( આગળના ભાગમાં આપણે જોયુ કે અર્ચના ક્રિસમસના વેકેશનમાં બોમ્બે જાય છે. અને તેની દીદી અને જીજાજી ક્રીશ સાથે એલીફન્ટાની ગુફા જોવા જાય છે. જ્યાં તેને એના બોસ મળે છે. હવે આગળ જોઈશું શું થાય છે. )
સુભાષ : મારી ફોઈની છોકરી ના લગ્ન હતા તે જ એટેન્ડ કરવા આવ્યો હતો મારી પૂરી ફેમેલી પણ આવી છે.
ત્યાં જ મયુરી અને મયંક ક્રીશ તેમની પાસે આવે છે. અર્ચના તેના બોસ સાથે બધાનો પરિચય કરાવે છે. સુભાષ અને મયંક એકબીજા સાથે હાથ મિલાવે છે.
સુભાષ : ચાલો તમને મારા ફેમેલી સાથે મળાવુ. અને તે તેના ઘરવાળાં સાથે અર્ચના અને તેના પરિવારને મળાવે છે. અર્ચના અને મયુરી બધાને નમસ્કાર કરે છે.
સુભાષ : અરે આશુતોષ અને વિહાન ક્યા છે?
વિહાન મકાઈ ખાવાની જીદ કરતો હતો તો તે તેને મકાઈ અપાવવા લઈ ગયો છે. સુભાષની માતા કહે છે.
સુભાષ : આશુતોષ મારા કાકાનો છોકરો છે અને વિહાન તેનો પુત્ર છે.
મોટા પપ્પાઆઆઆઆ....બોલતો એક ત્રણ ચાર વર્ષનો છોકરો દોડતો દોડતો આવીને સુભાષને વળગી જાય છે. પાછળ આશુતોષ આવે છે. સુભાષ અર્ચના સાથે તેની મુલાકાત કરાવે છે અર્ચના અને આશુતોષ એકબીજાને સ્માઈલ આપે છે.
સુભાષ : ચલો તમે પણ અમારી સાથે તે અર્ચના અને મયંક તરફ જોઈને કહે છે.
મયંક : ya sure બધાં સાથે હોઈશું તો મજા આવશે.
અને બધાં દાદર ચઢવા લાગે છે. ક્રીશ, વિહાન અને સુભાષના નાના ભાઈ અજયના પુત્ર રેયાંશ વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. સુભાષ સર સાથે તેમના માતા, પત્ની સરિતા નાનો ભાઈ અજય એની પત્ની રુચી અજયનો પુત્ર રેયાંશ, એની નાની બહેન પ્રાચી તેમજ એમની કાકી તેમજ કાકીનો પુત્ર આશુતોષ અને એનો પુત્ર વિહાન એમ દસ વ્યક્તિ હતા. બધા એકબીજા સાથે ખૂબ હળીમળી ગયા હતા.
અર્ચના : સર તમારો સન નથી આવ્યો ?
સુભાષ : ના એ 10th બોર્ડમાં હોવાથી સ્કુલવાળાએ વેકેશન નથી આપ્યું.
ઉપર પહોંચી ને બધા ગુફા જુએ છે. અર્ચના અને પ્રાચી ઘણાબધા ફોટા પાડે છે. બધા એકબીજા સાથે સેલ્ફી પાડે છે.બધી ગુફા જોઈને તેઓ નીચે ઉતરે છે. રસ્તામાં દાદરની આજુબાજુ લાગેલ સ્ટોલ પરથી ઘણી એન્ટીક જ્વેલરી અને બીજી વસ્તુઓ ખરીદે છે. અને બધા બોટમાં બેસે છે. ક્રીશ અને વિહાન ઉપરના માળ પર બેસવાની જીદ કરે છે.બંને દરિયાના પક્ષીઓને ધાણી અને બિસ્કીટ ખવડાવવાની મજા પડે છે.
સુભાષ : તો મયંક આજે બીજો શું પ્લાન છે ?
મયંક : આપણે ત્રણ વાગ્યાની આસપાસ તો ગેટ ઓફ ઇન્ડિયા પહોંચી જઈશું. પછી ક્રીશે એક્વીરીયમ જોવું છે તો તે બતાવીને બાન્દ્રામા માઉન્ટ મેરી ચર્ચ અને બેન્ડ સ્ટેન્ડ ફરી લઈશું.
અર્ચના : સર તમારો શું પ્લાન છે ?
સુભાષ : અમારો તો એવો કોઈ પ્લાન નથી. જેમ સમય મળે તેમ ફરી લઈશું.
મયુરી : જો તમને વાંધો ના હોય તો તમે પણ અમારી સાથે જ જોડાઈ જાવ.
વિહાન : હા મોટા પપ્પા ચાલોને આપણે પણ ક્રીશ સાથે જઈએ. મારે પણ ફીશ જોવી છે.
રેયાંશ : હા મોટા પપ્પા ચાલોને આપણે પણ આ લોકો સાથે જ જઈએ. બહુ મજા આવશે.
સુભાષ : મને કંઈ વાંધો નથી તમારા બધાની ઈચ્છા છે તો આપણે પણ આ લોકોની સાથે જ ફરી લઈશું.
ક્રીશ, રેયાંશ અને વિહાન ખુશ થઈને એકબીજાને હાઈ - ફાઈ આપે છે. પછી બધા સાથે ફરવા જાય છે.
એકવેરીયમમા વિવિધ પ્રકારની માછલીઓ જોઈને ક્રીશ, રેયાંશ અને વિહાનને ખૂબ મઝા આવે છે. અર્ચના અને પ્રાચી પણ તેમની સાથે ખૂબ એન્જોય કરે છે. આ બધાંમા આશુતોષ એકદમ અતડો રહે છે.એ કોઈની સાથે વધુ વાતો નથી કરતો કોઈ સામેથી વાત કરે તો જવાબ જરૂર આપે છે. અર્ચનાને તેના આવા વર્તનથી ખૂબ નવાઈ લાગે છે કે કોઈ માણસ આટલો રિઝર્વ કેવી રીતે રહી શકે પણ પછી વિચારે છે કે હશે દરેકનો સ્વભાવ અલગ હોય છે. કદાચ એને એકલા રહેવાનું પસંદ હશે.
સાંજે બધાં માઉન્ટ મેરી ચર્ચ પહોંચે છે. ત્યાં અર્ચના એક બે વાર આશુતોષ જોડે વાત કરવાની કોશિશ કરે છે. પણ તે હા ના મા જ જવાબ આપે છે. અર્ચના પ્રાચીને પૂછે છે કે આ તારા ભાઈ હંમેશા આવા રહે છે કે અમે સાથે આવ્યા તે એમને નથી ગમ્યું.
પ્રાચી : ના ના એવું કંઈ નથી. ભાઈ પહેલેથી આવા નહોતા એ અમારા બધા સાથે ખૂબ મસ્તી કરતા. લાઈફને ઘણી એન્જોય કરતા પણ અર્ચનાભાભીના ડેથ પછી તેઓ એકદમ શાંત થઈ ગયા અર્ચનાભાભી સાથે જાણે ખુશીઓ પણ એમના જીવનમાથી ચાલી ગઈ.
અર્ચના : શું વિહાનની મમ્મીનું નામ પણ અર્ચના હતુ !!
પ્રાચી : હા.
અર્ચના : એટલે જ તેઓ મારી સાથે વધુ વાત નથી કરતા.
પ્રાચી : ના, એવું નથી. એ અમારી સાથે પણ જરૂરીયાત પૂરતી વાત કરે છે.
અર્ચના : ઈટ્સ ઓકે એમને એમની લાઈફ એમની મરજી મુજબ જીવવા દો. જ્યારે એ એમની વાઈફની યાદોમાથી બહાર આવશે ત્યારે આપોઆપ પહેલાની જેમ જીવતા થઈ જશે. ત્યાં સુધી તમારે એમને સમય આપવો પડશે.
પ્રાચી : હા વાત તો તારી સાચી છે. ચાલ ત્યાં બધાં આપણી રાહ જુએ છે.
અર્ચના : હા ચાલ.
બંને ત્યાં પહોચે છે. અને બધા બેન્ડ સ્ટેન્ડ જાય છે. ત્યા પણ વિહાન, રેયાંશ અને ક્રીશ ખૂબ મસ્તી કરે છે. અર્ચના અને પ્રાચી ઘણાબધા ફોટા પાડે છે. છેલ્લે તેઓ એક હોટલમાં ડીનર કરવા જાય છે. ત્યાં વિહાન અચાનક અર્ચનાને મમ્મી કહીને વળગી જાય છે. અને એના ખોળામાં બેસવાની જીદ કરે છે. બધા વિહાનના મોઢે અર્ચનાને મમ્મી કેહતા સાંભળી ચોકી જાય છે. અર્ચના તો એકદમ સ્તબ્ધ થઈ જાય છે.
* * * * *
( વિહાને અર્ચનાને મમ્મી શા માટે કહ્યું ? શું કનેકશન છે. તેમની વચ્ચે એ જાણીશુ આગળના ભાગમાં. )