Pratiksha - 32 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૩૨

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રતિક્ષા - ૩૨

“ઉર્વા ઉર્વિલના ઘરે છે.” બંધ આંખે જ તેણે બોમ્બ ફોડી દીધો. કહાન અને દેવ બન્ને બસ તેની બંધ આંખો જોઈ રહ્યા. રચિતે થોડું સ્વસ્થ થતા, અમદાવાદ પહોંચવાથી લઈને ટ્રેઈનમાં મનસ્વી સાથે થયેલી વાત સુધીની બધી જ વાત કહી દીધી. દેવ અને કહાન બન્નેના મસ્તિષ્ક સુન થઇ ગયા હતા.
“તારે પહેલા કહેવાયને હું તને બોલાવત જ નહિ અહિયાં... અમે જ કોઈ રસ્તો કાઢી લેત. એટલીસ્ટ ફોન પર કહી દેવાય...” કહાન રચિત પર ચિડાઈ રહ્યો.
“ઓહ હેલ્લો! તે ઉર્વાથી કંઈ છુપાવ્યું ના હોત તો આ જે કંઈ થયું ને એમાંથી કંઇજ ના થઇ રહ્યું હોત. મને બ્લેમ ના કર.” રચિત પણ સામે જવાબ આપી રહ્યો. કહાનની મુર્ખામીના લીધે ઉર્વા પણ તેની સાથે વાત નહોતી કરી રહી. મનસ્વીએ પણ કહ્યું હતું કે તે રડીને સુઈ ગઈ. અત્યારે તે ક્યાં હશે, શું કરતી હશે કોઈ સમાચાર નહોતા. આ બધું મનસ્વીને ભૂલથી પણ ખબર પડી ગઈ તો તેના પર શું વીતશે તે વિચારીને જ તેનું હ્રદય દ્રવી ઉઠતું હતું.
“રચિત, તું નાહી લે. ફ્રેશ થઇ જા. થોડી ઊંઘ કરી લે પછી નક્કી કરીએ કેમ અને શું કરવું એ. ઉર્વા સેફ છે અત્યારે એટલું ઘણું છે આપણા માટે.” દેવ થોડા સમય માટે વાત ટાળવા માંગતો હતો.
“હું ઘરે જઈશ મારા. મારી મમ્મી પણ ટેન્શનમાં હશે. એમને પણ અત્યારે હજાર જાતના જુઠાણા કહેવા પડશે.” રચિતના અવાજમાં સાફ કંટાળો હતો. તે સોફા પરથી ઉભો થયો ને બેગ ખભે ભરાવા લાગ્યો. દેવને ઈચ્છા થઇ રચિતને રોકવાની પણ અત્યારે તેને રોકીને કોઈ ફાયદો પણ નહોતો. રચિત જે મનઃસ્થિતિમાં હતો અને કહાનની જે હાલત હતી તેમાં બન્ને બહુ ખરાબ રીતે ઝઘડી પડત અને ઉર્વાની વાત બાજુએ રહી જાત. એટલે દેવે તેને જવા દેવાનું જ મુનાસીબ માન્યું.
“પણ ઉર્વા...” કહાન કંઇક કહેવા ગયો પણ દેવે આંખથી જ તેને રોકી દીધો.
“કંઈ પણ ફોન આવશે તો હું ઇન્ફોર્મ કરીશ...” રચિત અને દેવની આંખો અથડાતા રચિત દેવના મનનું સમાધાન કરતા બોલી રહ્યો.
“પણ એના નંબર...” કહાન અધીરો થઇ રહ્યો હતો હવે વાત કરવા ઉર્વા સાથે. રચિત ફક્ત તેની સામે જોઈ રહ્યો. બન્ને વચ્ચે હમણા જ ફરીથી બોલાચાલી શરુ થઇ જશે તેવા આસાર સાફ દેખાઈ રહ્યા હતા પણ દેવ ત્યાં જ વચ્ચે બોલી પડ્યો.
“રચિત તું જા. સાંજે મળીએ આપણે.” દેવના આટલું કહેતા જ રચિત ફ્લેટની બહાર નીકળી ગયો અને કહાન ફરીથી સોફા પર પછડાઈ રહ્યો.

***

સાહિલની બાઈક પર ઉર્વિલ અને સાહિલ ફરીથી એ જ સ્પોટ પર પહોંચ્યા જ્યાં કાર બંધ હાલતમાં પડી હતી. ઉર્વિલને ત્યાં જ કાર પાસે છોડી સાહિલ મિકેનિકને લેવા ચાલ્યો ગયો. કારને જોતા જ ફરીથી અસંખ્ય સ્મૃતિઓ ઉર્વિલને વીંટળાઈ વળી. રેવા સાથેની પહેલી કાર રાઈડથી લઈને ગઈકાલ રાત સુધીની વાતો તેના માનસપટ પરથી એક મુવીની જેમ પસાર થઇ રહી.
તે બધાજ વિચારોને ખંખેરી તેણે ફોન પર નજર કરી. તેણે રાત્રે જ નક્કી કર્યું હતું કે મનસ્વીને પુરેપુરો ઉર્વિલ આપશે. અત્યાર સુધી જે પ્રેમ, સમ્માન અને લાગણી તેણે મનસ્વીને નથી આપી તે બધી જ આપશે.

તેણે તરત જ નંબર ડાયલ કર્યો પણ મનસ્વીનો ફોન ઉપડ્યો જ નહી. ઉર્વિલે ફરીથી ફોન કર્યો અને ફરીથી આખી રીંગ પૂરી થઇ ગયા છતાં ફોન ના ઉપડ્યો. જો બીજો કોઈ દિવસ હોત તો કદાચ ઉર્વિલે ચિંતા પણ ના કરી હોત. તેણે માની લીધું હોત કે મનસ્વી ગઈ હશે ક્યાંક આજુબાજુ અને આવશે ત્યારે ફોન કરશે પણ આજે તેને ચિંતા થઇ રહી હતી. તેણે તરત જ મેસેજ ટાઇપ કરી સેન્ડ કરી દીધો,
“ફ્રી થા એટલે ફોન કરજે. અને ફોન પાસે રાખવાની આદત રાખતી જા.”
મેસેજ મોકલી દીધા પછી પણ તે ફરીથી બે વખત મેસેજ વાંચી ગયો. તે પોતે પણ નહોતો સમજતો કે આવું તેણે લખ્યું છે. અને એ પણ મનસ્વીને લખ્યું છે. તે પોતાની અંદરના પથ્થરને પીગળતા અનુભવી રહ્યો હતો. એક અજબ જ લાગણીમાં વહી રહ્યો હતો.

થોડીવાર પણ નહિ થઇ હોય ને સાહિલ મિકેનિક લઈને આવી ગયો અને અડધી કલાકની અંદર જ કાર ઠીક થઇ ગઈ. સાહિલને કલીનીક જવાનું હતું એટલે સાંજે મળવાનું કહીને તે ચાલ્યો ગયો અને ઉર્વિલ રેવાની કાર ડ્રાઈવ કરીને ફરી રેવાના ફલેટે આવી ગયો. પણ આ વખતે ઉર્વિલ એકલો નહોતો આવ્યો. લેપટોપ અને ડાયરીઓમાં કેદ રેવાનો આખો ભૂતકાળ લઈને આવ્યો હતો. એ ૨૦ વર્ષ લઈને આવ્યો હતો જેમાં ઉર્વિલનું અસ્તિત્વ નહોતું પણ છતાં ઉર્વિલ સિવાય કંઇજ નહોતું.
એક બેડરૂમમાં તે ડાયરીઓનો ઢગલો કરી ત્યાંજ બેડ પર બેસી ડાયરીઓ જોઈ રહ્યો. સફેદ ડાયરીઓ પર સાલની નીચે રેવાના અક્ષરોમાં ક્રમાંક આપેલા હતા.
ધ્રુજતા હાથે ઉર્વિલે ૧ નંબરની ડાયરી ઉઠાવી વાંચવાની શરૂઆત કરી.
“ડીયર ઉર્વિલ,
આજે સવારે જ આમ તો તું ગયો છે અહીંથી. અને તો પણ હું પાગલની જેમ તારા માટે લખવા બેઠી છું. પણ શું કરું વાત જ એવી છે કે લખ્યા વિના રહેવાતું નથી. તારી સાથે ડાયરેક્ટ વાત થઇ શકે એમ નથી એટલે મારી જ ડાયરી સાથે તારી સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું છે. ક્યારેક તું સાથે હોઈશને ત્યારે વંચાવીશ તને આ બધું જ હું.

હવે પોઈન્ટ પર આવું છું. તું ડેડી બનવાનો છે. મને ખબર છે બહુ શોક હોઈશ તું આ વાંચતો હોઈશ ત્યારે બટ આ સાચું છે. આપણું બેબી આવવાનું છે ઉર્વિલ. હું કહી નથી શકતી કે હું કેટલી ખુશ છું. બસ એટલું જ ઈચ્છું છું કે આ ક્ષણે તું સાથે હોત તો..
આઈ વીશ...

તારાથી છુપાવવું નથી મારે કંઈ એટલે સાચું જ કહી દઉં છું આજે સવારે જે કંઈ પણ થયું એ પછી ખરેખર તો જીવવાની ખ્વાહીશ કરતા મોતની ચાહત વધુ થઇ રહી હતી મને. આત્મા અને શરીર બન્ને પર ઉઝરડા પડ્યા હતા આજે. રઘુભાઈના છોકરાઓ સાથે તે સવારે માથાકૂટ કરી હતી એને લીધે રઘુભાઈ પોતે જ અહીં આવ્યા હતા. ધમકાવવા આવ્યા હતા કદાચ પણ પછી મને લોહી નીકળતું જોઈ પોતે જ હોસ્પિટલ લઇ ગયા અને ખબર પડી હું પ્રેગનેન્ટ છું...

આજે સાચે એવું લાગે છે પૂરી દુનિયા મળી ગઈ. આજે રેવા ઉર્વિલમાં ભળી ગઈ.

રાહ જોઉં છું તારી. જલ્દી આવ. તને આ ન્યુઝ આપવા છે.”

પહેલા જ પાનાં ઉપર ઉર્વિલની આંખો સ્થિર થઇ ગઈ. તેની આંખથી નીકળેલા અશ્રુબિંદુઓથી કાગળ ભીંજાઈ રહ્યો. કેટલી હોંશથી લખવાનું શરુ કર્યું હતું રેવા એ! ૨૦ વર્ષ પછી આજે તે વાંચી રહ્યો હતો. તે કેમ આટલો ક્રૂર થઇ શક્યો તેની સાથે. પોતાની જાત સાથે...
અત્યાર સુધી ઉર્વિલને લાગતું હતું કે તેની ભૂલ હતી પણ હવે તે સમજી રહ્યો હતો કે તેનાથી ખરેખર તો ગુનો થયો હતો.
તેનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો તે રૂમમાં. તે તરત જ એ રૂમથી બહાર નીકળી ગયો. હોલમાં આવી ફરી કાઉચ પર રેવા અને ઉર્વાના ફોટોને હાથમાં લઇ ફસડાઈ પડ્યો.

***

કેટલા વર્ષો પછી મનસ્વીને તેનું ઘર ભર્યું ભર્યું લાગતું હતું. લગભગ ૧૦ વર્ષથી તો આ ઘરમાં સુનકાર જ હતો. ફક્ત તે અને ઉર્વિલ. ઉર્વિલ મોટાભાગે ભારે હોય ત્યારે ટીવી જોતો હોય, વાંચતો હોય અથવા ઓફીસનું કામ કરતો હોય. તે બન્ને વચ્ચે વાતો પણ બહુ ઓછી થતી. પણ ઉર્વાના હોવાથી આજે રોનક લાગી રહી હતી ઘરમાં. ઉર્વા અજાણી હતી છતાં તે મનસ્વી સાથે પુરેપુરી ભળી ગઈ હતી. જાણે વર્ષોથી મનસ્વી સાથે માયા હોય તેમજ તે તેની સાથે બંધાઈ રહી હતી.

બપોરે ઉર્વા ટફન ગ્લાસ અને કવર લેવા બહાર ગઈ ત્યારે પીઝા બનાવવાનો સામાન પણ લઇ આવી હતી. મનસ્વીને આમ પણ નવું નવું બનાવવાનો શોખ હતો અને એમાં પણ ઉર્વાના હોવાથી તેનો ઉત્સાહ વધી રહ્યો હતો. બપોરથી બન્ને પીઝા બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા.

મનસ્વીને એટલી તો ખબર હતી કે ઉર્વાની મધરની થોડા સમય પહેલા જ મૃત્યુ થઇ હતી. તેના ફાધર વિષે તે હજી કંઈ જાણતી નહોતી. આ ૧૯ - ૨૦ વર્ષની સતત હસતી છોકરી કઈ પરિસ્થિતિમાં હશે તેનો અંદાજો લગાડવું પણ તેના માટે અઘરું હતું. તેને પૂછવું હતું ઉર્વાને કે આટલી મોટી દુનિયામાં હવે તેનું કોણ? પણ તે કઈ રીતે પૂછવું તે તેને હજુ સમજાઈ નહોતું રહ્યું.
“પીઝા સોંસ રેડી છે. મકાઈ બફાઈ ગઈ છે. ટોપીંગ્સ ચોપ થઇ ગયા છે. હવે ચીઝ ખાલી બાકી રહ્યું.” ઉર્વા હાથમાં પકડેલું બાઉલ ઉત્સાહથી મનસ્વીને બતાવતા બોલી પણ મનસ્વી હજી વિચારોમાં જ ખોવાયેલી હતી. તે ફક્ત ફિક્કું સ્મિત આપી રહી.
“શું થયું તમને?” મનસ્વીનો ફિક્કો ચેહરો જોઈ ઉર્વા બાઉલ સાઈડમાં મુક્ત પૂછી બેઠી.
“કંઈ નહિ.” મનસ્વી વાત ટાળવા માંગતી હતી. હજી બે દિવસથી પણ જે છોકરીને નથી ઓળખતી એને પર્સનલ લાઈફ વિષે પૂછતાં તે ખચકાતી હતી.
“તમારો ચેહરો કહી દે છે કંઇક થયું છે. પ્લીઝ ટેલ મી.” ઉર્વાએ પ્રેમથી મનસ્વીના ખભે હાથ રાખી પૂછ્યું.
“તારા વિષે વિચારું છું... તે કીધું એમ મમ્મી છે નહિ અને તારા પપ્પાને તો કદાચ ખબર પણ નથી. તો તારું શું?? આગળ શું?” મનસ્વી અચકાતા અચકાતા પૂછી રહી.
“મને નથી ખબર...” ઉર્વાએ સ્થિર તેની આંખોમાં જોઈ કહ્યું.
“એટલે?”
“એટલે મને સાચે નથી ખબર આગળ શું કરીશ એ. મુંબઈ મારું ઘર છે જ્યાં જવાની મને કોઈ જ ઈચ્છા નથી. બીજા કોઈ એવા રીલેટીવ નથી જેને ત્યાં જઈ શકાય હવે... એટલે...” આટલું કહી ઉર્વા અટકી ને હસી ને પછી ઉમેર્યું, “એટલે હવે તો રસ્તો લઇ જાય ત્યાં...”
ઉર્વા બહુ શાંતિથી કહી રહી પણ મનસ્વીની અંદર કંઇક હલી ગયું.
આ છોકરીની હિંમત અને કલીયારીટી જોઇને.
મનસ્વીને શું સુજ્યું કે તેણે તરત જ પૂછી નાંખ્યું,
“અહીં રહેવું ગમશે??”

***

(ક્રમશઃ)