લગ્નસરાની ઋતુ પૂરી થવા આવી, વસંત પરાકાષ્ઠાએ પહોંચ્યો અને ફાગણ આવી બેઠો ત્યારે ફૂલોનાં વલ્કલ અને સોનારૂપાનાં આભૂષણોની વાત કરવી ચોક્કસ ગમશે. ફક્ત આભૂષણો જ શા માટે? વસ્ત્રસજ્જા સાથે જોડાયેલ તમામ બાબતો અતથી ઈતી સમાવી લેવાનું મન થાય એવું છે.
સ્ત્રીઓ હોય કે પુરુષો માત્ર વસ્ત્રો ધારણ કરીને જીવનનિર્વાહ ચલાવી નથી લેતાં. એમના શરીરે ઢંકાય એવાં ફકત કપડાં નથી હોતાં, એવી અનેક ચીજવસ્તુઓ હોય છે કે સર્વાંગી સુંદરતાને કાજે પૂરક અને સુશોભનને પ્રેરક હોય છે. દેવ-દેવીઓની મૂરતી અને એમનાં સાજ શિંગારમાં પણ સોળ શણગારની વાત છે જ, એટલે પગના નખથી લઈને માથાંની ટીલડી સુધીનાં દરેક અંગોને સુશોભિત કરવાની, અલંકારિત કરવાની વાત આપણાં પુરાણો – શાસ્ત્રોમાં સમાવિષ્ઠ છે જ.
નવું ઘર ખરીદાયું હોય ત્યારે તેને સજાવવા નવા સોફાસેટ આવે. તેની સાથે એના આકાર, રંગ અને કદને અનુરૂપ ગાલિચા અને તકિયા પણ આવે. નવો પલંગ આવે, તેની સાથે એના માપનું ગાદલું અને ઓશિકાં આવે. સાથે સાથે મેળ ખાતી ચાદર અને ગલેફ તો આવે જ ને ! દિવાલ અને બારી અનુસાર પડદા લેવાય અને એને શોભતાં તોરણ અને લટકણ પણ ટીંગાડાય ! મોટા ખટારા હોય કે નાજૂક સ્કૂટર વાહનો સાથેય કેટલીય નાના-મોટાં એવાં સંસાધનો કે સુશોભનો આવે કે જે શોભામાં અભિવૃદ્ધિ કરે અને એના વપરાશમાં વધુ ઓપ આપે. આમ એક બાબત સાથે અનેક વસ્તુઓ સંકળાયેલી છે. કદાચ એવુંય બને કે ફકત નવા સોફા લેવાય, તકિયા અને ગાલિચા ન લઈએ તોય ચાલે જ ને? જરૂરી નથી કે એક મુખ્ય વસ્તુની સાથે અન્ય પૂરક વસ્તુ વપરાય. ન વાપરીએ તો પણ ખાસ વાંધો ન આવે. બસ આજ વસ્તુઓ એટલે એસેસરીઝ. જેમના વગર ચાલે જ નહીં અને એ અનિવાર્ય પણ નથી જ હોતું.
ચહેરાની સુંદરતાના કામણ અનેરાં હોય છે. એને નિતનવાં વાનાં સજવા જોઈએ. ફેસ ફેશન પણ ખૂબ મહત્વ ધરાવે છે. ચહેરા પર થતા મેક-અપ, ફેસિયલ મસાજ અને ચહેરા ઉપર પહેરાતાં આભૂષણો પણ બહુ જ પ્રચલિત છે. આભૂષણોમાં તો અધધ વિકલ્પો અને અનેક પંદગીઓની શક્યતાઓ છે. સોનારૂપાના જ નહીં ઈમીટેશન ફેશન જ્વેલરીઝ અને ૧ ગ્રામ ટચનું સોનાનું ઘરેણું કે પછી ગિલેટ ચડાવેલ ઘરેણું પણ ખૂબ ખરીદાય છે અને પહેરાય છે. કપાળે શોભતી, ટીલડી, બોર કે સર. અંબોડાની પીન, ઝાળી, કાનની સર, બુટી, કુંડળ, ઝૂંમકાં. નાંકની વાળી, ચૂંક, નથડી. નાજૂક અને નમણી શી ડોકે જુદજુદા ઘાટના હાર પહેરાયા હોય. ટૂંકું ડોકિયું અને લાંબી મણકાવાળી માળા. હાથમાં કંગન, પાટલા, ચૂડી-બંગડીઓ, બાવડે બાજુબંધ અને કાંડે પોચા. કમરના કંદોરા અને ઝૂડા. પગની પાનીએ કડલાં, ઝાંઝરી, પાયલ અને પગની આંગળીએ માછલી વેઢાં.
આહા ! ભારતીય સ્ત્રીઓ અનેકાનેક સાજ શૃંગાર કરીને જાજરમાન લાગતી હોય છે. એમને ક્યાં ફકત સાડી પોલકું કે ચણીયાચોળી પહેરીને ચાલે? ફૂલોના ગજરાય જોઈએ અને અત્તરના પમરાટ વિના થોડું રહેવાય? ભાલે કુમકુમના ચાંદલા હોય અને આંખોમાં ઘેરું કાજળ આંજ્યું હોય ! હોઠે રતુમડા રંગ રંગ્યા હોય. હથેળીએ અને પગની પાનીએ અલ્તો લાગ્યો હોય. તોય કંઈક એમ લાગે કે કંઈક ખૂટ્યું તો નથી ને શણગારમાં હેં?
આ તો થઈ ભારતીય અસલ માનૂનીની વાત. પણ આજની આધુનિક સ્ત્રીઓ પણ એમને મનગમતાં કપડાંઓમાં પણ સુંદર લાગે છે. એમની રોજિંદી વપરાશની વસ્તુઓની યાદી પણ ઓછી નથી. અત્યારનો ટ્રેન્ડ છે પ્રસંગ અનુસાર પોશાક અને એને મેળ ખાતી એસેસરીઝ વાપરવાનો. લગ્ન પ્રસંગ હોય તો એને મેચિંગ બધી જ વખરી હોય. ફરવા ગયાં હોઈએ તો હળવાં અને આરામદાયક હોય. ઓફિસ વેર કે પાર્ટિવેર સાથે મેચિંગ વસ્તુઓનું કલેક્શન હોય જ. સનગ્લાસીસ, હેન્ડબેગ, પાર્ટી વેર ક્લચ, સ્લિંગ બેગ, સ્લિપર, ચપ્પલ, સેંન્ડલ કે બુટસ, સ્કાર્ફ, દુપટ્ટા અને સ્ટોલ…
નાની નાની ફેશન સ્ટ્રીટની રેંકડી જેવી દુકાનો હોય કે મેઘામોલ, ઝીણુંઝીણું કંઈને કંઈ મળે. ખૂબ સુંદર અને લોભામણું લાગે સ્ત્રીઓને એટલે એ ખરીદ્યા વિના રહે જ નહીંને. ! ફકત મેઈન સ્ટ્રીમ માર્કેટ જ ફેશન સ્ટેટમેન્ટને અનુરૂપ વર્તે છે એવું નથી. આ દરેક ફેશન પૂરક અને પ્રેરક વસ્તુઓનું પણ મસમોટાં બજારો છે અને એની કાયમની અવિરત માંગ પણ છે !
એસેસરીઝના કલેક્શનની બાબતમાં પુરુષોની યાદી પણ નાની નથી. ફક્ત શર્ટ પેન્ટ કે કોટ સૂટ કે પછી જભ્ભો લેંઘો થોડો ચાલે? પોકેટ પર્સ, બેલ્ટ, બટન્સ, કફ, હૅટ, કેપ, ટાઈ, બો અને સ્ટોલ તો એમના માટે પણ અઢળક પસંદગીના વિકલ્પો છે. પુરુષોના સન્ગ્લાસીસ અને રીસ્ટવૉચનું બજાર તો સ્ત્રીઓના મેક-અપની વસ્તોની માંગ જેટલી જ હશે કદાચ !
વેસ્ટર્ન લૂકમાં કેપ, હેટ, બો, ટાઈ, ચશ્માં, ઘડિયાળ, જૂતાં-ચપ્પલ-સેંડલ, પર્સિસ, વૉલેટ, સ્પોર્ટસવેર જેવી અનેક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ સ્રીઓ અને પુરુષો બંને સરખે ભાગે કરી શકતાં હોય છે અને જેમાં ખૂબ વિશાળ પસંદગીનો લાભ પણ મળે છે.
કંઈક વપરાય, કઈંક ન વપરાય પણ આ બધી જ વસ્તુઓ ઘરમાં આવે જ. ગમતીલો ખર્ચો કર્યા વિના રહેવાય જ નહીં ને. ‘એસેસરીઝ’ની પસંદગી અને ખરીદી એટલે જી લલચાય, રહા ન જાય જેવું.
- કુંજલ પ્રદીપ છાયા
આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com