Murder at riverfront - 12 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર @ રિવરફ્રન્ટ - 12

Featured Books
Categories
Share

મર્ડર @ રિવરફ્રન્ટ - 12

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:12

અમદાવાદમાં સિરિયલ કિલરનો આતંક ચાલુ થઈ ગયો હતો..અત્યાર સુધી બે લોકોને મોત ને ઘાટ ઉતાર્યા બાદ એ એસીપી રાજલને સીધી ચેલેન્જ કરી રહ્યો હતો પોતાને પકડવાની..રાજલ પણ પોતાની રીતે આ હત્યાઓ પાછળ વનરાજ સુથાર નામનો સંદિગ્ધ હોવાની માહિતી એકઠી કરે છે..વનરાજનો સ્કેચ પણ તૈયાર થઈ ગયો હોય છે અને હવે એનું પોલીસની નજરોથી બચવું અઘરું પડી જશે એ નક્કી હતું.

રાજલ રાતે મોડે સુધી પોલીસ સ્ટેશનમાં હોવાથી રાતે લગભગ દોઢ વાગે સૂતી હતી..આજ કારણોસર એ સવારે પોતાનાં ઉઠવાનાં છ વાગ્યાનાં નિયત સમય કરતાં દોઢ કલાક પછી પણ સુતી રહી હતી..અચાનક રાજલનાં ફોનની રિંગ વાગી.રાજલે અર્ધ ખુલ્લી આંખે પોતાનો ફોન હાથમાં લઈ એની ડિસ્પ્લે તરફ નજર કરી તો એ ઇન્સ્પેકટર સંદીપ નો કોલ હતો.

"આટલાં વહેલાં સંદીપનો કોલ..?"મનોમન આટલું બબડતાં રાજલે ફોન રિસીવ કર્યો અને કહ્યું.

"હા બોલો ઇન્સ્પેકટર કેમ આટલાં વહેલાં કોલ કર્યો..?"

"મેડમ એક લાશ મળી આવી છે..હમણાં જ વિનય મજમુદાર નો ફોન હતો.."રાજલનાં સવાલનાં જવાબમાં સંદીપ ઘટસ્ફોટ કરતાં બોલ્યો.

સંદીપની વાત સાંભળી રાજલ એક ઝાટકા સાથે પોતાની પથારીમાં બેઠી થઈ ગઈ અને આશ્ચર્ય સાથે એક પછી એક સવાલ સંદીપને પૂછતાં બોલી.

"શું કહ્યું બીજી એક લાશ મળી આવી છે...ક્યાં મળી છે બીજી લાશ?..અને કોની છે એ લાશ એનાં વિશે કંઈ જણાવ્યું વિનયે..?"

"આ વખતે પણ લાશ રિવરફ્રન્ટ પર જ મળી આવી છે..લાશ મળવાની જગ્યાએ છે રિશી દધિચી બ્રિજની નીચેથી પસાર થતો રિવરફ્રન્ટ વોક વે..પણ વિનય સર દ્વારા કહેવામાં આવ્યું નથી કે એ લાશ છે કોની..આ ઉપરાંત એમને કહ્યું છે કે આ વખતે પણ લાશની જોડેથી તમારાં નામનો લેટર અને ગિફ્ટબોક્સ મળી આવ્યું છે..હું હમણાં ઘરેથી નીકળું છું અને સીધો ત્યાં જ પહોંચું છું.."રાજલનાં સવાલનો જવાબ આપતાં સંદીપ બોલ્યો.

"તમે પહોંચો અને જરૂરી કાર્યવાહી આરંભો ત્યાં સુધી હું પણ આવું છું.."આટલું બોલી રાજલે ફોન કટ કર્યો સ્નાન કરવાં બાથરૂમમાં પ્રવેશી.

એકાદ કલાકમાં રાજલ પોતાની વર્દીમાં સુસજ્જ થઈને ક્રાઈમ સ્પોટ ઉપર જઈ પહોંચી..રાજલે જોયું કે ત્યાં સંદીપ તો હાજર હતો પણ વિનય નહોતો નજર આવી રહ્યો.રાજલને એ વસ્તુનું આશ્ચર્ય જરૂર થયું પણ અત્યારે એ વિશે વિચાર્યા વગર રાજલ સીધી ત્યાં પડેલી લાશની જોડે તપાસ કરી રહેલાં સંદીપ તરફ આગળ વધી..અત્યારે ત્યાં ફોરેન્સિક ટીમનાં હેડ ગૌતમ મિત્રા પણ પોતાનાં બે સાથીદારો સાથે મોજુદ હતાં.

રાજલનાં ત્યાં આવવાનું ધ્યાનમાં આવતાં સંદીપે રાજલની તરફ આગળ વધીને કહ્યું.

"ગુડ મોર્નિંગ,મેડમ.."

"ઓફિસર હવે સવાર સવારમાં લાશ જોવાની હોય તો ગુડ મોર્નિંગ નો જવાબ પણ શું આપું.."સંદીપ નાં ગુડ મોર્નિંગનાં પ્રતિભાવમાં રાજલ કટાક્ષમાં બોલી.

"મેડમ..એ વાત તો છે..પણ તમે જ્યારે જાણશો કે આ લાશ કોની છે પછી તો તમારી મોર્નિંગ ગુડ બની જ જશે.."સંદીપ ખુશ થતાં બોલ્યો.

"ઓહ..એવી તે કોની છે આ લાશ..?"રાજલે ચમકીને પુછ્યું.

"આ લાશ છે વનરાજ સુથાર ની.."સંદીપ જોશમાં બોલ્યો.

"શું કહ્યું..આ લાશ વનરાજ ની છે..?"ફાટી આંખે સંદીપ તરફ જોતાં રાજલ બોલી..અને સીધી રિવરફ્રન્ટ વૉકિંગ વે પર પડેલી લાશની તરફ આગળ વધી.સંદીપ પણ એસીપી રાજલની પાછળ પાછળ એ લાશ જ્યાં પડી હતી એ તરફ આગળ વધ્યો.

રાજલ ને જોઈ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ ગૌતમ મિત્રા એ ડોકું હલાવી એનું અભિવાદન કર્યું..સામે રાજલે પણ એમ જ કર્યું..રાજલે લાશની જોડે પહોંચી ઘૂંટણભેર બેસી ત્યાં પડેલાં મૃતદેહનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું..એ મૃતદેહ સાચેમાં વનરાજ સુથારનો જ હતો..જે આગળ થયેલી બંને હત્યાઓનો મુખ્ય સંદિગ્ધ હતો.

વનરાજનાં ગરદનની જમણી બાજુ એક અણીદાર વસ્તુનાં ઘુસી જવાનું નિશાન હતું..જેમાંથી નીકળતું લોહી અત્યારે ઘાટું થઈ એની ગરદન અને શર્ટનાં કોલર તથા શર્ટની જમણી બાજુમાં જમા થયું હતું..રાજલ વનરાજની લાશનું નિરીક્ષણ કરી રહી હતી ત્યાં ગૌતમ મિત્રા રાજલને ઉદ્દેશીને બોલ્યો.

"ઓફિસર..આ વ્યક્તિનું મોત લગભગ ત્રણથી-ચાર ઇંચ લંબાઈની અણીદાર વસ્તુ ગળામાં ઘુસવાથી થયું છે..એમ થવાથી એની શ્વાસનળી તથા મગજ સુધી રક્ત પહોંચાડતી નસ તૂટી ગઈ અને એ તડપી તડપી ને મૃત્યુ પામ્યો..શરીર પર કોઈ જગ્યાએ ખુનીનાં ફિંગરપ્રિન્ટ હલપુરતી તો મળી નથી..આ વ્યક્તિનાં શર્ટ પર વાળ નાં નાના નાનાં સેંકડો અંશ મળી આવ્યાં છે જે દર્શાવે છે કે આને પોતાની હત્યા પહેલાં જ પોતાનાં વાળ કપાવ્યાં હતાં.."

ગૌતમની વાત સાંભળી રાજલ વનરાજ નાં મૃતદેહ જોડેથી ઉભી થઈ અને ગૌતમ તરફ જોઈને બોલી.

"Mr. મિત્રા તમારી અવલોકન શક્તિ ગજબની છે.."

જવાબમાં સ્મિત સાથે ગૌતમ મિત્રા એ કહ્યું.

"આભાર તમારો..બસ હવે આ રોજનું કામ થઈ ગયું તો હવે આ બધી નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે ને..આ ઉપરાંત તમને એક બીજી રસપ્રદ વાત જણાવું.."

આમ કહી ગૌતમ મિત્રા એ પોતાનાં ગ્લોવ્ઝ પહેરેલાં હાથ વડે વનરાજ નાં હાથ અને પગ પર બનેલાં નિશાનને રાજલ ને બતાવતાં કહ્યું.

"આ જોવો ઓફિસર..અહીં ડેડબોડીનાં હાથ અને પગ ઉપર જે માર્ક છે એ દર્શાવે છે કે આ વ્યક્તિને ચોવીસ કલાકથી વધુ સમય સુધી મજબૂતાઈથી બાંધવામાં આવ્યો હતો..મરતાં પહેલાં આ વ્યક્તિએ બચવા માટે બહુ ધમપછાડા કર્યાં હશે એટલે જ આ નિશાન કોઈ વસ્તુ ચામડીને ચીરી અંદર ઉતરી ગયાં હોય એવાં બની ગયાં છે..આની આંખો પરથી લાગે છે એ લાંબા સમયથી ઉંઘ્યો નહોતો..આનાં પગની એક આંગળી પણ કાપવામાં આવેલી છે..જે દર્શાવે છે કે વિકટીમ મર્યા પહેલાં ખૂબ તડપ્યો હશે સ્પષ્ટ છે."

ગૌતમ દ્વારા કહેવાયેલી આ વાત સંદીપ પણ ત્યાં ઉભાં ઉભાં સાંભળી રહ્યો હતો.ગૌતમની વાત સાંભળતાં જ સંદીપ બોલ્યો.

"તો પછી આ સિરિયલ કિલર નહોતો..આની કોઈએ હત્યા કરી છે..?"

"હા સંદીપ હકીકતમાં આપણે જેને સિરિયલ કિલર સમજી રહ્યાં હતાં એ સિરિયલ કિલર છે જ નહીં..એટલે તો વનરાજ ની કરપીણ હત્યા થઈ અને પોતાની પેટર્ન મુજબ હત્યારા એ ગિફ્ટ બોક્સ પણ લાશની જોડે મુક્યું હતું.."સંદીપનાં સવાલનો જવાબ આપતાં રાજલ બોલી.

"તો પછી મયુર જૈનનું કિડનેપ થયું એ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી મળેલી સિગાર પરથી આ વનરાજ સુથારની ફિંગરપ્રિન્ટનું મળવું..?"ઘણાં બધાં સવાલો આ સંદીપનો એક સવાલ પૂછી ગયો હતો.

"સંદીપ મને પણ એ વાત નથી સમજાતી કે જે વનરાજની લાશ અહીં મળી છે એની જ ફિંગરપ્રિન્ટ ત્યાંથી મળેલી સિગાર પરથી કેવી રીતે મળી..ક્યાંક મયુર નું કિડનેપિંગ આ વનરાજ જોડે તો એ સાયકો કિલરે નહોતું કરાવ્યું ને..આમ કરાવ્યાં બાદ એને વનરાજ ને પણ ખત્મ કરી પોતાની વિરુદ્ધનાં બધાં સબુત મિટાવી દીધાં..?"રાજલ પોતાની તર્કસંગત દલીલ રજૂ કરતાં બોલી.

"લાગે છે એવું જ કંઈક હશે.."રાજલની વાત સાથે પોતાની સહમતી દર્શાવતાં સંદીપ બોલ્યો.

"ઓફિસર..પેલું ગિફ્ટ બોક્સ અને લેટર ક્યાં છે..?"રાજલને કંઈક યાદ આવતાં એને સંદીપને સવાલ કર્યો.

"એ બોક્સ મેડમ જીપમાં બેઠેલાં દિલીપને મેં આપ્યું હતું.."સંદીપે કહ્યું.

"હું દિલીપ જોડેથી એ બોક્સ લઈને નીકળું છું..તમે વનરાજ ની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી પછી પોલીસ સ્ટેશન આવજો.."સંદીપને આદેશ આપતાં રાજલ બોલી..અને પછી દિલીપ જોડેથી સિરિયલ કિલર દ્વારા મોકલવામાં આવેલાં એ ગિફ્ટ બોક્સ અને લેટરને લઈને પોતાનાં પોલીસ સ્ટેશન જવાં પોતાનાં બુલેટ પર બેસી રવાના થઈ ગઈ.

રાજલનાં જતાં જ સંદીપે ફોરેન્સિક ટીમની કાર્યવાહી પૂર્ણ થયાં બાદ વનરાજ સુથારનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો અને પોતે પણ નવરંગપુરા પોલીસ સ્ટેશન જવા નીકળી પડ્યો.

*********

વનરાજ સુથાર જેને પોલીસ ટીમ અત્યાર સુધી સાયકો કિલર માની રહ્યાં હતાં એ જ વનરાજ નો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો એ ખબર અત્યારે દરેક ગુજરાતી ન્યૂઝ ચેનલ પ્રકાશિત કરી રહી હતી..અત્યારે દરેક ન્યૂઝ ચેનલ પર એક જ વાત હતી કે અમદાવાદ પોલીસ તંત્રની નિષ્ક્રિયતાનાં લીધે છ દિવસની અંદર ત્રીજું ખુન અને હજુપણ હત્યારો પોલીસની પકડથી બહાર.

પોલીસ તંત્ર ની સાથે અમદાવાદનો દરેક નાગરિક આ ખબર ન્યૂઝ ચેનલ પર જોઈ પરેશાન હતો..પોલીસ તંત્ર ને પોતાની જવાબદારી યોગ્ય રીતે ના નિભાવવાનું નીચા જોવાંપણું હતું જ્યારે સામાન્ય વ્યક્તિનાં મનમાં પ્રશાસન પ્રત્યે ગુસ્સો અને પોતાની જાત માટે સલામતીની ચિંતા જરૂર હતી.

બીજાં બધાંથી વિપરીત એક વ્યક્તિ હતો જે શહેરથી દૂર એક શાંત વિસ્તારમાં આવેલાં પોતાનાં બંગલા પર દારૂની ઘૂંટ સાથે હરખાતો હરખાતો આ ન્યૂઝ જોઈ રહ્યો હતો.એનાં ચહેરા અજીબોગરીબ ભાવ હતાં..જાણે કે એની મનની મુરાદ વનરાજની હત્યા સાથે પુરી થઈ છે.એક બાદ બીજી ચેનલ બદલી-બદલીને એ શાતીર હત્યારો અત્યારે પોલીસ તંત્ર ની નાકામી ને પોતાની જીત સમજી ખુશ થઈ રહ્યો હતો.

થોડીવાર બાદ એને ટીવી બંધ કર્યું અને મનોમન પોતે કરેલું આયોજન કઈ રીતે પૂરું થયું એનું રિવાઈન્ડ પોતાનાં મગજમાં કરી જોયું.

વનરાજ સુથાર જે દિવસથી જેલમાંથી બહાર આવ્યો હતો એ દિવસથી જ એ સિરિયલ કિલર એની ઉપર નજરો ગડાઈને હતો..એક દિવસ વનરાજ એક ડેરીમાંથી બ્રેડ લઈને નીકળતો હતો ત્યારે વેશ બદલીને એ સિરિયલ કિલર એને અથડાયો..ચહેરા પર ફ્રેન્ચ કટ દાઢી અને આંખ પર મોટાં ચશ્માં,માથા ઉપર વાળની નકલી વિખ અને બ્લુ કલરનાં શૂટ માં એ સિરિયલ કિલર નો દેખાવ અત્યારનાં એનાં દેખાવ કરતાં ઘણો ભિન્ન લાગી રહ્યો હતો.

એને એક હાથમાં વુડન સ્ટીક પકડી હતી અને બીજાં હાથમાં એક સિગાર..એનાં બંને હાથમાં અત્યારે મોજાં પહેરેલાં હતાં.એને જોઈ એવું લાગતું કે એ કોઈ સાઠ-પાંસઠ વર્ષનો વૃદ્ધ હોય.વનરાજની સાથે જેવો એ અથડાયો એ સાથે જ એને હાથે કરીને પોતાનાં હાથમાં રહેલી સિગાર નીચે ફેંકી દીધી.

વનરાજે નીચાં નમી એ સિગાર ઉઠાવી એ સિરિયલ કિલરનાં હાથમાં મૂકી અને sorry બોલી ત્યાંથી નીકળી ગયો..વનરાજનાં જતાં જ એ હત્યારા એ એની આપેલી સિગાર પોતાનાં ખિસ્સામાં મૂકી અને વિજયસુચક સ્મિત સાથે ત્યાંથી નીકળી ગયો..આ જ સિગાર એને વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાં પીધી હતી..એ સિગાર પર મોજુદ વનરાજ સુથારનાં ફિંગરપ્રિન્ટ પરથી પોલીસ વનરાજ ને શોધતી ફરે એવું એ ઈચ્છતો હતો અને થયું પણ એમ જ..રાજલ એ સિગાર પરનાં ફિંગરપ્રિન્ટનાં આધારે વનરાજનાં ઘર સુધી તો પહોંચી પણ ત્યાંથી એને ખાલી હાથ જ પાછું ફરવું પડ્યું.

અત્યારે રાજલ દેસાઈ તથા સમગ્ર પોલીસ તંત્રની નિષ્ફળતા નો જાણે જશ્ન મનાવતો હોય એમ એ સાયકો અત્યારે કોઈ પાગલની જેમ નાચવા લાગ્યો..એનું આ નૃત્ય જાણે એ તરફ ઈશારો કરી રહ્યું હતું કે એ સાચેમાં એક સાયકો સિરિયલ કિલર જ હતો.

અચાનક એ નૃત્ય કરતાં કરતાં અટકી ગયો અને જોરથી બોલ્યો.

"રાજલ..મેં મારો ત્રીજો શિકાર કરી લીધો અને હજુ તું મારાં સુધી પહોંચી પણ નથી શકી..નજીકમાં તારાં માટે એક નવી ગિફ્ટ મોકલાવીશ.."

આટલું બોલતાં જ એનું કાળજું કંપાવી મુકતું હાસ્ય એ બંગલા ની બંધ દીવાલો વચ્ચે ગુંજી વળ્યું.

***********

વનરાજ સુથાર જેને પોતે ખુશ્બુ સક્સેના અને મયુર જૈનની હત્યાનો દોષી માની રહી હતી એની લાશ જોયાં બાદ રાજલ ધૂંવાપુંવા હાલતમાં પોલીસ સ્ટેશન પાછી આવી..એક સાયકો પોતાની મરજી મુજબ માસુમ લોકોની હત્યા કરી રહ્યો હતો અને પોતે હજુ એની સુધી પહોંચી નહોતી શકી એ વાત અત્યારે રાજલને પજવી રહી હતી.

રાજલે ગુસ્સામાં પોતાનાં જોડે રહેલ ગિફ્ટ બોક્સ ઉપર ચીપકાવેલો લેટર ખેંચી ને ગિફ્ટ બોક્સથી અલગ કર્યો અને પછી એની અંદરનું લખાણ વાંચવાનું શરૂ કર્યું.

"શું થયું એસીપી રાજલ દેસાઈ..નવાઈ લાગી હશે ને આ વખતે લાશને જોઈને..તમને એમ હશે કે વનરાજ શહેરમાં થતી હત્યાઓ પાછળ સામેલ હશે..એક સિગાર પરની ફિંગરપ્રિન્ટ પરથી તું મને પકડી શકીશ એવું તે વિચારી પણ કઈ રીતે લીધું..?મને પકડવો તારાં માટે તો શું આખી અમદાવાદ પોલીસ માટે શક્ય નથી.."

"તું મારાં સુધી પહોંચી શકે અને મારો નવો શિકાર કોણ છે એ જાણી શકે એ માટે હું તને ઘણી બધી કલુ મોકલાવતો રહ્યો છું..પણ અફસોસ પોતાની જાતને તેજ સમજતી રાજલ અત્યારે મારી બુદ્ધિ આગળ કંઈ નથી..નજીકમાં હું મારો ચોથો શિકાર કરવાં જઈ રહ્યો છું..દમ હોય તો રોકીને બતાવ.."

-તારો શુભચિંતક.

રાજલ લેટર વાંચ્યા બાદ મનોમન વિચારવા લાગી કે આ વખત પણ એ હત્યારા એ હાથથી લખવાનાં બદલે ટાઈપિંગ કરીને એની પ્રિન્ટ કઢાવી લેટર તરીકે મોકલાવી હતી..આ લેટરનાં લખાણનો અર્થ એ નીકળતો હતો કે એ સિરિયલ કિલરે જ પોતાને વનરાજ સુધી દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

સમગ્ર પોલીસતંત્ર ને કઠપૂતળીની માફક નચાવનારાં એ સાયકો કિલરે હવે કોની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો છે એ ચેક કરવાં માટે રાજલે ફટાફટ પોતાનાં હાથમાં રહેલાં એ ગિફ્ટ બોક્સ ને ખોલ્યું અને એમાં રહેલી વસ્તુઓને કાઢીને ટેબલ પર મુકી.

★★★★

વઘુ આવતાં ભાગમાં.

ગિફ્ટ બોક્સમાં શું હતું..?આ વખતે હત્યારાનો નવો ટાર્ગેટ કોણ હતું..?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)