વીસેક વર્ષ પહેલાં ની વાત છે મારુ ઘર નાનું પણ સુવિધા સભર હતું. આજુબાજુમાં પણ અમારી જેમ મધ્યમ કક્ષા ના લોકો રહેતા. પણ અમારી જ્ઞાતિનું કોઈ નહોતું. અમે બધા ભાઈ બહેનો મોટા થઈ ગયા છીએ હવે સંબંધ ગોતવાના હોય તો ઘર થોડું મોટું વ્યવસ્થિત હોવું જોઈએ. એવું હંમેશા મારી બા (રમાબેન) મારા પિતા (સુરેશભાઈ) ને કહેતા.સુરેશભાઈ પણ હા કહેતા. મારો એક ભાઈ કમલેશ મુંબઈ માં રહેતો. અને પિતા પણ ધંધા માટે મુંબઈ આવતા જતાં.
ચાર પાંચ વર્ષથી દર દિવાળી એ કમલેશભાઈ આવે ત્યારે ઘર ની વાત નીકળે ત્યારે બધા હા લઈએ કોઈ સારું હોય તો આપણા બજેટ પ્રમાણે તો જોઈશું એમ કહેતા. અને દિવાળી જતા ભાઈ મુંબઈ જતો રહે અને વાત બંધ થઈ જાય. એમ કરતાં ઘણો સમય નીકળી ગયો અને ભાઈ ના લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછી ભાભી(રીટા)ને નવા ઘર માં ફાવે ત્યાં સુધી મારે પણ તેમની સાથે મુંબઈ જવાનું થયું.
ચાર પાંચ મહિના માં ભાવનગરથી પિતા સુરેશભાઈ એ મુંબઈ કમલેશભાઈ ને ફોન કર્યો કે અહીં એક બહુ સારું મકાન છે જે માર્કેટ ભાવ કરતા ઘણાં નીચા ભાવ માં મળે છે જોવા જઈએ તો તેના પચીસ લાખ જેટલો ભાવ હોય પણ એ વીસ લાખ સુધીમાં આપવા તૈયાર છે થોડું રંગરોગાન કરાવતા હવેલી જેવું લાગે એટલું સરસ છે તું આવ તો આપણે જોઈ ને નક્કી કરીએ. કમલેશભાઈ એ તેના એક મિત્ર મનોજ ને વાત કરી તો મનોજે પણ કહ્યું એટલું સારું મકાન હોય તો છોડાઈ નહિ ચાલ હું પણ આવું જો તમારું લેવાનું નક્કી ના થાય તો હું મારા ઘરે વાત કરીશ. બંને તૈયાર થયા ભાવનગર જવા માટે ત્યારે મેં કહ્યું મારે પણ આવવું છે. જેવા વખાણ ઘરના સાંભળ્યા હતા અને વર્ષો થી ઘર લેવાની વાતો સાંભળી હતી માટે મને પણ કુતૂહલ હતું કે હું પણ ઘર જોવા જાઉં.
કલમેશભાઈ એ કહ્યું પણ બા એ તને આવવા માટે નથી કહ્યું. એટલે ત્યારે હું પણ ચૂપ કરીને બેસી ગઈ. એ સમય માં તો બા બોલે તે પથ્થરની લકીર કહેવાતી અને એમાં પણ મારાં બા નો સ્વભાવ બહુ કડક હતો. એટલે મને ના લઈ ગયા.
કમલેશભાઈ ભાવનગર જઈ ને ઘર લેવાનું નક્કી કર્યું અને પૈસા કઈ રીતે આપવાના તે બધું નક્કી કર્યું અને મુંબઈ આવી ગયો. પછી ભાવનગર એવું નક્કી થયેલું કે દિવાળી પછી કલરકામ કરાવીને પછી રહેવા જશું. ત્યાં સુધીમાં ઘરનાં કાગળનું કામ પૂરું થાય અને પૈસા પણ અપાઈ જાય.
દિવાળી ઉપર હું મારા ભાઈ ભાભી સાથે ભાવનગર આવી. અમારા ઘરે પાણી ની થોડી તકલીફ હતી. અને દિવાળી સમયે તો મહેમાન ની પણ અવાર જવર વધારે હોય એટલે વધારે તકલીફ પડે. એટલે બાએ એમ કીધું કે તું અને રીટા બંને જાવ નવા ઘરે પાણી ની છત છે તો ત્યાં કપડાં ધોઈ આવો તેટલું પાણી તો બચે. પણ નવું ઘર થોડું દૂર હતું અને ત્યારે કોઈ વાહન ની સુવિધા ન હતી તેથી ચાલીને જવાનું હતું. પછી રસોઈ નો સમય થઈ જાય એટલી વાર માં અમે પાછાં ના આવી શકીએ એટલે અંતે એમ નક્કી કર્યું કે હું એકલી જ જાવ. અમે વર્ષો થી ભાવનગરમાં જ રહેતા એટલે સરનામું આપ્યું એ પ્રમાણે હું પહોંચી.
મેં જોયું તો ઘર ખરેખર હવેલી જેવું જ હતું. દરવાજામાં અંદર જતા સામેજ મોટું જીણી કોતરણી વાળો ઘર માં પ્રવેશવા નો દરવાજો તેની બંને બાજુએ થોડી ઓસરી જેવું હતું અને દીવાલ માં મોટી મોટી કાચની બરીઓ હતી. ઉપરના માળ માં પણ મોટો ઝૂલતો જરૂખો હતો જેમાં હીંચકો બાંધેલો અને મોટી મોટી બારીઓ તે જરૂખોમાં પડતી અને એક દરવાજો. ઘર તો હવેલી જેટલું સુંદર હતું પણ ઘણા સમય થી બંધ હોવાથી વણવાવેલા વેલાઓ ઊગી નીકળેલા જે આખા ઘર પર પથરાયેલા હતા.
હું હજુ તો ફળીયા ના દરવાજા નું તાળું ખોલતી હતી ત્યાંજ બાજુ ના ઘરની બારી માંથી એક બેન ડોકાયા તેણે મને પૂછ્યું કેમ એ ઘર માં જાઓ છો ?ત્યારે મેં જવાબ આપ્યો અમે આ ઘર ખરીદ્યું છે તો એ બહેને ફરી શબ્દો પર ભાર આપતા પૂછ્યું કે શું તમે આ ઘર રહેવા માટે ખરીધ્યું છે. મેં કહ્યું હા અમે દિવાળી પછી રહેવા આવાના છીએ. ત્યારે મને એ બહેને એવું કહ્યું કે આ ઘરમાં તો ભૂત થાય છે. પણ મારા સ્વભાવ પ્રમાણે મને તો એવું લાગ્યું કે કદાચ તેમને આ ઘર લેવું હશે ને વચ્ચેથી અમે લીધું છે એટલે ડરાવે છે કે જેથી અમે ના લઈએ. મેં તરત જ કહ્યું અમે એવું ભૂત માં નથી માનતા. આવો જવાબ સાંભળી તરત એ બહેને બારી બંધ કરી દીધી.
હું તાળું ખોલી પ્રાંગણ માં પહોંચી પ્રાંગણ માં દરવાજા ની ડાબી બાજુ ખૂણા માં ચોકડી બનાવેલી હતી હજી મેં કપડાંની ડોલ મૂકી ત્યાંતો આજુબાજુમાં રહેતા નાના નાના છોકરાઓ પ્રાંગણ માં આવી ગયા અને પૂછવા લાગ્યા તમે અહીં રહેવા આવાના છો ? આ ઘરમાં તો ઇકબાલ નું ભૂત થાય છે.
ફરી મને એવોજ વિચાર આવ્યો. આજુબાજુ વાળા એ અફવા ફેલાવી રાખી છે કદાચ આ ઘરનાં લોકો સાથે નહી બનતું હોય એટલે તેનું સારું નહિ ઇચ્છતા હોય. મેં બધા છોકરાઓ ને ભગાડવા માટે તેમનું જ કહેલું તેમના પર અજમાવ્યું. ચાલો જાવ બધા નહિતો ઇકબાલ ને બોલવું છું એમ કહી મેં એક બે વાર ઇકબાલ......ઇકબાલ.... એવી બુમો પાડી. બધા બીક ના લીધે ભાગી ગયા અને હું મારું કામ કરવા લાગી.
એટલામાં ઘરની પાછળ ની બાજુ થી એક ડોસીમાં આવ્યા. ઇકબાલ...ઇકબાલ... ક્યાં છે મારો ઇકબાલ. એમ ઇકબાલ ને શોધવા લાગ્યા. હું ઉભી થઈ અને પૂછ્યું માજી તમે કોણ છો અને અહીં ક્યાંથી આવ્યા. ત્યારે માજી એ કહ્યું કોઈ ઈકબાલ ને બોલવતું હતું એ સાંભળી ને આવી. હું ઇકબાલ ની માં છું. ત્યારે મેં કહ્યું એ તો મેં બુમ પાડી હતી આ છોકરાઓ કહેતા હતા અહીં ઇકબાલ નું ભૂત થાય છે તો મેં બધાને ભગાડવા માટે ઇકબાલના નામ ના સાદ પડ્યા હતા.
માજી મને હાથ પકડી ને ઓટલા સુધી લઈ ગયા ને કહ્યું કે બેસ બેટા હું તને બધી વાત કરું. મારો ઇકબાલ મર્યો નથી તેને ફોજ માં ભરતી થવું હતું અને અમે ના પડતા હતા એટલે એ તો દસ વર્ષ પહેલાં ઘરેથી ભાગી ગયો છે. હજી નથી આવ્યો. આ બધા પડોશી ઓ તો ખૂબ હરામી છે ને મારો છોકરો મરી ગયો છે એવી ખોટી અફવા ફેલાવે છે ત્યારે તો મેં માજી ને સાંત્વન આપતા કહ્યું માજી ચિંતા ના કરો એ આવી જશે પાછો. પછી હું મારા કામે લાગી અને માજી કાંઈક મનમાં બબડતા બબડતા પાછા ઘરની પાછળ બાજુ જતા રહ્યા.
પછી તો મારે રોજ કપડાં ધોવા જવાનું થતું ને માજી રોજ બેસવા આવતા ને અલકમલક ની વાતો કરતા હું મારૂ કામ કરતા કરતા માજી ની વાતો સાંભળતી, એમ થોડા દિવસો જતા થોડો પરિચય અને માજી સાથે થોડી હમ દર્દી પણ થઈ ગઈ હતી. મન માં ભગવાન ને પ્રાર્થના પણ કરતી કે વૃદ્ધ માજી ને એમનો દીકરો મળી જાય
દસેક દિવસ થયા હશે અને હું કપડાં ધોતી હતી ત્યાં પચીસ સત્તાવીસ વર્ષના આર્મીના યુનિફોર્મ પહેરીને બે છોકરાં આવ્યા અને દરવાજો ખોલી ઘર માં જવા લાગ્યા. મેં તરત પૂછ્યું તમે કોણ છો ને કોનું કામ છે ? તેમાંથી એક એ મને સામું પૂછ્યું તમે કોણ છો ? આ મારું ઘર છે. ત્યારેમે કહ્યું અમે આ ઘર ખરીદ્યું છે તમારું નામ શું છે ?
તે બોલ્યો 'ઇકબાલ'. અને આશ્ચર્ય સાથે બોલ્યો મારા બા એ ઘર વેચી દીધું છે ?
મેં કહ્યું અચ્છા તમે ઇકબાલ છો તમારા બા વાત કરતા હતા કે તમને આર્મી માં જવું હતું એટલે દસ વર્ષ પહેલાજ ઘર છોડીને જતા રહ્યા હતા.એતો તમને જોઈ બહુ ખુશ થઈ જશે.
હા એમ બોલ્યો ત્યાંજ તેના સાથે હતો એ ફ્રેન્ડ બોલ્યો ચાલને મારા ઘરે પછી આપણે તારા બા ને શોધશું.
ઇકબાલ કહે ના હું પછી નિરાંતે આવીશ તારા ઘરે પેલા બા ને મળી લવ એ બહુ ખુશ થશે.એમ કહી ઇકબાલ મારી બાજુ ફરીને બોલ્યો તમને ખબર છે અત્યારે મારા બા ક્યાં છે ?
મેં કહ્યું ખબર નહીં પણ ઘર ની પાછળની બાજુ થી આવ્યા હતા. ચાલો તો હું સાથે આવું આપણે જોઈએ પાછળ ક્યાંક રહેતા હશે.
એમ કહી હું ઘરની પાછળ બાજુ ચાલતી થઈ અને ઇકબાલ પાછળ આવ્યો ત્યાં તો કોઈ હતું નહીં અને મોટું ફળિયું હતું. અને બધે નાના મોટા ઝાડ ને છોડ ઊગી નીકળેલા હતા. આગળ જોતા દૂર ખૂણા માં એક ઝૂંપડું હતુ જે જોતા મને એમ લાગ્યું કે કદાચ ઇકબાલ ના બા ત્યાં રહેતાં હશે એટલે હું માજી.... માજી.... ની બૂમ પાડતી તે ઝૂંપડા બાજુ ચાલી ઇકબાલ પણ પાછળ જ હતો.
ઝૂંપડા નો દરવાજો અડધો ખુલો હતો. એટલે હું સીધી જુઓ માજી તમારો દીકરો ઇકબાલ આવ્યો છે એમ બોલતી બોલતી ઝૂંપડામાં ગઈ પણ ત્યાં કોઈ હતું નહીં એટલાં માં ઇકબાલ પણ અંદર આવ્યો.
ઇકબાલ ના અંદર આવતા જ દરવાજો બંધ થઈ ગયો એટલે હું પાછળ ફરી બોલી લે એમ કેમ બંધ થઈ ગયો. પણ પાછળ ફરતા જ મારા મોતિયા મૂંઝાય ગયા ઇકબાલ ના બદલે પેલા માજી ઉભા હતા. હજી તો હું કઈ સમજુ એ પેલા એ જોર જોર થી હસવા લાગ્યા. ઘડીક માં ઇકબાલ બની જાય અને ઘડીક માં પેલા માજી અને જોર થી હસતા હસતા વિકરાળ થવાં લાગ્યા અને બોલ્યાંં હું જ ઇકબાલ છું અને હું જ તેની માં તને અહીં સુધી લાવવા માટેજ મેં નાટક કરેલું. પણ મને તો કઈ સમજાતું નહોતું કે હવે હું શું કરું?, મારુ મોત સામે ઉભું છે ને હું કઈ નથી કરી શકતી હાલત તો એવી હતી કે કાપો તો લોહી પણ ના નીકળે.
એ માજી અચાનક મારી સામે આવીને મને જોર થી પકડી ગળે બટકું ભર્યું. ત્યારેજ મેં બધી હિંમત ભેગી કરીને મોટી ચીસ સાથે જોરથી ધક્કો માર્યો. માજી પડી ગયા ને હું તે જ ક્ષણે દરવાજો ખોલી ભાગી નીકળી. માજી પાછળ દોડ્યા થોડે સુધી કદાચ તેની હદ પુરી થતા એ અટકી ગયા હશે પણ હુંતો એવી દોડી હતી કે સીધી ઘરેજ જઈને ઊભી રહી.
ઘરે પહોંચતા મારા બા મને જોઈને સીધું પૂછ્યું શુ થયું બેટા અને આ લોહી કોઈ સાથે ઝઘડો થયો છે કે શું થયું બોલતો ખરી બેટા. પણ હું હજી આઘાત માજ હતી કાંઈ ના બોલી શકી. થોડી વાર માં પિતા અને ભાઈ પણ આવી ગયા. મેં બધી વાત કરી. એટલે બધા જ ચિંતા માં આવી ગયા.
હવે એ ઘર નું શુ કરવું? કારણકે ઘર લેવા માટે ભાઈ એ છ લાખ રૂપિયા તો વ્યાજે લીધા હતા. અને ઘર ના વેચાય તો બધા પૈસા ડૂબી જાય.
તે આખો દિવસ વિચારીને અંતે એવું નક્કી કર્યું કે કોઈ ને કાઈ કીધાં વગર આપણે આ ઘર વેંચી નાખીએ.
એટલા માં તો બા એ બુમ મારી એલી ઊઠ ને સાડા સાત થયા છે હજી સૂતી છો ઉઠ જલ્દી કામ ને મોડું થાય છે. હું પણ ફટાક દઈ ને ઉભી થઈ ગઈ અને હાશકારો થયો કે આ બધું એક સપનું હતું.
જો તમને આ વાર્તા ગમી હોય તો પ્રતિભાવ પણ જરૂર આપશો અને શેર જરૂર કરજો.