રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 30
રાજુને એનાં કર્મોની સજા આપ્યાં બાદ કબીર નટુ અને હરગોવનભાઈ ની મદદથી ગામલોકો ને સમજાવે છે કે ડોકટર ગિરીશ એમનાં એપેન્ડિક્સ ઓપરેશનનાં નામે એમની કિડની કાઢી લેતો હોય છે.આ વાત સાંભળી નટુની આગેવાનીમાં એ લોકોનું ટોળું ગીરીશનાં ઘરની તરફ અગ્રેસર થાય છે..ગિરીશ બહાર ના આવતાં એ બધાં ઘરનું બારણું તોડવા આગળ વધે છે.
એ લોકો એ જોઈ સ્તબ્ધ થઈ જાય છે ગીરીશનાં ઘરનો દરવાજો બહારથી લોક હતો..એમાંથી કોઈ હજુ સુધી એ ઘરનાં દરવાજા નજીક ગયું જ નહોતું માટે એમાંથી કોઈને પણ ખબર નહોતી કે ડોકટર ઘરમાં નથી.એ બધાં તો એ વિચારીને આટલો હલ્લો કરી રહ્યાં હતાં કે ગિરીશ ઘરમાં છે.
"લાગે છે એ લુચ્ચો અહીં હાજર નથી.."તાળું દરવાજા પર પછાળતાં નટુએ કહ્યું.
આ દરમિયાન કબીર પોતાની ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો..ઘરને તાળું મારેલું જોઈ કબીરે એ લોકોને ઉદ્દેશીને કહ્યું.
"લાગે છે એ હરામી હોસ્પિટલમાં હશે.."
કબીરની વાત સાંભળી એ ટોળામાં હાજર લોકો અંદરોઅંદર ગુસપુછ કરવા લાગ્યાં.. અચાનક એમનામાંથી કોઈ બોલી ઉઠ્યું.
"તો ચાલો હોસ્પિટલ.. એ દાનવ ની લંકા ને એની સાથે જ ખતમ કરી દઈએ.."
"હા ચાલો..ચાલો.."એ વ્યક્તિની પાછળ પાછળ બધાં લોકો એક અવાજમાં બોલી ઉઠયાં.
જે ગતિમાં ગિરીશનાં ઘર સુધી આવ્યાં હતાં એનાંથી પણ વધુ ઝડપથી એ લોકોનું ટોળું ગિરીશની હોસ્પિટલ તરફ અગ્રેસર થયું.હકીકતમાં ગઈકાલ રાતે જે રીતે રાધા દ્વારા ગીરીશને ડરાવવામાં આવ્યો હતો એ પછી તો રાતે એ ઘરમાં પગ મુકવો પણ ગિરીશ માટે ભયાવહ હતો..રાત દરમિયાન જે કંઈપણ બન્યું એ વિશે જણાવવા ગિરીશ સીધો ઠાકુરની હવેલી પહોંચ્યો હતો.પણ એનાં ખરાબ નસીબે ઠાકુર જે વીર એ સમયે કોઈ કામે ભુજ ગયાં હતાં.
ઠાકુર પ્રતાપસિંહ ના આવે ત્યાં સુધી ગિરિશે આજની રાત પોતાની હોસ્પિટલમાં જ પસાર કરવાની નક્કી કરી લીધી હતી.રાતનાં બે વાગી ચુક્યાં હતાં અને ગિરીશ ઘસઘસાટ હોસ્પિટલમાં સુઈ ગયો હતો..હોસ્પિટલનો દરવાજો એને અંદરથી બંધ કરી રાખ્યો હતો અને પોતાની જોડે જાત જાતનાં ભગવાનનાં ફોટો રાખ્યાં હતાં જેથી રાધા ત્યાં ના આવી જાય.
આક્રમક બનેલું ગ્રામજનો નું ટોળું શોરબકોર કરતું કરતું હોસ્પિટલ સુધી આવી ચડ્યું..અંદર લાઈટ ચાલુ હતી જે જોઈ એ બધાં સમજી ચુક્યાં હતાં કે ગિરીશ અહીં જ છે..ગુસ્સામાં ને ગુસ્સામાં કોઈએ એક મોટો પથ્થર લઈ હોસ્પિટલ ની એકમાત્ર બારી ની ઉપર માર્યો..જેનાં લીધે એ નાનકડાં દવાખાનાની શોભા વધારતી કાચની બારી ધડાકા સાથે તૂટી ગઈ.
શાંત વાતાવરણમાં બારી નાં તૂટવાનો અવાજ જાણે કોઈ બૉમ્બ ફાટ્યો હોય એવો હતો..એ સાંભળતાં જ ગિરીશ આંચકા સાથે જાગી ગયો..જાગતાં જ એને પોતાનો હાથ છાતી ઉપર રાખી દીધો જાણે કે એને આ અવાજ સાંભળી હૃદયરોગ નો હુમલો ના થયો હોય.
અહીં જે કંઈપણ થઈ રહ્યું હતું એ વાતથી બેખબર ઠાકુર પ્રતાપસિંહ અને એમનો દીકરો વીર અત્યારે ભુજમાં પ્રતાપસિંહ નાં એક મિત્ર ને ત્યાં પહોંચ્યા હતાં.ઠાકુર પોતાનાં દીકરા વીર માટે પોતાનાં મિત્રની દીકરીનાં લગ્નની વાત કરવાં ગયાં હતાં..જ્યાં બધું પાકું કરી રાતે નીકળી જવાનાં હતાં પણ ઠાકુરનાં મિત્ર ભાનજી દ્વારા એમને રાત રોકાઈ જવાનું કહેતાં એમનાં આગ્રહને વશ થઈ તેઓ ભુજમાં જ રોકાઈ ગયાં.
ઠાકુરનું ભુજમાં રોકાઈ જવું ગિરીશ માટે મોતનો તખ્તો તૈયાર કરી ચૂક્યું હતું.. પહેલાં તો ગીરીશને એ ના સમજાયું કે ત્યાં શું થઈ રહ્યું છે પણ બહારથી આવતો શોરબકોર સાંભળી એ અનુમાન લગાવી શકતો હતો કે બહાર હાજર લોકો ગુસ્સામાં છે અને એમનાં ગુસ્સાનું કારણ છે પોતે.
"સળગાવી દો હોસ્પિટલ.. મારી નાંખો એ નીચ ડોક્ટરને.."સરખી રીતે બહાર ચાલતો શોર સાંભળતાં ગીરીશ ને એ લોકોનાં શબ્દો સ્પષ્ટ સંભળાઈ ગયાં.
એ જલ્દીથી ઉભો થયો અને એનાં ટેબલનું ડ્રોવર ખોલી એમાંથી પોતાની લોડ કરેલી રિવોલ્વર બહાર કાઢી અને હાથમાં રિવોલ્વર લઈને આગળ શું કરવું એ વિશે વિચારવા લાગ્યો.
"ઠાકુર સાહેબ તો ગામમાં નથી તો હવે મદદ માટે પોલીસ સ્ટેશન જ ફોન કરું.."આવું બબડતાં ગિરિશે લેન્ડલાઈનનું રીસીવર હાથમાં લીધું અને શિવગઢથી છ કિલોમીટર દૂર આવેલાં ગામ પલીયડમાં સ્થિત પોલીસ ચોકીનો નંબર લગાવ્યો.બે-ત્રણ પ્રયાસ કરવાં છતાં ફોન નહોતો લાગી રહ્યો એ જોઈ ગિરિશે જોરથી રીસીવર નીચે પછાડયું.
એનાં રીસીવર નીચે મુકતાં જ એક જોરદાર અટ્ટહાસ્ય એનાં કાને પડ્યું..આ અટ્ટહાસ્ય કરનાર બીજું કોઈ નહીં પણ રાધા હતી.જેવું ગિરિશે રાધાની તરફ જોયું એવી જ એની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ.અઢી વાગી ગયાં અને રાધા ત્યાં આવી પહોંચી હતી..એને જ લેન્ડલાઈનનું કનેક્શન નોખું કરી દીધું હતું.
"શું થયું ડોકટર સાહેબ..લોકોની કિડનીઓ કાઢીને વેચનારાં ડૉક્ટરનું હૃદય કામ આપતું બંધ થઈ ગયું છે કે શું..?"કટાક્ષ ભર્યા સુરમાં રાધા બોલી.
"રાધા..તું અહીં પણ આવી ગઈ.આખરે તું મારાંથી ઈચ્છે છે શું..?"અકળામણ ભર્યા સુરમાં ગિરિશે રાધાનો ડરામણો ચહેરો જોઈને પૂછ્યું.
"હું અહીં કેમ આવી એમ..હું અહીં આવી છું મારાં મોત નો બદલો લેવાં..હું અહીં આવી છું મારી મોહન વગરની એ દરેક તડપતી રાતોનો હિસાબ લેવાં જેનું કારણ તું હતો..હવે તને મારીશ પછી જ મને સુકુન મળશે.."આટલું કહી રાધા ધીરાં પગે ગિરીશ તરફ આગળ વધી રહી હતી.
એક તો બહાર આક્રમક બનેલું ટોળું અને અહીં એક રૂહ ની હાજરી..એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઈ જેવી પરિસ્થિતિ ગિરીશ માટે સર્જાઈ ચુકી હતી.રાધાનો મુકાબલો કરવો તો એનાં માટે શક્ય નહોતું એટલે એને રહીસહી હિંમત એકઠી કરીને બહાર હાજર ટોળાંનો મુકાબલો કરવાનું મન બનાવી લીધું.
"બે-ચાર ગોળી મારીશ એટલે આ લોકો અહીંથી જતાં રહેશે..પછી હું અહીંથી કોઈ સુરક્ષિત જગ્યાએ નાસી જઈશ.."મનોમન આટલું વિચારતો ગિરીશ હોસ્પિટલનાં દરવાજાની જોડે પહોંચ્યો.
બહાર આવતાં જ ગિરિશે હવામાં એક ગોળી ફાયર કરી..હાથમાં લાકડી અને પથ્થર લઈને ઉભેલાં લોકોનું ટોળું ગોળી ફાયર થવાથી ડરીને થોડું પાછળ હટી ગયું.ટોળું પાછળ ખસી જતાં ડોકટર ગિરીશને થોડી હાશ જરૂર થઈ.
"કોઈ એક ડગલું પણ મારી સામે આગળ વધ્યું છે તો મારી રિવોલ્વર ની નવી ગોળીનું નિશાન હશે એની ખોપરી."રિવોલ્વરનું નાળચુ ટોળાની તરફ તાકતા ગિરિશે કહ્યું.
"ચલો ખસો અહીંથી..અને મને નીકળવા દો.."આટલું બોલી ગિરીશ પોતાની ગાડી તરફ આગળ વધી રહ્યો હતો..લોકો ગુસ્સામાં તો હતાં પણ રિવોલ્વરનો ડર એમને આગળ વધતાં રોકી રહ્યો હતો.પોતે રિવોલ્વરનાં જોરે આ ગામલોકોને રોકી દીધાં એવું મનોમન વિચારતો ડોકટર ગિરીશ પોતાની વેગેનર કાર ની સમીપ પહોંચી ચુક્યો હતો.
કોઈ પોતાની જગ્યાએથી આગળ વધે નહીં એની સાવચેતી રાખતાં રાખતાં એ ગાડીનાં દરવાજા તરફ આગળ વધ્યો અને દરવાજો ખોલવા હાથ લંબાવ્યો..અચાનક એક ધડાકો થયો અને એક ગોળી ગીરીશનાં હાથ ઉપર આવીને વાગી..આ એજ હાથ હતો જેમાં એને રિવોલ્વર પકડી હતી..ગોળી વગવાનાં લીધે એનાં હાથમાં રહેલી રિવોલ્વર નીચે જમીન પર પડી ગઈ..દર્દથી કરાહતાં ગિરિશે તાત્કાલિક રિવોલ્વર તરફ દોડીને એને હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં એક જોરદાર લાત એનાં ચહેરા પર વાગી.
લાત એટલી જોરદાર હતી કે ગિરીશ નાં ચહેરા પર લાત મારનાર નાં બૂટની છાપ ઉભરી આવી..ગિરિશે પીડાનાં ભાવ સાથે લાત મારનાર કોણ હતું એ જોવાં નજર ઊંચી કરી તો એ જોઈ એ સ્તબ્ધ રહી ગયો કે ત્યાં કબીર ઉભો હતો અને એ પણ હાથમાં રિવોલ્વર લઈને..કબીરે જ પોતાની રિવોલ્વર નાં અચૂક નિશાનથી ગિરીશ ને ઇજા પહોંચાડી હતી.
"કબીર તું..પણ તું અમારી પાછળ હાથ ધોઈને કેમ પડ્યો છે..હું જાણું છું કે રાજુ ની મોત પાછળ પણ તારો જ હાથ હતો..અને હવે આ ગામલોકોને પણ તે જ કોઈ ખોટું કારણ બતાવી મારી વિરુદ્ધ ઉશ્કેર્યા છે.."એક હાથ વડે ચહેરાનાં ઘવાયેલાં ભાગને સ્પર્શતાં ગિરીશ બોલ્યો.
"હા હું જ છું રાજુ ની મોત નું કારણ..પણ હું એકલો નથી એની પાછળ..મારી જોડે રાધા પણ છે રાજુની મોત ની જવાબદાર..અને હું બીજું કોઈ નહીં પણ એ મોહન જ છું જેને તમારાં લીધે રાધાનાં વિયોગમાં પાગલ થવું પડ્યું હતું.અને મેં આ ગામલોકો ને કોઈ ખોટું કારણ નથી બતાવ્યું પણ મેં તો એમને તારાં કિડની રેકેટની સચ્ચાઈથી વાકેફ કર્યાં છે.."કબીરે આવેશ ભરી નજરે ગિરીશ તરફ જોતાં કહ્યું.
આ બધું બન્યું એ દરમિયાન ગામલોકો ઉગ્ર બની ગીરીશને મારવા આગળ વધ્યા પણ કબીરે હાથનાં ઈશારાથી એમને થોડો સમય એમ કહી રોકી લીધાં કે એને ગિરીશ જોડે અમુક સવાલોનાં જવાબ મેળવવા છે.
"તું મોહન ના હોઈ શકે..કેમકે તને તો મેં અને ઠાકુરે પોતાનાં હાથ વડે મૃતપાય હાલતમાં પહોંચાડી નર્મદા નદીમાં નાંખી દીધો હતો..કેમકે તને ખબર પડી ગઈ હતી કે ઠાકુર જ રાધાની મોત પાછળ જવાબદાર હતાં.. તું એ રાતે ઠાકુર ને મારીને રાધાની મોત નો બદલો લેવાં કોઠીએ આવ્યો ત્યારે હું પણ ત્યાં જ હતો..તું કંઈ કરે એ પહેલાં તો અમે ભેગાં થઈ તને સ્વર્ગનાં દ્વાર સુધી પહોંચાડી દીધો હતો.."આખરે મોહન સાથે શું થયું હતું એની સચ્ચાઈ કબીરનાં રૂપમાં મોજુદ મોહનને મળી ગઈ.
ગિરીશ આ કહી રહ્યો હતો એ દરમિયાન રાધા પણ એનાં મોહનની બાજુમાં આવીને ઉભી રહી..જેને ફક્ત ગિરીશ જ જોઈ શકતો હતો.રાધા જે રીતે કબીરનો હાથ પકડીને ઉભી હતી એ જોઈ ગિરીશને વિશ્વાસ આવી ચુક્યો હતો કે કબીર જ મોહન હતો.
પોતાનાં શિવગઢમાંથી ગાયબ થઈ જવાની હકીકત ગિરિશ જોડેથી જાણી લીધાં બાદ હવે કબીર જોડે ગિરીશનું જે કંઈપણ થવું હોય એ થાય એનાંથી કોઈ નિસ્બત નહોતી.કબીરે મંદ મુસ્કાન સાથે પહેલાં રાધાની તરફ જોયું અને પછી કમરથી થોડું ઝૂકી પોતાનો ચહેરો ગીરીશની નજીક લાવી ધીરેથી બોલ્યો.
"ભલે તમે લોકો એ મને અને રાધા ને એકબીજાથી વિખૂટાં પાડવા કોઈ કસર ના છોડી હતી..છતાં અમારી મુલાકાત થઈને જ રહી.કેમકે જેને રામ રાખે એને કોણ ચાખે.. ચાલ રાધા આપણે નીકળીએ આનું ગામલોકોને જે કરવું હશે એ કરશે.."
આટલું કહી કબીરે રાધાનો હાથ પકડ્યો અને ત્યાંથી ચાલવા લાગ્યો..જતાં જતાં કબીરે ઈશારાથી જ ત્યાં હાજર ટોળાં ને ગિરીશ નું જે કરવું હોય એ કરવા કહી દીધું..જેવો કબીર ત્યાંથી દસેક ડગલાં દૂર ગયો એટલામાં તો ગામલોકોનું એ ઉગ્ર બનેલું ટોળું ગિરીશ ઉપર રીતસરનું તૂટી પડ્યું.
લાકડીઓ,પાઇપ,પથ્થર વડે એ લોકોએ હિચકારો હુમલો ગિરીશ પર કરી દીધો..ગિરીશ ની દયા ની અરજી અને પીડાભરી ચીસોની એ લોકો ઉપર જરાસરખી પણ અસર ના થઇ..ગિરીશ દર્દથી તડપતા તડપતા જ્યાં સુધી શાંત ના થઇ ગયો ત્યાં સુધી એ પચાસ લોકોનું ટોળું ગિરીશ ને મારતું જ રહ્યું..આખરે ગિરીશની દર્દભરી મોત થઈ ગઈ.ગિરીશની લાશને ત્યાંજ પડતી મૂકી ગામલોકોનું એ ટોળું પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ ગયું.
ટોળાની આગેવાની લઈને પહોંચેલા નટુ નાં ચહેરા પર અત્યારે સૌથી વધુ ખુશી હતી..એ ખુશીમાં સુકુન પણ હતું.પોતાની પત્ની તખીનાં મોતની પાછળ સામેલ એક જવાબદાર વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનું એ સુકુન હતું.
ગિરીશની જ્યારે હત્યા થઈ રહી હતી ત્યારે ગિરીશનો એક સાગરીત અને ઠાકુર પ્રતાપસિંહ નો માણસ ચમન અત્યારે ત્યાં થઈ રહેલા શોરબકોર નો અવાજ સાંભળી ત્યાં પહોંચેલા લોકોની વચ્ચે હાજર હતો..ગિરીશ ની જે રીતે હત્યા થઈ હતી એ જોઈ એ સમસમી ગયો હતો.એકવાર એને થયું કે હું જઈને ગિરીશને બચાવી લઉં પણ આટલાં બધાં લોકોની સામે પડીને પોતાની જાનનું દુશ્મન બનવું પડે એ વાત ચમન સારી પેઠે જાણતો હતો.
ગિરીશની ખુન થી તરબતર લાશ પર અપલક દ્રષ્ટિ નાંખીને પોતાનાં ઘરની વાટ પકડી લીધી..આવતીકાલે ઠાકુર સાહેબ આવે ત્યારે ગિરીશની મોત પાછળ હકીકતમાં ઠાકુર સાહેબનો મહેમાન બનેલો કબીર જ જવાબદાર હતો એવું એમને જણાવી દેશે એવો નીર્ધાર કરીને ચમન ઘસઘસાટ સુઈ ગયો.
ચમન ત્યાં હાજર હતો એ વાતથી બેખબર કબીર રાધાની સાથે વુડહાઉસમાં પહોંચ્યો અને સવાર સુધી એનાં સાનિધ્યમાં સુઈ ગયો.!!
★★★★★★
વધુ આવતાં અંકમાં.
ગિરીશની મોત પાછળ કબીર જવાબદાર છે એ જાણ્યાં બાદ ઠાકુર શું કરશે?વીર કઈ પેટીઓની વાત કરી રહ્યો હતો...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ