કોલેજનાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ચાલી રહી હતી.જોત-જોતામાં કોલેજનાં ત્રણ વર્ષ ક્યાં પૂરા થઇ ગયા તેનો ખ્યાલ રુચિકા અને સુબોધને રહ્યો જ નહીં. મોટી બોલતી કાળી આંખો, લાંબા રેશમી વાળ,ઉજળો વાન, મધ્યમ કદ-કાઠી જોતાંની સાથે પહેલી જ વારમાં કોઈને પણ ગમી જાય તેટલી સુંદર રુચિકા હતી.તો સામે પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઈ,સ્નાયુબદ્ધ શરીર ,થોડી ભૂરાશ પડતી નાની આંખો અને ગોરા વાન સાથે સુબોધ પણ ફૂટડો જુવાન હતો.કોલેજનાં પ્રથમ વરસમાં જ રુચિકાને જોતાંજ સુબોધને તે તરત જ ગમી ગઈ હતી અને તે તેની પાછળ-પાછળ ફરવા લાગ્યો હતો.પરંતુ રુચિકા તેને જાજો ભાવ આપતી નહોતી. પછી ધીરે-ધીરે મિત્રતા થઇ અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી ગઈ એ બંનેને ખબર જ ના પડી. રુચિકા હંમેશા સુબોધને પૂછતી રહેતી કે આ સંબંધને આપણે લગ્ન સુધી લઇ જશું ને? હવે હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું. ત્યારે સુબોધ તરત જ જવાબ આપતો...યસ રુચિકા! "તારા સિવાય હું બીજી કોઈ જોડે લગ્ન નહિ કરું".બંનેની જ્ઞાતિ અલગ હતી અને ઉપરથી સુબોધનાં પિતા પ્રેમલગ્નનાં સખ્ત વિરોધી હતા એ વાત સુબોધે રુચિકાને ક્યારેય કરી નહોતી.આખરે થર્ડ યરનું રિઝલ્ટ આવી ગયું અને રુચિકાએ તેમના લગ્નની વાત સુબોધનાં ઘરમાં કહેવા કહ્યું..સુબોધ ! "મારા ઘરમાં મારી જ્યાં મરજી હશે ત્યાં લગ્ન કરવાની પૂરી છૂટ આપવામાં આવી છે,ઘરવાળાઓ હવે મારા માટે છોકરો શોધી રહ્યા છે અને હું હવે તારા સિવાય બીજો કોઈ છોકરો જોવાના મૂડમાં નથી તો તું પ્લીઝ...તારા ઘરે આ સંબંધની વાત કર...જાણું છું બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરીશું પણ ત્યાં સુધી આ સંબંધને એક નામ આપી દઈએ,સગાઇ કરી લઈએ". રુચિકા ની વાત સાંભળીને સુબોધ માથું ખંજવાળવા લાગ્યો અને બોલ્યો...રુચિકા મારા પિતા જૂનવાણી વિચારનાં છે તે આપણાં સંબંધને ક્યારેય મંજૂર નહીં કરે.રુચિકાની છાતીમાં એક અજીબ ધ્રાસ્કો પડ્યો,તેને સમજ ના પડી તે હવે શું બોલે? આખરે તે રડમસ અવાજે બોલી....તું આમ ફરી કેમ ગયો? એકવાર તારા ઘરે વાત કરીને તો જો પછી આટલા મોટા નિર્ણય પર પહોંચ.સામેથી સુબોધ બોલ્યો....ના રુચિકા ! હું એમને જાણું છું, આ વાત હું એમને નહીં કરી શકું,એ લોકો નહીં માને.તો રુચિકા બોલી ઊઠી તો તું એમને કહી દે જે કે તું બીજી કોઈ છોકરી જોડે લગ્ન નહીં કરે અને આજીવન કુંવારો રહીશ...પછી તો તારી જીદ માનીને મારી જોડે તારા લગ્ન કરાવવા જ પડશે.ગંભીર અવાજે સુબોધ બોલ્યો...."સોરી રુચિકા ! તે મારા માં-બાપ છે અને તેમના વિશે પણ મારે વિચારવું રહ્યું તેથી સારું રહેશે કે આપણે આ સંબંધને અહીં જ ખતમ કરી દઈએ".રુચિકા બોલી ..હું ક્યાં તને તારા માં-બાપની જિમ્મેદારી છોડી દેવાની વાત કરું છું બલ્કે હું પણ તેમનું ધ્યાન રાખવામાં તારી સાથે બરાબર ઊભી રહીશ....પણ આ આવી રીતે ખતમ કરવું એ મને બરાબર નથી લાગતું.સુબોધ બેફિકરાઈથી બોલી ઊઠ્યો ..સોરી રુચિકા ! હવે હું આ સંબંધને આગળ નહીં લઇ જઈ શકું.રુચિકા હવે બરાબર સમજી ગઈ કે સુબોધે ક્યારેય તેની સાથે પ્રેમ કર્યો જ નહોતો..તે બોલી ઊઠી.. સુબોધ મેં તને સાચો પ્રેમ કર્યો અને તે મારી લાગણી સાથે ટાઈમપાસ કર્યો, તે મને છેતરી છે ,મારો વિશ્વાસઘાત કર્યો છે.હવે હું આજીવન કોઈની નહિ બની શકું કારણકે મેં તને સાચો પ્રેમ કર્યો અને મારો આ સાચો પ્રેમ અધૂરો રહી ગયો.સુબોધ ! તારે આ સંબંધમાંથી આઝાદ થવું છે ને તો હું તને હવે મારાથી આઝાદ કરું છું. એટલું બોલીને રુચિકા હંમેશાં માટે સંબંધ પૂરો કરીને જતી રહી. લગભગ એકાદ વરસ પછી એક મિત્ર થકી રુચિકાને જાણ થઇ કે સુબોધ એનઆરઆઈ છોકરી જોડે લગ્ન કરીને વિદેશ સેટલ થઇ ગયો.રુચિકા ડીપ્રેશનમાં જતી રહી હોય તેવી સ્થિતિ તેની થઇ ગઈ.બીજીબાજું ઘરવાળાઓ તેનાં ઉપર લગ્ન કરી લેવાનું દબાણ કરી રહ્યા હતા આખરે હિંમત કરીને તેણે પોતાનાં પરિવારને કહી દીધું કે તે એક છોકરાને પ્રેમ કરતી હતી પણ એ છોકરાએ મને દગો દીધો અને અન્ય જોડે લગ્ન કરી લીધા.તેથી હું હવે લગ્ન નથી કરવા માંગતી અને જો તમે જબરદસ્તી અન્ય જોડે મારાં લગ્ન કરાવશો તો હું એ વ્યક્તિને ન્યાય નહીં કરી શકું અને હું કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરીને તેનું જીવન બરબાદ નથી કરવા માંગતી.રુચિકા ની વાત સાંભળીને તેના પરિવારે થોડો સમય લગ્નની વાત કરવાનું માંડી વાળ્યું. હવે રુચિકા સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપવા લાગી અને નાયબ મામલતદારની પરીક્ષા અને ફાઈનલ ઇન્ટરવ્યૂ પાસ કરીને નાયબ મામલતદાર બની ગઈ અને રાબેતા મુજબ નોકરીએ ચઢી ગઈ.હવે તે પોતાની જિંદગીમાં થોડી ખુશ રહેવા લાગી હતી અને પગભર થઇ ગઈ હતી.એક દિવસ મોકો જોઈને તેની મમ્મીએ ફરીથી લગ્નની વાત છેડી અને રડવા લાગી અને બોલી...બેટા ! "અમને તારી બહુ ચિંતા થાય છે અમારાં ગયા પછી તારું ધ્યાન કોણ રાખશે? લગ્ન થઇ જશે તો તારો પતિ અને બાળકો તારો સધિયારો બનશે અને અમને પણ તારી ચિંતા નહીં રહે.તેની માતાની વાત સાંભળીને રુચિકા કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ". બીજા દિવસે અનાથાશ્રમ માંથી એક બાળકીને દત્તક લેવાના પેપર્સ લઇ આવી અને તેના માં-બાપને પોતે એક બાળકી એડોપ્ટ કરવા માંગે છે તેની વાત કરી.રુચિકા મોટા અવાજે હાથ જોડીને રડીને બોલવા લાગી.....મમ્મી ! પપ્પા ! હું સાચું કહું છું..હું હવે કોઈ ની જોડે લગ્ન નહીં કરી શકું,કોઈની ઉપર વિશ્વાસ પણ નહીં કરી શકું..તેથી પ્લીઝ ! મને કોઈ બંધનમાં ના બાંધો....તમને મારી ચિંતા છે જાણું છું....એટલે જ આ દીકરીને દત્તક લેવા માંગું છું અને તમારા ગયા પછી એ જ મારું ધ્યાન રાખશે...તેથી મહેરબાની કરીને મને બાળક દત્તક લેવાની પરમિશન આપો અને આશીર્વાદ આપો.માતા-પિતા પણ દીકરીની જીદ સામે ઝૂકી ગયા અને તેની વાત માની લીધી. આખરે બધી લીગલી પ્રોસેસ પૂરી કરીને રુચિકા એક વરસની બાળકીને ઘરે લઇ આવી.એક અરસા પછી રુચિકાનાં ચહેરા પર ખુશી વર્તાઈ રહી હતી તે જોઈને તેના માતા-પિતા પણ ખુશ હતા.તેણે પોતાની દીકરીનું નામ 'ખુશી' રાખ્યું હતું. ખુશી ધીરે-ધીરે મોટી થઇ રહી હતી.રુચિકા પોતાની આ જિમ્મેદારી બખૂબી નિભાવી રહી હતી,તેણે પોતાની કમાણી માંથી બચત કરીને નવું રહેવાલાયક એક ઘર પણ ખરીદી લીધું હતું.તેનાં માં-બાપ ને હવે ખાસ ચિંતા રહી નહોતી કારણકે ખુશી હવે સત્તર વરસની થઇ ચૂકી હતી અને કોલેજમાં આવવાની હતી.ખુશી પોતાની માં નું બખૂબી ધ્યાન રાખતી હતી અને ઘરકામની અડધી જિમ્મેદારી પોતાના ઉપર ઉપાડી લીધી હતી.રુચિકા ઘરે આવે ત્યારે તેને જમવા થી લઈને આખું ઘર ચોખ્ખું મળે ત્યારે રુચિકા કચકચાવીને ખુશીને ગળે લગાડીને બોલી ઉઠતી ...'મારી દીકરી તો ખરેખર મોટી થઇ ગઈ છે'. ખુશી કોલેજમાં આવવાની હોવાથી એક દિવસ તેને પોતાની પાસે બેસાડીને બોલી.....જો બેટા ! તારી આ ઉંમર જ એવી છે કે કોઈ તને બે પ્રેમભરી વાતો કરીને તને ખૂબ પ્રેમ કરે છે એવું કહેશે તો તું માની જઈશ.પરંતુ હકીકત કઈંક બીજી જ હોય છે માટે તારે પૂરેપૂરી હકીકત જાણ્યા વગર કોઈ પણ જાતની લાગણી કે પ્રેમમાં ઊંડા ઊતરવાનું નથી.જો ખરેખર કોઈ વ્યક્તિ સાચે જ પ્રેમ કરતી હોય તો તે ગમે તે પરિસ્થિતિમાં સાથે જ રહેવાની વાત કરે અને તે સાથે રહેવું એટલે એકબીજા સાથે લગ્ન કરવા , જો કોઈ પણ વ્યક્તિ લગ્ન કરવામાંથી મુખરી જાય અને તને કહે કે એ પ્રેમ કરે છે તો એ ખોટો છે.અને હા..આ જગતમાં પ્રેમનાં નામે ઘણાં હવસનાં પૂજારીઓ પણ પડયા છે તો એવા બધાં લોકોથી તારે બચવાનું છે. કારણકે જો તમે સાચી લાગણીથી કોઈ વ્યક્તિ સાથે જોડાઈ જાવ અને તે દગો આપી દે તો અન્ય કોઈ વ્યક્તિ સાથે જોડાવું લગભગ અશક્ય થઇ જાય છે.ખુશી પોતાની માં ને પ્રોમિસ કરતા બોલી ઊઠી.... મમ્મી ! તું ચિંતા ના કર હું આવી કોઈ લાગણીઓમાં આવવાની નથી અને હમણાં મારુ ધ્યાન ફક્ત મારા કરિયર અને તારા સ્વપ્નોને પૂરાં કરવા ઉપર છે અને જયારે કોઈ પ્રેમ કે લગ્ન સંબંધની વાત આવશે ત્યારે હું સૌથી પહેલા તારી સલાહ લઈશ એટલું બોલીને તે રુચિકાના ગળે લાગી ગઈ. ખુશી હવે ભણીગણીને ડોક્ટર બની ગઈ અને તેણે પોતાની સાથે ભણીને ડૉક્ટર બનેલા એક છોકરાની વાત તેની માતા ને કરી.તે છોકરાએ સામેથી ખુશીને લગ્ન માટે પ્રપોઝ કર્યું તું અને તે છોકરો અનાથ હતો અને અનાથાશ્રમમાંજ મોટો થયો હતો.પરંતુ ખુશીએ એ છોકરાંને જવાબ આપતા પહેલા તેની માતાને પૂછવાનું જરૂરી સમજ્યું અને તે છોકરાંને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો લગ્ન માટે મંજૂરી મળે તો તેની માં તેની સાથે જ રહેશે અને તે છોકરાંને આ વાતને લઈને કોઈ જ સમસ્યા નહોતી.ખુશીએ તેની માતાને આ વાત કરતાં રુચિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તરત જ તેણે આ સંબંધ માટે હામી ભરી દીધી. રુચિકાએ ખુશીનાં રંગેચંગે લગ્ન કરાવી દીધા અને ખુશી પોતાના જીવનમાં ઠરીઠામ થઇ ચૂકી હતી.તેનાં માતા-પિતા પણ અવસાન પામી ચૂક્યા હતા.હવે તેનાં ઉપર કોઈ જિમ્મેદારી રહી નહોતી.હજી એને સુબોધની યાદ આવી જતી અને આંખોમાંથી આંસુ સરી પડતા અને તે બોલી ઊઠતી... મેં તો સાચો પ્રેમ કર્યો તો,તો મારી સાથે દગો કેમ થયો? મારો પ્રેમ કેમ અધૂરો રહી ગયો?