મનહરભાઈ અને ભાવનાબહેન નાં દુઃખ નો કોઈ પાર નહોતો. પરંતુ તેમણે આકાંક્ષા ની ગોદ ભરાઈ ના પ્રસંગ પછી જ ભરતભાઈ અને દમયંતીબહેન સાથે વાત કરવા નું નક્કી કર્યું. અને ત્યાં સુધી તન્વી ને સમજાવવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું . ફક્ત ભરતભાઈ ને એજ જણાવ્યું કે તન્વી ને હજી થોડો વધારે સમય જોઈએ છીએ તેથી સગાઈ નો પ્રસંગ થોડા સમય પછી રાખીશું. ભરતભાઈ એ એમની ઈચ્છા માન્ય રાખી .
હૉલ માં મહેમાનો આવી ગયા હતાં. આકાંક્ષા નો પિતરાઈ ભાઈ વિજય સીધો હૉલ પર જ આવી ગયો. વિદેશી ફૂલો ની સજાવટ પ્રસંગ માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં. આકાંક્ષા આવી અને એની ગોદ ભરાઈ ની વિધિ શરૂ થઈ. સૌ પ્રથમ ગુજરાતી પારંપરિક રીતે અને પછી મહેમાનો ની ઈચ્છા ને માન્ય રાખી મહારાષ્ટ્રિયન પદ્ધતિ થી સજાવેલા ઝુલા પર બેસાડી ને ઑટી ભરી ને વિધિ સંપન્ન કરી .
ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રસંગ પરિપૂર્ણ થયો. ખુશહાલી સાથે સૌ ઘરે આવ્યા. અને આકાંક્ષા ની મુહુર્ત પ્રમાણે વિદાય ની તૈયારી કરવા માં આવી. બા નું પણ એમની ઈચ્છા મુજબ આકાંક્ષા સાથે જ રિઝર્વેશન કરાવ્યું હતું. દમયંતી બહેન ની આંખો ભરાઈ આવી , દિકરી ની વિદાય જેવી જ લાગણી એમના મન માં ઊઠી આવી.
" તબિયત સાચવજે . આવતા મહિને અમોલ ને લેવા મોકલીશ . થોડો વખત ત્યાં મન વિહારો કરી આવ . "
ટ્રેન નો સમય થઈ ગયો હતો આકાંક્ષા , વિજય અને બા ત્રણે ગુજરાત જવા માટે ટ્રેન માં બેઠા . ભરતભાઈ અને એમનો આખો પરિવાર રેલવે સ્ટેશન ગયા હતા . ટ્રેન ઉપડી પછી ઘર પરત ફર્યા . આકાંક્ષા અને બા વગર ઘર જાણે સુનુસુનુ લાગી રહ્યું હતું. પ્રસંગ નો થાક લાગ્યો હતો અને તેથી ઊંઘતા ની સાથે સવાર ક્યારે પડી કોઈ ને ખબર જ ના પડી.
તન્વી ને સમજાવવા નાં તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ મનહરભાઈ અને ભાવનાબહેન પાસે હવે એક જ વિકલ્પ રહ્યો હતો ; ભરતભાઈ અને દમયંતીબહેન સાથે આ વિષય વિશે વાત કરવા નો . તેથી તેઓ ભરત ભાઈ ને મળવા માટે એમના ઘરે ગયા . હિંમત નહોતી ચાલી રહી પરંતુ વાત કરવી જરુરી તો હતી , તેથી મનહરભાઈ એ હિંમત કરી ને સૌ પ્રથમ ભરતભાઈ ને એ સમસ્યા થી વાકેફ કરતા કહ્યું , " એક મદદ જોઈતી હતી . અમોલ ને તમારા તરફ થી સમજાવો કે એ તન્વી સાથે સંબંધ ના રાખે . તન્વી ને અમે સમજાવી ને થાક્યા પણ એ ટસ ની મસ નથી થઈ રહી . "
ભરતભાઈ માટે આ એક મોટો ધ્રાસ્કો હતો . અમોલ નું આખું વિપરીત ચિત્ર એમની સામે આવ્યું હતું . એમનાં માન્યા માં ના આવે એવી વાત હતી . વિશ્વાસ કરવો મુશ્કેલ હતો . ભરતભાઈ નાં ગંભીર હાવભાવ જોઈને દમયંતી બહેને પૂછ્યું, " કંઈક ચિંતાજનક વાત છે ?" . ભાવનાબહેને દમયંતીબહેન ને સઘળી વાત કરી. પરંતુ દમયંતી બહેને મનહરભાઈ અને ભાવનાબહેન ને જવાબ આપ્યો , " તમે જે કંઈ પણ આરોપ અમારા દીકરા પર લગાવ્યો છે એ મને માન્ય નથી . મારો દીકરો એવું ક્યારેય કરી શકતો નથી . "
" અમે તો મદદની આશાએ આવ્યા હતા . તન્વી ને સમજાવવા નાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી તમારી પાસે મદદ ની ભીખ માંગવા આવ્યા છીએ . અમોલ મારા પણ દિકરા જેવો છે , એનાં પર આરોપ અમે શા માટે લગાવીએ ? અમને આવા અપમાન ની આશા નહોતી. અને અમે અમારી છોકરી ને શું કામ બદનામ કરીએ ? ગૌતમ સારો જ છોકરો છે અને અમે તો એજ સંબંધ માં રસ ધરાવીએ છીએ . " મનહરભાઈ એ કહ્યું.
ભરતભાઈ ને પણ એ વાત નો અહેસાસ થયો કે આવેશ માં આવીને દમયંતીબહેન થોડું વધારે જ બોલી ગયા . એમણે અમોલ અને તન્વી સાથે સામસામે વાત કરવા ભલામણ કરી . અમોલ ને ફોન લગાવ્યો પરંતુ અમોલ મિટિંગમાં હોવાથી ફોન ઉપાડી શક્યો નહીં . તન્વી ને પણ ફોન કરી બોલાવવામાં આવી . તન્વી એ અમોલ ને ફોન કર્યો . અમોલે મીટીંગ ની વચ્ચે બે મિનિટ બ્રેક લઈને તન્વી નો ફોન લીધો . તન્વી એ અમોલ ને તેની સાથે આવવા ભલામણ કરી. પરંતુ અમોલે ખૂબ જ મહત્વ ની મિટિંગ હોવા થી થોડી રાહ જોવા કહ્યું.
તન્વી જાતે જ અમોલ નાં ઘરે પહોંચી ગઈ . થોડા ખચકાટ સાથે ઘર માં પ્રવેશી. દમયંતી બહેને એને બેસવા કહ્યું . અમોલ ને આવવા માં વાર હતી તેથી સૌપ્રથમ દમયંતી બહેને તન્વી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો , " જો બેટા ! જે થઈ ગયું એ જવા દે . પરંતુ તારી જીંદગી માટે કોઈ વ્યવસ્થિત છોકરો શોધી લે અને પરણી જા! એ જ હિતાવહ છે . ગૌતમ સાથે લગ્ન ના કરવા હોય તો કોઈ વાંધો નથી . પરંતુ એક સ્ત્રી થઈ ને સ્ત્રી ની તકલીફ સમજ . આકાંક્ષા પર શું વિતશે એ વિચાર્યું છે ? "
" આકાંક્ષા ની તકલીફ હું સમજું છું . પણ એ તો અમોલે વિચારવા નું છે . નિર્ણય તો એણે જ લેવાનો છે ને ? અને રહી વાત ગૌતમ ની તો
ગૌતમ આ વાત જાણે છે તેથી જ એણે આ સંબંધ માટે ના પાડી છે . " તન્વી એ કહ્યું .
" ગૌતમ આ વાત જાણે છે ? એણે પણ આ વાત છુપાવી મારા થી ??? હે ! ભગવાન , આ ઘર માં થઈ શું રહ્યું છે ? આ ઘર ને કોઈ ની નજર લાગી ગઈ છે કે શું. ? " દમયંતી બહેને કપાળે હાથ રાખતા કહ્યું .
બેલ વાગ્યો . દમયંતી બહેને દરવાજો ખોલ્યો . અમોલ આવ્યો હતો . દરવાજે ઊભેલો અમોલ દમયંતીબહેન સાથે નજર ના મિલાવી શક્યો. દમયંતીબહેન નાં ચહેરા પર અમોલ પ્રત્યે નારાજગી ભારોભાર દેખાઈ રહી હતી . અમોલ તન્વી સાથે સોફા પર બેઠો . શૂન્યવત શાંતિ છવાયેલી હતી. સર્વે નાં મન માં વિચાર વમળ છવાયેલા હતાં છતાં વાત ની શરૂઆત કેવીરીતે કરવી એ કોઈ ને સમજાઈ નહોતું રહ્યું .
છેવટે ભરતભાઈ એ વાત ની શરૂઆત કરી. " અમોલ ! મને વિશ્વાસ નથી બેસી રહ્યો . તારા મોઢે એક વાર સાંભળવું છે , શું તારા અને તન્વી નાં સંબંધ ની વાત સાચી છે ?" અમોલ ચૂપચાપ હતો , બોલવું હતું પરંતુ બોલવા ની હિંમત ખૂટી રહી હતી .
" મને તો આકાંક્ષા ની ચિંતા થાય છે . એને ખબર પડશે તો શું થશે ? સારું છે આ બધી વાત એના ગયા પછી થાય છે . " દમયંતી બહેને કહ્યું
આકાંક્ષા સુખરુપે એના પિયરે પહોંચી ગઈ . પરંતુ તેનું મન નહોતું લાગી રહ્યું . સંધ્યાકાળે એણે પોતાના એક ટીચર જયાબહેન ને મળવા ની ઈચ્છા દર્શાવી . આકાંક્ષા જયાબહેન ની પ્રિય વિદ્યાર્થિની હતી અને જયાબહેન આકાંક્ષા નાં પ્રિય શિક્ષિકા .
આકાંક્ષા જયાબહેન નાં દરવાજે જઈને ઉભી રહી . ફક્ત જાળી બંધ હતી . એણે જોર થી જાળી ખટખટાવી . જયાબહેન બહાર વરંડા માં આવ્યા. કંઇજ ખ્યાલ નહોતો આવી રહ્યો . જાળી ની સ્ટોપર ખોલી . " અરે ! આકાંક્ષા તું ભૂલી પડી અહીં ! શું વાત છે. " જયાબહેન બોલ્યા. આકાંક્ષા એમને ભેટી પડી. જયાબહેને તેના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું , " કેમ છે , બેટા ! "
" મજામાં બેન ! " આકાંક્ષા એ કહ્યું અને જાળી બંધ કરી . એજ વર્ષો પહેલા નો જાળી નો ચીચૂડ અવાજ આવ્યો . " બેન ! તમારું ઘર હજી પહેલાં જેવું જ છે , હું નાની હતી ને આવ્યા કરતી હતી તેમ . "
" હા ! આ તારા બેન હજી આધુનિક થયા નથી . હજી પહેલાં ની માફક જ જીવે છે " કહી પાણિયારે નાં માટલાં માં થી પાણી નો ગ્લાસ ભરી ને આપ્યો. પાણી નો ગ્લાસ લેતાં લેતાં આકાંક્ષા ની આંખ નાં ખૂણા ભીના થઇ ગયા .
" અમુક વસ્તુ ઓ આધુનિક ના થાય તો પણ સારું છે. આજે વર્ષો પછી તમારા જુનાં ઘરે મારી આગળ મારું બાળપણ લાવી ને મુકી દીધું . " આકાંક્ષા એ કહ્યું
" હવે ! તો તારે પણ બાળક આવશે. જોડકાં લાગે છે !!! " જયાબહેને કહ્યું.
" હા ! " કહી આકાંક્ષા એ પાણી પીધું. જયાબહેન આકાંક્ષા ને જોઈ રહ્યા. " આ દિવસો ની ખુશી અલગ જ હોય છે . પરંતુ તારા ચહેરા પર થી એ ગાયબ કેમ છે ? "
આકાંક્ષા કંઈ પણ બોલ્યા વગર જયાબહેન ને જોતી રહી. " ચાલ ! બોલી નાખ હવે ! બાળપણ ની આદત છે , ચૂપ રહેવા ની .. શું થયું ? "
જયાબહેન નું વાક્ય પૂર્ણ થતાં ની સાથે જ આકાંક્ષા ચોધાર આંસુડે રડી પડી. " બેન ! તમારી હંમેશા અવ્વલ નંબરે આવનારી આકાંક્ષા આજે જિંદગી ની પરીક્ષા માં નાપાસ થઈ ગઈ !!!! હારી ગઈ છું. તદ્દન હારી ગઈ છું ." જયાબહેન કરુણા દ્રષ્ટિ એ આકાંક્ષા ને નિહાળી રહ્યા .
( ક્રમશઃ)