Aghor Aatma-20 Sarp-Dansh in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા-૨૦ સર્પદંશ

Featured Books
Categories
Share

અઘોર આત્મા-૨૦ સર્પદંશ

અઘોર આત્મા (ભાગ-૨૦ સર્પદંશ)

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

લેખક : ધર્મેશ ગાંધી

---------------------

(ભાગ-૧૯માં આપણે જોયું કે...

માનવપક્ષીઓ બંને યુવતીઓનાં જુવાન શરીર સાથે અડપલાં કરી રહ્યા હતા. મેગીને નિર્વસ્ત્ર કરીને એની ઉપર તૂટી પડ્યાં હતાં. એટલામાં જ અઘોરી અંગારક્ષતિ ત્યાં પ્રગટ થાય છે. પશુના રક્ત અને ચિતાની રાખથી એક મિશ્રણ બનાવીને અંગારક્ષતિ એ તિમિર, વિલી અને મેગીનાં કપાળે ચોપડે છે. જેથી ત્રણેય પ્રેતાત્માઓ એક નિયત કાળ માટે મનુષ્યરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. પરંતુ, અઘોરી ચેતવણી પણ આપતો જાય છે કે એમણે મનુષ્યને પજવતી દરેક પીડા તથા વેદનાનો પણ સ્વીકાર કરવો પડશે...

હવે આગળ...)

-------------

અમને અંદેશો આવી ગયો હતો કે નવી મુસીબતો અમારા રસ્તામાં વિકરાળ સ્વરૂપ લઈને બહુ જલ્દી હાજર થઈ જશે. અંગારક્ષતિએ પ્રેતાત્માઓને મનુષ્યના શરીર સાથે મનુષ્યને પડનારી તકલીફો પણ અર્પી હતી. શું એ યાતના કોઈ નરકથી પણ બદતર હશે? અમે માત્ર વિચિત્ર કલ્પનાઓ જ કરી શકતાં હતાં. અને એ કલ્પનાઓ અત્યંત ખોફનાક હતી...

અંગારક્ષતિએ વર્ણવેલી ભદ્રકાલીની આ ગુફાના ગૂઢ રહસ્યો મારા મસ્તિષ્કમાં ઉભરાઈ ઊઠ્યાં...

બહારથી નાનું દેખાતું કાલિકા માનું મુખ એ ગુફાનું કોઈ સામાન્ય પ્રવેશદ્વાર નથી. જેમ-જેમ અંદર તરફ જશો તેમ-તેમ ગુફાનું ગર્ભ વિશાળ બનતું જશે. અને એ પ્રવેશદ્વાર સંકોચાતો જશે... કાલીમાનું મુખ ધીમે ધીમે સદંતર બંધ થઈ જશે. તમે ફક્ત ગુફામાં આગળ તરફ વધી શકશો. એ માર્ગે પાછા વળવું અશક્ય બનશે... અંદર માત્ર પથ્થરો અને જંગલી વેલાઓ જ નહિ, પરંતુ પાતાળપ્રવેશ કરી શકો એ દિશામાં વહેતી કાલિંદી નદીનો ધસમસતો પ્રવાહ પણ હશે. જેનો સામનો કરવો એ કોઈ પણ સામાન્ય મનુષ્ય માટે કપરા કાળને નોંતરવા બરાબર હશે!

હું, તિમિર, વિલી અને મેગી – અમારી ચારેય જણની બનેલી ચાંડાલ-ચોકડી ગુફાના અંધકારમાં આગળ વધી. અમારા માટે રોશનીનો સ્રોત હોય તો માત્ર એક મશાલ હતી. કોણે આ અવાવરું ગુફામાં એ મશાલ સળગાવી હશે એ વિચાર મને કંપાવી મૂકવા માટે પૂરતો હતો. અને શું આ ગુફા ખરેખર અવાવરું હશે? નિર્જન હશે? જો નાગવંશના લોકો કે પ્રતાત્માઓ તેમજ ઊડતાં માનવપક્ષીઓ અહીં વસવાટ કરતાં હોય તો ગુફા અવાવરું ક્યાંથી..? વપરાયા વિનાની ક્યાંથી? હું ભયથી હચમચી ઊઠી.

‘આ....’ ઓચિંતી જ તિમિરની ચીસ અમારા કાન સાથે અથડાઈ. ‘ઓ...હ્હ્હ...’ જાણે કે સખત પીડાથી એ ઘેરાઈ રહ્યો હોય એવો એના ગળામાંથી રૂંધાયેલો અવાજ નીકળી રહ્યો હતો.

ઝાંખા અજવાળામાં મેં જોયું કે તિમિરના મોંમાંથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. એણે એનું શરીર એકદમ ઢીલું છોડી મૂક્યું. એના પગ લથડિયું ખાઈને એના શરીરનો ભાર ઊંચકવા માટે અસમર્થ બની ગયા હોય એમ એ ગુફાની પથરાળ જમીન ઉપર ચત્તોપાટ પડી ગયો. અમે દરેક જણ બેહદ ચોંકી ઊઠ્યાં હતાં.

‘તપ્પુ... સાપ...’ મેગીએ ચીસ પાડી.

મશાલની હલકી રોશનીમાં અમે જોયું કે લગભગ છ ફૂટ લાંબો એક સાપ અમારી નજીકની પથરીલી જમીન ઉપરથી સરકતો જંગલી વેલાઓ ઉપર ચઢી રહ્યો હતો.

‘એ ફેણવાળો સર્પ છે – નાગ છે!’ મેં કહ્યું.

‘એ જ નાગ તિમિરને કરડયો લાગે છે, તપ્પુ...’ વિલીએ કહ્યું.

જમીન ઉપર આળોટી રહેલા તિમિરના મોંમાંથી દરિયાના મોજાંમાંથી છૂટા પડતા સફેદ ફીણ જેવું ઘાટું પ્રવાહી વહી રહ્યું હતું. એનું આખું શરીર તરફડી રહ્યું હતું. ધીમે ધીમે લીલાશ પડતો રંગ પકડી રહેલું તિમિરનું ઠંડુ થઈ ચૂકેલું શરીર અમે કસોકસ પકડી લીધું. ઝાંખી રોશનીમાં મેં જોયું કે એના જમણા પગના અંગૂઠા ઉપર નજીક નજીક બે કાણાં પડી ગયાં હતાં, અને એમાંથી રક્ત ઝરી રહ્યું હતું.

‘કાળા નાગનું ઝેર છે. તાત્કાલિક અસર દેખાડશે.’ મેગીએ કહ્યું. ‘ઝેર ચૂસી લેવા સિવાય તિમિરને બચાવવાનો બીજો કોઈ ઉપાય નથી... અઘોરી અંગારક્ષતિએ તિમિરને એક નિયત કાળ માટે પ્રેતાત્મામાંથી મનુષ્યરૂપમાં પરિવર્તિત કર્યો છે, અને એની ચેતવણી મુજબ મનુષ્યને લાગુ પડતી દરેક પીડા તિમિરે પણ ભોગવવી પડશે...’ મેગી અવિરત બોલી રહી હતી, ‘જો આ અવસ્થામાં તિમિરનું મૃત્યુ થઈ જાય તો ફરીથી પ્રેતાત્માલોકમાંથી જીવાત્માલોકમાં ફરવાનું એને માટે અશક્ય બની જશે. અને તપ્પુ, તારી દરેક કઠોર સાધના પણ વિફળ જશે. તિમિરને ફરીથી હંમેશ માટે જીવિત કરવાનું તારું સ્વપ્ન અકલ્પિત રીતે મરણ પામશે!’

મેગીના બોલતાં જ મેં તિમિરનો સર્પદંશવાળો અંગૂઠો મારા મોંમાં લઈને એને ચઢી રહેલું ઝેર ચૂસવા માંડ્યું. મારા મોંમાં રક્તમિશ્રિત ફીણના ગોટા વળવા માંડ્યા હતા. ઝેર મારી જીભ ઉપર પ્રસરીને મને તમ્મર લાવી રહ્યું હતું. મારી નજર સમક્ષ માત્ર અંધકાર તાંડવ કરી રહ્યો હતો. મારા કાનમાં અસંખ્ય તમરાંઓનો તીણો અને કર્કશ અવાજ પડઘા પાડી રહ્યો હતો. પવનના સૂસવાટાએ મારી આંખો ઢાળી દીધી. હું બેહોશ થઈ રહી હતી. મારા મોંમાંથી મને ખુદને જ ઝેરની તીખી અને જલદ વાસ આવી રહી હતી. મારા ગળા સુધી એક તીવ્ર કડવાશ ફેલાઈ ચૂકી હતી.

બેશુદ્ધ થઈ રહેલી હાલતમાં જ મેં એક ઠીંગણા કદની આકૃતિને ગુફાના અંધારામાંથી અમારી નજીક આવી રહેલી જોઈ. એ સાથે જ એક મીઠી અને ઠંડી ખૂશ્બૂ ગુફાના વાતાવરણમાં ફેલાઈ ઊઠી. દરેક જણ એ સુગંધ તરફ તાકી રહ્યાં હતાં. મારી મૂર્છિત અવસ્થા મને એ આકૃતિ કોઈ સાધુ છે – યોગી છે – કે કોઈક તાંત્રિક છે – એવી અવઢવમાંથી ચોક્કસ પ્રત્યુત્તર આપવા માટે અસમર્થ જણાઈ રહી હતી. તિમિર જાણે કે અંગારો ચાંપ્યો હોય એવી વેદનામય ચીસોથી ગુફા ધ્રૂજાવી રહ્યો હતો. ધીમે ધીમે એની ચીસો પણ કોઈ ભોંયરામાં જઈને દબાઈ ગઈ હોય એમ રૂંધાઈ રહી હતી. પેલો તાંત્રિક જેવો લાગતો માણસ અચાનક ક્યાંથી ટપકી પડ્યો હતો એ વિશે હું લાંબો વિચાર કરું એ પહેલાં તો એ અમારી એકદમ નજીક આવી પહોંચ્યો. ઠીંગણું કદ, છાતી સુધી ફેલાયેલી લાંબી દાઢી, તદ્દન મેલો-ગંધાતો દેહ, અને ફક્ત લંગોટ લપેટેલું ગોળમટોળ શરીર... એણે ખભે ભેરવેલી ઝોળીમાંથી એક સુખડના લાકડાની નાનકડી પેટી કાઢી. કદાચ એ મીઠી અને ઠંડી સુગંધ સુખડની જ હતી જેનાથી મારી મૂર્છા સ્થગિત થઈ ગઈ હતી. અને ગંધાતા એ તાંત્રિકની બદબૂને પણ દબાવી રહી હતી.

સુખડની પેટી ખૂલતાં જ પ્રકાશનો એક તેજ લિસોટો ચારે તરફ ફેલાઈ ગયો. તાંત્રિક જેવા લાગતા એ વ્યક્તિએ પેટીમાંથી ‘સર્પમણિ’ બહાર કાઢ્યો. અને જોતજોતામાં એણે તિમિરના સર્પદંશવાળા અંગૂઠા ઉપર મૂક્યો. ધીમે ધીમે એના શરીરમાંથી ઝેર સૂકાઈ રહ્યું હતું, અને ઝગારા મારતો સર્પમણિ પોતાનું તેજ ગુમાવી રહ્યો હતો - ઝાંખો થઈ રહ્યો હતો. તિમિરના શરીરમાં પ્રસરી ચૂકેલું નાગનું ઝેર સર્પમણિએ શોષી લીધું હતું. થોડી વાર પછી એ તાંત્રિકે સર્પમણિ મારી જીભ ઉપર ગોઠવ્યો. એના સ્પર્શ માત્રથી મારી મૂર્છા ગાયબ થઈ રહી હતી – કડવાશ પલાયન થઈ રહી હતી... તાંત્રિકે કમંડળમાંથી કોઈક જંગલી વનસ્પતિના પીળા-લાંબા પાંદડા કાઢીને એના ડીંટા તોડ્યાં. ને એમાંથી નીતરી રહેલા સફેદ દૂધથી એ સર્પમણિને ધોવા માંડ્યો. મણિ ધીમે ધીમે ફરીથી ચળકાટ મારી ઊઠ્યો. ને ફરી એક વાર પ્રકાશનો તેજ લિસોટો ગુફામાં ફેલાઈ ગયો. એ સાથે જ તિમિરના ચહેરા ઉપર પણ તેજ ફેલાઈ ગયું – રોનક આવી ગઈ. અમે દરેક જણ એ તાંત્રિકને આશ્ચર્યથી તાકી રહ્યાં હતાં. પણ જેવો સર્પમણિ સુખડની પેટીમાં કેદ થયો કે ગુફામાં અંધકાર છવાઈ ગયો. મશાલ પણ ઓલવાઈ ચૂકી હતી. અચાનક ક્યાંકથી ચળકતા આગિયાઓનું એક ઝૂંડ ઉડતું ઉડતું અમારા માથા ઉપરથી પસાર થઈ ગયું. એના આછા પ્રકાશમાં અમે અનુભવ્યું કે એ તાંત્રિક જાણે કે હવામાં જ અદ્રશ્ય થઈ ચૂક્યો હતો. હાજર હતાં તો ફક્ત અમે ચાર... અને ફરી એક વાર અમારી ચાંડાલ-ચોકડી અમારા નિશ્ચિત લક્ષ્ય તરફ ગુફાના ગર્ભ ભણી આગળ વધવા માંડી...

‘તિમિરને દંશ દેનાર એ નાગ બીજો કોઈ નહિ, પરંતુ નાગવંશના અધિપતિ ચંદ્રમણિનો અંગરક્ષક છે...’ અચાનક ગુફામાં અઘોરી અંગારક્ષતિનો ઘોઘરો અવાજ ગૂંજી ઊઠ્યો. ‘કદાચ એને તમારા નાગમણિ પ્રાપ્ત કરવાના લક્ષ્યનો અંદેશો આવી ચૂક્યો હોય... અને તમારા એ કાર્યમાં વિઘ્ન નાખવા માટે...’

અમે સૌ હતાશ થઈ ગયાં.

‘ઉપાય માત્ર એક જ...’ અંગારક્ષતિ બોલ્યો. ‘તમારા લાવણ્યમય દેહની લોભામણી લાલસા લહેરાવો... ઉપરવાળાએ બક્ષેલા આ શરીરસૌષ્ઠવનો ભરપૂર લાભ ઊઠાવો... અંગમરોડ અને કાયાના સુરેખ વળાંકોને એ અંગરક્ષક સામે હથિયારની જેમ વાપરો... એને વશમાં કરીને અધિપતિ ચંદ્રમણિના કક્ષ ભણી આગળ વધો... ફતેહ નિશ્ચિત છે, કોમળ કન્યાઓ..!’ કહીને અઘોરીએ મારા અને મેગીનાં ધગધગતા જોબન ઉપર વેધક નજર નાખી. એની અત્યંત જ્વલનશીલ ઈચ્છાઓ અમારા વસ્ત્રોની અંદર સુધી ફરી વળી. એના અંગોમાં અમે એક લાલસાભર્યો સળવળાટ થતો જોઈ રહ્યાં.

‘કબ્રસ્તાનની એ કાળી રાત યાદ છે ને, નાદાન છોકરી..?’ અંગારક્ષતિ મારી આંખોમાં જોતા બોલ્યો, ‘છેલ્લી કબરને ખોદીને કાઢેલું મડદું યાદ છે ને..?’ એ અવાજ બુલંદ કરીને કહી રહ્યો હતો, ‘નાગવંશના એ યુવક નાગેશ સાથે તેં પૂર્ણ કરેલી સંભોગ—સાધના યાદ છે ને, મૂર્ખ છોકરી?’

મારી નજર સમક્ષ એ રાતનું ગાઢ અંધારું ફરી વળ્યું... ફરી એક વાર એ કબ્રસ્તાન જીવંત થઈ ઊઠ્યું...

અઘોરી અંગારક્ષતિ કબર ઉપર પોતાના બંને પગ પહોળા કરીને ઊભો ઊભો અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. આખું કબ્રસ્તાન ધ્રૂજી રહ્યું હતું... કપટી અઘોરીએ તિમિરના બદલે નાગલોકના મૃત યુવાન સાથે મારી સંભોગ-સાધના પૂર્ણ કરાવી હતી. કબ્રસ્તાનની છેક છેલ્લી કબર પાસે ઊભેલી હું, સંપૂર્ણ નિર્વસ્ત્ર... મારી ઉઘાડી સાથળોની નસ ફૂલી રહી હતી. મારી વિશાળ છાતી હાંફી રહી હતી. મારા ગોરા ઉઘાડા ખભા ઉપરથી સરકતું વરસાદનું પાણી મારા રૂપથી છલકાતાં નગ્ન શરીરને જાણે કે ભડકે બાળી રહ્યું હતું. અંગારક્ષતિએ કોઈક તાજી ચિતામાંથી ભેગી કરેલી ગરમ રાખ પોતાની બંને જાંઘ વચ્ચે મસળી હતી. પોતાની કમર નીચેના ભાગે મસળાયેલી એ ગરમ રાખ એણે પ્રહારપૂર્વક મારા મોં ઉપર ફેંકી હતી. અને એ સાથે જ મારા શરીરમાં એક અણધાર્યો અને ડરાવનારો ફેરફાર થવા માંડ્યો હતો. જાણે કે મારું આખું શરીર ઓગળવા માંડ્યું હતું. મારી ગોરી ચામડી કાળી પડી ગઈ હતી. કાયા સંકોચાઈને પાતળી-લીસી બની ગઈ હતી. મારી જીભ લબકારા મારવા માંડી હતી. હું વક્રાકારે સરકવા માંડી હતી. ધીરે ધીરે હું એક નાગણમાં પરિવર્તિત થઈ ગઈ હતી...

પછી અંગારક્ષતિએ મને ચેતવણી આપી હતી. ‘તારું આ નાગકન્યાનું સ્વરૂપ ફક્ત મારી અઘોરપંથની કઠોર ઉપાસનાને આભારી છે. તારી મરજી મુજબ તું પોતે ક્યારેય એક યુવતીમાંથી નાગકન્યાનું સ્વરૂપ ધારણ કરી શકશે નહિ...’

હું ફક્ત હકારમાં મારી ફેણ જ ડોલાવી શકી હતી. મારા અતૃપ્ત તિમિરને પ્રેતલોકમાંથી છૂટકારો અપાવવા માટે જ મેં અઘોરપંથ ઉપર ચાલીને કઠોર સાધના કરવાનો નિશ્ચય કર્યો હતો... મારા પ્રેમને ખાતર!

કબ્રસ્તાનની એ મધરાત યાદ આવતાં જ મારું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું!

હું અતીતમાંથી પૂરેપૂરી બહાર આવું એ પહેલાં તો અઘોરી અંગારક્ષતિએ ફરી એક વાર તાજી ચિતાની ગરમ રાખ પોતાની બંને જાંઘ વચ્ચે મસળીને મારા મોં ઉપર ફેંકી. અને એ સાથે જ મારા શરીરમાં ફેરફાર થવા માંડ્યો. મારી ગોરી ચામડી કાળી પડવા માંડી. કાયા સંકોચાઈને પાતળી અને લીસી બનવા માંડી. લબકારા મારતી જીભે હું વક્રાકારે સરકવા માંડી. ફરી એક વાર હું નાગકન્યામાં પરિવર્તિત થઈ ગઈ!

‘જા તપસ્યા, તારી આ લપસણી કાયાના કામણ પેલા અંગરક્ષક આગળ પાથરી દે...’

હું ફક્ત હકારમાં મારી ફેણ જ ડોલાવી શકી...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૨૧ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------