કોના પગલાં હશે ?
@ વિકી ત્રિવેદી
હારીને થાકીને હું છેવટે સાંજના સમયે બહાર નીકળ્યો. આખો દિવસ જેમ તેમ કરીને કાઢ્યો હતો. સાંજે છેવટે કંટાળ્યો. બહાર નીકળ્યો.
સીધો બીચ ઉપર ગયો. બીજું કોણ મને સંઘરે ? મિત્રોને ડિસ્ટર્બ કરાય નહિ. એટલા માટે ડિસ્ટર્બ ન કરાય કે એ બધા ગોઠવાયેલા હતાં. ક્યાંક પ્રિયતમા જોડે વાત કરતા હોય ને હું ફોન કરું તો મનમાં તો મને ગાળ જ દે ને ? હા આ ચીજ જ એવી છે. સમજતા કોઈ નથી પણ એમાં કૂદકો બધા મારે કેમ જાણે ઉપરથી ભગવાને આ કામ જ કરવા નીચે નાખ્યા હોય !
ખેર મને આમ પણ એકલા રહેવું પસંદ હતું. ને પ્રિયા ગઈ પછી તો સાવ એકાંત જ મને પસંદ હતો. પ્રિયા ! શુદ્ધ શબ્દોમાં કહું તો જેને હું ચાહતો એ છોકરી. અલબત્ત એ ચાહતી એવું ન જ કહી શકું ને ? કારણ ચાહતી હોત તો જાઓત ખરા ? વિના કારણે ?
પણ શું મેળવી લીધું એણીએ ? મેં એને કદી મારી સાથે દુઃખી જોઈ નહોતી. એને લગભગ તો જીવનમાં કોઈ મોટું દુઃખ નહોતું. પણ કોણ જાણે કેમ મારામાંથી રસ ઉઠીને એ ગઈ નૈતિક જોડે. એના પ્રેમમાં પડી. પ્રેમ તો ન જ કહેવાય પણ અપશબ્દો લખવા કરતા એને અહીં પ્રેમ જ કહેવો સારો. ગમે તેમ તો મેં ક્યારેક એને દિલથી ચાહી હતી એના માટે હલકા શબ્દો વાપરવા યોગ્ય નથી.
પણ નૈતિક કેટલો નીતિ નિયમ વાળો નીકળ્યો ? એક કહેવત છે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો...... ના નૈતિક માટે આ કહેવત નથી એ કહેવત પ્રિયા માટે છે. એ અહીં મને છોડીને ગઈ ત્યાં નૈતિકે એને અનૈતિક રીતે ચાહીને આખરે વિદાય આપી.
પ્રિયા એક બે વાર મળેલી મને પણ કયા મોંએ મને બોલાવે ? કઈક વધારે પડતા શબ્દો ગુના વગર જ એ બોલીને ગઈ હતી. નૈતિક સાથે અનૈતિક રીતે એ સબંધ બનાવી ગઈ.... મને ખબર પડી ત્યારે હું પૂછતો. અને હું કેટલા ખુલ્લા દિલે કહેતો એને ?
"પ્રિયા આઈ નો નૈતિક ઇઝ કવાઇટ ઇન્ટરેસ્ટિંગ બોય....... બટ તું આમ છાનું શુ કામ કઈ કરે ? ફ્રેન્કલી મને બોલી દે કે આજથી તારો મારો સબંધ પૂરો મને જરાય દુઃખ નહિ લાગે. પણ ત્રીજું કોઈ આવીને રોજ મને કઈક કહી જાય એ મને દુઃખી કરે છે."
"તું મારી ઉપર શક કરે છે ?" પ્રિયા અભિનય કરી જાણતી.
"નહિ હું સત્ય કહું છું અને મારા સ્વભાવમાં લડવું ઝઘડવું અને દલીલો કરવી એ બધું છે જ નહીં. ઓફકોર્સ ચિલ્લર છોકરાઓ જેમ હું તને બ્લેમ નહીં કરું. તે મારી લાઈફ ખરાબ કરી... ચિટ કર્યું..... વગેરે વગેરે.... એ બધામાં હું માનતો જ નથી. કોઈની લાઈફ કોઈના આવવાથી કે જવાથી ખરાબ કે સારી થતી નથી બસ કોઈ આવે ત્યારે લાઈફ જલ્દી પસાર થાય છે અને જાય ત્યારે થોડી ધીમી ગતિએ લાઈફ ચાલે છે. જેને સુખ અને દુઃખ કહીએ છીએ. મારા સ્વભાવમાં કોઈને પકડી રાખવું.... ગમતું જ નથી મને. જવા દેવાનું. આવવા દેવાનું. પણ તું જેમ આવી હતી સ્પષ્ટ શબ્દો સાથે કે તું મને ગમે છે એ રીતે જ ચાલી જા સ્પષ્ટ શબ્દો સાથે કે હવે હું તને નથી ગમતો.... એમાં તારે આ અભિનય કરીને ચિપ બીહેવ કરવાની જરૂર નથી."
બસ આટલું જ કહેલું મેં. આખરે એ પણ સ્પષ્ટ બની હતી. યશ આઈ ડોન્ટ લાઈક યુ એની મોર. કહી અમારો સબંધ પૂરો કરેલો. સબંધ જોકે હતો જ નહીં , કારણ કે સબંધ મૃત્યુ પહેલા પૂરો થતો જ નથી - મૃત્યુ પછી પણ સાચા સબંધ પુરા નથી થતા.
બાપ મૃત્યુ પામે પછી પણ એના સંતાનો નામ પાછળ બીજા કોઈનું નામ નથી લખતા. કારણ કે સાચા સંબંધને જીવન મૃત્યુ સાથે પણ કશી નિષ્બત નથી. મૃત્યુ સાથે કે મૃત્યુ પહેલા બદલાઈ જાય એ ફક્ત એક ટાઈમ પાસ છે. એ સબંધ નથી.
ખેર પણ છ એક મહિનામાં નૈતિકે પ્રિયાને સ્પષ્ટ શબ્દોમાં કહેલું, "પ્રિયા હવે મને ઇન્ટરેસ્ટ નથી તારી અંદર...... નાઉ અ ડેઝ આઈ લવ સમ વન ઇલ્સ..... ધેટ્ લકી ગર્લ ઇઝ ચાર્મિંગ નિશા....."
ને બસ નો કમેન્ટ નો કોલ નો મેસેજ સાથે નૈતિકના જીવનમાંથી પ્રિયા નામની વસ્તુ ગાયબ. વસ્તુ જ તો ? માણસને કોઈ ફેંકે ? એ ખુદ વસ્તુ હતી એટલે પહેલા મારા ઘરથી બીજા ઘરે ગઈ અને પછી બીજા ઘરે એનો ઉપયોગ પૂરો થયો એટલે સીધી ઉકરડે ! ઉકરડે નહિ તો શું ? ત્રીજા સારા ઘરે તો એને જગ્યા ન જ મળે ને !
ત્રણેક મહિના પછી એક પત્ર લખીને પ્રિયાએ આત્મહત્યા કરેલી. પત્રમાં મારી માફી ચોક્કસ માંગી હતી. પણ મેં તો એને આમેય નૈતિક જેવા છોકરાને પસંદ કર્યો ત્યારે જ માફ કરી દીધી હતી. કારણ કે દુઃખ તો ત્યારે થાય જ્યારે તમારું કોઈ તમને તમારા કરતા વધારે લાયક માણસ માટે છોડીને જાય. તમારું કોઈ તમને તમારા કરતા ઘણા લો લેવલના તમારા કરતા ઘણા ઓછા લાયક વ્યક્તિ માટે છોડી જાય એમાં દુઃખ નહિ એમાં તો એના ફેસલા ઉપર ફક્ત હસવું જ આવે.
નહિ પણ આત્મહત્યા કોઈ હસવાની બાબત નહોતી. કાશ એણીએ મને જો એકવાર કહ્યું હોત કે હું જીવવા નથી માંગતી તો એને હું જીવતા શીખવોત. એને હું સમજાવોત કે તને તો મારાથી જેટલો પ્રેમ હતો ( જો એને પ્રેમ કહેવાય તો ! ) એટલો જ નૈતિકથી હતો. જ્યારે મને તો તારાથી જ હતો. છતાં હું મર્યો ? મેં આત્મહત્યા કરી ? ન કરી. તો તારે તારા કહેવાતા પ્રેમ માટે આત્મહત્યા શુ કામ કરવી પડે ?
પણ એ આવી જ નહીં પૂછવા. જોકે એ આવે પણ ક્યા મોઢે ?
હું મહિનાઓથી એકાંતમાં જીવતો હતો. રોજ સાંજ પડે એટલે બહાર જતો.
હું વિચારોમા જ બીચ ઉપર પહોંચ્યો. દરિયો મસ્તીમાં હતો. સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. આકાશમાં લાલી છવાઈ હતી. કિનારે કેટલાય પ્રેમીઓ હાથમાં હાથ પકડી બેઠા હતા. મને હવે એ બધા નિરર્થક પ્રેમ કે પ્રેમીઓને જોવામાં રસ નહોતો એટલે હું એકાંત શોધવા દૂર તરફ ચાલ્યો જ્યાં કોઈ નહોતું.
ખાસ્સી મિનિટો પછી એકાંત મળ્યો. મેં ચારે તરફ જોયું. કોઈ નહોતું એટલે હું પાળી ઉપર બેઠો. દરિયાની આરપાર ડૂબતા સૂરજને જોવાથી મને ઠંડક મળતી. હું એ જોવા લાગ્યો. થોડીવાર ઉડતા પક્ષીઓ જોયા કર્યા. અને એકાએક મારી નજર કિનારે સાવ અહીં પાળી તરફ નજીકના કિનારે પડી. ત્યાં પગલાં હતા. એકલા પગલાં.
અહીં મારી જેમ કોઈ એકલું પણ આવતું હશે ? મને નવાઈ થઈ. હું પાળી પરથી ઉતર્યો. એ પગલાં તરફ ગયો. પગલાં નાના હતા. ના બાળકના નહિ છોકરીના....
આ શું ?
પગલાં પાસે આગળ જતાં એક કાનની રિંગ પડી હતી...... હું આગળ ગયો. પગલાં આગળ ચાલ્યા..... આગળ એક વીંટી પડી હતી....... માય ગોડ...... મને અણસાર આવ્યો કે શું થયું હશે.....
પણ આ કોના પગલાં હશે ? કોણ આ રીતે ફરી પ્રિયા જેમ ભાંગી પડ્યું હશે ?
આગળ ટેડી બિયર પડેલું હતું...... હું ટેડી પાસે ગયો. બેઠો.. ટેડીના પેટ ઉપર મારેલા સ્ટીકર ઉપર લખેલું હતું, " આઈ લવ યુ નિશા......."
@ વિકી ત્રિવેદી
ફેસબુક : vicky trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky