ભૂલ
કનુ ભગદેવ
પ્રકરણ - 2
લૂંટની યોજના...!
બીજે દિવસે સવારથી જ વિનોદ ઘાણીના બળદની જેમ કામે લાગી ગયો.
સવારના સાત વાગ્યાની રાતના દસ વાગ્યા સુધી તેને ફૂરસદ નહોતી મળવાની.
સાડા છ વાગ્યે જ એ નામું કરવા માટે નીકળી ગયો. ત્યાંથી સાડા દસ વાગ્યે બેંકે જવા માટે રવાના થઈ ગયો અને સાંજે સાડા પાંચે આવીને પાછો સાડા છ વાગ્યે નામું કરવા માટે ચાલ્યો જવાનો હતો.
જે પતિ સાથે પોતે દગાબાજી રમે છે, એ કેટલી તનતોડ મહેનક કરે છે, તે કંચન પોતાની સગી આંખે જોતી હતી. ગુજરાન ચલાવવા માટે એ પોતાની જાત ઘસી નાંખતો હતો. કંચનનું અંતર મન આ હકીકત જાણતું હતું. પરંતુ એના વિવેક પર પડદો પડી ગયો હતો. મધુકરના સ્વાર્થી પ્રેમનો પડદો?
મધુકરે બતાવેલા સુખદ્ ભવિષ્યનો પડદો...!
વિનોદ બેંકે જવા માટે ચાલ્યો ગયો ત્યારે પછી એ પણ તૈયાર થઈને મધુકરને મળવા માટે રવાના થઈ ગઈ.
વિનોદે વ્યાજે રૂપિયાની વ્યવસ્થા કરી છે, એ વાત મધુકરને જણાવવા માટે તે ખૂબ જ આતુર હતી.
મધુકરની યોજના પળભરમાં જ તેને પત્તાના મહેલની જેમ તૂટી પડતી લાગતી હતી.
એણે મધુકરને બધી હકીકતથી વાકેફ કરી દીધો.
એની વાત સાંભળ્યા પછી પળભર તો મધુકરના પણ હોંશકોશ ઊડી ગયા. પરંતુ એ ખૂબ જ ચાલાક હતો. અવળા પડેલા પાસાને સવળા કરવામાં નિષ્ણાત હતો.
‘આ તો ઊલ્ટાનું વધુ સારું થયું છે!’ કંચનની વાત નિરાંતે સાભળ્યા પછી એણે એક સિગારેટ સળગાવીને સ્મિત ફરકાવતાં કહ્યું.
‘એટલે શું?’ કંચને ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.
‘શું, એ પૈસા લાવ્યો છે?’
‘ના, કદાચ આજે લઈ આવશે. પરંતુ તું આવું શા માટે પૂછે છે?’
‘પૈસા તો એ આવીને તને જ આપશે ને?’
‘કદાચ ન પણ આપે...! એ પોતે જ બારોબાર જઈને ચૂકવી આવે એવું પણ બની શકે છે!’
‘ના... તે આવું નહીં કરે...!’
‘કેમ...?’
‘વિનોદ જેવા લોકોના સ્વભાવને હું બરાબર રીતે ઓળખું છું. એ પોતાની પત્નીના હાથેથી જ પૈસાનું ચૂકવણું કરાવે છે, જેથી કરીને પત્નીના મનમાં કોઈ જાતનો રંજ ન રહે! વિનોદ પણ પૈસા તારા હાથમાં જ મુકશે!’
‘ઘડીભર માટે માની લે કે એણે મારા હાથમાં પૈસા મૂકી દીધા તો પણ એનાથી શું ફર્ક પડી જવાનો છે?’ કંચને આશ્વર્યમિશ્રિત મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.
‘ઘણો ફર્ક પડશે.’
‘શું?’
‘એ સંજોગોમાં આપણી યોજના જલ્દીથી સફળ થઈ જશે.’ મધુકરે લાંબો કસ ખેંચતા કહ્યું.
‘એટલે...?’ હું સમજી નહીં મધુકર...! તું કહેવા શું માગે છે?’ કંચને ચિંતાતુર અવાજે પૂછ્યું.
‘સાંભળ... વિનોદ તને જે કંઈ રકમ આપે, એ તારે ગુમ કરી દેવાની છે!’
‘શું...?’
‘હા... આજકાલ બજારોમાં લૂંટ કે ચીલઝડપના બનાવો બહુ સામાન્ય થઈ પડ્યાં છે....! અવારનવાર આવા બનાવો બનતા જ રહે છે. તું પૈસા ચુકવવા માટે જઈશ ત્યારે કોઈક બદમાશ તારી હેન્ડબેગ તારા હાથમાંથી આંચકી જશે. તારે પકડો... પકડોની બુમો પાડીને લોકોનું ધ્યાન તારા તરફ આકર્ષવાનું છે.’
‘પછી...?’
‘પછી શું...? એ બદમાશ નહીં પકડાય! પરંતુ તે ચિંતા ન કર...! એ રકમ ક્યાંય નથી જવાની! કારણ કે એ બદમાશ આપણો જ માણસ હશે.’
કંચન કેટલીયે વાર સુધી એકીટશે મધુકરના ચ્હેરા સામે તાકી રહી.
મધુકરની યોજના સાંભળીને કોણ જાણે કેમ તે ને ભય લાગતો હતો.
‘પણ...પણ આમ કરવામાં જોખમ રહેલું છે મધુર...!’ એના અવાજમાં ગભરાટનો સૂર હતો.
‘કેવું જોખમ...?’
‘એ બદમાશને લોકો પકડી પાડી શકે તેમ છે!’
‘એવું કંઈ નહીં થાય!’ મધુકરે મક્કમ અવાજે કહ્યું,‘તારે કશી યે ફિકર કરવાની જરૂર નથી. હું બધું સંભાળી લઈશ!’
‘પરંતુ આ બનાવ પછી વિનોદ ક્યાંક આપઘાત કરી લેશે તો?’ કંચને પોતાના શંકા વ્યક્ત કરી.
‘નહીં કરે... તું ચિંતિત રહે!’
‘આ વાત તું આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે છે?’
‘કંચન...!’ મધુકર લુચ્ચું સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘અમે જે ઘોડા પર જુગાર રમતાં હોઈએ છીએ, એ ઘોડાનું રક્ષણ પણ કરીએ છીએ! તારે અને આપઘાત નથી કરવા દેવાનો...! તું વળી ક્યાં રોગની દવા છો? આ કલ્પિત બનાવ પછી તારે વિનોદ સાથે જ રહેવાનું છે...!’
‘બરાબર છે... પરંતુ હું કંઈ આખો દિવસ તેની સાથે રહી શકું તેમ નથી.’
‘હા, પણ, એના મૃત્યુ પછી તેની પત્ની અને બાળકની હાલત રસ્તે રઝળતા ભિખારી જેવી બની જશે, એ વાત તો તેના મગજમાં ઠસાવી શકે તેમ તો છો ને?’
‘આમ ગોકળગાયની ગતિએ ક્યારે તું તારી યોજનામાં સફળ થઈશ એ જ મને તો નથી સમજાતું!’ કંચન ધૂંધવાયેલા અવાજે બોલી, ‘તારે જે કંઈ કરવું હોય તે સીધી રીતે શા માટે નથી કરી નાખતો?’
‘કંચન, તારું દિગામ ફરી ગયું છે કે શું? આટલો વખત રાહ જોઈ છે, તો થોડી વધુ રાહ જો...! ઉતાવળે આંબા નથી પાકતા એ કહેવત તો તું જાણતી જ હોઈશ!’
કંચને કંઈ જવાબ ન આપ્યો.
રાજુ રડવા લાગ્યો હતો.
એના રૂદનથી તેમની વાતચીતમાં ખલેલ પહોંચતી હતી.
‘આ નાલાયકના દિકરાને તો રડો બંધ કર...!’ મધુકર ધૂંધવાઈને બોલી ઊઠ્યો, ‘આવ્યો છે ત્યારથી કેં... કેં... કરે છે!’
‘શું કહ્યું... આ નાલાયકનો દિકરો છે? હું નાલાયક છું એમ ને...?’
‘અરે હું તો મજાક કરતો હતો.’ મધુકરે ફેરવી તોળતાં કહ્યું, ‘ખેર, તું જમીને આવી છો?’
‘ના, કેમ...?’
‘તારે બીયર પીવો છે...?’ મધુકરે આગળ વધીને ફ્રીઝનો દરવાજો ઊઘાડતા પૂછ્યું.
‘ના, વિનોદને બીયરની ગંધ આવી જશે!’
‘એ તો છેક સાંજે પાછો આવશે...! તું પણ સાંજે જ ઘેર જઈશ ને? આટલી વારમાં તો મોંમાંથી દેશી શરાબની ગંધ પણ ઊડી જાય છે!’ કહી બીયરની બોટલનું ઢાંકણં ઊઘાડીને એણે કંચનના હાથમાં મૂકી દીધી ત્યારબાદ એણે ફ્રીઝની ઉપર પડેલા ડબ્બામાંથી તળેલા કાજુ અને વેફરના પેકેટ કાઢીને પ્લેટમાં ગોઠવ્યા.
પછી એણે પોતાને માટે બાથરૂમમાં ગઈ તો મધુકર વ્હીસ્કીનો એક ઘૂંટડો રાજુના ગળે ઊતારી દીધો.
રાજુ થોજી પળો સુધી રડીને છેવટે નશાને કારણે ઊંઘી ગયો.
કંચને બાથરૂમમાંથી આવ્યા પછી રાજુને ઊંઘતો જોયો તો એના કપાળ પર કરચલીઓ પડી ગઈ.
‘મધુકર.. તે ફરીથી આજે રાજુને શરાબ પીવડાવ્યો?’ એણે ક્રોધથી તમતમાં અવાજે પૂછ્યું.
‘હા...’
‘કેમ...?’
‘એ તને હેરાન કરતો હતો. ઉપરાંત થોડી વાર પછી આપણે જે કંઈ કરવાના છીએ, એ તે જુએ એમ હું નથી ઈચ્છતો.’
‘એ તે જુએ કે ન જુએ એનાથી શું ફર્ક પડવાનો છે! એ કંઈ સમજી કે બોલી થોડો જ શકે છે? હજી એને પૂરું બોલતાં પણ ક્યાં આવડે છે?’
‘છતાંય મને એ સારું નથી લાગતું.’ કહીને મધુકરે પોતાના પેગમાંથી એક લાંબો ઘૂંટડો ભર્યો.
‘અને તું પણ ભવિષ્યમાં એને સાથે ન લાવીશ! મને એના પ્રત્યે સખત ચીડ છે એ તો તું જાણે જ છે!’
ઠીક છે...’
‘કંચન...’ સહસા કંઈક યાદ આવ્યું હોય એમ મધુકર બોલ્યો.
કંચને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘મેં તારો ફોટાઓ જોયા હતા... આપણા બંનેની વિડીયો ફિલ્મ પણ જોઈ હતી. વાહ... ખૂબ જ મજા આવી ગઈ!’ મધુકરે હસીને કહ્યું.
‘ફોટાઓ? વિડીયો ફિલ્મ?’ કહેતાં કહેતાં કંચનની આંખોમાં શંકાના કુંડાળા રચાયા.
‘હા... તારાં અમુક વાંધાજનક ફોટાઓ છે...! અને વિડીયો ફિલ્મ તો આપણા બંનેનાં અનૈતિક સંબંધોને ઉજાગર કરે એવી છે!’ મધુકરે ભાવહીન અવાજે કહ્યું.
‘ન...ના..!’ કંચન અવિશ્વાસભરી નજરે તેની સામે તાકી રહેતાં બોલી.
જવાબમાં મધુકરે કબાટમાંથી એક સફેદ રંગનું કવર કાઢીને તેના હાથમાં મૂકી દીધું.
‘લે, તું પોતે જ જોઈને ખાતરી કરી લે...! તને ખૂબ જ ગમશે! ઓટોમેટિક કેમેરાએ પોતાની ફરજ કેટલી સુંદર રીતે પૂરી કરી છે, એની તેને આ ફોટાઓ જોયા પછી ખાતરી થઈ જશે.’
કંચને કંપતા હાથે કવર ઉઘાડીને તેમાંથી ફોટાઓ બહાર કાઢ્યા.
વળતી જ પળે એના ચહેરાનો રંગ ઊડી ગયો.
આંખો સામે અંધકાર ફરી વળ્યો.
એ ફોટાઓ તેના તથા મધુકરના દિગંબરાવસ્થાના હતી.
ફોટાઓ જોયા પછી તે મધુકર કરતાં પોતાની જાત પ્રત્યે વધુ નફરત થઈ.
‘હું તને વિડીયો ફિલ્મ પણ બતાવત!’ મધુકર પૂર્વવત્ રીતે ભાવહીન અવાજે બોલ્યો, ‘પરંતુ શું કરું! મારી પાસે વી.સી.પી. કે વી.સી.આર. નથી. ખેર, પછી ક્યારેક વાત!’
‘મધુકર...! આ...આ...તેં આવું શા માટે કર્યું?’ ક્રોધથી તમતમતાં અવાજે આટલું કહીને કંચને એ ફોટાના ટૂકડેટૂકડા કરી નાખ્યા.
‘ચ...ચ...ચ...’ મધુકરે ચટકારો ભર્યો, ‘તેં નાહક જ ફોટાઓનો નાશ કરી નાખ્યો. ખેર, વાંધો નહીં, આ ફોટાઓની નેગેટીવો મારી પાસે સહીસલામત રીતે પડી છે!’
‘પણ આવું કરવાની તારે શું જરૂર હતી?’
‘જરૂર હતી... પરંતુ એ તું નહીં સમજી શકે! વાત એમ છે કંચન, હારવાનો એક ટકોય ચાન્સ હોય એવી કોઈ રમત હું નથી રમતો.’
‘એટલે...? તું છેવટે કહેવા શું માંગે છે?’
‘એ જ કે હવે તું ક્યારે ય મારી સાથે દગો નહીં કરી શકે! આ ફોટાઓ તારા મોં પર હંમશને માટે તાળુમ મારી રાખશે. તું ઈચ્છા હોવા છતાં ય ક્યારે ય મારી વિરૂદ્ધ કોઈ પગલું નહીં ભરી શકે!’
‘મધુકર... હું તારી વિરૂદ્ધ કોઈ પગલું ભરીશ... તારી દુશ્મન બનીશ... એવું તેં વિચાર્યું જ શા માટે? તારા પ્રેમને કારણે તો હું મારા હાથેથી મારુ ઘર વેરાન કરું છું!’ કંચને વેદનાભર્યા અવાજે કહ્યું. ‘શું તને મારા પર ભરોસો નથી?’
‘ભરોસો તો પૂરેપૂરો છે...!’
‘તો પછી આવું તેં શા માટે કર્યું?’
‘મારા પરનો તારો ભરોસો હંમેશને માટે ટકી રહે એટલા ખાતર જ મેં આ તૈયારી કરી રાખી છે! ઉપરાંત જે સ્ત્રી પોતાના પતિ સાથે દગો કરતી હોય, એ શું પોતાના પ્રેમી સાથે વિશ્વાસઘાત ન કરી શકે...?’ વાત પૂરી કરીને મધુકરે ફરીથી પોતાનો વેગ તૈયાર કર્યો અને પછી પ્લેટમાંથી કાજુ ઉંચકીને ખાવા લાગ્યો.
‘આ...આ... તું શું કહે છે મધુકર? તેં જ તો મને વિનોદ સાથે દગો કરવા માટે ઉશ્કેરી હતી. તું મારો પ્રેમી છે એટલે જ તો મેં તારી વાત માની હતી. મારા પર સૌથી વધુ હક્ક તારો જ છે! મેં મારી જિંદગીમાં જો કોઈ પુરુષને ખરા હ્લદયથી પ્રેમ કર્યો હોય, તો એ પુરુષ તું છો મધુકર!’
‘ડાયલોગ તો બહુ સારો છે...!’ મધુકરે ગ્લાસને ટેબલ પર મૂકીને તાળી પાડતાં કહ્યું, ‘પરંતુ ભવિષ્યમાં શું થવાનું છે, એની કોને ખબર છે? કમ સે કમ મને તો નથી જ! કાલે ઊઠીને તારી જિંદગીમાં તે મારા કરતાં પણ વધુ વ્હાલો લાગે એવો પુરુષ પણ આવી શકે છે!’
‘ના... એ વાત જ અશક્ય છે!’
‘આજે ભલે આ વાત અશક્ય હોય, પણ હંમેશને માટે કોઈ વાત અશક્ય નથી રહી શકતી! જોકે મને તારા પર પૂરો ભરોસો છે ડીયર...! પરંતુ શું કરું...? હું મારી આદત પાસે લાચાર છું. હું મારી યોજનામાં ક્યાય કોઈ જ તાની ખામી રાખતો નથી.’
‘મધુકર ક્યારેક ક્યારેક તો ને તારો ખૂબ જ ભય લાગ છે...! મને એવું લાગે છે કે તું... ખેર, જવા દો!’ કંચને વચ્ચેથી પોતાની વાત પડતી મૂકી દીધી.
‘હા, હા... બોલ... અટકી શા માટે ગઈ...?’ મધુકરે આંગળીનાં ટેરવાથી એનાં ગાલ સ્પર્શતા કહ્યું, ‘કોઈ વાત મનમાં ન રાખવી જોઈએ. જે કંઈ હોય, તે સ્પષ્ટ રીતે કહી નાખવું જોઈએ! મેં કેમ તને સ્પષ્ટ રીતે કહી નાખ્યું? ઉપરાંત વાત મનમાં છૂપાવી રાખવાથી રાત્રે તેનું જ સપનું આવે છે.’
‘મધુકર...!’ કંચન ભયભીત અવાજે બોલી, ‘કામ પતી ગયા પછી તું દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દઈશ એવું કોણ જાણે કેમ મને લાગે છે!’
‘આ તારો વહેમ જ છે કંચન...! હું એવુ કશું જ નથી કરવાનો! શું તને મારા પ્રેમમાં કંી કમી દેખાય છે?’ મધુકરે સ્મિત ફરકાવતાં પૂછ્યું.
‘ના...’ કંચને નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.
‘હું ક્યારેય તારી સાથે દગો કરીશ એ વાત તારા મગજમાંથી કાઢી નાંખ કંચન! તું તો એવી છો કે જેને હું ઈચ્છું તો પણ મારાથી અલગ કરી શકું તેમ થી.’
‘વાતો તું ખૂબ સુંદર કરે છે! પરંતુ આ વાતો પાછળથી પોકળ પૂરવાર ન થાય તો સારૂ!’
‘દરેક સ્ત્રીઓનો સ્વભાવ શંકાશિલ હોય છે! શંકાથી પર હોય એવી આજ સુધીમાં એકેય સ્ત્રી મેં નથી જોઈ!’ મધુકર ચીડભર્યા અવાજે બોલ્યો, ‘ખેર, આ દાદ-ફરિયાદની વાતો કરવા માટે તો આપણી પાસે આખી જિંદગી પડી છે! કાલે તારે શું કરવાનું છે, એ તને યાદ છે ને?’
‘હા...’
‘પરંતુ એ પહેલાં તું મને, ચાંદની હોટલે ફોન કરીને વિનોદ રકમ લાવ્યો છે કે નહીં, એની સૂચના આપી દેજે.’
‘ઠીક છે...’
‘વેર ગુડ...’ કહીને મધુકરે કંચનને પોતાના આલિંગનમાં જકડી લીધી.
કંચન બધું ભૂલીને તેને વળગી પડી.
શારીરિક ભૂખ જાગે છે ત્યારે માણસનો વિવેક ઊંઘી જાય છે!
કંચનની વાસના જાગૃત હતી અને વિવેક નિદ્રાધિન બની ગયો હતો.
થોડી વાર પછી એ રાજુને લઈને ચાલી ગઈ.
એના ગયા પછી મધુકરે રૂમ વ્યવસ્થિત કર્યો.
ત્યારબાદ બહાર નીકળી, મુખ્ય બારણાંને તાળું મારી, નીચે ઊતરીને સડક પર પહોંચ્યો.
એણે હાથ ઊંચો કરીને એક ટેક્સી ઊભી રખાવી.
‘ક્યાં જવું છે સાહેબ...?’ ડ્રાઈવરે બારીમાંથી ડોકું બહાર કાઢીને પૂછ્યું.
‘જવાહર કોલોની...!’
‘ના... સાહેબ...મારે ત્યાં નથી આવવું.,,!’ ડ્રાયવરે મોં મચકોડતાં કહ્યું.
‘કેમ..?’
‘ત્યાંથી પાછા ફરતી વખતે પેસેન્જરો નથી મળતાં...! ત્યાં બધાં બસમાં જનારા લુખ્ખાઓ જ રહે છે! તમારે જવું હોય તો ડબલ ભાડું આપવું પડશે...’
‘ચાલ, હું તને ડબલ ભાડું આપીશ!’
‘તો પછી મને કંઈ વાંધો નથી. ચાલો બેસી જાઓ...!’ ડ્રાયવરે મીટર ડાઉન કરતાં કહ્યું.
મધુકરે એક ઊંડો શ્વાસ લઈને ટેક્સીમાં બેસી ગયો. ડ્રાયવરે ટેક્સી સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.
સાંજના સાત વાગ્યા હતા.
જાન્યુઆરી મહિનો હોવાને કારણે ધરતી પર અંધકાર ઊતરી આવ્યો હતો.
સડક પર આવ-જા કરતાં વાહનોની હેલાઈટો, દૂરથી, જાણે કે આસમાન પરથી તારા જમીન પર ઊતરીને દોડાદોડી કરતાં હોય એવી લાગતી હતી.
થોડી વારમાં જ ટેક્સી જ્વાહર કોલોની પાસે પહોંચીને ઊભી રહી.
મધુકરે નીચે ઉતરી, મીટર જોઈને બમણું ભાડું ચુકવી દીધું.
ડ્રાયવર ખુશખુશાલ ચ્હેરે ટેક્સી સ્ટાર્ટ કરીને આગળ વધી ગયો.
મધુકર જ્વાહર કોલોનીમાં જવાને બદલે એ જ માર્ગ પર સીધો આગળ વધવા લાગ્યો.
એ રોડ પર અડધો કિલોમીટર દૂર સુંદર નગર કોલોની હતી. એ ધારત તો ટેક્સી ડ્રાયવરને સુંદરનગર સુધી લઈ જઈ શકે તેમ હતો પરંતુ એણે એવું નહોતું કર્યું.
થોડે દૂર ગયા પછી એણે ઊભા રહી, પીઠ ફેરવીને જોયું.
એ ઊભો હતો, ત્યાં ગાઢ અંધકાર છવાયેલો હતો.
એણે સ્ફૂર્તિથી પોતાના ગરદન પાછળ હાથ નાંખીને આંચકો માર્યો,
વળતી જ પળે એના હાથમાં ચામડીના રંગનો, રબ્બરનો પાતળો ફેસ માસ્ક ઝૂલવા લાગ્યો.
હવે એ પોતાના અસલી રૂપમાં હતો.
તેને જોઈને, એ મધુકર છે, એવું હવે કોઈ જ કહી શકે તેમ નહોતું.
ફેસ માસ્કને એણે કોટના ગજવામાં મૂકી દીધો.
ત્યારબાદ એણે પેન્ટના ગજવામાંથી નાનકડો દાંતિયો કાઢી, વાળને સ્ટાઈલ બદલી નાખી.
આટલું કર્યા પછી એ પુનઃ પોતાની મંઝીલ તરફ આગળ વધ્યો. થોડે દૂર ગયા પછી પોલ લાઈટના પ્રકાશમાં એનો ચ્હેરો ચમકી ઊઠ્યો.
એ ચ્હરો ખૂબ જ બિહામણો અને ભય પમાડે તેવો હતો. એના ચ્હેરા પર શીતળાના, ચણાની દાળ જેવા આકારના ચાઠા હતા. કપાળ પર ચાર ઈંચ લાંબું કોઈક જૂના ઝખમનું નિશાન હતું. ડાબા ગાલની ચામડી સળગેલી હતી. એ પોતાની આંખો પરથી કોન્ટેક્ટ લેંસ કાઢી ચૂક્યો હતો. હવે એની આંખો ભૂરી નહીં, પણ કાળી હતી.
સુંદરનગર કોલોનીમાં પહોંચીને તે એક બંગલામાં પ્રવેશ્યો.
બે માળ ધરાવતા એ વિશાળ અને આલિશાન બંગલાના ફાટક પાસે એક નેઈમ -પ્લેટ ચમકતી હતી.
એના પર લખ્યું હતું- રાધેશ્યામ ભગત.
એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.
પોણા આઠ વાગ્યા હતા.
એ વરંડાનાં પગથિયાં ચડીને બંગલાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો.
વળતી જ પળે બારણું ઉઘડી ગયું.
બારણું આધેડ વયના એક માનવીએ ઉઘાડ્યું હતું.
‘મેં ફાટક ઉઘડવાનો અવાજ સાંભળી લીધો હતો...’ આધેડે દાંત દેખાય એવું સ્મિત ફરકાવતાં કહ્યું.
મધુકર અંદર પ્રવેશ્યો.
‘કોઈ આવ્યું તો નહોતું ને?’ એણે આધેડને ઉદ્દેશીને પૂછ્યું.
‘ના...અલબત્ત મનમોહનનો ફોન જરૂર આવ્યો હતો.’ આધેડે બારણું બંધ કરીને પડદો સરકાવતાં કહ્યું.
‘શું કહેતો હતો?’
‘એ આઠ વાગ્યે આવવાનું કહેતો હતો.’
‘પ્રતાપ...! હવે કામ પૂરું થવામાં બહુ વાર નહીં લાગે!’ મધુકરે કોટ ઉતારીને હેંગર પર લટકાવતાં કહ્યું.
‘બોસ, તારાથી ખૂબ જ નારાજ છે ભગત!’ આધેડ વયનો માવની એટલે કે પ્રતાપ મધુકરને ભગત તરીકે ઉદ્દેશીને બોલ્યો. બંગલાની બહાર પણ રાધેશ્યામ ભગતના નામની જ નેઈમ-પ્લેટ હતી.
‘પ્રતાપ, આ યોજના પાછળ અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, એની મને ખબર છે.’ મધુકર ઊર્ફે ભગતે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું. ‘પરંતુ કરોડો રૂપિયા મેળવવા માટે બધું બરાબર વ્યવસ્થિત રીતે જ થવું જોઈએ. ઉપરાંત મારી યોજનામાં સમય લાગે છે, એ વાતની તો બોસને ખબર જ છે!’
‘પરંતુ ચાર વરસનો સમયગાળો કંઈ ઓછો નથી હોતો ભગત! હું પણ આધેડ નોકરનો પાઠ ભજવી ભજવીને કંટાળી ગયો છું. ક્યારેક ક્યારેક તો મને ખરેખર એમ જ લાગે છે કે તું મારો શેઠ છો અને હું તારો નોકર છું.’ પ્રતાપ ભાવહીન અવાજે બોલ્યો, ‘હવે જો આમ ને આમ થોડો વધુ સમય પસાર થશે તો હું પાગલ જ થઈ જઈશ!’
‘હવે બહુ વાર નહીં લાગે પ્રતાપ! વિનોદને શીશામાં ઉતારવાનો વખત આવી ગયો છે!’
‘મહિના-બે મહિનાથી વધુ સમય તો નહીં લાગે ને?’ પ્રતાપે પૂછ્યું.
‘ના...’ મધુકર ઉર્ફે ભગતે જવાબ આપતાં કહ્યું. ‘અલબત્ત, તું નોકર તરીકેનો પાઠ બરાબર જ ભજવે છે!’
‘આગ લાગે આવા પાઠને!’ પ્રતાપ ધૂંધવાતા અવાજે બોલ્યો.
‘કેમ, શું થયું...?’
‘મિસિસ ગુપ્તા અને મિસ્ટર શર્મા તેમને ત્યાં કામ કરવા માટે મને ડબલ પગારની લાલચ આપી ચૂક્યા છે. હવે એ મૂર્ખાઓને કોણ સમજાવે કે હું નોકર નથી. હું બ્લેક કોબ્રા ગેંગનો સભ્ય છું. જો આ વાતની તેમને ખબર પડે, તો તેઓ જિંદગીભર કોઈ આધેડને નોકર તરીકે રાખવાનો વિચાર સુધ્ધાં ન કરે!’
‘એટલા માટે જ તો કહું છું કે નોકરનો પાઠ તું એવી રીતે ભજવે છે કે તારો અભિનય જોઈને અમિતાભ બચ્ચન પણ તારી પીઠ થાબડીને તને શાબાશી આપે!’ ભગતે સ્મિત ફરકાવતાં કહ્યું.
‘મિસ્ટર જોશીની આધેડ નોકરાણી તો થોડી નવરાશ મળે કે તરત જ અહીં ગપ્પાં મારવા દોડી આવે છે! એ હજુ પોતાની જાતને યુવાન તથા મને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો હોય એમ માને છે?
‘તુ શારદાની વાત કરે છે?’
‘હા...’ પ્રતાપ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘એ નવરીએ તો મારે માટે સ્વેટર પણ ગૂંથ્યું છે!’
એની વાત સાંભળીને ભગત હસી પડ્યો.
‘ઓહ...તો શારદા મોજ કરે છે એમને?’
પ્રતાપ કંઈક જવાબ આપે એ પહેલાં જ સહસા ડોરબેલ રણકી ઊઠી.
એણે આગળ વધીને બારણું ઉઘાડ્યું.
વળતી જ પળે બે જણ સ્ફૂર્તિથી અંદર પ્રવેશ્યા.
બેમાંથી એક કે જે સહેજ ઠીંગણો અને જાડો હતો એનું નામ સુરેશ માંજરેકર હુતં. જ્યારે બીજા માણસનું નામ મનમોહન હતુ. મનમોહનના ચહેરા પર જાણે તે કોઈક રજપૂત યુગનો રાજવી હોય, એમ પૂળા જેવી મૂછ હતી. આ મૂછને તે હંમેશા વળ ચડાવેલી જ રાખતો હતો.
‘અમને આવતાં મોડું તો નથી થયું ને?’ સુરેશે આરામાદાયક સોફા પર પડતું મૂક્તાં પૂછ્યું.
‘ના...હું પણ હમણાં જ આવ્યો છું. આવતાવેંત મનમોહને આઠ વાગે આવવા બાબત ફોન કર્યો હતો, એવું મને પ્રતાપ પાસેથી જાણવા મળ્યું. હું તમારા બંનેની જ રાહ જોતો હતો.’
‘બોસે, તને મદદ કરવાનો અમને આદેશ આપ્યો છે. તું કદાચ કોઈક ખાસ કામમાં રોકાયેલો છો ખરું ને?’ સુરેશે આંગળીના ટચાકા ફોડતાં પૂછ્યું.
‘પહેલાં તો આપણે એકાદ પેગ વ્હીસ્કી ગટગટાવીએ તો કેમ રહેશે?’ ભગતે પૂછ્યું.
‘મને તો પીવાની ઈચ્છા નથી.’
‘પહેલાં કામની વાતો કરીએ. પછી ઈચ્છા થશે તો પીશું... પીવાની કંઈ એવી ઉતાવળ તો નથી ને?’ મનમોહને ભાવહીન અવાજે પોતાની અનિચ્છા પણ દર્શાવી દીધી.
જ્યારે પ્રતાપ નિર્વિકાર ભાવે એ ત્રણેયની વાતો સાંભળતો હતો.
‘બેંક લૂંટનું કામ હવે હાથ પર લેવાનું છે!’ ભગતે એકદમ ધીમા અવાજે કહ્યું.
‘એમ...?’ મનમોહન ચમકીને પૂછ્યું.
‘હા...’
‘તું સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની જ વાત કરે છે ને ભગત?’ સુરેશે પૂછ્યું.
‘હા...’
‘સ્ટેટ બેંક ઓફ વિશાળગઢને તોડી શકાય તેમ છે... એની સલામતિની વ્યવસ્થાને છિન્નભિન્ન કરી શકાય તેમ છે, અને તે પણ આરામથી... સહેલાઈથી... આવું તને લાગે છે?’ મનમોહને આશ્વર્યસભર અવાજે પૂછ્યું. એના ચહેરા પર અવિશ્વાસના હાવભાવ છવાયેલા હતા.
‘હા...જરૂર....’ ભગત એક સિગારેટ સળગાવીને તેનો લાંબો કસ ખેંચ્યો પછી નાક વાટે ધુમાડો કાઢતાં બોલ્યો, ‘ માણસ પાસે જો વિચારવા માટે બુદ્ધિ અને કામ કરવા માટેની નક્કર યોજના તથા હૈયામાં હામ હોય તો કોઈ પણ વસ્તુ તેને માટે અશક્ય નથી.’
‘તારી વાત સાચી છે પણ...’
‘પણ, શું...?’
‘સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની ગણના વિશ્વની સૌથી વધુ સલામત ગણાતી બેંકોમાં થાય છે! માટે જે કંઈ કરવું હોય, તે બરાબર સમજી-વિચારીને કરજે!’ મનમોહન બોલ્યો.
‘મનમોહન!’ ભગતે ગર્વભર્યા અવાજે કહ્યું, ‘મારી બનાવેલી એકેય યોજના આજ સુધીમાં ક્યારેય નિષ્ફળ નથી ગઈ એ તો તું જાણે જ છે! જાણે લૂંટવા માટે સ્ટેટ બેંક ઓફ વિશાળગઢે સામેથી જ આપણને આમંત્રણ આપ્યું હોય, એમ આપણે લૂંટ ચલાવીશું!’
‘શું...?’ સુરેશના મોંમાંથી આશ્વર્યોદ્દગાર સરી પડ્યો.
વળતી જ પળે તે સોફા પર ટટ્ટાર થઈને બેસી ગયો.
‘મને ખબર છે ત્યાં સુધી...’ મનમોહન ભાવહીન અવાજે બોલ્યો, ‘સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં સલામતિ માટે એકદમ આધુનિક અને કોમ્પ્યુટરાઈઝ્ડ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળગઢના ભલભલા બુદ્ધિશાળી બદમાશો એ બેંકને લૂંટવાની વાતને શેખચલ્લીનું સપનું માને છે...! હવાની સપાટી પર કિલ્લો બાંધવા સમાન માને છે! આ બેંકને લૂંટવાનો વિચાર પણ બેવકુફીભર્યો છે! અમુક લોકો તો એ બેંકને અભિમન્યુના કોઠા સમાન ગણાવે છે. છેલ્લા ચાર વર્ષમાં આ બેંકને ત્રણ વખત તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેંકને તો આ પ્રયાસમાં કોઈ જાતનું નુકસાન નહોતું પહોંચ્યું. પરંતુ લૂંટારાઓમાંથી એક માણસ જીવતો બેંકમાંથી બહાર નહોતો નીકળી શક્યો.’
‘આ બધી વાતોની મને પણ ખબર છે મનમોહન....! સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની આ સલામતિની વ્યવસ્થાને અજ સુધીમાં કોઈ નથી ભેદી શક્યું. એ વાત હું જાણું છું. પરંતુ જે બનાવ આજે નથી બન્યો, એ કાલે પણ નહીં બને, તે વાત માનવા માટે હું તૈયાર નથી.’ ભગતનો અવાજ મક્કમ હતો, એના ચહેરા પર દૃઢતાની રેખાઓ ફરકતી હતી.
‘ખેર, તારી યોજના શું છે?’ સુરેશે ભાવહીન અવાજે પૂછ્યું.
‘ટૂંકમાં કહું તો આપણે આરામથી એ બેંક લૂંટી શકીએ છીએ.’
‘એ બેંકની સલામતિની આટલી જડબેસલાક વ્યવસ્થા છે તેમ છતાંય...?’
‘હા... બેંકની સલામતિની તમામ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખવાની મારી પાસે યોજના છે. ઉપરાંત બેંકનો એક જવાબદાર કર્મચારી પણ લૂંટમાં આપણી સાથે સામેલ હશે!’ ભગતે શૂન્યનજરે મનમોહન સામે જોતાં પૂછ્યું.
‘પરંતુ તારી આખી યોજના શું છે? લૂંટનો સમય ક્યો છે? લૂંટ માટે કેટલા માણસો જશે એ તો જણાવ...! આમ ગોળ ગોળ વાતોથી અમને શું સમજાય?’
‘બોસે, અત્યારે આ બાબતમાં કશું જ જણાવવાનો ઈન્કાર કર્યો છે! આખી યોજના તેમણે જ બનાવવાની છે!’
‘આ વાત સાચી છે કે પછી...?’ મનમોહન આગળનું વાક્ય અધુરું જ મૂકી દીધું.
‘એકદમ સાચી છે!’
‘તો પછી આજની મિટિંગનો શો હેતુ છે?’ સુરેશે ચક્તિ અવાજે પૂછ્યું.
‘મારે તમને બંનને અમુક જવાબદારીઓ સોંપવાની છે!’
‘જવાબદારી...?’
‘હા... અને તમે એ જવાબદારી યોગ્ય રીતે પૂરી કરશો એવી મને આશા છે!’ કહીને ભગત અટક્યો.
પોતાના કથનની મનમોહન તથા સુરેશ પર શી અસર થાય છે એ જાણવા માટે એણે તેમની સામે જોયું.
બંને એકદમ ગંભીર હતા.
‘સાંભળો...’ એણે સિગારેટના ઠૂંઠાને એશ-ટ્રેમાં પધરાવીને નવી સિગારેટ સળગાવ્યા પછી ઉપરાઉપરી બે-ત્રણ કસ ખેંચ્યા બાદ કહ્યું, ‘બેંક લૂંટવા માટે ચાર જણ જશે.’
‘કોણ કોણ...?’ મનમોહને વ્યાકુળ અવાજે પૂછ્યું.
‘પહેલાં મારી વાત પૂરી થઈ જવા દો! પછી તારે જે કંઈ કહેવું હોય, તે કહેજે!’
‘હા બોલ,,,,’
‘વળી વચ્ચે બોલ્યો...?’
‘હું ક્યાં બોલ્યો છું...?’
‘હા. બોલ... એમ તો તેં કહ્યું...’
‘ઠીક છે... હવે નહીં બોલું....’
મનમોહનના હોઠ જાણે ક્યારેય ન ઊઘડવાના હોય એમ પરસ્પર એકબીજા સાથે સખ્તાઈથી બીડાઈ ગયા.
‘હવે વચ્ચે નહીં બોલે ને...?’
મનમોહનના હોઠ પર્વવત્ રીતે બીડાયેલા જ રહ્યાં.
એ કશું જ ન બોલ્યો.
ભગત જાણી જોઈને જ તેની પાસે કંઈક બોલાવવા માંગે છે, એ વાત તે સમજી ગયો હતો.
મનમોહન ચૂપ જોઈને તે હવે કશું જ નહીં બોલે એની ભગતને ખાતરી થઈ ગઈ.
‘ભાઈ ભગત... મનમોહન તારી જાળમાં ફસાઈને હવે કશું જ નહીં બોલે, એટલે તું તારે તારી પાલી આગળ ચલાવ!’ સુરેશ દોઢડાહ્યો થતાં બોલ્યો.
‘પાલી?’
‘હા...’
‘એ વળી કઈ વસ્તુનું નામ છે...?’
‘એ કોઈ વસ્તુનું નામ નથી.’
‘તો કોઈક જાનવરનું નામ હશે...!’
‘ના...’
‘તો પછી શું છે?’ ભગત ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘સાલ્લા, કરમચંડાળ, તને કોણે વચ્ચે દોઢડાહ્યા થવાની સલાહ આપી હતી? ભૂતને સૂવડાવ્યું ત્યાં પલીત જાગ્યું!’
‘તું તારી જાતને આટલી બુદ્ધિશાળી માને છે તો પછી પાલીનો તો અર્થ કહે તો સાચો માનુ!’
‘જો ભાઈ સુરેશ, આવી મૂર્ખાઈ ભરેલી વાતોનો અર્થ સમજવામાં હું બુદ્ધિનો વ્યવ કરવા નથી માગતો’!
‘તને પાલીનો અર્થ ખબર નથી એમ બોલને!’
‘ભલે... તારે એમ માનવું હોય તો એમ માન!’
‘તો સાંભળ... પાલી એટલે વાત! અર્થાત્ તું તારી વાત આગળ લંબાવ!’
‘સાંભળો...’ ભગત મુદ્દાની વાત પર આવતાં બોલ્યો, ‘લૂંટ કરવા માટે કુલ ચાર જણ જશે! આ ચારમાં તમારા બંનેનો પણ સમાવેશ થઈ જાય છે! આપણે સ્ટ્રોંગરૂમમાં પડેલી રોકડ રકમને બદલે ભૂગર્ભના લૉકરોમાં પડેલું ઝવેરાત તથા આભુષણો જ લૂંટવાના છે! હવે હું તમને બંનેને તમારુ કામ સમજાવું છું. તમારે બંનેએ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાં એક એક લૉકર ભાડે રાખવાનું છે!’
‘કેમ...?’ મનમોહને પૂછ્યું.
એનો સવાલ વ્યાજબી હતો એટલે ભગત તેના પર ક્રોધે ન ભરાયો.
‘બેંકના પ્રવેશદ્વારથી લૉકર-રૂમ સુધી આવવા-જવામાં કેટલો સમય લાગે છે, એ જાણવા માટે! ત્યાં કુલ કેટલા લૉકરો છે...? એની રચના કેવી છે? એને તોડતાં કેટલો સમય લાગે તેમ છે? આ બધી વાતોની તમારે ખૂબ જ સાવચેતીથી, કોઈનેય શંકા ન ઉપજે એ રીતે તપાસ કરવાની છે!’
‘શું આપણે બધાં લૉકરો તોડવાં પડશે?’ સુરેશે બેચેનીથી પાસુ બદલતા પૂછ્યું. ‘ઉપરાંત ગેસકટર પણ અમારે સાથે લઈ જઈને અમારા લૉકરમાં છૂપાવી દેવાનું છે?’
‘ના... તમારે લૉકરમાં કશું જ છુપાવવાનું નથી. ઉપરાંત આપણે બધાં લૉકરો પણ નથી તોડવાનાં!’
‘તો...?’
‘આપણે અમુક ખાસ લૉકરો જ તોડવાના છે! આ ખાસ લોકરોમાંથી જ આપણને કરોડો રૂપિયા મળી જશે! અર્થાત્ કરોડો રૂપિયાની સંપત્તિ!’
‘તો શું આપણે ખરેખર જ રોકડ રકમ નથી લૂંટવાની?’
‘એનો બધો આધાર આપણને લૉકર તોડવામાં કેટલો સમય લાગે છે, તેના પર છો! જો સમય હશે તો રોકડ રકમ પણ લૂંટીશું....! લૉકર આપણે ગેસકટરથી તોડીશું! આપણે જે લૉકરો તોડીશું તે વિશાળગઢના ગણ્યાગાંઠ્યાં ધનવાનોના હશે!’
‘એ તો ઠીક છે, પરંતુ ક્યું લૉકર તોડવું ને ક્યું નહીં, તેની આપણને કેવી રીતે ખબર પડશે? કંઈ દરેક લૉકર પર અંદર કેટલો માલ પડ્યો છે, એ તો નહીં જ લ્ખ્યું હોય?’
‘ના...’
‘તો પછી?’
‘આપણે ક્યાં ક્યાં લૉકર તોડવા એની સૂચના આપણને બેંકના જ એક કર્મચારી તરફથી મળશે!’
‘તારી યોજના તો સુંદર છે. પરંતુ આ કામ સહેલાઈથી નહીં પતી જાય, એ તો સ્પષ્ટ જ છે! આપણે ઓછામાં ઓછું ચાર-પાંચ કલાક સુધી બેંકમાં પડશે. અને આ સમયે બહાર ગાર્ડ ચોકી કરતા હશે!’
‘ગાર્ડની હાજરીમાં આપણે કેવી રીતે અંદર દાખલ થશું?’ સુરેશે અચરજથી પૂછ્યું.
‘ભાઈ સુરેશ....! મારી યોજનાની એ જ તો સૌથી મોટી ખૂબી છે! આપણે જ્યારે બેંકમાં દાખલ થશું, ત્યારે ગાર્ડ અટકાવવાનો બદલે ઊલટું આપણને સલામ ભરશે!’
‘શું વાત છે...?’ મનમોહને પૂછ્યું.
‘કમાલ કહેવાય!’ સુરેશ બબડ્યો.
‘આ બેંક લૂંટ માટે છેલ્લા ચાર વર્ષથી હું યોજના બનાવું છું સમજ્યા?’
‘ખરેખર આ કમાલની જ વાત છે!’ સુરેશ બોલ્યો, ‘છેલ્લે કલકત્તાના મ્યુઝીયમમાંથી કોહીનુર હીરો લૂંટવાની યોજના બનાવવા માટે પણ તે દોઢ વર્ષનો સમય લીધો હતો.’
‘બરાબર છે... પરંતુ એ લૂંટ એકદમ સહેલી હતી. એમાં લોહી તો શું, પરસેવાનું એક ટીપું પણ નહોતું પાડવાનું! આ કારણસર જ બોસે આને દરેક લૂંટનો વીસ ટકા ભાગ આપવાનું નક્કી કર્યું છે!’ મનમોહને ભગતના ખભા પર હાથ મારતાં કહ્યું.
‘આપણે લૉકર તોડવા માટે ગેસકટર અને ગેસ-સિલીન્ડરની જરૂર પડશે! આ બધો સામાન આપણે ગાર્ડની નજર સામે જ બેંકમાં લઈ જશું અને તેમની નજર સામે જ લૂંટનો માલ બેંકમાંથી સહીસલામત રીતે બહાર લઈ જશું!’
ભગતની વાત સાંભળીને બંને કિંકર્તવ્ય વિમૂઢ જેવા બની ગયા.
‘ક....કેવી રીતે...? શું તું ગાર્ડ પર સંમોહન વિદ્યા અજમાવવાનો છે?’ સુરેશે આંખો પટપટાવતાં પૂછ્યું.
‘ના...હું જે કંઈ જાણું છું, એ તમને કહી ચૂક્યો છું. હવે શું, કેવી રીતે કરવાનું છે, એની નક્કર યોજના તો બોસ જ બનાવશે!’
‘ભલે... પાછળથી યે જાણવા તો મળશે! અલબત્ત, જો આ યોજના પાર પડશે તો આપણી ટોળી વીખેરાઈ જશે એવો મારો દાવો છે. બ્લેક કોબ્રાની ગેંગમાં આપણે કુલ સાત સભ્યો છીએ. આપણે સાતેય કરોડપતિ બની જઈશું!’ કહીને મનમોહન ખડખડાટ હસી પડ્યો.
‘બોસ, ગેંગને વીખરશે એવું મને નથી લાગતું!’ સુરેશ નકારમાં માથું ધુણાવતાં બોલ્યો,
‘ના...’ ભગતે કહ્યું, ‘જો આ યોજના સફળ નીવડે તો લૂંટનો માલ સરખે ભાગે વહેંચીને ગેંગ વિખેરી નાખવાની છે, એવું બોસે પોતે મને જણાવ્યું છે. આપણી પાસે પૈસા હશે કે આ આપણે જિંદગીભર તેને ખર્ચવા માટે જ હાથ-પગ ચલાવવા પડશે. બીજું કોઈ કામ નહીં કરવું પડે!’
ભગતની વાત સાંભળીને મનમોહન, સુરેશળ તથા પ્રતાપના ચ્હેરા હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકી ઊઠ્યા.
‘હવે તો તમને એકાદ પેગ પીવાની ઈચ્છા થાય છે ને?’ પ્રતાપે પહેલી જ વાર તેમની વાતચીતમાં ભાગ લેતાં પૂછ્યું.
‘જરૂર... હવે તો એક નહીં પણ બે પેગ પીશું!’ મનમોહન ખુશખુશાલ અવાજે બોલ્યો.
પ્રતાપ ઊભો થઈને કબાટ તરફ આગળ વધી ગયો.
થોડી વાર પછી ય ચારેય શરાબ ગટગટાવતા હતા.
***