Urmila in Gujarati Moral Stories by Arti Rupani books and stories PDF | ઉર્મિલા

Featured Books
Categories
Share

ઉર્મિલા

"ઓ વાઉ હની.. વોટ અ ન્યુઝ..! ધેટ મીન્સ મહારાણી કૈકેયી એ આપણું કામ કરી દીધું..?"

"યા બેબી.. હું પણ એ જ કનફ્યૂઝ છું કે બિગ બ્રો જંગલમાં જવા તૈયાર થઇ ગયા એન્ડ એ પણ 14 વર્ષ! આઈ થિંક બિગ બ્રો ને એમાં થ્રિલ આવતી હશે.. પણ અયોધ્યાની રાજ ગાદી છોડીને કોઈ 14 વર્ષ જંગલમાં ભટકવા કઇ રીતે તૈયાર થઇ જાય..? અને એ પણ આવતી કાલે તો એમનો શપથ વિધિ સમારોહ છે.. એ બધું છોડીને એ તો ચાલ્યા જંગલમાં..! ને યુ વોન્ટ બિલિવ બેબી.. સીતા ભાભી ય એમની સાથે જવાનાં છે..."

"વોટ..? ઇટ્સ જસ્ટ અમેઝિંગ...! સો.. બિગ બ્રો અને ભાભી બેયથી છૂટ્યા.. રાજ ગાદી તારા બીજા બ્રો ને મળશે હવે..!"

"પણ યાર.. મને રામનાં કંઇક કાવતરાની ગંધ આવે છે આમાં.. એમ કોઈ રાજગાદી છોડીને 14 વર્ષ જંગલમાં ભટકવા તૈયાર થઈ જાય..?"

"યુ ડોન્ટ વરી હની.. એ લોકો ગમે એવું કાવતરું કરે મને નહીં પહોંચી શકે... હવે તો તું એ વિચાર કે આ ભરત પાસેથી ગાદી આપણાં હાથમાં આવે એ માટે શું કરી શકાય..?" ઉર્મિલા આંખો નચાવતાં બોલી...

"હમ્મ.. યુ આર રાઈટ... થિંક પોઝિટિવ.. અત્યારે તો સેલિબ્રેશનનો સમય છે.. લેટ્સ ડ્રીંક.." લક્ષ્મણે બાજુમાં પડેલી વોડકા ગ્લાસમાં ભરી ઉર્મિલાને આપતાં ચિયર્સ કર્યું..

"કટ કટ કટ... કટ ઇટ" સાગર ગુસ્સે થતાં બોલ્યો.. એ સાથે લક્ષ્મણ અને ઉર્મિલાનું પાત્ર ભજવનાર કલાકારો વંશ અને શ્રુતિ પણ ગેટ અપ છોડીને ખુરશીમાં ગોઠવાયા.. સાગરની આ આદત હતી કે ડાયલોગની સ્ક્રિપ્ટ વાંચવાના બદલે કલાકારો પાસે એમને બોલાવડાવી ને જ એમને ફાઇનલ કરતો..

"અમી..! વોટ ઇઝ ધિસ યાર.. આપણે એકતા કપૂરની કોઈ સિરિયલ નથી બનાવતા.. અને ઉર્મિલા કોઈ વિલન નથી... ઇટ્સ માયથોલોજીકલ શોર્ટ ફિલ્મ..! આવા ડાયલોગ લખીશ તું..?"

"કેમ..! આમાં શું વાંધો છે?" અમીએ આરામથી વેફરનું પેકેટ ખાલી કરતાં નફકરાઇથી જવાબ આપ્યો..

"અમી..! વાય કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ..? આ ફિલ્મ આપણાં માટે બહુ મહત્વની છે.. યુ નો ઇટ... એક જાણીતી એપ દ્રારા આ વખતે માયથોલોજીકલ શોર્ટ ફિલ્મની સ્પર્ધા રાખવામાં આવી છે.. અને વિનિંગ એમાઉન્ટ પણ તું જાણે છે.. એક લાખ છે ડિયર.. પ્લીઝ બી સિરિયસ.."

"જો સાગર.. મેં તને પહેલાં જ કીધું હતું... આ માયથોલોજીકલ મને નહીં ફાવતું.. એ મારો કમ્ફર્ટ ઝોન નથી યાર.. તું કોઈ બીજી રાઇટર શોધી લે.. અને સ્ટોરી લાઇન તેં આપી હતી, એનાં પરથી મને જે આઈડિયા આવે એ આ જ હોય.. તું જાણે છે મને પુરાણો વિશે કશી જાણકારી નથી.. તેં કીધું કે રામાયણ વિશે લખવાનું છે.. ધેટ્સ ફાઈન.. પણ એમાં પણ ઉર્મિલા..? કોણ છે આ ઉર્મિલા...! અહીં બેઠેલા બધા ને પૂછી લે.. કોઇએ ઉર્મિલાનું નામ પણ સાંભળ્યું હોય તો... આઈ કેન બેટ ઇટ...! મને તો 'ઉર્મિલા' સાંભળીને.. 'રંગીલા રે... હો જા રંગીલા રે..' એટલું જ યાદ આવે છે.." અમી આટલું કહી ને રંગીલાનાં ગીત પર ડાન્સ કરવા લાગી.. ત્યાં હાજર આખી ટીમ હસવા લાગી..

"ઓકે ફાઈન..! તો હું એમ સમજું ને કે 'અમી..!' 'ધી મિસિસ અમી નાગર...!' હારી ગઇ..? રાઇટર તરીકે અનેક એવોર્ડ જીતનાર અમી હારી ગઇ..?"

"શું બકે છે તું..? અમી ક્યારેય હારતી નથી.. ઓકે ફાઈન.. હું લખીશ.. પણ તું મને સ્ટોરી તો કે.. તેં મને ફક્ત એટલું જ કહ્યું કે રામ રાજા બનવાનો હોય છે એની આગલી રાત્રે એની સાવકી મા કૈકેયી, રામનાં બાપ પાસે વરદાન માંગે છે અને રામને 14 વર્ષનો વનવાસ ને એનાં દિકરા ભરત ને રાજ ગાદી મળે એવું માંગે છે.. અને પેલો બુઢ્ઢો દશરથ માની ય જાય છે.. પાછો અક્કલ વગરનો રામ એ વાત સ્વીકારી ય લે છે અને એની પત્ની હારે વનમાં જાય છે.. વોટ નોન સેન્સ સ્ટોરી યાર..! હશે ચાલ.. પણ તેં આટલી જ સ્ટોરી મને કહી.. રામનો ભાઈ લક્ષ્મણ અને એની વાઇફ ઉર્મિલાનાં આ ઘટના પર શું રિએક્શન હતાં એ જ તારી ફિલ્મની થિમ છે.. તો જો સાગર.. એનાં પરથી મને તો આવા જ ડાયલોગ સૂઝે છે..! તું આગળની સ્ટોરી સંભળાવ તો એનાં વિશે કંઇ લખું ને..!"

"નો અમી.. આગળની સ્ટોરી તારે જ વાંચવી ને સમજવી પડશે.. તો જ વાર્તામાં સોઉલ આવશે..

"યુ મીન તારી આ ફિલ્મ માટે હું રામાયણ વાંચુ..? કમ ઓન.. હું હજુ એટલી બુઢ્ઢી નથી થઇ કે મારે રામાયણ વાંચવી પડે..  યુ નો.. મારાં સાસુ રોજ સાંભળે છે રામાયણ..! બટ આઈ કાન્ટ બેર ઇટ.. ઓકે.. ઉર્મિલાને વિલન નથી બનાવવાની.. તો એનાં ડાયલોગ શું હશે આઈ કેન ઈમેજીન.. હું એ પ્રમાણે લખીને કાલે લઇ આવીશ..."

"ઓકે.. વિશ યુ ઓલ ધ બેસ્ટ..હું ફક્ત એટલો કલુ આપીશ કે રાજા રામનાં વનમાં જવાનાં સમાચાર સાંભળીને લક્ષ્મણ પણ તેમની સાથે જવા તૈયાર થાય છે અને ઉર્મિલાને આ સમાચાર આપવા જાય છે ત્યારે ઉર્મિલાનું શું રિએક્શન હશે એ વિશે જ તારે લખવાનું છે. અને હા.. તારી ભાષા ને શું થયું છે ઇટ્સ માયથોલોજીકલ સ્ટોરી યાર..! ચાલો..સિ યુ ગાયઝ.. કાલે મળીએ ફરી પાછા..." સાગરે પેક અપનો ઓર્ડર આપતાં કહ્યું..

                        *************

"ડાર્લિંગ.. તું મારી વાતને સમજવાની કોશિશ કર..! હું તને થોડા વર્ષોમાં બોલાવી લઈશ. ત્યાં સુધી હું પણ સેટલ થઇ જાઉં અને.. અને..મમ્મીનું ધ્યાન રાખવા પણ અહીં કોઇએ તો રહેવું પડશે ને.. તું જાણે છે કે મારાં સિવાય એમનું કોઈ નથી.. અને એમની તબિયતને જોતાં એ કેનેડા ના આવે એ જ બેટર છે.. હવે એમનું આયુષ્ય પણ કેટલું.. ! વિઝા નો પણ પ્રોબ્લેમ થશે" આકાશે ડરતાં ડરતાં કહ્યું..

"ઓકે.. એટલે અસલ વાત આ છે.. તારા મમ્મીની નર્સ કે નોકરાણી નથી હું..! કે એને સાચવવા એમની સાથે રહું.. એન્ડ આકાશ.. નર્સ તો રાખી જ છે ને આપણે..!"

"એટલે તું શું કહેવા માંગે છે હું મારા મમ્મીને એક નર્સનાં ભરોસે ઇન્ડિયામાં એકલા છોડી દઉં..?"

"નર્સનાં ભરોસે એકલા ના છોડવા હોય તો ઘરડા ઘર પણ છે ને.. એવું નથી કે જેમને દિકરા વહુ કાઢી મૂકે એ લોકો જ ઘરડા ઘરમાં રહેતાં હોય.. સારાં સારાં ઘરડા ઘર પણ હોય છે જેમાં ઘણાં વૃદ્ધો પોતાની મરજીથી રહેવા જતાં હોય છે.. ટ્રસ્ટ મી...આપણે મમ્મી માટે બેસ્ટ ઘરડાઘર શોધીશું.."

"ઇનફ અમી.. ચૂપ થઇ જા.." આકાશ ગુસ્સે થઇને પડખું ફરીને સૂઈ ગયો..

"આ ડોશી મરતી પણ નથી અને અમને પણ ચેનથી જીવવા દેતી નથી. બીપી છે.. હૃદયરોગ છે.. 2 વર્ષથી પેરેલિસિસથી પીડાય છે.. તોયે મરતી નથી..! છેલ્લા 2 વર્ષથી હું અને આકાશ ક્યાંય ફરવા પણ નથી જઇ શક્યા..! જયાં જવું હોય ત્યાં પહેલો સવાલ એ જ આવે છે કે આ ડોશીનું શું કરવું..! મનમાં તો થાય છે કે ગળું દબાવીને મારી જ નાખું ડોશીને... આકાશને એની કંપની કેનેડા મોકલી રહી છે.. મને પણ એમ થયું કે ચાલો છૂટ્યા આ ટિપિકલ ઇન્ડિયન લાઇફ થી.. પણ નહીં..! ડોશીને કોણ સાચવશે..!" અમી એકલી બડ બડ કરતી રૂમની બહાર નીકળી.. બહાર જોયું તો ચંપાબેન તેમનાં રૂમની બહાર વ્હીલચેરમાં બેઠા બેઠા અંદરની બધી વાત સાંભળી રહ્યાં હતાં..

"હું.. હું.. મને તરસ લાગી હતી.. મારી બોટલ ખાલી થઇ ગઇ હતી એટલે તને કહેવા આવી હતી કે મને પાણી ભરી આપ ને.." ચંપા બેન અચાનક અમીને બહાર જોઇ ગભરાઈ ગયા..

"શરમ કરો મમ્મીજી.. આ ઉંમરે દિકરા વહુનાં બેડરૂમમાં એમની જાસૂસી કરો છો..!"

"ના વહુ બેટા.. હું સાચું કહું છું.. આ રહી મારી પાણીની બોટલ.." ચંપા બેને પાણીની બોટલ વાળો હાથ લંબાવતા કહ્યું.

"વહુ બેટા.. તમે લોકો ખુશીથી કેનેડા જાઓ.. મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. હું ઘરડાં ઘરમાં રહી લઈશ.."

"બસ કરો.. બહુ થયો આ મેલોડ્રામા તમારો.. તમારાં દિકરાને સમજાવો એ વાત.." અમી છણકો કરતાં બોલી..

                       ************

"મેં પણ ભાઈ રામ જોડે વનવાસમાં જવાનું નક્કી કર્યું છે ઉર્મિલા.."

"પણ શા માટે..? માતા કૈકેયીએ તો ફક્ત ભાઈ રામ માટે જ વનવાસ માંગ્યો છે ને.. તો તમારે જવાની શી જરૂર છે..?

"ભાઈ પ્રત્યે મારી ફરજ પણ છે અને પ્રેમ પણ.. જંગલમાં હિંસક જનાવરો અને રાક્ષસો વચ્ચે ભાઈ ભાભીને એકલાં ના જવા દઇ શકું.. હું પણ એમની સાથે જઈશ ઉર્મિલા.."

"એટલે ભાઈ ભાભી પ્રત્યેની તમારી ફરજનું તમને ભાન છે.. અને મારાં પ્રત્યે..? મારાં પ્રત્યે તમારી કોઈ ફરજ જ નથી..? મને 14 વર્ષ અહીં એકલા મૂકીને તમે જશો..? ભાઈ સાથે ભાભી જાય જ છે ને.. અને અહીં તમારો બીજો ભાઈ રાજા બનશે. એમને પણ તમારી જરૂર હશે.. એક સાવકા ભાઈ પ્રત્યેની ફરજો માટે બીજા ભાઈ અને પત્ની પ્રત્યેની ફરજો ભૂલો છો તમે.."

"કટ કટ કટ" સાગર ફરી અકળાઈને બોલ્યો..

"અમી.. તેં હજુ રામાયણ વાંચવાનું શરૂ નથી કર્યું ને..? ઉર્મિલાને તું સમજીશ નહીં તો લખીશ કેવી રીતે..? કાલ કરતાં તારી કલ્પનામાં ઇમ્પ્રુવમેન્ટ છે.. પણ સ્ટીલ ઇટ ઇઝ નોટ બેટર..મારે આવી સિચ્યુએશનમાં અમી શું વિચારે એ નહીં, ઉર્મિલા શું વિચારે એ જોઈએ છે.."

"એ યાર.. છોડને.. આ બકવાસ.. મારાંથી નહીં લખાતી આવી સ્ટોરી.. આ તદ્દન ઇનપ્રેક્ટીકલ છે.. એક પિતાનાં વચન ખાતર દિકરાનું રાજ ગાદી છોડી વનમાં જવું, પત્નીએ પણ એની સાથે જવું ને હજી એ ઓછું હોય એમ સાવકા ભાઈનું ય જવું.. સ્ટુપીડ છે આ બધું.."

"જો અમી.. લખવું તો તારે જ પડશે.. કારણકે મને તારાથી બેસ્ટ રાઇટર આટલાં શોર્ટ પીરીયડમાં નહીં મળે.. અને તું અને આકાશ મારાં મિત્રો છો એટલે નથી કહેતો.. પણ તું ખરેખર સરસ લખે છે અમી.. હજુ તું આ પાત્રોમાં ઊંડી નથી ઉતરી. આમ છબછબિયા નહીં કર.. ડૂબકી લગાવ.."

"પણ આ બધું રિયલ નથી સાગર.. રિયાલિટીમાં અત્યારે આવું કોઈ જ હોતું નથી.. અને જે વાત મને ગળે નથી ઉતરતી એ વાત ઓડિયન્સનાં ગળે કઇ રીતે ઉતારું..?" અમી એ ચા ની ચૂસકી લેતાં કહ્યું..

"બસ.. અહીં જ તારી ભૂલ છે.. મને પુરુષની તો નથી ખબર.. પણ આજે પણ દરેક ઇન્ડિયન સ્ત્રીમાં ક્યાંક ને ક્યાંક સીતા ને ઉર્મિલા વસે જ છે.. કયારેક સીતા બનીને તો ક્યારેક ઉર્મિલા બનીને એ સેક્રિફાઈસ કરતી જ રહે છે.."

"યુ મીન.. મારી અંદર પણ આવું કોઈ રહે છે..!" અમીથી હસવાનું કંટ્રોલ ના થયું..

"તું માન કે ના માન.. પણ હા... તારી અંદર પણ.  જે જરૂર પડ્યે બહાર આવશે... પણ અત્યારે તો મારાં માટે એક કામ કર પ્લીઝ.. આપણી ફિલ્મ માટે થઇને એક વાર રામાયણનો આ સીન વાંચી જા પ્લીઝ..

"ઓકે.. લેટ મી ડુ ઇટ.."

                        ***********

बन दुख नाथ कहे बहुतेरे। भय बिषाद परिताप घनेरे।।
प्रभु बियोग लवलेस समाना। सब मिलि होहिं न कृपा निधाना।।

અમી ઘરે પહોંચી ત્યારે પૂજા, ચંપા બેનને રામ ચરિત માનસ સંભળાવી રહી હતી. રામ વનવાસમાં જઇ રહયા હતાં અને સીતા એમને કહી રહી હતી કે "પ્રભુ, તમારા વિયોગથી મોટું કોઈ દુઃખ નથી.. તમે જે જે સંકટો વન માં ગણાવ્યા એ તમામ તમારા વિયોગનાં દુઃખ આગળ કંઇ પણ નથી.."ચંપા બેનની સેવા માટે, પૂજાને આખા દિવસની નર્સ તરીકે રાખી હતી .. અને એ રોજ સાંજે ચંપાબેનને રામાયણ કે રામ ચરિત માનસ વાંચીને સંભળાવતી..

પૂજા જતી રહી એટલે અમીએ રામાયણ અને રામ ચરિત માનસ સાસુનાં રૂમમાંથી છાના માના લઇ લીધાં. વળી એમને એમ ના થાય કે એમની વહુ રામાયણ વાંચવા માંડી..! એમને શી ખબર કે આ તો જસ્ટ સ્ક્રિપ્ટ લખવા માટે છે..!

આકાશનાં સૂઈ ગયા બાદ તેણે બન્ને પુસ્તકમાંથી રામનાં વન ગમનનો કિસ્સો વાંચ્યો.. સીતા એ રામ પાસેથી વનગમનની અનુમતિ માંગી એટલું વાંચ્યુ અને ઉંઘ આવી ગઇ.. "આમ પણ કેટલું નોન સેન્સ હતું..  પતિનાં વચન ખાતર એક સ્ત્રી રાજ પાટ છોડીને પતિની સાથે વનમાં ચાલી ગઇ.. હાઉ બોરિંગ...!"

સવારે બ્રેક ફાસ્ટ સમયે પૂજા આવી..

"દીદી.. મને મારો પગાર કરી આપજો.. કાલથી હું કામ પર નહીં આવી શકું.."

"પણ કેમ..?"

"મારાં પતિની બદલી થઇ ગઇ છે એટલે હવે એની સાથે જવું પડશે ને..!"

"તો પણ ત્યાં તને નોકરી મળે ના મળે.. તારી તો કરિયર નો વિચાર કર.. તું નર્સિંગનો કોર્સ પણ તો કરે છે ને સાથે..? એનું શું? "

"દીદી.. વિચાર તો મને પણ આવ્યો હતો.. પણ 'એ' ત્યાં ખાધે પીધે દુઃખી થાય અને હું અહીં કામ કરું એનો શો અર્થ..! ત્યાં મળી જશે કોઈ કામ..! હું તો એમની સાથે જ જઈશ.." અમીને પૂજામાં માતા સીતાનાં દર્શન થયા
તેને સાગરની વાત યાદ આવી ગઇ.."ઈન્ડિયા માં હજુ દરેક સ્ત્રીમાં સીતા વસે છે.." અચાનક તેને યાદ આવ્યુ કે તે પણ બધું છોડીને આકાશ સાથે કેનેડા જવા માંગે છે..તેનાં સુખ દુઃખમાં એની સાથે રહેવા.. માતા સીતાની જેમ જ.. મનોમન તેણે ગૌરવ પણ અનુભવ્યું... છતાં આકાશ તેને સમજી નથી શક્તો..

                            ********

"સ્વામી.. તમે પ્રભુ રામની સેવા ખાતર વનમાં જવા ઇચ્છો છો એ તમારી ઇચ્છામાં હું વિઘ્ન નહીં નાખું.. પણ સ્વામી... મારો શો દોષ..! મને પણ તમારી સહ ગામિની બનાવો.. દીદી પણ તો જઈ રહ્યાં છે વનમાં.. એમની સેવાનો મને પણ લાભ મળશે.."

"પ્રિયે.. વનમાં જે તકલીફો પડશે એને તમે નથી જાણતાં..  ત્યાં હિંસક જનાવરો, અને માનવ ભક્ષી રાક્ષસો પણ હશે.. એ સિવાય ત્યાં જવા તમામ રાજ વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કરી એક વલ્કલ ધારણ કરવાનું રહેશે.. પાદત્રાણ પણ નહીં હોય.. માર્ગનાં કંટકો અને તાપનો ખુલ્લા પગે સામનો કરવો પડશે. સૂવા માટે પણ ઘાસ કે માટી એ જ તમારી સુખ શય્યા હશે..  ભોજનમાં પણ કંદ મૂળ જ હશે અને એ પણ હંમેશા મળશે જ એમ ના કહી શકાય.. આટલાં કષ્ટો તમે નહીં સહન કરી શકો.. તમે મારી સાથે તમારી વનમાં જવાની ઇચ્છાનો ત્યાગ કરો દેવી.."

"સ્વામી.. તમે જેટલાં કષ્ટો જણાવ્યા કે ભય બતાવ્યા એ બધાં તમારાં વિયોગનાં દુઃખની સામે કંઇ જ નથી.. મારાં માટે તમારો સાથ એ જ સૌથી મોટું ભાગ્ય હશે.. તમે જયાં જશો ત્યાં હું તમારી સંગીની બની હું સાથે ચાલીશ.. તમે જે ખાશો એમાંથી જે કંઇ બચશે એ જ મારો ખોરાક હશે.. બસ.. મને 14 વર્ષ તમારાંથી વિયોગ ના આપો.."

"પ્રિયે.. જીદ છોડી દો.."

"ના સ્વામી.. આ મારી જીદ નથી પરંતુ મારી તપસ્યા છે. તમે ત્યાં વનમાં વિહાર કરો, કંદ મૂળ ખાઓ અને હું અહીં રાજ મહેલ નાં સુખો ભોગવું એ કદાપિ શક્ય નહીં બને.  મુજ દીન ને અનુમતિ આપો સ્વામી..!"

"કટ કટ કટ" સાગર ખુશ થતાં બોલ્યો..

"લાગે છે તેં આજે રામાયણ વાંચી જ લીધી.. સો કેવું લાગ્યું વાંચીને અમી મેડમ..!"

"હા વાંચ્યુ થોડું.. વાંચીને બહુ અજીબ પણ લાગ્યું.. કેવા છે એનાં બધાં પાત્રો નહીં...! આ સ્ટોરી રિયલ છે...? આવું શું ખરેખર બન્યું હશે..? મને તો આ બધું બકવાસ જ લાગે છે.. એનાં બધાં પાત્રો જાણે એક બીજા માટે સેક્રીફાઇસ કરવાની હોડમાં ઉતર્યા હોય એવું લાગે છે..'માય લાઈફ માય રૂલ' વાળો કન્સેપ્ટ જાણે તેઓ જાણતાં જ નથી..મૂરખ હોય એવું લાગે છે.. શું મળ્યું હશે આ બધાંને આટલા ત્યાગમાં?" અમી બધાંને બકવાસ કહી તો રહી હતી પણ જાણે એનાં શબ્દોમાં આજે વજન નહોતું.. જાણે અંદરથી એ લઘુતા અનુભવતી હોય એવું લાગ્યું..

"ચાલ.. તેં આટલું વિચાર્યું તો ખરાં.. એ જાણીને આનંદ થયો.. અને એ લોકો 'શું મળશે' ની નહીં પરંતુ 'શું આપી શકશું' ની વિચાર ધારા વાળા માણસો હતાં.. આપણી સંસ્કૃતિની એ જ મહાનતા છે અમી.. આપણાં તો ઉપનિષદો પણ ત્યાગ નો જ મહિમા ગાય છે.. 'ત્યાગીને ભોગ કર' એ જ આદર્શ છે આપણો.. અને એ હજુ આપણાં કલ્ચરમાં વણાયેલો છે..."

"પણ એ બધું એ જમાના માટે બરાબર હતું.. આજે લોકો એવું કરવા જાય ને તો બીજાં એને વેંચીને ખાઇ જાય.."

"નહીં અમી.. આ બધાં પાત્રો આજે પણ એટલાં જ રિલેવન્ટ છે.. શું તેં ક્યારેય નથી જોયો આવો ત્યાગ આપણાં સમાજ માં?"

અમી કશું ના બોલી.. ઊંડા વિચારમાં ખોવાઇ ગઇ..એને સવારની પૂજાની વાત યાદ આવી ગઇ.. નાનપણમાં મમ્મીએ કરેલાં સેક્રીફાઇસ યાદ આવી ગયા..

"હેલો.. અમી મેડમ.. ક્યાં ખોવાઇ ગયા..?" સાગરે ચપટી વગાડતાં કહ્યું.. " એની વે.. આજનું તારું લખાણ બેટર તો છે પણ તું હજુ સીતાને જ સમજી હોય એવું લાગે છે.. ઉર્મિલાની મહાનતાને સમજવાની હજુ બાકી છે તારે.."

"હા.. મેં સીતા વનમાં જવાની પરમિશન માંગે છે ત્યાં સુધી જ વાંચ્યુ છે. તેનાં પરથી જ અનુમાન કરી લીધું કે ઉર્મિલાએ પણ સેમ થિંગ જ કહી હશે.. આગળ વાંચવાનું બાકી છે.. આજે વાંચી લઈશ.."

"ના.  આગળ વાંચવાની જરૂર નથી.. કારણકે ઉર્મિલા વિશે તને એમાં વધુ કશું મળશે નહીં.. ફક્ત એટલું જ મળશે કે ઉર્મિલા વનમાં નહોતી ગઇ..છૂટક છૂટક ક્યાંક વર્ણન મળે છે.. 'ઉર્મિલા નિદ્રા' ને એવું બધું.. પણ મારે એ નથી જોઈતું.. મારે તો એ જોઈએ છે કે ઉર્મિલા વનમાં કેમ ના ગઇ..? ઉર્મિલા ઇતિહાસ નું હિડન કેરેક્ટર છે.. એનો ત્યાગ કોઈ ને દેખાયો જ નથી.. પણ હકીકતમાં ઉર્મિલા સીતાથી પણ મહાન હતી.."

"વન મિનિટ.. ઇતિહાસમાં નથી..? તો હું કઇ રીતે લખીશ..? અને એ વનમાં કેમ નહોતી ગઇ..? તેં તો કીધું કે એ મહાન હતી. ધેટ મીન્સ રાજ મહેલનાં સુખો ખાતર ના ગઇ હોય એ તો શકય નથી તો એ એનાં પતિ સાથે વનમાં કેમ ના ગઇ?"

" એ જ તારે વિચારવાનું છે.. અને લખવાનું પણ.. અને આઈ એમ ડેમ સ્યોર કે તું એ કરી જ શકીશ.."

"પણ હું કેવી રીતે..?"

"કારણકે તું એક સ્ત્રી છો અને લેખક પણ..! એક સ્ત્રી જ એક સ્ત્રી ને સારી રીતે સમજી શકે.. ઉર્મિલામાં ડૂબી જા અમી.. તો જ કેરેક્ટર બહાર આવશે.."

અમી ચૂપ રહી.. કશું ના બોલી.. તેણે સાગરની વિદાય લીધી..ઉર્મિલા એનાં માથા પર સવાર થઇ ગઇ હતી.. ઉર્મિલા વનમાં ના ગઇ..? પણ શા માટે..? સીતાની દલીલ સચોટ હતી તો એવી જ દલીલ ઉર્મિલા એ ના કરી? વિચારો અને વિચારોમાં ક્યારે ઘર આવી ગયું ખબર ના પડી.. તેણે કારને જોર થી બ્રેક મારી.. વિચારો માં જ ઘરમાં પ્રવેશી.. ઘરમાં આકાશ કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.. એનાં શબ્દો અમીનાં કાન પર અથડાયા..

"યાર.. જોજે.. ઘરડાં ઘર બેસ્ટ હોવું જોઈએ.. મારી મમ્મીને કોઈ જ તકલીફ ના પડવી જોઈએ.. મમ્મીએ મારાં માટે બહુ ત્યાગ કર્યો છે અત્યાર સુધી.. પપ્પા તો હું નાનો હતો ત્યારે જ ભગવાન પાસે ચાલ્યા ગયા.. મમ્મી એ જ પેટે પાટા બાંધીને ભણાવ્યો છે.. પપ્પાની કમી ક્યારેય નથી લાગવા દીધી.. પોતાનાં સુખોનો તો વિચાર જ નથી કર્યો.. અમારાં માટે જ આખી જીંદગી આપી દીધી અને હવે મારો એમની સેવા કરવાનો વારો આવ્યો છે ત્યારે હું આ રીતે એમને છોડી ને જાઉં એ મને જરાં પણ પસંદ નથી.. પણ શું કરું યાર.. મારી મજબૂરી છે.. એટલે પૈસાની ચિંતા ના કરતો. બેસ્ટ ઘરડાં ઘર શોધજે.."
ફોન મૂક્યો ત્યાં આકાશે જોયું કે અમી પાછળ ચા લઇને ઉભી હતી.. બે માંથી કોઈ કશું ના બોલ્યું.. ફક્ત સ્માઈલ આપી..

અમીનાં દિલો દિમાગ પર ઉર્મિલા સવાર થઇ ગઇ હતી.. આખરે ઉર્મિલા વનમાં કેમ ના ગઇ..? એક સાથે કેટલાં શબ્દો એનાં દિમાગમાં અથડાતાં હતાં.. "ત્યાગ જ આપણો આદર્શ છે...." "ઉર્મિલા સીતા થી પણ મહાન હતી.." "મારી મમ્મી એ મારાં માટે ઘણો ત્યાગ કર્યો છે પેટે પાટા બાંધીને મને ભણાવ્યો છે... " "શું તેં નથી જોયાં એવાં પાત્રો રિયલ માં..?" અમી નું માથું ભમવા લાગ્યું..

"શું થયું વહુ બેટા.. તબિયત સારી નથી..? તો આરામ કર.." ચંપા બેને કહ્યું.  આજ અમી એ એમને કોઈ જ વળતો જવાબ ના આપ્યો..

"જી મમ્મી.. થોડું માથું દુખતું હતું.." એમ કહી અમી રૂમમાં જતી રહી.

                          *********

લક્ષ્મણજી તેમનાં શયન કક્ષ તરફ આગળ તો વધી રહ્યાં હતાં પરંતુ એમનાં પગ એમને સાથ જ નહોતાં આપતાં.. "શું કહેશે એ ઉર્મિલાને..? ઉર્મિલા એની વાત સમજી શકશે? પ્રભુ શ્રી રામ અને માતા સીતાની સેવા અર્થે વનમાં જઉં છું એ વાતનો તો એ વિરોધ નહીં જ કરે. પણ માતા સીતાની માફક વનમાં સાથે આવવાની જીદ કરશે તો..?"

શયન કક્ષમાં પહોંચીને લક્ષ્મણજી, ઉર્મિલાની મુખ મુદ્રા જોઈને જ સમજી ગયા કે ઉર્મિલાને તેનાં વન ગમનનાં સમાચાર મળી ગયા છે..  બન્ને એક બીજાને એકીટશે જોતાં ક્યાંય સુધી ઉભા રહ્યાં.. રાજ વેશ અને આભૂષણોનો ત્યાગ કરી, એક વનવાસીનાં વેશમાં પણ લક્ષ્મણ એટલાં જ  તેજસ્વી લાગી રહ્યાં હતાં..

"પ્રભુ શ્રી રામ અને માતા સીતાની સેવા કાજ જઇ રહ્યો છું.. તમારી અનુમતિ લેવા આવ્યો છું દેવી.. મને સુખ પૂર્વક વિદાય આપો.." લક્ષ્મણ મહા મહેનતે બોલી રહ્યાં..

"પ્રાણનાથ..! આપ સુખેથી જાઓ.. મારી કે તમારાં માતા પિતાની સ્હેજ પણ ચિંતા કર્યા વિના તમે તમારી ફરજ સારી રીતે નિભાવજો.." આંખમાં થી આંસુ નું એક પણ ટીપું ના પડે એનું ધ્યાન રાખતી ઉર્મિલા બોલી..

"પ્રિયે.. કશું નહીં કહો..? માતા સીતાની માફક વનમાં આવવાની જીદ પણ નહીં કરો..?" લક્ષ્મણ પ્રેમ પૂર્વક પૂછી રહ્યાં..

"નાથ.. ઇચ્છા તો મારી પણ છે કે હું આપની સાથે વનમાં આવું.. કારણકે તમારાં વિના આ રાજ મહેલ મને જેલ સમાન લાગશે.. ખાવા દોડશે. મારૂં મન સદૈવ તમારાં કષ્ટોમાં પરોવાયેલું રહેશે.. પણ હું સારી રીતે જાણું છું નાથ કે અત્યારે તમારી ફરજ શું છે..? પ્રભુ શ્રી રામ અને માતા સીતાની સેવામાં સ્હેજ પણ ચૂક રહી ના જાય એ જોજો.. હું આપની સાથે હોઈશ તો આપને મારી રક્ષાની પણ ફિકર રહેશે.. આપ શ્રી રામ અને માતા સીતા પ્રત્યેની આપની ફરજ સારી રીતે નહીં નિભાવી શકો..એમનાં પ્રત્યેની તમારી સેવામાં વિક્ષેપ પડશે. પત્નીનો તો ધર્મ છે કે પતિની દરેક ફરજમાં પણ ભાગ લે.. નાથ.. હું આપની ફરજમાં નડતર રૂપ ના બનીને મારી ફરજ નિભાવીશ.. વળી.. હું પણ જો આપની સાથે આવીશ તો અહીં આપનાં માતા અને પિતાની સેવાને લઇને પણ આપ સતત વ્યથિત રહેશો... એનાં કરતાં પ્રભુ શ્રી રામ અને માતા સીતા પ્રત્યેની એક ફરજ તમે ત્યાં વનમાં નિભાવો.. અને તમારી માતા પિતા પ્રત્યેની બીજી ફરજ, અહીં હું નિભાવીશ.." આટલું બોલતાંમાં ઉર્મિલા નીચું જોઇ ગઇ.. એની આંખમાંથી આંસુ સરી પડ્યા..

"ધન્ય છે દેવી તમને.. તમે મારી ચિંતાનો ભાર તદ્દન હળવો કરી નાખ્યો..દેવી.. તમે મહાન છો.. તમારો ત્યાગ સૌથી મહાન છે. તમારી આ મહાનતાની અને ત્યાગની નોંધ ઇતિહાસ લે કે ના લે પણ આ દશરથ પુત્ર લક્ષ્મણ તમારાં ચરણોમાં દંડવત વંદન કરે છે.." આટલું કહી, લક્ષ્મણ, ઉર્મિલાનાં ચરણોમાં લાકડીની પેઠે નમી પડ્યા..

"અરે સ્વામી.. આ શું કરો છો..? હું તો તમને અનુસરવા જ સર્જાયેલી છું.."

"દેવી.. તો આ આંખમાં આંસુ શાને..? મને સુખ પૂર્વક વિદાય આપો.. આપની આંખમાં આંસુ હશે તો વનમાં પણ મને આપની યાદ આવ્યા કરશે અને ચિંતા થયા કરશે.."

ઉર્મિલા ત્વરાથી આંસુ લૂછતાં બોલી.."આ જનક નંદિની પણ આજ એક વચન આપે છે કે આ 14 વર્ષમાં મારી આંખમાંથી આંસુનું એક ટીપું પણ નહીં પડે.. પણ બદલામાં નાથ... આપને પણ એક વચન આપવું પડશે કે આપ પણ આ 14 વર્ષમાં મને યાદ સુદ્ધા નહીં કરો..કારણકે હું નથી ઇચ્છતી કે મારી યાદ કે ચિંતાથી તમારી પ્રભુ સેવામાં વિક્ષેપ પડે.."

વંશ અને શ્રુતિ એ અભિનય પૂરો કર્યો હતો છતાં ના તો "કટ કટ કટ" નો અવાજ આવ્યો કે ના તો તાળીનો.. એ બન્ને મૂંઝાઈ ગયા કે હવે શું કરવાનું છે..! સ્ટુડિયોમાં થોડી ક્ષણો સુધી કોઈ કશું જ ના બોલ્યું.. બધાંની આંખમાં આંસુ હતાં.. થોડી ક્ષણો પછી સાગર જાગ્યો હોય એમ અચાનક બોલ્યો.. "કટ કટ કટ.." અને ખુશી નો માર્યો અમીને વળગી જ પડ્યો.. " ફાઇનલિ યુ ડીડ ઇટ અમી.. ઇટ્સ એકસીલન્ટ.."

અમી થોડી વાર કશું જ ના બોલી.. "કરવાનું તો હજુ બાકી છે સાગર.. હજુ તો લખ્યું છે.." એમ કહી, સ્ટુડિયો છોડી જતી રહી.. સાગર પણ ગૌરવ ભરી નજરે એને જતી જોઇ રહ્યો.

અમી ઘરે પહોંચી ત્યારે સાંજ પડી ગઇ હતી.. આકાશ પણ ઘરે આવી ગયો હતો...

"અમી..! તારાં વિઝાની પ્રોસેસ સ્ટાર્ટ થઇ ગઇ છે અને મમ્મી માટે એક બેસ્ટ ઘરડાં ઘર પણ મળી ગયું છે.. અને પૂજા કામ છોડીને જતી રહી તો બીજી નર્સ હવે શોધવી પડશે ને..?" આકાશ એની ધૂનમાં એક ધારો બોલ્યે જતો હતો..

"આકાશ..! મમ્મી માટે કોઈ નર્સ શોધવી નથી.. હું છું ને..! અને હા આકાશ.. મારાં વિઝા માટે હમણાં પ્રોસેસ રહેવા દેજે.. હું અહીં જ રહીશ.. મમ્મી સાથે.. એમની સેવા માટે.. તું ખુશીથી કેનેડા જા.. મારી કે મમ્મીની કોઈ ચિંતા કરતો નહીં.." આટલું બોલીને અમી, ચંપા બેનનાં  રૂમ તરફ જતી રહી..

આકાશ ડઘાઈ ગયો.. એને સમજાયું નહીં કે અમી શું બોલીને ચાલી ગઇ..! આ સ્વપ્ન તો નથી ને.. એણે ચૂંટી ખણી જોઇ તો ચીસ નીકળી ગઇ.. તેણે તરત જ મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો..

"આ શું જાદુ કર્યો તેં સાગર...? યુ આર રિયલી ગ્રેટ.. તું જીતી ગયો દોસ્ત.. તેં વચન આપ્યું હતું બધું ઠીક કરી દેવાનું એ સારી રીતે નિભાવ્યું.. અમી માની ગઇ છે.. એ કેનેડા નહીં આવે હમણાં.. અહીં જ રહેશે.. મમ્મી સાથે.. થેન્ક્સ દોસ્ત.. તેં મારી અમીમાં ઉર્મિલાને જગાડી દીધી.. તું સાચો જ હતો દોસ્ત કે પૌરાણિક પાત્રો બધાં આજની તારીખમાં પણ એટલાં જ રિલેવન્ટ છે.." આકાશે એક ધારું બોલ્યા કર્યું..

"મેં કશું જ નથી કર્યું દોસ્ત.. મને પૂરો વિશ્વાસ હતો અને છે કે ભારતની દરેક સ્ત્રી... પછી એ ગમે તેટલી આધુનિક કેમ ના હોઇ, એની અંદર ત્યાગની ભાવના ફૂટી ફૂટીને ભરી છે.. એ ડગલે ને પગલે ત્યાગ કરતી જ રહે છે.. કયારેક દિકરી બનીને, ક્યારેક બેન બનીને.. તો ક્યારેક પત્ની કે મા બનીને.. ભારતની દરેક સ્ત્રીમાં આજની તારીખે પણ સીતા અને ઉર્મિલા ક્યાંક ને ક્યાંક છુપાયેલી પડી જ છે.. મેં તો ખાલી એને બહાર કાઢવાનું કામ કર્યું છે.. પણ એક વાતનું બહુ દુઃખ થાય છે દોસ્ત.. કે આ ત્યાગની અપેક્ષા સ્ત્રીઓ પાસે જ શા માટે..? સ્ત્રીઓની અંદર હજુ સીતા ને ઉર્મિલા જીવે છે પણ પુરુષોમાં વસતા રામ અને લક્ષ્મણ ક્યાં ખોવાઇ ગયા છે.. સ્ત્રી ભૃણ હત્યા, બળાત્કાર જેવા કિસ્સાઓ સમાજમાં બનતાં જોઉં છું ત્યારે બહુ લાગી આવે છે દોસ્ત.. કે સ્ત્રીની પૂજા કરનાર આપણું કલ્ચર આજે ક્યાં આવીને ઉભું રહી ગયુ છે..!"

"તું એક્દમ સાચું કહે છે દોસ્ત... સ્ત્રીઓ એ તો કરી દેખાડ્યું. પણ હવે સમય આવી ગયો છે કે આપણે પણ આપણી અંદર રહેલાં રામને જગાડીએ.. એની વે દોસ્ત.. થેન્ક્સ વન અગેઇન.. મને તો મારી અમીમાં ઉર્મિલા મળી ગઇ એટલે મને તો એવોર્ડ મળી જ ગયો.. તમે લોકો પણ તમારી શોર્ટ ફિલ્મની સ્પર્ધામાં વિનર થાઓ એવી શુભેચ્છા.."

"કઇ સ્પર્ધા..?  કોઈ જ સ્પર્ધાની જાહેરાત નથી થઇ દોસ્ત."

"વોટ..?" આકાશ ફરી ડઘાઈ ગયો.

"હા દોસ્ત.. અમીને સમજાવવાનું તને વચન આપ્યા પછી એ પૂરું કેમ કરવું એનાં જ વિચારમાં હતો. એમાં જ આ આઈડિયા મળ્યો.. આવી કોઈ જ સ્પર્ધા નથી થવાની.. થેન્ક ગોડ.. એણે એપ ખોલીને હજુ નથી જોઇ.. તારી અમીમાં સૂતેલી ઉર્મિલાને જગાડવા માટેનો આ તો એક જસ્ટ પ્લાન હતો.."

"એટલે કે તેં અમીને ઉલ્લુ બનાવી? છેતરી..? આ રીતે કરવું શું યોગ્ય છે?" આકાશ ખીજાઇ ગયો..

"દોસ્ત.. ઉલ્લુ તો અમી પોતાની જાતને બનાવતી હતી અત્યાર સુધી.. પોતાને આધુનિકતાનાં જુઠ્ઠા અંચળામાં છુપાવી રાખી હતી.. મેં તો ફક્ત તેણે પહેરી રાખેલા મહોરાને દૂર કરીને એની અંદર રહેલી અમી સાથે તેનો પરિચય કરાવ્યો છે.."

"તારી વાત સાચી છે દોસ્ત.. આ છેતરામણી નથી. આ તો પહેલાં સિંહની વાર્તા જેવું છે..ઘેટાંનાં ટોળામાં ભળી ગયેલ સિંહનું બચ્ચું પોતાની જાતને ઘેટું માની લે છે ત્યારે તેને અરીસો બતાવીને કહેવું જ પડે છે કે તું સિંહ છે.."

આકાશ ફોન મૂકી, ચંપા બેનનાં રૂમ તરફ ગયો. ચંપા બેન આંખો બંધ કરીને સૂતા હતાં. અમી પાસે બેસીને રામાયણ વાંચીને સંભળાવી રહી હતી.. બન્નેનાં મોઢા પર પરમ સંતોષ ઝળકી રહ્યો હતો.. આકાશનાં મોઢા પર પણ સંતોષ છવાઈ ગયો.. 'ત્યાગી ને ભોગ કર.. ત્યાગ માં જ સુખ છે' એ ઉપનિષદનાં વાક્યો આકાશનાં માનસ પટલ પર છવાઈ ગયા...

ડો. આરતી રૂપાણી

(વાર્તાની થીમ ની ડિમાન્ડને ઘ્યાનમાં રાખીને વાર્તાની શરૂઆતમાં અમુક શબ્દો વાપરેલ છે ... કોઈની ધાર્મિક લાગણીને દુભવવાનો અહીં કોઈ આશય નથી.. છતાં કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પ્હોંચે તો એ માટે ક્ષમા યાચું છું.??)