Veer Vatsala - 4 in Gujarati Love Stories by Raeesh Maniar books and stories PDF | વીર વત્સલા - 4

Featured Books
Categories
Share

વીર વત્સલા - 4

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 4

મંગુ માસ્તરે પોતાની ડાયરીમાં લખ્યું, “સંવત ઓગણીસો ઈકોતેર ફાગણની બારસ કૃષ્ણપક્ષ” પછી નવા જમાનાની ચાલ પ્રમાણે નીચે ઉમેર્યું, “અંગરેજી મારચ મહિનાની બારમી, ઓગણીસો પંદર”

એક લીટી છોડી નીચે લખ્યું, “એજન્ટની ઈચ્છા પ્રમાણે પાંચ હજાર સિપાહી તો ન થયા, પણ તોય બસો જેટલાં બળદગાડાં ભરાઈને હજાર ઉપર જવાનિયાઉં નજીકના રેલવે સ્ટેશન વઢવાણ પહોંચ્યા. જતાં શિયાળે વરસાદ લાગે એટલાં આંસુ. માવડીનાં આંસુ, બહેનડીનાં આંસુ, દિલદારાનાં આંસુ. ડૂસકાં અને ડૂમા. જવાનિયાઓનો સમદરપાર જવાનો હરખ આંસુના સાત સમદરમાં ડૂબી ગ્યો! આંસુને જાતપાત ન હોય! રજપૂત, કાઠી, આહિર, ખવાસ, મિંયાણાં, મલેકડાં, સહુનાં આંસુ એકમેકમાં મળી ગયાં. હા, એક વાત, બધી કોમના લડવૈયા હતા, લડવા જનારામાં માત્ર એક કોમ ક્યાંય દેખાતી નહોતી. લડવા જનારામાં ક્યાંય કોઈ પૈસાદારો નહોતા!”

લશ્કરમાં જોડાનારા પોતાના ભત્રીજાને વળાવવા મંગુ માસ્તર મુંબાઈ સુધી ગયા. માસ્તરે ડાયરીમાં લખ્યું.

“વઢવાણથી પેશ્યલ આગગાડિયુંમુંબાઈ ગઈ. અહા! શું મુંબાઈ શહેરની રોનક! કોઈ રાજરજવાડું નહીં તોય, ઓલા ટાટા ને બજાજ રાજાની જેમ મોટરુંમાં ફરે! મલબાર ટેકરી પર અંગ્રેજુંના બંગલાઉમાંથી અને આ દેશી અંગ્રેજુંની હવેલીઉંમાંથી સમદર હિલોળા લેતો દેખાય.”

“બીજે દિ મુંબઈના બારામાં પહોંચ્યા. એવા મસમોટાં વહાણ કે એની સામે માણસું કિડિયારા જેવા દેખાય. હજારહજાર સિપાહીને લઈલઈને એક પછી એક વહાણ અરબ સમદરની ક્ષિતિજરેખા પર ટપકું બની અલોપ થયા.”

“આંખો લૂછીને પાછા ફર્યા ત્યારે મુંબાઈ જ નહીં, આખો મલક વેરાન લાગતો હતો.”

*

મંગુ માસ્તર તો મુંબઈ સુધી ગયા પણ વીણા અને વત્સલા તો વઢવાણ સુધીય ન જઈ શક્યાં! વીણાનો તો ભાઈ પણ યુદ્ધમાં ગયો હતો. તોય વળાવવા ન જવાયું.

કારણ એ કે વીણાની તબિયત સારી નહોતી. એમ થયું કે એક તરફ જવાનિયાઓનું સમદર પાર જવાનું નક્કી થયું અને બીજી તરફ વીણાના પેટે ચાડી ખાધી. એના કસૂરવાર તરીકે ચંદનસિંહનું નામ બહાર આવતાં જ વીણાએ કહ્યું કે ચંદનસિંહ જુદ્ધથી આવશે, બાળકને સ્વીકારશે અને લગ્ન કરશે. વીણાનો સંદેશો મળતાં ચંદનસિંહે લપાતાંછુપાતાં આવી વીણાનાં માબાપને મળી કહ્યું કે યુદ્ધથી પાછો આવી બાળકને સ્વીકારીશ. વીણાનાં માબાપે જિદ પકડી કે અત્યારે તારાં ઘરવાળાંની હાજરીમાં આ વાત કર. નહીં તો તારા હાથે જ આ છોડીને ઝેર આપ!”

વીણા વારતી રહી પણ વીણાનો ભાઈ એના ચારપાંચ મળતિયા સાથે કડિયાળી ડાંગ અને ધારિયા લઈ ચંદનસિંહના ઘરે જવા નીકળ્યો. ત્યાં કોઈને પૂરી ખબર હતી નહીં એટલે ધીંગાણું થતાં રહી ગયું. સમજદાર બુઢ્ઢાઓ જવાનિયાઓને જેમતેમ પાછા લઈ આવ્યા. પણ લગનની વાત તો ઠેલાઈ ગઈ. બાળકનું શું કરવું?

સમજુ બહેનોના કહેવાથી કાબેલ ડોશીઓએ વીણા પર થોડા અખતરા કર્યા. મેળ ન પડ્યો એટલે એને માલવપુરના વૈદ પાસે લઈ જવી પડી. વૈદની પડીકી ખાઈખાઈ વીણા ઊલટીઓ કરી કરી અધમૂઈ થઈ ગઈ.

વીરસિંહે વત્સલાને મુંબાઈની રોનક દેખાડવાનું વચન આપ્યું હતું, માણેક બાપુએ પણ વીરસિંહ ભેળા મુંબાઈ જવાની હા પાડી હતી, પણ વીણાની કાળજી લેવા માટે વત્સલાએ રોકાવું પડ્યું, એ વઢવાણ સ્ટેશન પણ ન જઈ શકી.

*

વીણાના કિસ્સામાં વૈદના ખૂબ ઈલાજો છતાં સમાજનું ધાર્યું ન થયું અને કુદરતનું ધાર્યું જ થયું. બાળકનો નિકાલ ન થયો. છ મહિના થયા ત્યાં સુધી વીણા કદીક પેટ ઢાંકીને ફરતી તો કદીક પવનથી છેડો ઊડી જતો. માબાપ તો એને કૂવો પૂરવા કહેતા. એના ચંદનસિંહ સાથેના સંબંધની ઝાઝા લોકોનેય ખબર નહોતી. વળી ચંદનસિંહ જવાબ આપવા કે ટેકો આપવા હાજર નહોતો. સિપાહી તરીકે ન ગયેલા છેલબટાઉ કિશોરો વીણા સામે વ્યંગ કરતા, “આ ગણપતિબાપાને કોણ બેસાડી ગયું?” હાથમાં પાણો લઈ વીણાનું ઉપરાણું લઈ વત્સલા બોલતી, “મૂઆઓ! ગણપતિબાપા તો શિવજીના પુત્તર થાય, એટલીય ખબર નથી? આ રહ્યા એના ને આપણા બધાના બાપા!” એમ કહી મંદિર તરફ આંગળી ચીંધતી.

વત્સલાની હૂંફને લીધે વીણાએ પણ કોઈની મણા રાખ્યા વગર ખુશીથી દિવસો, નહીં, મહિનાઓ પસાર કર્યા. વીણાની તબિયતે સાથ આપ્યો ત્યાં સુધી બન્ને સહેલીઓ કૂકરી પણ રમી. હવે તો ઘોડાની ટાપની રાહ જોવાની નહોતી એટલે પૂરું ધ્યાન કૂકરીમાં રહેતું. એકવાર લંગડી કરતાં કરતાં વીણાને ચક્કર આવ્યા ત્યારથી રમવાનું બંધ થયું. વત્સલાએ આપસૂઝથી ગાજર અને પાલક ખવડાવી વીણાને તંદુરસ્ત રાખી. પૂરા મહિને ભાદરવાના મહિનામાં બાળક જન્મ્યું. એનું નામ રાખ્યું, “ગણેશ!”

*

વિઘ્નહર્તાનું નામ પામેલો ગણેશ પોતે, જનમ પહેલાથી જ એના પરિવાર માટે વિઘ્નસમાન હતો. બેજીવી વીણા જે રીતે ખેલતી કૂદતી એ જોઈને પરિવારને તો એમ જ થતું કે બાળક મરેલું જ અવતરશે. હવે એમની આશાથી વિપરિત બાળક જીવતું જન્મ્યું તો એમને ગળા સુધી ખાતરી હતી કે નાદાન વીણા બાળકની કાળજી કરીને એને ઉછેરી નહીં શકે. એ બાળપણમાં જ..

બન્ને સહેલીઓનો મનસૂબો અલગ હતો. ગણેશને બે માતા હતી. ગણેશને એટલો જ ફરક કળાતો કે એકને ધાવણ આવતું અને બીજીને નહોતું આવતું. એ સિવાય એ બે સખીમાતાઓ વચ્ચે બીજો કોઈ ફરક પારખી શકાતો નહીં. તોય વીણાની જેમ બાળકને છાતીએ લગાડવાની વત્સલાની નાદાન ચેષ્ટા જોઈ માણેકબાપા ખિજાતાં અને વળી પાછા મનોમન ખુશ થતાં કે મારી છોડી પણ હવે સંસાર માંડવા તૈયાર છે. ગણેશ બિમાર પડે તો માણેકબાપા ઓસડિયાં કરતાં. બન્ને સખીઓએ મળીને બાળઉછેરની કોઈ જાણકારી વગર કુદરતની છાયામાં શિવજીના આશીર્વાદથી ગણેશને એક વરસનો કર્યો.

*

અહીં ગણેશ એક વરસનો થયો, ત્યાં હજુ યુદ્ધ પૂરું થવાને બદલે વિસ્તરી રહ્યું હતું. સમદરપારથી સિપાહીના પત્રો તો ભાગ્યે જ આવતા. અને કોઈ રીતે સંદેશો આવે તોય હિંદથી જવાબો મોકલવાનું તો શક્ય જ નહોતું. સમાચારો વાંચીને મંગુ માસ્તર કહેતા કે બીજી નવ બ્રિગેડની સાથે સાથે કાઠિયાવાડ બ્રિગેડ પણ અંગ્રેજો માટે બહાદુરીથી લડી રહી હતી. ક્યારેક બેલ્જીયમ, તો ક્યારેક હંગેરી, ક્યારેક રશિયાની સરહદે તો ક્યારેક ફ્રાંસમાં લડાઈઓ ચાલતી.

*

માણેકબાપુની ઉમર આ દોઢ વરસમાં જાણે દોઢ દાયકા જેટલી વધી ગઈ હતી. હવે વટેમાર્ગુને એ ચૂપચાપ પાણી પાતાં. શિવજીની ધજાથી ખિજડાના ઝાડ સુધીના એમના રજવાડા વિશે કઈં ગર્વ કરતા નહીં, કેમ કે રજવાડાની માલિકી ઘણાં વખતથી જોખમમાં આવી ગઈ હતી.

છેલ્લું ઘરેણું શાહુકારને આપ્યું એને દોઢ વરસ ઉપર થયું હતું. હવે એ શાહુકારને જાર બાજરી કે કાકડીના પોટલાં સિવાય એ કંઈ આપી શકે એમ નહોતા અને શાહુકારનો દીકરો તો એ પોટલાંઓને હડસેલી જ દેતો.

એમને તો જાર નહીં, જર જોઈતું હતું. જર પૂરું થયું એટલે એમની નજર જમીન પર હતી. જમીન ન મળે તો શાહુકારનો દીકરો જોરુ પર પણ નજર કરી શકે એવો નપાવટ હતો. એણે પોતાના ઈરાદા માણેકબાપુથીય છૂપા રાખ્યા નહોતા. માણેકબાપુને નિંદરમાંય ફાળ પડતી. નિર્જન રસ્તે શાહુકારનો દીકરો ક્યારેક વત્સલા અને વીણાને આંતરતોય ખરો. પણ, વત્સલાની આંખો અને દાતરડું બન્ને ધારદાર હતાં. તોય શાહુકારનો છોકરો બન્ને ગામના જુવાનિયાઓ વચ્ચે એવા ફાંકા મારતો, કે કોક દિવસ તો ઈ છોડીનું અભિમાન ઓગાળીશ..

*

માણેકબાપુનું મન હવે પૂજામાં લાગતું નહીં. જીવનનો રસ ખૂટી ગયો. અચાનક મૃત્યુનો ભય નીકળી ગયો. પૂજાટાણે એ વગડામાં નીકળી જતાં. પહેલા એ ગામલોકો માટે વગડામાંથી ઓસડિયાં લઈ આવતાં. એક દિવસ શું સૂઝ્યું તે એમણે એ જ વગડામાંથી થોડી ઝેરી જડીબુટ્ટી એકઠી કરી.

વગડામાં માલવપુરના રસ્તે બાર ગાઉ દૂર શિવજીની એક અપૂજ મૂર્તિ આડી પડેલી, એની પાસે બેસી એ શિવજીને કહેતા, “ભલે પડ્યા આડા! તારી પૂજાનું મને મન નથી અને તારીય એવી માંગણી નથી, પણ બોલ, વાત કરશે મારી હારે?”

શિવજી વતી કોઈ બગલું પાંખ ફડફડાવી હા કહેતું.

પછી માણેકબાપા કહેતા, “લે ત્યારે, ભોળાનાથ! સાંભળ! આજદિન સુધી લોકોને ઓસડિયાં બહુ પીવડાવ્યાં, હવે મારે આ ઝેરી જડીબુટ્ટી પીવી છે!”

થોડીવાર રહીને બોલ્યા, “અલ્યા, શંકર, એ કહે, ઝેર પીવાની હિંમત કઈ રીતે એકઠી થાય? આ સવાલ તારા સિવાય કોને પૂછું? ને પીધા પછીય તારી જેમ બચી ગયા તો?”

અચાનક માણેકબાપુને ભ્રમ થયો, કે શિવજી બોલ્યા.

“જીવનથી ભાગ છે?”

આ વખતે માણેકબાપુ વતી કોઈ બગલું પાંખ ફડફડાવી હાબોલ્યું.

શિવજી બોલ્યા, “માણહ જીવનથી ભાગતો નથી, માણહ જવાબદારીથી ભાગ છે.”

*

માણેકબાપુ પડખા ઘસી રહ્યા હતા, “ભગત માણસને જવાબદારી કેવી? વત્સલા ઠેકાણે પડી જાય પછી શાહુકાર ભલે જમીન આંચકી જતો!”

બાપુને ચેન નથી એ જોઈ વત્સલા એમને ચાદર ઓઢાડવા આવી.

બાપુએ વત્સલાને કહ્યું, “બેસ! બેટા! આજે સૂવું નથી.”

વત્સલા ખાટલીની કોરે બેઠી.

માણેકબાપુ કંઈ બોલવા ગયા પણ અવાજ રૂંધાયો.

બાજુમાં પડેલો પાણીનો લોટો ધરી વત્સલા બોલી, “કંઈ અટક્યું ગળે?”

“મોત અટક્યું છે!”

“મરવાની વાત કરવાના હોય તો હું જાઉં!”

“વીરસિંહની રાહ ક્યાં સુધી જોશે? કોઈપણ સારો છોકરો જોઈ પરણી જા. તો હું બીજે જ દિ સુખેથી મરી જાઉં!”

બન્યું હતું એમ કે ઉછળતી કૂદતી વત્સલાને જોઈને કોઈ વટેમાર્ગુએ માલવપુરના કોઈ ગરીબ રાજપૂત પરિવારના દીકરાની વાત માણેકબાપુને કરી પણ હતી. માણેકબાપુના મનમાં એ વાત ઘોળાતી હતી.

માણેકબાપુના મનમાં જમાઈ તરીકે આમ તો વીરસિંહ જ વસેલો હતો, પણ જીવાદોરી જેવો જમીનનો આ ટુકડો ગુમાવવાનો ડર હતો, ને ઉપરથી વત્સલાની ચિંતા! સંજોગનો સામનો ન કરી શકાતાં એમની લુપ્ત થઈ રહેલી જીજીવિષા વીરસિંહ આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર નહોતી.

મરતાં પહેલા આ એકની એક દીકરીની જવાબદારી પતાવીને જવાનું એમણે વિચાર્યું. અને વત્સલા માની જાય તો ગરીબ રાજપૂતના પેલા છોકરા સાથે..

વત્સલા રણચંડી બની એ રીતે ઊભી થઈ કે બાપુની ખાટલી હચમચી ગઈ. માણેકબાપુએ કદી નહોતું જોયું એવું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, “બાપુ, આ ચંદ્રપુર ગામ છોડી દો, જમીન છોડી દો, આ શિવજીને પણ છોડી દો, જંગલમાં ઝૂંપડી બાંધીને રહીશ, પણ વીરસિંહની આશ નહીં છૂટે!”

*

બીજે દિવસે શાહુકારને સમાચાર મળ્યા કે માણેકબાપુ એમની થોડીઘણી ઘરવખરી બાંધી રહ્યા છે. બાપદીકરી ક્યાંક બીજે રહેવા જાય છે!

માણેકબાપુએ એક ઝાટકે ગામ, જમીન અને મંદિર તજી દીધાં!

શાહુકાર એના દીકરા સામે જોઈ હસીને બોલ્યો, “ટીપે ટીપે સરોવર ભરાય એમ વીઘે વીઘે જમીનદાર થવાય!”

***