Chintanni Pale - Season - 3 - 2 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 2

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 2 - સંબંધો હવે એસએમએસથી ફોરવર્ડ કરી દેવાય છે
  • પર્વત પર પાછું ચડવાનું નદીપણું નિશ્ચે નડવાનું

    સવાર પડતાં ફાળ પડે છે અજવાળું અઘરું પડવાનું

  • - હરીશ મીનાશ્રુ
  • સમય સાથે સંબંધોના દરેક સ્વરૂપમાં પરિવર્તન આવે છે. સમય ગતિશીલ છે અને પરિવર્તનશીલ પણ છે. ઘડિયાળનાં સ્વરૂપો પણ સમય સાથે બદલાયાં છે. દીવાલ પર ટીંગાડાતું લોલકવાળું ઘડિયાળ હવે ડિજિટલ થઈ ગયું છે. મહાત્મા ગાંધીજી રાખતા હતા તેવું દોરીવાળું ઘડિયાળ હવે લેટેસ્ટ ફેશન બની ગયું છે. કાંડે બાંધેલી ઘડિયાળ એકસાથે ત્રણ-ચાર દેશોના સમય આપે છે. સમયના આંકડા હવે મોબાઈલ સ્ક્રીનના એક ખૂણામાં પણ સચવાઈ જાય છે. સમય સાથે સંબંધો પણ ડિજિટલ બનતા જાય છે. કોઈના તરફથી મળેલો એક મેસાજ બે-ચાર સોફટ બટન દબાવીને ફોરવર્ડ કરી દેવાય છે. એક મિત્રએ કહ્યું કે, સંબંધો પણ હવે કેટલી સહજતાથી ફોરવર્ડ કરી દેવાય છે. દોસ્તીની શાયરીઓ સાથેના શોર્ટ મેસેજીસ મિત્રવર્તુળોમાં ફરતા રહે છે. એક વ્યક્તિએ મોકલેલો મેસેજ ઘણી વખત આઠ-દશ કે વીસ-પચીસ મોબાઈલમાં ફરીને પાછો આવે છે. સંબંધોનું ચક્ર પણ જાણે ઘડિયાળના કાંટાની જેમ સંબંધો માટે ફરતું રહે છે. સંબંધો પણ જાણે શોર્ટ મેસેજ સિસ્ટમની જેમ ટચૂકડા થતા જાય છે. ઘડીયાળ એ જ ગતિથી ફરે છે. ચોવીસ કલાકની ક્ષણોમાં કોઈ ફેર થયો નથી. દિવસો, કલાકો, મિનિટો અને ક્ષણોનું સ્વરૂપ એ જ છે. છતાં આજે માણસ પાસે સમય નથી. યાદ કરો કે, તમે કોઈ મિત્ર, સ્નેહી કે ભાઈ-ભાંડુને છેલ્લે ક્યારે પત્ર લખ્યો હતો ? કાગળ લઈને લખવા બેસીએ તો શબ્દો સૂઝતા નથી. શબ્દભંડોળને સાચવીને બેઠેલી મોટી ડિક્ષનરી લાઈબ્રેરીના કબાટમાં જોવાલાયક ચીજ બની ગઈ છે. અને દિલની ડિક્ષનરીમાં શબ્દો શોધવા પડે છે.


    પોસ્ટ કાર્ડનો પનો પણ છ વારની સાડી જેટલો લાંબો લાગે છે. પ્રેમપત્રોની પણ શાયરોની બુક્સમાંથી બેઠી ઉઠાંતરી થાય છે. શબ્દો હવે માત્ર સંભળાય છે, સ્પર્શતા નથી. શબ્દોનું પોત પાતળું પડી ગયું છે. દિલમાં સોંસરવા ઊતરી જાય તેવું માધુર્ય પણ શબ્દોએ ગુમાવ્યું છે. શબ્દો એ જ છે પણ તે માત્ર હોઠમાંથી સરે છે, હૃદયમાંથી નીકળતા નથી. ડાયરીઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. શબ્દો હવે ટેરવાં સાથે જકડાયેલી પેનથી ફૂટતા નથી પણ કી-બોર્ડ પર પ્રહારથી કમ્પ્યુટરના પડદા પર પડે છે. પોસ્ટ ઑફિસના રાતા ડબા ખાલી પડ્યા રહે છે અને ઈ-મેઈલ કરતી વખતે ઈમોશન્સ પણ સિલેક્ટ કરીને એટેચ કરી દેવાય છે. હવે આપણે ઈમોશન્સ પણ મફત ડાઉનલોડ કરી આપતી વેબસાઈટ્સ પરથી પસંદ કરીએ છીએ. સંબંધો સાચવવા માટે શબ્દો ચોરવા ન જોઈએ પણ બીજમાંથી ફૂટતી કૂંપળની જેમ દિલમાંથી ઊઠવા જોઈએ. સંબંધો બહુ નાજુક ચીજ છે. આપણે ગાઢ સંબંધો ઈચ્છીએ છીએ પણ ગાઢ આત્મીયતા કોઈને આપતા નથી. સંબંધોનું ઘનઘોર જંગલ દિવસે ને દિવસે પાંખું થતું જાય છે. એક ખાલીપો વધતો રહે છે. સંબંધો ઝડપથી બંધાય છે અને તીવ્રતાથી તૂટે છે. સંબંધો પૂરા કરવા માટે હવે પત્રો પણ ફાડવા પડતા નથી. કર્સરને ડીલીટના બટન સુધી લઈ જઈને હળવા હાથે કલીક કરવા જેટલી આસાનીથી સંબંધો તૂટે છે. હવે તો સંબંધો તૂટવાની એટલી વેદના પણ ક્યાં રહી છે ? લેટેસ્ટ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટમાં તો હવે એક સાથે અનેક લોકોને એક સાથે મેસેજ મોકલી શકવાની વ્યવસ્થા છે. ચાર બટન દાબવાથી ચાલીસ લોકોને સંદેશા મળી જાય છે. સંદેશા મોકલનારને એ પણ યાદ નથી હોતું કે, કોને-કોને મેસેજ ફોરવર્ડ કરાયા છે. અલબત્ત, ગ્રુપ મેસેજિંગ સિસ્ટમથી ઘણી વખત સુખદ અકસ્માતો પણ થતા રહે છે. એક મિત્રની વાત છે. તેના જૂના મિત્ર સાથે ઝઘડો થયો હતો. લાંબા સમયથી બંને વચ્ચે સંપર્કો કપાઈ ગયા હતા. પણ મિત્રનો મોબાઈલ નંબર મોબાઈલમાં સેવ કરેલો હતો. ગ્રુપમાં મેસેજ આપતી વખતે ભૂલથી આ જૂના મિત્રને પણ મેસેજ ચાલ્યો ગયો. મારા મિત્રએ આખરે મને યાદ કર્યો, તેમ સમજીને મિત્રએ ફોન કર્યો. બંને વચ્ચેનું અંતર એક અકસ્માતે ઘટાડી દીધું. સંદેશા વ્યવહારની ટેકનોલોજી બદલતી રહે છે. એમ તો એવી પણ દલીલ થાય છે કે, મોબાઈલ અને ઈ-મેઈલની મદદથી કમ્યુનિકેશન કેટલું ફાસ્ટ થઈ ગયું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વના કોઈપણ ખૂણામાં તમે સંદેશો મોકલી શકો છો. એક સમય હતો જ્યારે પત્ર મોકલ્યા બાદ જવાબની રાહ જોવામાં દિવસો પસાર કરવા પડતા હતા. આ વાત પણ સો ટકા સાચી છે. કમ્યુનિકેશન તો પ્રકાશની ગતિ જેટલું ઝડપી થતું જાય છે પણ સંબંધોનું સત્વ ઘટ્ટ થાય છે ખરું ?

    અમેરિકાના એક વિશ્વપ્રસિદ્ધ મનોચિકિત્સકે હમણાં કહ્યું હતું કે, આજના સમયના માણસની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ માણસ વ્યક્ત નથી થઈ શકતા. હૃદયને પણ થોડું હળવું રાખવું જોઈએ. જો વ્યક્ત ન થઈ જવાય તો તેનો ભાર હૃદયને ચારે ખૂણેથી દબાવે છે અને હૃદયના દબાણથી ઉઠેલો વલવલાટ ચેન લેવા દેતો નથી. હાર્ટઍટેકની લેટેસ્ટ સારવાર છે પણ વલોવાતા હૃદયનો કોઈ ઈલાજ નથી. હાર્ટની વેનમાં થઈ ગયેલા બ્લોકેજને એક નાનકડું બલૂન છોડી સાફ કરી દેવાય છે પરંતુ હૃદયનો ભાર આંસુઓથી પણ હલકો થતો નથી. સમયની દોડ સાથે એટલું પણ ન દોડવું જોઈએ કે હાંફી જવાય. સમયને સજીવન રાખવો હોય તો સંબંધોમાં પણ શ્વાસ પૂરવા પડે છે. ફરિયાદ આધુનિક ટેકનોલૉજી સામે નથી પણ ફરિયાદ આધુનિક ટેકનોલૉજીના અતિરેકમાં ઓટ પામતા અહેસાસની સામે છે.

    સંબંધોમાં સત્વ સતત ઉમેરાતું રહેવું જોઈએ અને REFEEL થવા માટે દરેક સંબંધો FEEL થવા જોઈએ. બગીચામાં ખીલેલાં ફૂલોને જોવાનો જે રોમાંચ છે તે ટેલિવિઝનના સ્ક્રીન પર દેખાતા ફૂલોથી ક્યારેય અનુભવી શકાતો નથી. સંબંધોનું પણ એવું જ છે. જે સંબંધો સીંચાતા નથી, તે સુકાઈ જાય છે. લિયો યુરીસે કહ્યું છે કે, આપણા મિત્રો માટે આપણી પાસે ઘણીવાર સમય હોતો નથી અને દુશ્મની પાછળ આપણે કેટલો બધો સમય વેડફી નાખીએ છીએ ? આપણે આપણા લોકો માટે કેટલો સમય કાઢીએ છીએ ? સંબંધોનાં અનેક સ્વરૂપ છે. મિત્રો, પતિ, પત્ની, સ્નેહી, સગા કે સ્વજનો સાથેના સંબંધો સતત ધબકતા રહેવા જોઈએ. એ પણ ઉપરછલ્લી રીતે નહીં પણ એકદમ તીવ્રતાથી અને અંદરના ઊંડાણથી. સાચું સુખ સંપત્તિમાં નહીં પણ સંબંધોમાં જ સચવાયું હોય છે. સંબંધો એક ખાબોચિયામાં બંધિયાર ન થવા જોઈએ, એ તો ઝરણાંની જેમ ખળખળ વહેવા જોઈએ. એવું ઝરણું જેમાંથી સુમધુર સંગીત પણ મળે અને તરબતર કરી દે તેવી ભીનાશ પણ. સુખી કરવાની સાચી શક્તિ કોઈ સ્થળ કે સ્થિતિમાં નથી પણ સાચા સંબંધોમાં જ હોય છે. સંબંધોને સુકાવા ન દો. સતત ધબકતા રાખો અને તેનો આહલાદક ધ્વનિ દિલથી માણો.

    છેલ્લો સીનઃ સંબંધોમાં સત્વ સતત ઉમેરાતું રહેવું જોઈએ અને REFEEL થવા માટે દરેક સંબંધો FEEL થવા જોઈએ.

    ***