Chintanni Pale - Season - 3 - 3 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 3

Featured Books
Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 3

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 3 - દરેક સારો વિચાર માણસને કુદરતની નજીક લઈ જાય છે
  • દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,
  • બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે.
  • મારું જીવન તિમિર ગણો છો ? ભલે ગણો,
  • ચમકે છે આગિયાઓ જો અંધાર હોય છે
  • – ગની દહીંવાલા
  • જીવવું કેટલું અને વાત કેટલી ? મોજ કરોને યાર ! એક દિવસ મરી જ જવાનું છે ને ? બિન્દાસ્ત લોકોના મોઢે આવી વાતો સાંભળવા મળે છે. જલસાને જ જીવન સમજનારા કોઈને કોઈ બહાનાં શોધી લે છે. આ જ વાત સમજુ માણસ જુદી રીતે લે છે. તેઓ કહે છે કે, કુદરતે જીવન આપ્યું છે તો કંઈક સારું ન કરીએ ? જીવનને માણસ કઈ રીતે જુએ છે એ મહત્વનું છે. માત્ર વિચારમાં જ ભેદ હોય છે. જીવન તો બધાને એકસરખું જ મળ્યું હોય છે પણ કેવી રીતે જીવવું એ જ શીખવાનું હોય છે. દારૂના શોખીનો કોઈ ને કોઈ બહાનાં શોધી લે છે. આનંદ હોય તો સેલિબ્રેશન અને દુ:ખ હોય તો ગમ ભૂલવાનું બહાનું ! એવું કહેવાય છે કે, પીને વાલોં કો પીનેકા બહાના ચાહિયે. આ જ વાત એક મિત્રએ જરાક જુદી રીતે કરી. તે કહે છે કે, આ પંક્તિમાં થોડોક ફેરફાર કરવો જોઈએ. જીનેવાલોં કો જીને કા બહાના ચાહિયે ! જિંદગી જીવવા માટે એક બહાનું જોઈએ. સારા શબ્દોમાં કહીએ તો, જીવવા માટે કોઈક ‘કારણ’ હોવું જોઈએ. જે વ્યક્તિ પાસે આવું કારણ હોતું નથી તે હંમેશા અવઢવમાં જ અટવાયેલો રહે છે. મકસદ વગરનું જીવન ચાલતું તો રહે છે પણ તેને કોઈ દિશા હોતી નથી. સાગરમાં હોડીને છોડીએ ત્યારે તેને કઈ તરફ લઈ જવાની છે તે પણ ખબર હોવી જોઈએ. જો હોડીની દિશા જાળવી ન રાખીએ તો એ ગમે ત્યાં ફંગોળી દેશે. દિશા વગરની હોડી ઘણી વખત ડુબાડી પણ દે છે. જિંદગી એક રમત છે. દરેક રમતની એક ફિલોસોફી હોય છે. જિંદગીની રમતનું પણ એવું જ છે. કુદરત માણસને જન્મ આપી મેદાનમાં ઉતારી દે છે. માણસે રમવાનું હોય છે. માણસે કાં તો જીતવાનું હોય છે અને કાં તો હારવાનું હોય છે.

    એક ક્રિકેટરે હમણાં જીવન અને ક્રિકેટની ફિલસૂફીની વાત કરી. ક્રિકેટમાં દરેક બોલ આઉટ કરવા માટે જ ફેંકાય છે. એ તો ખેલાડી હોય છે જે આઉટ કરવા ફેંકાયેલા બોલને પોતાની આવડતથી બાઉન્ડ્રીની બહાર મોકલી આપે છે. દરેક દિવસ એક બોલ જેવો છે. તમે તેને કેવી રીતે રમો છો તેના પર હાર-જીતનો આધાર છે. સફળ થવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. બે-પાંચ બોલમાં સેન્ચુરી ન થાય. બોલને જોઈને રમવો પડે છે. ક્યા બોલને રમવો તેના કરતાં ક્યા બોલને ન રમવો તે જ શીખવાનું છે. રમત જેટલી જ સ્પોર્ટસમેન સ્પિરિટ અને ઝિંદાદિલી જીવનમાં પણ જરૂરી છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે, આ જગત શુભ, મધુર અને મંગલકારી પદાર્થોથી ભરેલું છે, પરંતુ તે તેને જ પ્રાપ્ત થાય છે જે તપશ્ચર્યા દ્વારા એનું મૂલ્ય ચૂકવવા તૈયાર રહે છે. સંતો કહે છે કે, દરેક સારો વિચાર માણસને ઈશ્વરની સમીપ લઈ જાય છે. જીવન હોય કે કોઈ પણ કાર્ય હોય, તમારા પ્રયત્નમાં આત્માનો ઉમેરો કરો. દરેક સત્કર્મ, દરેક કલા અને દરેક સારો વિચાર શ્રેષ્ઠતાની અનુભૂતિ કરાવે છે. જે કામમાં આત્મા ઉમેરાય એ કામ પ્રાર્થના બની જાય છે.

    અંતરઆત્મા અને પરમાત્માને બહુ નજીકનો સંબંધ છે. એક શિષ્યએ તેના ગુરુને સવાલ કર્યો કે, જીવનનો અર્થ કેવી રીતે સમજાય ? ગુરુએ કહ્યું કે, જીવનનો અર્થ સમજવા આત્માની ભાષા સમજવી પડે છે. ઈશ્વર જે સમજે છે તે આત્માની ભાષા છે. માણસ કોઈ વાતનો કંઈ નિર્ણય લેતો હોય ત્યારે તેને હંમેશા બે કે તેથી વધુ વિચારો આવતા હોય છે. આ બધા વિચારોના અવાજમાં ક્યો અવાજ આત્માનો છે તે જે જાણી શકે તેને જીવનનો અર્થ સહેલાઈથી સમજાય છે. આત્માની ભાષા આખા વિશ્વમાં સહુથી સહેલી ભાષા છે. બીજી રીતે જોઈએ તો આત્માની ભાષા એ યુનિવર્સલ લેન્ગવેજ છે. દરેક દેશના લોકોની ચામડીનો રંગ કદાચ જુદો હશે પણ આત્માનો અંશ તો એક જ સરખો રહેવાનો છે. આત્માની ભાષા પણ એકસરખી જ હોય છે. પણ માણસ આત્માને બદલે બુદ્ધિનો જ વધુ ઉપયોગ કરે છે. બુદ્ધિ મોટા ભાગે લાભનો જ વિચાર કરે છે. મને શું અને મારું શું ? એ વિચારનો અવાજ એટલો તીવ્ર બની જાય છે કે પછી આત્માની મધુર વાણી તેને સંભળાતી નથી. મન અને બુદ્ધિની ભાષામાં બાંસુરીવાદન અને ડીસ્કો જેટલો જ તફાવત છે.

    એક સંત એક પ્રવચન આપવા ગયા હતા. પ્રવચન અગાઉ બાંસુરીવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે જ બાજુના મકાનમાં ડીસ્કો પાર્ટી ચાલતી હતી. બાંસુરી સાંભળવામાં મગ્ન લોકોને ડીસ્કોનો અવાજ ડિસ્ટર્બ કરતો હતો. જ્યારે ડીસ્કોવાળા સુધી તો બાંસુરીનો અવાજ પહોંચતો જ ન હતો. આ જ વાત સંતે પછી પોતાના પ્રવચનમાં સમજાવી. બુદ્ધિની તીવ્રતા જ્યારે કાન ફાડી નાખે તેવી થઈ જાય ત્યારે આત્માની બાંસુરીનું માધુર્ય સાંભળી શકાય નહીં. આત્માનો અવાજ મૃદુ છે જ્યારે બુદ્ધિનો અવાજ તીવ્ર છે. આત્માનો અવાજ સાંભળવા માટે કાન ધરવા જેટલી ધીરજ જોઈએ. જેને ધીરજ નથી તે હંમેશા અધીરો જ રહેવાનો છે. અમીન આઝાદ કહે છે કે, જેને કાંટાની જેમ જ રહેવું હોય તેને ગુલાબની સોબત ક્યારેય સદતી નથી. ગુલાબની વચ્ચે રહીને પણ કાંટો કાંટો જ રહે છે. સંસ્કાર વગર તો સોબતનો સંગ પણ પચે નહીં. જેનામાં વિકૃતિ હોય તેને કોઈ કૃતિમાં કલા દેખાય નહીં. જિંદગી તો એ જ રહેવાની છે, જાગો કે ઊંઘો,
    કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે ! (બેફામ) સૂતા રહો તો પણ જિંદગી તો ચાલવાની જ છે. જીવવું એ વિશેષતા નથી, પરંતુ કેવી રીતે જીવવું એ મહત્વનું છે. જોન ફલેરે કહ્યું છે કે, જિંદગીની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફરીડિંગની ભૂલો સુધારી લેત. પણ જિંદગી એક જ હોય છે. દરેક અવસ્થામાં સારા વિચાર સાથે જે સ્વસ્થ રહે છે તે હંમેશા સફળ થાય છે. મેડમ ક્યુરી કહે છે કે, જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધુંય સમજવા જેવું હોય છે.

    છેલ્લો સીનઃ બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર. આ કલા જાણનારને પછી કંઈ શીખવું પડતું નથી.- થોરો

  • ***