Sapna advitanra - 30 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૩૦

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૩૦


"રાગિણી ની આ હાલત? "

આદિત્ય ના પ્રશ્ન નો જવાબ શું આપવો તે કેયૂર ને સમજાયું નહીં. થોડી વાર તો તે એમજ આદિત્ય સામે તાકી રહ્યો અને પછી સૂચક નજરે પોતાના ડ્રાઇવર કમ બોડીગાર્ડ - રાઘવ તરફ જોઇ હાથ લંબાવ્યો. રાઘવે એમાં મોબાઇલ મૂકી દીધો. કેયૂરે એમા વિડિયો ચાલુ કરી આદિત્ય ને એ મોબાઇલ આપ્યો. 

રાત ના અંધારામાં ફુલ ઝુમ કરીને લેવાયેલો વિડિયો થોડોક અસ્પષ્ટ હતો, છતાં બધાના ચહેરા ઓળખી શકાતા હતા. આદિત્ય એ જોયુ કે કઇ રીતે રાગિણી એ હિંમત બતાવી ને પાંચ ટપોરીઓનો સામનો કર્યો અને ત્યાથી છટકી ને ભાગી, પરંતુ હોકી સ્ટિક નો માર વાગતા બેલેન્સ ખોઇને પડી ગઈ. બસ, વિડિયો પૂરો થયો. અને આદિત્ય ના ચહેરા પર પ્રશંસા ના ભાવ ઉભરી આવ્યા. છતાં હજુસુધી તેના પ્રશ્ન નુ સંપૂર્ણ સમાધાન થયું નહોતું એટલે તેણે મોબાઈલ પરત કરી પ્રશ્નાર્થ નજરે કેયૂર સામે જોવાનું ચાલુ રાખ્યું. હવે કેયૂરે બોલવાનું શરૂ કર્યું. 

"તારા ગયા પછી પણ અમે ઘણી વાર સુધી કેફે માં હતા. વાતો માં ને વાતોમાં ઘણો સમય નીકળી ગયો. પછી રાગિણી એ જવાની રજા માંગી અને નીકળી ગઈ. હું બીલ ચૂકવવા રહ્યો એટલે મને થોડી વાર લાગી. રાઘવ કાર લેવા પાર્કિંગ મા ગયો અને હું મેઇન રોડ પર પડતાં દરવાજેથી બહાર આવ્યો. અંધારું હોવાના કારણે હું એ લોકોની નજરમાં ન આવ્યો, પણ એક્ટીવા ની હેડલાઇટ ને કારણે હું એ બધાને જોઇ શકતો હતો. "

આટલું કહી કેયૂરે એક ઊંડો શ્વાસ લીધો અને પાણી નો ગ્લાસ ખાલી કર્યો. એક નજર રાઘવ પર નાંખી ફરી વાત આગળ વધારી. 

"ડિસ્ટન્સ વધારે હતું એટલે એમની વાતો સંભળાઈ નહિ, પણ એ બધાની બોડી લેંગ્વેજ ફુલ્લી ટુન્ન હોય એવી હતી. આમ તો આપણો આ રાઘવ એકે હજારા છે, પરંતુ આવા સમયે ખોટી હીરોગીરી કરવા કરતા મે 181 અભયમ્ પર કોલ કરી દીધો. સબ ઇન્સ્પેક્ટર શીંદે સાથે વાત થઈ. તેમણે જ મને વિડિયો રેકોર્ડિંગ કરવાનુ કહ્યું કે જેથી આપણી પાસે પ્રૂફ રહે. તેમણે ખાસ તાકીદ કરી હતી કે ઇમરજન્સી સિવાય અમારે ઇન્ટરફીઅર કરવું નહીં. બસ દૂર થી ધ્યાન રાખવું અને પોલીસ ટીમ પહોંચે ત્યા સુધી પરિસ્થિતિ સંભાળવી. બસ, અમે એ ઇન્સ્ટ્રક્શન ને ફોલો કરતા હતા, પણ... "

"પણ શું? "

આદિત્ય ની અધિરાઈ અત્યારે ચરમસીમાએ હતી. વાત કહેવામા થતો વિલંબ તેને અસહ્ય લાગતો હતો. કેયૂરે ફોન પર નજર સ્થિર કરી કહ્યું, 

" રાગિણી ભાગવામાં તો સફળ થઈ, પણ એક્ટીવા પરનુ બેલેન્સ જતા બહુ ખરાબ રીતે પડી. હવે તેનાથી એ ટપોરીઓનો સામનો કરવો શક્ય નહોતો, અને પોલીસ ટીમ પણ આવી નહોતી, એટલે અમારે પિક્ચર માં આવવું પડ્યું. આ રાઘવે સમય સૂચકતા વાપરી એ ટપોરીઓ અને રાગિણી ની વચ્ચે કાર લાવીને એ લોકોને થોડી વાર માટે ઉલઝાવી દીધા. એટલી વારમાં મેં રાગિણી ને ટેકો કરી કારમાં બેસાડી દીધી. "

આદિત્ય એ પ્રશંસક નજરે રાઘવ તરફ જોયું અને રાઘવ મીઠું શરમાઇને નીચે જોઇ ગયો. કેયૂર નુ બોલવાનું હજુ ચાલુ જ હતું. 

"પણ મને એ ટપોરીઓ સામાન્ય ટપોરી ન લાગ્યા. તેમાંથી એક પાસે ગન હતી. અને રાઘવને ડરાવવા તેણે હવામાં એક ગોળી પણ ચલાવી હતી... "

આદિત્ય ના કાન ચમક્યા. 

"ગન ફાયર... ઓહ ગોડ! પછી? "

"બસ, લકીલી એ સમયે જ પોલીસ ટીમ ત્યાં પહોચી ગઈ અને પરિસ્થિતિ સંભાળી લીધી. આ વિડિયો મેં સબ ઇન્સ્પેક્ટર શીંદે ને પણ ફોરવર્ડ કરી દીધો છે. આઇ હોપ એવરીથીંગ વુડ બી ફાઇન સુન. "

"અફકોર્સ. ડોન્ટ વરી. ઓકે, ટેલ મી, કે. કે. ના જવાની તૈયારી થઈ ગઈ? "

"હમ્ મ્... બસ, ચાલે છે. જે છે તે કાલનો એક દિવસ છે બાકીની તૈયારી પૂરી કરવા માટે... ત્યાર પછી તો... આઇ જસ્ટ હોપ ધેટ ભાઇને જલ્દી રીકવરી આવી જાય. "

આદિત્ય એ ટેબલ પર રહેલા કેયૂર ના હાથ થપથપાવ્યા. કેયૂર પણ જાણે આવાજ પ્રતિભાવની રાહમાં હોય એમ તેના ચહેરા ઉપર ધરપતનુ સ્મિત ફરકી ગયું. 

***

" પાપા... પાપા.... "

વિશાળ શીપ ના ડેક પર પાર્ટી ચલી રહી હતી. ખૂબ મોટા અવાજે પાશ્ચાત્ય સંગીત ની ધમાલ મચી હતી. શરાબ ની છોળો વચ્ચે લોકો ભાન ભૂલીને નાચી રહ્યાં હતાં. એવામાં એ એના પાપા ને શોધવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી. સંગીત ના અવાજમાં તેનો અવાજ તો ક્યાંય દબાઈ ગયો હતો! શોધતા શોધતા તેની નજર જોનીભાઈ પર પડી. તે તરતજ દોડતી જોનીભાઈ પાસે ગઈ. 

"જોનીભાઈ, પાપા? "

"અરે ગુડિયા, ઇધર કાયકું આયા? કીતની બાર સમજાયા? તેરેકું ભી ઔર તેરે પાપાકું ભી... યે સબ પાર્ટી વાલી જગાહ તેરે વાસ્તે ઠીક નહીં.. "

જોનીભાઈ નો અવાજ લથડતો હતો, મોઢામાંથી સખત વાસ આવતી હતી, પરંતુ આ બધું અવગણીને તેણે પૂછી જ લીધું... 

"હા જોનીભાઈ... લેકિન અભી પાપા... "

" તુ જા... ઘરકું નીકલ. મૈં ભેજતા... મેકવાન કું ઢુંઢકે અભી ઘર ભેજતા.. ઠીક? "

તે મૂંડી હલાવી નીકળી તો ગઈ, પણ તેનું મન નહોતુ માનતું. હજુય તેની નજર ચારેબાજુ તેના પાપાને શોધતી હતી. તેણે પાછળ જોયું તો જોનીભાઈ ફરી નાચવામાં મશગુલ થઈ ગયા હતા. તે ચૂપચાપ પગથિયા ઉતરી ગઈ. અચાનક કંઇક અવાજ આવ્યો અને તેના પગ અટકી ગયા. કિનારે લાંગરેલી શીપમાંથી બહાર નીકળવાને બદલે તે લોબીમાં વળી ગઈ. આ લોબીની બંને બાજુ રૂમ હતા. 

જોનીભાઈ ની શીપ... ભંગાર મા સમારકામ કરી હોટેલ જેવું બનાવ્યુ હતું. આ શીપ હંમેશા કિનારે લાંગરેલી જ રહેતી. ગોવાના પ્રવાસીઓ માટે ખાસ એટ્રેક્શન હતી આ શીપ. અંદર રહેવાની સગવડ અને ડેક ઉપર પાર્ટી... 

ખાલીખમ લોબીમાં તે ધીમા ડગલે આગળ વધી. સતત વિચિત્ર અવાજ આવી રહ્યા હતા. તેને પોતાના ધબકારા પણ સંભળાતા હતા! ધાંય્... જોરદાર અવાજ આવ્યો અને તે એ રૂમ પાસે પહોંચી ગઈ. તિરાડમાંથી જોયું તો... 

તેના પાપા... આજુબાજુ ઘણા લોકો હશે, પણ નાનકડી તિરાડમાંથી આખો રૂમ દેખાતો નહોતો. તેણે જોયું કે તેના પાપાના લમણે બંદૂક મૂકાયેલી હતી અને... 

"પાપા...." 

જોરથી રાડ પાડીને રાગિણી બેઠી થઈ ગઈ. આદિત્ય, કેયૂર અને રાઘવ દોડતા તેની પાસે પહોંચી ગયા. રાગિણી સતત ધ્રુજી રહી હતી. તેણે પોતાની સામે ઉભેલી ત્રણેય વ્યક્તિઓ સામે જોયું, પણ જાણે ઓળખી ન શકી! તેણે ફરી એક વાર શરીરની સમગ્ર તાકાત ભેગી કરી બૂમ પાડી 

"પાપા.... "

તેના ગળાની નસો ખેંચાઈ ગઈ... તેણે ઓઢેલું બ્લેન્કેટ મુઠ્ઠી માં ભીંસાઇ ગયું... કપાળની નસો ઉપસી આવી... તેના ચહેરા પર ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો. આદિત્ય એ તેને શાંત પાડવાની કોશિશ કરી, પણ તેની નજરમાં અવિશ્વાસ છલકતો હતો. ફરી એક બૂમ... અને તે બેહોશ થઈ ગઈ!