લાઇમ લાઇટ
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૧૮
રસીલીને થયું કે તેનું હીરોઇન બનવાનું સપનું સાકાર થતાં પહેલાં જ ચકનાચૂર થઇ જશે. ભારતીબેન પર મુંબઇથી એક નિર્દેશકનો ફોન આવ્યો હતો અને તેમણે રસીલીને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવી હતી. રસીલીને આ બાબતે શંકા હતી. તેણે ભારતીબેનને ત્યાંથી બહાર નીકળ્યા પછી જ્યારે તેમણે આપેલા ફોન પર વાત કરી ત્યારે સામેથી તેને ઓળખવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. એ ડાયરેકટર પોતાને તો ઠીક ભારતીબેનને પણ ઓળખવાનો ઇન્કાર કરી રહ્યા હતા. ભારતીબેનને ત્યાં તેની સાથે વેશ્યા તરીકે કામ કરતી છોકરીઓનું જ આ કારસ્તાન હોવાનું હવે રસીલીના મનમાં પાકું થઇ રહ્યું હતું. તેને ભારતીબેનને ત્યાંથી કાઢવાની આ ચાલ હતી. રસીલીને થયું કે ભારતીબેનને હમણાં જ આ વાત કરવી જોઇએ અને એ છોકરીઓનો ભાંડો ફોડી નાખવો જોઇએ. તે ઉતાવળા પગલે અંદર પહોંચી. તેને પાછી ફરેલી જોઇ ભારતીબેન નવાઇથી જોઇ રહ્યા.
"બેન, તમે જે નંબર આપ્યો એ બરાબર છે ને? એક વખત ફોન કરી જુઓને?" રસીલીએ ચિંતાના સૂરમાં કહ્યું.
"લાવ તો... નંબર બરાબર લખ્યો છે ને? હું એક વખત તારી એમની સાથે વાત કરાવી દઉં..." કહી ભારતીબેને નંબર પર નજર નાખી.
ભારતીબેને મોબાઇલમાં જોઇને ખાતરી કરી કે નંબર બરાબર હતો. એટલે એ નંબર ડાયલ કર્યો. સામે રીંગ જઇ રહી હતી.
ઘણીવાર પછી સામેથી અવાજ આવ્યો. :"બોલો શાંતાબાઇ?"
"પ્રકાશચંદ્રજી, તમને ફોન એટલા માટે કર્યો કે હું ઘાટીલીને મોકલી રહી છું. તેને તક મળે એવું જરૂર કરજો.... આ લો એની સાથે વાત કરી લો..." કહી ભારતીબેને રસીલીને ફોન આપ્યો.
"સાહેબ નમસ્કાર!"
"હા, ઘાટીલી! તું બે દિવસમાં મુંબઇ આવી જા. શાંતાબાઇએ તને સરનામું આપ્યું છે ત્યાં આવીને મને ફોન કરજે, મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. તારામાં પ્રતિભા હશે તો જરૂર તક મેળવીશ..." અને ડાયરેક્ટર પ્રકાશચંદ્રએ ફોન મૂકી દીધો.
રસીલીને ખ્યાલ આવી ગયો કે તેની ગેરસમજ થઇ હતી. ભારતીબેન બહારના લોકો માટે શાંતાબાઇ તરીકે ઓળખાતા હતા. ભારતીબેન એમના માટે જ હતા. અને ભારતીબેને આદત મુજબ તેની ઓળખ ડાયરેક્ટર પ્રકાશચંદ્રને ઘાટીલી તરીકે આપી હતી એટલે તેને એ નામથી જ ઓળખી શકે એમ હતા.
રસીલીની બધી ચિંતા જતી રહી. તેને ભારતીબેનની છોકરીઓ પર શંકા કરવા બદલ અફસોસ પણ થયો. હવે તન-મનમાં હીરોઇન બનવાનો ઉત્સાહ હિલોળા લેવા લાગ્યો. તે ઘરે પહોંચી. બે દિવસમાં મુંબઇ જવાની તૈયારી કરવાની હતી. પતિને હવે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા સિવાય કોઇ ઉપાય ન હતો. રસીલીએ પતિને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા. પોતાની પાસેની ઘણી બચત તેણે ડિપોઝીટ તરીકે હોસ્પિટલમાં જમા કરાવી દીધી. પિતાને જાણ કરી દીધી કે તે કોઇ કામથી મુંબઇ જઇ રહી છે અને થોડા દિવસ પછી પાછી ફરશે.
રસીલીની કમસીન કાયાનો ચમત્કાર કે બીજું કંઇ પણ તેની હીરોઇન તરીકે પસંદગી એક જ મુલાકાતમાં થઇ ગઇ. રસીલીને કલ્પના ન હતી કે આટલી જલદી ડાયરેક્ટર પ્રકાશચંદ્ર તેને ફિલ્મમાં આટલી મોટી તક આપશે. તેમની આંખોમાં તે પહેલી જ નજરમાં વસી ગઇ હતી. ડાયરેક્ટર પ્રકાશચંદ્રએ તેના રૂપ અને ફિગરને કારણે પસંદ કરી હોય એવું લાગતું હતું. પણ પછી તેને ખ્યાલ આવી ગયો કે ડાયરેક્ટર પ્રકાશચંદ્ર બધાથી અલગ હતા. તેમને રસીલીની ભૂમિકા સાથે મતલબ હતો. ભૂમિકા માટે તે ફિટ હતી એટલે પસંદ કરી હતી. પ્રકાશચંદ્રએ તેની સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો ન હતો. તેના માટે એક ફ્લેટ લીધો હતો. અને તેના માટે બધી જ વ્યવસ્થા કરી હતી. રસીલીએ જ તેમના અહેસાનને કારણે પ્રકાશચંદ્રને પોતાનું શરીર સોંપ્યું હતું.
હવે પ્રકાશચંદ્ર તેના શરીરના દિવાના બની ગયા હતા. તેની સાથે વારંવાર સાથ માણવા આવતા હતા. આજે તે સાકીર ખાનને પોતાનો જલવો બતાવવાની હતી. રસીલીએ સાકીર ખાનને સામે ચાલીને પોતાના ફ્લેટ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. રસીલીએ સાકીરને આમંત્રણ આપીને પ્રકાશચંદ્રને ફોન કરીને આજે તે કોઇ કામથી બહાર જવાની હોવાથી મળશે નહીં એવું બહાનું બનાવી આવવાની ના પાડી દીધી હતી. રસીલી જાણતી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાકીર ખાનનું મોટું નામ છે. તેની કમાણી ઘણી છે. તેને ખુશ કરીને તે સારું કમાઇ શકે છે. સાકીરે તેની સાથે ફિલ્મ સાઇન કરી પછી રિહર્સલ માટે હોટલમાં મળ્યા ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે તેને પોતાના શરીરમાં વધુ રસ પડ્યો છે. અને એ વાતનો લાભ લેવા જેવો છે. સાકીરના કિસ્સામાં શરીર સોંપવાની ઉતાવળ કરવા જેવી છે. તેને મારા શરીરનો નશો ચઢાવીને ખંખેરી લેવો જોઇએ. એવા વિચાર કરતી રસીલી નહાવા ગઇ. નહાઇને તે ગાઉન પહેરીને બહાર નીકળી ત્યાં બેલ વાગ્યો. રસીલીએ નામ પૂછ્યું એટલે સાકીરે પોતાનું નામ આપ્યું. રસીલીએ તરત જ દરવાજો ખોલ્યો.
રસીલીને સવારમાં ખીલેલા તાજા ઝાકળાચ્છાદિત પુષ્પ જેવી જોઇને સાકીર બે ઘડી તો આભો બનીને દરવાજામાં જ ઊભો રહી ગયો. અને મનોમન "કુમળી કળી" ને મસળવાના સપના જોવા લાગ્યો.
રસીલી મધમીઠું હસીને આહવાન કરતી બોલી:"સાકીરજી, સપના ના જુઓ! તમારા સપનાની રાણી સામે જ ઊભી છે!"
"ઓહ! ફુલ આટલું સુંદર છે તો એ કેટલું કોમળ હશે એ વિચારતો હતો!" સાકીરે પણ પોતાનો મસ્તીનો ઇરાદો જાહેર કરી દીધો. પછી અંદર આવ્યો.
રસીલી દરવાજો બંધ કરી તેને સીધી પોતાના બેડરૂમમાં લઇ ગઇ. અને બેડ પર સાકીરને બેસવા કહ્યું. પછી ફ્રિઝમાંથી મોંઘી શરાબની બોટલ કાઢીને લાવી.
"રસીલી, તું શરાબની બોટલથી કંઇ કમ નથી. આજે આ શરાબની જરૂર નહીં પડે. તારા હોઠ, તારી આંખો અને આ બધું જ શરાબી છે!" કહી શબાબના શોખિન સાકીરે તેને બાથમાં લઇ લીધી. અને રસીલીના રૂપના નશામાં સરી ગયો.
કેટલાય કલાક પછી સાકીર હોશમાં આવ્યો અને રસીલીને કહ્યું:"રસીલી, તેં મને જે સુખ અને આનંદ આપ્યા છે એવા ક્યાંયથી મળ્યા નથી! બોલ તને ગીફ્ટમાં શું જોઇએ છે?"
અને રસીલીએ પોતાનો જવાબ આપતા પહેલાં લાલચટ્ટક હોઠથી સાકીરના હોઠને ચૂમી લીધા. સાકીરને ફરી રસીલીનો નશો ચઢવા લાગ્યો. ત્યાં રસીલીએ પોતાની ગીફ્ટ માગી અને જાણે સાકીરનો બધો નશો ઊતરી ગયો.
*
સાકીર જ્યારે રસીલીની સાથે આનંદના સાગરમાં હિલોળા લઇ રહ્યો હતો ત્યારે તેને ખબર ન હતી કે એક તોફાન તેની રાહ જોઇ રહ્યું છે. ક્યાંક તેની બરબાદીનું બીજ રોપાઇ ગયું છે. સાકીરે ધારાની કુંવારી જવાનીને ભોગવ્યા પછી દગો આપ્યો ત્યારથી ધારા આંખોમાં ગુસ્સો અને દિલમાં જલન લઇને જીવી રહી હતી. સાકીરે ધારા સાથેના સંવનનની પોર્ન સીડી જાહેર કરવાની ધમકી આપ્યા પછી ધારાએ તેને બરબાદ કરવાની કસમ ખાઇ લીધી હતી. સાકીરે તેનો સાથ માણતા પહેલાં ગર્ભનિરોધકની એક ગોળી તેના મોંમાં મૂકી હતી. પણ ધારાએ તેની જાણ બહાર એ ગોળી તરત જ મોંમાંથી કાઢીને ફેંકી દીધી હતી. સાકીરને એમ જ હતું કે ધારાને ગર્ભનિરોધક ગોળી ખવડાવી હોવાથી સલામત છે. પણ નશામાં ધારાએ મોંમાં કડવાશ જેવું લાગતાં એ ગોળી ફેંકી દીધી હતી એનો ખ્યાલ ન હતો. ધારાને એ વાત પછી યાદ આવી હતી. અને તેણે એટલે જ સાકીરને કહ્યું હતું કે પોર્ન સીડીનો તારો સોદો તારી પાસે રહેવા દે, હું તને સોદો કરવા કહીશ. ધારાને એક મહિના પછી ગર્ભ રહી ગયો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે તે સાકીરના બાળકને જન્મ આપશે અને તેને બરબાદ અને બદનામ કરશે. જેથી ફરી કોઇ છોકરીને પોતાની હવસનો શિકાર ના બનાવે. ધારા હવે સાકીરને મળીને પોતાનો ગુલામ બનાવવા માગતી હતી. તેણે સાકીર સાથે કેવો સોદો કરવો એ વિચારી લીધું.
વધુ આવતા સપ્તાહે...
*
મિત્રો, ૧૩૦૦૦ થી વધુ ડાઉનલોડ ૨૬૦૦ થી વધુ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં રસીલીએ એવું શું માગ્યું કે સાકીરનો બધો નશો ઉતરી ગયો? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પ્રકાશચંદ્રની ફિલ્મ "લાઇમ લાઇટ" હિટ રહેશે કે નહીં? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.
*
મિત્રો, મારી ઇબુકસનો ડાઉનલોડનો આંકડો ૧.૫૦ લાખને પાર કરી ગયો છે એ માટે સૌનો આભાર!
મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી?
માતૃભારતી પરના ૧.૧૭ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૮૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો" ની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે.
આ ઉપરાંત મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.
લઘુ નવલ "આંધળો પ્રેમ"
પ્રેરણાત્મક વાર્તાઓ "જીવન ખજાનો"
ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"
અને રોમેન્ટિક તથા સામાજિક વાર્તાઓ તો ખરી જ.