Ramat - 2 in Gujarati Fiction Stories by MAYUR PRAJAPATI books and stories PDF | રમત - ૨

Featured Books
Categories
Share

રમત - ૨

ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, માણેકલાલ શાહ એક એવું નામ અને ઉદ્યોગજગતનો એક એવો સિતારો, જે પોતાની ચમકથી સમગ્ર વિશ્વને આંજી નાખવા તત્પર હતો અને આજ અચાનક જ એ સિતારો ખરી પડ્યો. પ્રાપ્ત માહિતી અને પ્રાથમિક તપાસ પરથી માણેકલાલ શાહે આત્મહત્યા કરી હોય એમ ચર્ચાઇ રહ્યુ છે. આ આઘાતજનક ખબરે સમગ્ર ઉદ્યોગજગતને હચમચાવી મુક્યુ છે. માણેકલાલ શાહ અને આત્મહત્યા ? આ વાત કોઇના ગળે ઉતરે એવી નથી. ન્યુઝ જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ મહેતા સાહેબનું મગજ પણ ચકરાવે ચઢવા લાગ્યુ. તેઓ મનોમન વિચારવા લાગ્યા “દુનિયાની મોટી મોટી કંપનીઓને એકલે હાથે હંફાવનાર માણસ આત્મહત્યા જેવું હિચકારું ક્રુત્ય અને અંતિમ પગલું ભરી જ ના શકે ? માણેકલાલનું આમ અકાળે મ્રુત્યુ ઘણા સવાલો ઉભા કરે છે અને શંકા પણ”

“માણેકલાલ શાહનું ખુન થયુ છે ઇન્સ્પેક્ટર સાહેબ એમણે કોઇ આત્મહત્યા નથી કરી” મહેતા સાહેબના વિચારોને તોડતા અનિકેત બોલ્યો “અને એ ખુન મે કર્યુ છે”

“એક બાજુ સવારે ૬:૩૦ વાગે એક છોકરો પોલીસ સ્ટેશને આવીને એમ કહે છે કે મેં સવારે ૫ વાગે માણેકલાલ શાહનું દિલ્હી સ્થિત એમના જ બંગલામા ખુન કર્યુ છે. જ્યારે એ દિલ્હી ક્યારેય ગયો જ નથી અને બીજી બાજુ આ સવારે ૮ વાગે ન્યુઝ આવે છે કે માણેકલાલ શાહની લાશ એમના જ બંગલામાં મળી આવી છે અને એમણે આત્મહત્યા કરી હોય એમ લાગે છે. વાત ગુચવાડે ચઢતી હોય એમ લાગે છે હવે એના મૂળ સુધી પહોચવું જ પડશે. મહેતા મનોમન વિચારવા લાગ્યા હવે આ છોકરાની વાતને ગંભીરતાથી લેવી પડશે

“હવે તો તમે માનશો ને કે હું બકવાસ નથી કરી રહ્યો”. અનિકેતે મક્કમ પણ શાંત અવાજે કહ્યુ

“જો અનિકેત તુ જે કંઇ પણ બોલી રહ્યો છે એ પુરા હોશમાં બોલી રહ્યો છે ને, તુ જાણે છે ને કે તુ એક એવા ખુનની કબુલાત કરી રહ્યો છે જેની સજા ફાંસી હોઇ શકે છે.”

“ગુનો કર્યો છે તો પછી સજાથી શું ડર ? સજા તો ભોગવ્યે જ છુટકો”

“હવે મને એક વાતનો જવાબ આપ અનિકેત તુ કઇ રીતે કહી શકે છે કે આ ખુન તેં જ કર્યુ છે. તારુ કહેવું છે કે તેં માણેકલાલ શાહના બંગલામાં જ એમનું ખુન કર્યુ છે. પણ તુ દિલ્હી ક્યારેય ગયો નથી. એ કેવી રીતે શક્ય છે ? જો તુ ત્યાં ગયો જ નથી તો તે ખુન કર્યુ કેવી રીતે. ?”

“કેમ ? કેવી રીતે ? અને કયા કારણસર ? આ ત્રણ એવા સવાલ છે જેના જવાબ હાલ મારી પાસે પણ નથી પણ એક વાત ચોક્કસ છે કે ખુન મેં જ કર્યુ છે.”

થોડા સમય માટે જો તારી વાત માની પણ લઇએ કે માણેકલાલનું ખુન તે કર્યુ છે. તો પ્રશ્ન એ થાય કે તુ ખુન કર્યા પછી ભાગી જવાના બદલે પોલીસ સ્ટેશને કેમ આવ્યો ? તેં ખુન કર્યુ છે એવું કોઇ વિચારી પણ શકે એમ નથી એને સાબિત કરવું તો બહું દુરની વાત છે. દુર દુર સુધી પણ માણેકલાલ શાહ સાથે કે એમના પરિવાર સાથે કોઇ રીતે સંકળાયેલો હોય એવું પણ મને નથી લાગતું, જે તારા બચાવ માટે એક સૌથી મોટો પ્લસ પોઇંટ છે. તો પછી આ રીતે ખુનની કબુલાત મને તારા પ્રત્યે શંકા પ્રેરે છે. તુ કોઇ પબ્લિસિટી સ્ટંટ તો નથી કરી રહ્યો ને ?

“ચોંકી જશો ઇન્સપેક્ટર મહેતા સાહેબ, તમે ચોંકી જશો. મારી આખી વાત સાંભળશો ને તો તમે પણ ચોંકી જશો”

તમે પણ ચોંકી જશો એટલે ?

હું પણ ચોંકી ગયો હતો જ્યારે મને ખબર પડી કે મેં માણેકલાલનું ખુન કર્યુ છે.

“વાત મુદ્દાની કર અને મુદ્દા પર કર, આમ ગોળ ગોળ ફેરવી ને મને મુરખ બનાવાનો પ્રયત્ન ના કર”

ઠીક છે મહેતા સાહેબ તો પછી સાંભળો

મારૂં નામ છે અનિકેત રાવલ હું એક એન્જિનિયરીગનો વિદ્યાર્થી છું અને હાલ અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. છેલ્લા કેટલાય સમયથી મારી સાથે કેટલીક વિચિત્ર અને અણધારી ઘટનાઓ ઘટી રહી છે. મને વારંવાર એવો અહેસાસ થઇ રહ્યો છે કે કોઇ મારી આસપાસ ફરી રહ્યુ છે. જાણે કોઇ મારી પર નજર રાખી રહ્યુ છે. હું શું કરુ છું ? ક્યાં જાઉં છું ? ક્યારે ઉઠું છુ ક્યારે સુઇ જાઉં છું. મારી દરેક પ્રવ્રુતિ જાણે કોઇની નજર સામે ચાલી રહી હોય. અને ધીરે ધીરે જાણે કોઇ મારા પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હોય. ઘણા પ્રયત્નો કર્યા પરંતું એ પરિસ્થિતિમાંથી બહાર નિકળવું મારા માટે મુશ્કેલ બની રહ્યુ હતું પરંતુ છેલ્લા પંદર દિવસથી મને કંઇક અલગ જ અને ભયાનક અહેસાસ થવા લાગ્યો જાણે મારા હાથે કોઇનું ખુન થવાનુ છે. મારી બેચેની દિવસે ને દિવસે વધતી જતી હતી, અને એક દિવસ અચાનક હું ઉંધમાંથી સફાળો જાગી ગયો, મેં એક ભયાનક સપનુ જોયું જેમાં હું મારી જાતને કોઇનું ખુન કરતાં જોવું છું પણ, પણ હું જેનું ખુન કરી રહ્યો છું એનો ચહેરો હું સાફ જોઇ નથી શકતો. અને મહેતા સાહેબ છેલ્લા એક અઠવાડીયાથી નિયમિત પણે સવારના ૩ થી પ માં જ મને આ સપનું આવતુ હતુ. માન્યામાં ના આવે એવી વાત છે ને મહેતા સાહેબ, પણ આ સાચુ છે. વારંવારની આવી ઘટનાઓને લીધે હું રાતે સંભવત: ઉંઘવાનું ટાળતો હતો. રખે ને ઉંઘમાં જ હું કોઇનું ખુન કરી નાંખુ તો, પરંતુ ખબર નહી ૩ વાગતાં જ મારી આંખો ઘેરાવા લાગતી અને અથાગ પ્રયત્નો છતાં મને ઊંઘ આવી જ જતી અને પ વાગતા જ મારી આંખો ખુલી જતી અને અને બસ ૩ થી ૫ ના આ ગાળામાં જ મને આ સપનું આવતું. પરંતુ જ્યારે આજે મને એ સપનું આવ્યુ ત્યારે હું બધુ જ સાફ જોઇ શકતો હતો, માણેકલાલ શાહનો બંગલો, બંગલાની બહાર પડી રહેતી એમની ગાડી, ધીરે ધીરે હું એમનાં બંગલામાં પ્રવેશુ છુ મને બધુ જ સાફ દેખાતું હતુ હું બંગલો , બંગલાની અંદર બહાર બધુજ જોઇ શકતો હતો હું માણેક્લાલ શાહના રુમમાં પ્રવેશુ છુ અને જોત જોતામાં હું એમનું ખુન કરી નાંખુ છુ. અને બસ ત્યાં જ મારી આંખ ખુલી જાય છે ઘડીયાળમાં જોઊં છુ તો ૫ વાગતા હતા. હું એકદમ ચોંકી ગયો અને ગભરાઇ ગયો મારા હાથે માણેકલાલ શાહનું ખુન ? નહી, નહી એવું ક્યારેય બનવું ન જોઇએ હું ગમે તેમ મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ અચાનક ઘરની બહાર થોડો અવાજ આવ્યો હું બહાર જોવા માટે ઉભો થયો બહાર જઈને જોયું તો કોઇ દેખાયુ નહી મને એમ કે કદાચ મારો ભ્રમ હશે હું પાછો અંદર જવા ગયો તો મારા પગ નીચે કશુંક હોવાનો આભાસ થયો, મે ધ્યાનથી જોયુ તો એ એક નાનું બોક્સ જેવું લાગ્યુ મે એને ખોલ્યુ તો અંદરથી એક પેન ડ્રાઈવ નીકળી. હું એને ઘરની અંદર લઇ ગયો અને મારા લેપટોપ લગાવી જોયું તો મહેતા સાહેબ મારી આંખો ખુલ્લીને ખુલ્લીજ રહી ગઈ. એ પેન ડ્રાઈવમાં એક વિડિયો હતો. જેમાં હું માણેકલાલ શાહનું ખુન કરી રહ્યો છું. બધુ જ એવી રીતે જે મને સપનામાં દેખાતું હતુ. મહેતા સાહેબ જે સપનું હું છેલ્લા ૧૫ દિવસથી જોઇ રહ્યો હતો એ એક વિડિયો બનીને મારી આંખ સામે ભજવાઇ રહ્યુ હતું હું ચોંકી ગયો, ગભરાઇ ગયો અને ડરી પણ ગયો. જે હું સપનામા જોઇ રહ્યો હતો એ પેન ડ્રાઈવમાં એક વિડીઓ રૂપે આવ્યુ કઇ રીતે ? આ પેન ડ્રાઈવમાં એ વિડીયો છે, જે તમે પણ જોશો ને, તો ચોંકી જશો.

ક્રમશ: