muratiyo in Gujarati Motivational Stories by Irfan Juneja books and stories PDF | મુરતિયો

Featured Books
  • સૌરાષ્ટ્રની રસધાર-બોળો

    વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્...

  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

Categories
Share

મુરતિયો

            શિયાળાની કડકળતી ટાઢ પોતાનો કહેર વરસાવી રહી છે. લોકો ઠંડીથી બચવા ગરમ કપડાઓ, ધાબળાઓ, તાપણાં કરી રહ્યા છે. રણવિસ્તાર અને એની નજીક આવેલા ગામડાઓમાં ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે. કચ્છના છેવાડે આવેલા ગામ હાજીપીરમાં એક મધ્યમવર્ગી પરિવાર પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે. આ સુન્ની વ્હોરા (બોહરા) પરિવારમાં ઘરના વડા હુશેન દાઉદી એમની પત્ની મલીહા અને બે દીકરીઓ આશિયા અને અકિલા રહેતા હતા. મોટી દીકરી આશિયા અને નાની દીકરી અકિલા પિતાની ખુબ જ લાડકી હતી. હાજીપીર જેવા અંતરિયાળ ગામમાં રહેવા છતાં પિતા હુશેને એમને ઉચ્ચ શિક્ષણ અપાવવાનું વિચારેલું. આશિયા દેખાવે થોડી પોતાના પિતા પર ગયેલી. હુશેન દેખાવે થોડા શ્યામ હતા અને આશિયાનો રંગ પણ પિતા સમાન જ હતો. નાની દીકરી અકિલા પોતાના મમ્મી પર પડેલી. મલીહાનો વર્ણ ગોરો હતો. ખુબ જ આકર્ષક દેખાવ ધરાવતી મલીહાની ઝેરોક્ષ કોપી કહી શકાય એવી અકિલા દેખાતી હતી. બંને દીકરીઓ ભણવામાં ખુબ જ હોશિયાર હતી. પિતાએ બંને દીકરીઓને ભણાવવા માટે ખુબ જ મહેનત કરી હતી. કચ્છમાં મેડિકલ લાઈન માટે સારી કોલેજ ન હોવાથી બંને દીકરીઓને અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. કરવા માટે મોકલેલી. આશિયા અને અકિલા વચ્ચે ત્રણ વર્ષનો જ તફાવત હતો. આશિયા એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં હતી અને અકિલા પહેલા વર્ષમાં. બંને બહેનો હોસ્ટેલમાં રહેતી અને વેકેશનમાં મમ્મી પપ્પાને મળવા હાજીપીર પહોંચી જતી.

            કડકળતી ટાઢમાં સાંજે તાપણું કરતાં કરતાં હુશેન અને મલીહા વાતો કરી રહ્યા હતા.

"મલીહા સમય જતાં ક્યાં વાર લાગે છે. હજી તો એમ જ થાય છે કે આપણી દીકરીઓ કાલ જ જન્મી છે."

"હા હુશેન, તમારી વાત સાચી છે. પણ હવે આશિયાનું તો બે વર્ષમાં એમ.બી.બી.એસ. પૂરું થઇ જશે. એ પછી એના લગ્ન વિશે વિચારવું પડશે."

"હા, દીકરી સાથે એટલો સમય પણ નથી વિતાવી શક્યા ને એને વિદાય કરવાનો સમય આવી જશે."

"કરવું તો પડશે જ ને. હું નથી આવી તમારી પાસે" કહીને મલીહા થોડું હસી. હુશેન દીકરીનો પિતા હોવાથી એના માટે આ દુઃખની વાત હતી. પણ મલીહા અને હુશેન વચ્ચે એટલો પ્રેમ હતો કે હુશેનને એ ક્યારેય ઉદાસ જોવા નહોતી ઈચ્છતી એટલે જ એને આવી મજાક કરતાં કહ્યું.

"હા પરણાવી તો પડશે જ. આ વખતે વેકેશનમાં બંને દીકરીઓ આવે એટલે થોડી આ વિશે વાત કરીએ."

"એ વાત ખરી. એમની શું મરજી છે એ પણ જાણવું પડે." હુશેન અને મલીહા વાતો જ કરતાં હતા ત્યાં હુશેનના બેન કાયનાત અને બનેવી મુસ્તુફા આવ્યા.

"ઓહ બહેના, આવો આવો.." બંનેને જોતા જ હુશેને આવકાર આપ્યો.

"કેમ છો ભાઈ, કેમ છો ભાભી.." કાયનાત ઘરમાં પ્રવેશતા જ બોલી.

"બસ બહેના અમે તો એકદમ મસ્ત છીએ. તમે બંને કેમ છો અને બાળકો ને કેમ ન લાવ્યા?"

"અરે ભાઈ અમે પ્લાન કરીને નહોતા આવ્યા. ભુજ એક લગ્નમાં આવ્યા હતાં એટલે તમારા બનેવી કે ચાલો ભાઈને ત્યાં જતાં જઈએ. બાળકો તો અમદાવાદ જ છે. તમને બહુ યાદ કરે છે. ક્યારેક તો આવો ભાઈ. દીકરીઓ પણ ત્યાં જ છે તો મળવાના બહાને આવો."

"હા બહેના ચોક્ક્સ આવીશું."

           કાયનાત અને મુસ્તુફાને મલીહાએ પાણી આપ્યું. ચારે જણાં બેઠા બેઠા એકબીજાના હાલચાલ પૂછી રહ્યા છે. મુસ્તુફા કોઈ વાત કહેવા માટે જાણે વિચારી રહ્યા છે. હુશેનનું ધ્યાન મુસ્તુફા પર પડ્યું.

"ભાઈ તમે તો કઈ બોલતા જ નથી. કંઈક વિચારમાં લાગો છો." હુશેનની વાત સાંભળી મુસ્તુફા વિચારોમાંથી બહાર આવ્યા.

"હુશેન ભાઈ વાત થોડી એવી છે કે કહું કે ન કહું એ વિચારું છું. તમારી બહેનને મેં કહ્યું હતું પણ એને કહ્યું કે તમે ખુદ જ ભાઈને કહેજો."

"અરે મુસ્તુફા ભાઈ એમાં વિચારવાનું શું. તમે થોડીને પારકા છો કહોને શું વાત છે?"

"વાત એમ છે કે મારા એક મિત્ર છે હકીમભાઈ. આપણા જ સુન્ની વ્હોરા સમાજના જ છે. એમનો એકનો એક દીકરો છે. હાલ પરિવાર સાથે અમેરિકા રહે છે. દીકરો પણ એમ.બી.બી.એસ. કરે છે. વસીમ નામ છે. તો એમણે મને વાત કરેલી કે કોઈ સારી ભણેલી છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. વસીમનું છેલ્લું વર્ષ છે તો પછી સગાઈ અને લગ્ન માટે વિચારીએ છીએ. મેં એમને કહેલું કે મારા સાળાને બે દીકરીઓ છે બંને એમ.બી.બી.એસ. જ કરે છે. તો મોટી દીકરીની વાત કરી જોઇશ. એટલે આજે મોકો લઈને તમને આજ વાત કહેવા અહીં આવ્યો છું."

"મુસ્તુફા ભાઈ તમે આવ્યા એ પહેલા હું ને મલીહા આજ વિશે વાત કરી રહ્યા હતા કે દીકરીનું હવે ક્યાંક શોધવું પડશે ને અલ્લાહે તમને મોકલી દીધા. કુદરતની કરામત તો જોવો. મને આ વાતથી કોઈ એતરાજ નથી. દીકરીઓ સારું ભણી છે તો અમેરિકા સેટ થઇ જશે. પણ એકવાર એમની મનની વાત જાણવી જરૂરી છે."

"હુશેન ભાઈ તમતમારે પૂરતો સમય લો. ચારે જણ પૂરો વિચાર કરીને કહેજો તો હું આગળ હકીમ ભાઈને જણાવીશ. કેમ કે આપણી મરજી ન હોય તો એ બીજે જુવે."

"હા એ વાત ખરી. દીકરીઓ આવતા શનિવારે આવાની છે તો હું એમની સમક્ષ આ વાત રજૂ કરીશ."

"હા સારું ભાઈ તમને જેમ યોગ્ય લાગે."

           ચારેય જણાઓ વચ્ચે વાતો થતી રહી. રાત્રે મોડા સુધી વાતો કરી ભોજન લઈને બધા સુતા. બીજે દિવસે કાયનાત અને મુસ્તુફાએ ભાઈના ઘરેથી વિદાય લીધી અને અમદાવાદ રવાના થયા. મલીહા અને હુશેન દીકરીઓને એ વાત કેવી રીતે રજૂ કરવી એની ગોઠવણ કરી રહ્યા હતા. અઠવાડિયું ઝડપભેર પસાર થયું અને શનિવાર આવી ગયો. બપોરના ૩:૦૦ વાગે ઘરની ડેલી ખડકી. મલીહાને ખબર પડી ગઈ કે દીકરીઓ આવી ગઈ છે. ઝડપભેર ઉભી થઇને ડેલી ખોલી. બંને દીકરીઓ જાણે વર્ષોબાદ મળતી હોય એમ મા ને વળગી પડી. મલીહાની આંખો ભીની થઇ ગઈ. થોડીવાર પછી સ્વસ્થ થઈને ત્રણે ઘરમાં પ્રવેશ્યા. હુશેન પણ કામ પતાવીને થોડીવારમાં ઘરે આવ્યા. દીકરીઓ પપ્પાને જોઈને દોડતી આંગણામાં આવીને વળગી પડી. બાપ દીકરીઓ થોડીવાર માટે ગળે વળગીને રડ્યા અને પછી એક ખુશી ભરેલા સ્મિત સાથે એક બીજાને જોવા લાગ્યા.

            સાંજ પડી ચારેય જણાં તાપણું કરીને બેઠા હતા. હુશેન અને મલીહા એકબીજા સામે જોઈ રહ્યા હતા. વાત કહું કે ન કહું એ વિશે ઇસારાથી એલબીજાનો અભિપ્રાય લઇ રહ્યા હતા. અકિલા નાની હતી પણ આશિયા કરતાં વધુ ચકોર હતી.

"મમ્મી તમે બંને કેમ આ રીતે એક બીજાને જોવો છો? કંઈ પ્રોબ્લેમ છે?" અકિલા મલીહા સામે જોઈને બોલી.

"બેટા એક વાત કરવાની છે તમને બંનેને એ વિશે જ વિચારીએ છીએ" અકિલાનો સવાલ સાંભળી હુશેન બોલી ઉઠ્યા.

"અરે પપ્પા! એમાં શું વિચારવાનું અમે તમારી જ દીકરીઓ છીએ. જે હોય તે બિન્દાસ બોલી નાખોને.."

"હા બેટા પણ વાત થોડી ગંભીર છે."

"બોલો પપ્પા હવે અમે બંને બહેનો મોટી થઇ ગઈ. તમે ટેન્શન ન લો"

"બેટા વાત એમ છે કે તારી દીદી આશિયા એમ.બી.બી.એસ. ના ચોથા વર્ષમાં છે. હવે દોઢ-બે વર્ષમાં એનું ભણવાનું પૂરું થઇ જશે. તો પછી એના લગ્ન વિશે વિચારવું પડશે ને?"

"પપ્પા હજી દીદી ક્યાં મોટી થઇ ગઈ છે. અમને તમારી સાથે સમય વિતાવવો છે. થોડા વર્ષો પછી જોઈશું અમને લાગશે કે સાસરે જવું છે ત્યારે.." અકિલા હસતાં હસતાં બોલી. આશિયા થોડી ચુપ હતી.

"બેટા આશિયા તું તો કંઈક બોલ" મલીહાએ આશિયા સામે જોઈને કહ્યું

"મમ્મી પપ્પા તમે જે કહેશો એમ જ થશે. હું સમજી શકું છું કે મને ૨૧ વર્ષ થઇ ગયા છે. તો હવે તમારે વિચારવું આવશ્યક છે. તમે છોકરો શોધો પપ્પા તમને બંનેને ગમે તો હું છોકરો જોઈ લઈશ." આશિયાનો આ જવાબ સાંભળીને હુશેન અને મલીહા ખુશ થયા.

"જોયું હુશેન કેટલી સમજદાર દીકરી છે આપણી" મલીહા ગર્વ કરતાં બોલી.

"હા બહુ સમજદાર છે અને મારી લાડકી પણ એટલે જ તો આટલી ચિંતા રહે છે મને." હુશેન બોલ્યા.

"બેટા આશિયા તારા મુસ્તુફા ફુઆ અને કાયનાત ફોઈ એક વાત લઈને આવ્યા હતા. કોઈ હકીમભાઈ છે આપણા જ સમાજના. હાલ પરિવાર સાથે અમેરિકા રહે છે. એકનો એક છોકરો છે વસીમ નામ છે અને એમ.બી.બી.એસ. કરે છે. જો તું કહે તો આપણે એમને મળવા બોલાવીએ."

"પપ્પા જો તમને યોગ્ય લાગે તો બોલાવી લો. આમ પણ મારે પંદર દિવસનું વેકેશન છે. તો વાત થઇ જાય. કેમ કે એ પછી હું વાર્ષિક પરીક્ષા પછી જ આવીશ એટલે છ મહિના રાહ જોવી પડશે."

"હા બેટા હું હાલ જ મુસ્તુફા ભાઈને ફોન કરીને જણાવું" કહીને હુશેને મુસ્તુફાને ફોન લગાવ્યો. મુસ્તુફાને દીકરીઓની મરજી જણાવી અને વહેલી તકે હકીમભાઈને પરિવાર સાથે હાજીપીર આવવાનું કહ્યું.

            મુસ્તુફાએ હકીમ સાથે વાત કરી અને ઇન્ડિયા આવવાના પ્લાન વિશે જાણ્યું. હકીમ ભાઈએ પણ પરિવાર સાથે વાર્તાલાપ કરીને ત્રણ દિવસ પછી આવવાનું કહ્યું. સમાચાર મળતાં જ હુશેન અને પરિવારે તૈયારીઓ ચાલુ કરી દીધી. અમેરિકાથી મહેમાન આવવાના હતાં એમના સ્વાગતમાં ઘરની સાફસફાઈ જમવાના ઓર્ડર અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપ્યું.

            એ દિવસ આવી ગયો જયારે આશિયાને જોવા વસીમ અને એનો પરિવાર આવવાનો હતો. આગલી રાત્રે જ એમનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો અને ત્યાંથી ભુજ આવ્યો. ભુજમાં હોટલ બુક કરીને હકીમઅને એમનો પરિવાર ત્યાં જ રોકાયા. હુશેને બધી જ તૈયારીઓ કરી રાખી હતી. હકીમે ફોન કરીને મુસ્તુફાને જણાવ્યું કે એ ભુજથી નીકળી ગયા છે એકાદ કલાકમાં પહોંચી જશે.

           આશિયા બોટલ ગ્રીન કલરનો બનારસી ડ્રેસ પહેરી, ગળામાં ડેલીકેટેડ લીલા અને સફેદ રંગના મોતીઓવાળો સેટ પહેરી સિમ્પલ હેરસ્ટાઇલ કરીને તૈયાર હતી. અકિલા પણ આજે પિન્ક ડ્રેશ, સટ્રેટ હેર સ્ટાઇલ કરીને તૈયાર હતી. થોડીવારમાં ગાડીનો અવાજ આવ્યો બંને બહેનો અંદર રૂમમાં હતી. હકીમ અને એનો પરિવાર હુશેનના ઘરે પ્રવેશ્યો. બધા એકબીજાને ગળે મળી રહ્યા હતા. વસીમ વાઈટ પ્લેન શર્ટ બ્લુ બ્લેઝર અને જીન્સ પહેરીને અમેરિકન હેન્ડસમ બોય લાગી રહ્યો હતો. બધા ઘરના ડ્રોઈંગ રૂમમાં ગોટવાયા. સોફાની સામે રાખેલી ટીપોઈ પર નાસ્તો અને મીઠાઈ રાખી હતી. બધાને પાણી પીવડાવ્યા બાદ રિવાજ મુજબ આશિયા ટ્રેમાં ચા લઈને આવી. એની પાછળ પાછળ અકિલા પણ આવી આશિયા અને વસીમની નજર મળી. બંનેએ એકબીજાને જોયા. હુશેને પણ પોતાની દીકરીનો પરિચય આપ્યો. આશિયાને વસીમ જોતાં સારો લાગ્યો. થોડીવાર પછી વસીમની બહેન માહેરા વસીમ અને આશિયાને લઈને અંદરના રૂમમાં ગઈ જેથી બંને વાતો કરી શકે. બનેને અંદર ચેર પર બેસાડી માહેરા પાછી બહાર આવીને બધા સાથે ગોઠવાઈ ગઈ. આશિયા થોડી નર્વસ લાગતી હતી.

"શું નામ છે આપનું?" વસીમેં સવાલ કર્યો.

"આશિયા ને તમારું?"

"વસીમ. હું જાણું છું કે અજાણ્યા સાથે વાત કરવી અઘરું છે પણ તમે મને કોઈ પણ સવાલ બિન્દાસ પૂછી શકો. તમે કોઈ સવાલ કરો એ પહેલા હું તમને મારા વિશે જણાવી દઉં. હું પાંચ વર્ષનો હતો ત્યારે જ મારા મમ્મી પપ્પા મને લઈને પરિવાર સાથે અમેરિકા શિફ્ટ થઇ ગયેલા. મારી પરવરીશ ત્યાં થઇ પણ મને ઇન્ડિયન માહોલ ઘરમાં મળી રહેતો એટલે જ મારી ઈચ્છા હતી કે જયારે પણ લગ્ન કરીશ કોઈ ઇન્ડિયન ગર્લ સાથે જ કરીશ. હું એમ.બી.બી.એસ. કરું છું અને ભવિષ્યમાં અમેરિકામાં જ સેટલ થઈને પોતાની હોસ્પિટલ બનાવવાનો વિચાર છે. મને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને પરિવાર સાથે રહેવું ગમે છે. તો હવે તમારા મનમાં જે સવાલ હોય એ પૂછી શકો"

"વસીમ તમે નિખલાસતાથી આટલું કહી ગયા એ મારા માટે પૂરતું છે. હવે મને કોઈ જ સવાલ નથી."

"ઓકે તો હું તમને પૂછી શકું?"

"હા પૂછો."

"તમે તમારા વિશે જણાવો. શું કરો છો? શોખ શું છે? ફ્યુચર પ્લાન શું છે?"

"હાલ હું અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. કરું છું. મને વાંચનનો શોખ છે અને પરિવાર સાથે વેકેશનમાં ફરવાનો પણ શોખ છે. ફ્યુચર વિશે કઈ વિચાર્યું નથી પણ કોઈ સારી હોસ્પિટલમાં સર્વિસ આપવની ઈચ્છા છે."

"ખુબ સરસ. મજા આવશે તો તો આપની સાથે" આટલું બોલ્યો ત્યાં માહેરા બંનેને લેવા આવી ગઈ. બંને માહેરાની પાછળ પાછળ બહાર આવ્યા અને બધા સાથે નાસ્તો કર્યો અને મુસ્તુફા ભાઈ અને હુશેન ભાઈને કહ્યું કે એક બે દિવસમાં એ લોકો જવાબ આપશે કહીને રવાના થયા.

          હુશેને દીકરીને અભિપ્રાય પૂછ્યો તો દીકરીએ હકારમાં જવાબ આપ્યો. મલીહા અને હુશેન ખુશ હતા. અકિલા પણ ખુશ હતી. આશિયાને તો સ્વપ્નમાં હોય એવું જ લાગી રહ્યું હતું. બે દિવસ પસાર થયા અને હકીમભાઈનો હુશેન પર ફોન આવ્યો.

"હેલ્લો હુશેન ભાઈ કેમ છો?"

"બસ એકદમ મજામાં તમે કેમ છો હકીમભાઈ?"

"હું પણ મજામાં. આજે બે દિવસ થઇ ગયા તો થયું તમે રાહ જોતાં હશો એટલે જવાબ આપી દઉં."

"હા હકીમભાઈ તમારા જવાબની જ રાહ જોવાઇ રહી છે."

"હુશેનભાઈ તમે ખોટું ન લગાડતા પણ એક સમસ્યા છે." હકીમનો અવાજ થોડો ગંભીર થયો.

"અરે બોલો હકીમભાઈ શું વાત છે" હુશેનના ધબકારા પણ તેજ થઇ ગયા.

"વાત એમ છે કે વસીમને આશિયા વધુ શ્યામ લાગે છે. અમે એને સમજવાની કોશિસ કરી પણ એ માનવા તૈયાર નથી. પણ એ એમ કહે છે કે અકિલા સાથે સંબંધ કરવો હોય તો એ કરી શકશે.." હુશેન આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા. આંખોમાં અશ્રુઓ આવી ગયા. શું બોલવું એને નહોતું સમજાતું. ગળગળા થયા બાદ એ માંડ થોડું બોલ્યા.

"હકીમભાઈ દીકરીનો બાપ છું. મોટીને મૂકીને નાનીનું ગોઠવું તો સમાજ થું થું કરે છતાં હું મારા પરિવાર સાથે વાત કરીને તમને જણાવીશ"

"હા હુશેનભાઈ વાંધો નહીં. તમે વાત કરીને મને કહો."

            હુશેને ફોન મુક્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. હુશેનનો અવાજ સાંભળીને બંને દીકરીઓ અને મલીહા દોડતી આવી.

"શું થયું પપ્પા કેમ રડો છો? કોનો ફોન હતો?" અકિલા સવાલો કરવા લાગી. હુશેન કઈ જવાબ આપે એ હાલતમાં નહોતો. આશિયાએ એના પિતાને પાણી પીવડાવ્યું અને થોડીવાર બાદ હુશેન શાંત થયો.

"મલીહા દીકરીનો બાપ હોવાનું આજ સુધી ખોટું નહોતું લાગ્યું પણ આજે લાગી આવ્યું.."

"હુશેન થયું શું વિસ્તારથી કહેશો?"

"હકીમભાઈનો ફોન હતો. એ કહે છે કે વસીમને આપણી આશિયા નથી ગમતી. દેખાવે વધુ શ્યામ પડે છે. જો મરજી હોય તો અકિલા સાથે સંબંધ કરવા એ તૈયાર છે. શું કરું , શું કહું મને કઈ જ સમજાતું નથી." હુશેનની વાત સાંભળતા જ આશિયા સ્તબ્ધ બની. મલીહા અને અકિલા પણ ચોંકી ગયા. આશિયા તો મનોમન વિચારવા લાગી કે એકલામાં આટલી પ્રેમથી વાત કરી તો પછી આવું કર્યું હશે. કોઈ પાસે કઈ જ જવાબ નહોતો. હુશેને મુસ્તુફા અને કાયનાતને વાત કરવા હાજીપીર પાછા બોલાવ્યા.

           કાયનાત, હુશેન, મલીહા અને મુસ્તુફા બેઠા હતા. હુસેને આખી વાત કરી. મુસ્તુફા પણ થોડા સ્તબ્ધ થઇ ગયા. ઘણો વિચાર કર્યો કે છોકરો સારો છે. સમાજનો જ છે. અમેરિકામાં સેટલ છે. આવું બીજીવાર ન મળે. જો અકિલાની મરજી હોય તો એમને હા કહી દઈએ. મન પર પત્થર મૂકીને હુશેને બન્ને દીકરીઓને બોલાવી.

"બેટા આશિયા તારા નસીબમાં સારો છોકરો જ હશે. પણ આ માગું ઠુકરાવ્યા જેવું નથી. જો તને વાંધો ન હોય તો અકિલા સાથે એનું નક્કી કરી દઈએ."

"પપ્પા પણ બહેનને મુકીને હું કઈ રીતે? તમે જ વિચારો" અકિલા બોલી.

"બેટા આપણે દીકરીવાળા છીએ. વાત નક્કી નથી થઇ હજી એ તો બસ જોવા આવ્યા હતા. પણ માણસો વ્યવસ્થિત લાગ્યા એટલે હું તને એકવાર પૂછું છું."

"પપ્પા અકિલાની હા કહી દો. હું એની ખુશીમાં ખુશ છું. તમે મારી ચિંતા ન કરો" આશિયા ઉદાસ હતી પણ પોતાની બેનના ભવિષ્ય માટે એ બોલી.

"દીદી શું બોલે છે તું? આવું હું ન કરી શકું.."

"તું હા કહી દે અકિલા હું તારૂ થશે તો પણ એટલી જ ખુશ થઈશ.."

            એકબીજાને બધા સમજાવતા રહ્યા. અકિલા કોઈની વાત માનવા તૈયાર નહોતી. પણ બે-ત્રણ દિવસ સતત બધાના સમજાવવાથી અકિલાએ હામી ભરી. હુશેન અને મુસ્તુફા અકિલાના જવાબથી થોડા ખુશ થયા અને હકીમભાઈને ફોન લગાવ્યો.

"હેલો હકીમભાઈ. થોડા દિવસ લાગી ગયા જવાબ આપતાં એ માટે માફી ચાહું છું. પણ અમે નિર્ણય લીધો છે જે જણાવવા જ કોલ કર્યો છે."

"અરે એમાં શું માફી હુશેનભાઈ. શું નિર્ણય લીધો એ કહો."

"અમે અમારી નાની દીકરી અકિલા સાથે તમારા દીકરા વસીમનો સંબંધ કરવા તૈયાર છીએ."

"હુશેનભાઈ ક્યાં શબ્દોમાં તમારો આભાર માનું એ નથી સમજાતું. બસ હવે તો પરિવાર સાથે વાત કરીને જલ્દી સગાઈ કરવા આવીએ છીએ."

"અરે બસ તમે વહેલી તકે આવી જાઓ. અને જલ્દી સગાઈની તારીખ મોકલાવજો"

            હુશેન અને હકીમ એકબીજાને બધાઈ આપીને ફોન રાખ્યો. થોડા જ દિવસમાં હકીમનો ફોન આવ્યો કે આવતા અઠવાડિયે સગાઇ રાખવી છે. તો તમે તૈયારી કરીને રાખજો. આશિયા અને અકિલા વેકેશન પૂરું થતાં અમદાવાદ ગઈ હતી. આશિયા મનથી ખુબ જ ઉદાસ હતી. નાની બહેનની ખુશી માટે એ એની સામે રડતી નહીં પણ પોતાના શ્યામ વર્ણને લઈને   ખુબ જ દુઃખ અનુભવતી. રાત્રે એકલા એકલા રડતી. ભણવામાં પણ ધ્યાન નહોતું લાગતું. જમવામાં પણ એટલું ધ્યાન ન આપતી. રાત્રે હુશેનભાઈનો ફોન આવ્યો.

"હેલો આશિયા બેટા, કેમ છે?"

"બસ પપ્પા મજામાં. તમે કેમ છો?"

"બેટા હું પણ મજામાં. હકીમભાઈનો ફોન આવ્યો કે આવતા અઠવાડિયે સગાઈ રાખવાની છે. તો તમે બંને બહેનો ખરીદી કરી લેજો અને ફુઆ સાથે અહીં આવી જજો. બહુ કામ બાકી છે"

"હા પપ્પા હું અકિલાને જણાવું છું."

            અકિલા અને આશિયા સગાઈની ખરીદીમાં લાગી ગઈ. એમના ફોઈ કાયનાત પણ એમની સાથે ખરીદીમાં સાથ આપવા લાગ્યા. સગાઈની ચણિયાચોળી , એંગેજમેન્ટ રિંગ, જ્વેલરી વગેરે અમદાવાદથી લઈને કાયનાત, મુસ્તુફા સાથે અકિલા અને આશિયા હાજીપીર આવ્યા. હુશેને ત્યાં ગામમાં જ એક મોટા પ્લોટમાં ફન્ક્શન કરવાનું નક્કી કર્યું. બધા સગાસંબંધીઓને આમંત્રણ આપ્યું. સગાઈના આગળના દિવસે ડેકોરેશન વાળો આવી ગયો. સુંદર સ્ટેજ અને મંડપથી એ પ્લોટને ઝગમગાવી દીધું. રસોઇયાઓ પણ ભોજન બનાવવામાં લાગી ગયા હતા.

          રવિવારે સાંજના ચાર વાગ્યા. હકીમ એના પરિવાર અને ૫૦ જેવા સંબંધીઓ સાથે હાજીપીર આવી પહોંચ્યા. વસીમ આજે નેવી બ્લુ શેરવાની, ગોલ્ડન દુપટ્ટો, પગમાં ગોલ્ડન જરદોષી વર્ક વાળી મોજડી પહેરીને ફુલ ઇન્ડિયન લુકમાં હેનસમ લાગી રહ્યો હતો. આશિયા આજે ખાસ તૈયાર નહોતી થઇ. સિમ્પલ ઓરેંજ ડ્રેસ અને હિલ વાળી સેન્ડલ પહેરીને એ અકિલા સાથે ઉભી હતી. અકિલા પિન્ક, ઓરેંજ એન્ડ ગ્રીન કલરની ચણીયાચોળી, હેવી જ્વેલરી, હાઈ હિલ સેન્ડલ પહેરી દુલ્હન જેવી લાગી રહી હતી. બધા મહેમાનો ખુરશીઓ અને સોફા પર ગોઠવાયા. વસીમ સ્ટેજ પર રાખેલી બે ખુરશીઓ માની ડાબી તરફની ખુરશી પર ગોઠવાયો. આશિયા અને બીજી સહેલીઓ સાથે અકિલા સ્ટેજ પર આવી અને વસીમની બાજુની ખુરશી પર ગોઠવાઇ. બધા જ ખુશ દેખાતા હતા. થોડીવાર પછી રિંગ સેરેમની કરવાની એનાઉન્સમેન્ટ થઇ. બધા જ ખુબ જ એક્સાઇટેડ હતા. વસીમ પણ આતુરતાથી આ પલની રાહ જોઈ રહ્યો હતો. વસીમની બાજુમાં એનો કઝીન અર્ઝાન બેઠો હતો. અકિલા રિંગ પહેરાવવા માટે ઉભી થઇ. વસીમના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. અકિલા એકી ટશે વસીમને જોઈ રહી હતી. અકિલા રિંગ લઈને જેમ આગળ વધતી વસીમના ધબકાર તેજ થતા અને ખુશી ચહેરા પર ઝલકતી હતી. અકિલા વસીમની એકદમ નજીક પહોંચીને થોડી બાજુમાં ખસી. વસીમ વિચારમાં પડ્યો. અકિલાએ ઝડપથી અર્ઝાનનો હાથ પકડ્યો અને એને રિંગ પહેરાવી દીધી. વસીમ સ્તબ્ધ રહી ગયો. ત્યાં રહેલા બધા જ મહેમાનો સ્તબ્ધ બની ગયા. હકીમભાઈ દોડીને સ્ટેજ પર આવ્યા.

"આ શું છે બધું?" ગુસ્સે થઇને અકિલા સામે બોલ્યા. અકિલા સ્ટેજ પર ફરી અને હકીમભાઈની આંખોમાં આંખો નાખીને બોલી.

"તમે તમારા છોકરાને લઈને મારી મોટી બહેનને જોવા આવ્યા હતા. ના એનામાં કોઈ ખોટ છે ના કોઈ ખોટી આદત. ફક્ત એ થોડી શ્યામ છે એ માટે તમારા દીકરાએ અને તમે મારી બહેનને ઠુકરાવી. હું એવા છોકરા સાથે લગ્ન કઈ રીતે કરી શકું જે મારી બેન સાથે આવું કરી શકે? તમારી દીકરી સાથે કોઈએ આવું કર્યું હોત તો તમે શું કેરત? હું તો શરૂઆતમાં જ ના પાડતી હતી પણ પછી મને થયું કે તમને એ વસ્તુનો અહેસાસ કરાવવા આ પ્રસંગ જ બેસ્ટ રહેશે. મને તમારા જેવા લોકોમાં જરાય રસ નથી જે અમેરિકા રહે એટલે ઇન્ડિયન ગર્લને દાસી સમજે કે પછી એવી હવા રાખે કે આ બધા તો આપણે કહીએ એમ કરવાના. મારા પિતાએ અમને ભણાવીને એટલી સમજદાર તો બનાવી જ દીધી છે કે અમે સાચું ખોટું પારખી શકીએ."

            અકિલાના આ શબ્દો સાંભળી બધા મહેમાનો સામે હકીમ અને એનો પરિવાર લાચાર થઇ ગયો. દીકરી પક્ષવાળા બધા જ મહેમાનો અકિલાની વાત સાંભળી તાળીઓના ગળગળાટ સાથે એને વધાવી લીધી. હુશેનભાઈ સ્ટેજ પર આવ્યા અને પોતાની દીકરીને ભેટી પડ્યા.

"બેટા તમે મારી દીકરીઓ નહીં. દીકરાઓ જ છો. આજે મારે જે કરવું જોઈએ એ તમે કરી બતાવ્યું. મને ગર્વ છે કે હું તમારા જેવી દીકરીઓનો પિતા છું. આજે મારી અને સમાજના દરેક લોકોની તે આંખો ખોલી નાખી."

...................................................
સમાપ્ત ...

*********

ઈરફાન જુણેજા "ઇલ્હામ"
    ~અમદાવાદ