અંતરનો અરીસો
હિમાંશુ મેકવાન
ભાગ - 3
૨૧.
“તપની ઋતુ”
(તપ ઋતુના સંદર્ભમાં)
આજથી શરુ થતી ઋતુ તપની,
સ્વની ખોજ અને મનોમંથનની.
રાખ છે ને રાખમાં જવાનું છે,
પછી ચિંતા શું આટલી જીવનની!
આપ્યા છે દાંત તો ખાવાનું પણ દેશે,
પંખીઓને નથી ચિંતા ચણની.
આખરે ત્યાં જ હિસાબ થવાનો છે,
થોડી તૈયારી કરીએ જીવન પછીની.
ઉદાહરણ તો આપ્યું એટલું વેઠીને,
નજદીક જઈએ થોડું વધુ ઈસુની.
૨૨.
“શ્વાસોના આવાગમન”
સતત થતા શ્વાસોના આવાગમનમાં,
ઊઠે છે પ્રશ્ન સતત એક મનમાં.
બધું પામી લેવાની જિજીવિષામાં;
ખરેખર શું મેળવ્યું છે મેં જીવનમાં ?
હોય માપદંડ તો નક્કી પણ થાય,
મજા મરણમાં છે કે આજીવનમાં !
આખી જિંદગી જીવવાની માટે જ,
ગુમાવી બેઠો, જે મજા છે ક્ષણમાં.
સાવ ખુલ્લી આંખે જુવે છે સપનાઓ,
મશગૂલ છે જીવ કેવી કલ્પનાઓમાં !
૨૩.
“આખરે”
આખરે પહોંચ્યા એ છેલ્લે સરનામે,
ફરી એક સ્વજન ગયા સ્મશાને.
શું કામ આખ્ખું જીવન મથ્યા'તા એ,
આજે કાંઈ હાથમાં નહોતું કાંઈ નામે.
જે રહેતા હતા બધા સાથે એમની,
ભૂલીને એ મને લાગ્યા રોજિંદા કામે.
આંખો ઉઘાડવાનો છે દિવસ આજનો,
મોત ક્યારે ખબર આપણો વારો લાવે.
બધા સાથે રાખો સંબંધો સારા,
ખબર નથી છેલ્લે કોના જવાનું કાંધે?
૨૪.
“સાદગીના પડછાયા”
સદા સાદગીના પડછાયાની સાથે,
જીવન વિતાવ્યું એકઆશાની ઓથે.
શરુ કરી હતી મુસાફરી નિશ્ચય સાથે,
પણ મંજિલ મેળવતાં ચઢી ગયો ગોથે.
કર્યો છે પ્રેમનો ગુનો,ના કોઈ કહી શકે,
દુનિયા ખાલી સત્યના નકાબ ઓઢે.
રહું તારી ભીતરે શ્વાસ બની એક થઈ,
કોણ મને અને ક્યાં ક્યાં જઈ શોધે ?
ખબર નથી જીવવાનું શક્ય છે કે નહિ?
પણ મોત હું ઈચ્છું છું તારી જ સંગાથે.
બસ કરી દઈએ એકરાર હવેથી બધાંને,
જન્મ્યા છે આપણે એકબીજાની જ માટે.
૨૫.
“આંખનો નશો”
અમથો જ ભાન ભૂલ્યો, એનો વસવસો છે ;
કારણ કશું જ નથી, તારી આંખનો નશો છે.
લાશ હતી, તો આવી તરીને કિનારા પર;
જિંદગી રોજ ડૂબે, ફર્ક ક્યાં કોઈને કશો છે?
એ રોજ ઉડે છે ને પાછા ફરે છે માળામાં;
એમની પાસે ક્યાં એમના ઘરનો નકશો છે ?
હું મૌન છું, મને તકલીફ નથી ; એમ નથી ;
ભરખી રહ્યો છે જે ભીતર, દાવાનળ; શો છે ?
લાવ ઘૂંચ તારા ઝુલ્ફની ઉકેલી દઉં ફરી,
ઉકલી શકી ના જીવનની, એનો ગમ શો છે?
૨૬.
“તાજા સમાચાર”
રોજ આવતા નવા અખબારની જેમ,
ચર્ચાયો બધે તાજા સમાચારની જેમ.
હવે કેમ કરીને ભૂલી શકાય તમને ?
વિસ્તરો છો મારામાં વિચારની જેમ.
લાશ બની કેટલું આદર મળ્યું એને!
જીવન આખું જીવ્યો લાચારની જેમ !
ન્યોછાવર થઈને હું નિભાવતો રહ્યો,
ને પ્રેમ કર્યો'તો એમણે વેપારની જેમ!
ઈમારતનો મુખ્ય પથ્થર જે રહ્યો હતો;
ટૂંકા કરે છે એ દિવસો નિરાધારની જેમ.
એવી તો મારાથી શું ભૂલ થઇ હતી?
જોતા રહ્યા આજીવન ગુનેગારની જેમ !
૨૭.
“જિંદગી”
ધીમું ધીમું સતત સતાવે છે જિંદગી,
કોને કહું એ કેવી વિતાવે છે જિંદગી.
જીવતા એને તમને કલાકાર બનાવી દે,
આંગળી પર એવું નચાવે છે જિંદગી.
સરળ કોઈના નસીબમાં નથી હોતી,
ઈશુ ને પણ સુળીએ ચઢાવે છે જિંદગી.
તોફાનને જોવા મધ દરિયે જવું પડે,
દ્રશ્ય કાંઠે સુંદર જ બતાવે છે જિંદગી.
આઝાદના થઇ શકો એની ગુલામીથી,
જાળમાં એના એવી ફસાવે છે જિંદગી.
થાય એમ કે બસ હવે જીતવા આવ્યા,
એજ બાજી હોંશે હરાવે છે જિંદગી.
૨૮.
“બારી વગરનું ઘર”
સાચું કહું હારવા માટે જીગર જોઈએ,
વગર બારીઓનું એક ઘર જોઈએ.
ચીંથરું સાંધવામાં નાનપ શું હોઈ શકે ?
લાશને સ્વીકારી લે એ ચાદર જોઈએ.
ડોકિયાં કરવાથી સ્થિતિ જાણી નહિ શકો,
માહિતી મેળવવા વિભીષણ જોઈએ.
સાચ ક્યારેક તો પ્રકાશી શકે ખરું!
સ્વીકારવાની આપણામાં આવડત જોઈએ.
સાચો કરીને પ્રેમ શું મેળવી લીધું તમે,
ઘા ઊંડો ખાવાની દિલમાં હિંમત જોઈએ.
૨૯..
“અંતરની વાત”
વાત જાણે એમ છે,
બધું જેમનું તેમ છે.
સતત પૂછે છે જાત મારી,
જીવન આવું કેમ છે ?
રાત પછી દેખાડે સવાર ,
એ એની તો રહેમ છે.
તું કરી રહ્યો છે બધું ,
એ સાચે તારો વહેમ છે.
મેં જાતે કર્યો છે અનુભવ,
પ્રેમ રોગ જીવલેણ છે.
બહારથી દેખાય છે સખત,
અંદર એ બહુ નરમ છે.
બહાર હોય ભલે ઠંડી ગજબ,
તારી યાદની સગડી ગરમ છે.
૩૦.
“તારા વગર”
ના પૂછ મને કેમ જીવું છું હું,
તારા વગર જેમ તેમ જીવું છું હું.
નથી ભરોસો મને શ્વાસનો તોય,
લોકો ને લાગે છે હેમ ખેમ જીવું છું હું.
હળવો ફૂલ લાગતો બહાર થી બધાને,
અંદરથી બહુ ભારેખમ જીવું છું હું.
તું સાથે નથી એ સમજી શકાય છે,
પણ તને મારા શ્વાસે જીવું છું હું.
કાલનું નક્કી કરીને બેઠા છે જાણ્યા વગર,
શ્વાસની રમતમાં હેમખેમ જીવું છું હું?
***