Pratiksha - 31 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૩૧

Featured Books
Categories
Share

પ્રતિક્ષા - ૩૧

૧ ના ટકોરે શાર્પ ઉર્વા રઘુભાઈને મળવા હેવમોર પહોંચી ગઈ હતી. રાતે રડી લીધા પછી તેનું મગજ આમ પણ ખુબ હળવાશ અનુભવી રહ્યું હતું. મનસ્વી સાથેની વાતચીતે પણ તેને ઘણું બેટર ફિલ કરાવ્યું હતું. સવારથી તે મનસ્વીને નાનામોટા કામમાં મદદરૂપ થઇ રહી હતી. તેને પણ નહોતી ખબર શું કામ પણ તે માયાના બંધને મનસ્વી સાથે જોડાઈ રહી હતી.
મનસ્વી એ જ સ્ત્રી હતી જેના લીધે ઉર્વિલ અને રેવા સાથે નહોતા છતાં તેના મનમાં મનસ્વી માટે કોઈ દ્વેષ નહોતો જન્મી રહ્યો. તેને માન જ થઇ રહ્યું હતું તેના માટે. કદાચ તે રચિતની આંટી હતી એટલે કે તેણે જે રીતે ઉર્વાને સંભાળી એટલે પણ તેના મનમાં મનસ્વી માટે સારી જ લાગણી હતી.

બપોરે ઉર્વા મોબાઈલ માટે નવું કવર અને ટફન ગ્લાસ નખાવાના બહાને રચિતની કાર લઈને નીકળી પડી. પણ ત્યાં રઘુભાઈની સામે તે શું વાત કરશે તેની ખબર તેને પણ નહોતી. તે ક્યારેક હાથમાં પહેરેલી ઘડિયાળ પર નજર નાંખતી તો ક્યારેક બાજુમાં પડેલા મેનુ પર. ત્યાંજ સામેથી એકવડીયા બાંધાનો જીન્સ અને ચેક્સ શર્ટ પહેરેલો આધેડ વયનો વ્યક્તિ આવતો તેને દેખાયો. તે દેખાવડો નહોતો પણ નમણો જરૂર હતો. તેના ચેહરા પર ક્રુરતા હતી પણ તેની આંખોમાં મૃદુતા હતી. તે ચાર વર્ષની હતી જયારે રઘુભાઈને મળી હતી. એટલે ચેહરો તો તેને પણ યાદ નહોતો પણ તેની વિહ્વળ આંખો પરથી તે અંદાજો લગાવી શકી કે આ જ રઘુ હોવો જોઈએ.

બન્નેની નજર ટકરાતા ઉર્વાએ સ્મિત કરી સામે બેસવાનું સૂચન કરી દીધું. રઘુ જોઈ રહ્યો બ્લ્યુ જીન્સ, થોડો મોટો થતો વ્હાઈટ કુર્તો, ખુલ્લા લાંબા વાળ, આંખે ચશ્માં અને લીપ્સ્ટીક કરેલા હોઠ વાળી ઉર્વાને. તેને તરત જ ૧૬ વરસ પહેલા ફ્રોક પહેરેલી ઉર્વા યાદ આવી ગઈ. એક લાગણી અનાયાસે તેની અંદરના સુક્કા રણમાં ભીંજાઈ રહી.
“રઘુભાઈ?! કેમ છો?” ઉર્વા રીકન્ફર્મ કરી રહી.
“એકદમ મજામાં. તું અહીં અમદાવાદ?” કોઈજ પૂર્વધારણા બાંધ્ય વિના રઘુએ મનમાં ઘૂંટાતો પ્રશ્ન કરી દીધો.
ઉર્વા આ પ્રશ્ન માટે તૈયાર જ હતી. તેના ચેહરા પર પણ સ્મિત રમી ગયું.
“તમે જેનો જીવ લેવા આવ્યા હતા એને હું બચાવવા આવી હતી.” ઉર્વાએ બહુ શાંતિથી વાત કહી પણ રઘુના ચેહરા પર એક પછી એક ભાવ બદલાઈ રહ્યા.
“એ વેગેનાર મારી હતી. ઉર્વિલને મેં બચાવ્યા છે.” ઉર્વાના આટલું કહેતા જ રઘુને કંઈ કેટલુય કહી દેવાની ઈચ્છા થઇ પણ ત્યાં જ વેઈટર કોફીના બે ગ્લાસ લઈને આવ્યો એટલે તે ચુપ થઇ ગયો.
“શું કામ?” રઘુને આશ્ચર્ય થઇ રહ્યું હતું.
“હી ઈઝ માય ફાધર...” ઉર્વાએ ટેબલ પર બન્ને હાથ મૂકી અંકોડા ભીડ્યા.
“જે કંઈ રેવા સાથે થયું, એ બધા પછી... શું કામ?” રઘુથી ઉર્વાના શબ્દો સહન ના થયા. તે શાંતિ રાખવાની કોશિશ કરતો હતો પણ તેનાથી અવાજ ઉંચો થઇ ગયો.
“રેવા સાથે થયું એ બધાની સાક્ષી છું હું. રોજ મરતા જોઈ છે મેં રેવાને. રોજ તૂટતા ને વિખેરાતા જોઈ છે. ટ્રસ્ટ મી મારાથી વધારે કોઈ નફરત ના કરી શકે ઉર્વિલને. પણ તો ય હું નથી ઈચ્છતી કે એ આમ મરે... તમારા હાથે મરે.” ઉર્વાના શબ્દોમાં છલકતી કડવાશ રઘુ અનુભવી શક્યો. ઉર્વા શાંતિથી કોફી પી રહી હતી જે રઘુને બિલકુલ સમજાઈ રહ્યું નહોતું
તે સમજી જ નહોતો શકતો કે આ છોકરી શું કરવા ધારે છે. એક તરફ કહે છે કે નફરત કરે છે અને બીજી તરફ એમ પણ કહે છે કે એને મારવો નથી.
“તને ખબર કેમ પડી અમદાવાદના પ્લાનની ને બધી?” રઘુ તેના મનનો તાગ મેળવવા ઈચ્છતો હતો. ઉર્વા પણ તેનો વિશ્વાસ જીતવા ઈચ્છતી હતી એટલે કહાન અને રચિતથી થઈને ગુડ્ડુ સુધીની બધી જ વાત તેણે રઘુને કહી દીધી.
“આ ગુડ્ડુ...” રઘુને એની મુર્ખામી પર ગુસ્સો ચડી રહ્યો હતો.
“ગુડ્ડુ નહિ તો કેશુ. કેશુ નહિ તો કોઈ બીજું... હું ગમે તે વ્યક્તિમાંથી રસ્તો શોધી લેત. મને મારા રસ્તા શોધતા આવડે છે. અને ઉર્વિલને બચાવવા તો હું કંઈ પણ કરી જાઉં.” ઉર્વા દ્રઢતાથી બોલી.
“ઉર્વા, જે હોય તે. હું એને જીવતો નહિ મુકું. રેવા હતી ત્યાં સુધી વાત અલગ હતી પણ હવે નહિ...” રઘુ તેની વાત પર અડગ હતો
“તો આઈ ગેસ તમારે દરવખતે મારો જ સામનો કરવો પડશે. તમે કોશિશ કરી શકો છો એને મારવાની. હું દરવખતે એને બચાવતી રહીશ.” ઉર્વાના ચેહરા પર કાતિલ સ્મિત હતું.
“કરવા શું બેઠી છે? તને ખબર છે ને હું...”
“મારી પાસે કોઈ ખાસ્સું એવું બેકઅપ નથી. કોઈ પાવર કે કોઈ પોઝીશન નથી. તમારો સામનો કરવા માટે ખરેખર તો કંઇજ નથી મારી પાસે. પણ યુ નો વોટ? મારી પાસે ખોવા માટે પણ કંઇજ નથી. મારી આગળ પાછળ પણ કોઈ નથી. અને તમને ખબર જ હશે કે એ સ્ત્રીથી ખતરનાક કોઈ ના હોય જેની પાસે ખોવા માટે કંઈ ના હોય...” ઉર્વાએ રઘુની વાત વચ્ચેથી જ કાપી નાખી
રઘુ જોઈ રહ્યો ઉર્વાને. આ રીતે રઘુ સાથે વાત કોઈએ વર્ષોથી નહોતી કરી. તે મનોમન ગર્વ અનુભવી રહ્યો રેવાની દીકરી ઉપર.
“તું બિલકુલ રેવા જેવી જ છે. બસ તારી આંખો...”
“મારી આંખો ઉર્વિલ જેવી છે. મારા ડેડ જેવી છે.” ઉર્વાએ એક એક શબ્દ છૂટો પાડી વાક્ય પૂરું કર્યું અને એના શબ્દોની ધાર તેને અને રઘુને બન્નેને વાગી.
“બહુ ઓછા એવા વ્યક્તિઓ હોય જેને આવા તેવર શોભે. રેવાને શોભતા હતા. તને પણ શોભે છે.” થોડા મૌન પછી રઘુ ઉર્વા સામે જોઇને બોલ્યો ને પછી ઉમેર્યું,
“ઉર્વિલને હું કંઇજ નહિ કરું. પણ એ શાંતિથી જીવે એ મને ચાલશે નહિ.”
“શાંતિ એની ઝીંદગીમાં હું રહેવા પણ નહિ દઉં...” ઉર્વાના ચેહરા પર માર્મિક સ્મિત હતું પણ રઘુ તેનો અર્થ સમજ્યો નહી.
“જસ્ટ વિચારો ઉર્વિલ આટલા વરસ રેવાને યાદ કર્યા વિના કેમ જીવી ગયો?? એની પાસે મનસ્વી હતી. મનસ્વી હતી એટલે ઉર્વિલને બીજા કોઈની જરૂરિયાત નહોતી પણ મનસ્વી જ ના રહે તો?” ઉર્વાના ચેહરા પર ના સમજાય તેવા ભાવ હતા.
“ઉર્વિલની વાઈફ મનસ્વી? શું કરવા જઈ રહી છે ઉર્વા? અને કેમ કરીશ તું એ બધું?” રઘુ હજુ મૂંઝવણમાં હતો
“રસ્તો તો ખુદ ભગવાને સામે ચાલીને આપ્યો છે મને. હું જાણું છું મારે શું કરવાનું છે એ. રીઝલ્ટ તમારે જે જોઈએ છે એ આવશે પણ તમે ઉર્વિલને કંઈ નહિ કરો એટલું પ્રોમિસ આપવું પડશે મને.” ઉર્વાના મનમાં જે ચેસ ચાલી રહી હતી તે રઘુ સાફ સાફ જોઈ રહ્યો હતો.
“ઓકે.” રઘુએ એક જ શબ્દમાં પતાવ્યું.
“રઘુભાઈ, આઈ નો આઈ એમ ઇન નો પોઝીશન ટુ મેક ડિમાન્ડ પણ જયારે ટાઈમ આવે તમારે એક કામ કરવું પડશે? કેન આઈ કાઉન્ટ ઓન યુ?” ઉર્વા સ્થિર નજરે રઘુની સામે જોઈ રહી.
રઘુની સામે એ જ ચાર વર્ષની છોકરી તરવરી રહી જે તેણે છેલ્લી વાર જોઈ હતી. એક લાગણીનું પુર તેના મસ્તિષ્કના દરિયામાં ઉમટી રહ્યું.
“તું હંમેશા મને કાઉન્ટ કરી શકે બેટા.” રઘુ તેના હાથ પર હાથ મૂકી રહ્યો. એક અધકચરી લાગણીને ફરી જીવતી કરી રહ્યો. અને ઉર્વા એક વ્હાલસોયા સ્મિતથી તે લાગણી આવકારી રહી.

“હજુ એક વાત છે જે તમારે જાણવી જરૂરી છે. પણ હમણાં નહિ. હું ફોન કરીશ.” ઉર્વાને કંઇક શંકા પડી ને તે આમ તેમ જોઈ રહી.
“હું નીકળું છું. તમે કોફી પી ને નીકળજો” ઉર્વા આંખોથી જ ઈશારો કરી પળે હેવમોરની બહાર નીકળી ગઈ

***

“આઈ થીંક આઈ હેવ વન... પપ્પા તમને કંઈ પણ થાય તો ઉર્વા દોડી ચાલી આવે. આપણે તમને કંઈ થયું છે એવું બતાવીએ તો?” કહાને સૂચન આપ્યું પણ દેવના ચેહરાના ભાવ જ પલટી ગયા.
“હવે માર ખાઇશ તું મગજ ચલાવ્યા વગર બાફે રાખ્યું છે ને તો...” દેવ ચિડાઈ રહ્યો
દેવની વાત સાંભળી કહાન ચુપ જ થઇ ગયો. ના દેવ કંઈ બોલ્યો ના કહાન બન્ને બસ પોતપોતાની રીતે તર્ક લગાવતા રહ્યા ઉર્વાને પાછી લાવવાના. ત્યાંજ રચિત આવી ગયો.
“બોલો આવી ગયો હું.... શું કરશું હવે?” રચિત આવીને બેગ મુક્યા વિના જ સીધું બોલ્યો
“થેંક ગોડ તું આવી ગયો. ઉર્વા ઠીક છે ને?” કહાન સીધો ઉભો જ થઇ ગયો તેને જોઇને
“હું તો આવી ગયો. પણ ઉર્વા આઈ રીયલી ડોન્ટ નો ઠીક હશે કે નહિ...!” રચિતની આંખોમાં નરી વ્યગ્રતા હતી
“તું પાણી પી. બેગ મુક. શાંતિથી નક્કી કરીએ હવે શું કરવું એ. ઉર્વા એક સેફ પ્લેસએ છે એટલું ઘણું આપણા માટે...” રચિતની મુસાફરીનો થાક તેના નિર્ણયો પર અસર ના કરે એટલે દેવે વાત આડા રસ્તે ચડાવી દીધી. કહાન તરત જ રચિત માટે પાણી લઇ આવ્યો ને તેને સોફા પર બેસાડ્યો. દેવ પણ તેની બાજુમાં જ બેસી ગયો
પાણીનો એક ઘૂંટ ભરી તરત જ તેણે બેકરેસ્ટ પર માથું ઢાળી દીધું.
“ઉર્વા ઉર્વિલના ઘરે છે.” બંધ આંખે જ તેણે બોમ્બ ફોડી દીધો. કહાન અને દેવ બન્ને બસ તેની બંધ આંખો જોઈ રહ્યા.

***

(ક્રમશઃ)