Dhingli in Gujarati Short Stories by Vrunda books and stories PDF | ઢીંગલી

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઢીંગલી

“૨૦ સપ્ટેમ્બર ૨૦૫૦...” સુકેતુ હાથમાં ચાનો કપ પકળીને છાપામાં લખેલ તારીખને તાકી રહ્યો હતો. તેના પિતાજીએ સુકેતુને વિચારમગ્ન અવસ્થામાં જોઇને કહ્યું, “શું વિચારે છે, સુકેતુ?” સુકેતુ પોતાના વિચારોમાં ખોવાયેલો હોવાથી પિતાજીને સાંભળી શક્યો નહિ. પિતાજીએ થોડા ઉચા અવાજે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, ત્યારે સુકેતુ પોતાની વિચાર-તંદ્રામાંથી જાગ્યો, “કઈ નહિ પપ્પા, આજે ૨૦ તારીખતો થઇ, હમણાં ત્રણ દિવસ પછી આર્ષવીનો જન્મદિવસ આવશે, કંઈકતો કરવુંજ પળશેને?” આવું કહેતા સુકેતુના ચહેરા ઉપર અને અવાજમાં કંટાળો સ્પષ્ટ વર્તાતો હતો. તેની આ વાત સાથે પિતાજીએ ન તો કોઈ દલીલ કરી, ન તો કોઈ સલાહ આપી કે ન તો કોઈ સુજાવ આપ્યો, તેઓ જાણતા હતા કે માત્ર ૮-૯ માસ પહેલા પરણીને આવેલ પુત્રવધુ પોતાની સ્કુલે જવા બહારતો નીકળી છે, પણ તેના પગ દરવાજા પાસે થંભી ગયા છે. સુકેતુની વાત સાંભળીને તેને ખુબ દુઃખ પહોચ્યું હશે. સુકેતુની વાત તો સતત ચાલુજ હતી “હમણાં બે મહિના પહેલા મમ્મીનો જન્મદિવસ ગયો ત્યારે આર્ષવીએજ બધું આયોજન કર્યું હતું, એટલે આપણે હવેતો કરવુજ પડશેને...” પિતાજીએ તેને હાથનો ઈશારો કરી અટકવાનું સુચન કર્યું પણ સુકેતુએ તેને અવગણી સતત બોલવાનું ચાલુ રાખ્યું, તે દરમ્યાન પિતાજીએ જોયુંકે દરવાજાની બહાર થંભેલા પગ ચાલ્યા ગયા હતા. પિતાજી ઉભા થઈને બારણું ખોલી બહાર આવ્યા ત્યારે તેમની પુત્રવધુ આર્ષવી હળવા હાથે ઘરનો મુખ્યદ્વાર બંધ કરી કહી હતી, તેની નજર પિતાજી ઉપર પડતાજ રોજની જેમ તેણે સ્મિત કર્યું, હાથ ઉચો કરી આવજો કહ્યું અને એકટીવા સ્કુલની દિશામાં દોડાવી મુક્યું. આર્ષવીના ખંજનવાળા સ્મિત પાછળ છુપાએલી ભીનાશ સુકેતુના પિતાજી જોઈ શક્યા પરંતુ કશું કહી શક્યા નહિ ... ન તો સુકેતુને ... ન તો પુત્રવધુ આર્ષવીને...

સુકેતુના ઘરમાટે આ વાતાવરણ નવું નહતું. ૩૦ વર્ષની ઉમરે પણ સુકેતુ હજી નાના બાળક જેવું વર્તન કરતો, વાત-વાતમાં તાણ અનુભવતો, નાની-નાની વાતોમાં ખોટું લગાડતો અને સામે વાળું વ્યક્તિ વાત ના સાંભળેતો ખુબજ ઊંચા અવાજે સમજવાનો પ્રયત્ન કરતો, આમતો સુકેતુ ખુબજ લાગણીશીલ હતો, આથી સુકેતુ સાથે વાત કરતા સમયે પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવું પડતું, અરે... ધ્યાન શું... હકીકતમાંતો તેને લાડ જ લડાવવા પડતા. સુકેતુના માતા-પિતા માટે આ નવું ન હતું અને અજુકતું પણ ન હતું, પરંતુ આર્ષવીને આવું વર્તન ખુબજ વિચિત્ર લાગતું.

આર્ષવી અને સુકેતુના પ્રેમ વિવાહ થયા હતા. એક વર્ષ પહેલા બેન્ને એક સેમીનારમાં મળ્યા હતા. ત્યાની આર્ટ-ગેલેરીની કેન્દ્રીય ચિત્રકાર આર્ષવી હતી અને સાથે-સાથે શહેરની પ્રખ્યાત સ્કુલમાં શિક્ષિકા પણ હતી. તે જ સેમીનારમાં ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટ માટેના વર્કશોપમાં સુકેતુ આવ્યો હતો. તે એક પ્રાઈવેટ કંપનીમાં ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટ મેનેજર હતો. સુકેતુના વર્કશોપમાં મધ્યાહન ભોજન માટેનો વિરામ જાહેર કરવામાં આવ્યો એટલે તે સમય દરમ્યાન સુકેતુએ આર્ટ ગેલેરીની મુલાકાત લીધી, તેમાં એક દ્રૌપદીનું ચિત્ર હતું, તે જોઇને સુકેતુ ખુબ પ્રભાવિત થયો હતો. આ ચિત્રના ચિત્રકાર વિષે મેનેજરને પૂછતા મેનેજરે તેની મુલાકાત આર્ષવી સાથે કરાવી હતી. ૨૮ વર્ષીય આર્ષવી ઘૂંટણ સુધીના ફ્રોકમાં સજ્જ તેના બ્લંટ-કટ વાળમાં બેફીકરાઇ સાથે હાથ ફેરવતા સુકેતુ તરફ આવી ત્યારે સુકેતુને માનવામાં ન આવ્યું કે આ ઢીંગલી સમાન દેખાતી માસુમ ચિત્રકાર ૨૮ વર્ષની સ્ત્રી છે! આર્ષવીના ચહેરા ઉપરની નિર્દોષતા અને સતત રમતા ખંજન વાળા સ્મિતના કારણે કોઈ તેને ૧૭-૧૮ વર્ષથી વધારે ઉંમરની માની શકતું નહિ. આર્ટ ગેલેરીના મેનેજરે બન્નેને એકબીજાનો પરિચય કરાવ્યો અને બન્ને વચ્ચેનું એ પ્રથમ હસ્તધૂનન પ્રથમ નજરના પ્રેમમાં ક્યારે ફેરવાઈ ગયું તેનું બન્ને ને ભાન જ ના રહ્યું. શહેરના વિવિધ રેસ્ટોરંટ, બાગ-બગીચા, સિનેમા હોલ કે અન્ય કોઈ સ્થળો તેમના પ્રેમના સાક્ષી નહતા બની શક્યા. કારણકે ૩૦ વર્ષીય સુકેતુએ ૨૮ વર્ષીય આર્ષવી સમક્ષ ચોથીજ મુલાકાતમાં પોતાના પ્રેમની કબુલાત કરી હતી, અને આર્ષવીએ પણ તેજ સમયે તેનો સ્વીકાર કર્યો હતો! બસ ત્યારબાદ બન્નેના માતા-પિતાની પરવાનગીથી સમાજમાં શોભે તેવી ધામ-ધૂમ સાથે આર્ષવી-સુકેતુ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્નના થોડા સમય બાદ આર્ષવી સમજી ગઈ હતી કે સુકેતુની જે સાદગી, પ્રેમાળ વાતો અને પારદર્શકતાને તે પરણી હતી, તે લગ્ન બંધનના દબાણ હેઠળ દબાઈ ચુકી હતી, સતત કામ અને પરિવારની જવાબદરીની ચિંતામાં રહેતો સુકેતુ ક્યારેય સંપૂર્ણ પણે આર્ષવીની સાથે સમય વ્યથિત કરી શકતો નહિ. જયારે આર્ષવીના નિર્દોષ ચેહરા સામે જોતો અને સુકેતુના મનમાં પ્રેમ ઉભરાતો ત્યારે તે આર્ષવીને કહેતો “મારી ઢીંગલી! આજે પણ હું તને એટલોજ પ્રેમ કરું છું જેટલો પ્રેમ તને પહેલા કરતો હતો!” બસ માંડ મળેલ એકાંતની ક્ષણોમાં આટલું કહી એક હુંફાળું આલિંગન આપી ચાલ્યા જતા સુકેતુને આર્ષવી નિહાળતી રહેતી. પહેલા-પહેલા આર્ષવીને સુકેતુ “ઢીંગલી” કહી બોલાવતો તો તે ખુબ હરખાતી, પણ ધીમે-ધીમે તે કંટાળવા લાગી. સુકેતુની એકની-એક વાત અને વ્યસ્તતાના રોદણા સાંભળીને તે થાકી ગઈ હતી, તે સુકેતુને સમજાવવાનો પ્રયત્ન કરતી તો સુકેતુ તેની સમક્ષ પણ ખુબજ ઉચા આવજે વાત કરતો, સુકેતુને હંમેશા લાગતું કે તે આર્ષવી કરતા ચઢિયાતો છે, અને આર્ષવી સાથે લગ્ન કરીને તેણે આર્ષવીનું જીવન ધન્ય કરી દીધું છે. એટલેજ તો આર્ષવી તેને કોઈ મુશ્કેલી જણાવેતો સુકેતુ ને લાગતું કે આર્ષવી તેનો વાંક કાઢે છે, આથી આર્ષવીએ હવે પોતાના હોઠ સીવી લીધા હતા. તે સમજતી હતી કે સુકેતુ આવો નથી માત્ર પરિસ્થિતિ તેની તરફેણમાં નથી. આથી આર્ષવી પોતાની સ્કુલ અને આર્ટ-ગેલેરીમાં મહતમ સમય વિતાવતી, સફળતાના એક પછી એક શિખરો સર કરતી અને બને તેટલું ખુશ રહેવાનો પ્રયત્ન કરતી. આમ એકજ છત નીચે રહેતા અને લગ્ન બંધનથી બંધાયા હોવા છતાં આર્ષવીએ ક્યારેય સુકેતુને બાંધ્યો નહિ અને સુકેતુએ આર્ષવીને બાંધવાનો પ્રયત્ન કર્યો પણ તે બંધાઈ નહિ. ત્રણ દિવસ પછી જયારે આર્ષવીનો જન્મદિવસ આવ્યો ત્યારે પણ આર્ષવીએ ન તો સ્કુલમાં કે ન તો આર્ટ-ગેલેરીમાં રજા લીધી, તેને આમ પણ પોતાનો જન્મદિવસ ઉજવવો ગમતો નહિ. આર્ષવી જયારે સાંજે તેની આર્ટ-ગેલેરીમાંથી પાછી ફરી ત્યારે તેના ઘરે સુકેતુનો મિત્ર વિહાન બેઠો હતો અને તેની સાથે એક નાજુક-નમણી સ્ત્રી બેઠી હતી. આર્ષવીના આવતાની સાથેજ વિહાન ઉભો થયો અને એક મોટી ભેટ તેના હાથમાં આપતા બોલ્યો “જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ... ચિત્રકાર આર્ષવી...” આટલું કહેતા તેણે પોતાની સાથે બેઠેલી સ્ત્રી સમક્ષ આંખો નચાવી આર્ષવીને પૂછ્યું “આર્ષવી... पहेचानो ये कोन हे?” આર્ષવી તેને ઓળખી ના શકી એટલે તેણે મુજવણ ભરી નજરે સુકેતુ સમક્ષ જોયું, સુકેતુ પણ ભ્રમરો નચાવી અને કટાક્ષમાં બોલ્યો “આર્ષવી , આ વિહાન છુપો રુસ્તમ નીકળ્યો, આપણને લગ્ન પહેલા કહેતો હતો કે તમે બન્ને પરણશો નહિ અને પોતે ક્યારે લગ્ન કરી લીધા જણાવ્યું પણ નહિ? વિહાન, ભાઈ તું તો મહાકંજૂસ નીકળ્યો આમારા લગ્નમાં આવ્યો નહિ અને પોતાના લગ્નમાં અમને બોલાવ્યા નહિ...” સુકેતુએ મિત્ર સમક્ષ નારાજગી દર્શાવી અને આર્ષવી આશ્ચર્ય સભર ફાટી આંખે વિહાન સામે તાકી રહી. તેને માનવામાં નહતું આવતું કે વિહાન એ ખરેખર લગ્ન કરી લીધા છે. વિહાનએ તેની બાજુમાં બેઠેલી સ્ત્રીની ઓળખાણ કરાવતા કહ્યું “આ છે વિદ્યા... મારા જીવનની સૌથી મોટી સફળતા...” વિદ્યા ઉભી થઇ અને આર્ષવી સમક્ષ હસ્તધૂનન કરવા હાથ લંબાવ્યો, આર્ષવીએ પણ હસીને તેની સાથે હાથ મિલાવ્યો. આર્ષવી રસોડામાં ગઈ અને બધા માટે કોફી લઈને આવી, સુકેતુ અને વિહાન બન્ને વાતોએ વળગ્યા હતા, અને વિદ્યા નિષ્પલક આંખે બન્નેને તાકી રહી હતી. વિદ્યા જેવી રીતે તાકી રહી હતી તે જોઈ આર્ષવીને અજુગતું લાગ્યું પણ તેની અવગણના કરી આર્ષવીએ વિદ્યાના હાથમાં કોફીનો કપ આપ્યો અને તેની બાજુમાં બેઠી. કોફી જોતાજ વિદ્યાએ વિહાનની સામે નજર કરી અને વિહાનએ કહ્યું “આર્ષવી, વિદ્યા કોફી નહિ પીવે, આજે તેનો ઉપવાસ છે!” આર્ષવીએ સામે વિવેક કર્યો “તો બીજું કશું લાવું? લીંબુ શરબત?” ત્યારે વિદ્યાએ ઉત્તર આપ્યો “આજે મારો નિર્જળા ઉપવાસ છે.” આ સાંભળીને વિહાનની આંખોમાં જે ચમકારો થયો તે આર્ષવીથી છુપો રહી શક્યો નહિ. પણ તેની અવગણના કરી તેણે વિદ્યા સાથે વાતો કરવાની શરૂઆત કરી. “વિદ્યા, તમે શું કરો છો?” વિદ્યાએ એજ આરોહ-અવરોહ વગર જવાબ આપ્યો “હું હાઉઝ વાઈફ છું” આ સાંભળી આર્ષવીને વધારે નવાઈ લાગી, તેની માતા ઘણી વાર કહેતી “આર્ષું.. તારી નાની ખુબજ પ્રેમાળ હતી, આપણે બધા તો ખુબજ આઝાદ છીએ આપણા આખા કુટુંબમાં માત્ર તારી નાની જ હતી જે હાઉઝ વાઈફ હતી અને ઘરના તમામ સદસ્યોની જીણામાં-જીણી જરૂરિયાતનું તેમણે ધ્યાન રાખ્યું છે. તું કે હું આવું બધું ના કરી શકીએ!” આર્ષવીએ પાછલા એક દાયકામાં કોઈ સ્ત્રી એવી નહતી જોઈ જે હાઉઝ વાઈફ હોય આથી વિદ્યાની વાત સાંભળી તેને ભારોભાર આશ્ચર્ય થયું. તેણે વિદ્યા સાથે ખુબ બધી વાતો કરી, તેના જ્ઞાનથી આર્ષવી અને સુકેતુ ખરેખર પ્રભાવિત થયા અને આખરે આર્ષવીએ કહ્યું “વિદ્યા... એકદમ સાચું નામ આપ્યું છે તમને, ખરેખર તમારી પાસે તમામ ક્ષેત્રોની ખુબજ ઊંડી સમજ છે.” સામે વિહાનએ પણ વિદ્યાના વખાણ કર્યા “હા, સાચી વાત છે, સુકેતુ- આર્ષવી તમે લોકો નહિ માનો પણ વિદ્યા ક્યારેય મારાથી નારાજ નથી થતી, મારું ઘર ખુબજ સરસ રીતે સાચવે છે, અને આજ દિવસ સુધી કોઈ ફરિયાદ નથી કરી, બોલો આજના જમાનામાં આવી પત્ની સ્વપ્ન સમાન લાગે!” વિહાન નું આ વાક્ય સાંભળી સુકેતુ આર્ષવી સામે જોઈ રહ્યો અને આર્ષવીએ નજર જુકાવી દીધી. વિહાનએ જતા-જતા સુકેતુને કહ્યું “યાર, મારું એક ખુબ મોટું કામ પતિ ગયું છે, એટલે કંપની તરફથી મને ૧૦ દિવસ માટે સિંગાપુરનું હોલીડે પકેજ મળ્યું છે, એપણ વિથ ફેમીલી! મારા માતા-પિતા તો નથી આવવા માંગતા પણ તું અને આર્ષવી આવશો તો ખુબ મજા આવશે, આમ પણ તમને લગ્નમાં નથી બોલાવી શક્યો, તો એવું સમજીલો કે મારા ડેસ્ટીનેશન વેડિંગમાં આવો છો...” આટલું કેહતા વિહાન ખળખળાટ હસી પડ્યો અને સુકેતુ, આર્ષવી, વિદ્યા તેની સાથે જોળાયાં.

સુકેતુ-આર્ષવી અને વિહાન-વિદ્યા સિંગાપુર જવા રવાના થયા. વાતો કરતાં કરતાં અને ફોટા પડાવતા પડાવતા ચારેય મિત્રો સીંગાપુર પહોચી ગયા. સુકેતુ અને આર્ષવી પણ ઘણા સમય બાદ એકાંત માણી રહ્યા હતા. વિહાનને વિદ્યા સાથે આટલો ઓતપ્રોત જોઈ સુકેતુએ આર્ષવીને કહ્યું “વિહાન કોલેજના સમયથી ખુબજ ધુનિ વ્યક્તિ રહ્યો છે, તે હંમેશા તેના વાંચનમાં વ્યસ્ત રહેતો આજે તેને આવી રીતે વિદ્યાનું ધ્યાન રાખતા જાઉં છું, તો ખુબજ નવાઈ પામું છું. અને વિદ્યાથી તો હું ખુબજ પ્રભાવિત છું. આર્ષવી... વિદ્યા ખરેખર ખુબજ સમજદાર અને સંતોષી છે, આપડે લોકો પાછલા ૩ દિવસ થી સાથે છીએ, વિદ્યાએ ન તો કોઈ માંગણી કરી, ન તો કોઈ છણકો કર્યો, ન કોઈ બાબત ઉપર નારાજગી દર્શાવી, કે ન કોઈ બાબત માટે ઘેલછા! તને નવાઈ લાગશે આર્ષવી જ્યારે તું તારા શોખ માટે સ્કાઇ ડાઈવિંગ કરવા ગઈ, ત્યારે વિહાનને કઈક ખુબજ અગત્યનું કામ આવી ગયું અને વિહાન લગભગ આખો દિવસ તેના આઇ-પેડ માં વ્યસ્ત રહ્યો, અને વિદ્યા અહી ક્લબ હાઉઝમાં શાંતિથી બેઠી હતી, મે તેને પૂછ્યું પણ ખરું તો તેને હસીને માત્ર એટલો જવાબ આપ્યો કે હું વિહાનની રાહ જાઉં છું, આર્ષવી… તેના મુખ ઉપર હંમેશા હાસ્ય રમતુંજ હોય છે, અને એવું નથી કે તે હોશિયાર નથી, તેની પાસે તો જ્ઞાનનો ધોધ છે. જ્યારે આખા દિવસના કામ પછી વિહાન પાછો ફર્યો ત્યારે પણ વિદ્યાએ તેને પ્રેમાળ આલિંગન આપ્યું અને માત્ર એટલુજ પૂછ્યું કે તેનું કામ પતિ ગયું? ખરેખર... ન કોઈ આક્રોશ, ન કોઈ તાણ... વિહાન તેને મળીને એટલો ખુશ થયો... ” સુકેતુ વિદ્યાથી સંપૂર્ણ પણે પ્રભાવિત હતો અને વિહાન માટે અત્યંત ખુશ, તે સતત વિદ્યાના વખાણના સેતુ બાંધી રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન ન હતું પણ આર્ષવીની આંખોમાં અશ્રુબિંદુ આવી ગયું હતું. તે સ્પષ્ટ પણે સમજી શકતી હતી કે સુકેતુ તેને ખૂબ પ્રેમ કરે છે, પણ તેની નારાજગી, આક્રોશ, માંગણી, ગમા-અણગમાને સ્વીકારી શકતો નથી. આર્ષવીનો મનમાં ધરબાઇ રહેલો આક્રોશ ઉછડ્યો અને સુકેતુનો હાથ પકળીને તેને રૂમમાં લઈ ગઈ, સુકેતુ અવાક થઈ તેની પાછળ લગભગ ઢસળાયો, રૂમમાં પહોચતા આર્ષવી ચિખી ઉઠી “સુકેતુ... તને ખરેખર લાગે છે કે હું તારા લાયક નથી.. મે હંમેશા તારા વર્તનમાં જાણતા-અજાણતા સુપિરિયારીટીનો અનુભવ કર્યો છે. મારા સલાહ-સૂચન તું ના માંગે તેનો વાંધો નહીં, પણ મારા ઉપર વણમાંગેલી સલાહો તારી સતત ચાલુ હોય છે, હું જાણું છું કે તું મને ચાહે છે, પણ તારું વર્તન હંમેશા અડછતું રહ્યું છે, તારા પરિવાર સામે મારો હાથ પકડતા આજે પણ તું અચકાય છે, તે ક્યારેય સામેથી આપણાં સંબંધમાં ઉમળકો નથી દર્શવ્યો, અને જ્યારે મે દર્શાવ્યો ત્યારે તે ઊચા અવાજે ધમકાવી મને ચૂપ કરી દીધી, હા.. સુકેતુ… છે મને તારાથી નારાજગી.. પણ તું એ સ્વીકારી શકતો નથી. તે હંમેશા મને તારાથી દૂર રાખી, અને જ્યારે તું ઈચ્છે ત્યારે હું હસીને તારી પાસે આવું એવી તે આશા રાખી એવું કઈ રીતે શક્ય બને સુકેતુ?” આર્ષવીની આંખોમાંથી અશ્રુ ધારા વહી રહી હતી, તેનો ગુસ્સો હવે રુદનમા પલટયો હતો, હીબકાં ભરતા-ભરતા તે સુકેતુને કહી રહી હતી “તું મને સાચું કહેતો હતો સુકેતુ... તારી ઢીંગલી છું ને હું.. એટલે તને જ્યારે ઈચ્છા થાય ત્યારે તું કબાટ માથી તેને બહાર કાઢે અને ઢીંગલી તને હસતી-ને-હસતી મળે.. પણ મને અફસોસ થાય છે સુકેતુ... હું તારી ઢીંગલી નહીં બની શકું... મને માફ કરી દે સુકેતુ... પણ હું સમય સાથે તારી રાહ નહીં જોઈ શકું.. આપણો સમય વીતી ચૂક્યો, મારા મનમાં અંતર અંકાઇ ચૂક્યું છે સુકેતુ... હું પોતે પણ એ અંતર કદાચ નહીં કાપી શકું, મને માફ કરી દે સુકેતુ... હું તારી ઢીંગલી નહીં બની શકું...” આર્ષવી સુકેતુને હચમચાવી તેનો આક્રોશ ઠાલવી રહી હતી, સામે સુકેતુની આંખો પણ કોરી ન હતી તે સમજી શકતો હતો કે આર્ષવી ખોટી નથી પણ તે પોતાની જાતને પણ ખોટી માની નહતો શકતો. સુકેતુએ આર્ષવીને ખભાથી પકળીને પોતાના આલિંગનમા જકડી લીધી. બન્ને એકબીજાના આસુંઓમા ભીંજાઇ રહ્યા હતા ત્યારે વિહાનના રૂમમાથી શોર્ટ-સર્કિટ થઈ ધડાકો થયો હોય તેવો આવાજ આવ્યો, આર્ષવી અને સુકેતુ આવાજની દિશામાં દોડ્યા.. અને વિહાનના રૂમની બહાર ઊભા રહી બારણું ખખડાવી રહ્યા હતા, થોડીક ક્ષણોના વિલંબ પછી વિહાનએ ખુબજ ગભરહટ સાથે બારણું ખોલ્યું અને સુકેતુને કહ્યું “સુકેતુ, અહિયાં બધુ બરાબર છે, તમે લોકો હમણાં અહીથી ચાલ્યા જાઓ... હું થોળીવાર પછી તમને મળું છું.” વિહાનના સ્વરમાં ગભરહટ અને આજીજી સ્પષ્ટ સંભળાતા હતા, સુકેતુ પરિસ્થિતી માપીને વિહાનના રૂમમાં ધસી ગયો, તેની પાછળ-પાછળ આર્ષવીએ પણ દોટ લગાવી, વિહાનએ ગભરાઈને બારણું બંધ કર્યું અને અંદર પ્રવેશ્યો, સુકેતુ અને આર્ષવી ફાટી આંખે વિદ્યા સામે તાકી રહ્યા હતા. વિદ્યાનું શરીર અસંખ્ય વાયરો સાથે જોડાએલું હતું અને તેના મસ્તિષ્ક ઉપર એક ‘Virtual Head Set’ લાગેલ હતો વિહાનના Laptop માં સતત Error ના મેસેજ બતાવતા હતા, સુકેતુ-આર્ષવી મુંજાએલા ચહરે વિહાન સામે તાકી રહ્યા હતા. વિહાન પાસે સમગ્ર સત્ય કહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહતો, તેણે સુકેતુ અને આર્ષવીને બેસવાનો ઈશારો કર્યો અને પોતાની વાત કહેવાની શરૂઆત કરી “સુકેતુ, ૧૦ મહિના પહેલા કંપની તરફથી મને એક ખૂબ મોટી તક આપવામાં આવી હતી. અમારી કંપની નો સૌથી મોટા પ્રોજેકટ ‘VIrtual Dynamic HYbrid Artificials - VIDHYA’ માં મને મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો, આ પ્રોજેકટ પાછળ મે મારા દિવસ-રાત એક કરીને આ આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ ધરાવતી સ્ત્રી બનાવી… વિદ્યા, તેને મે બધુજ શીખવાડ્યું, માનવ રીતભાત, સ્ત્રી સહજ હાવ-ભાવ, બોલવા-ચાલવાની રીત... ટુકમાં એક હસતી-બોલતી ઢીંગલી, જે ક્યારેય કોઈ મુંજવણ અનુભવતી નહીં, ક્યારેય કોઈ વિષાદ,ખેદ,ફરિયાદ કશુજ નહીં માત્ર મારી જીવન જરૂરિયાત પ્રમાણે વર્તવાનું. યાદ છે સુકેતુ મે તારા ઘરે કહ્યું હતું કે વિદ્યા મારી સૌથી મોટી સફળતા છે. પણ દોસ્ત, ઢીંગલી અને વ્યક્તિમાં જમીન-આસમાનનો તફાવત છે. તને પણ વિદ્યાને મળીને લાગતું હતુને કે હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું, પણ વિદ્યા મારી પત્ની નહીં મારી સર્જના – એક રોબોર્ટ છે. આજે જ્યારે મારા પિતાજીના દેહાંતના સમાચાર આવ્યા ત્યારે હું ભાંગી પડ્યો, મારા રુદનને શાંત પાળવા વિદ્યા તેના પ્રોગ્રામિંગ પ્રમાણે મને ખભો આપવા આવી, વિષાદ અને દુ:ખના સમયમાં હું ભૂલી ગયો કે વિદ્યા એક મશીન છે, મારા અશ્રુ તેના વાયરિંગ ઉપર પડ્યા અને શોર્ટ-સર્કિટ થઈ, અંદરનો ફ્યુઝ ઊડી જવાથી તમામ વાયરિંગમાં ગુંચવણ ઊભી થઈ ગઈ અને વિદ્યા એક રબરનો ઢેર થઈ ગઈ. પણ અત્યારે હું આ બધુ પ્રોગ્રામિંગ ફરીથી કરવા અસમર્થ છું.” સુકેતુ અને આર્ષવી આશ્ચર્ય સાથે વિહાનની કથની સાંભળી રહ્યા. આખરે સુકેતુએ સ્વસ્થ થઈ બધાના પાછા જવાની વ્યવસ્થા કરી, વિદ્યાને કંપની તરફથી મોકલાવવામાં આવેલ હેલીકોપ્ટર દ્વારા રિસર્ચ સેન્ટર ઉપર લઈ જવામાં આવી. વિહાન વિષાદ સાથે વિચાર મગ્ન આવસ્થામાં ફ્લાઈટમાં બેઠો હતો, સુકેતુ અને આર્ષવી એકબીજાનો હાથ પકળી બેઠા હતા, આર્ષવી સતત બારીની બહાર તાકી રહી હતી અને સુકેતુ ચોપડીના પાનાં ફેરવી રહ્યો હતો. બન્ને પોત-પોતાની રીતે તેમના સંબંધ વિષે વિચારી રહ્યા, બન્નેની વચ્ચે મૌન પથરાયેલું હતું પણ તે મૌન ભારણ વિનાનું હતું!


કથા સાર: વધતાં જતાં મહત્વકાંક્ષી જીવનમાં સંબંધો જરૂરિયાત પર નભવા લાગ્યા છે, તમારું સ્મિત, હાસ્ય, પ્રેમ, વખાણ તો સૌકોઈ સ્વીકારશે, પણ ગુસ્સો, નારાજગી, વિષાદ સ્વીકારનારું કદાચ કોઈ નહીં મળે! દાયકા પહેલા અને દાયકા પછી પણ જીવનના ગણિતનું સૌથી જટિલ સમીકરણ સ્ત્રી-પુરુષનો સંબંધજ છે જેના અંતે હંમેશા પ્રશ્નાર્થ ચિન્હજ રહ્યું છે. આર્ષવી અને સુકેતુ
જેવા કેટલા સંબંધો છે જે સમય સાથે એકબીજા તરફનું અંતર કાપશે કે કેમ તેવું બન્ને વ્યક્તિઓ પોતે પણ નથી જાણતા.