Dhartini ajayabi - ladakh - 2 in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | ધરતીની અજાયબી - લદ્દાખ : ભાગ - ૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધરતીની અજાયબી - લદ્દાખ : ભાગ - ૨

વેલકમ બેક ટુ લડાખ….ગયા મહિને શું શું ફરેલા એ તો યાદ જ હશેને, છતાંય ઝડપથી યાદ કરાવી દઉં ...આપણે જમ્મુથી શ્રીનગર પહોંચેલા અને ત્યાંથી સોનમર્ગની નદીમાં પગ પખાળ્યા, બરફથી રમ્યા, કારગિલ( જે વિશે પહેલા અંકમાં છે)થી નીકળી શરૂ કરી લડાખી સફર...ફોટુલા થઈ, મુન લેન્ડ ગયા, ઝંસ્કાર સંગમ જોઈ મેગ્નેટિક હીલ પહોંચ્યા, પથ્થર સાહિબના દર્શન કરી લેહ ગામમાં પહોંચ્યા. અદભુત હેમિસ મોનેસ્ટ્રી, રહસ્યમય થિકસે મોનેસ્ટ્રી, ઐતિહાસિક લેહ પેલેસ અને આધુનિક શાંતિ સ્તૂપ અને મિલિટરી મ્યુઝિયમ આ બધું જોયું.

તો હવે આગળ વધીએ ….”થ્રિ ઇડિયટ” જોયા પછી દરેક ભારતીયના સ્વપ્ન જેવા “પેંગોંગ લેક” જોવા જવાનું હતું. વહાટ્સએપ ઉપર મિત્રોને મેસેજ મુક્યો “ જાઉં છું, ફૂંગસૂક વાંગડું”ને મળવા. આપેલા સમયથી વહેલી જ રૂમમાંથી નીચે ઉતરી ગઈ.

હેવી બ્રેકફાસ્ટ ભૂલતાં નહીં અને જો વોમીટનો પ્રોબ્લેમ હોય તો તેની ગોળી પણ. એકવાર લડાખમાં પહોંચ્યા પછી રસ્તાનું અંતર કિલોમીટરમાં નહીં કલાકોમાં માપવાનું. આજની સફરનો એક તરફનો રસ્તો છે લગભગ 6 કલાક. 160 કિલોમીટર.

લેહ ગામની સુંદરતા માણતાં માણતાં અમને પેંગોંગત્સો વિશે જણાવી દેવામાં આવ્યું.

“પેંગોંગત્સો” નામ તિબેટીઅન શબ્દ “સ્પાનગ ગોંગ મત્સો” ઉપરથી આવ્યો છે જેનો મતલબ થાય છે “ઊંચા ઘાસવાળી જગ્યાનું તળાવ” પણ વધારે તો “અભિભૂત કરી દેનાર તળાવ” તરીકે ઓળખાય છે. તે પાંચ કિલોમીટર પહોળું અને એકસો ચોત્રીસ કિલોમીટર લાબું છે. 60% ચાઈનામાં અને 40% ભારતમાં છે. ત્યાં જવા માટે મિલેટરીની પરમિશન લેવી પડે છે, જે લેવી સહેલી છે. રસ્તાઓ વિશે તો એટલું જ કહીશ કે, પહાડી રસ્તાઓ જેટલા અઘરા એટલાં જ સુંદર. લડાખ ગયા છો તો પહાડના દરેક રૂપો જોવા મળશે. એક જ વાક્ય મોઢામાંથી સરી પડશે …” યે દિલ માંગે મોર”.

પહેલું સ્ટોપ આવ્યું મિલેટરી ચેકીંગ અને મને મળ્યો મારા જીવનનો પ્રથમ હળવો સ્નો ફોલ. નરમ મુલાયમ રૂ જેવો, હાથમોજા કાઢી ઝીલો તો તરત જ ગાયબ. કારમાં પાછું ચડવાનું મન નહોતું થતું પણ પછી યાદ આવ્યું, કે હું તો અજાયબ ધરતી ઉપર છું. નક્કી વધુને વધુ સુંદરતા જોવા મળવાની છે. ફટાફટ પાછી કારમાં ગોઠવાઈ અને શરૂ થયું બરફનું અનંત સામ્રાજ્ય.

અમે આવી પહોંચ્યા હતાં વર્લ્ડર્સ થર્ડ હાઈએસ્ટ મોટરેબલ રોડ “ચાંગલા”, જેની ઊંચાઈ છે 17,590 ફૂટ. ચાંગલનો મતલબ છે “દક્ષિણ તરફ જવાનો રસ્તો”. અહીં બરફનું તદ્દન નવું સ્વરૂપ જોવા મળ્યું. થર્મોકોલ સ્વરૂપ …. હા, દાણાદાર બરફ. નાના બાળક બની બે હાથે એ બરફ ઉછળવામાં દુનિયા ભૂલી શકાય. આજે પણ યાદ કરું તો એક મુસ્કાન આવી જાય છે. ફરી હળવો સ્નો ફોલ અને દિલ ગાર્ડનગાર્ડન થઈ ગયું. અમુક સહયાત્રીઓની તબિયત થોડી બગડી. એટલે કારમાં ગોઠવાઈ ગયા. ત્યાં આર્મીની એક કેન્ટીન છે. થોડું ખાવાપીવાનું મળે છે. ભારતીય ભક્તિ ત્યાં પણ ઉચ્ચ શિખરે બિરાજમાન છે. એક બાબનું મંદિર છે. ભારતની ભક્તિ સાથે બીજી ફેમસ ચીજ ગંદકી ….તે પણ ઉચ્ચ શિખરે બિરાજમાન છે. આપણી સરકારે આર્મીએ કેટલી મહેનત લઈ ત્યાં વ્યવસ્થાઓ ઉભી કરી છે પણ આપણી સોચ અને શૌચાલય ….. મન ખિન્ન થઈ ગયું. ફરી બરફ સાથે થોડી રમત કરી મનને મનાવી લીધું. આગળ વધ્યા મંઝિલ તરફ.

“ મૌસમ મસ્તાના, રસ્તા અંજાના,
જાને કબ કીસ મોડ પે બન જાયે કોઈ અફસાના..”

મજા પડી ગઈ, બરફમાંથી નીકળ્યા અને દૂર એક સુંદર મજાનું તળાવ દેખાયું જેના કિનારે યાક “બર્ફીલા પ્રદેશનું દુધાળુ પ્રાણી” ચરતું હતું. થયું આપણી મંઝિલ આવી ગઈ લાગે છે પણ ડ્રાઈવરે કહ્યું આવા નાના ત્સો તો બહુ આવશે. આપણે હજુ દૂર જવાનું છે. આજુ બાજુ રંગબેરંગી પહાડો વચ્ચે નાના તળાવો, થોડી લીલોતરી અને ચોમેર શાંતિ. વાહ, સ્વર્ગ તો આવું જ હોતું હશે. હવે હજુ એક સરપ્રાઈઝ મારી રાહ જોતી હતી. એ હતી સફેદ રેતી. જી હા, રસ્તામાં બંને બાજુ દરિયા કિનારે હોય તેવી રેતી હતી અને તે પણ સફેદ. બધે નજર દોડાવી તો પહાડ ઉપર પણ પાણીના ધોવાણથી થયેલાં કોતરકામ દેખાયા. એક વખત હિમાલયની જગ્યાએ સમુદ્ર હતો એ વાત જોવા મળી.

આગળ વધ્યા ત્યાં મેદાનમાં એક ખાડામાંથી કોઈક નિકળ્યું, એના પ્રદેશમાં અમને આવકારવા, એ ત્યાનું એક લોકલ પ્રાણી હતું ખિસકોલીથી મોટું અને સસલાથી નાનું, મીઠું મજાનું અને રમતિયાળ “મરમુટ”. એકદમ મિત્રતાભર્યું, ડરપોક પણ શરમાળ બિલકુલ નહીં. મસ્તમજાના પોઝ આપી ફોટા પડાવે. ઉપાડી લાવવાનું મન થઈ ગયું.

ફાઈનલી …..”પેંગોંગ ત્સુ”. કોઈક અદભુત કલાકારે પોતાના જીવનનું સૌથી સુંદર કુદરતી દ્રશ્ય દોરીને મૂકી દીધું હોય તેવું રંગીન. મૂવીમાં બતાવેલા સૌંદર્ય કરતાં પણ સુંદર પહાડો અને આરપાર દેખાતું નિર્મળ જળ. આ તળાવ ખારા પાણીનું હોવાને કારણે તેની અંદર જીવસૃષ્ટિ ન બરોબર છે. કિનારે બેસી જેટલે સુધી નજર જાય તેટલે અંદર સુધી બધું જ દેખાય. ત્યાં સી-ગુલ પક્ષીઓના ઝુંડ હતાં અને અમારા જેવા પ્રવાસીઓના ઝુંડ પણ. છ કલાકના પ્રવાસનો થાક તો જાણે ઉતરતાં જ ભુલાઈ ગયો. મન તો થઈ ગયું કે એક બોટ લઈ આ તળાવના અંત સુધી વહયા કરીએ. ચાઇનાનો વિસા મળતો નહોતો એટલે કેન્સલ કરવું પડ્યું. ખૂબ ફોટો લીધાં. પાણી તો પીવાય તેવું હતું નહીં એટલે ખોબલેને ખોબલે સૌંદર્ય પીધું. ત્યાં રાત રોકવા માટે પણ ટેન્ટ્સ છે, એટલે પ્લાન કરી શકાય. અમારે રોકાવાનું J આપણા હાથમાં છે, કાલે ખારડુંગલા જોઈ આવીએ અને રસ્તો ખુલી જશે તો આપણે થોડું વધારે ટ્રાવેલ કરીને પણ જઈ આવીશું. બહુ માગ્યું ભગવાન પાસે પણ વ્યર્થ.

અમારે બીજે દિવસે જવાનું હતું “ખારડુંગલા” ફરીથી એક અલગ ઊંચાઈએ 18,380 ફૂટની ઊંચાઈએ આવેલો દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ. કિલોમીટર ફક્ત 38 પણ ટ્રાવેલ ટાઈમ દોઢ કલાક. લગભગ અડધી કલાક પછી અમારા ઉપર ફરી બરફની દુનિયા છવાઈ ગઈ. મિલેટરીના ટ્રક રસ્તાઓ સાફ કરતાં જતાં હતાં અને અમારી નજર સામે એક ટ્રક દિલ ધડક રીતે સ્લીપ થતાં બચી. આગળ બધા લાઈનમાં ઉભા હતાં, અમારી કાર પણ લાઈનમાં લાગી. સામે પહાડ ઉપરથી ઓગળી ઉતરતાં પાણીથી બનેલો બરક જગ્યાએ જગ્યાએ બરછી આકારમાં જામેલો હતો, અમારા એક સહયાત્રીએ ઉતરીને એક બરફની તલવાર ખેંચી અને અમને બધાને પકડવા આપી. રસ્તો ખૂલ્યો અને અમે પહોંચ્યા “ખારડુંગલા” ત્યાં પણ આપણાં જવાનો ડ્યૂટી કરતાં હતાં અને ત્યાં પણ મંદિર હતું. અને હતાં અમારા જેવા પ્રવાસીઓના ઘાડેધાડા. ત્યાં બરફનું વળી નવું સ્વરૂપ હતું, રૂના ઢગલાનું રૂપ. અમારા પગ અંદર સુધી ઘુસી જતાં હતાં. એ ઊંચાઈ ઉપર મેં બરફમાં મારા બધા વ્હલાઓના નામ કોતરવાનો આનંદ મેળવ્યો. અતિ પાતળી હવાને કારણે અમારે 30 મિનિટથી વધારે રોકાવાનું નહોતું. બધા પાછા આવવા નીકળ્યા. અમારા બે સહપ્રવાસીઓનો તબિયત ખૂબ જ કથળી હતી. તેઓ માથું પકડીને સુઈ ગયા. મારી નજર પડી એક બોર્ડ ઉપર અને હું જાણે સદીઓને પહેલે પાર પહોંચી ગઈ, બોર્ડ ઉપર લખેલું “સિલ્ક રૂટ”. સ્કૂલમાં સિલ્ક રૂટ વિશે ભણેલાં ત્યારે વિચાર્યું નહોતું કે જીવનમાં ક્યારેય આ જગ્યા જોઈશ. એ વખતેના લોકો કેટલી મુશ્કેલી ઉઠાવી આવતાં હશે, ટ્વિ વિચારથી રોમ-રોમમાં રોમાંચ વ્યાપી ગયો. લેહ ગામમાં પહોંચ્યા. લંચ લીધું. બે બીમાર યાત્રીને મિલેટરી હોસ્પિટલમાં લઇ ગયા, તાત્કાલિક ઓક્સિજન આપવો પડ્યો. ત્યાંની મિલેટરી સેવાને સલામ.

બપોરે અમારી હોટેલમાં કેટલાક જાપનીઝ ગેસ્ટ આવેલા, તેમના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેનો લ્હાવો અમને પણ મળી ગયો. ત્યાંના લોકનૃત્ય જોયા અને થોડુંક નૃત્ય કરી પણ લીધું. સાંજે લેહની બજાર ફર્યા. રૂપકડા કરચલી પડેલા નિર્દોષ ચહેરાઓ , સરસ મજાની કારીગીરી કરેલા કાપડાઓ, ગરમ કાપડાઓ, ચાંદી જડિત મૂલ્યવાન પથ્થરોના ઘરેણાં અને ચાઈનિઝ માલથી બજાર છલકાતું હતું. બૌદ્ધિઝમને લાગતા એન્ટીક સ્ટેચ્યુસ અને આર્ટિકલ પણ ખૂબ જ સુંદર હોય છે. બધાને આપવા માટે ત્યાંના જારદાલું લીધાં અને જીવનભર ન ભુલાય તેવા સંસ્મરણો લઈ લડાખ છોડ્યું.

હું તો નુબ્રા વેલી નથી જોઈ શકી પણ તેનો અનુભવ પણ ખૂબ ખાસ છે તો ચૂકાય નહીં તેવો પ્લાન કરજો.


લડાખ જવાનો ઉત્તમ સમય :
*********
મેના અંતથી સપ્ટેમ્બર અંત. પણ હું સલાહ આપીશ જુનના પહેલાં અઠવાડિયામાં પહોંચી જવાની.

હવામાન
***
સતત બદલાય એટલે પૂરતાં ગરમ કપડાં અને રેઇનવેર . ત્રણ જીન્સ અને ચાર ટીશર્ટ ચાલશે પણ જેકેટ 2-3 લેવા. ફોટામાં ગરમ કપડાં જ દેખાવાના છે.

જવાનો રસ્તો :
*****
શ્રીનગરથી લેહ (રોડ)
મનાલીથી લેહ (રોડ)
દિલ્હીથી પ્લેનમાં લેહ ( જે વધુ ખર્ચાળ અને ઓછો આનંદદાયક)

દિવસ :
**
ટ્રાવેલિંગ અને સ્ટે બધું ગણી પંદરથી સતર દિવસ રાખો તો અફસોસ નહીં થાય.

કેમેરો
**
લેટેસ્ટ રાખવો.


આવતી વખતે રાખડીશું નવી કોઈક જગ્યાએ તો ત્યાં સુધી સાયોનારા…..

- એકતા દોશી

આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર માણવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com