Niyati - 18 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૧૮

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

નિયતિ - ૧૮


જિંદગી કેટલી વિચિત્ર છે! ક્યારેક કોઈ અકસ્માતથી , ક્યારેક કોઈ અદમ્ય ઈચ્છાથી, તો ક્યારેક કોઈ અંતઃસ્ફુરણાથી કે પછી માનવની સમજમાં ન આવે એવા સંજોગથી જીવનની રૂખ બદલાઈ જાય છે! અને આવું બધું થાય ત્યારે જ લોકો ઈશ્વર પર ભરોસો કરતા થઈ જાય છે! નસીબ, વિધાતા કે પછી નિયતિના ચક્કરમાં માનવ નામનું નાનકડું જીવડું ફસાવા લાગે છે....

ક્રિષ્નાને મુરલી સાથે પ્રેમ થઈ ગયો હતો એ વાત મહત્વની નથી મહત્વની વાત એ છે કે, એણે એ સ્વીકાર્યું, અલબત્ત હજી મુરલી આગળ નથી સ્વીકાર્યું! પ્રેમ નામના જાદુઈ શબ્દની અસર એની ઉપર હાવી થઈ રહી હતી. એ ખુશ રહેવા લાગી હતી. શિવાની, સરિતા કે માધુરીના મજાક તરફ હવે એનું ધ્યાન જતું જ ન હતું. એનેે બસ, સાંજ પડવાનો ઇંતેજાર રહેતો, રોજ સાંજે મુરલી એને લેવા આવતો, એ એક વેલી જેમ વૃક્ષને વીંટળાઈ રહે એમ બાઈક પાછળ મુરલીને વીંટળાઈને બેસતી. ક્યારેક અચાનક એ ગાવા લાગતી તો ક્યારેક અચાનક હસી પડતી....બધાને મન હવે એ ગાંડામા ખપી રહી હતી પણ, શિવાનીને મન એ એની સૌથી મોટી દુશ્મન બની રહી હતી. 

શિવાની ખરેખર મુરલીને ચાહતી હતી. એના એકતરફી પ્રેમ તરફ એ ધીરે ધીરે મક્કમતાથી આગળ વધતી હતી. એને એમ કે કોઈ ને કોઈ દિવસ મુરલી માની જ જશે! પણ, ક્રિષ્નાની એની સાથેની નજદીકિયા શિવાનીથી બરદાસ્ત થાય એવી ન હતી. એણે એ લોકોનો પિંછો કરવાનું ચાલું કર્યું હતું. એ લોકોને જરાય જાણ ન હતી, એ લોકોતો એમના સિવાય આખું જગ વિસરીને બસ પ્રેમની જાદુઈ અસર માણી રહ્યા હતા. શિવાની ચૂપકેથી એમના ફોટા લઈ રહી હતી. થોડું ફેસબુક મચેડીને એણે શોધી કાઢેલું કે ક્રિષ્નાના લગ્ન પાર્થ નામના કોઈ છોકરા સાથે નક્કી થયેલા છે. એ વખતે શિવાનીને ક્રિષ્ના ખૂબ જ મતલબી અને પોતાના સ્વાર્થે માટે થઈને મુરલીનો ઉપયોગ કરતી લાગી. પોતાના પ્રેમીને એક દુષ્ટ છોકરીથી બચાવવા શિવાનીએ એક પગલું ભર્યું, એણે ફોટા પાર્થને મેસેંજર પર મોકલી આપ્યા...... એક શુભ ચિંતક તરીકે!

ક્રિષ્ના રોજ સાંજે મુરલીને ત્યાં જ જમી લેતી હતી. મુરલીએ એને જણાવેલું કે ઉપરની ઑફિસની જવાબદારી એક દિવસ ક્રિષ્નાએ જ સંભાળવાની છે, એનાથી એકલાએ બધું ધ્યાન નહીં રાખી શકાય. એને હવે એનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો કરવામાં બધું ધ્યાન આપવું હતું. એક એવું એપ એ બનાવી રહ્યો હતો જેમા એકવાર તમે કોઈ મેસેજ કે વિડીઓ મૂકી, કોઈ ચોક્કસ તારીખ અને સમય નાખી દો એટલે એ જેતે સમયે તમે નક્કી કરેલ વ્યક્તિના મોબાઇલ કે કોમ્પ્યુટરમાં એ મેસેજ આપોઆપ આવી જાય. લોકોને, ખાસ કરીને પુરુષોને એમની પત્નીનો જન્મદિન કે લગ્નની તારીખ યાદ રાખવી ઘણી મુશ્કેલ હોય છે. હવે એ લોકો જો મુરલીનું એપ વાપરે તો ગમે ત્યારે નવરાશના સમયે એમણે બસ પોતાનો મેસેજ, પત્નીનો મોબાઈલ નંબર કે ઈમેઈલ આઈડી અને જે તારીખે એમને મેસેજ પહોંચાડવો હોય એ એન્ટર કરવાની રહેશે. પછી ભલે એ ભૂલી જતા, એપ નહિ ભૂલે! એમણે એન્ટર કરેલી તારિખને દિવસે એમનો મેસેજ એમના પ્રિયજન ને મળી જ રહેશે!

આખું એપ લગભગ તૈયાર જ હતું. હજી વધુ એમાં શી સવલતો ઉમેરી શકાય એ મુરલી જોઈ રહ્યો હતો. એના પછી લોકો સુધી આ એપ પહોંચાડવાનું કામ ખૂબ જ ધીરજ અને કુનેહ માંગી લે એવું હતું....

ક્રિષ્ના મુરલીની વાત સમજી હતી અને સ્વેચ્છાએ જ એને મુરલીના ઘરે ત્રીજે માલે ચાલતી ઑફિસમાં ધ્યાન આપવા માંડ્યું હતું. ત્યાં કામ કરતા સાત અપંગ છોકરાઓએ પણ એમના નવા મેડમને વધાવી લીધેલ! ક્રિષ્નાએ જોયું કે વિદેશીઓ જે ભાવ નક્કી કરે એ જ ભાવે આ છોકરાઓ એમનો માલ આપી દેતા હતા. ભારતીય બજાર પ્રમાણે એ કિંમત ઘણી ઊંચી હતી પણ અમદાવાદી ક્રિષ્નાને થોડો ભાવતાલ, થોડીક રકજક કરીને હજી કિંમત થોડી વધુ ઉપર લઈ જવી જોઈએ એમ લાગ્યુ. એણે એમ કર્યું પણ ખરું. અને ખરેખર પેલા લોકો કંઈ વધારે માથાકૂટ વગર થોડા વધારે ડૉલર ખર્ચવા તૈયાર થઈ ગયા. ક્રિષ્નાએ એમના જૂના ગ્રાહકો માટે આભાર દર્શાવતો ઈમેઈલ મોકલવાનું શરૂ કરાવ્યું જેમાં એણે સામેવાળી પાર્ટીએ આ ગરીબ કારીગરો પાસેથી વસ્તુ ખરીદીને કેવડું મોટું પુણ્યનું કામ કર્યું છે એવું એમના મગજમાં ઠસાવ્યું, એનો આ પ્રયાસ સફળ રહ્યો. લોકોના મનમાં કંઇક સારું કામ કર્યાની લાગણી જાગતા એમણે નવા ઑર્ડર આપ્યા અને બીજા નવા લોકોને પણ અહીંથી હાથબનાવટની વસ્તુઓ ખરીદવા આગ્રહ કર્યો! વેચાણનું પ્રમાણ ખાસું વધી ગયું. મુરલીએ ક્રિષ્ના ને બિરદાવી.

દુઃખના દહાડા કાપ્યા કપાતાં નથી અને સુખના દિવસોને જાણે પાંખો આવી હોય એમ ફટોફટ ઊડી જાય છે! 

ક્રિષ્નાને અમદાવાદથી બેંગલોર આવ્યાને આખું અઠવાડિયું પસાર થઇ જવા આવ્યું. પાછી શનીવારની સાંજ આવી ગઈ. આ રવિવારે સવારે મુરલી પાછો જંગલના ફોટોશૂટ માટે જવાનો હતો. એણે ક્રિષ્ના ને પોતાની સાથે આવવા આગ્રહ કરેલો. મનમાં ઘણી ઈચ્છા હતી સાથે જવાની છતાં એ ગભરું છોકરી ના ગઇ! મુરલી શનિવારે સાંજે જ નીકળી જવાનો હતો. એ જાય ત્યાં સુંધી ક્રિષ્ના એના ઘરે રોકાવાની હતી. બંને જણા એમની સૌથી પસંદીદા જગાએ, ઘરની પાછળના બગીચામાં બેઠા હતા.

“ કાલે મારી મીરા મેમ સાથે વાત થયેલી. એમણે મને કહ્યું કે, શિવાની ખૂબ સરસ કામ કરી રહી છે, જોકે એમને શક છે કે એ એના પપ્પાની ઓળખાણ ને લીધે હોય. અને એવું હોય તોયે એમાં કંઈ ગલત તો નથી! ” ક્રિષ્નાએ કમળની નાજુક પાંખડીઓ પર એના હાથથી થોડું પાણી છાંટતા બોલી.

“ મને અને શિવાનીને સૌથી ખરાબ વસ્તુ આપી છે ઓનલાઈન વેચવા માટે, એડલ્ટ ડાઇપર્સ! હવે આવું કોણ ખરીદે? પેલી માધુરીને ચોકલેટ બુકે માટે ગ્રાહક શોધવાના સૌથી આસાન કામ. સરિતા અને આસ્થાને હોમ મેડ સાબુ ઠેકાણે પાડવાના છે એય થઈ જાય પણ, આ ડાઇપર્સ?” ક્રિષ્ના રડું રડું થતાં બોલી.

“ અરે ! એમાં રડે છે શું?” મુરલી એ એની બાજુમાં પડેલી પાણીની બોટલ લઈ, ઊંચેથી એના મોમાં ધાર પાડી અડધી બોટલ એક જ શ્વાસે ગટગટાવી ગયો. “ શિવાની પાસે એના પપ્પા છે તો, તારી પાસે સાત સાત વરકર્સ છે, તું એમની મદદ લે.”

“ પણ, તો પછી અહીંનું કામ ડિસ્ટર્બ થશે ને ?”

“ કંઈ નહીં. પેલા તારો ટાર્ગેટ પૂરો કરાવી લે. ત્રણ છોકરાઓને તારા કામ માટે લઈ લે બાકીના બાકીનું કરે જશે. ” મુરલી ફરી ઊંચેથી, સીધી મોંમા પાણીની ધાર પાડીને પાણી પીધું. 

ક્રિષ્ના પોતાને જોઈ રહી છે એ જોઈને એને બોટલ એની સામે ધરી.

“ તરસ તો નથી લાગી પણ તું આમ ઘટઘટ કરીને, એકીશ્વાસે, ઊંચેથી પાણી કેમનું પી લે છે ? મારેતો નાકમાં પાણી જતું રહે.”

“ અરે, બહુ જ આસાન છે! જો બોટલને આમ પકડ, મોટું મોઢું ખોલ અને ધીરે ધીરે પાણીની ધાર સીધી જીભ પરથી ગાળામાં જવા દે.” મુરલી એ બધું કરીને તેને બતાવ્યું.
ક્રિષ્ના એ કોશિશ કરી, પાણી ઢળ્યા વગર એના મોંમા તો પડતું રહ્યું પણ એ ઝડપભેર ગળી ન શકી. એનું આખું મોઢું પાણીથી ભરાઇ ગયું. હવે એનાથી એ ગળાય એમ પણ ન હતું. શ્વાસ રુંધાય જતા એના મોંમાથી પાણીની પિચકારી છૂટી એ સાથેજ એને હસવું આવી જતા બધું પાણી એની પોતાની સફેદ કુર્તી પર ઢોળાયું. કોટનની પાતળી કુર્તી ભીની થતા એ અર્ધપારદર્શક બની 

ક્રિષ્નાના શરીરે ચીટકી ગઈ હતી. મુરલી એ તરફ જ જોઈ રહ્યો હોવાથી ક્રિષ્ના અવળી ફરી ગઈ. 

“ કંઈ લાજ શરમ જેવું છે કે નહીં ? કોઈ છોકરીને કોઈ આવી રીતે જોતું હશે ?”

“ કોઈ છોકરીને ક્યારેય નહીં જોવું પણ તને તો વારંવાર જોઈશ.”

“ સાવ નફ્ફટ છે તું!” ક્રિષ્ના દોડીને અંદર ઘર તરફ ગઈ. મુરલી પણ એની પાછળ જડપથી ચાલ્યો.

રસોડામાં જઈને ક્રિષ્ના પંખો ચાલુ કરી એની ભીની કુર્તીને નીચેથી બે હાથે પકડી શરીરથી થોડી દૂર રાખી રહી. મુરલીે ફ્રીઝમાંથી નવી બોટલ કાઢી અને ફરીથી એજ રીતે ઊંચેથી પાણી પીધું...અને ક્રિષ્ના તરફ જોઈ આંખ મારી.

“ સર ! ” રોઝી અંદર આવી હતી. રસોઈ તૈયાર હતી એને ફરીથી થોડી ગરમ કરીને ટેબલ પર પીરસવાનો સમય થઈ ગયો હતો.

“ યસ રોઝી ! કંઈ કહેવું છે?" મુરલી અંગ્રેજીમાં બોલ્યો.
રોઝીએ એક નજર ક્રિષ્ના તરફ નાખીને કંઇક કન્નડ ભાષામા કહ્યું. ક્રિષ્નાની સમાજમાં એનો એક જ શબ્દ આવ્યો જ એ અંગ્રેજીમાં બોલી હતી. મેરેજ એટલેકે લગ્ન!

જમવાનું પત્યા પછી મુરલી ક્રિષ્નાને એના રૂમ પર છોડવા નીકળ્યો ત્યાંથી એ સીધો ઊંટી જવા રવાના થવાનો હતો. જતાં પહેલાં એણે ક્રિષ્નાનો હાથ પકડી એને ગાલ પર હળવી ટપલી મારી પૂછેલું,

 “હજી નહીં બોલે ? ”

“ શું ?” મુરલી શું પૂછે છે એ જાણતી હોવા છતાં અજાણી થઈને ક્રિષ્ના બોલી હતી.

“ આઇ લવ યુ ! ”

“ પેલી રોઝી શું કેતિતી ? એ મારા વિશે વાત કરી હતી ને ?” ક્રિષ્ના થોડાં ગુસ્સામાં વાત બદલતા બોલી.

“ તમારું છોકરીઓનુએ ખરું હોય છે ! એણે મને એક સલાહ આપી કે જો હું તારી સાથે લગ્ન કરવાનું વિચારતો હોવ તો હજી ફરી વિચાર કરું. એના મને તું ખૂબ જબરી છે!” મુરલી ખડખડાટ હસી પડ્યો.

લગ્ન શબ્દ સાંભળતાં ક્રિષ્ના ને થયું કે હા, એ સાચું જ બોલે છે !

“ હમણાં બે દિવસ પહેલાં એ કિચનમાં ઈંડુ લઈ આવેલી. સારું હતું હું ત્યાં જ હતી. મને કંઇક અજીબ, ગંદી વાસ આવી ને મે જોયું તો એ ઈંડામાંથી કંઇ તવા પર બનાવતી હતી. મને તો ઊલટી વળે એવું થઈ ગયું. મે એનું એ ગંધાતું બનાવેલું કચરાપેટીમાં ફેંકી દીધું અને એનેય કહી દીઘું કે મારા ઘરમાં આજ પછી આવું કંઈ ના જોઇએ.”

મુરલીને ક્રિષ્નાનો એક શબ્દ ખૂબ ગમ્યો, મારું ઘર! 

“ કેમ તે જવાબ ન આપ્યો ? મેં કંઈ ખોટું કહ્યું? ”

“ ઉહું.... તે એકદમ સાચું કહ્યું. ”

ક્રિષ્નાને સીડી સુંધી મૂકીને મુરલી જતો રહ્યો. ક્રિષ્ના એ દેખાતો બંધ થયો ત્યાં સુધી તેને જોઈ રહી. હું તને ખૂબ ખૂબ ખૂબ ચાહું છું, બુધ્ધુ ! મનમાં બબડીને એ ઉપર સીડી ચડી ગઈ. 

એ તાળામા ચાવી ભરાવવા જતી હતી કે એને અચાનક કોઈનો હસવાનો અવાજ આવ્યો. બધી છોકરીઓ આમ તો આ સમયે એમના ઘરે જતી રહી હોય, તો ? અવાજ માધુરીના રૂમમાંથી આવતો હતો. ક્રિષ્ના ને થયું કે એની સાથે થોડા ગપ્પા મારીને પછી સૂઈ જવાસે. એ માધુરીના દરવાજે પહોંચી તો અંદરથી ફરીથી જોર જોરથી હસવાનો અવાજ આવ્યો. ક્રિષ્ના ને થયું કે કોઈ એની સાથે હોય તો આમ અચાનક એમને ડિસ્ટર્બ ના કરાય. એણે ચાવી ભરાવાના કાણામાંથી અંદર નજર કરી.

“ ઓમાં.... એણે તરત નજર પાછી વાળી લીધી અને એના રૂમનું લોક ધ્રુજતા હાથે ખોલીને અંદર પેસી ગઈ. અંદરથી દરવાજો વાસી એ બારણે પિંઠ ટેકવી ઊભી રહી ગઈ. એણે જ જોયું એના પર એને વિશ્વાસ ન હતો આવતો પણ એ હકીકત હતી ! 

એણે અંદર નજર કરી ત્યારે માધુરી એના લેપટોપ આગળ ઊભી હતી. એણે ઢીંચણથી વેત ઉપર સુંધીનું સ્કર્ટ પહેર્યું હતું અને સ્કર્ટની ઉપરના ભાગે કંઈ જ નહિં ! લેપટોપમા સામે છેડે એનો બોસ હતો શ્રિવિજ્યાસ્વામી ! એક જ પળમા એની સમજમાં આવી ગયું માધુરીને સૌથી આસાન પ્રોજેક્ટ મળવા પાછળનું કારણ.....

કોઈ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે ? ફક્ત એક નોકરી માટે ? છી..... મોડી રાત સુધી ઊંઘ ન આવી, છેક છેલ્લા પ્રહરે નિંદરરાની થોડી મહેરબાન થઈ હશે કે ફોનની રીંગના અવાજે ક્રિષ્ના સફાળી બેઠી થઇ ગઇ. રાતની વાત મગજમાંથી નિકળી ગયેલી. એને ઉઠતાવેત મુરલી યાદ આવી ગયો. એનો જ કૉલ હશે એમ માનીને સ્ક્રીન પર નામ જોયા વગર જ ક્રિષ્નાએ ખૂબ વહાલથી “ હલ્લો...” એમ જરાં લંબાણ પૂર્વક કહ્યું.

“ હલ્લો. ક્રિષ્ના હું તારી વ્યવસ્થા કરી દઉં છું તું હાલ તૈયાર થઈને એરપોર્ટ પહોંચ.” સામે છેડે પાર્થ કહી રહ્યો હતો...