AAZAD in Gujarati Moral Stories by Hardik G Raval books and stories PDF | આઝાદ

Featured Books
Categories
Share

આઝાદ

"આઝાદ"

"અરે, ધરતી તું જા, હું આવું પછી". લાઇબ્રેરીમાં બુક્સના થપ્પા ફંફોળતો હું બોલ્યો.

"શું કરે છે તું યાર ! તારી પાસે સમય બહું ઓછો છે અને એમાં તું કેટલી માહિતી એકઠી કરી શકશે?" ધરતી આશ્ચર્યજનક સ્વરે મારી સામે જોઈને બોલી.


એક્ચ્યુલી, થયું એવું હતું કે મારા ઓફિસ સ્ટાફનાં મિત્રોએ મને મારા બોસની સામે ફસાવી દીધો છે. ૧૫મી ઓગસ્ટ નિમિત્તે અમારી કંપની તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરાયું છે અને એમાં હું કોઈ ક્રાંતિકારી વિષે બોલીશ એવું તે લોકોએ બોસને જણાવ્યું છે. તે લોકોને ખબર છે કે મને હિસ્ટ્રીમાં રસ નથી પડતો અને ક્રાંતિકારીઓ વિષેતો મેં ખાલી મૂવીઝમાં જોયું છે અને ન્યૂઝપેપરમાં આઝાદી નિમિત્તે વરસમાં એકવખત આવતાં લેખોમાં વાંચ્યું છે અને એવુંજ ન્યૂઝચેનલમાં આવતી ડિબેટ્સ પરથી મારી પાસે થોડી માહિતી છે. મને બીજી બહું માહિતી નથી, મારુ વાંચન પણ વિશાળ નથી. તેમ છતાં મારૂ નામ આપીને હું મજાકને પાત્ર બનું એ પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે મેં પણ નક્કી કર્યું છે કે હું એ નહીં થવા દઉં, હું સ્પીચ આપીશ. જેટલો સમય બચ્યો છે એમાં ક્રાંતિકારીઓ વિષે જાણીસ, તેમની ઉપલબ્ધીઓ જાણીસ. એટલે જ હું મારી ગર્લફ્રેન્ડ ધરતી સાથે અહીંયા લાઈબ્રેરીમાં આવ્યો છું. તે કંટાળી છે, હું કયા ક્રાંતિકારી વિષે બોલું એમાં જ કન્ફ્યુઝ છું, એટલે હું આમતેમ અલગ અલગ બુક્સ જોવું છું.


ધરતી કંટાળીને જતી રહી છે અને બુક્સને ફંફોળતા મને એક નાની બુક મળે છે અને તે બુક પર લખ્યું છે 'અ સ્ટોરી ઓફ આઝાદ'. હું બુક વાંચું છું, ધીમે ધીમે મને રસ પડે છે, એક જ બેઠકે એ બુક પતી જાય છે, છતાંપણ કંઈ અધૂરું છૂટ્યું હોય એવું લાગે છે, બીજી બે મોટી બુક્સ ઘરે લઈ જાઉં છું, ઘરે પણ સમયની પરવા કર્યા વગર બુક વાંચવાની ચાલું કરું છું. આખી રાત એ બુક વાંચ્યા કરી છે, મારી આંખો ઘેરાય છે. મગજમાં સિતારામ તિવારી, કાકોરી, લાલા લજપત રાયનું મૃત્યું, અલ્ફ્રેડ બાગ, ભગત સિંહ, વંદે માતરમ જેવા શબ્દો, વિચારો ચાલ્યા કરે છે. બીજો દિવસ પૂરો પણ હું મારી રૂમમાં પુરાઈ રહયો છું. હવે મને મિત્રોને દેખાડી દેવા માટે નહીં પણ રસ, ઉત્કંઠા જાગી છે એટલે વાંચી રહયો છું.


આંખો ઘેરાઈ રહી છે અને અચાનક મને મહેસુસ થાય છે કે હું કોઈ બગીચામાં છું જ્યાં સફેદ ધોતિયા અને ઝભ્ભો પહેરેલ બે વ્યક્તિ ચાલતાં ચાલતાં એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને એમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને રશિયા જવા માટે કહી રહ્યા હોય છે. થોડું નજીક જવાથી સમજાયું કે એમાંથી એક વ્યક્તિને મેં ક્યાંક જોયો છે, હું નજીક ગયો. મારી સામે મજબૂત બાંધાના, ઘાટી મુંછો વાળા ચંદ્રશેખર આઝાદ હતાં. મને જોઈને તે બન્ને જણા આશ્ચર્યથી એકબીજા સામે જોઈ રહ્યા. કદાચ મારો આધુનિક ટીશર્ટ અને જીન્સ વાળો પહેરવેશે તેમને આમ કરવા મજબુર કર્યા હશે.


સર...સર...હું હાર્દિક. હું...હું તમારા વિશે વાંચતો હતો અને અહીંયા પહોંચી ગયો. મારાથી જેમતેમ અચકાતા અચકાતા બોલાયું.


"મારા વિશે ? ક્યાં વાંચી રહ્યો હતો અને શું?" આઝાદ કડક સ્વરે બોલ્યા.


"બુકમાં....ધરતી....ઓફિસમાં તમારા વિશે બોલવાનું છે." હું હજી અચકાતા બોલતો હતો, વાક્ય પણ અધૂરા છોડી રહ્યો હતો. મારા અચકાવાનું કારણ ચંદશેખર આઝાદનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. તેઓ મને બ્રિટિશરોએ મોકલેલો કોઈ જાશુસ સમજી રહ્યા હતાં.


"ધરતી, એ કોણ અને સર કોણ?" સુખદેવ રાજ બોલ્યા.


મેં મારી સાથે બનેલ ઓફિસની વાત કહી અને આઝાદજી માટેની જાણકારી માટેની છેલ્લા બે દિવસની મારી મહેનત વિશે પણ જણાવ્યું. હજી તેઓ મારા પર સંપૂર્ણપણે ભરોસો કરી શકતાં ન હતાં. છતાંપણ વાતને પૂર્ણ કરવા માટે આઝાદ બોલ્યાં


"શું જાણવું છે, તમારે?"


"આમતો છેલ્લા બે દિવસમાં મેં ઘણું વાંચ્યું છે પણ પંદર વરસની ઉંમરમાં અભ્યાસની બદલે ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાવું, ધરપકડ વહોરવી અને સજા મેળવવી? બધું સરળ તો નહીં જ હોય ને નાની ઉંમરે, આ વિચાર કેમ?"


"ક્રાંતિકારીઓ માટે સરળ કંઈજ નથી હોતું અને જો આપે મારા વિશે વાંચ્યું હશે તો આપ ને જાણ જ હશે કે મારા પિતાજીએ એકવખત નાનપણમાં કહેલું કે જો આપણા ઘરમાં કોઈ ઘુસી જાય તો આપણે એમને બહાર કાઢીએ છીએ તો પછી આપણાં દેશમાં ઘુસી ગયેલાને તો કાઢવા જ પડે ને આ જ વિચારે મને આઝાદીની લડતમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરણા આપેલી".


"અને ટ્રેન લૂંટનો વિચાર?" હું ફરી થોડું બોલી ચૂપ થઈ ગયો.


"બ્રિટિશરો સામે લડવા માટે હથિયારની જરૂર હતી અને હથિયાર માટે આ લૂંટ જરૂરી હતી" આઝાદ વિસ્તારપૂર્વક બોલી રહ્યા હતાં એમણે મારી સાથે દરેક વસ્તુની ખુલ્લા મને ચર્ચા કરી જે મેં ઓલરેડી છેલ્લા બે દિવસમાં વાંચી હતી.


મેં બીજી વાત કરી "તમને ખબર છે, તમે ક્રાંતિકારીઓ આઝાદી તો અપાવી ગયા, પણ આ દેશ ભવિષ્યમાં ફરી ગુલામ થઈ ગયો છે, લોકો રાજકારણનો શિકાર બને છે, લોકોની માનસિકતા જાતિવાદી થઈ ગઈ છે, હિન્દુસ્તાની જ હિન્દુસ્તાનીનો દુશ્મન બની ગયો છે. રોજ કોઈને કોઈ પ્રોબ્લેમ્સ હોય છે દેશ પાસે. બળાત્કાર, ખુન, લુંટફાટ જેવી ઘટનાઓ સામાન્ય બની ગયી છે. દેશને આ બધી સમસ્યાઓમાંથી મુક્ત / આઝાદી કઈ રીતે કરવી એ કોઈના સમજમાં જ નથી આવતું.


હું આગળ બોલ્યો "કોઈ કોઈની પરવા જ નથી કરતું, રસ્તા પર ધોળા દિવસે કોઈ કોઈની હત્યા પણ કરે તો કોઈને કંઈજ ફરક નથી પડતો"


" તો તે શું વિચાર્યું?" આઝાદ મારી આ નકારાત્મક વાતોથી દુઃખી થયા હોય તેવું લાગ્યું.


"મારે શું સર? એક તકની રાહમાં છું બસ જેવી મળે એમ જ આ દેશ છોડીને જતું રહેવું છે. " હું ઉદાસ સ્વરે બોલ્યો.


મારા આ શબ્દો સાંભળતા જ આઝાદ ગુસ્સે થઈ ગયા અને ઘડીની સેકન્ડમાં મારા ગાલ પર એક સણસણતો તમાચો માર્યો. મારા ગાલ ઉપર એક ભારે હાથ પડ્યો હતો. હું ચક્કર ખાઈને પડી ગયો, ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા હતાં. અમુક મિનિટો પછી હું બગીચાના એક બાંકડામાં સૂતો હતો અને સુખદેવ રાજ પાણીની છાંટ મારા ચહેરા પર મારી રહ્યા હતાં.


હું બાંકડા પર બેઠો થયો. ચંદ્રશેખર આઝાદ હજી મારાથી ગુસ્સે હતાં. છતાંપણ તેઓ મારી બાજુમાં બેઠા, મારા ખભા ઉપર મુકવા માટે હાથ ઊંચો કર્યો, ત્યાં હું ડરી ગયો અને થોડીવાર પહેલા વાગેલો તમાચો યાદ આવી ગયો, તેમણે મારા ખભા ઉપર હાથ મુક્યો અને બોલ્યા:


" હું આપની વાતથી ખુબજ નારાજ થયો છું. તમને ખ્યાલ તો હશે જ ને કે નામી અનામી ઘણાં ક્રાંતિકારીઓ એ આઝાદી માટે પોતાના જીવ આપ્યા છે, હજી પણ આપશે. આપ જેમ કહો છો કે આપણે આઝાદ થયાં છીએતો એમાં ઘણાં લોકોનું લોહી રેડાયું છે. આઝાદી મેળવવી સરળ ક્યારેય નથી રહી. લોકોની આખેઆખી જિંદગી જતી રહી છે"


આઝાદ થોડીવાર ચૂપ રહ્યા, કોઈ ઊંડા વિચારમાં પડી ગયા અને અમુક સમય પછી તેમણે ફરી બોલવાનું ચાલું કર્યું.


"જો મેં અને મારા જેવા અન્ય લોકોએ પણ આપની જેમ 'મારે શું?' વાળું વલણ દાખવ્યુ હોત તો, શું જરૂર હતી અમારે? કાશીની સંસ્કૃતની પાઠશાળામાં ભણતર ચાલું જ હતુંને મારુ ? શાંતિથી અભ્યાસ પૂરો કર્યો હોત તો આપ જેવા વ્યક્તિ આવું બોલી શક્યા હોત? અત્યારે અમારે બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવવાની છે તો ત્યારે તમારે લોકોએ પૂર્વગ્રહયુક્ત, ગુનાયુક્ત, લાલચી માનસિકતાથી આઝાદી મેળવવાની છે. તમારે લોકોએ પણ લોકોને એ અંગે સજાગ કરવાના છે".


ફરી આઝાદ થોડી વાર ચૂપ રહ્યા અને પછી ફરી બોલ્યા.


"હાર્દિક, તને ખબર છે આગ માટે એક નાનકડા તણખલાની જરૂર હોય છે. તું તારી અંદર આગ જગાડ, લોકોને કહે કે તે પણ પોતાની અંદર આગ જગાડે અને દેશને દરેક દુષણોમાંથી મુક્ત કરી દેશને એક સમૃદ્ધ દેશ બનાવવાના પ્રયત્નો કરે જેથી ક્યારેય કોઈ હાર્દિક દેશ છોડીને જવાની વાત ન કરે".


"હું એકલો !" હવે તો લાફાની બીકે અવાજ પણ નહોતો નીકળતો.


"શરૂઆત તો કરો, લોકો આપોઆપ જોડાશે". આઝાદ હસતા હસતા બોલ્યા. તેમનો હસતો ચહેરો જોઈને મને સારું લાગ્યું.


આઝાદ પાસેથી મને સોનેરી સલાહો મળી રહી હતી ત્યાં જ અચાનક મને યાદ આવ્યુકે આ જ આલ્ફ્રેડ ગાર્ડન છે અને અહીંયા હમણાં અંગ્રેજો હુમલો કરશે. મેં ચંદ્રશેખર આઝાદ સામે જોયું અને બોલવા ગયો ત્યાંજ અંગ્રેજોની વાન આવી અને તેઓએ ગોળીબાર ચાલું કરી દીધો. ચંદ્રશેખર આઝાદે સુખદેવ રાજને મને લઈને નીકળી જવા કહ્યું અને અમે નીકળી ગયા. દૂર આગળ જઈને મેં જોયું અને હું ઉભો રહી ગયો. આઝાદ અંગ્રેજોની ગોળીનો ગોળીબારથી જ જવાબ આપી રહ્યા હતાં. એકલે હાથે ઘણાં અંગ્રેજોને એમણે માર્યા. અને અમુક સમય પછી એમની ગોળીઓ ખલાસ થઈ ગયી અને તેઓએ વંદેમાતરમ બોલીને છેલ્લી ગોળી પોતાના પર છોડી મૃત્યુ વહોર્યું અને અંગ્રેજોના હાથે ન મરવાની તેમની સોગંધ તેમણે જાળવી.


આ દ્રશ્ય જોતા જ મારી સામે ચંદ્રશેખર આઝાદનો એક શેર આવી ગયો.


दुश्मन की गोलियों का हम सामना करेंगे,
आजाद ही रहे हैं, आजाद ही रहेंगे.

હું ધડામ દઈને પલંગ ઉપરથી પડ્યો અને મને વાગ્યું. મેં અરીસામાં જોયું મારો જમણો ગાલ લાલ હતો. મને ન સમજાયું કે આ પલંગ પરથી પડવાથી થયું છે કે ચંદશેખર આઝાદની થપ્પડથી.


મારુ ઓફિસમાં વ્યક્તવ્ય પણ સારું ગયું અને લોકોએ મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.