Tahuko - 1 in Gujarati Philosophy by Gunvant Shah books and stories PDF | ટહુકો - 1

Featured Books
Categories
Share

ટહુકો - 1

અંતર મન વિકસિત કરો

August 10th, 2011

આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એકનું એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તેટલું સારું. મૃત્યુ એટલે અપરિચયના બ્લેક હોલમાં નછૂટકે મારવામાં આવેલી આખરી છલાંગ. મને મરવાનું નથી ગમતું અને જે શાણા લોકો મૃત્યુનો મહિમા ગાય તે સૌને સત્યવાદી ગણવાની મારી તૈયારી નથી. એક વાત નક્કી કે મૃત્યુ આપણને સૌને બ્લેકમેઈલ કરી રહ્યું છે.

કદાચ આ વર્ષ જીવનનું છેલ્લું વર્ષ હોઈ શકે છે. કદાચ આ મહિનો જીવનનો છેલ્લો મહિનો હોઈ શકે છે. કદાચ આજનો દિવસ અને આ કલાક પણ અંતિમ હોઈ શકે છે. જો આ પ્રવચન પણ જીવનનું અંતિમ પ્રવચન હોય, તો મને કેટલીક વાતો નિખાલસપણે જાહેરમાં કહી દેવાની ચળ આવી રહી છે. આ વાતો ચર્ચમાં કોઈ બિશપ સમક્ષ પ્રગટ કરવામાં આવતા કન્ફેશન્સ જેવી હરગિજ નથી. એ વાતોમાં એક જિક્ર પણ છે અને થોડીક દાદાગીરી પણ છે. એ એવી વાતો છે, જે મેં ઈજ્જત નામની ચુડેલના ભયથી ખાનગીમાં દબાવી રાખી હતી. મારા જેવો સામાન્ય માણસ નિર્ભય નથી હોતો, પરંતુ જીવનની આખરી ક્ષણે એ નિર્ભયતાનો વિશેષાધિકાર પામે છે. હવે પછીની ક્ષણોમાં આ મજકૂર શખ્સ અને મજબૂર ઈસમ જે કંઈ બોલશે તેમાં નિરપવાદ, નિખાલસતા અને વળી થોડીક નફફટ નિર્ભયતા પણ હશે. જો આ મારું અંતિમ પ્રવચન હોય, તો મને નીડર બનવાનું પરવડે તેમ છે, બાકી પ્રવચન તો માણસને દંભી બનવાની બધી જ સગવડ પૂરું પાડતું હોય છે. સદીઓથી માણસો પ્રવચનથી છેતરાતા આવ્યા છે. ખાતરી રાખજો કે આ પ્રવચન દ્વારા મારે તમને છેતરવા નથી. હું કંઈ ધર્મગુરુ થોડો છું કે તમને છેતરું !

મેં છેતરપિંડી અંગે ખાસું મનન કર્યું છે. એક માણસ બીજા માણસને છેતરે તે પાછળની અભિપ્રેરણા કઈ ? એમ કહેવાય છે કે ચિમ્પાન્ઝી જ્યારે શત્રુ પર હુમલો કરે ત્યારે અવાજ કરીને શત્રુને ચેતવણી આપે છે. મનુષ્યજાતિનો આ પૂર્વજ શત્રુને પણ છેતરવા તૈયાર નથી, પરંતુ એના ઉત્ક્રાંતિજન્ય વારસદારો મિત્રને છેતરવામાં પણ પાછીપાની કરતા નથી. એક મનુષ્ય બીજા મનુષ્યને શા માટે છેતરે છે ? મનુષ્ય દ્વારા સર્જાયેલી વાર્તાસૃષ્ટિમાં સિંહ વનનો રાજા હોય છે, શિયાળ લુચ્ચું હોય છે અને બગલો દંભી હોય છે. જંગલનો વાઘ સસલાને મારી ખાય તેમાં જો ક્રૂરતા રહેલી હોય, તો આપણે કાકડી કે સફરજનના કટકા કરીને ચાવી જઈએ તેમાં પણ ક્રૂરતા રહેલી છે એમ કહેવું પડે. શિયાળને લુચ્ચું કહેવું કે બગલાને દંભી કહેવો એ તો મનુષ્યનો પ્રક્ષેપ છે. કોઈ શિયાળ લુચ્ચું હોતું નથી અને કોઈ બગલો દંભી હોતો નથી. એક મનુષ્ય બીજા મનુષ્યને વારંવાર છેતરે, એ તો આપણા સ્વાનુભવની વાત છે. જો આપણે છેતરપિંડી કરતા જ ન હોત, તો આપણને છેતરપિંડીની કેમિસ્ટ્રી ખબર હોત ખરી ? સામો માણસ આપણને છેતરે તેની ગંધ આવી જાય છે તેનું ખરું કારણ એ કે છેતરપિંડી નામની દુર્ઘટનામાં આપણી સામેલગીરી છે. છેતરપિંડીની ગંધ આવે તે માટે અંગ્રેજીમાં વાક્યપ્રયોગ થાય છે : ‘I smell the rat. ’ વ્યવહારુ છેતરપિંડી એ કદાચ આપણો સ્થાયીભાવ છે. છેતરપિંડીની બે દિશા હોય છે : (1) બીજાઓ તરફથી આપણા ભણીની (2) આપણા તરફથી બીજાઓ ભણીની. આપણી મૌલિકતા તો જુઓ ! આપણને પહેલી દિશા ખૂંચે, પણ બીજી ન ખૂંચે ! આમ છેતરપિંડીમાં પણ આયાત અને નિકાસનો ખેલ ચાલ્યા કરે છે.

લાંબા આત્મનિરીક્ષણ પછી મને એક બાબત જડી છે. મેં પત્ની સિવાય અન્ય લોકો સાથે ઝાઝી છેતરપિંડી કરી નથી. આ ઓડિટોરિયમમાં બેઠેલાં જે સજ્જનો અને સન્નારીઓએ પતિ કે પત્ની સાથે કદી પણ છેતરપિંડી ન કરી હોય એમને નમસ્કાર કરવાની મને ઉતાવળ છે. તેઓ ખરેખર મહાન છે, જો જૂઠાં ન હોય તો ! છેતરપિંડી સ્થૂળ પણ હોય છે અને સૂક્ષ્મ પણ હોય છે. હિતોપદેશમાં એક વાર્તાનું મથાળું હતું : ‘ત્રયાણામ ધૂર્તાનામ’ ખભા પર નાનું વાછરડું લઈ જતા બ્રાહ્મણને વારાફરતી ત્રણ ધુતારા થોડે થોડે અંતરે યોજનાપૂર્વક મળે છે અને કહે છે : ‘અરે આ શું ? તમે આ કૂતરાને ખભે ઉપાડીને ક્યાં ચાલ્યા ?’ બ્રાહ્મણ વિમાસણમાં પડી જાય છે. ત્રણે માણસો એક જ પ્રશ્ન પૂછે, તે ખોટા હોઈ શકે ? છેવટે બ્રાહ્મણ વાછરડું રસ્તા પર મૂકીને ચાલવા માંડે છે અને ધુતારા રાજી રાજી ! માનવ-ઈતિહાસની કદાચ આ પહેલી છેતરપિંડી હશે. એ હતી સ્થૂળ કક્ષાની છેતરપિંડી. સૂક્ષ્મ છેતરપિંડી મનની કક્ષાએ થતી હોય છે. એને સમજવા માટે ઈસુ ખ્રિસ્તના શબ્દો યાદગાર છે.

વ્યભિચાર કરીશ નહીં,

એમ કહેલું છે

તે તમે જાણો છો,

પણ હું તમને કહું છું કે:

જે માણસ કોઈ સ્ત્રી તરફ

વાસનાભરી નજર નાખે છે,

તે મનથી તેની સાથે

વ્યભિચાર કરી ચૂક્યો છે.

છેતરપિંડીના સૂક્ષ્મ સંદર્ભે ઈસુના શબ્દો અત્યંત પ્રસ્તુત છે તેનું ખાસ કારણ છે. શરીરનો સ્થૂળ વિષયત્યાગ મનના સૂક્ષ્મ વિષયત્યાગની ખાતરી નથી આપતો. જ્યાં નિગ્રહ હોય ત્યાં વિષયનિવૃત્તિ હોય જ એવો ભ્રમ સેવવા જેવો નથી. જો આપણે ઈસુની વાત સ્વીકારીએ તો હું એવું કહેવાની ગુસ્તાખી કરું છું કે આ ઓડિટોરિયમમાં કોઈને નમસ્કાર પાઠવવાની હિંમત મારામાં નથી. લોકોને કડવાં સત્ય કહેવામાં ઈસુનો જોટો જડે તેમ નથી. સદગત હરભાઈ ત્રિવેદીએ ઘણાં વર્ષો પહેલાં કવિ કાન્ત વિશે મને એક વાત કરી હતી. કવિ બજારમાં શાકભાજી લેવા જાય ત્યારે કાયમ છેતરાઈને ઘરે આવે. પત્ની તેમને સંભળાવે : ‘અરે ! તમે એક શેર રીંગણાંના બે આના આપી આવ્યા, પરંતુ બજારમાં એક આનાનો જ ભાવ છે. કાછિયો તમને છેતરી ગયો. ’ આવો ઠપકો સાંભળીને કવિ પત્નીને એક વાક્ય સંભળાવતા : ‘બિચારો કાછિયો ! છેતરાઈ ગયો. ’ વાત એમ છે કે ખરેખર તો છેતરનાર જ છેતરાય છે.

છેતરપિંડીના મૂળમાં જૂઠ છે અને જૂઠ છે, તો ભ્રષ્ટાચાર છે. માણસ જ્યારે જ્યારે જૂઠું બોલે ત્યારે એના અસ્તિત્વનો એક નાનકડો અંશ બહેર મારી જાય છે. જીવનભર જૂઠું બોલવાને કારણે મનુષ્યના અસ્તિત્વ (બીઈંગ)નો વધારે ને વધારે ભાગ થીજી જાય છે. જે ભાગ થીજી જાય તે મરતો જાય છે. આ એક સૂક્ષ્મ પ્રકારનો લકવો છે, જેમાં શરીરનું કોઈ અંગ જૂઠું પડી જતું નથી. એ મનનો લકવો છે અને મનના મૃત્યુના સરળ હપ્તા પડે ત્યારે મૃત્યુને મૃત્યુનો દરજ્જો નથી મળતો. દેહમૃત્યુ થાય પછી જ સ્મશાનયાત્રા નીકળી શકે છે. છેતરપિંડીને કારણે મનનું મૃત્યુ ધીરે ધીરે થતું રહે છે. છેતરનારો જ છેતરાતો રહે છે. સત્યવાદી હોવું એટલે જીવનવાદી હોવું અને અસત્યવાદી હોવું એટલે મૃત્યુવાદી હોવું. જીવનવાદી હોવું એટલે અસ્તિત્વનો આદર કરનારા હોવું. અસ્તિત્વ એટલે સત અથવા હોવું. આપણું હોવું (બીઈંગ) પરમ આદરણીય છે. છેતરપિંડી એટલે આપણા દ્વારા થતું આપણું જ અપમાન. સ્વાર્થ અને લોભને નામે આપણે એક એવો સ્માર્ટ સમાજ રચી બેઠા છીએ, જેમાં માણસ સતત અપમાનિત થતો રહે છે. ધર્મક્ષેત્રે અને લગ્નક્ષેત્રે છેતરપિંડીના ઉકરડા ઠેર ઠેર જોવા મળે છે. ધર્મક્ષેત્રે જામેલી છેતરપિંડી અંગે આજે હું કશુંય બોલવાનો નથી. આપણે એનાથી પરિચિત છીએ અને પીડિત પણ છીએ. તથાકથિત ધર્મ ક્યારેક પ્રકૃતિવિરોધી, ઝંખનાવિરોધી, સહજવિરોધી, પ્રેમવિરોધી, આનંદવિરોધી અને જીવનવિરોધી જણાય તેવી દુર્ઘટનાઓ સમાજમાં રોજ બનતી રહે છે. લગ્નક્ષેત્રે છેતરપિંડીનાં ઓશિંજાળાં બાઝે તે અંગે થોડુંક સહચિંતન કરવાનો મારો ઉપક્રમ છે. હવે જે વાત કરવાનો છું તે તમારે કાન દઈને અને મન દઈને સાંભળવી પડશે. એ વાત બહુ મધુર નહીં હોય.

લગ્નક્ષેત્રે ચાલતો બધો ભ્રષ્ટાચાર અગ્નિની સાક્ષીએ થાય તેથી પવિત્ર બની જાય એવું નથી. એ ભ્રષ્ટાચારના ચાર મુખ્ય સ્તંભ છે :

[1] પરસ્પર સંમતિ વિના રોજ થતાં અસંખ્ય લગ્નો.

[2] દહેજને આધારે થતાં લગ્નોમાં પ્રેમની જગ્યાએ પૈસાની બોલબાલા.

[3] જ્ઞાતિ, પેટાજ્ઞાતિ અને કોમનાં પરિબળોને આધારે લેવાતા નિર્ણયોમાં પરસ્પર આકર્ષણની સંપૂર્ણ બાદબાકી.

[4] લગ્ન થઈ જાય પછી બે પાત્રો વચ્ચેનો સંબંધ નદી વિનાના પુલ જેવો બની રહે તોયે તેને જીવનભર વેંઢારવાની મજબૂરી….. આ ચારે બાબતો લગ્ન નામની સાંસ્કૃતિક સંસ્થાને લૂણો લગાડનારી છે. પરિણામે લોકજીવન બેચેન બને છે અને જીવનનું માધુર્ય ક્ષીણ થાય છે. જ્યાં સુખનું સરોવર સર્જાવું જોઈએ ત્યાં દુઃખનો દાવાનળ સર્જાય છે. એક છાપરા નીચે ફરજિયાતપણે અસંખ્ય યુગલો વસે તેને કોઈ ધર્મગુરુ ‘ધર્મની ગ્લાનિ’ ગણવા તૈયાર ન થાય. ધર્મના ઉપદેશકો લગ્નને પ્રેમ કરતાં પણ અધિક પવિત્ર ગણાવતા રહે છે. લગ્ન આખરે તો માનવસર્જિત સંસ્થા છે અને એનું સાંસ્કૃતિક મહત્વ ઓછું નથી. સહજ પ્રેમ કોસ્મિક ઘટના છે અને એનું આધ્યાત્મિક મહત્વ ઓછું નથી. સમાજમાં બે બાબતો ક્યારેક ‘head-on’ અથડાઈ પડે છે : લગ્ન વિનાનો પ્રેમ અને પ્રેમ વિનાનું લગ્ન. આવી સામસામે થતી અથડામણની કેમિસ્ટ્રી સમજવા જેવી છે. લગ્નક્ષેત્ર અને ઝંખનાક્ષેત્રને જોડતા રસાયણને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘રસઐક્ય’ શબ્દ દ્વારા પ્રગટ કર્યું હતું. ‘મૈથુન’ માટે ગોવર્ધનરામે ‘હૃદયદાન’ શબ્દ પ્રયોજ્યો હતો. રસઐક્યને કારણે આનંદપૂર્વક જીવતાં કેટલાંય પરિણીત યુગલો પૃથ્વી પર જીવી રહ્યાં છે. આવાં યુગલોની સંખ્યા ઓછી હોય, તોય તેમને કારણે જ પૃથ્વી પર પાંગરેલી માનવતાની શોભામાં વધારો થાય છે.

લગ્નક્ષેત્ર અને ઝંખનાક્ષેત્ર વચ્ચેની ખેંચતાણી રાજા યયાતિથી પણ વધારે પુરાણી છે. યયાતિ પરણ્યો હતો દેવયાનીને, પરંતુ દેવયાની સાથે દાસી તરીકે આવેલી શર્મિષ્ઠાના પ્રેમમાં રમમાણ હતો. લગ્નક્ષેત્ર અને ઝંખનાક્ષેત્ર વચ્ચે ચાલતી આવી કશમકશ આજે પણ કાયમ છે. આજે પણ લગ્નક્ષેત્રમાં પરંપરાનો, ભદ્રતાનો, સભ્યતાનો અને વફાદારીનો મહિમા છે. ઝંખનાક્ષેત્રમાં ઉત્કટ આકર્ષણ, પ્રેમ અને ક્યારેક રસઐક્યનો સહજ સ્વૈરવિહાર છે. પત્ની દેવયાની સાથે છેતરપિંડી થાય છે, પરંતુ દાસી શર્મિષ્ઠા સાથે છેતરપિંડી થતી નથી. લગ્નક્ષેત્ર અને ઝંખનાક્ષેત્ર વચ્ચે જાણે સમાંતર સરકાર વચ્ચે હોય તેવો સંઘર્ષ પણ હોઈ શકે છે. લગ્નક્ષેત્રમાં જાહેરમાં દેખાતી ભદ્રતાની સાથોસાથ ઝંખનાક્ષેત્રમાં વહેતી પાતાળગંગા નજરે નથી પડતી. આવી અનવસ્થાનો કોઈ ઉપાય ખરો ? વર્ષો પહેલાં 1978-79ના અરસામાં અસ્તિત્વવાદની છાયામાં મેં એક નવલકથા લખી હતી : ‘રજકણ સૂરજ થવાને શમણે. ’ એમાં લગ્નવિહીન સમાજની કલ્પનાને આધારે કથાપ્રવાહનું આયોજન થયું હતું. ખ્યાલ એવો હતો કે આજની માનવીય ઝંખના સાથે પ્રવાહપ્રાપ્ત લગ્નપ્રથાનો મેળ પડતો હોય એમ લાગતું નથી. સોરેન કિર્કગાર્ડનો મૃત્યુલેખ એક જ શબ્દનો હતો : ‘Individual. ’ આજના માનવીની ઝંખનામાં લોકતંત્ર, વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને માનવ-અધિકારોનું સ્થાન મહત્વનું છે. જે બે જણાં એક છત નીચે સાથે રહીને આખું જીવન ગાળવા તૈયાર ન હોય તેમને સાથે રહેવાની ફરજ પડે તેમાં એકવીસમી સદીનો માનવધર્મ ક્યાં રહ્યો ? એ શક્ય છે કે હવે પછીનાં વર્ષોમાં આપણે લગ્ન સાથે જોડાયેલા કાયદા (Personal laws) બદલવા પડશે. એમાં લગ્નક્ષેત્રની સાથોસાથ, કે એના વિના પણ ઝંખનાક્ષેત્રનો આદર થાય એવી જોગવાઈ કરવી પડશે. ઝંખનાક્ષેત્રની સમસ્યાઓ પણ ઓછી નહીં હોય.

કોઈ પણ લગ્નસંબંધ કે પાર્ટનરશિપ થોડુંક જતું કરવાની તૈયારી વિના ટકી ન શકે. પશ્ચિમના દેશોમાં ચરમસીમાએ પહોંચેલું વ્યક્તિવાદી વલણ (individualism) પરિવારને તોડનારું છે. એમાં કશુંક જતું કરવાની વાતનો જાણે છેદ ઊડી જાય છે. સંતાનો માતાપિતાને રોકડું પરખાવી શકે છે : ‘We are the product of your pleasure. After all this is my life. ’ આવી અતિ વ્યક્તિવાદી વૃત્તિને કારણે પશ્ચિમના સમાજમાં સ્વસ્થ પરિવાર જીવન ખોરંભે પડેલું જણાય છે. હિલેરી ક્લિન્ટને પુસ્તક લખ્યું : ‘It Takes a Village. ’ એમાં લેખિકાએ નોંધ્યું છે કે અમેરિકનો છૂટાછેડા લેવામાં ખૂબ ઉતાવળ કરે છે. આપણે ત્યાં એથી ઊલટી પરિસ્થિતિ છે. આપણા સમાજમાં છૂટાછેડા લેવામાં નવનેજાં પાણી આવી જાય છે. આવાં બે અંતિમો વચ્ચેના સેતુ પર ક્યાંક સ્વસ્થ સમાજનો મુકામ હોય એવું મને લાગે છે. અત્યારે મને આલ્ડસ હકસ્લીનું સ્મરણ થઈ રહ્યું છે. 1932ના અરસામાં એણે પુસ્તક લખ્યું હતું : ‘A Brave New World Revisited’ લગભગ બારેક વર્ષે લખાયેલા એ પુસ્તકમાં આલ્ડસ હકસ્લીએ પ્રથમ વાર ‘એન્ગ્રી યંગ મેન’ શબ્દપ્રયોગ કર્યો હતો, જેને અમિતાભ બચ્ચન સાથે પાછળથી જોડી દેવામાં આવ્યો હતો. હકસ્લી કહે છે : એક જમાનામાં એન્ગ્રી યંગ મેનનું પ્રિય સૂત્ર હતું : ‘ગિવ મી લિબર્ટી, ઓર ગિવ મી ડેથ. ’ હવેના યુવાનનું સૂત્ર છે : ‘ગિવ મી હેમ્બર્ગર એન્ડ ટીવી, બટ ડોન્ટ બોધર મી વિથ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ લિબર્ટી.’ (યાદદાસ્ત પરથી). ઝંખનાક્ષેત્રે થતો વ્યભિચાર પણ હવે વ્યક્તિસ્વાતંત્ર્યના નામે થાય છે. એમાં હવે સજાતીય લગ્નોનો યુગ પણ શરૂ થયો છે. એક સુખવાદી (hedonistic) સમાજ રચાઈ ચૂક્યો હોય એવી છાપ પડે છે. પ્રશ્ન પૂછવા જેવો છે : શું ઝંખનાક્ષેત્રમાં છેતરપિંડીનું પ્રમાણ, લગ્નક્ષેત્રમાં થતી છેતરપિંડીના પ્રમાણ કરતાં જરાય ઓછું ખરું ? આ પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી. છેતરપિંડી એક જ કામ કરે છે. એનો આશરો લેતી વખતે મનુષ્યની ‘સેક્યુલર સ્પેસ’માં ઘટાડો થાય છે. આવો ઘટાડો થાય એ જ ધર્મની ગ્લાનિ. હું કોઈને છેતરું ત્યારે મારું અસ્તિત્વ સંકોડાતું-સંકોચાતું જણાય છે. આવું બને તો તેમાં મારા અસ્તિત્વનું અપમાન છે.

જે માણસ પોતાની જાતને ન છેતરે, તે અન્યને છેતરવાના પાપથી બચી જાય છે. પોતાની જાતને જ છેતરનાર માણસ પોતાની ખાનગી મર્યાદાઓને સાક્ષીભાવે નીરખવામાં અને પરખવામાં સફળ થાય એ શક્ય છે. પરિણામે એ મર્યાદા દૂર કરવાની ક્ષમતા કેળવી શકે છે. જાત સાથેની છેતરપિંડી માણસને સતત પોતાના ‘સ્વ’ થી દૂર ને દૂર તાણી જાય છે. એવો માણસ પોતે હોય એને બદલે ‘પ્રશંસનીય બીજો’ હોવાનો અભિનય કરતો રહે છે. રામલીલા ભજવાય ત્યારે બે-ત્રણ કલાક માટે રામનો વેશ ધારણ કરનારો છગન, રામ બની જાય છે. અભિનયના એ કલાકો દરમિયાન છગન લગભગ મૃતપ્રાય મનુષ્ય તરીકે જીવતો રહે છે. ત્રણ કલાક માટે એની છગનતા નષ્ટ થાય છે. આ રીતે અભિનય દ્વારા આયખું ખેંચી કાઢનારા અસંખ્ય માણસોનું જીવન ખતમ થાય છે. માણસમાત્ર અધૂરો હોય છે. છગનને મગન બનવાની જરૂર નથી અને રામ બનવાની પણ જરૂર નથી. પરમેશ્વર એવું ઈચ્છે છે કે છગન સોળે કળાએ કેવળ છગન જ બની રહે. એના છગનત્વની બધી અપૂર્ણતા પરમેશ્વરને માન્ય છે. એક હિંદી કવિએ માનવીય અપૂર્ણતાનું અભિવાદન સુંદર શબ્દોમાં કર્યું છે :

હરેક ઈમાન કો

એક ચોર દરવાજા હોતા હૈ

જો સંડાસ કી બગલ મેં ખુલતા હૈ.

ગાંધીજી જેવી ટૂંકી પોતડી પહેરવાથી ગાંધીજી બની જવાતું નથી. ભગવાં વસ્ત્ર ધારણ કરવાથી વિવેકાનંદ બની જવાતું નથી. માણસ પોતે જે ‘છે’, તે જ બનવાનું છે. બીઈંગ અને બીકમિંગ વચ્ચેનો સુમેળ થાય એ જ સાર્થક જીવનનો પ્રસાદ છે. જેઓ અકવિ હોય, એમણે કવિ બનવાની જરૂર નથી. જેઓ બ્રહ્મચારી ન હોય, એમણે બ્રહ્મચારીમાં ખપવાની તજવીજ કરવાની જરૂર નથી. છેતરપિંડીને કારણે આપણો અંતરાત્મા (માંહ્યલો) પોતાની વિશાળતા ગુમાવે છે. આવું બને તે તો ખોટનો ધંધો છે. આપણો માંહ્યલો વ્યાપવા ઝંખે છે. એ જ આપણી ઊર્ધ્વમૂલ ઝંખના છે. ઉપનિષદ વિશાળતા (ભૂમા)ને સુખદાયી ગણાવે છે.

***