Veer Vatsala - 1 in Gujarati Love Stories by Raeesh Maniar books and stories PDF | વીર વત્સલા - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વીર વત્સલા - 1

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

વીર-વત્સલા નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયના રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમ, ટેકીલાપણા અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. મૂળ એક પ્રાચીન બુદ્ધ જાતકકથાના કથાબીજને ટ્વીસ્ટ આપીને રચાયેલી આ કથામાં એક સૈનિક અને એક ગરીબ પૂજારીની દીકરી વચ્ચે પાંગરેલો પ્રણય કેવી કસોટીમાંથી પસાર થાય છે, એની હૃદયસ્પર્શી અને રસપ્રદ માંડણી સહુને ગમશે.

***

પ્રકરણ - 1

બેલ્જિયમના ઑસ્ટેન્ડ બંદરથી એમ્પ્રેસ ઑફ બ્રીટન નામની સ્ટીમર 1200 દેશી સૈનિકોને લઈને મુંબઈ જવા ઉપડી. આ બારસોમાંથી એક યુવાન સૈનિક વીરસિંહ પણ હતો.

1918નો એ ઊનાળો હતો. પહેલા વિશ્વયુદ્ધમાં લડવા વીરસિંહ પરદેશ ગયો હતો. સવા ત્રણ વરસના અંતરાલ પછી, હા, પૂરા બારસો દિવસ પછી, એ વતન પાછો આવી રહ્યો હતો.

દેશી સૈનિકોની બનેલી કાઠિયાવાડ બ્રિગેડ અંગ્રેજો વતી એક પછી એક ચારેક સરહદે જંગ લડી ચૂકી હતી. હવે થાકેલા સિપાહીઓ ટપોટપ બિમાર પડવા માંડ્યા હતા. જંગ તો હજુ જારી હતો છતાંય આખી કાઠિયાવાડ બ્રિગેડ હવે વતન પરત ફરવા ઉતાવળી થઈ હતી. આમેય થાકેલા હિંદી સૈન્યને સ્વદેશ રવાના કરી નવી નવી તરોતાજા બ્રિગેડ હિંદથી બોલાવવાની પ્રણાલિકા અંગ્રેજોએ રાખી હતી. એટલે એક દિવસ રવાનગીનો હુકમ આવ્યો.

બેલ્જિયમથી સ્ટીમર ઉપડી પછી આઠમી રાતે સુએઝની કેનાલ પસાર કરીને સ્ટીમર હિંદ મહાસાગરમાં દાખલ થઈ.

**

સવાર ઉઘડી અને હિંદ મહાસાગરનું નામ પડતાં જ જહાજ પરનું વાતાવરણ બદલાયું. હિંદ મહાસાગરની આ લહેરો એમના જહાજને વહાવીને વિરહ-ઘેલા સૈનિકોને વતનના કાંઠે ઉતારશે એ કલ્પનાથી સૌના હૈયાં હિલોળાં લેવા લાગ્યા. માબાપ, ભાઈભાંડુ, પ્રિયજન, બાળકોને મળવાની આશા જાગતાં બીમાર સિપાહીઓની બીમારી સારી થવા લાગી.

જહાજના ડેક પરથી પૂર્વના સૂર્યના વાત્સલ્યભર્યા કિરણોને જોઈને વીરસિંહને ભાસ થયો કે સવારના સૂર્યની કિરણાવલી નહીં પણ બાહુ પ્રસારીને વત્સલા એને આવકારી રહી હતી. ગામમાં એની રાહ જોઈ રહેલી મીઠડી વત્સલાને જલદી પાછા આવવાનું વચન આપીને એ પરદેશ ગયો હતો. યુદ્ધ અને વિરહ બન્ને બહુ લાંબા ચાલ્યા. વીરસિંહે પરદેશમાં દિવસો એની પ્રેમિકા વત્સલાની મીઠી યાદોમાં વીતાવ્યા, રાતો એના સપનાં જોતાંજોતાં પૂરી કરી. અને હવે વતન પરત થવાનો દિવસ નજીક આવી પહોંચ્યો હતો. દેશ નજીક આવતો ગયો એમ એના મનમાં યુદ્ધની દુદુમ્ભિઓ શાંત પડવા લાગી અને એનું સ્થાન શરણાઈના સ્વરોએ લેવા માંડ્યું.

દિવસો વીત્યા, રાતો કપાઈ અને એક સવારે સ્ટીમર મુંબઈના બારામાં હતી.

એ ગામ પહોંચ્યો ત્યારે વત્સલાના ખોળામાં ત્રણ મહિનાનું બાળક રમતું હતું.

બારસો દિવસના અંતરાલ પછી વીરસિંહ પ્રેમિકાને મળી રહ્યો હતો અને એની પ્રેમિકાના ખોળામાં ધાવણું બાળક હતું.

*

વીરસિંહ વતન આવ્યો ત્યારે એને આવકાર માટે સમય આ વેશ રચીને ઊભો હતો. પણ એના સાડા ત્રણ વરસ પહેલાની એક સવારથી સમયના આ ખેલની વાત માંડીએ તો કાંક સમજાય. ખરું ને?

*

વત્સલા પૂજાનો થાળ લઈ શિવમંદિરમાંથી નીકળી. થાળ ઉતાવળે પાળે મૂક્યો. ખોરડું અને ખેતર વટાવીને ટીલે જઈ પહોંચવા આથમણી દિશા પકડી. ટીલા પરથી લાંબી નજરે જોતાં ચંદ્રપુર ગામનું પાદર દેખાતું. કોઈ આવનારનાં એંધાણ ત્યાંથી જ મળતાં.

વેગમતી નદીને કાંઠે નાનકડું શિવમંદિર. એમાં નાનકડા ગામના નાનકડા ભગવાન બિરાજે. બાજુમાં આખું ચોમાસું વેગમતી નદી એના નામને સાચું ઠેરવતી હોય એમ વહેતી અને શિયાળો વીતે ત્યાં લગી નદીના પાણીની ગતિ મંદ પડતી જતી. પછી તો માત્ર એની ખળખળ શિવમંદિરની પાછલી ભીંત પર અભિષેક કરતી. બિસ્માર મંદિરના પથ્થરો સદીઓ જૂના. કોઈ કાળે કદાચ મંદિરની રોનક હશે, પણ આજકાલ રડ્યાખડ્યા વટેમાર્ગુ સિવાય અહીં કોઈ આવતું નથી.

ટીલા તરફ જતી વત્સલાને ઘોડાની પગની ખરીના અવાજો સંભળાયા. વત્સલાને આથમણી દિશામાંથી, ગામ તરફથી આવનારની પ્રતીક્ષા હતી, પણ અવાજ તો ઊગમણી દિશાના વગડા તરફથી આવતો હતો. કોણ હશે આ ટાણે? વત્સલાએ પાછળ ફરી નજર નાખી. બસો હાથ દૂર લાલ વસ્ત્ર પહેરીને આવતા અસવારને જોઈ એ સમજી ગઈ કે આ તો કંપની સરકારનો કોઈ હિંદુસ્તાની સૈનિક! માલવપુરથી સૂરજગઢ જઈ રહ્યો હશે. કોણ જાણે કેમ, મહિના પહેલા આ 1915નું અંગ્રેજી વરસ બેઠું ત્યારથી આ દેશી સૈનિકોની અવરજવર પણ વધતી જતી હતી.

શિવમંદિરથી ચન્દ્રપુર ગામ આથમણી દિશામાં એકાદ ગાઉ દૂર હશે. ચંદ્રપુર ગામથી સામે ઓતરાદે કિનારે જવું હોય તો કંપની સરકારે બાંધેલો પથ્થરિયો પુલ પસાર કરીને જવાય. આજકાલ બધા પુલનું નામ વિક્ટોરિયા પુલ. પણ ગ્રામવાસીને મન જૂના એ લક્કડિયા પુલ ને નવા એ પથ્થરિયા પુલ! પુલને સામે કિનારે સૂરજગઢ ગામ વસેલું. બન્ને ગામનાં કદમાંય સૂરજ અને ચંદ્ર જેટલો તફાવત. પહેલા તો કદાચ સૂરજગઢ ગામ સૂરજપૂર જ કહેવાતું હશે પણ સિસોદિયા વંશના રાજાઓએ વેગમતી નદીના સામે કાંઠે ગઢ બાંધ્યો હશે ત્યારથી સૂરજગઢ નામ પડ્યું હશે.

નદીના સૂરજગઢ તરફના કિનારે ખાસી વસ્તી હતી, આગળ બીજા રજવાડાની સરહદો પણ લાગતી, પણ ચંદ્રપુર તરફ ઊગમણી દિશામાં વગડાઉ પહાડી વિસ્તાર લાગે. વીસ ગાઉ પછી પહેલું ગામ આવે તે માલવપુર. એટલે માલવપુરથી કોઈ સૂરજગઢ તરફ નીકળે તો વીસ ગાઉ સુધી વગડો પસાર કર્યા પછી પહેલું ગામ ચંદ્રપુર આવે અને આવનારે મોટેભાગે પુલ પસાર કરી સૂરજગઢ જવાનું હોય.

પણ ચંદ્રપુર આવે એના એક ગાઉ પહેલા આ શિવમંદિર આવે. તરસ્યા ઘોડેસવારો મંદિરના ઓટલે બેસે.

સામે વહેતી નદી જોઈ પાણી પીવા વિચારે ત્યાં તો હસતીખેલતી વત્સલા એના ખોરડામાંથી દોડીને વહેતી આવે અને વટેમાર્ગુને તાંબાના લોટાથી માટલાનું પાણી પીવડાવે.

બહુ તરસ્યા હોય એ તો તરત પાણી પી લે. અમુક પાણી પીતાં પહેલા આપનારની જાત પૂછે. 19 વરસની છોકરી કોઈ પણ જાતિની હોય રૂપાળી જ લાગે. એનું રૂપ આંખોથી તો સહુ ધરાઈને પીએ, પણ મરજાદીઓ એના હાથનું પાણી પીતાં પહેલા ખાતરી કરે, કે અભડાઈ તો નહીં જવાય ને? પણ આ બધાથી વત્સલા ટેવાયેલી હતી અને એ બાબતે બેપરવા હતી.

કાયમના ક્રમ પ્રમાણે વત્સલા ઘોડાની ટાપનો અવાજ સાંભળી ખોરડામાં જઈ લોટો પાણી લઈ આવી. ઘોડેસવાર આવ્યો. એના હાથમાં એક વીંટો વાળેલો રુક્કો હતો. વત્સલાને ખ્યાલ આવ્યો કે સૈનિક કદાચ સૂરજગઢના રજવાડા માટે અંગ્રેજ એજન્ટનો કોઈ સંદેશો લઈને આવ્યો હશે.

સૈનિકે લોટાને હાથ અડાડતાં પહેલા પૂછ્યું, “એય છોકરી! કઈ જાતની છે?”

વત્સલા કંઈ જવાબ આપે? એ તો મોટેથી બોલી, “બાપુ! આ આપણી જાત પૂછે છે!” મંદિરમાંથી એક સાઠેક વરસની કાયા બહાર ડોકાઈ એટલે વટેમાર્ગુ સૈનિકને ખાતરી થઈ કે આ તો પૂજારીની દીકરી છે!

બેફિકર થઈ પાણી પીધા પછી વટેમાર્ગુ સૈનિકે સવાલ પણ ન લાગે અને પ્રતીતિ પણ ન લાગે એ રીતે ધરાયેલો ઉદગાર કાઢ્યો, “..તો.. બ્રાહ્મણ છો તમે!”

માણેકબાપુ કહે, “ના!”

વટેમાર્ગુ વિચારમાં પડ્યો. કોઈ ખવાસિયાના ઘરનું પાણી તો નથી પીવાઈ ગયું ને! આ ઘર ઉપરાંત શિવમંદિરથી સો હાથ દૂર બીજા બે ઘર દેખાય છે. એ પૂછે છે, “ખવાસના ખોરડાં છે?”

માણેકબાપુ કહે છે, “હા, દેખાય છે એ બન્ને ખોરડાં ખવાસના છે!”

“અને આ?” વટેમાર્ગુની નજર હવે વત્સલાના ખોરડા પર ઠરે છે. દરવાજાની બાજુમાં લટકેલી કટાયેલી કટારી, એક ખાટલી અને એક હુક્કો નજરે ચડે છે. ઘર દરિદ્રતાની ચાડી ખાય છે પણ ઘર ખવાસનું નથી લાગતું.

મંદિરના તૂટેલા ઓટલે આસન જમાવતાં માણેકબાપુ બોલ્યા, “બેસો ઘડીક!”

સૈનિકે બેસવું નહોતું. “જવાબ ન આપ્યો, કોનું ખોરડું છે આ?”

એ જ પળે મંદિરની ધજા પરથી એક કબૂતર ઊડીને એક વીઘાના નાનકડા ખેતરને પસાર કરીને ટીલા પર એકલવાયા ઉભેલા ખીજડાના ઝાડ પર જઈને બેઠું.

“આ કબૂતરે ઊડીને આવર્યું એટલું મારું રજવાડું! આ મંદિરની ધજા મારી નહીં, પેલો ખીજડો મારો નહીં, પણ એ બે વચાળેનું આ વીઘું મારું! ખવાસની બાજુમાં રહું છું. પૂજારી જેવો લાગું છું, ખેતી કરીને પેટિયું ભરું છું, પણ છું રાજપૂત!”

છેલ્લા બે કામના શબ્દો પર ધ્યાન આપી સૈનિકે ઘોડો પલાણ્યો.

માણેકબાપુને લાગ્યું કે એની આવી મજાની વાતો સાંભળીને તો સામે વેલા પર લાગેલી કૂણી કાકડીઓય હસી પડે છે પણ આ સૈનિક તો જવાબદારીની ભાર નીચે હસવાનુંય ભૂલી ગયો લાગે છે.

એકાંત સ્થળે રહેનારાને વાત કરનારું મળે તો એ તો કસુંબો જમાવે, અવનવી વાતો ઘડે અને ટાણું હોય તો બે રોટલાય ઘડી દે! સાધુબાવા કે ભગત હોય તો રોકાઈ પણ જાય. પણ આ તો સૈનિક હતો. ઉતાવળમાં હતો. ઘોડો પલાણી એની પીઠ પર એડી મારી, વેલા પરથી બે કાકડી તોડીને નીકળ્યો. ઘડીભરમાં તો પોતે જ ઉડાડેલી ધૂળના ગોટા પાછળ અદૃશ્ય થઈ ગયો.

વત્સલા ફરી ટીલા તરફ જવા લાગી. માણેકબાપુને પણ કંઈ કામ યાદ આવ્યું, સૈનિકની પાછળ માણેકબાપુય હાલી નીકળ્યા.

“હું શાહુકારને ન્યાં જાઉં છું!”

શાહુકાર શબ્દ સાંભળી ટીલા તરફ જઈ રહેલી વત્સલાની ચાલ ખોડંગાઈ.

વત્સલાની તેજ નજર પડે એ પહેલા માણેક બાપુએ ઝડપથી કાપડની એક નાની પોટલી કમરપટ્ટાની અંદર ફસાવી. પણ ચકોર વત્સલા સમજી ગઈ કે એની મરેલી માનું છેલ્લું ઘરેણું વ્યાજ તરીકે શાહુકારને ત્યાં જઈ રહ્યું હતું. વીઘું બચાવવું કે ઘરેણું? એ સવાલનો જવાબ બહુ સીધો હતો.

વત્સલાએ બાપુ સામે એક ક્ષણ જોઈ, તરત નજર ફેરવી લઈ એમને મૂંગી રજા આપી અને આંખ મંદિર તરફ ફેરવી. મંદિરના ગભારાની ધસી પડતી દીવાલ જોઈ એને થયું કે કપરા કાળ સામે ભગવાન પણ અસ્તિત્વ ટકાવવા મથી રહ્યા હતા, ત્યાં ઈન્સાનનું શું ગજું? ચોમાસું નબળું ગયું હતું. અનાજ ખાસ થયું નહીં. તોય ચારમાસમાં બસ બેચાર દાડા છલકાયેલી વેગમતીના પાણીથી મંદિરના ગભારાની અને ખોરડાની પાછલી દીવાલ નમી પડી હતી.

શાહુકારને મળવા જતા માણેકબાપુની પીઠને વત્સલા તાકી રહી. વત્સલાએ સહેજ અકળામણથી સૈનિકે અડધી ખાઈને ફેંકેલી કાકડી ઉઠાવી કબૂતરના માળા તરફ ફેંકી. નવી ઊગી રહેલી કાકડીઓ તરફ નજર નાખી એ ટીલા તરફ દોડી. રોજની જેમ રાહ જોવા.

ટીલે જઈ વત્સલાએ જોયું. શાહુકારને મળવા જઈ રહેલા માણેકબાપુની દીવાલ જેવી પીઠ હવે ટપકાં જેવી દેખાતી હતી. બાપુ દેખાતા બંધ થયા એટલે વત્સલા ટીલા પર ખીજડાના ઝાડની નીચેના પથ્થર પર બેઠી. એ પથ્થર એટલે વત્સલાનું સિંહાસન! અહીંથી ચંદ્રપુરનું પાદર દેખાતું. પણ ગામથી અહીં મંદિર સુધી આવતો કાચો રસ્તો ઝાડીઓમાં ઢંકાઈ જતો. તોય ઘોડાના પરિચિત પદચાપ સંભળાતાં જ એને ખ્યાલ આવી ગયો કે એ જેની રાહ જોઈ રહી છે એ આવી રહ્યો છે.

એની રાહ જોવા માટે આ ટીલે ચડવું જરૂરી હતું, પણ એ આવી જાય પછી ફરી પાછા મોટા પથ્થરો પરથી ઉતરીને નીચે વહેતી નદીના પટમાં પગ બોળીને બેસવાનું જ એ બન્નેને ગમતું.

એ એટલે વીરસિંહ! નદીનો એ વહેળો એટલે વીર અને વત્સલાનું રજવાડું.

***