Premni pele paar - 18 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... ભાગ - ૧૮

The Author
Featured Books
Categories
Share

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૮

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા એની બીમારી, થર્ડ સ્ટેજના કેન્સર વિશે સૌમ્યાને જાણ કરે છે અને સૌમ્યાને પૂછે છે કે શું એ અભીને સાચવશે? હવે આગળ...

*****
સમયના આયામો પર ઝૂલે છે જિંદગી,
ન કોઈ સવાલો તારા સમજાય છે જિંદગી,
દોસ્તી ને પ્રેમ બંને વચ્ચે કેવી કશમકસ છે આ,
કોઈકને તો અન્યાય થાય છે ઓ જિંદગી...

થોડી ક્ષણો એમ જ પસાર થઈ જાય છે અને પછી આકાંક્ષા સીધું જ સૌમ્યાને પૂછે છે, " તું અભીની જિંદગી પૂર્ણ કરીશ એની જોડે લગ્ન કરીને !? "

આવા અણધાર્યા સવાલથી સૌમ્યા હેતબાઈ જાય છે અને એ ખાલી, " આકાંક્ષા... " એટલું જ બોલી શકે છે.

"મને ખબર છે સૌમ્યા હું શું કહી રહી છું. પણ હું ગમે ત્યારે આ દુનિયામાંથી વિદાય લઈ લઈશ અને એ પછી અભીનું શું થશે એ જ ચિંતા મને કોરી ખાય છે. આજ કારણ છે જ્યારની મને કેન્સર છે એવું ખબર પડી ત્યારની હું કોઈ ને કોઈ બહાને એને મારાથી દુર કરવા પ્રયત્ન કરી રહી છું, અને એમાં ને એમાં એને વધારે તકલીફ આપી રહી છું. બહુ વિચાર્યું છે મેં આ બાબતે અને પછી મને એના લગ્ન કરાવીને જવાનો વિકલ્પ જ યોગ્ય લાગે છે. મારા ગયા પછી તો એને લગ્ન માટે મનાવવો અશક્ય છે. તને અહિંયા બોલવાનું પણ આજ કારણ છે. તું આપીશ ને મને સાથ !? બનીશ ને મારા અભીની જીવનસાથી !?" આકાંક્ષા એકધારું બોલી ગઈ.

સૌમ્યા બે મિનિટ વિચારમાં પડી જાય છે કે શું કહેવું અને પછી આકાંક્ષાનો હાથ પોતાના હાથમાં લઈને બોલે છે, "હું અભીની મિત્ર છું અને કાયમ રહીશ. એક મિત્ર તરીકેની ફરજ હું ક્યારેય પણ નહિ ચૂકુ એટલો વિશ્વાસ તો છે ને તને મારા માં !?", અને આકાંક્ષાની સામુ જોવે છે. એની આંખોમાં હા દેખાવાથી સૌમ્યા આગળ વધે છે ને કહે છે, " પણ મેરેજ! એ મારાથી શક્ય નહીં બને. પ્લીઝ મને સમજવાની કોશિશ કરજે..."

"મને પણ ખ્યાલ છે એ વાતનો કે તારા માટે હા પાડવી અઘરી છે. ઇનફેકટ તારી જગ્યા ઉપર કોઈ પણ છોકરી હોય એના માટે અઘરું જ છે. પણ મારા મગજમાં તારો જ વિચાર આવ્યો. તું અભીને મારા કરતાં પણ વધારે સમજે છે. તું સંભાળી શકીશ એને. પ્લીઝ હા પાડ.. મારા માટે, અભી માટે...એક વાર તું હા પાડે તો અભીને તો હું મનાવી લઈશ. મને વિશ્વાસ છે કે તું અને અભી બંને એકબીજાને સમજી શકશો. એક સુખી સંસાર વસાવી શકશો." આકાંક્ષાએ થોડા કાંપતા અવાજે સૌમ્યાને સમજાવતા કહ્યું.

આકાંક્ષાના અવાજના કંપન અને આંખોમાં દેખાતી વિહ્વળતા જોઈને સૌમ્યા ચિંતિત થઈ ગઈ હતી. અને એને કંઈ જ ખબર નહતી પડતી કે આ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી. એટલે આગળ કઈ જ ન બોલતા એ મૌન જ રહી. આકાંક્ષા પણ એની પરિસ્થિતિ સમજી શકતી હતી તેથી આગળ કઈ જ ના બોલતા એને વિચારવા માટે સમય આપવો જ એને યોગ્ય લાગ્યો અને તે સૌમ્યાને ત્યાં વિચારતા છોડીને કોઈ કામથી કિચનમાં ગઈ. સૌમ્યાને હવે રૂમમાં ગૂંગળામણ જેવું લાગતું હતું એટલે એ બહાર વરંડામાં જઈને ઉભી રહી.

આ તરફ અભી ડિનર પતાવીને પોતાના રૂમમાં જાય છે. ફ્રેશ થઈને બેડ પર બેસે છે ત્યાં એનો હાથ એક સોફ્ટ ટેડી પર પડે છે. આ એજ ટેડી હતું જે અભીએ અક્ષીને એના લાસ્ટ બર્થડે પર આપ્યું હતું. આકાંક્ષાને આ ગિફ્ટ ખૂબ ગમતી. એ રોજ રાતે આ ટેડીને ભેગું લઈને જ સૂતી.

અભી આ ટેડીને હાથમાં પકડી વિચારે ચડે છે. કે એવું તો શું થયું હશે કે અક્ષી મારી જોડે આવો વ્યવહાર કરે છે!? ક્યાંય મારાથી જ કઈ ભૂલ તો નહીં થઇ હોય ને!? આમ અચાનક એનો સ્વભાવ બદલાવા પાછળનું કારણ શુ હોઈ શકે!? આવા અનેક વિચારો એના મગજમાં ફરી વળ્યાં. એ એમ જ શાંત બેસી રહયો. ત્યાં અચાનક એના ફોનમાં મેસેજ ટોન સંભળાઈ.

અભીના ઓફીસના એક કામનું રીમાઇન્ડર હતું. એ તરત ઉભો થઇ લેપટોપ શોધવા લાગ્યો. લેપટોપ ક્યાંય મળતું ન હતું. એ શોધતા શોધતા ગેસ્ટરૂમ તરફ ગયો. જોયું તો આકાંક્ષાને સૌમ્યા ત્યાં ન હતા. એને થયું કદાચ સૌમ્યા ને આકાંક્ષા એનું લેપટોપ લઈ ગયા હશે એમ વિચારી એ રૂમમાં ગયો. આમતેમ નજર કરતા લેપટોપ તો ક્યાંય ન મળ્યું પણ એનું ધ્યાન આકાંક્ષાથી ત્યાંજ ભુલાઈ ગયેલી ફાઇલ તરફ ગયું.

ફાઇલ પર લખેલું વાંચ્યું "સમર્પણ કેન્સર હોસ્પિટલ " કુતુહલવશ એને ખોલીને જોયું......ને પ્રલય આવી ગયો. અભીના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ. એની બી. પી. હાઈ થઈ ગઈ. પરસેવો વળવા લાગ્યો. સડક થઈ અભી નીચે પટકાયો. એને જાને લાગ્યું કે પોતે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે. ભયંકર સ્વપ્ન. ને એમાંથી છૂટવા હવાતિયાં મારતો હોય એમ ચારેબાજુ હાથ વીંઝવા લાગ્યો. હવે સમજાયું કે આ સ્વપ્ન નથી. આંખો આંસુથી લથબથ હતી. અભીને ખબર નહિ શું થવા લાગ્યું.

"આકાંક્ષાને કેન્સર ? મારી અક્ષીને ? બને જ નહીં. અમે કોઈનું ક્યારેય ખોટું નથી કર્યું ને ભગવાન અમારી સાથે આવું કરે જ નહીં. આ ખોટું છે. શક્ય જ નથી. આ મારું સ્વપ્ન છે. હું હમણાં જાગી જઈશ એટલે બધું બરાબર થઈ જશે. ના આમ તો બને જ નહીં. શક્ય જ નથી..."

અભી મનોમન બબડવા લાગ્યો. સૌમ્યા ફોટા સ્કેન કરીને ફાઇલ ત્યાં જ ભૂલી ગઈ હતી જે અભીના હાથમાં આવી ગઈ હતી.

સૌમ્યાને ખુલ્લી હવામાં થોડું સારું લાગ્યું. અણે નવેસરથી બધું વિચારવાનું ચાલુ કર્યું. એને એક બાજુ આકાંક્ષા માટે પારાવાર દુઃખ અને અભી માટે ચિંતા થતી હતી અને બીજી બાજુ આકાંક્ષા એ મૂકેલા વિશ્વાસનો ભાર લાગતો હતો. એના માટે આ બહુ અઘરો નિર્ણય થઈ રહેવાનો હતો. ક્યાંય સુધી એ કશ્મકશ માં અટવાયેલી હતી. અને એવામાં જ ફોનની રીંગ વાગે છે.

સૌમ્યા ફોન ઉઠાવીને સ્ક્રીન પર જોવે છે તો પ્રથમ... એનું હૃદય એક ધબકાર ચૂકી જાય છે. આ બધા ટેન્શનમાં એ પ્રથમને તો ભૂલી જ ગઈ હતી. એ એમ જ રીંગ વાગવા દે છે. હવે પ્રથમની યાદો એને ઘેરી વળે છે. એની દોસ્તી, કાળજી અને સૌથી વધારે બંને વચ્ચેનું ઘટતું અંતર. " તું પાછી તો આવીશ ને!?" પ્રથમનો પૂછેલો એ પ્રશ્ન યાદ આવતા એનું હૈયું વલોવાઈ ગયું. અને એને પ્રથમ જોડે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઇ ગઇ.એ વધારે વિચાર્યા વિના સીધો પ્રથમને ફોન જોડે છે.

સૌમ્યાના હાલાતથી બેખબર પ્રથમ સીધો જ પ્રશ્નોનો મારો ચાલુ કરે છે.. " શું કરે છે? એક ફોન પણ ના થાય? બસ ભૂલી ગઈ ને બે દિવસમાં જ..."

સૌમ્યા કઈ બોલી જ નથી શકતી એના થી સીધું ડૂસકું જ મુકાઇ જાય છે. જે સાંભળીને પ્રથમ થોડો ચિંતિત થઈ જાય છે અને એને છાના થવા કહે છે. સૌમ્યા પણ ધીમે ધીમે થોડી સ્વસ્થ થાય છે. એટલે પ્રથમ એને ધીમે થી પૂછે છે, " શું થયું!?"

બે મિનિટ બંને છેડે મૌન પ્રસરાઈ જાય છે. એ મૌનને તોડતા પ્રથમ બોલે છે કે, " હું તારી સાથે જ છું. તું ઇચ્છે ત્યારે મને કહી શકે છે. હું રાહ જોઇશ એ પળ ની .."

હવે સૌમ્યાને ચૂપ રહેવું યોગ્ય ના લાગ્યું. એને થયું કે જો એ અત્યારે આ વાત નહિ કરે તો એ પ્રથમ સાથે અન્યાય હશે. અને એણે લંડનમાં હતી ત્યારે આવેલા આકાંક્ષાના ફોન થી માંડીને અત્યાર સુધીની બધી ઘટના વિગતવાર કહી દીધી. સામે છેડે પ્રથમ બધું ધ્યાનથી સાંભળીને પોતાની રીતે પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો..! જેવી સૌમ્યાની વાત પતી એવો વાતનો દોર પ્રથમ હાથમાં લીધો. એણે સૌમ્યાને પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો, " તેં શું વિચાર્યું છે ? "

એના જવાબમાં સૌમ્યા કહે છે કે, " હું હજી મુઝવણમાં છું. એક બાજુ આકાંક્ષાની ઈચ્છા, એક બાજુ અભી અને એક બાજુ તું.. એટલે કે આપણો સંબંધ, પણ બધાની ઉપર છે સમય.. સમયની માંગ સ્વીકારું કે એક એવી લાગણી કે જેના ઉપર કૂંપળ ફૂટવાની શક્યતા છે એ સંબંધને માન આપુ..!?"

લાગણીના જે સ્વીકારની પ્રથમ આતુરતા પૂર્વક રાહ જોતો હતો એ સ્વીકાર આજે એવી પરિસ્થિતિમાં થઈ રહ્યો હતો કે કઈ રીતે રીએક્ટ કરવું એજ ખબર નહતી પડતી. એણે ખાલી એટલું જ પૂછ્યું કે, " જો હું તારી જિંદગીમાં ના હોત તો તારો શું નિર્ણય હોત?"

" તો કદાચ....... તું જાણે છે ને અમારી ત્રણેયની દોસ્તીને..!? સૌમ્યા આટલું બોલી અટકી ગઈ.

"બસ તો તને તારો જવાબ મળી ગયો. હું તને મુક્ત કરું છું. પહેલા પણ હું તારી સાથે હતો, હજી પણ છું અને ભવિષ્યમાં પણ હું તારા દરેક નિર્ણયમાં સાથે રહીશ." પ્રથમ એક પળના પણ વિલંબ વિના બોલ્યો..

આ બોલતા પ્રથમ વિચારી રહ્યો હતો કે એવું તો શું હતું જે એને આમ પ્રેરણા આપી રહ્યું હતું..!? જેના લીધે એ સૌમ્યાની તાકાત બની રહ્યો હતો..!? શું એનો પ્રેમ અલગ ઊંચાઈએ પહોંચીને પ્રેમની પેલે પાર પહોંચી ગયો હતો..!?

પ્રથમની વાત સાંભળીને સૌમ્યા એને મનોમન વંદી રહી.. એને કાયમ બાળક જેવો લાગતો પ્રથમ આજે એટલો મોટો થઈ ગયો હતો કે એની આગળ એ પોતાને વામણી લાગી રહી હતી.

" પ્રથમ.. તને ખબર છે કે તને આદત પડી ગઈ છે મારા પ્રશ્નો ઉકેલવાની..!? સૌમ્યા બોલી..

" હમમ.. મારા જેવો મિત્ર તો તને દીવો લઈને શોધવા જઈશ ને તો પણ નહિ મળે. અને હવે બહુ વિચારતી નહિ. તને જે યોગ્ય લાગે એજ કરજે. "

" હા", એમ કહીને સૌમ્યા ફોન મૂકે છે.

ફોન મૂકતાં જ પ્રથમના સંયમનો બંધ તૂટે છે અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. આ તરફ સૌમ્યાની આંખમાં પણ આંસુ હતા. એ જાણતી ન હતી કે આ પ્રેમની શરૂઆત હતી કે બસ આ નામ વગરના સબંધનો અંત!

આ તરફ આકાંક્ષા બેડરૂમમાં જાય છે. અભી બેડ પર ચહેરા પર કોઈ જ હાવભાવ વગર બેઠો હતો. આકાંક્ષા ફ્રેશ થઇ એસી ઓન કરી બેડ પર બેસે છે. અભી એના હાથમાં સમર્પણ કેન્સર હોસ્પિટલની ફાઇલ મૂકે છે. આકાંક્ષા અભી પાસે આ ફાઇલ જોઈ એકદમ સ્તબ્ધ થઈ જાય છે.

કેવી કસોટી થઈ રહી છે આ,
જિંદગી મોહતાજ બની ગઈ છે આ,
નથી રહ્યું હાથમાં કઈ પણ હવે,
સ્વપ્ન જાણે સરી ગયું છે આ...
©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ