Ruh sathe ishq return - 28 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 28

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 28

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 28

રાજુની મોત ને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યાં બાદ કબીરે રાધાની જેમ જ ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધાનો ભોગ બનેલી તખી નામની એક મહિલાનાં પતિ નટુ ને પણ હરગોવનભાઈ ની સહાયતા વડે પોતાની સાથે ભેળવી દીધો હતો.ઠાકુર અને ગિરીશ વિરુદ્ધ આગળ જે કંઈપણ કરવાનું હતું એનાં આયોજન સ્વરૂપે કબીર નટુ ને અમુક કામ સોંપે છે.

નટુ સાંજે જમવાનું પણ જમ્યાં વગર કબીરે એને જે બે કામ સોંપ્યા હતાં એ કરવામાં લાગી ગયો..જેમાં એક કામ હતું ડોકટર ગિરિશ ની ઉપર નજર રાખવી કે હવે રાજુની મોત બાદ એ રાતે ક્યાં સુવે છે અને એનો દિવસભરનો નિત્યક્રમ શું છે..અને બીજું કામ હતું રમણભાઈ ની જેમ બીજાં એવાં ગામલોકોની તપાસ કરવી જેમનું ઓપરેશન ડોકટર ગિરીશ ની હોસ્પિટલમાં થયું હતું.

કબીરનો આગળનો ટાર્ગેટ ડોકટર ગિરીશ હતો..કબીર એને પહેલાં ડરાવવા માંગતો હતો અને પછી ગામલોકો સામે એનું સત્ય ઉજાગર કરી એનાં પીડિત લોકો દ્વારા જ એને સજા કરાવવા માંગતો હતો.

વુડહાઉસ પહોંચી કબીરે થોડું જમી લીધું અને પછી તુરંત જ પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો..કબીરે રૂમમાં પહોંચી પોતાનું લેપટોપ ચાલુ કર્યું અને પછી પોતાની નોવેલ અમાસ ને થોડી ઘણી આગળ લખવાની પ્રક્રિયા આરંભી..જીવાકાકા પોતાનું બધું કામ પૂરું કરી ત્યાંથી રવાના થયાં એટલે કબીર દરવાજો બંધ કરી પોતાનાં રૂમમાં પાછો આવી ગયો.બે કલાક માંડ વીત્યાં હશે ત્યાં નીચેથી કોઈ પોતાને અવાજ આપતું હોય એવું કબીરને લાગ્યું.

અવાજ પરથી કબીરને લાગ્યું કે એ બીજું કોઈ નહીં પણ નટુ હતો અને આટલી મોડી રાતે નટુનું અહીં આવવું કોઈ નવી ખબરની આગાહી હોવાનું કબીરને લાગી રહ્યું હતું..કબીરે દરવાજો ખોલી નટુ ને અંદર આવવાં કહ્યું અને પાછો બહાર ડોકિયું કરી કોઈ નટુ નો પીછો તો નથી કરી રહ્યું એની ખાતરી કરી દરવાજો બંધ કરી નટુને પોતાની સાથે ઉપર રૂમમાં આવવાં જણાવ્યું.

કબીર ની પાછળ નટુ એનાં રૂમમાં પ્રવેશ્યો એ સાથે જ કબીરે ચિંતિત સ્વરે નટુ ને સવાલ કર્યો.

"કેમ નટુ અત્યારે અહીં આવવું પડ્યું.?"

"મોહન ભાઈ,થોડી અગત્યની વાત હતી એટલે અહીં આવ્યો..અહીં નો લેન્ડલાઈન નંબર તો મળી ગયો પણ મેં ફોન લગાવ્યો તો ના લાગ્યો માટે અહીં આવી પહોંચ્યો.."પોતાનાં અહીં આવવાનું કારણ આપતાં નટુ એ કીધું.

"સારું બોલ કઈ અગત્યની વાત હતી..?"કબીરે સવાલ કર્યો.

"વાત એમ છે કે ગિરીશ અત્યાર સુધી ચાલીસ જેટલી ગ્રામજનો નું ઓપરેશન કરી ચુક્યો છે..અને એમનાં પેટ નાં એક તરફ એવું જ નિશાન છે જેની તમે વાત કરી હતી.."નટુ એ જવાબ આપતાં કહ્યું.

"શું તે એ લોકોને આ બધાં ઓપરેશન પાછળની હકીકત જણાવી..?"કબીરે પૂછ્યું.

"હા મેં એમાંથી અમુક વ્યવસ્થિત લોકોને આ બધી વાત કરી અને તમે કહ્યું હતું એમ ગિરીશ દ્વારા એમની કિડની કાઢી લેવામાં આવવાની વાત પણ કરી..અને સૌથી સારાં સમાચાર એ છે કે રમણભાઈ પણ હરગોવન મહારાજ ની સમજાવટથી આપણો સાથ આપવા માની ગયાં છે."પ્રસન્ન ભાવ સાથે મોહન બોલ્યો.

"આ તો ઘણી ઉમદા વાત થઈ..તો પછી તે એ લોકોને રાતે મંદિરે ભેગાં થવાં કહ્યું કે નહીં.?"કબીરે પ્રશ્ન કર્યો.

"હા..એ કાલે રાતે ૯:૩૦ આજુબાજુ મંદિરે આવી જશે.."નટુ એ કહ્યું.

"શાબાશ.."નટુ ને શાબાશી આપતાં કબીર બોલ્યો.

"બીજી એક વસ્તુ પણ હું તપાસ કરીને આવ્યો છું જે તમે કહી હતી..ડોકટર ગિરીશ આજની રાત તો પોતાનાં ઘરે જ ઉંઘ્યો છે..મને નથી લાગતું કે એ રાજુની મોત બાદ પણ હોસ્પિટલમાં રાતે રોકાવા જાય.."નટુ બોલ્યો.

"હવે એ ઘરે રોકાય કે હોસ્પિટલમાં એની પાપની ગાગર ભરાઈ ગઈ છે માટે નજીકમાં એ પાપ ની સજા એને મળીને જ રહેશે..તું હવે નિકળ ઘરે જવા.કાલે બધાં ને સમજાવી મંદિરે લેતો આવ..કાલે જ હવે એ ડોકટરનાં વેશમાં દાનવરુપી ગિરીશ નાં કર્મોની સજા એને મળી જશે."કબીરે દાંત ભીંસતાં કહ્યું.

"સારું ત્યારે હું નીકળું..જય મહાદેવ.."આટલું બોલી નટુ ત્યાંથી જવા માટે નીકળ્યો.

નટુ નાં જતાં જ કબીર પાછો પોતાનાં નવલકથા નાં લખાણનાં કામમાં લાગી ગયો..નટુ નાં આવ્યાં બાદ કબીર નાં ચહેરા પર જે ચિંતાની હળવી રેખાઓ હતી એ નામશેષ થઈ ચૂકી હતી.

બાર વાગે કબીરે નવલકથા લખવાનું કામ બાજુ પર રાખ્યું અને થોડો સમય રાધા ના આવે ત્યાં સુધી આરામ કરવા માટે આંખો મીંચી.કબીરને થોડીવારમાં જ ઊંઘ આવી ગઈ..બે કલાક બાદ રાધા ત્યાં આવી પહોંચી.રાધા નો અવાજ સાંભળી કબીરે દરવાજો ખોલવા નીચે જતો હતો ત્યાં રાધા એનાં રૂમમાં અચાનક આવીને ઉભી રહી ગઈ.રાધા ને આમ અચાનક ત્યાં આવી પહોંચેલી જોઈ કબીર આશ્ચર્યચકિત થઈ ગયો.

કબીરને આમ ચકિત જોઈને રાધા ભેદી મુસ્કાન સાથે એનાં માથામાં ટપલી મારીને બોલી.

"શું થયું કેમ આટલો પરેશાન થઈ ગયો મને જોઈને..?"

"અરે તું મારાં દરવાજો ખોલ્યાં વગર કઈ રીતે અંદર આવી..?"કબીર બોલ્યો.

"અરે તું તો પાગલ છે..હું એક રૂહ છું અને રૂહ ને આવવાં જવા દરવાજાની જરૂર નથી..આતો અત્યાર સુધી તું દરવાજો ખોલવા આવતો અને મારાં સ્વાગતમાં જે રીતે તારી નજરો મારી રાહમાં પથરાઈ જતી એ જોઈ મને આનંદની અનુભૂતિ થતી..માટે જ હું દરવાજો ખોલ્યાં વગર અંદર આવી શકવા છતાં અંદર નહોતી આવતી જ્યાં સુધી તું દરવાજો ના ખોલે."કબીર ની તરફ સ્મિત સાથે જોતાં રાધા બોલી.

રાધાની આ વાત પર કબીરનાં ચહેરા પર પણ સ્મિત ફરી વળ્યું..ત્યારબાદ કબીર અને રાધાએ આજનો દિવસ કબીરે શું કર્યું એ વિશે જાણ્યું.કબીરની વાતો ને ધ્યાનપૂર્વક સાંભળ્યાં બાદ રાધાએ સવાલ કર્યો.

"તો તું કાલે રાતે ગામલોકો ને કઈ રીતે તારાં પક્ષમાં લઈશ..?"

રાધાનાં ચહેરાને પોતાની હથેળી વચ્ચે લઈને કબીર બોલ્યો.

"રાધા,હું એક લેખક છું અને કઈ રીતે લોકોને સમજાવવા એ કળા લેખનની સાથે મારામાં આત્મસાત કરી ચુક્યો છું..તું એની ચિંતા ના કરીશ કે એ લોકોને હું કઈ રીતે સમજાવીશ..પણ આજની રાત તારે તારી શક્તિઓનો ઉપયોગ કરવો પડશે.."

"મારી શક્તિઓનો ઉપયોગ..?પણ ક્યાં..?"ઉપરાછપરી સવાલો કબીરની વાત સાંભળી રાધાએ પૂછી લીધાં.

"હા રાધા હું ઈચ્છું છું કે એ ડોકટર ગિરીશ ને એનાં કર્મોની સજા મળે એ પહેલાં આજની રાત એની જીંદગી ની સૌથી વધુ ભયાનક રાત બની જાય.."કબીર આવેશમાં બોલ્યો.

"મતલબ કે મારે એને ડરાવવાનો છે..?"હસીને રાધા બોલી.

"હા..આજે ડોકટર ગિરીશ ને એ હદે ડરાવી મુકવાનો છે કે એની રૂહ પણ કાંપી જાય..મોત પહેલાં એને મોત નો અહેસાસ થવો જોઈએ..અને એનાં અંતિમ સમયે એને ખબર પડી જવી જોઈએ કે એની મોત માટે આખરે જવાબદાર કોણ છે..?"રાધા નો હાથ પકડીને કબીરે ધીરેથી કહ્યું.

"કબીર..તારાં દરેક શબ્દનો અર્થ હું સમજી ગઈ છું..તું ચિંતા ના કર આજની રાત ડોકટર ગિરીશ માટે નર્ક ની રાત સાબિત થશે.."રાધા પણ મક્કમ મને બોલી.

"ચલ ત્યારે આપણે જઈએ.."કબીર પલંગમાંથી ઉભાં થતાં બોલ્યો.

"આપણે નહીં ફક્ત હું..તું શાંતિથી સુઈ જા.હું મારી રીતે આજે ડોકટર ની બધી હેકડી નીકાળી દઈશ.."કબીરને પલંગ પર પાછો બેસાડતાં રાધા એ કહ્યું.

"પણ ત્યાં તને કંઈક થઈ જશે તો..?"રાધા તરફનો પ્રેમ કબીરને એની ચિંતા કરવા મજબુર કરી રહ્યો હતો.

"મને હવે કંઈપણ નહીં થાય..તું અહીં રહી શાંતિથી સુઈ જા.."કબીરની તરફ પ્રેમની જોતાં રાધા બોલી.

કબીર રાધાની પ્રેમાળ આંખો તરફ જોઈ રહ્યો હતો અને રાધા ધીરે-ધીરે હવામાં વિલીન થઈ રહી હતી..રાધા જોડે એક રૂહ હોવાં નાતે અમુક શકિતઓ તો વધી હતી પણ ઠાકુરની નિર્દોષ પત્ની નાં મોત નું કારણ બનવાનાં લીધે કોઈને પણ ઇજાગ્રસ્ત કે નુકશાન પહોંચાડવાની રૂહાની શક્તિ રાધા ખોઈ બેઠી હતી.

રાધા નાં જતાં જ કબીરે મનોમન બધું યોગ્ય રીતે પાર પડી જાય એવું ભગવાનને પ્રાર્થના કરી અને પછી સુઈ ગયો..આ તરફ રાધાની રૂહ પહોંચી ચુકી હતી ડોકટર ગિરીશનાં મકાને જ્યાં એ માસુમ લોકોની જીંદગી સાથે રમનારો એ ડોકટર શાંતિથી સુઈ રહ્યો હતો..એનાં નસકોરાં એ વાતની સાબિતી હતી કે એ ભર ઊંઘમાં હતો.

રાધા ડોકટર ગિરીશ ને મનોમન બરોબરનો સબક શીખવાડવાનું નક્કી કરી ચુકી હતી..રાધા એ ગિરીશ નાં રૂમમાં પ્રવેશતાં જ ગિરીશ ઊંઘમાંથી બેઠો થઈ જાય એવું કંઈક કરવાનું વિચાર્યું..રાધાએ આમ તેમ નજર ફેરવી અને પોતાની આંખોથી જ રૂમની બધી સ્વીચ બંધ કરી દીધી જેથી પંખો અને ડીમ લાઈટ બંધ થઈ ગયા.પંખાનો અવાજ બંધ થતાં એ હરામી ડૉક્ટરનાં નસકોરાં નો અવાજ વધુ તીવ્ર બન્યો હતો.

પંખો બંધ થઈ જવા છતાં ગિરીશ ઉભો ના થયો એટલે રાધાએ ટેબલ પર રાખેલો પાણીનો જગ હાથનાં ઈશારે હવામાં ઊંચો કર્યો અને પછી ફર્શ પર પછાળી દીધો..જગ પડવાનો અવાજ સાંભળી ડોકટર ગિરીશ ઝબકીને જાગી ગયો અને તુરંત જ તકિયા નીચેથી રિવોલ્વર કાઢી હાથમાં લઈને બોલ્યો..

"કોણ છે ત્યાં..?"

રાધા એની સામે ઉભી હતી પણ એ ઈચ્છે તો જ કોઈ એને જોઈ શકે એમ હતું એટલે અત્યારે એ રાધા ને જોઈ શક્યો જ નહીં..ખાલી એક જગનો પડવાનો અવાજ સાંભળી એ એટલો ડરી ગયો હતો કે જાણે એને કોઈ બીજો જ ડર સતાવી રહ્યો હતો.અને આ ડરનું કારણ હતો કબીર અને એની વાતો..જ્યારે એને રાજુની લાશને જોઈને કહ્યું કે કોઈએ આની હત્યા કરી આ લાશને એની હત્યા ને આત્મહત્યા નું સ્વરૂપ આપવાં લટકાવી હોવી જોઈએ..આ બધી વાતો સાંભળ્યાં બાદ ડોકટર ગિરિશને રાધાની હત્યા ની વાત યાદ આવી ગઈ હતી.

"કોણ છે ત્યાં..મેં કીધું કોણ છે ત્યાં..?"કોઈ પ્રતિભાવ ના મળતાં ડોકટર હાથમાં રિવોલ્વર લઈને આમ તેમ જોતાં બોલી રહ્યો હતો.

શરીર પર એક લેંઘો અને ઉપર એક અંડરવિયરમાં એ નીચ ડોકટરની ચરબી સાફ દેખાઈ રહી હતી.રાધા એને વધુ ડરાવવા એક જોરદાર ગતિ સાથે એની નજરો સામેથી પસાર થઈ..ગિરિશને લાગ્યું તો ખરું કે કોઈક તો ત્યાં છે જેને એ જોઈ નથી શકતો એ વિચારી એની હાલત વધુ નાજુક થઈ રહી હતી.આ ઉપરાંત એને એ વસ્તુ પણ નોટિસ કરી કે પોતે જ્યારે સુઈ ગયો ત્યારે લાઈટ અને પંખો ચાલુ હતો તો અત્યારે કોને એની સ્વીચ બંધ કરી.

એ ફટાફટ ઉભો થયો અને રૂમની લાઈટ તત્કાલિક ચાલુ કરી દીધી..રૂમમાં અજવાળું થતાં એને થોડી રાહત જરૂર થઈ..એનું ગળું ડરથી સુકાઈ ચૂક્યું હતું..પાણી પીવાનો જગ તૂટીને ફર્શ ઉપર પડ્યો હતો એટલે પાણી ની બોટલ લેવાં એ રસોડામાં રાખેલાં ફ્રીઝ તરફ આગળ વધ્યો..અત્યારે પણ એને પોતાની રિવોલ્વર મજબૂતાઈથી પકડી રાખી હતી.

એને રસોડામાં પહોંચી ફ્રીઝનો દરવાજો ખોલ્યો અને પાણીની બોટલ કાઢી એને આખી ને આખી ગટગટાવી ગયો..ખાલી બોટલ રસોડાની ઉપર મૂકી એને બીજી બોટલ લેવાં જેવું ફ્રીઝ ખોલ્યું એવુંજ અંદરનું દ્રશ્ય જોઈ એની શરીરની અંદરનું બધું લોહી જામી ગયું..ફ્રીઝની અંદર અત્યારે રાજુનું કપાઈ ગયેલું માથું હતું જેની આંખો ડોકટર ગિરીશનાં ફ્રીઝ ખોલતાં જ ખુલી ગઈ..અને એ કપાયેલું માથું બોલ્યું.

"તું પણ નહીં બચે..તને પણ એ રાધા નહીં છોડે.."

★★★★★★

વધુ આવતાં અંકમાં.

શું થશે ડોકટર ગિરિશનું..?વીર કઈ પેટીઓની વાત કરી રહ્યો હતો...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ