CHARITRYA BAL -CHARACTER POWER in Gujarati Motivational Stories by Mohammed Saeed Shaikh books and stories PDF | ચારિત્ર્ય બળ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ચારિત્ર્ય બળ

સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ચારિત્ર્યના સમાનાર્થી શબ્દો આચરણ, શીલ અને સદાચાર દર્શાવવામાં આવ્યાં છે. ઓક્સફર્ડ યુનિવર્સલ ડીક્ષનરીમાં કેરેકટરના અર્થ વિશિષ્ટ લક્ષણ, અક્ષર, ચિહન, ચાલચલગત, ચારિત્ર્ય, નીતિધૈર્ય, આબરૂ અને પ્રતિષ્ઠા બતાવવામાં આવ્યા છે. સરસ મજાના લાગતા આ શબ્દો માણસના જીવનને પણ સરસ મજાનું બનાવી શકે છે. એના માટે શરત એટલી જ છે કે ઉપર દર્શાવેલા ગુણો એના ચારિત્ર્યમાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય. માણસ અંદરથી ભરેલો હોવો જોઈએ ખાલી ન હોવો જોઈએ. નહિ તો મુશ્કેલી એ છે કે ખાલી દડાની જેમ એ અવાજ બહુ કરે છે. જે અંદરથી ખાલી હોય છે એ બહારના વાતાવરણને ઘોંઘાટથી ભરી દેવા માંગે છે. આપણા સમાજમાં મોટાભાગના માણસો આવા જોવા મળશે, ખાલી દડા જેવા. નિરર્થક વાતોનો શોરબકોર કરી જીવન પસાર કરી નાખનાર. ઇશ્વર, જીભ બધા માણસોને આપે છે પરંતુ ક્યારે ચુપ થઈ જવું -એ શીખી લેનારા બુદ્ધિશાળીઓ બહુ ઓછા હોય છે. જો કે પોતાની જાતને ‘અતિ બુદ્ધિશાળી’ માનતા કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ આમ તો બહુ બોલબોલ કરીને પોતાની વડાઈ હાંકતા હોય છે પરંતુ જ્યારે પોતે ક્યાંક ફસાઈ જોય ત્યારે ‘મૌનવ્રત’ ધારણ કરી લેતા હોય છે! આવા લોકોમાં ઘણુ બધું હોય તો પણ ‘ચારિત્ર્ય’ની કમી જરૂર હોવાની!

ઇશ્વરે માણસનું સર્જન કર્યું પરંતુ ચારિત્ર્યનું ઘડતર તો માણસે પોતે જ કરવું પડે છે. શિક્ષણ દ્વારા, અનુભવ દ્વારા અને પોતાની જાતને સતત સુધારતા રહેવાની વૃત્તિ કેળવીને. ચારિત્ર્ય સુગંધ જેવું હોય છે. ફૂલ ગમે તેટલું સુંદર અને રંગબેરંગી હોય પણ એનામાં સુગંધ ન હોય તો એ માત્ર ફ્લાવરવાઝમાં શોભાના ગાંઠીયા જેવું બની રહે છે. જે માણસોમાં ચારિત્ર્ય ન હોય તેઓ પણ નિરૂપદ્રવી સામાજિક પ્રાણીથી ઓછા નથી. આવા કેટલાક ‘ચારિત્ર્યહીન’ લોકો સમાજ માટે ખૂબ જ ‘ઉપદ્રવી’ પણ હોઈ શકે છે. પરંતુ સમાજ આવા લોકોને વધારે સમય સુધી સહન કરી શકતું નથી.

ચારિત્ર્યની સુવાસ અગરબત્તી કે પરફ્યુમથી પણ વધારે મોહક અને ઉત્તેજક હોય છે અને વધારે દૂર સુધી ફેલાય છે. આ સુવાસ કોઈ સ્થળ, પ્રદેશ કે સમયગાળામાં જ બંધિયાર નથી હોતી. એ તો ખંડો, પ્રદેશો અને સદીઓને પાર કરી જાય છે. એના ઉદાહરણ એ મહાત્માઓ અને મહાપુરૂષો છે જેઓ સદીઓ પહેલાં જગતમાં જીવી ગયા પરંતુ એમના ચારિત્ર્ય અને ઉચ્ચ વિચારોની સુગંધ જગતમાં આજે પણ પ્રસરેલી છે. એ મહાન ફિલસુફો, વિચારકો, લેખકો, ધર્માત્માઓ અને ઉપદેશકોના જીવનચારિત્રોમાંથી આજે પણ ઘણું બધું શીખી શકાય છે. માણસના ચારિત્ર્ય ઘડતર માટે આવશ્યક એવા ગુણો સત્યપરાયણતા, વચનબદ્ધતા, પ્રમાણિકતા, અમાનતદારી, નિષ્ઠા, શત્રુઓને પણ માફ કરી દેવાની ઉદારતા અને અસત્ય સામે લડવા માટેની શૂરવીરતા- આ મહાપુરૂષોના જીવન ચરિત્રોમાંથી અપનાવવા જોઈએ.

હદીસમાં કહેવામાં આવ્યું છે કે માણસોમાં સૌથી શ્રેષ્ઠ ચારિત્ર્યવાળો એ છે જે પોતાના ઘરવાળા સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે છે. જે માણસ પોતાના સગાસંબંધીઓ, પાડોશીઓ અને સમાજના અન્ય લોકો સાથે દરેક બાબતમાં શ્રેષ્ઠ રીતે વર્તે છે એ નિશંકપણે ઉચ્ચ ચારિત્ર્યવાળો હોવો જોઈએ. મોટાભાગના લોકો પોતાના ચારિત્ર્યને ઉચ્ચ બનાવવા માટે ઘણા પ્રયત્નશીલ હોય છે. તેઓ સારા સારા ધર્મગ્રંથો વાંચે છે, મનની શાંતિ માટે મંદિર-મસ્જિદ-ગિરજાઘરમાં જાય છે, કથાઓ સાંભળે છે, વ્રતો અને ઉપવાસો રાખે છે, જાત્રાએ જાય છે, સેમિનાર એટેન્ડ કરે છે, તોય મનને ચેન પડતું નથી, શાંતિ મળતી નથી, સુખ મળતું નથી. શા માટે? કારણ કે જે માણસો આ બધા પવિત્ર કર્મો કરે છે તેઓ જીવનમાં કેટલીક બાબતો છોડી શકતા નથી. આવા માણસોની મુશ્કેલી એ હોય છે કે તેમને ઝડપથી ધનવાન બનવું હોય છે, ઝડપથી સફળ થઈ બધા જ સુખ પ્રાપ્ત કરી લેવા હોય છે. પરંતુ એના માટે ચારિત્ર્ય અને નીતિમતા સાથે બાંધછોડ કરવી પડે તો ક્ષણવાર માટે પણ ખચકાતા નથી. બધા જ આદર્શો અને નીતિશાસ્ત્રના બધા જ નિયમો છોડવા પડે તો છોડી દે છે. અનીતિથી સંપત્તિ એકઠી કરવાનો કે બીજા અનૈતિક વિચારોને તેઓ છોડી શકતા નથી.

જીવનમાં કશુંક મેળવવું હોય તો કશુંક છોડવાની તૈયારી હોવી જોઈએ. જ્યારે માણસ મનમાં ધરબાયેલી નફરત, ઇર્ષા, ક્રોધ અને લાલચને છોડવા તૈયાર થઈ જાય છે ત્યારે એને બીજા માટે પ્રેમ, કરૂણા, દયાભાવ, પરોપકાર અને ઉદારતા જેવા લક્ષણો મળે છે જે એના ચારિત્ર્યમાં ચાર ચાંદ લગાવી દે છે.

ચારિત્ર્ય ક્યારે ઘડાય છે? એનો જવાબ હેલન કેલર આપે છે,

“ચારિત્ર્ય સરળતા અને શાંતિથી ઘડાતું નથી. જીવનની મુશ્કેલીઓમાં આત્મા જ્યારે મજબૂત બને છે અને મહત્વકાંક્ષાને પાંખો મળે છે ત્યારે સફળતા સાંપડે છે.”

જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉચ્ચ ચારિત્ર્ય નિર્માણ થાય છે. ગરીબ હોવું અને પ્રમાણિક પણ હોવું એ ચારિત્ર્યની ઉચ્ચ અવસ્થા છે. ગરીબો અપ્રમાણિક હોય છે એ કહેવાનો આશય નથી પરંતુ જ્યારે જે વસ્તુની આપણને સખત આવશ્યકતા હોય એને કોઈપણ જાતના લોભ, લાલચ કે દબાણ વિના પ્રમાણિકતાથી પ્રાપ્ત કરીએ એમાં ચારિત્ર્યની ઉચ્ચતા છે. નહીં તો અપ્રમાણિકતાથી તો કંઇક પણ પ્રાપ્ત કરી શકાય છે.

પ્રતિભા એકલતામાં નીખરે છે એવું જર્મન કવિ ગટેએ કહ્યું હતું, એમાં થોડા સુધારા વધારા સાથે આપણે કહી શકીએ કે પ્રતિભાની જેમ ચારિત્ર્ય પણ એકલતામાં નીખરે છે. જ્યારે આપણે સાવ એકલા હોઈએ, કોઈ આપણને જોતું ન હોય ત્યારે પ્રમાણિકતાથી કામ કરવું, હિસાબ કિતાબ કરવો, ફરજ બજાવવી, ચોરી ન કરવી એ ઉમદા ચારિત્ર્યનું લક્ષણ છે. અને ખાસ તો એકલા સ્ત્રી અને પુરૂષ હોય ત્યારે બંનેના ચારિત્ર્યની કસોટી થાય છે. એવું કહેવાય છે જ્યાં એક સ્ત્રી અને એક પુરૂષ હોય ત્યાં એમને પથભ્રષ્ટ કરવા માટે માટે ત્રીજો શેતાન હોય છે. આવા સમયે પરપુરૂષ કે પરસ્ત્રી સામે મન ઉપર કાબૂ રાખનારનું ચારિત્ર્ય બળ વધારે હોવું જોઈએ. નહીં તો આ એક એવી લપસણી ક્ષણ છે જ્યાં સાધુ અને શેતાનમાં કોઈ ભેદ રહેતો નથી. બધા જ ઉપદેશો અને નીતિ નિયમો નેવે મુકાઈ જાય છે. આવી નાજુક ક્ષણોમાં જે પોતાના ચારિત્ર્યની રક્ષા કરી શકે એવા પુરૂષ કે સ્ત્રી અથવા બંનેને પ્રેમભરી સલામ છે. શેતાની કરતૂતો, વિચારો અને અનૈતિકતા સામે લડીને જે ચારિત્ર્યોનું નિર્માણ થાય છે એ ઉચ્ચ ચારિત્ર્યો હોય છે. જીવનનો મુખ્ય સંઘર્ષ કયો છે? નીતિ અને અનીતિ વચ્ચેની પસંદગી અને એ પ્રમાણે જીવન જીવવા માટેનો સતત તલસાટ.

આ સંઘર્ષમાં જે લોકો નૈતિકતાને અપનાવી જાતને સતત સુધારતા રહે છે એમને શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણનું ફળ મળે છે. આ એક એવું ફળ છે જે બજારમાં મળતું નથી. અરે એ તો માતાપિતાના જીન્સમાંથી અર્થાત્‌ આનુવંશિક લક્ષણોમાંય મળતું નથી! દરેકે પોતાની મેળે જ ચારિત્ર્યનું નિર્માણ કરવું પડે છે. એને જન્મ, વંશ, સંપત્તિ કે પ્રતિભા સાથે કોઈ જ લેવા દેવા નથી. શ્રેષ્ઠ ચારિત્ર્ય વારસામાં મળતું નથી. ઊલ્ટું સજ્જન માતાપિતાના બાળકો દુર્જન જેવા અને દુર્જન માતાપિતાના સંતાનો સજ્જન પણ હોઈ શકે છે. ચારિત્ર્યનો સીધો અને એકમાત્ર સંબંધ ખંતપૂર્વક પોતાની જાતને ઉચ્ચ બનાવવા સાથે છે. ઉચ્ચ ચારિત્ર્ય નિર્માણ માટે ઉચ્ચ વિચારો આવશ્યક છે. ઉચ્ચ વિચારો હશે તો જ ઉચ્ચ કાર્યો સંભવ બની શકશે. ચારિત્ર્ય માનસિક અભિગમ અને આપણે આપણો સમય કેવી રીતે પસાર કરીએ છીએ એનો પરિપાક છે. આપણો સમય જ્ઞાનવૃત્તિમાં કશુંક નવું શીખવામાં કે કોઈને નવું શીખવાડવામાં, સદ્‌કાર્યો કરવામાં પસાર કરીએ તો એ પ્રમાણે સકારાત્મક પરિણામ મળશે, કારણ કે જેમ ‘નોલેજ ઇઝ પાવર’ (જ્ઞાન શક્તિ છે) એમ જ ‘કેરેકટર ઇઝ પાવર’ (ચારિત્ર્ય બળ છે) એવું બુકર.ટી. વોશિંગ્ટને યોગ્ય જ કહ્યું હતું. ધર્મ, નીતિ અને જ્ઞાન વિના કોઈપણ ચારિત્ર્યનું પૂરેપૂરૂ નિર્માણ થઈ શકે નહીં. આવા નક્કર પાયા ઉપર ઊભું થયેલું ચારિત્ર્ય સશક્ત અને અવિચલ હોવાનો. આવા ચારિત્ર્યોનો વિકાસ થઈ શકે પણ બદલાઈ ન શકે.

અભિપ્રાય બદલાઈ શકે છે, ચારિત્ર્ય બદલાતા નથી એવી ડીઝરાયેલીની વાતમાં દમ છે.

આજે સમાજને શાની જરૂર છે? ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા લોકોની. આવા લોકો જ સમાજની આશા છે. સમાજનું ભવિષ્ય આવા લોકો ઉપર નિર્ભર છે. અને આજે આવા લોકોની જેટલી આવશ્યકતા છે એટલી માનવજોતના ઇતિહાસમાં ક્યારેય ન હતી. આજે સમાજો વચ્ચે, સમુહો વચ્ચે, વિવિધ સંપ્રદાયના લોકો, જાતિઓ અને જ્ઞાતિઓ વચ્ચે પણ જે ક્રુર સંઘર્ષ અને ખૂનામરકી ચાલી રહ્યા છે એને અટકાવવા માટે પણ આવા ઉમદા ચારિત્ર્યવાળા લોકોની ખૂબ આવશ્યકતા છે. જેઓ આવા સમૂહો વચ્ચે ઊભી થયેલી શંકા-કુશંકાઓ અને ગેરસમજને દૂર કરવામાં સહાયભૂત થાય. કારણકે

જીનીયસ-મેધાવી લોકોની આપણે પ્રશંસા કરી શકીએ, ધનવાનોની ઇર્ષ્યા કરી શકીએ, શક્તિ અને સત્તા ધરાવનારાઓથી ભયભીત થઈ શકીએ પરંતુ ઉચ્ચ ચરિત્ર ધરાવતા લોકો ઉપર જ આપણે વિશ્વાસ કરી શકીએ છીએ.