prem agan - 14 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | પ્રેમ અગન 14

Featured Books
Categories
Share

પ્રેમ અગન 14

પ્રેમ-અગન:-14

"કોઈ " સાથે છે ..

પણ " પાસે કેમ નથી ?

કોઈ " યાદો માં છે ..

પણ " વાતો માં કેમ નથી ?

કોઈ હૈયે " દસ્તક આપે છે

પણ હૈયા માં " કેમ નથી ?

એ અજનબી " ક્યાંક તો છે

પણ આંખો સામે " કેમ નથી ?"

શિવે જ્યારે આંખ ખોલી ત્યારે સાંજનાં છ વાગી ગયાં હતાં.. શિમલામાં પોતાનાં આગમન નો પ્રથમ દિવસ તો અડધો મુસાફરી અને બાકીનો સુવામાં નીકળી ગયો..હવે બાકીનો સમય જે વધ્યો હતો એ વેડફવાની શિવને કોઈ ઈચ્છા નહોતી એટલે એને હમીરને ફટાફટ તૈયાર થવાનું કહ્યું અને નીકળી પડ્યો શિમલા ની સુંદર સાંજને માણવા.

સૂરજ આથમી ચુક્યો હતો અને પહાડીઓ તરફથી આવતો શીતળ પવન સમગ્ર શિમલા ને ઠંડુંગાર બનાવી રહ્યો હતો..કોણ જાણે અહીં પગ મૂક્યાં પછી શિવને શ્વાસ ભરવામાં જે વર્ષોથી વજન પડતું હતું એ ગાયબ થઈ ચૂક્યું હતું..આ શિમલા ની હવાનો જાદુ હતો કે બીજું કંઈ એ શિવને ખબર તો નહોતી..પણ આ જાદુઈ અસરને એ મનભરી માણવા માંગતો હતો.

"શિવ ભાઈ ક્યાં જઈશું..?"શિમલાનાં મુખ્ય બજારમાં પગ મુકતાં ની સાથે જ હમીરે શિવની તરફ જોઈને પૂછ્યું.

"જ્યાં પગ લઈ જાય.."શિવ હસીને હમીર ની વાતનો પ્રત્યુત્તર આપતાં બોલ્યો.

શિવે શિમલામાં પોતે ક્યાં ફરશે એ વર્ષોથી નક્કી કરી રાખ્યું હતું..કેમકે શ્રીની જોડે ખુલ્લી આંખે જોયેલાં સ્વપ્ન પછી તો શિમલા નાં દરેક પ્રખ્યાત સ્થળ શિવને કંઠસ્થ હતાં..આ ઉપરાંત શિવને વર્ષોથી પોતાનું એક અંગત સપનું હતું જેનાં વિશેનો ઉલ્લેખ શિવ શ્રી આગળ પણ કરી ચુક્યો હતો..જે હતું જાખુ મંદિર જોડે આવેલાં વ્યુ પોઈન્ટ ઉપરથી ડૂબતા સૂરજને મનભરીને દેખવો.

આજે તો પોતાની ડૂબતા સૂરજને જોવાની ઈચ્છા પુરી ના થઈ શકી અને રાત થવાં આવી હોવાથી બીજે જઈ શકાય એમ નહોતું એટલે શિવ હમીરની સાથે શહેરની મધ્યમાં આવેલી રિઝ નામની જગ્યાએ આવી પહોંચ્યો.આ સ્થળથી શિમલા ની ફરતે આવેલી બધી પહાડી જોઈ શકાતી હતી.અહીં વસ્તુકલાનાં અદભુત નમુના સમાન ન્યુ ગોથીક જોવાં લાયક છે.

એ સિવાય ત્યાં આવેલી ક્રાઇસ્ટચર્ચ અને ન્યુ ટ્યુડર પુસ્તકાલય ભવન પણ જોવાલાયક સ્થળમાં સામેલ છે..અહીં બે-ત્રણ કલાક જેટલો સમય પસાર કર્યાં બાદ શિવ અને હમીર જઈને એક રેસ્ટોરેન્ટમાં બેઠાં.

"હમીર..જમવાની જોડે કંઈક લઈશ..?"શિવે જમવાનું ઓર્ડર કર્યાં બાદ હમીરને ઉદ્દેશીને કહ્યું..શિવનો ઈશારો હાર્ડ ડ્રીંક તરફ હતો.

"છાશ હોય તો મજો પડી જાય.."હમીરે કહ્યું..હમીર ની વાત સાંભળી શિવ ખળખળાટ હસી પડ્યો..હમીર ની તરફ જોતાં એ બોલ્યો.

"વાહ મારાં કાઠિયાવાડી કિંગ..અહીં આવીને પણ તને છાશ સુઝે છે..ભાઈ છાશ ની નહીં હું શરાબની વાત કરું છું.."

"ભાઈ કદી પીધો નથી દારૂ..તો હા કઈ રીતે કહું.."શિવની વાત સાંભળી માથું ખંજવાળતા હમીર બોલ્યો.

"ભાઈ અહીં પીવાનો કોઈ વાંધો નથી..ક્યારેક ક્યારેક હું પણ એકાદ-બે પેગ મારી લઉં છું.."શિવે કહ્યું.

"તો પછી મંગાવો.."હમીર બોલ્યો.

વેઈટર જમવાની પ્લેટ લઈને આવ્યો એટલે શિવે એને બે લાર્જ પેક વહીસ્કી લઈને આવવાનું કહ્યું..હમીર તો આંખો બંધ કરીને એક જ ઘૂંટમાં આખો પેગ પૂરો કરી ગયો..જે રીતે હમીર નાક ને હાથ વડે બંધ કરી વહીસ્કી પીતો હતો એ જોઈ શિવને હસવું તો આવી રહ્યું હતું પણ રેસ્ટોરેન્ટમાં બેસેલાં બીજાં લોકો એમની તરફ જે રીતે જોઈ રહ્યાં હતાં એ જોઈ શરમ પણ આવી રહી હતી.

"શિવ ભાઈ એક બીજો.."પહેલો પેગ પૂરો કર્યા બાદ હમીર વિનવણી કરતાં બોલ્યો.

"વેઈટર,2 more peck of whisky.."હમીર ની વાત સાંભળી શિવે વહીસ્કી નો બીજો ઓર્ડર આપી દીધો.

આખરે જમવાનું અને પીવાનું પૂર્ણ કરી શિવ અને હમીર રેસ્ટોરેન્ટની બહાર નીકળ્યા..હજુ તો શિવ હાથ નાં ઈશારા વડે કોઈ ટેક્સી રોકે એ પહેલાં તો એક પોલીસ કર્મચારી આવીને હમીર ની સાથે જોરથી ભટકાયો..હમીર ને વહીસ્કી નો નશો ચડ્યો હોવાથી આમપણ એનાં પગ ઠરતાં નહોતાં.. પોલીસ વાળા ની આ ટકકરથી હમીર ગોથું ખાઈને જમીન પર પડ્યો.

"Sorry સાહેબ..હું એક ચોર નો પીછો કરી રહ્યો હતો તો.."હમીર ને ઉભો કરતાં એ પોલીસ કોન્સ્ટેબલ બોલ્યો.

"Its ok.."શિવે હમીર ને ટેકો આપ્યો અને કોન્સ્ટેબલ તરફ જોઈને કહ્યું.

શિવની તરફ જોઈ એ કોન્સ્ટેબલ પુનઃ દોડીને એ દિશામાં ભાગ્યો જે તરફ એ જઈ રહ્યો હતો..સ્ટ્રીટ લાઈટ નાં આછા પ્રકાશમાં શિવે એ કોન્સ્ટેબલ જેની પાછળ દોડી રહ્યો એ ચોરની તરફ નજર ફેંકી.વાતાવરણમાં આવેલું થોડું ઘુમમ્સ અને પ્રકાશનાં અભાવનાં લીધે શિવને વધુ કંઈ તો ના દેખાયું પણ એને ધૂંધળુ તો ધૂંધળુ જોયું કે એક વ્યક્તિ હાથમાં પર્સ લઈને દોડી રહ્યું હતું..શિવ એ વ્યક્તિ ને વ્યવસ્થિત જોવે એ પહેલાં તો રોડ નાં વળાંક ઉપર એ વ્યક્તિ ભાગી નીકળી.

શિવે હમીર ની તરફ નજર ઘુમાવી કહ્યું.

"ભાઈ હમીરિયા..વાગ્યું તો નથી ને..?"

"ના..હો..ખાલી થોડું છોલાણું છે.."પોતાનાં જમણાં હાથની કોણી નો ભાગ શિવને બતાવતાં કહ્યું.

શિવે જોયું તો હમીરને થોડું લોહી નીકળ્યું હતું..પણ વધુ ચિંતાની વાત નહોતી એટલે શિવે પોતાનો હાથ રૂમાલ કાઢી હમીરનાં કોણી પર જ્યાં વાગ્યું હતું ત્યાં બાંધી દીધો..પોતે તો ખરાં દિલથી શિવની સેવા કરતો હતો પણ જે રીતે શિવ હમીર ની કાળજી રાખતો હતો એનાં લીધે હમીરનાં હૃદયમાં શિવ માટે માન બમણું વધી ગયું હતું.આજે પણ હમીર નાં હાથ પરનો ઘા જોઈ જે રીતે શિવ નો ચહેરો ઉદાસ થઈ ઉઠ્યો હતો એ જોઈ હમીરની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

ત્યારબાદ શિવ ટેક્સી કરી હમીરની સાથે ઓબેરોય હોટલ જઈ પહોંચ્યો..વહીસ્કી નો નશો અને શિમલાની ફુલગુલાબી તન અને મનને તરબોળ કરી મુકતી ઠંડકનાં લીધે હમીર તો રૂમમાં પહોંચતાં ની સાથે જ પલંગમાં લાંબો થઈને પડ્યો એ સાથે જ ઘસઘસાટ સુઈ ગયો..શિવે હમીર નાં બૂટ નીકળ્યાં અને એને સરખો સુવડાવ્યો.જે રીતે હમીર શિવને પોતાનું સર્વસ્વ માનતો હતો એ રીતે શિવ માટે હમીર નાના ભાઈથી અધિક હતો જેનાં માટે પોતાનો જીવ આપવો પડે તો પણ શિવ આપતાં ખચકાય એમ નહોતો.

શિવે હાથ પગ ધોઈ ઘડિયાળ તરફ નજર કરી તો હજુ સાડા દસ થતાં હતાં..આટલી જલ્દી પોતાને નીંદર નહીં આવે એમ માની શિવ પોતાનાં રૂમમાં રહેલા ટેલિવિઝન સેટ ને ઓન કરીને બેઠો..એ વખતે ટીવી પર શિવનાં ફેવરિટ શો એવાં કપિલ શર્મા શો નો રિપીટ ટેલિકાસ્ટ આવતો હતો..શિવે અગિયાર વાગ્યાં સુધી હાસ્ય નાં સુપરડોઝ એવાં આ શો ની મજા લીધી અને પછી શિવે મ્યુઝિક ચેનલ બદલી.

પૉપ અને રિમિક્સ નાં જમાનાનાં લાઉડ મ્યુઝિકથી શિવને નફરત હતી..આથી જ શિવ જે ચેનલ ઉપર અત્યારનાં ગીતો આવી રહ્યાં હતાં એને વારંવાર બદલે જતો હતો..દસેક મ્યુઝિક ચેનલ બદલ્યા પછી પણ શિવને પોતાની પસંદગીનું કોઈ ગીત કાને ના પડ્યું..આખરે શિવ મનોમન ટેલિવિઝન બંધ કરી સુવાનું વિચારતો હતો ત્યાં 9XM જલવા નામની મ્યુઝિક ચેનલ પર ચાલતાં એક ગીતે શિવનો સુવાનો વિચાર હાલપુરતો પડતો મુકવા એને મજબુર કરી મુક્યો.

જેનાં થકી ગીતકારો ને પણ ફિલ્મનાં પોસ્ટરમાં સ્થાન અને સારી એવી રકમ મળવા લાગી એવાં શબ્દોનાં ફનકાર સાહિર લુધિયાણવી સાહેબની ખુબસુરત રચના ને ફિલ્મ ગુમરાહનાં એક ગીતને સ્વર્ગસ્થ મહેન્દ્ર કપુરનાં અવાજમાં સાંભળતાની સાથે શિવે પોતાની આંખો બંધ કરી એ ગીત ની દરેક લાઈન ગીત ની સાથે-સાથે લાગણી સાથે ગુનગુનાવી.

चलो इक बार फिर से

अजनबी बन जाएं हम दोनों..

न मैं तुमसे कोई उम्मीद रखूँ दिलनवाज़ी की..

न तुम मेरी तरफ़ देखो गलत अंदाज़ नज़रों से..

न मेरे दिल की धड़कन लड़खड़ाये मेरी बातों में..

न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से..

चलो इक बार फिर से

अजनबी बन जाएं हम दोनों..

तुम्हें भी कोई उलझन रोकती है पेशकदमी से..

मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं..

मेरे हमराह भी रुसवाइयां हैं मेरे माझी की..

तुम्हारे साथ भी गुज़री हुई रातों के साये हैं..

चलो इक बार फिर से

अजनबी बन जाएं हम दोनों..

तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर..

ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा..

वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन..

उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा

चलो इक बार फिर से

अजनबी बन जाएं हम दोनों.."

શિવ જેમ-જેમ ગીત સાંભળતો ગયો એમ-એમ દિલનાં સંદૂકમાં વર્ષોથી સંઘરેલી થોડી યાદો અશ્રુ બની આંખોથી વહેવા લાગી.. શિવે ઊંડો શ્વાસ ભર્યો અને ટેલિવિઝન બંધ કર્યું અને મનોમન બોલ્યો.

"જો મારી મોહબ્બત ને પણ એક ખુબસુરત વળાંક મળ્યો હોત તો આજે આ હૃદયમાં પડેલાં રિક્ત સ્થાનમાં મારી શ્રી ની જગ્યા બીજાં કોઈને આપવાની કોશિશ કરી શક્યો હોત.."

શિવને એક વિચાર સ્ફુરતાં પોતાનો મોબાઈલ ફોન હાથમાં લીધો અને google notes માં જઈને કંઈક લખવાનું શરૂ કર્યું..આ એવું લખાણ હતું જે શિવ ઘણીવાર ટાઈપ કરતો જરૂર હતો..પણ એ જેને મોકલવાનું હતું..એ જેને ઉદ્દેશીને લખાયું હતું એનો નંબર પણ શિવનાં કોન્ટેકટ લિસ્ટમાં જ નહોતું.

મારાં ઘણાં વાંચક મિત્રો જોડે પણ એવું બનતું હશે કે એ કોઈ મેસેજ ટાઈપ કરતાં હશે પણ એને સેન્ડ નહીં કરી શકતાં હોય..આવું જેની સાથે થયું હશે એમને ખબર હશે કે આવાં લખીને ના મોકલવામાં આવતાં મેસેજમાં લાગણીઓનો અફાટ સમુદ્ર સમાયેલો હોય છે.

શિવે મોબાઈલ માં પોતાની શ્રી ને ઉદ્દેશીને મનની લાગણીઓનાં શબ્દોરૂપી મણકા ને માળામાં પરોવીને લખવાનું શરૂ કર્યું..આવી જ કુલ 348 ગૂગલ નોટ પહેલેથી જ શિવનાં મોબાઈલમાં મોજુદ હતી..નાનાં નાનાં પ્રસંગોમાં,કોઈ ખુશીનાં સમયમાં,દુઃખનાં સમયમાં કે જ્યારે કંઈપણ સૂઝતું ના હોય ત્યારે શિવ પોતાની પ્રિય એવી શ્રી એટલે કે ઈશિતા ને આ રીતે જ ઉદ્દેશીને મેસેજ લખતો.

આવો જ મેસેજ ટાઈપ કરતાં શિવે લખ્યું.

"શ્રી,હું આજે એ સ્થળે છું જ્યાં આપણે હનીમુન નું સ્વપ્ન જોયું હતું..જ્યાં તું અને હું એકબીજાને સંપૂર્ણ બનાવવાની ઈચ્છા ધરાવતાં હતાં.. જ્યાં વ્યુ પોઈન્ટ પર જઈને ડૂબતા સૂરજને જોવાનું મારું ડ્રિમ છે એવું કહ્યું ત્યારે તું પ્રેમથી બોલી હતી..'શિવ તું ડૂબતા સૂરજને જોજે..અને હું મારાં ખીલતાં શિવને.."

"યાદ છે તને કે તે કહ્યું હતું કે શિવ તું મને એકવાર પોતાની બાહોમાં ઉપાડીને શિમલામાં ફરજે.. લોકો ભલે પાગલ કહેતાં પણ હું સૌથી વધુ ખુશ હોય એ દિવસે..તારાં દરેક શ્વાસનો દિવ્ય અહેસાસ અહીં શિમલમાં જ કરવાની ખેવના હતી..આથી જ અહીં પગ મુકતાં ની સાથે અહીંથી હવામાં હું આજે પણ તને મહેસુસ કરી શકું છું.."

"ચલ by.. સાચવજે.. ફ્રી પડીશ ત્યારે મેસેજ કરીશ.."

જાણે શ્રી ને સાચેમાં મેસેજ કરતો હોય એમ મેસેજ લખી શિવ શાંતિથી સુઈ ગયો..સવારે શિવ જ્યારે ઉઠ્યો ત્યારે હમીર સ્નાન કરવાં બાથરૂમમાં પ્રવેશી ચુક્યો હતો..હવે હમીર અડધા કલાક સુધી નહીં નીકળે એમ વિચારી શિવે હોટલ સર્વિસને કોલ કરી ચા-નાસ્તો ઓર્ડર કરી દીધો..પંદર મિનિટમાં તો ચા-નાસ્તો લઈને વેઈટર શિવનાં રૂમમાં આવવાં આવી પહોંચ્યો..જતાં જતાં એને વિનમ્રતાથી પૂછ્યું.

"સાહેબ..ન્યૂઝપેપર આપું..?"

"હા.."શિવે કહ્યું.

"હિન્દી કે ઈંગ્લીશ..?"એ વેઈટરે કહ્યું.

"હિન્દી.."પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ને પ્રેમ કરતો હોવાથી શિવે હિન્દી ન્યૂઝપેપર માંગ્યું.

શિવનાં આમ કહેતાં જ એ વેઈટર શિવનાં હાથમાં જય હિંદ ન્યૂઝપેપર આપીને નીકળી ગયો..જોડે-જોડે એ લોકલ ન્યૂઝપેપર ડેઈલી શિમલા ની પણ એક નકલ આપતો ગયો.શિવે ચા ની ચુસકી સાથે ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું..લોકલ ન્યૂઝપેપર ચા ની ટ્રે નીચે મુક્યું હતું..કેમકે શિવને લોકલ ન્યૂઝથી કોઈ નિસ્બત નહોતી.

"શિવ ભાઈ જાઓ તમે નહાવા..મેં નાહી લીધું.."બાથરૂમમાંથી બહાર નીકળતાં જ હમીર ટુવાલ વડે માથું લૂછતાં બોલ્યો.

"તું આવી ગયો ખરો..મને એમ કે સુઈ ગયો હોઈશ.."આટલું બોલી શિવ ન્યૂઝપેપર ચા ની ટ્રે પડી હતી એ ત્રિપાઈ પર મુક્યું અને બાથરૂમ તરફ અગ્રેસર થયો.

હજુ તો શિવ માંડ ત્રણેક ડગલાં આગળ વધ્યો હશે ત્યાં અનાયાસે જ એનાં પગ અટકી ગયાં.. કુદરતનાં કોઈ ગેબી સંકેતે શિવને ત્યાં રોકી લીધો.પોતાની નજરે કંઈક તો પડ્યું હતું જેનાં લીધે એ આગળ વધતો અટકી ગયો..પણ શું..?

"હું બહું ઉદાસ થઇને આવ્યો છું તારા શહેર માંથી,

આંખોમાં ભીનાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.

જે જગ્યાઓ હતી તારા અને મારા મધુર મિલનની,

હૈયામાં ખારાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.

કોરી ખાય છે ગલીઓ ને હસી રહયાં છે ઉપવનો,

દુઃખોનું આકાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.

કરજો દુવા એટલી જ કે પ્રભું મળે નહી રસ્તામાં,

દિલમાં ભડાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.

શ્રધ્ધા પર શ્રધ્ધા રાખી એનું તો આ પરિણામ છે.

પ્રેમની હું લાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિમલામાં શિવની સાથે શું થશે.?શિવની જીંદગીમાં બીજું કોઈ આવશે કે નહીં...?આખરે શ્રી ક્યાં હતી..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)