mazaak - 3 in Gujarati Moral Stories by solly fitter books and stories PDF | મજાક - 3 - અંતિમ પ્રકરણ

Featured Books
Categories
Share

મજાક - 3 - અંતિમ પ્રકરણ



~મજાક
   
             “બધા કારીગર વેકેશન પર ઉપડી ગયા છે. ફક્ત એક મુન્નો છે, એની દાદીનું પણ કંઈ ઠેકાણું નથી! જો આજે ફારુખ શેઠનું કામ પૂર્ણ થઈ જશે તો આપણે કાલે ઊટી માટે ઉપડી જઈશું.” વિપુલ સંધ્યાને સરપ્રાઈઝ તો ન આપી શક્યો, પરંતુ હવે એણે ખુલાસા કરવાનો વારો આવ્યો હતો. દિવાળી પૂર્વેનું પંચાણુ ટકા કાર્ય પતી ગયું હતું, બાકી પાંચ ટકામાં ફારુખ શેઠના ચાર સોફાસેટમાંથી બેની ગાદી અને રેક્ઝીનનું કાપડ અંતિમ સમયે ઘટી પડ્યું હતું. એનો જુગાડ પણ વેપારીએ આજે ત્રીજે દિવસે માંડ કર્યો હતો. 

             “ઓ.કે. ડોન્ટ વરી.. હું પણ જરા મમ્મીને ત્યાં આંટો મારી આવું. બપોરે જમવા મમ્મીનાં ઘરે જ આવજો, ત્યાંથી આપણે સાથે આવી જઈશું.” બંને સાથે જ ઘરની બહાર નીકળ્યા. પરંતુ બેમાંથી એકને પણ ક્યાં અંદાજ હતો કે હવે પછીની મુલાકાત બહુ વિચિત્ર સંજોગોમાં થશે? 

              વિપુલે ગાદી-કાપડ વેપારી પાસેથી લઈ મુન્નાને ફોન કર્યો. એની આશંકા સાચી ઠરી હતી, મુન્નાની દાદી આ અલ્પજીવી જીવનને ત્યાગી ચૂક્યાં હતાં. કારીગર વિના તકલીફ હતી પરંતુ પહોંચવું પણ અનિવાર્ય હતું. ફારુખ શેઠની દિકરીની સગાઈ નવા બંગલામાં કરવાની પૂરતી તૈયારી થઈ ચૂકી હતી, ફક્ત આ સોફાને લીધે એમનું કામ અટકી પડ્યું હતું. 

         બે વાગ્યા સુધીમાં એક સોફાની ગાદી સાથે રેક્ઝીન સ્ટેપ્લિંગ કરતા એના મોઢે ફીણ આવી ગયા. કામનો વ્યાપ વધાર્યા સાથે કારીગરોની ફોજ પણ વધારવી પડી, એ પછી એણે હાર્ડ વર્ક કર્યું જ ન હતું એ કારણે અઘરું પડવું સ્વાભાવિક હતું. ભૂખ લાગી હતી પણ ઘરે જાય તો ફરી સુસ્તી ચડી જાય. આ એરિયો પણ નવી વસાહતનો હતો. અહીં બહાર કોઈ રેસ્ટોરન્ટ કે એવી લારી પણ ન હતી કે જેથી પેટને રાહત મળી શકે.

         ‘થોડો આરામ મળી જાય તો કામ આગળ ચાલે’ વિચારી એ સોફા પર આડો પડ્યો, પરંતુ આરામદાયક મેટ્રેસ પર સૂવા ટેવાયેલા શરીરને રેક્ઝીનનો સ્પર્શ ન ગમ્યો. થોડી વાર પછી કંટાળી એણે બેડરૂમની દિશામાં પગ વધાર્યો. દરવાજો ખોલી જોયું તો સંપૂર્ણ બેડરૂમ તૈયાર જ હતો, કોઈ આવીને સૂઈ જાય એ તકેદારી રાખી બેડશીટ પણ વ્યવસ્થિત પાથરી હતી. થાક, ભૂખ અને આરામદાયક પથારીના સંગમથી વિપુલની આંખ તરત લાગી ગઈ. 

~~~

          ચાર વાગ્યા છતાં વિપુલ ન આવ્યો એટલે સંધ્યાને ચિંતા પેઠી. સામાન્ય રીતે તેઓ બંને નોર્મલ કોલથી વાતચીત કરતા, પણ સંધ્યા એની મમ્મીને ત્યાં આવી હોય ત્યારે એ વિડિયો કોલ કરતી. એણે વોટસએપથી વિડિયો કોલ જોડ્યો. આ તરફ ઉંઘના નશામાં ચૂર વિપુલે સ્થળભાન ભૂલી કોલ રિસીવ કરી લીધો. 

        નવી બેડશીટ, પાછળ સીસમનું નક્શીદાર બેડનું મથાળું અને વિપુલની નશીલી આંખો જોઈ સ્વાભાવિક રીતે જ સંધ્યાથી પૂછાઈ ગયું, “આ ક્યાં સૂતા છો તમે?”

        “મારી ગર્લફ્રેન્ડને ત્યાં.” સખત ભૂખની હાલતમાં પણ વિપુલને મજાક સૂજી. હોઠના ખૂણે સ્મિત મરકી ઉઠ્યું, જે સંધ્યાની ચકોર નજરથી છુપું ન રહ્યું. 

       “કોણ છે એ..? એનાં થોબડાનાં દર્શન તો કરાવો!” સ્ત્રી સહજ ઈર્ષ્યા બોલી ઉઠી. 

        “એય શીના, અહીં આવ તો. જો, આ મારી બળેલી વાઈફ તારી સાથે વાત કરવા માગે છે.” એણે ફોન ઉંધી દિશામાં ફેરવ્યો. 

        “સાલી ડાયન, કૂતરી.. યુ બીત્ચ.. મારા પતિને ભરખી જવા માગે છે. શું લેશે મારા વિપુલને છોડવાનું? બોલ.. કેટલા રૂપિયા જોઈશે?” સંધ્યાનો વિકરાળ ચેહરો જોઈ વિપુલ પણ થથરી ગયો. 
 
        “અરે સંધ્યા, આ શું પાગલપણું છે? હું તો મજાક કરતો હતો. અહીં કોઈ નથી, મારા સિવાય!”

        “અચ્છા, મજાક? તો એ કોણ હતી, જે મને ફોનમાં દેખાઈ? જ્યારે એનાંથી ફુરસત મળે તો ઘરે જમવા આવી જજો!” વધુ નાટક કરશે તો પોતાને જ બીક લાગવા માંડશે, એ ભયથી સંધ્યાએ નાટક ટૂંકાવી કોલ કટ કર્યો. પરંતુ બીજી તરફ વિપુલની હાલત ખરાબ હતી. 

         પ્રથમ કારણ, આ બંગલામાં પોતે એકલો હતો. બીજું કારણ, આ એરિયો ઘણો સુમસાન હતો. અહીં છૂટાછવાયા બંગલા હતા અને એમાંથી પણ મોટાભાગના બંગલાનુ હજી બાંધકામ ચાલુ હતું. જે તૈયાર હતા, એમાં પણ કોઈ રહેવા આવ્યું ન હતું. ત્રીજું કારણ જે અત્યારે જ ડ્રેસિંગ ટેબલના અરીસામાં એને દેખાયું, એ એક પડછાયા જેવું કંઈક હતું!
         
           #માઈક્રો_નવલકથા

~મજાક

પ્રકરણ – 7

          ભૂત-પ્રેતમાં એને વિશ્વાસ ન હતો પરંતુ અરીસામાં પડછાયા-ઓળાને જોઈ એ ગભરાઈ ગયો. થોડી ક્ષણ માટે એના રૂંવાટા ઊભા થઈ ગયા. પાછળ વળીને જોવાની હિંમત ન થઈ. માંડ હિંમત એકઠી કરી ફરી અરીસામાં દૃષ્ટિ કરી. ફરી એક ઓળો ઝળક્યો. એના આગમનની દિશા નક્કી કરી સ્લાઈડર ડોરનો અડધો ખસી ગયેલો પડદો ખોલી બહાર ત્વરિત નજર ફેરવી. ‘ઓહ..’ એનો જીવ હેઠો બેઠો. ધબકારાની ગતિ સામાન્ય થઈ. 

           ડૂબતા સૂર્યના કિરણો થોડે દૂર મેઈન રોડ પરથી આવતી જતી ટ્રકના સાઈડ મિરરથી પરાવર્તિત થઈ વિપુલની પીઠ પાછળ દિવાલ પર અવનવી આકૃતિ રચી રહ્યા હતા. ડ્રેસિંગ મિરરમાં એનું પ્રતિબિંબ અને સંધ્યાના નાટકનું કોમ્બિનેશને એને બીવડાવી નાંખ્યો હતો. સામાન્ય થઈ એ મોટેથી હસી પડ્યો. ભય દૂર થયો, હવે ભૂખે જોર પકડ્યું. એ વિના કામ આગળ ચાલે એમ નહોતું. 

             ફટાફટ બંગલો લોક કરી એણે માર્કેટ તરફ કાર ભગાવી. એકંદરે સારી અને વ્યાજબી દરની રેસ્ટોરન્ટમાં પ્ર્વોન્સ બિરિયાની ઝાપટી ફરી એ બંગલે આવ્યો. બે કલાક પહેલાં ફિટ કરેલ એક સોફાનો અનુભવ અને સંધ્યાની મજાક મગજમાં ફરતી હતી એને કારણે કામ આ બીજા સોફામાં થોડું વહેલું પતી ગયું એવું એને લાગ્યું. ફ્રી થઈ સાધનો બેગને હવાલે કરી એણે સંધ્યાને ફોન જોડ્યો. 

        “હા બોલો વિપુલ, હજી કેટલી વાર? પેલી ચૂડેલ શીનાએ છોડ્યા નથી કે શું હજી?” સંધ્યા અવાજને સંયત રાખવાની કોશિશ કરી રહી હતી પરંતુ શરારત આપોઆપ છલકાઈ જતી હતી. 

         “અરે.. એ શીનાને છોડ, તેં ફોન કર્યો હતો ત્યારે મમ્મી તારી પાસે હતાં?”

         “એ શાક લેવા માટે બજાર ગયાં હતાં. હજી પણ નથી આવ્યાં. કેમ, શું થયું?” 

         “ઓહ.. મને પણ બહુ મોડું ધ્યાન ગયું. એક્ચ્યુલી તારી પાછળ મેં કોઈને જોયાં હતાં, નેવી બ્લુ કલરની સાડી પહેરી હતી એમણે. મને ધ્યાન છે ત્યાં સુધી તારી મમ્મી એવી ભપકાદાર સાડી નથી પહેરતાં! પડોશમાંથી કોઈ આવ્યું હતું?”

         “ડોન્ટ સે ઈટ, વિપુલ! સાચું કહેજો,  તમે મજાક કરો છો ને?” એક ક્ષણમાં સંધ્યાની બધી શરારત ઉડી ગઈ. 

          “આઈ સ્વેર ડાર્લિંગ, સમબડી વોઝ ધેર.. બિહાઈન્ડ યુ! ઓકે.. હું આવું થોડી વારમાં, પછી વાત કરીએ.” કોલને પૂર્ણાહુતિ આપી વિપુલ હસ્યો, ‘મેરી બિલ્લી મુજ સે મ્યાઉં! જલ્દી પહોંચવું પડશે, નહીં તો વધુ ગભરાઈ જશે બીકણ.”

***

            મારતી ગાડીએ વિપુલ સંધ્યાનાં ઘરે પહોંચ્યો ત્યારે એની મમ્મી હેમલતાબેન દરવાજા પાસે ઊભાં હતાં. 

           “શું થયું મમ્મી? સંધ્યા દરવાજો નથી ખોલતી?” હાંફળો-ફાંફળો વિપુલ અકળાઈ ઉઠ્યો. 

           “વિપુલ કુમાર, આપણી સંધ્યા ઘોર નિંદ્રામાં પોઢી ગઈ. એ વાતને આજે દોઢ વર્ષ થયું. હવે તમે પણ કોઈ સારી છોકરી જોઈ પરણી જાવ.” હેમલતાબેને કરુણતાથી વિપુલ સામે જોયું અને માથે હાથ ફેરવી સલાહ આપી. 

           “જુઓ મમ્મી, મને મજાક પસંદ નથી. એને કહો પ્લીઝ કે જલ્દી બહાર આવે. અમારે બ્લુ ડાયમંડમાં ડિનર માટે જવું છે.” ગુસ્સો અને અધિકારભર્યા મિશ્ર સ્વરે બોલતા એણે સાસુ પર રોષ ઉતાર્યો. એની આ ડિમાંડનો હેમલતાબેન પાસે કોઈ જવાબ ન હતો. બારીના કાચમાંથી સામે દેખાતી સંધ્યાની તસ્વીર પર ચઢેલો સુખડનો હાર જોઈ એમની આંખમાંથી પણ બે આંસુ સરી પડ્યા. 

દોઢ વર્ષનો ફ્લેશબેક :-
       સંધ્યાએ ફોન પ્લેટફોર્મ પર મૂક્યો એ સાથે બે ઘટના બની, જેથી વિપુલની મજાકને વેગ મળ્યો અને સંધ્યાનાં ભયને પ્રોત્સાહન. બાજુના ઘરમાંથી એક ઉંદર ધીમે રહી હેમલતાબેનના ઘરમાં સરકી આવ્યો અને સંધ્યાની પીઠ પાછળના ગોખલામાં ભરાઈ ગયો. એને શોધતી આવી એક બિલાડી. ઉંદરના સળવળાટથી જ સંધ્યાનું હલનચલન અટકી ગયું હતું. હવે એની પણ બોસ આવી પહોંચી હતી! ઉંદર જીવ બચાવવા માટે હવાતિયા મારવા લાગ્યો, અને બિલાડી એનો કોળિયો કરી જવા માટે. આ ઝપાઝપીમાં સ્ટેન્ડ પર મૂકેલ વાસણો ધબાધબ પડ્યા. એ અવાજની ચરમસીમા, ઉંદરનું ગભરાઈને સંધ્યાનાં પગમાં અટવાઈ જવું, અને એથી સંધ્યાનું પડી જવું આ બધા પરિબળો એનાં મૃત્યુ માટે જવાબદાર બન્યાં. 

         વિપુલ એકલો જવાબદાર નહોતો પરંતુ શરૂઆત એની મજાકથી થઈ હતી, એ કારણે એ પણ ઓછો જવાબદાર તો નહોતો જ. સંધ્યાની વિદાય પછી અવારનવાર એ માનસિક સંતુલન ખોઈ બેસતો અને આ રીતે હેમલતાબેનને પણ રડાવી નાંખતો હતો. પહેલાં સંધ્યાને મજાક ગમતી ન હતી, હવે વિપુલને પણ મજાક પસંદ ન હતી! 

~સમાપ્ત