Afsos in Gujarati Moral Stories by Reshma Kazi books and stories PDF | અફસોસ

Featured Books
Categories
Share

અફસોસ

            બાલ્કની માંથી આછો સોનેરી તડકો છેક બેડરૂમનાં બેડ સુધી પહોંચી રહ્યો હતો.બેડ ઉપર સૂતેલા અવિનાશનાં મોંઢા ઉપર પડતા આછા સોનેરી કિરણો અનોખી ભાત પાડતા હતા.ગરમીની ઋતુનો સવારનો આછો તડકો પણ અવિનાશ ને અકળાવતો હતો અને એ વારેવારે ચાદરથી પોતાનું મોઢું ઢાંકી દેતો હતો અને જોર-જોરથી બબડવા લાગતો..અરે યાર નિહારિકા! રજાનાં દિવસે તો શાંતિ લેવા દે...સવારનાં પહોરમાં કેમ બારી ખોલી નાખશ?  નિહારિકા પોતાના ભીના વાળની આંગળીથી ગૂંચ ઉકેલતા બોલી ઉઠી... સવારનો પહોર? સાડા નવ વાગી ચૂકયા છે...અવિનાશની પાસે જઈ ને મોંઢા ઉપરથી ચાદર હટાવીને પોતાના ભીના વાળનો જોરદાર ઝાટકો અવિનાશનાં ગાલ ઉપર માર્યો...જેના કારણે અવિનાશ સફાળો જાગી ગયો અને એ જોઈને નિહારિકા જોર-જોરથી હસવા લાગી.શું કરેશ નિહારિકા! મને આ બધું નથી ગમતું...સૂવા દે ને.. અવિનાશ બોલી ઉઠ્યો....નિહારિકા છણકો કરતા બોલી ઉઠી...કેમ નવા-નવા લગ્ન થયા ત્યારે તો આ બધું બહુ ગમતું તું ...લાગે છે હવે હું તમને નથી ગમતી લાગતી.. અવિનાશ બોલી ઉઠ્યો...નિહારિકા! તારા વગર તો હું સાવ અધૂરો છું...તું છે તો હું છું...સમજી ગઈ ને મેડમ! એ તો મને બહુ ઊંઘ આવતી તી એટલે બોલાઈ ગયું. નિહારિકા બોલી ઉઠી... હા ભલે! વધારે મસ્કા ના મારો..અને બે ય બાપ-દીકરો ઉઠો તો મને બીજું કામ કરવાની સમજ પડે.નમન! બેટા હવે ઉઠી જા... એટલું બોલીને નિહારિકા રસોડા તરફ ચાલવા લાગી.

                   લગભગ છ મહિના પહેલા જ અવિનાશ નું અમદાવાદ થી મુંબઈ ટ્રાન્સફર થયું હતું.કંપની તરફથી તેમને રહેવા નવી પનવેલમાં ફ્લેટ પણ મળ્યો હતો.આખા એપાર્ટમેન્ટ માં ફક્ત અવિનાશની ફેમિલી જ ગુજરાતી હતી જેના કારણે નિહારિકા ને અહીં ખાસ ફાવતું નહોતું અને તે વારેવારે ફરિયાદ કરતી..મમ્મી-પપ્પાને કહોને અહીં આપણી સાથે રહે તો મારુંય જરાક મન લાગે અને નમન પણ એમના વગર કેટલો સૂનો થઇ ગયો છે. અવિનાશ બોલી ઉઠતો..ભલે હમણાં બે મહિના પછી અમદાવાદ જઇશું ત્યારે તેમને સાથે લઇ આવશું..એમની એક નહિ ચાલવા દઈએ.

                કીચનમાંથી બહાર નીકળી ને નિહારિકા બોલી ઉઠી...એય સાંભળો છો? નમન ની સ્કૂલમાંથી ફરિયાદ આવી છે..એનું મેથ્સ બહુ કાચું છે..આપણે કાલે સ્કૂલ જવાનું છે.તમારા દીકરાને જરાક સમજાવો કે ભણવામાં જરાક ધ્યાન આપે.અવિનાશ બોલ્યો..નિહારિકા! નમન હજી દસ વરસનો જ છે અને મેથ્સ કાચું હોય તો સ્કુલવાળાઓ બરાબર શીખવાડે ને એમાં ફરિયાદ શું કરવાની હોય? આ સ્કુલવાળાઓ અમથા હાલી નીકળ્યા છે..એક તો શાળાને ભણાવવાનો નહિં પણ કમાવવાનો ધંધો બનાવી દીધો છે ને પાછા વાલીઓને ફરિયાદ કરે છે કે તમારું બાળક ધ્યાન નથી દેતું.નિહારિકા બોલી...આ બધી લપ મૂકો અને જલ્દી નમનને ઉઠાડો 
અને કાલે આઠ વાગે સ્કૂલ જવાનું છે ભૂલતા નહીં...જલ્દી કરો....મારે હજી ઘણું કામ છે.

                  સવારે આઠ વાગ્યે નમનને લઈને અવિનાશ અને નિહારિકા સ્કૂલ પહોંચી ગયા. ત્યાં પ્રિન્સિપાલ અને મેથ્સનાં ટીચર સાથે મુલાકાત થઈ અને નમન ઉપર થોડું વધારે ધ્યાન આપવાની અવિનાશે ભલામણ કરી.સ્કૂલની બહાર નીકળતા જ ગેટ પાસે આઇસક્રીમની લારી વાળો ઊભો હતો.તેને જોતા જ નમને કેન્ડી ખાવની જીદ પકડી,અવિનાશ નમન માટે કેન્ડી લઇ આવ્યો. ત્યાંજ તેની નજર બાજુમાં રહેલી ગોલાની લારી પર પડી.લારીની અડોઅડ લગભગ દસેક વરસનું એક બાળક કોઈકે ફેંકી દીધેલા ગોલાને સાફ કરીને તેને ખાઈ રહ્યો હતો.આ જોઈને અવિનાશે ફટાફટ એક કેન્ડી ખરીદી અને એ બાળકને આપવા પહોંચી ગયો.આ બધું નાનકડી નમનની આંખો પણ જોઈ રહી હતી.અવિનાશ તે બાળક પાસે જઈને બોલ્યો લે બેટા! આ કેન્ડી ખા,એ ગોલાને નીચે ફેંકી દે એ ખરાબ છે.અવિનાશની વાત સાંભળીને બાળક તેની સામે એકીટશે જોઈ રહ્યો,તેની આંખોમાં કેન્ડી જોઈને અનોખી ચમક આવી ગઈ હતી.લે બેટા! એટલું કહી ને કેન્ડી બાળકનાં હાથમાં આપી દીધી.બાળકે કેન્ડી લઈ લીધી પણ તેને કઈ રીતે ખોલવી તે આવડતું નહોતું , તે આમથી તેમ કેન્ડીને ફેરવવા લાગ્યો ત્યાંજ અવિનાશ બોલ્યો લાવ ખોલી દઉં. અવિનાશનાં બોલતા જ તેણે નિર્મળ હાસ્ય સાથે કેન્ડી અવિનાશનાં હાથમાં આપી દીધી.ખુલેલી કેન્ડી હાથમાં આવતા જ તે ચળકાટભરી નજરે ચારેબાજુથી કેન્ડીને જોઈ રહ્યો અને પછી ખાવા મંડ્યો.ખાતાં-ખાતાં તેનું ધ્યાન અવિનાશ ઉપર પડ્યું અને અવિનાશ તરફ હાથ લાંબો કરીને બગડેલા મોઢાં સાથે કેન્ડી ખાવા પૂછવા લાગ્યો.આ જોઈને અવિનાશ હસી પડ્યો અને બાળકનાં માથે હાથ મૂકીને બોલ્યો...ના બેટા! તું ખા.. અવિનાશને હસતો જોઈને બાળક પણ હસવા માંડ્યું. અવિનાશે નમન તરફ આંગળી ચીંધીને બતાવ્યું કે મારે તારા જેવો જ દીકરો છે.નમનને જોતા જ બાળકે પોતાનો હાથ નમન સામે ઊંચો કર્યો તો સામે નમને પણ હાથ હલાવ્યો અને બંને બાળકો એકબીજા સામે હસી પડ્યા.ગોલાવાળાને બાળક વિશે પૂછતાં તેને જણાવ્યું કે આ બાળક રસ્તામાંથી તેને મળ્યો હતો અને તે તેને સાથે લઇ આવ્યો.હું ગોલા બનાવું અને તે લોકોને ગોલા આપવાનું કામ કરે.જો સારી રોકડી થાય તો સારું જમીએ નહિતર જે મળે તેનાથી કામ ચલાવી લઈએ અને રાતે અહીં લારી પાસે જ ફૂટપાથ પર સૂઈ જઈએ.કેન્ડી પૂરી થતા જ બાળક અવિનાશનાં હાથ જોડવા લાગ્યો.. એ જોતા અવિનાશે તેના હાથ પકડી લીધા અને તેના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો અને અવિનાશની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ફટાફટ ત્યાંથી નીકળી ગયો. અવિનાશને રડતો જોઈને નિહારિકા બોલી...શું આવા વેવલાવેળા કરો છો આવું તો દુનિયામાં ચાલતું રહે.

                બીજા દિવસે નિહારિકા એક્ટિવા લઈને નમનને સ્કૂલ લેવા પહોંચી ગઈ.નમને ફરી આઇસ્ક્રીમ વાળાને જોઈને કેન્ડી લેવાની જીદ પકડી.નમન કેન્ડી લઈને ખાવા લાગ્યો..ત્યાં ફરી પાછો પેલો બાળક કેન્ડી ખાતા નમનને જોવા લાગ્યો અને નિહારિકા સામે આશભરી નજરે જોવા લાગ્યો.તે નમન અને નિહારિકા સામે હલકું સ્મિત કરી રહ્યો હતો.નમન તે બાળકને કેન્ડી લઇ દેવા તેની મમ્મીને કહી રહ્યો હતો.ત્યાં નિહારિકા જોર થી બોલી ઉઠી...જલ્દી ખાઈ લે...મોડું થાય છે અને આ છોકરાને કાલે તો કેન્ડી લઇ દીધી તી.. રોજેરોજ શું છે? નિહારિકાએ ગોલાવાળા ભાઈને બૂમ પાડીને કહ્યું...આ છોકરાને લઇ જાવને.. મારા દીકરાની કેન્ડી ઉપર નજર નાખે છે. નિહારિકા ની વાત સાંભળીને એ બાળક ડરી ગયો અને પાછા પગલે ચાલવા લાગ્યો.ફરી પાછી નમનને છણકો કરી બોલવા લાગી... જલ્દી કર! આવા તો રોજ કેટલાય મળે.એ બાળક થોડે દૂર જઈને હલકા સ્મિત સાથે કેન્ડી લઇ દેવા નિહારિકા ને આઇસ્ક્રીમ ની લારી સામે આંગળી બતાવી રહ્યો હતો.તેને જોઈને નિહારિકા ને જબરદસ્ત ગુસ્સો આવ્યો અને બોલવા લાગી આ તો હદ થઇ ગઈ.તેણે જોરથી નમન નો હાથ પકડીને એક્ટિવા તરફ લઇ ગઈ,તેવામાં નમનનાં હાથમાંથી કેન્ડી ધૂળમાં પડી ગઈ.નમનને બેસાડીને નિહારિકા એ પાછળ વળીને જોયું તો એ બાળક નમનની ધૂળમાં પડી ગયેલી કેન્ડીને સાફ કરીને ખાઈ રહ્યો હતો અને નમન અને નિહારિકા સામે હાથ જોડીને,હાથ હલાવીને સ્મિત સાથે જાણેકે આભાર વ્યક્ત કરી રહ્યો હતો.આ જોઈને જાણેકે નિહારિકા નાં શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું ,કાપો તોય શરીરમાંથી લોહી ના નીકળે એવી પરિસ્થિતિ તેની થઇ ગઈ હતી.તે ફટાફટ એક્ટિવા સ્ટાર્ટ કરીને નીકળી ગઈ.ઘરે પહોંચતા સુધીમાં તો એને કંઈ કેટલાય વિચાર આવી ગયા.તેને ફક્ત ધૂળ સાફ કરીને કેન્ડી ખાતુ બાળક જ નજર આવતું તું.પોતાના બાળક સામે તે નજર પણ નહોતી મેળવી શકતી ,તેને પોતાની જાત ઉપર શરમ આવી રહી હતી.તેણે અવિનાશ ને આ બધી હકીકત જણાવી તો અવિનાશ પણ થોડી વાર તેના આ કારનામા થી અકળાઈ ઊઠ્યો. તેણે જોયું કે ખરેખર નિહારિકા આ ઘટનાથી હચમચી ગઈ છે અને તેને તેની ભૂલનો અહેસાસ થઇ ગયો છે.તેણે રાત્રે બરાબર જમ્યું પણ નહી. તે નમન સામે જોઈને બોલી ઉઠી કે કોઈ આપણા બાળક સાથે આવું કરે તો તેને કેવું થાય? તો તે બાળક ઉપર મારા આવા વર્તનથી શું વીતી હશે? એનું તો આ દુનિયામાં કોઈ જ નથી છતાંય એ નાનું ફૂલ મારી સામે હાથ હલાવીને હસી રહ્યો હતો.અવિનાશ! હું જ્યાં સુધી એ બાળકનાં પગ પકડીને માફી નહીં માંગું ત્યાં સુધી મને ચેન નહીં પડે , એ મને માફ તો કરી દેશેને અવિનાશ? નિહારિકા નાં માથે હાથ ફેરવીને અવિનાશે હકારમાં જવાબ આપ્યો...હા! એ બાળક જરૂરથી તને માફ કરી દેશે..એ ફક્ત પ્રેમનો ભૂખ્યો છે જઈને સીધી એ જાણે કે તારો દીકરો હોય તે રીતે ગળે લગાડી લે જે..નિહારિકા અવિનાશ ને ગળે લાગીને જોર-જોરથી રડવા લાગી અને બોલવા લાગી મને બહુ અફસોસ થઇ રહ્યો છે,મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ.એ મને માફ નહીં કરે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય.નિહારિકા ને આખી રાત ઊંઘ ના આવી તે ફક્ત સવાર પડવાની રાહ જોતી રહી.

              સવાર પડતાની સાથે નિહારિકા ફટાફટ કામ પતાવીને નમનને સ્કૂલે મૂકવા નીકળી ગઈ.સવારનાં સાડા સાત વાગ્યા હોવાથી બાળક સૂતેલું હોય ઉઠાડાય નહીં,બપોરે સાડા બાર વાગ્યે નમનને લેવા આવીશ ત્યારે તેના પગ પકડીને માફી માંગી લઈશ અને તેને ખુબ વ્હાલ કરીશ.એમ વિચારીને નિહારિકા ઘરે જવા નીકળી ગઈ.બપોર થતા નિહારિકા ફટાફટ સ્કૂલે પહોંચી ગઈ.નમનને સાથે લઈને આઈસક્રીમની લારી પાસે ઊભી રહી.બાજુમાં એ જ ગોલાની લારી ઊભી હતી પણ પેલું બાળક ક્યાંય દેખાતું નહોતું.તે આમતેમ નજર દોડાવા લાગી પરંતુ તેને નિરાશા જ સાંપડી. આખરે તે ગોલાવાળા પાસે ગઈ અને નીચી નજરે રડીને પેલા બાળક વિશે પૂછવા લાગી...ભાઈ! કાલે મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ ,મેં એ બાળક સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું ,મારે એ બાળકની માફી માંગવી છે, એ ક્યાં છે? ગોલાવાળો નિસાસા સાથે બોલ્યો...બહેન! તમને આવવામાં બહુ વાર થઇ ગઈ છે, એ બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું.કાલે તમારા ગયા પછી રોડની સામેની સાઈડમાં એક ઊડતાં ફુગ્ગાને પકડવા તે જોયા વગર રોડ ઉપર દોડવા લાગ્યો અને સામેથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક ની અડફેટમાં તે આવી ગયો અને ત્યાંજ તેનું મૃત્યું થઇ ગયું.આ સાંભળતાની સાથે જાણે કે નિહારિકાનાં પગ નીચેથી જમીન ખસ્કી ગઈ અને તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા અને તે ત્યાંજ બેહોશ થઇ ગઈ.બધાં લોકોએ મળીને નિહારિકાને બેન્ચ પર સૂવડાવી અને તેના મોબાઇલ માંથી અવિનાશને ફોન કર્યો.તાબડતોબ અવિનાશ આવી ગયો અને નિહારિકા ને હોસ્પિટલ લઇ ગયો.તેનું બી.પી.ડાઉન થઇ ગયું હોવાથી ડોક્ટરે ઈન્જેક્શન આપતા થોડીવારમાં નિહારીકાને હોંશ આવી ગયો.અવિનાશને તે બાળકના મૃત્યું વિશે ગોલાવાળા પાસેથી બધી ખબર પડી ગઈ હતી.અવિનાશને જોતા જ નિહારિકાએ જાણે કે પોતાનું બાળક ગુમાવ્યું હોય એ રીતે ડૂસકે-ડૂસકે રડવા લાગી.

            બે-ત્રણ દિવસ વીતી ગયા છતાં નિહારિકા એ વાતને ભૂલાવી નહોતી શકતી. તે આખો દિવસ મને ખૂબ
 જ અફસોસ થઇ રહ્યો છે, મારા કારણે જ તે બાળક મૃત્યું પામ્યું છે અને હું જ તેની સૌથી મોટી ગુનેગાર છું એવું રટણ કર્યા કરતી.અવિનાશ એને સમજાવતો કે તારા કારણે કાંઈ નથી થયું , કદાચ એ આ દુનિયામાં થોડા સમય માટે જ આવ્યો હશે એટલે કુદરતે એને એની પાસે પાછો બોલાવી લીધો.મહિનો વીતી જવા છતાં નિહારિકા ગુમસુમ જ રહ્યા કરતી અને રડ્યા કરતી.

              અવિનાશે વિચાર્યું કે અનાથાશ્રમનાં બાળકોને ભોજન કરાવીને તેમનાં માટે પાર્ટીનું આયોજન કરીને બાળકોને ગિફ્ટ આપવી જોઈએ જેથી કરીને નિહારિકાનાં મનનો ભાર પણ હળવો થાય.બીજા દિવસે ત્રણેય જણાં નજીકનાં અનાથ આશ્રમમાં પહોંચી ગયા.ત્યાં બાળકોને એમણે પ્રેમથી ભરપેટ ભોજન કરાવ્યું અને ગિફ્ટ આપી.ત્યાંજ નિહારિકાની નજર ઘોડીયામાં સૂતેલા નવજાત બાળક પર પડી અને તે એકીટશે તેને જોઈ રહી હતી.અનાથાશ્રમની ગાર્ડિયન આવી ને બોલી કે બે દિવસ પહેલાં જ આ બાળક કચરાના ઉકરડામાંથી મળ્યું છે.બાળકને જોઈને નિહારીકાને પેલું મૃત્યું પામેલું બાળક યાદ આવી ગયું અને તેની આંખોમાં અનેરી ચમક આવી ગઈ.તેણે અવિનાશને પાસે બોલાવ્યો અને બાળક દેખાડ્યું.અવિનાશ અને નિહારિકાને જોઈને તે નવજાત બાળકે હલકું સ્મિત આપ્યું અને એ જોઈને નિહારિકા બોલી ઊઠી... જોયું! આ બાળકનું સ્મિત તદ્દન પેલા બાળક જેવું જ છે.અવિનાશને પણ આ બાળકને જોઈને પેલા બાળકનો હસતો ચહેરો યાદ આવી ગયો અને બોલી ઊઠ્યો... અરે હા...નિહારિકા! આ તો એ જ બાળક દુનિયામાં પાછું આવી ગયું હોય એવું લાગે છે.નિહારિકા આંસુ સાથે જોર-જોરથી હસવા લાગી અને કહેવા લાગી અવિનાશ આ બાળકને આપણે ખોળે લઇ લઈએ.આ બાળક દુનિયામાં ફક્ત મારા માટે મને માફી આપવા આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે અને એ પણ મારા દીકરાના રૂપમાં બનીને.અવિનાશ બોલી ઊઠ્યો... હા નિહારિકા !કુદરતને પણ તારો અફસોસ મંજૂર નથી એટલે તને તારા આ દીકરાના રૂપમાં આત્મસંતોષ પાછો આપ્યો છે.આપણે આ બાળકને લિગલી એડોપ્ટ કરીશું ,એના માટે હું ગાર્ડિયનની પરમિશન લઇ આવું છું.પાછળ ઉભેલા ગાર્ડિયન આ બધું સાંભળી રહ્યા હતા અને બોલી ઊઠ્યા... એમાં પરમિશન શેની? આ બાળકનાં તો ભાગ્ય ખૂલી ગયા કે તમારા જેવા માં-બાપ એને મળશે.હું હમણાં જ એડોપ્સન નાં પેપર તૈયાર કરાવું છુ અને પ્રોસેસ ચાલુ કરાવી દઉં છું. નિહારિકા બાળકને પોતાના હાથમાં લઈને બોલી ઊઠી આ બાળકનાં નહીં પણ એને પામીને અમારા ભાગ્ય ખૂલી ગયા છે,મારા બંને દીકરાઓ જ હવે મારું સર્વેશ્વ છે.એટલું બોલીને નિહારિકા એ બાળકને પોતાના ગળે લગાડી લીધો.નિહારિકા બોલી ઊઠી... આપણાં બંને બાળકો અને આ બધા બાળકો માટે આજે અહીં જોરદાર પાર્ટી હોવી જોઈએ.અવિનાશ બોલી ઊઠ્યો આ કોઈ કહેવાની વાત છે...અફકોર્સ !જોરદાર પાર્ટી હશે આપણાં દિકરાના આવવાની ખુશીમાં....અને આખું આશ્રમ બાળકોનાં ખડખડાટ હાસ્યથી ખુશનુમા થઇ ગયું.

          હવે નિહારિકાને કોઈપણ જાતનો અફસોસ નહોતો, હતો તો ફક્ત અને ફક્ત આત્મસંતોષ...