Ruh sathe ishq return - 31 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 31

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 31

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 31

રાજુની મોત બાદ હવે કબીર પોતાનાં આયોજન મુજબ ડોકટર ગિરીશની પણ એનાં ષડયંત્રનો ભોગ બનેલાં લોકોનાં હાથે ક્રૂરતા પૂર્વક મરાવી દીધો..ગિરીશની હત્યા નો સાક્ષી ચમન બીજાં દિવસે ઠાકુર પ્રતાપસિંહ ને કબીર જ ગિરીશની મોત માટે જવાબદાર છે એવું કહેવાનું નક્કી કરી ચુક્યો હોય છે.

બીજાં દિવસે જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ શિવગઢ પર પડ્યું એ સાથે જ આજનો દિવસ નવી ઘટનાઓનો સાક્ષી બનવાનો હતો એ સમયનાં ચોપડે લખાઈ ચૂક્યું હતું..એક તરફ ડોકટર ગિરીશની ગામ વચ્ચે પડેલી લાશને કૂતરાંઓ ચૂંથી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ ઠાકુર પ્રતાપસિંહ અને વીર ભુજથી વીરનાં સગાઈ નું નક્કી કરીને નીકળી ચુક્યાં હતાં.

"પિતાજી..મને લાગે છે એ લેખક આપણી માટે નવી મુસીબતો પેદા કરશે.."ભુજથી નીકળતાં જ વીરે પ્રતાપસિંહ ને ઉદ્દેશીને કહ્યું.

"કેમ એવું કહી રહ્યો છે કે કબીર આપણાં માટે મુસીબત ઉભી કરશે..?"વીર ની વાત સાંભળી ઠાકુરે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"પિતાજી,મેં તમારાંથી એક વાત છુપાવી હતી જે જાણ્યાં બાદ તમે પણ માની જશો કે એ લેખક નજીકમાં એક નવી ઉપાધિ સર્જવાનો છે.."ડ્રાઈવર સાંભળે નહીં એ રીતે ધીરેથી બોલતાં વીરે કહ્યું.

"કઈ વાત..?"ઠાકુરે આંખો મોટી કરીને વીર તરફ જોતા કહ્યું.

જવાબમાં વીરે પ્રતાપસિંહ ને જણાવી દીધું કે કઈરીતે કબીર રમણભાઈ ને લઈને દોલતપુર ચેકઅપ કરાવવા ગયો હતો..આ ઉપરાંત રાજુની કોઈ કારણ વગર કરેલી આત્મહત્યા નો પણ વીરે જોડે-જોડે ઉલ્લેખ કર્યો..વીર ની વાત સાંભળી પ્રતાપસિંહએ કંઈક ગહન મનોમંથન કર્યું અને બોલ્યાં.

"વીર,તું જે મુજબ કહી રહ્યો છે એનાંથી પુરવાર થાય છે કે એ લેખક આપણી બધી પોલ જાણી ગયો છે..તો એને ઠેકાણે પાડવો જરૂરી છે.પણ એ બધું ત્યારે જ કરીશું જ્યારે વુડહાઉસમાં પડેલી પેટીઓની કોઈ વ્યવસ્થા ના કરીએ.."

શિવગઢ તરફ જતી કારની ગતિની સાથે ઠાકુર પ્રતાપસિંહ અને ઠાકુર વીર પ્રતાપસિંહ સિંહ નાં વિચારોએ પણ ફૂલ સ્પીડ પકડી હતી.કબીર નામનો આ ચુભતો કાંટો હવે જલ્દી નિકાળવો પડશે એવું હવે બંને મક્કમપણે વિચારી રહ્યાં હતાં.

કબીર ઠાકુર પ્રતાપસિંહ નાં વિશે નો કોઈપણ વિચાર કર્યાં વગર મોડે સુધી પોતાની પથારીમાં જ પડ્યો રહ્યો..આજે એને વહેલું ઉઠવાનો વિચાર માંડી વાળ્યો હતો કેમકે એને ખબર હતી કે રાતે ડોકટર ગિરીશની સાથે જે કંઈપણ થયું એ બાબતથી જીવાકાકા જ્ઞાત હશે અને એમને એ પણ ખબર હશે કે પોતે પણ ત્યાં જ હાજર હતો.

જીવાકાકા એ પણ કબીરને સુવામાં ખલેલ પહોંચાડવી ઉચિત ના સમજી અને એને સુવા દીધો..બપોર જ્યારે કબીરની નીંદર ખુલી ત્યારે સાડા અગિયાર થઈ ગયાં હતાં..કબીરે બાથરૂમમાં જઈ શાવર લીધું અને જમવા માટે નીચે આવ્યો..કબીર નીચે આવ્યો ત્યારે જીવાકાકા એની તરફ વિચિત્ર ભાવ સાથે દેખી રહ્યાં હતાં.કબીરે શાંતિથી જમી લીધું પછી જીવાકાકા ને કહ્યું.

"કાકા,તમે ફટાફટ તમારું કામ પતાવી લો..તમારે મારી સાથે ક્યાંક આવવાનું છે..અને ત્યાં તમને એ સવાલોનાં જવાબ પણ મળી જશે જે પુછવા તમે ઇચ્છો છો.."

કબીરને કઈ રીતે ખબર કે પોતે એને કંઈક પુછવા માંગે છે એ વિચારી જીવાકાકા ને નવાઈ જરૂર લાગી..પણ અત્યારે પૂરતું એમને કંઈપણ બોલવાનું પડતું મૂકી ડોકું ધુણાવી કબીરની વાતમાં સહમતી દર્શાવી દીધી.

લગભગ કલાક પછી જીવાકાકા કબીરની સાથે ગાડીમાં બેઠાં હતાં અને કબીર ગાડીને નટુ નાં ઘરની તરફ લઈ જઈ રહ્યો હતો..જેવી કબીરે પોતાની ગાડી નટુનાં ઘરે થોભાવી એ સાથે જ જીવકાકાનાં મોંઢે નીકળી ગયું.

"સાહેબ,આ તો નટુ નું ઘર છે.."

"મને ખબર છે આ નટુ નું ઘર છે..અને હું જે વાત કહેવા જઈ રહ્યો છું એની ઉપર તમે ત્યારે જ વિશ્વાસ કરશો જ્યારે નટુ પણ એમાં પોતાની હામી ભરશે.."કબીરે જીવાકાકા ની વાત સાંભળી કહ્યું.

નટુ નાં ઘરનાં બારણે હાથ ખખડાવી કબીર બોલ્યો.

"નટુ હું છું..કબીર.."

કબીર નો અવાજ સાંભળી નટુ એ તુરંત જ બારણું ખોલી દીધું..આજે કબીરે નક્કી કર્યું હતું કે ઠાકુર પ્રતાપસિંહ દ્વારા પોષ સુદ ચૌદશ નાં રોજ આપવામાં આવનારી બલીમાં જેનો ભોગ લેવાની શકયતા હતી એવી જીવાકાકા ની પુત્રવધુ કંચનને ગમે તે કરી બચાવવી..અને એ માટે બધું સત્ય જીવાકાકા ને જણાવવું જરૂરી હતું.

કબીરે ઘરમાં પ્રવેશ કર્યો અને પછી જેવાં જીવાકાકા ઘરમાં આવ્યાં એ સાથે જ બારણું બંધ કરી એમની તરફ જોઈને કહ્યું.

"કાકા તમારે એ જ જાણવું હતું ને કે મારે ગિરીશ જોડે શું દુશ્મની હતી કે મેં એની હકીકત આ ગામલોકોને જણાવી એની હત્યામાં મુખ્ય ભાગ ભજવ્યો..આ ઉપરાંત રાધા અને મારી વચ્ચે શું સંબંધ છે એ પણ જાણવું છે ને..?"

"અરે ના સાહેબ મેં એવું ક્યાં કંઈપણ કહ્યું છે.."જીવાકાકા ઇચ્છવાં છતાં આનાકાની કરી રહ્યાં હતાં.

"તમે ભલે ના કહી રહ્યાં પણ સવારની તમારાં ચહેરાનાં ભાવ તમારાં મનની વાત જણાવી રહ્યા હતાં.. અને એ ના જણાવત તો પણ મારાં માટે તમને આ બધી વાત કહેવી જરૂરી હતી..કેમકે આ વાતનો સંબંધ તમારાં દીકરા બંસીની ગર્ભવતી પત્ની કંચન સાથે છે.."કબીર બોલ્યો.

"બંસી ની પત્ની કંચન સાથે ગિરીશભાઈની મોત નો વળી શું સંબંધ હોઈ શકે.."વિસ્મયપૂર્વક કબીરની અને નટુની તરફ જોતાં જીવાકાકા બોલ્યાં.

"તમે શાંતિથી બેસો હું તમને બધું વિસ્તારથી જણાવું.."આટલું કહી કબીરે જીવાકાકા ને પોતાનાં શિવગઢમાં પગ મુકતાંની સાથે એક પછી એક જે કંઈપણ બન્યું એ વિશે વિસ્તારમાં કહેવાનું શરૂ કર્યું..ઠાકુરની અંધશ્રદ્ધાનો શિકાર બનેલી રાધા ની રૂહ નું પોતાની સાથે મિલન, રાજુની મોત અને ગિરીશ ભાઈ ની હત્યાનું કારણ પણ કબીરે સવિસ્તર જીવાકાકા ને જણાવ્યું.

કબીરની આ વાતમાં નટુ એ પણ હામી ભરતો રહ્યો..જેમ-જેમ કબીર આગળ બોલી રહ્યો હતો એમ એમ જીવાકાકા નાં ચહેરાનાં ભાવ ક્યારેક આશ્ચર્ય,ક્યારેક ગંભીર તો ક્યારેક ગુસ્સામાં તબદીલ થતાં રહેતાં.. કબીરે જેવી પોતાની વાત પૂરી કરી એ સાથે જ એ વૃદ્ધ વ્યક્તિ ભાવુક આંખો સાથે કબીરનાં ચહેરા ને હાથમાં લઈને બોલ્યો.

"બેટા, મોહન..તું હજુ જીવે છે એ મારાં ભોલેનાથ ની અમારાં બધાં પર કૃપા છે..ઠાકુર પ્રતાપસિંહ અને ડોકટર ગિરીશ દ્વારા અમારી આંખો પર જે પટ્ટી બાંધવામાં આવી હતી એ ખુલી ગઈ છે.."

"કાકા..અત્યાર સુધી ગિરીશ ની લાશને જોવાં કોઈ નથી આવ્યું એનો મતલબ છે કે ઠાકુર ઘરે નથી.."કબીરે કહ્યું.

કબીરની વાત સાંભળી કંઈક યાદ આવતાં જીવાકાકા એ કહ્યું.

"હા..ઠાકુર પ્રતાપસિંહ એમનાં દીકરા નાં લગ્ન નું ગોઠવવા ભુજ ગયાં છે..કાલે જ મારી બૈરી એ મને કીધું."

"એનો મતલબ કે આજની રાત આપણાં માટે સૌથી શ્રેષ્ઠ છે કંચનને કોઠીમાંથી નિકાળવાં માટે..કાકા તમે એક કામ કરો અત્યારે જ ઘરે જઈને કાકીને બધી વાત કરો અને એમને કહો કે સાંજે ગમે તે રીતે કોઠી પર જાય અને કંચન અને બંસીને બધી હકીકત જણાવે.રાતે બંસીનો દીકરો ખૂબ બીમાર છે એવું બહાનું કરી બંસી અને કંચન ત્યાંથી છટકી જાય એવું કરો."જીવાકાકા ની વાત સાંભળી કબીર દાંત વડે પોતાનાં હોઠ ચાવતાં બોલ્યો.

"પણ કંચન નાં અહીંથી ગાયબ થઈ ગયાં બાદ ઠાકુર બાકીનાં અમારાં પરિવારને જીવતો નહીં મૂકે એનું શું..?"ચહેરા પર ભય નાં ભાવ સાથે જીવાકાકા એ કહ્યું.

"કાકા તમારો પ્રશ્ન વાજબી છે..અને એ પ્રશ્નનાં નિવારણ માટે મારે શું કરવું જોઈએ એ હું પહેલાંથી વિચારી ચુક્યો છું..તમે ખાલી મેં કહ્યું એટલું કરો અને આજે રાતે આઠ વાગે તમારાં પૂરાં પરિવાર સાથે મહાદેવ મંદિરે પહોંચી જાઓ.તમારે હવે વુડહાઉસ જવાની જરૂર નથી..તમે જલ્દી નીકળો અહીંથી અને મેં જે કહ્યું એમ કરો."કબીરે થોડું વિચારી કહ્યું.

"સારું મોહન દીકરા..હું રાતે આઠ વાગે મારાં ઘરનાં બધાં સભ્યોને લઈને મહાદેવ મંદિર પહોંચી જઈશ.."આટલું બોલી જીવાકાકા ત્યાંથી નીકળી ગયાં.

જીવાકાકા નાં જતાં જ કબીરે નટુ ભણી જોયું અને કહ્યું.

"નટુ આપણે બધાં રાતે અહીંથી દોલતપુર નીકળી જઈશું..મેં તપાસ કરાવી રાખી છે કે ત્યાંથી એક ટ્રેઈન અમદાવાદ જાય છે..તું એ લોકોની સાથે અમદાવાદ જજે અને એમને કાલુપુર સ્ટેશન ઉતારી દેજે..ત્યાં મારો દોસ્ત મનીષ પહેલાંથી હાજર હશે..એ જીવાકાકા નાં પરિવારનાં રહેવાની સગવડ કરી દેશે..તારી રિટર્ન ટીકીટ ની સગવડ પણ મનીષ કરી દેશે એટલે તું પાછો શિવગઢ આવી જજે.."

કબીરનાં દરેક શબ્દોને ધ્યાનથી સાંભળ્યાં બાદ નટુ એ માથું હલાવી પોતે કબીર કહે એમ કરવાં તૈયાર છે એવું જણાવી દીધું.

"નટુ,હું વુડહાઉસ જાઉં છું..સાંજે આરતીનાં સમયે મંદિરે મળું"આટલું બોલી કબીર પોતાની ગાડી લઈને પુનઃ વુડહાઉસ તરફ નીકળી પડ્યો.

શિવગઢમાં ઠાકુર પ્રતાપસિંહ ની દાદાગીરી નો ખાત્મો થવાં જઈ રહ્યો હતો અને એમનો અંત સમય પણ નજીક હતો એ વાતથી બેખબર ઠાકુર અને વીર ભુજથી નીકળ્યાં નાં દસેક કલાક બાદ શિવગઢ આવી પહોંચ્યાં ત્યારે સાંજનાં પાંચ વાગ્યાં હતાં. ઢળતાં સૂરજની સાથે ઠાકુરનો સૂર્ય પણ આથમવા જઈ રહ્યો હતો.

"વીર ગાડીને હોસ્પિટલ લઈ જા..ગિરીશ ને મળીને પેટીઓની વ્યવસ્થા શું કરવી એની ઉપર વાતચીત કરવી પડશે.."શિવગઢની પાદરે પહોંચતાં જ ઠાકુર પ્રતાપસિંહ એ વીર ને જણાવ્યું.એમનાં બોલતાં જ વીરે ગાડીને હોસ્પિટલ તરફ ભગાવી મુકી.

જેવી હોસ્પિટલ નાં નજીક ગાડી ઉભી રહી એ સાથે જ હોસ્પિટલનાં તૂટેલાં બારીનાં કાચ અને ખુલ્લો દરવાજો જોઈ ઠાકુરને કંઈક અનહોની થયાંની તીવ્ર લાગણી થઈ.ઠાકુરે ફટાફટ કારનો દરવાજો ખોલ્યો અને ગાડીમાંથી ઉતરીને હોસ્પિટલમાં પહોંચ્યા..ઘણી વખત અવાજ આપવાં પર પણ ગિરીશ દ્વારા કોઈ પ્રતિભાવ ના મળતાં ઠાકુરે ચિંતિત ચહેરે વીર તરફ જોયું.વીરને પણ સમજાઈ નહોતું રહ્યું આખરે ત્યાં શું થયું હતું.?

"ઠાકુર સાહેબ..અહીં આવો.."અચાનક બહારથી ઠાકુરનાં ડ્રાઈવર નો અવાજ સાંભળી ઠાકુર અને વીર બહાર આવ્યાં..ડ્રાઈવર એકતરફ આંગળી કરીને ઉભો હતો..ત્યાં નજર પડતાં એમને જોયું કે બે-ત્રણ કૂતરાં એક માનવદેહ ને ચૂંથી રહયાં હતાં.

ડ્રાઈવરે વીરનાં કહેવાથી કૂતરાંઓને મહાપરાણે ત્યાંથી દૂર કર્યાં એટલે વીર અને પ્રતાપસિંહ નાક પર રૂમાલ રાખી એ માનવદેહ કોનો હતો એ જોવાં આગળ વધ્યા..શરીર પર વધેલાં થોડાં કપડાં અને કદ કાઠી પરથી એમને સમજાઈ ગયું કે એ વિકૃત અવસ્થામાં મોજુદ લાશ ગિરીશની જ છે.

પહેલાં રાજુ અને હવે ગિરીશ ની આવી દશા જોઈ ઠાકુર સમજી ગયાં કે બંનેની મોત પાછળ કોઈ રહસ્ય જરૂર છુપાયેલું છે..ઠાકુર ત્યાંથી ધૂંધવાઈને પાછાં કાર જોડે આવ્યાં અને વીર ને ઉદ્દેશીને બોલ્યાં.

"વીર,તું જલ્દી ગિરીશ ની અંતિમવિધિ ની તૈયારી કર..એ પુરી થઈ જાય એટલે આજે રાતે જ એ પેટીઓ ત્યાંથી નીકાળી લઈએ.."

"સારું.."વીરે ટૂંકમાં કહ્યું.

ઠાકુરનો હુકમ થતાં જ તાત્કાલિક ધોરણે ગિરીશ નાં વિકૃત દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો..જ્યારે ગિરીશનો દેહ ચિતાની આગમાં સળગી રહ્યો હતો ત્યારે ચમન ત્યાં આવી પહોંચ્યો..ચમન હાથ જોડી ઠાકુર પ્રતાપસિંહ જોડે પહોંચ્યો અને કહ્યું.

"ઠાકુર સાહેબ,મને ખબર છે ગિરીશભાઈની હત્યા કોને કરી અને કઈ રીતે કરી...મારાં સિવાય આખું ગામ પણ આ વાત જાણે છે.."

"શું કહ્યું..ગિરીશની હત્યા વિશે આખું ગામ જાણે છે..તું બોલ કોને ગિરીશની હત્યા કરી..?"આશ્ચર્ય અને આવેશનાં બેવડાં ભાવ સાથે ઠાકુરે કહ્યું.

"ગિરીશભાઈ ની હત્યા કરનારાં તો પચાસથી વધુ લોકો હતાં પણ એ માટે એમને ઉકસાવનારો હતો પેલો વુડહાઉસમાં રહેતો લેખક.."ચમન બોલ્યો.

"કબીરે જ ગિરીશ ની હત્યા માટે લોકોને ઉકસાવ્યાં હતાં એમ તું કહે છે..તો હવે એને આનું પરિણામ ભોગવવું જ પડશે.."ગિરીશ ની ચિતાની આગનાં પ્રકાશમાં ઠાકુર પ્રતાપસિંહ આવેશમાં આવીને બોલ્યાં.

વીર પણ ચમન અને ઠાકુર પ્રતાપસિંહ ની વાત બાજુમાં ઉભો રહીને સાંભળી રહ્યો હતો..એ પણ હવે એમની વાતમાં વચ્ચે ઝુકાવતાં બોલ્યો.

"પિતાજી શું કરીશું હવે..?"

ઠાકુર પ્રતાપસિંહ એ વીરની તરફ જોયું અને એનાં પુછાયેલાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"વીર અત્યારે જ આપણાં માણસોની સાથે વુડહાઉસ ચાલ..ત્યાં લેખક ને જીવતો જમીન માં દાટી દઈએ અને પછી પેલી પેટીઓની કંઈક વ્યવસ્થા પણ કરી દઈએ.."

આટલું બોલતાં જ ઠાકુર, વીર,ચમન અને બીજાં ઠાકુર પ્રતાપસિંહનાં ચમચા નીકળી પડ્યાં વુડહાઉસ તરફ..!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

વુડહાઉસમાં રાખેલી પેટીઓમાં શું હતું...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ