આખી રાત પડેલા મૂશળધાર વરસાદને લીધે સજ્જનપુર ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયેલું જણાતું હતું. મોરલાના ટહુકાઓના અને દેડકાઓના અવાજો વાતાવરણને અલગ જ અહેસાસ કરાવતાં હતાં. પોતાની પથારીમાંથી ઊભા થઈ નિત્યક્રમ મુજબ કમળાબાએ કરદશૅન કરી ભગવાનને યાદ કરી ધરતી પર પગ મુક્યો. વરસાદી વાતાવરણ અને વીજળીના કડાકાને લીધે અધૂરી ઊંઘ તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહી હતી.
કમળાબા ૬૦ વરસના ભક્તિભાવવાળા એક સ્ત્રી હતા. નાની ઉંમરે વિધવા થયેલા કમળાબાના બે પુત્રો પોતાના પરિવાર સાથે શહેરમાં સુખેથી રહેતા. તેઓ જમનાબાને પણ શહેરમાં રહેવા માટેનો આગ્રહ કરતાં પણ કમળાબા કહેતા કે, શહેર કરતા અમારે ગામડું ભલું, ગામડાની ચોખ્ખી હવામાં શરીરે સારું રહે ને તમારા શહેરમાં નર્યું પ્રદૂષણ ને ટ્રાફિક. આવો જવાબ સાંભળી તેમના દીકરાઓ પણ બા ની મરજીને ધ્યાનમાં રાખી તેમને વધારે આગ્રહ કરતાં નહોતા.
કમળાબા ઘરની સાફસૂફી કરતા હતા ને અચાનક તેમને કૂતરાના ગલૂડિયાઓનો અવાજ સંભળાયો. પોતાના ઘરની પાછળના વાડામાં જઈને જોયું તો કૂતરીએ પાંચ ગલૂડિયાઓને જન્મ આપ્યો હતો. પણ વરસાદી વાતાવરણને લીધે તેઓ બધા ઠંડીમાં કાંપી રહ્યા હતા. કમળાબા અબોલ જીવો પ્રત્યે અપાર લાગણી ધરાવતા હતા. તાત્કાલિક તેમણે કોરી જગામાં કોથળો નાખી બધાને તેના પર સૂવડાવ્યા. વિવાયેલ કૂતરી માટે પણ તેમણે શીરો બનાવીને ખવડાવ્યો. જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા તેમ કૂતરીના ગલુડિયા પણ મોટા થવા લાગ્યા પણ તેમા એક કાબરી કૂતરી પર કમળાબાને વિશેષ પ્રેમ હતો. કાબરી કૂતરી પણ કમળાબાના ઘેર જ રહેતી. કમળાબા માટે પણ કાબરી કૂતરી ઘરના એક સભ્ય જેવી જ હતી.
એવામાં એકવાર ઉનાળાનો સમય હતો. કમળાબા પોતાના આંગણામાં સૂતા હતાં. તેવામાં તેમના ઘરની પાછળ વાડામાં થોડી ખળભળાટ થતાં કાબરી કૂતરી સચેત થઈ તે દિશામાં જોઈ ભસવા લાગી. કાબરીના ભસવાનો અવાજ સાંભળી કમળાબા પણ જાગી ગયા. તેવામાં કમળાબાને પણ તેમના પાછળના વાડામાં બે વ્યક્તિની વાતચીત કરતા હોય તેવું માલુમ પડતાં કમળાબાને અંદાજ આવી ગયો કે નક્કી વાડામાં ચોર ઘૂસ્યા છે. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી ચોર.. ચોર.. એવી બૂમો પાડવા લાગ્યા.તેમની બૂમો સાંભળી તેમના ફળિયાના માણસો પણ ત્યાં આવી પહોંચ્યા. ફળિયાના બે યુવાનો તેમના વાડામાં તપાસ કરવા ગયા. ત્યાં તો તેમણે ચાર જણાંના ભાગવાનો અવાજ સંભળાતા તે યુવાનો પણ તેમની પાછળ દોડ્યા પણ ચોરો ભાગવામા સફળ રહ્યા. આજે કાબરીના લીધે સજ્જનપુર ગામમાં ચોરી થતા અટકી. કાબરીની વફાદારીને કમળાબાએ પણ બીરદાવી. ગામલોકોએ પણ કમળાબા અને કાબરીના પ્રેમને બિરદાવ્યો.
કમળાબાની ઉંમર થવાને કારણે હવે તેમની તબિયત નરમ ગરમ રહેવા લાગી. ઘરકામ તેઓ માંડ માંડ કરી શકતા હતા. તેમના દિકરાઓ પણ તેમને શહેરમાં આવી જવાનું કહેતા પણ કમળાબા એક બે દિવસ રહેતા પછી તેમને કાબરી કૂતરીની યાદ આવતા તેઓ પાછા ઘેર આવી જતા. કાબરી પણ કમળાબા તેમના દિકરાને ઘેર જતા ત્યારે એમના ઘેર બેસી રહેતી. અને કમળાબા આવે ત્યારે એમને લાડ કરવા લાગતી, જાણે વાટ ના જોતી હોય તેમ. કમળાબાની તબિયત સારી રહેતી ના હોવા છતાં તેમણે કાબરીના લીધે ગામડામાં જ રહેવાનું નક્કી કરી દીધું. આમ ને આમ સમય જતાં કમળાબાની ઉંમર વધારે લથડવા લાગી. તેમના દીકરાઓ પણ બાની સેવા માટે ગામડે આવી ગયાં. કમળાબા હવે પથારીવશ થઈ ગયા હતા પણ પથારીમાં પડ્યા પડ્યા પણ તેઓ કાબરીની ચિંતા કરતા કે કાબરીને ખવડાવ્યું કે નહીં. તેમના દિકરાઓ પણ બાની સેવા મન લગાવીને કરતા અને બાને જીવથી પણ વાલી એવી કાબરીની સંભાળ પણ લેતા.
એક દિવસ રાત્રે બધા સૂતા હતા ત્યારે અચાનક કમળાબાને હાંફ ચડવા લાગ્યો તેમના દિકરાઓ પણ જાગીને તેમની જોડે આવી ગયા અને તેઓ પણ બાનો અંતિમ સમય આવી ગયો છે તેવું જણાતા રામ.. રામ.. એવું બોલવા લાગ્યા. એવામાં જ કમળાબા જોરથી ઝાટકો લાગ્યો હોય તેમ ઊછળીને ઢળી પડ્યા ને કમળાબાનો જીવ નીકળી ગયો. તેમના દિકરાઓએ પણ ભારે હૈયે બાને વિદાય આપી ને આંખોમાંથી આંસુ સરી પડ્યા.
સવાર પડતાં જ જેમ જેમ કમળાબાની વાત ફેલાતી ગઈ તેમ ગામલોકો ને સગા સંબંધીઓ આવી ગયા. કમળાબાના અંતિમ સંસ્કારની તૈયારી થવા લાગી. એવામાં ગામલોકોએ જોયું કે કાબરી કૂતરી આંગણામાં આંસુ સારતી નજરે પડી. કાબરીને પણ પોતાના કમળાબા નથી રહ્યા તેનો અંદાજ આવી ગયો. તેમની અંતિમયાત્રાના સમયે કાબરી પણ જોડાઈ ને તેમની અંતિમયાત્રાની પાછળ પાછળ ગામના ચોરે સુધી ગઈ.
કમળાબાના અંતિમસંસ્કાર પત્યા બાદ ગામલોકો ને સગાસંબંધીઓ જવા લાગ્યા. કાબરી પણ જાણે કમળાબાના વિરહને લીધે ખિન્ન રહેવા લાગી. રાત્રે ગામવાસીઓ કમળાબાના ઘેર બેસવા માટે આવ્યા. તેમના દિકરાઓને સાંત્વના આપી. રાતનો સમય થતાં બધા ઘેર જવા લાગ્યા. કમળાબાના દિકરાઓ પણ હવે સૂવાની તૈયારી કરવા લાગ્યા.
બીજા દિવસે સવારે જ્યારે કમળાબાનો પૌત્ર કાબરીને ખવડાવવા માટે શોધવા લાગ્યો પણ કાબરી ન મળતાં તે ગામમાં શોધખોળ કરવા લાગ્યો પણ કાબરી મળી નહીં તેવામાં તે વાડામાં જતાં કાબરી ઢળી પડેલી જોતાં તેને પોતાના પિતાને બોલાવ્યા. તપાસ કરતા માલુમ પડયું કે કાબરી મૃત્યું પામી હતી. ગામમાં પણ આ વાત ફેલાવા લાગી. કમળાબાના વિરહમાં કાબરી એક દિવસ પણ ના રહી શકી. ગામલોકો પણ કમળાબા ને કાબરીના પ્રેમને માની ગયાં. ગામલોકોએ મળીને કાબરીને ગામની બહાર દફનાવી. આજેપણ સજ્જનપુર ગામના લોકો પશુ પ્રેમની વાત આવે ત્યારે કમળાબા ને કાબરીને અવશ્ય યાદ કરે છે.