Hi Keplar in Gujarati Adventure Stories by BHIMANI AKSHIT books and stories PDF | હાઈ કેપ્લર

Featured Books
Categories
Share

હાઈ કેપ્લર


                         HI, કેપ્લર
_____________________________________
                   
                          કેદ થયા કે....??
_____________________________________
        

             "બેટા, સારુ થયું તું આવી ગયો. આ તારો ભાઈબંધ પરીક્ષા પુરી થઈ ગઈ તોય આખો દિ' બસ ચોપડીયો જ વાંચ્યા રાખે છે..." વેદનાં મમ્મી મને કહી રહ્યા હતાં. આમ તો મને પણ પુસ્તકો વાંચવા ગમતાં પણ આખો દિવસ નહી!

           " સારુ, માસી હું તેને બરાબર સમજાવી દઈશ.." હું વેદ સામે જોતા બોલ્યો. તે પણ ધીમેથી મલ્કયો, પણ તેના ભાવ  પરથી એવું લાગતું કે તે મને કંઈક જણાવવા માંગતો  હોય.

              " પે'લા હું તમારા ત્રણેય માટે નાસ્તો બનાવી લાવું...." એમ કહેતાં તે રસોડામાં ગયા. આમ તો હું અને ભાવિક વેકેશન હોવાથી મારા દાદા-દાદી પાસે ગામડે જવા નિકળ્યા હતા પણ પહોચતાં મોડું થશે તેમ વિચારી અમે વેદનાં ઘરે રોકાયા હતાં.

              " ભાવિક, તારે ટી.વી જોવું છે. ચાલ તને શરુ કરી દઉં. " તેમ કહી વેદે મને ઉપર જવા ઇશારો કર્યો. ભાવિક ને પણ ટી.વી જોવાનો બહું શોખ હતો. આમેય અમારા ઘરે ટી.વી નહોતું, એટલે કોઇનાં ઘરે મળતો મોકો છોડતો નહતો. 
           
          અમે બંને ઉપર તેના રૂમમાં ગયા. આખો રૂમ પુસ્તકોથી ભરેલો હતો. ચારેય બાજુ ચોપડીઓ, સમાચારપત્રોનાં લેખો, નકશાઓ, આલેખો, ફોટોગ્રાફ.....વગેરે વેરવિખેર પડ્યું હતું. આમ તો વેદને વાંચવાનો શોખ હતો તે હંમેશા નવલકથાઓ વાંચતો, ક્યારેક વિજ્ઞાનને લગતી સાહસ કથાઓ વાંચતો. પણ આ વખતે તો કંઈક અલગ જ વાત હતી. 
             હું તો આ બધું જોઈને ખુબ આશ્ચર્ય પામ્યો. વેદે બારણું બંધ કર્યુ અને હું કંઈ પુછું તે પહેલા જ તેણે વાત શરૂ કરી, " અમન, હું તને એક અગત્યની વાત કહેવા માગું છું..." બોલવાનું શરૂ રાખી કમ્પ્યુટર ચાલુ કરતા બોલ્યો.
           
          "...બે મહીના પહેલા અમારી હાઈસ્કુલમાં 'વિજ્ઞાન-મેળો' હતો. ત્યારે મેં માઈક્રોતરંગો માપી શકે તેવું યંત્ર બનાવ્યું હતું. તેનાથી આપણે અવકાશમાં પ્રસરતા તરંગોને જીલીને તેના આધારે સંદેશા મેળવી શકીયે. ખબર નહીં પણ કેમ જ્યારે મારે તેને દર્શાવવાનું હતું ત્યારે જ તે કામ કરતું બંધ થઈ ગયું. આથી મને ઈનામ મળ્યું નહી.."

       " બસ, આટલી જ વાત હતી તેમાં બારણું દેવાની શી જરુર હતી. કંઈ વાંધો નઈ આગલા વર્ષે તો તારુ ઇનામ પાક્કું  જ સમજ.." તેને શાંત્વના આપતાં હું બોલ્યો. પણ હું વચ્ચે બોલ્યો તે તેને ન ગમ્યુ હોય તેવું લાગ્યું. તેણે અણગમાનાં ભાવ સાથે મારી તરફ જોયું. તે વાત શરૂ રાખતા બોલ્યો,

          " એનો મને અફસોસ નથી, પણ થોડા દિવસ પહેલા રાત્રે મે મશીનને કમ્પ્યુટર સાથે જોડ્યું કે તરત એક સંદેશો આવ્યો પહેલા તો મને લાગ્યું કે આ કોઈ આબોહવાની અસરને કારણે થતું હશે પરતું તે સતત આવા અજાણ્યા સંદેશાઓ મેળતું રહે છે. તને કઈ સમજ પડે તો જો..." તેમ કહેતાં તેણે કમ્પ્યુટર પર મને તે સંદેશા જોવા કહ્યું.

        પહેલી નજરે તો મને તે સંદેશા જેવું લાગ્યું જ નહીં. કેટલીક વાર સુધી મેં તે જોયા કર્યું છતાં કંઈ સમજાય તેવું લાગ્તું નહતું. એ કંઈ અલગ જ ભાષા હતી કે કોઇકે કોઈ માહિતી ગુપ્ત રાખવા માટે કોર્ડ-વર્ડમાં લખેલું હશે. પણ કોઇ માહિતી ગુપ્ત હોય તો કોઇ તેને વારંવાર પુનરાવર્તીત કેમ કરતું હશે? શું સાચે જ આ સંદેશામાં કંઈ અગત્યની વસ્તુ છુપાયેલી હશે કે જેને અમે સમજી નહીં શકતા હોઈયે?? આવા તો કેટલાય પ્રશ્નો મારા મગજમાં ધુળનાં વંટોળની જેમ ઘુમવાં લાગ્યાં. હવે, મને વેદની વાતની ગંભીરતા સમજાતી હતી. કેટલીય વાર સુધી અમે અેમના એમ બેસી રહ્યા. અચાનક રૂમનો દરવાજાનો ખખડવાનો અવાજ સંભળાયો. તે જોઈને વેદ સફાળો ઊભો થઈ ગયો.

     " છોકરાઓ, શું કરો છો અંદર ? ચાલો નીચે આવો તમારા માટે નાસ્તો તૈયાર છે. ભાવિક ક્યારનો તમારી વાટે બેઠો છે. " મમ્મીનો અવાજ સાંભળતા અમને શાંતિ થઈ. 

       " હા, મમ્મી આવ્યા " તેમ કહી તેણે દરવાજો ખોલ્યો. અમે એક બીજા સામે જોતા ધીમેથી હસ્યા. અમે નીચે ઉતર્યા તો નાસ્તો તૈયાર હતો. અમે નાસ્તાને પુરતો ન્યાય આપ્યો.
  
        લગભગ સાંજના સાડા પાંચ વાગ્યા હશે, અમે ત્રણેય વેદનાં ગામમાં ફરવા નીકળ્યા. ગામ પણ શહેરોને શરમાવે તેવું હતું. અહીં સોલર લાઈટ, બાયોગેસ પ્લાન્ટ...વગેરે ઉપરાંત wi-fiની સુવિધા પણ ફ્રી કરવામાં આવી હતી. આ બધી સુવિધાઓનો શ્રેય પ્રોફેસર વિનોદનો હતો. તેમ જણાવતા વેદ બોલ્યો " પ્રો. વિનોદ ખુબ જાણીતા  ખગોળશાસ્ત્રી છે. અવકાશનાં કોઈ અજાણ્યા પદાર્થની શોધ માટે તેમને રાષ્ટ્રીય પારીતોષીત  પણ મળેલ છે. તેઓ આપણા ઘરની પાછળ જ રહે છે. પણ ઘણાં સમયથી તેઓ દેખાયા નથી.  " 
  
         આમ પણ વેદનું ઘર છેક ગામને છેડે હતું. પાછળની તરફ ખુલ્લી જગ્યા પડી હતી તેમાં આછા પાતળા ઝાડી-ઝાંખરા હતા અને ત્યાર બાદ ખેતરો શરુ થતાં હતા. ત્યાં બાજુમાં પડેલાં જાણીતા નહીં પણ થોડાં વિચીત્ર લાગતાં ઘરમાં આવી હસ્તી રહેતી હશે તેની મને જાણ ન હતી. ખગોળશાસ્ત્રી હોવાંની વાત સાંભળતા  જ ભાવિક બોલી ઉઠ્યો, " તો તો તેમની પાસે દૂરબીન પણ હશેને... મારે પણ તેનાથી અવકાશનાં તારા જોવા છે. " 
    
         તેની વાત સાંભળી વેદે કહ્યુ, " ચાલો, આપણે તેનાં ઘરે જઇએ" અમે તેના ઘર તરફ આગળ વધ્યા.
પણ તેના ઘરનો દરવાજો બંધ હતો તેથી અમે પ્રોફેસરનાં ઘરે જવાનું ટાળી વેદનાં ઘરે આવવાં  નીકળ્યા. 

         અમે  ઘરે પહોંચ્યા ત્યાં વેદની મમ્મીએ સાંજની રસોઈ તૈયાર રાખી હતી. અમે પેટ-પુજા કરી અગાસી પર આવ્યા. આકાશમાં અંધકાર છવાયેલો હતો. કોઇક કોઇક તારાઓનો મંદ પ્રકાશ આવતો હતો. ચંદ્ર પણ વાદળોની વચ્ચે વચ્ચે પોતાનો આછો પ્રકાશ પાથરી રહ્યો હતો અને ઠંડા પવનની લહેરખી પણ આવતી હતી. આવા વાતાવરણમાં અમે વાતોએ વળગ્યા. વાતોમાં ને વાતોમાં ક્યારનાં 12 વાગી ગયા તેનું ધ્યાન જ ન રહ્યું. ભાવિક તો અમે આવ્યા તેની પાંચ જ મિનીટમાં ત્યાં સુઈ ગયો હતો. આમ પણ તે ગમે તેવી સ્થિતીમાં ઝડપથી સુઈ જતો આજે તો વાતાવરણ પણ તેને સાથ આપતું હતું. 

           વેદની વાતો પરથી લાગતું હતું કે જાણે તેને સંદેશા ઉકેલવાનું ભુત ના ચડ્યું હોય. તેની વાત સાચી હતી પણ તેની વાસ્તવિકતા વિશે કંઈ કહી શકાય તેમ ન હતું. સંદેશામાં શું હશે? તે ક્યાંથી આવતા હશે??તેને કોણ મોકલતું હશે??? આવી પ્રશ્નોની હારમાળામાં ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. 

               અચાનક જોરથી પવન ફૂકાવાં માંડ્યો. અમે આેઠેલી શાલો હવામાં ઉડવાં લાગી. આ બધું અચાનક થતું જોઈ ભાવિક તો હેબ્તાઈ જ ગયો, પણ વેદ જાણે કે આ બધુ જાણતો હોય તેમ આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેના ઘર પાછળ આવેલાં વૃક્ષો ભારે પવનને કારણે આમ-તેમ ફંગોળાવાં લાગ્યા. પરંતુ અચાનક કંઈ ન થયું તેમ બધું શાંત થઈ ગયું. અમને શાંતિ થઈ, પણ અમે કંઈ સમજીયે તે પહેલાં જ આકાશમાં વાદળોની પાછળ અેક ચમકારો દેખાયો અને અચાનક અષ્ટકોણ આકારનું આછો વાદળી રંગ પાથરતું અને હજારો નાની નાની બારીઓ ધરાવતું, પહેલા ક્યારેય ન જોયુ હોય તેવું વિશાળ યાન અમારી તદ્દન ઉપરની તરફ આવી ઊભું રહ્યું. અમે કંઈ વિચાર્યે તે પહેલા 
આંખો આંજી નાખે તેવો પ્રકાશનો તેજ લીસોટો અમારી ઉપર આવ્યો. કોણ જાણે કેમ પણ મને પૃથ્વી પરનું ગુરૂત્વાકર્ષણ ઘટતું જણાતું હતું. અમારા  આશ્ચર્ય વચ્ચે અમે એ યાન તરફ ખેંચાવાં લાગ્યાં. અમે રાડો પાડતાં હોય તેવું લાગતું હતું પણ અેકેયનો અવાજ સંભળાતો ન હતો.

                   હવે તો અમે તદ્દન હવામાં ઉડવા જ માંડ્યા હોય તેવું લાગ્તું હતું. અચાનક યાનના તળીયે રહેલો લગભગ 400 મીટર જેટલો અાઠ ત્રિકોણ ખડકીવાળો દરવાજો ખુલ્લી ગયો. હવે, અમે દરવાજાની તદ્દન અંદર પહોચીં ગયા. મને તો એ કોઈ સપનાંની માફક લાગતું હતું. પછી અચાનક એ દરવાજો કોઈ પણ જાતનાં અવાજ વગર બંધ થઇ ગયો. અચાનક એક જોરદાર જટકો લાગ્યો અને અમે દરરવાજા પર પડ્યા. 

              અંદર સફેદ પ્રકાશ સીવાય કશું દેખાતું ન હતું. અમે માંડ ઊભા થયાં હઈશું ત્યાં ખુબ જ તીવ્રતાનો કંઈક વિચિત્ર પ્રકારનો અવાજ સાંભળાયો. (Pihs apek tseb dlrow eht ni era uoy Sdneirf emoc lew ) અમે બધાં ધ્યાનથી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતાં હતાં પણ એકેયને અેક પણ અક્ષર સમજાતો ન હતો. અચાનક સફેદ રંગનો પ્રકાશ ઝાંખો પડવાં લાગ્યો અને અવાજ પણ ધીમો પડવાં લાગ્યો. ઝાંખા પ્રકાશમાં કાળા રંગની કોઈ વિશિષ્ટ આકૃતિ અમારી નજીક આવતી દેખાતી હતી. 


                  વેદે મારી સામે જોયું. મને મનમાં ઘણાં પ્રશ્નો થવા લાગ્યાં. અે આકૃતિ કોણ છે? એ કોઈ મનુષ્ય જ છે કે.....? ....કે કોઈ પરગ્રહવાસી?? અત્યારે અમે ક્યાં છીએ ??  તે અમને ક્યાં લઈ જાય છે ? શું પેલાં સંદેશાઓ તેના દ્વારા જ મોકલાતાં હશે ? તેનાથી તે અમને શું જણાવવા માગતાં હશે? તેઓ એ અમને કેદ તો નથી કર્યાને...? શું વેદને આ વાતની જાણ થઈ ગઈ હશે? તે મારાથી કાંય છુપાવતો હતો કે..?? આમ તો પરગ્રહવાસી અંગેનાં ઘણાં મંત્વયો છે પણ પ્રશ્ન તો ત્યાજ આવીને ઊભો રહે છે કે સાચ્ચેજ પરગ્રહવાસી છે કે નહીં.? 
__________________________________
THANK U 4 READING THIS CHAPTER 
તમને શું લાગે છે સાચ્ચે જ કોઈ એલીયન્સ હશે??
-×---××------------------------------------------ - -
THE NEXT PART WILL BE COMING VERY SOON.....
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈