
***