વીર વત્સલા
નવલકથા
રઈશ મનીઆર
પ્રકરણ - 2
ટીલાની નીચેના ભાગે વેગમતી નદી વળાંક લેતી, ત્યાં પથ્થરો ઝાઝા અને પાણી થોડું હોય. દર ચોમાસે વહેણ પાસેના પથ્થરો થોડા સુંવાળા થાય. અને પ્રવાહ વધે ત્યારે દૂર કાંઠાના પથ્થરો તૂટીને ખરબચડા થાય. કુદરતની આ ઉલટફેરના સાક્ષી એવાં થોડાં પક્ષીઓ હવે આ વહેળામાં બે જણાની હાજરીથી ટેવાઈ ગયાં હતાં. છેલ્લા દસ માસમાં દરેક ઋતુમાં એમણે ગુફતગૂ કરી હતી. ગઈ હોળીના મેળામાં વીરસિંહ અને વત્સલાની નજરો મળી ત્યારથી રોજ ઢળતી બપોરે વીરસિંહ વત્સલાને મળવા આવતો. વીરસિંહ ચોવીસ વરસનો ફૂટડો યુવાન હતો. પાતળી કટાર જેવી મૂછો અને ઘોડે લટકેલી બેનાળી બંદૂક. બેનાળી જૂની હતી પણ વીરસિંહનું નિશાન પંથકમાં પંકાતું.
વત્સલાએ બાપુની, નદીની, મંદિરની, કબૂતરોની અને વટેમાર્ગુની વાત કરી. વીરસિંહે ચંદ્રપુરને પાદરે બેસતા જવાનિયાઓનાં પરાક્રમોની, સૂરજગઢના રજવાડાની ખટપટોની વાત સંભળાવી. આ વાતોની આપ-લે પૂરી થઈ એટલે વત્સલાએ કહ્યું, “ઓલું સૂરજગઢની ડેલીમાં ભૂંગળા-વાજાં પર સાંભળેલું એ ગીત સંભળાવને!”
“ઓલું દેશી નાટક સમાજનું ગીત?”
“હા, એ જ..”
વીરસિંહે એનો ભરખમ અવાજ બને એટલો, નટી જેટલો, પાતળો કરવાની કોશીશ કરીને ગાયું,
“વાંકડીયા વાળ પર મોહી
છબીલા, હું તો વાંકડીયા વાળ પર મોહી.”
વત્સલાએ રોજની જેમ આ ગીત સાંભળ્યું અને પછી પોતાની મીઠી હલકથી ફરી ગાયું. સાથેસાથે વીરસિંહના વાંકડિયા વાળમાં હાથ ફેરવતી રહી. વીરસિંહને લગભગ મીઠી તંદ્રા આવી ગઈ.
સમય પસાર થવાનું ભૂલી તો નથી ગયો ને, એની ખાતરી કરવા નદીમાં કાંકરો નાખી વત્સલા બોલી, “આપણે મળ્યાં એને આ હોળી પર વરસ થશે!”
બે જણ વચ્ચેનો સંબંધ વરસની બધી ઋતુ જોઈ લે તો એને કાયમી નામ આપી શકાય, એવી સાદી સમજથી વત્સલાનું હૈયું ઉછળી રહ્યું હતું અને લોહીના એ ઉછાળાથી એના ગાલ ગુલાબી થયા, “મેં જોયું કે તમને છોકરાઓને પ્રેમની ઉતાવળ હોય! લગનની નહીં.”
“તને ઉતાવળ છે?” વત્સલાની આંખોમાં ડૂબતાં વીરસિંહ બોલ્યો.
નજીક આવી રહેલા વીરસિંહથી સહેજ દૂર ખસતાં વત્સલા બોલી, “બાપુને ઉતાવળ છે!”
“લે કર વાત! તારા બાપુને જમાઈ લાવવાની ઉતાવળ છે?”
“ના રે! જમાઈ તો જમનો ભાઈ કે’વાય. આ તો ખેતરમાં હળ છે પણ બળદ નથી. અમે બન્ને બાપદીકરી હળ ખેંચી ખેંચીને કેટલું ખેંચીએ?”
“અચ્છા! તો તમને બળદ જોઈએ છે!”
“બળદ જેવું કામ આપી શકે, એવો જમાઈ ચાલે!”
“મારે હાથ પીળા કરવા છે, પગ માટીવાળા નથ કરવા!”
નજીકથી એક સાંઠીકડું લઈ ઉગામતાં વત્સલા બોલી, “બોલ, સાચું બોલ, ઉતાવળ છે કે નહીં, હાથ પીળા કરવાની?”
“ફોઈફૂઆ કહેતા હતા કે આ ઊનાળે, નહીં તો આવતે ઊનાળે, છોકરી શોધીને તારા હાથ પીળા કરવા જ છે.”
અનાથ વીરસિંહના ફોઈફૂઆનો ઉલ્લેખ આવતાં જ વત્સલા વ્યવહારની દુનિયામાં આવી. હોળી પછી લગનસરો બેસે. હોળી પર શિયાળુ અનાજ વેચાય, રકમ આવે તો જ દીકરીઓ વળાવાય! અહીં તો.. વત્સલા જરા ઉદાસ થઈ ગઈ.
“તેં ફોઈફૂઆને કહ્યું કે એક છોકરી શોધી લીધી છે?”
“કહીશ. પણ વિચારું છું કે કોક રજવાડાની નોકરી મળે, જાતે કમાતો થઈ જાઉં, બે વીઘા જમીન ખરીદી લઉં પછી મનગમતી છોકરી સાથે લગનની વાત કરું તો નનૈયો ન મળે!”
“અત્યારે કહે તો?”
વીરસિંહ ચૂપ થઈ ગયો. વત્સલા સમજી ગઈ કે મુદ્દો શું હોઈ શકે. વીરસિંહ કદાચ કહેવા નહોતો માંગતો કે ફોઈનો પહેલો સવાલ એ હોય કે, વહુ કેટલા ઘરેણાં લઈને આવશે?
છોકરાનો પરિવાર આમ જ કરે ને! વળી વીરસિંહના ફોઈફૂઆએ તો એક અનાથના ઉછેરની કિંમત વસૂલવાની હતી.
ધીમે રહી એ બોલી, “તો આ વરસે આપણા લગન નહીં લેવાય!”
કંઈ જુદા જ વિચારમાં પડી ગયેલો વીરસિંહ બોલ્યો, “આ વરસે તો લોહીની હોળી ખેલાવાની છે!”
નદીના આ કાંઠાની શાંતિને ચીરતો ઢોલનો અવાજ પેલે પારથી વાતાવરણમાં પડઘાવા લાગ્યો. કબૂતરો ગભરાઈને ઊડવા લાગ્યાં. ચકલીઓ ચીંચીં કરવા લાગી. ધ્યાનસ્થ બગલાઓએ પણ ડોક ફેરવી.
નદીને સામે પાર સૂરજગઢ તરફથી ઢોલીઓ ધ્રિબાંગ ધ્રિબાંગ ઢોલ વગાડી રહ્યા હતા. બપોરની તંદ્રામાંથી જાગેલા ગ્રામવાસીઓના કાન સરવા થયા એટલે ફરમાન સંભળાયું.
“સાંભળો, સાંભળો, સાંભળો!
વિશ્વયુદ્ધ મંડાઈ ચૂક્યું છે,
આલમી જંગ શરૂ થઈ ચૂક્યો છે!
એક તરફ કંપની બહાદુર,
બીજી તરફ દુશ્મન દેશ જર્મની અને તુર્કી હુમલો કરી રહ્યો છે...
હોશિયાર, ખબરદાર, સાવધાન!
કિંગ જ્યોર્જ પંચમ ઘણું જીવો!
કંપની રાજ અમર રહો!
કિનારાના વાતાવરણમાં ગોફણની જેમ આવા અવાજો ફંગોળી ઢોલીઓની ટોળી સૂરજગઢની કોઈ ગલીમાં ઘૂસી ગઈ.
વીરસિંહની મુખરેખા તંગ થઈ એ જોઈ વત્સલાએ એના ચહેરે હાથ ફેરવ્યો. તંગરેખાઓ ભૂંસી નાખવા માટે. વત્સલાએ વીરસિંહના હાથમાં હાથ મૂક્યો, “ધારો કે સાત સમંદર પાર કોઈ મોટી લડાઈ ચાલે, એમાં આપણને શું?”
“ઘેલી, મોટી લડાઈ નહીં, વિશ્વયુદ્ધ ચાલે છે!” આઠ ચોપડી ભણેલો વીરસિંહ બોલ્યો.
“સૌ કહે છે કે આઠ માસથી કજિયો ચાલે છે, તે હજુ પત્યો નથી?”
“ઘેલી! આ કજિયો નથી, યુદ્ધ છે, લડાઈ વધતી જ જાય છે, બીજા મલક જોડાતાં જ જાય છે.” વીરસિંહ ઘણા બધા દેશોના નામ બોલ્યો, પણ વત્સલાની ભૂગોળની સમજ માલવપુરથી સૂરજગઢ સુધી જ સિમિત હતી.
“હવે આપણો દેશ પણ આ મોટી લડાઈમાં જોડાશે!” વીરસિંહે પોતાનાં બાવડાં થપથપાવતાં કહ્યું.
વત્સલા બોલી, “હં, સિપાહીઓની અવરજવર તો વધી જ છે, વાડ પર જેટલી નવી કાકડી ઊગે છે, મૂઆ એના કરતાં વધારે કાકડીઓ ખાઈ જાય છે!” યુદ્ધની અસર માણેકબાપુના ખેતરડાના અર્થશાસ્ત્ર પર પણ પડી હતી.
થોડીવારમાં ઢોલીઓ સૂરજગઢની ગલીઓમાં ફરમાન સંભળાવી પુલ સુધી આવી પહોંચ્યા ત્યારે ફરીવાર એમનો અવાજ કળાયો,
હોશિયાર, ખબરદાર સાવધાન!
કંપની બહાદુર તરફે લડવા સૈન્ય મોકલવાનું છે,
કંપની બહાદુરનો હુકમ છે,
જેનો મૂછનો દોરો ફૂટ્યો હોય, એવા તમામ જવાનિયાને માલમ થાય
જેના હાથ પગ સલામત છે,
જેની ઉમર ચાળીસથી ઓછી છે, એવા તમામ જવાનિયાને માલમ થાય કે
કાલે સૂરજગઢમાં લશ્કરમાં ભરતી થાવા હાટુ મેળો છે!
હોશિયાર, ખબરદાર સાવધાન!
કિંગ જ્યોર્જ પંચમ ઘણું જીવો!
કંપની રાજ અમર રહો!
ઢોલીઓ ચંદ્રપુરના પાદરથી ગામની અંદર ગયા એટલે એમના અવાજો સંભળાતા બંધ થયા.
વત્સલાના કોમળ ચહેરા પર પહેલા કદી ન દેખાયેલી લકીરો ખેંચાઈ. એણે વીરસિંહની હથેળી હાથમાં લીધી. કોણ જાણે કેમ વીરસિંહના લોહીમાં ખળભળાટ હોય એવું એને અનુભવાયું.
“લે, કર વાત! લડાઈની વાતથી તારું તો લોહી ગરમ થઈ ગયું!”
વીરસિંહ બોલ્યો, “તે થાય જ ને, અમારા કટમમાં સાત પેઢીથી લડવૈયા જ પાક્યા છે. કોઈ બીમારીથી મર્યું નથી, બધા લડાઈમાં જ મરી ફીટ્યા છે!”
વત્સલા હસી, “અમારા કટમની વાત કરું? એક મોટ્ટી લડાઈમાં લડવું ન પડે એટલા માટે મારા દાદા ભગત થઈ ગયેલા!”
“એ જ સત્તાવનની લડાઈ! એમાં જ મારા દાદા અંગ્રેજ રાજ સામેની લડાઈમાં ખપી ગયા. શહીદ થઈ ગયા!”
વત્સલા વીરસિંહની ગાથા સાંભળતી રહી.
“પણ અંગ્રેજ રાજ ન ગયું, ઉલટું એની જડ આખા દેશમાં ફેલાણી. પછી તો મારા બાપજી અંગ્રેજબહાદુરની સેના માટે લડીને શહીદ થયા..”
વત્સલા હસીને બોલી, “દાદા અંગ્રેજોની સામે લડ્યા, બાપજી અંગ્રેજોની તરફે લડ્યા, તું કોના માટે લડશે?”
વીરસિંહે કહ્યું, “ગાંડી! સૈનિક ટુકડીના સેનાપતિ માટે લડે. સેનાપતિ રજવાડા માટે લડે. અને રજવાડું અંગ્રેજોની સાથે છે કે વિરુધમાં ઈ રાજા જુએ! આપણે તો બસ લડવાનું!”
વત્સલાને આ ગણિત સમજાયું નહીં, “અને.. આ બધી લડાઈઓ પૂરી થાય પછી તો તું ખેતી કરશે ને?”
“જમીન હોય તો ખેતી કરું ને?”
ત્યાં જ ચંદ્રપુર ગામ તરફ આવી રહેલા ઢોલીઓનો અવાજ ફરી સંભળાયો,
“સાંભળો સાંભળો સાંભળો
હોશિયાર, ખબરદાર, સાવધાન!
લશ્કરમાં ભરતીનો મેળો કાલે
છાતી કાઢી જુવાન આગળ ચાલે!
લડાઈ પૂરી થયે જુવાનને મળશે ચાર વીઘા જમીન
લડાઈમાં ખપી જાય તો કટમને મળશે આઠ વીઘા જમીન
હોશિયાર, ખબરદાર સાવધાન!
કિંગ જ્યોર્જ પંચમ ઘણું જીવો!
કંપની રાજ અમર રહો!
વીરસિંહને માટે હવે ચાર (કે આઠ) વીઘાં જમીન મેળવવાનો રસ્તો હાથવગો હતો.
***