prem agan - 13 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | પ્રેમ અગન 13

Featured Books
Categories
Share

પ્રેમ અગન 13

પ્રેમ-અગન:-13

"મજબૂત રાખું મનને... મારુ હૈયું રહે નય હાથમાં...

જે દી એ હતી સગડું હતું... મારું સુ:ખ એની સાથમાં...

મજબુર થઈ મારે જીવવું રહ્યું...

અને મારા નેણે નીંદના આવતી....

પાદર ઘુમાવે અલ્યા પદમણી,

મને યાદ તારી એ આવતી, મને યાદ તારી આવતી.."

શિવ અને શ્રી ની પ્રેમકહાની નો જે રીતે અણધાર્યો અંત આવ્યો હતો એમાં શિવ શારીરિક અને માનસિક બંને રીતે ઘવાયો હતો..પોતાનાં જીવથી પણ પ્યારી પોતાની શ્રીનાં લગ્ન બીજે થઈ ગયાં બાદ શિવ સંપૂર્ણ રીતે ભાંગી ચુક્યો હતો..કોલેજનું લાસ્ટ સેમિસ્ટર પણ એ સાથે પૂર્ણ થઈ ગયું..શિવ જોડે એન્જીનીયરીંગની ડિગ્રીનું સર્ટિફિકેટ તો હતું પણ એની જોડે એ હોંસલો નહોતો જેનાં થકી એ આ સર્ટિફિકેટનો ઉપયોગ કરી નોકરી મેળવી શકે.

શિવ આખો દિવસ પોતાનાં રૂમમાં જ ભરાઈ રહેતો..મન થાય તો જમતો અને મન થાય તો જ કોઈની સાથે વાતો કરતો..શિવ જોડે જે કંઈપણ બન્યું એની ઉપરથી શીખ લઈને સાગર અને નિધિ એ પોતપોતાનાં ઘરે એમનાં પ્રેમ-સંબંધ ની વાત રાખી દીધી..બંને ની એક જ જાતિ હોવાથી બીજી કોઈ પ્રોબ્લેમ તો ના આવી..પણ નિધિનાં ઘરેથી સાગર જો વિદેશ જાય તો એ લોકો એ બંનેનાં લગ્ન માટે તૈયાર થઈ જશે એવી શરત મૂકી..આ કારણથી જ સાગરે IELTS ચાલુ કરી દીધી.

સાગર અને નિધિ ઘણી વખત શિવને મળીને એનાં દિલનો ભાર હળવો કરવાં એનાં ઘરે આવતાં.. એમની લાખ કોશિશો બાદ પણ શિવ ને શ્રી નાં લગ્નનાં માનસિક આઘાતમાંથી બહાર નિકાળવામાં અસફળ થયાં.પોતાનાં દીકરાની આ સ્થિતિ કુસુમબેનથી જોવાતી નહોતી..છાને ખૂણે એ પણ શિવની હાલત પર રડી લેતાં.

પોતાનો જુવાનજોધ દીકરો આમ કમાવાની ઉંમર માં પોતાનું સઘળું ખોઈ બેઠો હોય એમ જે પ્રકારે વ્યથિત થઈને રૂમમાં ભરાઈ રહેતો એ શિવનાં પિતા હસમુખભાઈ થી સહન નહોતું થઈ રહ્યું..અને હવે શિવને આ બધામાંથી બહાર નીકાળવા એમને નાછૂટકે એક એવી વસ્તુ કરી જેનો વિચાર એ સ્વપ્નેય નહોતાં કરી શકતાં.

એક દિવસ ગુસ્સે થઈ એ શિવનાં રૂમમાં પ્રવેશ્યાં અને શિવ પર તાડુકીને બોલ્યાં.

"ભાઈ હવે તારાં પગનું ફ્રેક્ચર નીકળી ગયું છે..અને તારું એન્જીનીયરીંગનું સર્ટિ પણ આવી ચૂક્યું છે..તો આગળ હવે આમ જ અમારાં માથે બોજ બની પડ્યું રહેવાનું છે કે પછી કંઈક કામ-ધંધે પણ લાગવું છે.."

પોતાનાં પિતાજીનો આવો આકરો સ્વભાવ જોયાં પછી પણ શિવ જાણે કોઈ પ્રતિભાવ આપવાનાં મૂડમાં જ નહોતો..એ તો બસ માથું નીચું કરી ચુપચાપ પલંગમાં બેસી રહ્યો.

"મતલબ કે તું આખી જીંદગી બાપનાં પૈસે જ લીલાલહેર કરવાં માંગો છો..મને બધી ખબર છે કે તારી સાથે શું થયું હતું..તું કોઈ છોકરી જોડે તારી પ્રેમલીલાઓ ફરમાવતો અને એનાં ભાઈએ તારી ઉપર આ હુમલો કર્યો..એ છોકરી તો તને મૂકી બીજે પરણી પણ ગઈ અને તું આમ છોડીઓની માફક ઘરની માંહે ભરાણો છો.."હસમુખભાઈ ઊંચા અવાજે આવેશમાં આવી બોલ્યાં.

હસમુખભાઈનો આવો ગુસ્સાભર્યો અવાજ સાંભળી કુસુમબેન દોડતાં શિવનાં રૂમમાં પ્રવેશ્યાં અને બોલ્યાં.

"શું થયું શિવનાં બાપુ..?કેમ શિવને આમ વઢો છો..?"

"તું હવે મૂંગી મરજે..જો એક હરફ મારાં અને તારાં આ દીકરા વચ્ચે ઉચ્ચાર્યો છે તો તારી ખેર નથી.."વેધક નજરે કુસુમબેન ભણી જોતાં હસમુખભાઈ એ કહ્યું.

એમનો આવો આકરો સ્વભાવ જોઈ કુસુમબેન ચૂપ થઈ ગયાં.. હસમુખભાઈ એ શિવનાં રૂમમાં રહેલી તિજોરી ખોલી અને એમાંથી શિવનાં ત્રણ-ચાર જોડી કપડાં એક બેગમાં ભર્યાં અને પછી શિવનો હાથ બાવડેથી પકડી એને ખેંચીને ઘરનાં ઉંબરે લાવ્યાં.. શિવ ને ઘરની બહાર ધક્કો મારી હસમુખભાઈ એ શિવને એની બેગ આપતાં કહ્યું.

"હવે તું આ ઘરે પગ મુકતો નહીં જ્યાં સુધી તું પગભર ના થઈ જાય.."

હસમુખભાઈનું આવું વલણ જોઈ શિવ હકીકતની દુનિયામાં પાછો આવ્યો..પોતાનાં પિતાજી આ શું કહી રહ્યાં હતાં એ થોડો સમય તો શિવને સમજાયું પણ નહીં..પણ એમને જેવી કપડાં ભરેલી બેગ પોતાનાં હાથમાં મૂકી એ સાથે જ શિવ આંચકા સાથે વર્તમાનમાં આવ્યો.

"પણ પિતાજી હું ક્યાં જઈશ.. મારે ક્યાં જવાનું..?"

"અરે..શિવ નાં બાપુ શું આમ આકરા થાવ છો..ક્યાં જશે આ..?"કુસુમબેન પણ પોતાનાં દીકરાનો પક્ષ લેતાં બોલ્યો.

"તું બંધ થા.."કુસુમબેન પર ગુસ્સે થતાં હસમુખભાઈ બોલ્યાં.

"લે આ પૈસા..અને હાલતીનો થા અહીંથી.."શિવનાં ખિસ્સામાં પોતાનાં ખિસ્સામાંથી જે કંઈપણ રકમ હતી એ મૂકી શિવને ધક્કો મારી હસમુખભાઈ એ કહ્યું.

"મમ્મી,તું સમજાવ ને પપ્પા ને..હું ક્યાં જઈશ.."કુસુમબેન ની તરફ જોઈને શિવ કરગરતાં બોલ્યો.

કુસુમબેને શિવ ની વાત સાંભળી પુનઃ હસમુખભાઈ ને સમજાવવાનો પ્રયત્ન કરી તો જોયો..પણ હસમુખભાઈ પોતાની વાત પર મક્કમ હતાં અડગ હતાં.. શિવ સ્વાભિમાની છોકરો હતો..અને હવે પોતાનાં પિતાની નજરો સામે જ્યાં સુધી પોતે એક યોગ્ય સ્થાન નહીં મેળવી લે ત્યાં સુધી એ ઘરે પાછો નહીં આવે એવું મક્કમ મને વિચારીને શિવે બેગ ખભે કરી અને પોતાનાં માતા-પિતા નાં આશીર્વાદ લઈને ત્યાંથી ચાલી નીકળ્યો.

શિવ નાં જતાં જ કુસુમબેન પોક મૂકીને રડતાં-રડતાં ઘરની અંદર ચાલ્યાં ગયાં..અને ઘરની બહાર ઉભાં-ઉભાં હસમુખભાઈ મનોમન પોતાનો પુત્ર જીંદગીમાં ધારી સફળતા મેળવે તથા માતાજી એની રક્ષા કરે એવી પ્રાર્થના કરવાં લાગ્યાં.શિવ પોતાનાં જીગરનો પણ ટુકડો હતો પણ આમ કર્યાં વિના હસમુખભાઈને બીજો માર્ગ ના સૂઝયો એટલે મને-કમને એમને દિલ ઉપર પથ્થર મૂકી શિવની સાથે આવો વ્યવહાર કરવો પડ્યો.

પહેલાં શ્રી અને હવે પોતાનાં પરિવારનું પોતાનાંથી આમ અલગ થઈ જવું શિવ ને અંદર સુધી ભાંગી મુકવા કાફી હતું..શિવ ઘરેથી નીકળી જુનાગઢ એસટી સ્ટેન્ડમાં આવી સુન-મુન બેસી રહ્યો..પહેલાં તો ત્યાંથી નીકળી ક્યાં જવું એ શિવ ને સૂઝ્યું નહીં..દિશાશુન્ય થઈને દોઢેક કલાક સુધી તો શિવ ત્યાં બેસી રહ્યો..આંખનાં આંસુ પણ હવે તો સુકાઈ ચુક્યાં હતાં.

આખરે શિવ ઉભો થયો અને પાણીની પરબે જઈને પોતાનો આંસુથી ખરડાયેલો ચહેરો ધોયો..આંખો બંધ કરીને પોતાનો અંતરાત્મા નો અવાજ સાંભળવાની કોશિશ કરી..અંતરાત્મા નો અવાજ તો શિવને ના સંભળાયો પણ અમદાવાદ જતી બસનું એનાઉન્સમેન્ટ એનાં કાને પડ્યું..આ એનાઉન્સમેન્ટ જાણે પોતાને પરમકૃપાળુ પરમાત્માનો કોઈ ગર્ભિત ઈશારો હોય એમ માની શિવ જઈને અમદાવાદ જતી બસમાં બેસી ગયો.

અહીંથી શરૂ થઈ શિવ ની mr.શિવ પટેલ બનવાની શરૂવાત.. ટ્રેઇની તરીકે જ્યાં એક મહિનો ટ્રેઈનિંગ લીધી હતી એ કંપનીમાં ફ્રેશર તરીકે ની જોબ..જોડે કામ કરતાં એક મિત્ર જોડે રૂમ ઉપર રહેવું અને પછી જોબ માં દિલ લગાવીને કામ કરવાનાં લીધે મળેલી ઊંચી પોસ્ટ અને પછી તો જોબ મુકતાં ની સાથે જય ની સહાયતાથી શરૂ કરેલી શ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની.

પોતાની મહેનત અને લગનથી શિવે પોતાની સ્થાપેલી શ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને અમદાવાદનાં આઈટી ક્ષેત્રમાં વેંત ઉંચેરા મુકામ પર સ્થાપિત કરી.શિવે બે વર્ષની અંદર તો પોતાનો ફ્લેટ અને ગાડી પણ ખરીદી લીધી..અને શિવે એજ ગાડી ખરીદી જે હસમુખભાઈનાં શેઠ જોડે હતી..ઓડી..ચાર ચાર બંગડીવાળી આ કાર પોતાનાં દીકરા જોડે પણ હોય એવું હસમુખભાઈ નું સપનું હતું જે શિવે સાકાર કરી દીધું.

શિવ જૂનાગઢ મૂક્યાંનાં ત્રણ વર્ષે જ્યારે પોતાનાં ઘરે પહોંચ્યો ત્યારે એની જોડે બધું હતું..નામ,દોલત,કાર.શિવ જાણતો હતો કે એનાં પિતાજીએ પોતે સફળ વ્યક્તિ બને એ જ વિચારથી દિલ ઉપર પથ્થર રાખી હસમુખભાઈ એ શિવને ઘરેથી કાઢી મુક્યો હતો..શિવ જ્યારે એક સક્સેસફુલ બિઝનેસમેન થઈને ઘરે આવ્યો ત્યારે પ્રથમ વખત હસમુખભાઈ એની સામે રડી પડ્યાં.. શિવે પણ બધું જૂનું ભુલાવી પોતાનાં પિતાજીને ગળે લગાવી લીધાં.

"આજે હું બધાં ને કહી શકીશ કે આ છે મારો દીકરો શિવ,જે અમદાવાદનો સફળ બિઝનેસમેન અને હું છું એનો બાપ.."શિવને ગળે લગાવી જ્યારે હસમુખભાઈ ગર્વથી જ્યારે આમ બોલ્યાં ત્યારે તો શિવ અને કુસુમબેન પણ ખુશીથી રડી પડ્યાં.. એક પરિવાર ફરીથી એક થયો હતો..બધાં ખુશ હતાં પણ શિવ હજુપણ શ્રી વગર પોતાનાં પરિવારને અધુરો સમજતો હતો.

શિવે પોતાનાં માતા-પિતા ને પોતાની સાથે અમદાવાદ આવી જવાં ઘણું કહ્યું..પણ હસમુખભાઈ એ પોતે જ્યાં સુધી હાથ-પગ ચાલશે ત્યાં સુધી જૂનાગઢ નહીં મૂકે એમ કહી શિવની વાતને નકારી દીધી..મમ્મી પપ્પા તો જોડે ના આવ્યાં પણ માતા-પિતા નાં અવસાન પછી પોતાનાં મહોલ્લામાં નાનાં-મોટાં ઘરકામ કરી ગુજરાન કરતાં હમીર ને શિવ પોતાની સાથે લઈ ગયો.

પોતાની વીતેલી જીંદગી ની યાદોને વાગોળતાં વાગોળતાં શિવ જ્યારે પુનઃ વર્તમાનમાં પાછો આવ્યો ત્યારે દિલ્હી થી ઉપડેલી ફ્લાઈટ શિમલા આવી પહોંચી હતી.સમુદ્ર ની સપાટીથી 2300 મીટર ઊંચાઈએ સાત પહાડીઓ નાં એકત્રીકરણથી બનેલું આ શહેર પોતાનાં પ્રાકૃતિક સૌંદર્યથી વર્ષે-દહાડે લાખો સહેલાણીઓને પોતાની તરફ આકર્ષતું રહ્યું છે.

વર્ષો સુધી પોતાની આ જ નૈસર્ગિક સુંદરતા ને લીધે બ્રિટિશ સરકાર દ્વારા શિમલા ને પોતાની ગ્રીષ્મકાલીન રાજધાની જાહેર કરવામાં આવી હતી.બ્રિટિશરો નાં વર્ષો સુધીનાં વસવાટ ને લીધે શિમલામાં મોટી સંખ્યામાં કલાત્મક ચર્ચ બન્યાં હતાં..વર્ષનાં અમુક સમય દરમિયાન થતી હિમવર્ષા નો લૂફ્ત ઉઠાવવા મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં આવી પહોંચતાં..સહેલાણીઓ અને પર્યટકો નાં ઘસારાને લીધે શિમલામાં હોટલ બિઝનેસ મોટાં પાયે વિકસેલો છે.

એરપોર્ટ ની બહાર પગ મુકતાં જ શિવ અને હમીર ને જય દ્વારા એમનાં માટે બુક કરવામાં આવેલી શિમલાની સૌથી મોટી હોટલ એવી ઓબેરોય હોટલથી પીક કરવાં માટે કાર આવી પહોંચી..કલાકની સફર બાદ શિવ જ્યારે મુખ્ય શહેરથી થોડે દુર ઊંચાઈ પર આવેલી અને ચોતરફ વનરાજીથી ઘેરાયેલી હોટલ ઓબેરોય પર પહોંચ્યો ત્યારે શિવ મંત્રમુગ્ધ થઈ ગયો.

કામનાં લીધે શિવ ઘણી વાર વિદેશ તો ગયો હતો પણ ક્યારે કોઈ પર્યટન સ્થળની મુલાકાત એને નહોતી લીધી..એ પોતાની શ્રી જ્યાં ખરીદી કરવાનું સપનું જોતી હતી એવાં લોસ એન્જલસ અને ઈસ્તુંબલ નાં મોલ માં જઈને પણ શોપિંગ કરી આવ્યો હતો પણ આજે એ પ્રથમ વખત કામનાં લીધે નહીં પણ ફક્ત ફરવાનાં ઉદ્દેશથી અમદાવાદની બહાર નીકળ્યો હતો.

ઓબેરોય હોટલની ફરતે ની કુદરતી સુંદરતા જોઈને શિવનું મન ઝૂમી ઉઠ્યું..હમીર તો પોતે જાણે સ્વર્ગમાં આવી પહોંચ્યો હોય એવી દિવ્ય અનુભૂતિ કરી રહ્યો હતો.પોતાને ફાળવેલાં રૂમમાં પહોંચી શિવે સૌપ્રથમ તો જયને કોલ કરી પોતે હોટલ રૂમ સુધી આવી ગયો છે એની જાણકારી આપી દીધી..સાથે-સાથે શિવે જયનો આવી સુંદર હોટલ બુક કરાવવા માટે આભાર પણ માની લીધો.

"શિવ ભાઈ..અહીં તો વગર એસીએ પણ ઠંડુ ઠંડુ લાગે છે.."રૂમની બારી ખોલતાં જ હમીર બોલ્યો.

"હા ભાઈ હવે હિમાલયની ગોદમાં આવી પહોંચ્યા એટલે ઠંડક તો રહેવાની જ..હું જમવાનું ઓર્ડર કરીને ફ્રેશ થઈ આવું..તું ત્યાં સુધી બેગમાંથી બધો સામાન અલમારીમાં મૂકી દે.."હમીરને આટલું કહી શિવે હોટલ સર્વિસ પર કોલ કરી જમવાનું મંગાવી લીધું.

જમવાનું પૂર્ણ થયું ત્યાં જ લાંબી મુસાફરીથી થાકેલો શિવ આરામ કરવાં પલંગમાં આડો પડ્યો..થાકનાં અને ઠંડકનાં લીધે શિવને નીંદર આવી ગઈ..હમીર પણ પડતાં ની સાથે જ સુઈ ગયો.

શિવ ને સપનાંમાં પણ પોતાની મનની માનેલી શ્રી જોડે જોયેલાં એ બધાં સપના યાદ આવવાં લાગ્યાં.. જેમાંથી એક સપનું હતું કે લગ્ન પછી એ બંને હનીમુન માટે શિમલા આવશે..આજ મીઠી યાદોને મનમાં ભરીને શિવ ચહેરા પર સ્મિત સાથે સુઈ ગયો.શિવને ખબર હતી કે પોતાને શ્રીનાં દર્શન પણ ક્યારેય થવાનાં નથી છતાં શિવ ક્યારેક કુદરત જોડે કંઈક માંગતો જેનો કુદરત પણ એવો જવાબ આપતી જે સાંભળી શિવ નિરુત્તર થઈ જતો.

​”એના પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી ,

એનુ ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી ,

કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા ,

કુદરતે કહ્યુ મજબુર છુ આવા સુંદર બીજા અંગ નથી….. "

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિમલામાં શિવની સાથે શું થશે.?શિવની જીંદગીમાં બીજું કોઈ આવશે કે નહીં...?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)