Ruh sathe ishq return - 27 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાજે ઈશ્ક રિટર્ન 27

The Author
Featured Books
Categories
Share

રૂહ સાજે ઈશ્ક રિટર્ન 27

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 27

રાજુ ની મોત ને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યાં બાદ એની લાશ લટકાવી હતી ત્યાં પહોંચેલા કબીરની મુલાકાત ઠાકુર,ગિરીશભાઈ અને વીર જોડે થાય છે.ગીરીશભાઈ અને વીર નાં વર્તન પરથી કબીર સમજી જાય છે કે એ બંને પોતાનાં એમની વિરુદ્ધ કરવામાં આવેલી ગતિવિધિ અંગે જાણી ચુક્યાં છે.વુડહાઉસમાં રાખેલી પેટીઓ કઢાવવાની વીર ગીરીશભાઈ ને સુચના આપે છે..

રાજુ નાં પરિવાર માં કોઈ હતું નહીં એટલે ઠાકુર પ્રતાપસિંહનાં માણસો દ્વારા એક તરફ એનાં અંતિમસંસ્કાર ની તૈયારી થઈ રહી હોય છે..જ્યારે બીજી તરફ કબીર વુડહાઉસમાં શાંતિથી બેઠો બેઠો જીવાકાકા એ બનાવેલું ભોજન આરોગી રહ્યો હોય છે..બપોરે પોતાને થોડું કામ છે એટલે ડિસ્ટર્બ ના કરવો એવું સૂચન કરી કબીર પોતાના રૂમમાં ચાલ્યો ગયો.કબીર ને બરાબરની ઊંઘ આવી હતી એટલે એ સાંજનાં ચાર વાગ્યાંનું એલાર્મ મૂકીને સુઈ ગયો.

સાંજે જેવું એલાર્મ વાગ્યું એ સાથે જ કબીર પલંગમાંથી બેઠો થયો અને હાથ-મોં ધોઈ ફ્રેશ થઈને ગાડી ની ચાવી લઈને નીચે આવ્યો.

"જીવાકાકા હું જાઉં છું મંદિરે..આરતી પતાવીને આવું.."

વુડહાઉસમાંથી બહાર નીકળતાં નીકળતાં કબીર જીવાકાકા ને ઉદ્દેશીને બોલ્યો..જવાબમાં જીવાકાકા કંઈપણ બોલે એ પહેલાં તો કબીર બહાર નીકળી ચુક્યો હતો.

બહાર નીકળીને કબીરે પોતાની ફોર્ચ્યુનર સ્ટાર્ટ કરી અને નીકળી પડ્યો શિવગઢ તરફ..કબીર જ્યારે મંદિર પહોંચ્યો ત્યારે પાંચ વાગી ગયાં હતાં..કબીરે ગાડી મંદિરની એક તરફ પાર્ક કરી અને મંદિર પરાસરમાં પ્રવેશ્યો.કબીર ને જોતાં જ હરગોવન મહારાજ એની જોડે આવ્યાં અને ઈશારાથી એને પોતાની જોડે એમની ઓરડીમાં આવવાં કહ્યું.કબીરે આજુબાજુ નજર કરી અને ચુપચાપ કંઈપણ બોલ્યાં વગર મહારાજની પાછળ પાછળ એમની ઓરડીમાં પ્રવેશ્યો.

કબીરનાં અંદર આવતાં જ હરગોવનભાઈ એ ઓરડીનો લોખંડનો દરવાજો આડો કર્યો અને કબીર ની તરફ જોઈને દબાતાં અવાજમાં કહ્યું.

"કબીર,તને ખબર છે રાજુ એ ગઈકાલે રાતે આત્મહત્યા કરી લીધી..?"

"હા સવારે એની લાશ જ્યાંથી મળી એ સમયે હું ત્યાં જ હતો..પેલાં બે નીચ ગીરીશ અને ઠાકુર ને પણ હું મળ્યો હતો.."મહારાજનાં સવાલનો જવાબ આપતાં કબીર બોલ્યો.

"કબીર તને શું લાગે છે..આ રાજુ એ આત્મહત્યા કેમ કરી હોવી જોઈએ..?"મહારાજે કબીરને સવાલ કર્યો.

આનાં જવાબમાં કબીરે ગઈકાલે રાતે કઈરીતે રાજુનું હૃદયરોગનાં હુમલામાં મોત થયું એ વિશે વિસ્તૃત રીતે જણાવ્યું..કબીર નાં દરેક શબ્દને મહારાજ આશ્ચર્ય સાથે સાંભળી રહ્યાં હતાં.એમને આ બધું પોતાની કલ્પના શક્તિથી પરે લાગી રહ્યું હતું.

કબીરની વાત જેવી પૂર્ણ થઈ એ સાથે જ હરગોવન મહારાજે કહ્યું.

"જે થયું એ મહાદેવ ની મરજી હશે..આમ પણ ઠાકુર અને ગિરીશનાં દરેક ગુનાનો આ સહભાગી હતો..એની આવી મોત થવી એ એનાં કર્મો ની જ સજા છે.."

"હશે હવે જે થવાનું હતું એ થઈ ગયું..પણ તમે નટુ ને અહીં આવવા કહ્યું છે કે નહીં..?કબીરે કહ્યું.

"મેં નટુ ને સાંજે અહીં પાંચ વાગ્યાં પછી આવવા તો કહેડાવ્યું હતું..એ હમણાં જ આવતો હશે.."કબીરનાં સવાલનો જવાબ આપતાં હરગોવન મહારાજ બોલ્યાં.

"સારું..તો નટુ આવે ત્યાં સુધી હું તમારાં આ લેન્ડલાઈનમાંથી એક કોલ કરી લઉં.."ઓરડીની એક તરફ ખૂણામાં પડેલ લેન્ડલાઈન તરફ ઈશારો કરી કબીરે કહ્યું.

"અરે કેમ નહીં.. તું તારે કરવો હોય એને ફોન કર..હું બહાર જાઉં છું..નટુ આવે તો એને લઈને અહીં આવું.."આટલું કહી હરગોવનભાઈ ઓરડીનો દરવાજો ખોલી બહાર નીકળી ગયાં.

હરગોવનભાઈ નાં બહાર જતાં જ કબીરે લેન્ડલાઈનનું રીસીવર હાથમાં લીધું અને એક નંબર ડાયલ કર્યો..સામે છેડેથી કોલ રિસીવ થતાં જ કબીરે પહેલાં તો પોતાનો પરિચય આપ્યો અને પછી અમુક જરૂરી સૂચનો આપી સંપર્ક વિચ્છેદ કરી દીધો.

કબીર આગળ શું કરવું એ વિચાર કરતાં ઓરડીમાં ઢાળેલાં ખાટલા પર બેઠો..દસેક મિનિટ વીતી હશે ત્યાં ઓરડીનો લોખંડનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળી કબીરનું ઘ્યાન એ તરફ ગયું..કબીરે જોયું તો હરગોવન મહારાજ ની જોડે એક પોતાની જેટલી જ ઉંમર ધરાવતો એક પુરુષ અંદર દાખલ થયો.સુકલકડી બાંધો અને વિરવિખેર વાળ જોઈ કબીરે અનુમાન લગાવી લીધું હતું કે એ શાયદ નટુ જ હતો..ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધાનો ભોગ બનેલી ગર્ભવતી તખી નો પતિ નટુ.

"કબીર આ નટુ છે.."કબીર ની જોડે આવી નટુ નો પરિચય એને આપતાં મહારાજે કહ્યું.

"મારુ નામ કબીર રાજગુરુ છે..હું એક મોટો લેખક છું.."પોતાનો પરિચય નટુ ને આપતાં કબીર બોલ્યો.

"બોલો..સાહેબ,મને અહીં કેમ બોલાવ્યો છે..?"નટુ એ કબીરની તરફ જોઈને પૂછ્યું.

કબીરે પહેલાં તો ઈશારાથી નટુ ને પોતાની સાથે ખાટલાં પર બેસવા કહ્યું.નટુ ખચકાતાં મને કબીરની સામે ખાટલામાં બેસી ગયો.

"નટુ મારાં થોડાં સવાલ છે..જેનાં તું સમજી વિચારીને જવાબ આપે એવું હું ઈચ્છું છું.."કબીરે શાંતિથી કહ્યું.

"હા પૂછો.."ટૂંકમાં જવાબ આપતાં નટુ એ કહ્યું.

"નટુ તને યાદ છે તારી પત્ની તખી કયા દિવસે ગાયબ થઈ હતી..?"કબીરે હવે જે કામ માટે નટુ ને બોલાવ્યો હતો એની આ સવાલ પૂછી શરૂઆત કરી લીધી.

પોતાનાં અને તખી વિશે કબીર કઈ રીતે જાણતો હતો એ સવાલ તો પહેલાં નટુ ને થયું..ઉપરથી કબીર કેમ તખીનાં ગાયબ થઈ જવાની ઘટનાને આજે ત્રણ વર્ષ બાદ યાદ કરી રહ્યો હતો એ વાતે તો નટુ નાં મનમાં હજારો સવાલો ઉભાં કરી મૂક્યાં..નટુ નાં મનમાં ચાલતાં સવાલોની ચાડી એનો ચહેરો ખાઈ રહ્યો હતો એ સમજતાં હરગોવન મહારાજ ને વાર ના થઇ.એમને નટુનાં ખભે હાથ મૂકી એની બેચેની દૂર કરવા કહ્યું.

"નટુ..તું પહેલાં કબીર નાં સવાલોનાં જવાબ આપ.પછી તને સમજાઈ જશે કે એ તને આ સવાલ કેમ પૂછી રહ્યો છે."

નટુ એ હરગોવન મહારાજની તરફ જોયું અને પછી કબીરની તરફ જોઈ કબીરે પુછેલા સવાલનો જવાબ આપતાં કહ્યું.

"મને પાકું યાદ છે એ દિવસે પોષ મહિનાની અજવાળી ચૌદશ હતી..એ દિવસે હું મારી ગર્ભવતી પત્નીને મૂકીને કડીયાકામ માટે દોલતપુર ગયો હતો.ત્યાં એક રાત રોકાવું પડે એવું હતું એટલે હું એક રાત રોકાઈ ગયો..સવારે જ્યારે ઘરે આવ્યો તો મારી તખી નહોતી.મેં એને ઘણી શોધી પણ મને એ ક્યાંય ના મળી..લોકો કહે છે એ કોઈ પરપુરુષ જોડે ભાગી ગઈ હશે.. પણ સાહેબ મારી તખી એવી નહોતી."

આટલું બોલતાં તો નટુ રડી પડ્યો..એની આંખોમાંથી વહેતાં આંસુ દર્શાવી રહ્યાં હતાં કે એ પોતાની પત્ની તખી ને કેટલો પ્રેમ કરતો હતો..કબીરે ઉભાં થઈ માટલામાંથી એક ગ્લાસ પાણી ભરીને નટુ ને આપ્યું..પાણી પીધાં બાદ નટુ થોડો સ્વસ્થ થયો એટલે કબીરે કહ્યું.

"નટુ મને ખબર છે કે તારી પત્ની તને બહુ પ્રેમ કરતી હતી અને એ ભાગી પણ નથી ગઈ.પણ એની સાથે તો આ બધાં કરતાં પણ વધુ ભયંકર ઘટિત થયું છે.."

"મારી તખી કોઈ જોડે ભાગી નથી ગઈ પણ એની સાથે કંઈક ખરાબ ઘટિત થયું છે એવી તમને કઈ રીતે ખબર..?"આશ્ચર્ય સાથે નટુ એ પૂછ્યું.

"નટુ..મને એ કહેતાં ખેદ થાય છે કે તારી પત્ની ની હત્યા કરવામાં આવી છે..એ તમારાં બાળકને જન્મ આપે એ પહેલાં જ એની નિર્મમ હત્યા કરી દેવાઈ છે.."નટુ નાં હાથ પર પોતાનો હાથ મૂકી કબીર બોલ્યો.

"આ બધું તમે કઈ રીતે કહી શકો છો કે મારી તખી મૃત્યુ પામી છે..?"ગુસ્સા મિશ્રિત સ્વરે નટુએ સવાલ કર્યો.

નટુનાં પુછાયેલાં આ સવાલનાં જવાબમાં કબીરે પોતાનાં શિવગઢમાં પગ મૂક્યાં બાદ જે કંઈપણ થયું એ વિશે એક પછી એક નાનામાં નાની વસ્તુ જણાવી દીધી.રૂહ સ્વરૂપે રાધાનું પોતાને મળવું અને ઠાકુર દ્વારા બલી લેવામાં આવતી હોવાની વાત કબીરે નટુ ને કહી સંભળાવી..રાજુ ની મોત નું કારણ પણ કબીરે આ સાથે જણાવ્યું.પોતે જ મોહન હોવાથી સાબિતી રૂપે હાથ પરનું છુંદણું પણ કબીરે મોહનને બતાવ્યું.કબીર જે કંઈપણ બોલી રહ્યો હતો એ બધું નટુ શાંતિથી સાંભળી રહ્યો.

"નટુ તને શું લાગે છે..હું સાચું બોલી રહ્યો છું કે ખોટું..?"પોતાની વાત પૂર્ણ કર્યાં બાદ કબીરે નટુને ધીમેથી પૂછ્યું.

"તું મોહન છે..અમારો મોહન..મોહન,રાધા ની મોત તો મને પણ બહુ વિચિત્ર જ લાગી હતી કેમકે જેનાં પોતાનાં પ્રેમી સાથે જ લગ્ન થવાનાં હતાં એવી યુવતી આત્મહત્યા કરે એનું મને આશ્ચર્ય જરૂર હતું..રાધા ની આત્મા ભટકતી હોવાની વાત પણ મેં સાંભળી હતી..ગામમાંથી એકપછી એક સ્ત્રીઓ ચોક્કસ સમયગાળામાં ગાયબ થઈ હતી અને તખી સાથે પણ એવું જ કંઈક થયું..મને તો તારી બધી વાતો એકદમ સાચી લાગે છે.."કબીરની તરફ જોઈ નટુ બોલ્યો.મોહનને પોતાની સામે જીવતો જાગતો જોઈ નટુની આંખો હરખથી ઉભરાઈ આવી.

"નટુ..મને તો અત્યારે મારો ભૂતકાળ સંપૂર્ણ યાદ નથી..પણ હું આ ગામની માટીમાંથી પેદા થયેલો મોહન છું..આ ગામનાં લોકો જોડે થઈ રહેલો અન્યાય મારાંથી સહન નહીં થાય..હું મારી અને રાધાની જોડે જે કંઈપણ થયું એનો પણ બદલો લેવાં માંગુ છું એ હરામખોર ઠાકુર અને ગિરીશ જોડે.."આવેશમાં આવી કબીર બોલ્યો.

"હું પણ મારી તખીની મોત નો હિસાબ એ દુષ્ટ લોકો સાથે લેવાં ઈચ્છું છું..બોલ મોહન આ નેક કામમાં હું તારી શું મદદ કરી શકું..?"જોશમાં આવી નટુ બોલ્યો.

"નટુ તારે એક કામ કરવાનું છે જે વિશે હું તને એક-બે દિવસમાં જણાવીશ..પણ એ પહેલાં તારે થોડી માહિતી એકઠી કરીને કાલે સાંજ સુધીમાં મને અહીં મળવાનું છે.."આટલું કહી કબીરે નટુ ને કઈ માહિતી એકઠી કરવાની હતી એનો વૃતાંત આપી દીધો.

"સારું એ કામ થઈ જશે..હવે તો આ જાન પણ જતી રહેશે તો પણ ચાલશે પણ તખીનાં એ હત્યારાઓને જીવતાં છોડવા મંજુર નથી.."દાંત કચકચાવીને નટુ બોલ્યો..નટુ નાં અંદર આવેલો ગુસ્સો એની આંખો પરથી પણ સમજી શકાતો હતો.

"નટુ તું હવે જઈ શકે છે.."કબીરે કહ્યું.

"અરે ના..આજે તો મારો મોહન આરતી ઉતારશે એટલે આરતી લઈને જ નિકળીશ..ઘણાં વર્ષો થઈ ગયાં મહાદેવ નાં સૌથી મોટાં ભક્ત ને એની આરતી ઉતારતાં જોવાં નો લ્હાવો લીધાં વગર હવે આ નટુ નહીં જાય.."ઉત્સાહમાં આવી નટુ બોલ્યો.

"ચાલો ત્યારે.."નટુની વાત સાંભળી હરખભેર હરગોવન મહારાજ બોલી પડ્યાં.

ત્યારબાદ કબીરે સળંગ બીજે દિવસે પોતાનાં હાથે મહાદેવ ની ભક્તિભાવ સાથે આરતી ઉતારી..કબીર જે રીતે આરતી ઘુમાવી રહ્યો હતો એ જોઈ નટુ નાં મનમાં એ વાત પાકી બેઠી ગઈ કે એ મોહન જ હતો..ભલે એને પોતાનો ભૂતકાળ યાદ નથી કે નથી એનો ચહેરો મોહનને મળતો.

"સારું ત્યારે હું નીકળું..જય મહાદેવ.."આરતી પૂર્ણ થતાં પોતાનાં ત્યાંથી જવાની રજા લેતાં નટુ એ કબીરને કહ્યું.

"સારું..જય મહાદેવ.."નટુ ને સહમતી આપતાં કબીરે કહ્યું.

નટુ નાં ગયાં બાદ કબીર પણ થોડો સમય મહારાજ જોડે વાતચીત કર્યાં બાદ ગાડી સ્ટાર્ટ કરી વુડહાઉસ તરફ ચાલી નીકળ્યો..નટુ પણ હવે પોતાની ગેંગમાં સામેલ થઈ ગયો હતો એ વાતની ખુશી કબીરનાં ચહેરા પર સાફ દેખાઈ રહી હતી.

આ તરફ પોતાનાં ઘરે પહોંચીને નટુ એ પોતાની અલમારી ખોલી અને પોતાની પત્ની તખી ની તસ્વીર બહાર નીકાળી એને પહેલાં તો ચૂમી લીધી અને પછી છાતી સરસી ચાંપી અને જોરજોરથી આક્રંદ કરવા લાગ્યો..એની આંખોમાંથી અત્યારે જે આંસુ નીકળી રહ્યાં હતાં એ પોતાની પત્ની ને સદાયને માટે ખોવાનાં જરૂર હતાં પણ આ આંસુમાં એક લાવા હતો જે ઠાકુર પ્રતાપસિંહ ને નેસ્તનાબુદ કરી મુકવાનો હતો.

આજે તો નટુ ને ખાવાનું પણ ના સુજ્યું અને એ નીકળી પડ્યો કબીરે જે કામ કહ્યું હતું એ કામ કરવા માટે..!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીરે નટુ ને કયું કામ સોંપ્યું હતું..?વીર કઈ પેટીઓની વાત કરી રહ્યો હતો...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ